|| શિક્ષાપત્ર ૩૮મું || … અને (૩૯) ભલે હી મેરે આયે … (પદ) …

|| શિક્ષાપત્ર ૩૮મું || …

 

 

pushti prasad 32

 

 

સાડત્રીસમા શિક્ષાપત્રમા આઠ શ્લોકોથી જીવનાં નિઃસાધનતા નાં સ્વરૂપ વિષે વિચારાયું છે જેમાં જીવમા રહેલા દોષને કારણે હૃદયમાં શુધ્ધભાવ અને દીનતાનો અભાવ, સર્વાત્મભાવનો અભાવ, શ્રી મહાપ્રભુજી પ્રત્યેની આજ્ઞાઓનું પાલન કરવા માટેની ઉદાસીનતા, સત્સંગ, સેવા, વિવેક ધૈર્ય, શરણારગતિનો અભાવ,  શ્રી પ્રભુનાં માહાત્મ્ય પ્રત્યેનું અજ્ઞાન, વ્યાવૃતિમાં અને લૌકિકમાં અતિ પ્રવૃત રહેતા, મન પર કાબૂ ન હોવો, અન્ય ધર્મ પ્રત્યે આસક્તિ થવી વગેરે વિષે દર્શાવવામાં આવ્યું છે.

 
જ્યારે આડત્રીસમાં શિક્ષાપત્રને ૧૯ શ્લોકોથી શણગારતાં કહેવાયું છે કે શ્રી ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે, અને ભગવતી રમા વૈંકુઠની વિભૂતિરૂપ છે. જ્યારે  શ્રી કૃષ્ણ રસાત્મક છે અને તેઓ ક્ષર અક્ષરથી વિશિષ્ટ છે.  તેમનું આદ્ય બ્રહ્માંડ અત્યંત વિરાટ છે. પૂર્ણ પૂર્ણાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભાવાત્મક હોઈ તેમને ભાવથી જ અનુભવી શકાય છે. પ્રભુ શ્રી કૃષ્ણનાં વિવિધ સ્વરૂપોનો વિચાર કરતાં કરતાં પ્રથમ શ્લોકમાં કહે છે કે…….

 

કૃષ્ણે રસાત્મકે નિત્યં ગોપિકામંડલસ્થિતે ।
યમુનાપુલિનાન્તસ્થવૃન્દાવનવિરાજિતે ।।૧।।

 

નિત્યગાનરસાવિષ્ટે વિશિષ્ટેડક્ષરતઃ ક્ષરાત્ ।
ભાવૈકગમ્યે સર્વત્ર પ્રસિધ્ધે પુરુષોત્તમે ।।૨।।

 

યસ્યાવતારઃ પુરુષઃ આદ્યો બ્રહ્માણ્ડવિગ્રહઃ ।
તસ્યાંશા એવ યે ભૂમો મત્સ્યાદ્યા ઇતિ બુધ્ધયતામ ।।૩।।

 

અર્થાત શ્રીકૃષ્ણ રસાત્મક છે. તેઓ ગોપિકાઓના મંડળ મધ્યે નિત્ય સ્થિતિ કરીને રહેલા છે. શ્રી યમુનાજીનાં તટ્ટ પાસે આવેલા વૃંદાવનમાં બિરાજી રહેલા છે. તેઓ નિત્ય ગાનરસમાં આવિષ્ટ રહે છે. ભાવથી જ અનુભવી શકાય છે. તેઓ સર્વત્ર પુરુષોત્તમ સ્વરૂપ છે. જેમનો આદ્ય અવતાર બ્રહ્માંડરૂપ વિરાટ સ્વરૂપ છે. ભૂમિ પર જે મત્સ્યાદિ વગેરે જે અવતાર છે, તે રસાત્મક પુરુષોત્તમનાં અંશ છે. આ શ્લોકનાં શબ્દાર્થનું વિવેચન કરાતાં કહેવાયું છે કે પ્રભુ સચ્ચિદાનંદ છે

 

સચ્ચિદાનંદનો અર્થ બતાવતા શ્રી હરિરાયજી પ્રભુ કહે છે કે સત્, ચિત્ત અને આનંદનું સ્વરૂપ છે જેમાં સત્ એટ્લે જડત્વચિત્ એટ્લે ધર્મનું સ્વરૂપ, અને આનંદ એ પરમાનંદનું સ્વરૂપ છે. આમ શ્રી પ્રભુ જડ પદાર્થોમાં પણ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપે વસેલા છે. આપણું સ્થૂળ શરીર એ સત્ ધર્મનું સ્વરૂપ છે.જેમાં આત્મા એ ચિત્ ધર્મનું સ્વરૂપ છે. જેમ પ્રભુ સત્ય છે એમ પ્રભુનું સૂક્ષ્મ, સાકાર અને નિરાકાર સ્વરૂપરૂપી જગત પણ સત્ય છે. જેનાં સમસ્ત પદાર્થોમાં ભગવદ્અંશ રહેલ છે તેથી આ જગત પણ મિથ્યા નથી કે જગતમાં કશું જ મિથ્યા નથી એવું આ જગત એ પ્રભુનું જ અંશાત્મક સ્વરૂપ છેસર્વત્રે પ્રભુનું ધ્યાન સ્મરણ થાય તેવું આ જગત એ પ્રભુનું આધિભૌતિક સ્વરૂપ છે. જે આંખે ન દેખાય પણ જેનો અનુભવ થાય તેનું નામ અક્ષરબ્રહ્મ છે. તે અક્ષરબ્રહ્મ જ્યાં બિરાજી છે તેને વ્યાપી વૈંકુંઠ કે ગોલોકધામ તરીકે ઓળખવામાં આવે છે. રસાત્મક પ્રભુ સ્વયં કોઈ ભૌતિક સ્થળ કે વસ્તુઓમાં ન બિરાજતાં સ્વયંની અંદર જ બિરાજે છે. તેથી એમ કહી શકાય કે જે સ્થાનમાં પ્રભુ બિરાજે છે તે સ્થાનને ઉત્પન્ન કરનારા પણ પ્રભુ છે અને બિરાજનારા પણ પ્રભુ છે. પરંતુ પ્રભુનું એ સ્વ્સ્થાન સૌ કોઈને નજરમાં આવતું નથી ફક્ત જે ભક્તજન હોય છે તેમને જ એ સ્થાન દેખાય છે. પરંતુ જ્ઞાનીજન એ સ્થળને પોતાના જ્ઞાનમાં, ધર્મીજન ધર્મમાં કર્મીજન પોતાના સારા કર્મોમાં એ (દિવ્ય ગૌલોકધામને) સ્થાનને જુએ છે, અર્થાત એ સ્થાનનો અનુભવ કરે છે ત્યારે તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.

 

પ્રભુનું અપ્રાકૃત અને પૂર્ણ પુરુષોત્તમ એવું ત્રીજું સ્વરૂપ તે આધિદૈવીક સ્વરૂપ છે. આ સ્વરૂપને વેદોમાં પૂર્ણ બ્રહ્મ તરીકે ઓળખવામાં આવ્યું છે. શ્રુતિઓને પણ પ્રભુના અપ્રાકૃત સ્વરૂપનાં દર્શન થયા નથી તેથી શ્રુતિઓએ પ્રભુને નિરાકાર સ્વરૂપે ઓળખ્યા છે. જ્યારે ઉપનિષદોએ કહ્યું છે કે જે બ્રહ્મ સચરાચર સૃષ્ટિમાં પોતાના અંશ રૂપી આત્મા સાથે બિરાજીને હૃદય સ્થિતે બિરાજે છે ત્યારે એજ પરમઆત્મા પ્રભુ તે પરમાત્મા તરીકે ઓળખાયા છે. સંતો, વિદ્વાનો અને ભક્તજનો એ જ પરમાત્માને ભગવાન રૂપે ઓળખે છે. વેદોમાં ભગવાનનો અર્થ બતાવતાં કહ્યું છે કે ભગ એટ્લે ઐશ્વર્ય અને જેમનામાં ષડ્ ધર્મયુક્ત ઐશ્વર્ય રહેલ છે તે ભગવાન છે. ભગવાનનો બીજો અર્થ છે દ્રશ્યમાન અને સાકાર બની શકે, આંખોનો વિષય બની શકે તે ભગવાન છે. પરંતુ હૃદયમાં રહેલા એપરમાત્માથી અને ભગવાનથી જ્ઞાનીઓ, વિદ્વાનો, કર્મમાર્ગીયોને સંતોષ થાય ભક્તજનોને સંતોષ ન થાય તેથી ભક્તોને પ્રિય અને મધુરું લાગે સુંદર સ્વરૂપ પૂર્ણબ્રહ્મ મધુરાધિપતિ નંદનંદનનું સ્વરૂપ છે જે પોતાના ભક્તજનોને આનંદિત બનાવવા માટે યશોદોત્સંગલાલિત બનીને  વ્રજમાં પધાર્યા અને ગોપીજન વલ્લભ બનીને વિચર્યા છે, ગિરિરાજધરણ બનીને ભક્તોનો નિરોધ કર્યો છે તેમજવૃંદાવન વિહારી બનીને ભક્તોને રસાનંદની પ્રાપ્તિ કરાવી છે. ભગવાન વિષ્ણુનાં જે સ્વરૂપે આત્માને ઉપદેશ આપવા માટે અવતાર ધારણ કર્યો છે તે સ્વરૂપ તેજ પરમાત્મા જગતમાં વ્યાપક બ્રહ્મ અને ભગવાન તરીકે ઓળખાય છે.

 

અક્ષરં ધામ વૈકુણ્ઠં વ્યાપિસંજ્ઞકમ્ ।
બ્રહ્માનન્દદસ્તત્ર લક્ષ્મીઃ પૂર્ણાનન્દો હરિઃ સ્વયમ્ ।।૪।।

 

રમાવૈકુણ્ઠવાસી તુ વિભૂતિર્યસ્ય વૈષ્ણવી ।
રમા તુ પાલિકા તત્ર શક્તિરિત્યવગમ્યતામ્ ।।૫।।

 

અર્થાત અક્ષરધામ જ વ્યાપિવૈકુંઠ અને ગોલોકધામનાં નામે ઓળખાય છે.ત્યાં ભગવાન વિષ્ણુ બ્રહ્માનંદ સ્વરૂપે બિરાજે છે. આ વૈંકુંઠધામની આદીશક્તિ તે રમા છે જે લક્ષ્મીજીને નામે ઓળખાય છે. (પરંતુ ભગવાન વિષ્ણુનું પૂર્ણ પૂર્ણાનંદ સ્વરૂપ એવા પ્રભુ શ્રી કૃષ્ણ તે વૈંકુંઠથીયે ઉત્તમ એવા ગોલોકધામમાં રહે છે જ્યાં વૈંકુંઠધામનું પાલન કરનારી એવી લક્ષ્મીસ્વરૂપ સ્વામિની શ્રી રાધિકા તરીકે ઓળખાય છે જે શ્રી ઠાકુરજી સાથે બિરાજે છે.) અક્ષરધામ તે વ્યાપિ વૈંકુંઠ છે આ વ્યાપિ વૈંકુંઠધામ લોકોલોક પર્વતથી પણ પર છે જે સર્વત્રે વ્યાપક હોવાથી રેકને ભિન્ન ભિન્ન અનુભવ થાય છે.જેમાં જ્ઞાનીઓ પ્રભુને વ્યાપક સમજે છે તેથી તેમનો દાસભાવ રહેતો નથી તેથી જ્ઞાનીઓની દૃષ્ટિ વ્યાપી વૈકુંઠ સુધી જ સિમિત છે. પુષ્ટિમાર્ગની રીતથી શ્રી પ્રભુ ભૂમિ ઉપર બિરાજે છે અને લીલાનો અનુભવ થાય છે. તેથી વૈષ્ણવજનોને શ્રી પ્રભુના દર્શન ભીતર થાય છે. જ્યારે અક્ષરધામ વૈકુંઠમાં બ્રહ્માનંદ રૂપ લક્ષ્મી છે. તેથી અક્ષરબ્રહ્મની ઉપાસનાવાળા બ્રહ્માનંદ રૂપ લક્ષ્મીજીમાં યુક્ત થાય છે. બ્રહ્માનંદ એજ જ્ઞાનીઓનો મોક્ષ છે.

 
બીજું એક રમા વૈકુંઠ પણ છે. જે અક્ષરધામની વિભૂતિ રૂપ છે અને ત્યાંના વાસી વિષ્ણુ છે. તેઑ પૂર્ણાનંદ હરિની વિભૂતિ છે, ત્યાંની પાલિકા શક્તિ લક્ષ્મી છે. જ્યાં જ્યાં પ્રભુ બિરાજે ત્યાં ત્યાં શક્તિ પણ તે તે રૂપે બિરાજે છે. જેમ કે શ્રી, પુષ્ટિ ગિર કાન્તતુષ્ટિ કીર્તિ ઈલા,  ઊર્જા,  વિદ્યા અવિધ્યા,  શક્તિ અને માયા આમ આ દ્વાદસ શક્તિ છે.

 

મૂલભૂતસ્યાવતારે મૂર્તિવ્યુઁહોડલિધીયતે  |
પ્રદ્યુમન્નૌ વાસુદેવશ્વાનિરુધ્ધૌડનંત એવ ચ ||૬||

 

વ્યૂહં વિરચ્ય યસ્તત્ર સ્થાપ્યતે પ્રાપ્યતે ન સ: |
તથૈતૈરાવૃત: કૃષ્ણો નાવતારેડવગમ્યતે ||૭||

 

એટલે કેમૂળભૂત (કૃષ્ણ) અવતારમાં અવતારરૂપ મૂર્તિવ્યૂહ કહેવાય છે. જે પ્રદ્યુમ્ન વાસુદેવ અનિરૂદ્ધ અને સંકર્ષણ રૂપે સ્થિતિ કરે છે. આ વ્યુહને રચીને પછી તેમાં જે સ્થાપન કરવામાં આવે છે તે પોતે કૃષ્ણ નથી. આ પ્રમાણે આવૃત્ત થયેલા શ્રીકૃષ્ણ અવતારમાં ગમ્ય નથી. અગમ્ય રહે છે. 

 

અત્રે શ્રી પ્રભુ શ્રી વાસુદેવજીને ત્યાં ચતુર્ભુજ રૂપે પ્રકટ થયા, પરંતુ સર્વ અવતારોના મૂળભૂત એ મૂર્તિ સ્વયં એક જ છે. પ્રદ્યુમન્નો વાસુદેવશ્વચાનિરુદ્રોનન્ત એવ ચ. આમ પ્રભુ ચાર વ્યૂહ રૂપે તથા શ્વેતકેશ અને શ્યામકેશ એમ બીજા બે સ્વ સ્વરૂપ સહિત ષટ્ પ્રકારનું સ્વરૂપ પ્રકટ થયું છે.

 

એમાસંકર્ષણ વ્યુહ દુષ્ટોનો નાશ કરવાવાસુદેવ વ્યુહ મોક્ષનું દાન કરવાપ્રદ્યુમન્ન વ્યુહ વંશવૃદ્ધિનાર્થે તથા અનિરુદ્ધ વ્યુહ ભક્તોની રક્ષાર્થે આમ અનેક કારણોથી આ વ્યુહો પ્રકટ થયા છે. પ્રભુનો જન્મ યાં અવતાર થતો નથી અને આજે આ વાત શ્રીભાગવતજીમાં આ પ્રમાણે કહેવાય છે.

 

શ્રીભાગવતજીનો શ્લોક

 

“જયતિ જનનિવાસો દેવકીજન્મવાદો
યદુવરષરિપત્સ્વૈર્દોર્ભિરસ્યન્નધર્મમ્ |
સ્થિરચરવૃજિનધ્ર: સસ્મિતશ્રીમુખેન
વ્રજપુરવનિતાનાં વર્ધ્ધાયન્ કામદેવમ્ ||”

 

અર્થાતજે પોતાના જનોના નિવાસરૂપ છે. દેવકીજીને ત્યાં શ્રીકૃષ્ણનો જન્મ નામ માત્ર જ છે. જેમ પૂર્વ દિશાથી ચંદ્ર અને સૂર્ય પ્રકટે એમ દેખાય છે પણ વસ્તુત: ચંદ્ર તથા સૂર્ય પૂર્વ દિશામાંથી પ્રકટ થતા નથી, તેમ શ્રી પ્રભુ તથા દેવકીજીનો સંબંધ એ નામ માત્ર જ છે. શ્રી પ્રભુ વસ્તુત: દેવકીજીને ત્યાં જન્મ લેતા નથી. યદુકૂળના શ્રેષ્ઠ યાદવો જેમની સત્તા છેએવા શ્રીકૃષ્ણ નિજ હસ્તથી

અધર્મનો નાશ કરે છે તેથી વૃન્દાવનના વૃક્ષોનો વેણુનાદનાં સંબંધથી જડત્વપણાનું દુઃખ નિવૃત્ત કરે છે અને વ્રજની તથા પુરની સ્ત્રીઓના કામદેવની વૃદ્ધિ કરે છે. એવા શ્રીકૃષ્ણ સર્વથી અધિક છે. ચારે વ્યુહ અવતારોની ઉપાસનાથી શ્રીકૃષ્ણનું અવગાહન થઇ શકે છે. કેમ કે પૂર્ણ પુરૂષોત્તમ શ્રી કૃષ્ણ સર્વમાં છે અને સર્વથી ન્યારા છે. વ્યુહાત્મક સ્વરૂપો કાર્ય પૂર્ણ થતા પાછા સ્વધામમાં પધારે છે. શ્રીકૃષ્ણ તો નિત્ય લીલા વિનોદ કરે છે. વ્યુહની ઉપાસનાથી સ્વર્ગ લોક તથા સાયુજ્ય, સામીપ્યસાલોક્ય અને મુક્તિ ચાર ફળ પ્રાપ્ય છે. ભક્તિરસની પ્રાપ્તિને માટે શ્રીકૃષ્ણની ભક્તિ જ આવશ્યક છે. જેથી શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ.  શ્રીકૃષ્ણનું મહાત્મ્ય જીવથી સત્સંગ વિના પામી શકાતું નથી.

 


અત એવ જના ભ્રાંતા: પ્રાકૃતં તં વદન્તિ હિ |
અંશકાર્યં મૂલરૂપે કલ્પયંત્યજ્ઞતાં ગતા: ||૮||

 

એટલે કેજીવો ભ્રાન્તિમાં પડી જાય છેતેથી જીવો શ્રીકૃષ્ણને પ્રાકૃત કહે છે અને અજ્ઞાનવશ જીવો વ્યુહઅંશના કાર્યને ફળરૂપ કલ્પે છે.

 

કૃષ્ણસ્તુ કેવલં લીલાં કરોતિ રસરૂપિણીમ્ |
ભૂભારહરણં ચક્રે કલાભ્યામેન સર્વથા ||૯||

 

અર્થાતશ્રીકૃષ્ણ તો કેવળ રસરૂપ લીલા કરે છે. શ્રીકૃષ્ણે તો પૃથ્વીના ભારનું હરણ તો સર્વથા કલા વડે જ કર્યું છે.

 

પરમાનંદદાનં તું સ્વરૂપેણેતિ નિશ્ચય : |
વ્રજસ્થ એવ સતતં પુરસ્થો વા કૃપાપર : ||૧૦||

 

તત્રાપિ રૂપભેદેન ક્રિડતિ સ્મ તથા રસ: |
ધર્મીમાત્રં સ્વમર્યાદારહિતં કેવલં વ્રજે ||૧૧||

 

અર્થાતજે શ્રીપ્રભુ પોતે નિત્ય મથુરાપ્રદેશ અને વ્રજમાં બિરાજે છે તેજ સ્વરૂપ પરમઆનંદનું અને પરમઆનંદનાં ફળનું  દાન કરે છે. તેમાં પણ રસરૂપ પ્રભુ પોતે રૂપ ભેદ કરીને ક્રીડા કરે છે. 

 

મર્યાદા સહિત કેવળ ધર્મી રૂપ જ વ્રજમાં છે.

 

સ્વધર્મવિશિષ્ટં તુ સમર્યાદં પુરે મતમ્ |
ઉચ્છ્રંખલા તુ યા લીલા કેવલેન વ્રજે કૃતા ||૧૨||

 

પરમાનન્દરૂપા સા બાલલીલાદિભેદત: |
સર્વત્ર રસલીલાત્વં ગૂઢભાવેન વર્ણિતમ્ ||૧૩||

 

પોતાની એટલે કેમથુરામાં તથા દ્વારકામાં જે પ્રભુ સ્વરૂપ બિરાજે છે તે સર્વ ધર્મયુક્ત છે. જે લીલાઓ સ્વતંત્ર અને મર્યાદા રહિત છે. જે કેવળ વ્રજમાં જ કરવામાં આવેલી લીલાઓ રસાત્મક સ્વરૂપે બાળલીલાદિ ભેદરૂપે પરમાનન્દ રૂપ છે જેની સર્વ ગૂઢભાવની રસલીલાનું વર્ણન કરવામાં આવેલું છે.

 

કામરૂતયા કૃષ્ણે વયો ન હિ નિયામકમ્ |
એતાદ્દશે મૂલરૂપે મૂલલીલાસમન્વિતે  ||૧૪||
 ચિત્તં નિરંતરં સ્થાપ્યં સૈવ સેવા સ્વમાર્ગગા |
તત્સિદ્ધયર્થ શરીરેણ વિત્તેનાડપિ વિધીયતામ્  ||૧૫||

 

 અર્થાતશ્રી કૃષ્ણમાં કામરૂપતાની દ્રષ્ટિએ તેમની વય નિયામક નથી. એવા મૂલ લીલાયુક્ત કૃષ્ણના મૂલસ્વરૂપમાં ચિત્તને સ્થાપવું આનુજ નામ આપણી માર્ગીય સેવા અને તેવી સેવા સિદ્ધ કરવા માટે તનુ એટલે તન અને વિત્તજા એટલે ધનથી સેવા કરવી જોઈએ.

 

 વિવેચનના ભાવથી જોવાતાવ્રજના સ્વરૂપમાં તેમજ મથુરા અને દ્વારકા સ્વરૂપમાં ભેદ છે અને ફળમાં પણ તે પ્રમાણે ભેદ છે. મથુરા અને દ્વારકાનું સ્વરૂપ ધર્મ સહિત અને મર્યાદા સહિત છે જે ધર્મ સ્વરૂપ છે. જે ધર્મનું સ્થાપન કરવાદુષ્ટોનો નાશ કરવા અને પૃથ્વીનો ભાર ઓછો કરવા એ ત્રણ કાર્યો માટે પ્રગટ થયેલ છે. અત્રે શ્રીહરિરાયચરણ સમજાવે છે કેમથુરામાં વસુદેવ અને દેવકીજીને ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે શ્રાવણ વદ અષ્ટમીની મધ્ય રાત્રિએ પ્રગટ થયા એ ધર્મસ્વરૂપ પુરુષોત્તમ છે.

 

 મથુરાથી વાસુદેવજીએ ધર્મ સ્વરૂપને ગોકુળમાં શ્રીનંદરાયજીને ત્યાં પધરાવી લાવ્યા છે.  ધર્મ એટલે પાત્રધર્મ પાત્રમાં બિરાજનારો રસ. જેથી એ ધર્મી સ્વરૂપી પાત્રમાં ગોકુળમાં પ્રગટ થયેલા યશોદોત્સંગલાલિત રસ સ્વરૂપે બિરાજી ગયા.  અને ગોકુળમાં સૌને એકજ સ્વરૂપે દર્શન થયા. બે સ્વરૂપ એક થઈને બિરાજ્યા. અગિયાર વર્ષ અને બાવન દિવસ વ્રજમાં લીલા કરી. એમાં આવેલા પૂતના વધઅસુરોનો સંહાર એ ધર્મ સ્વરૂપની લીલા છે. તથા માખણચોરી, બાળલીલારાસલીલાગૌચરણવસ્ત્રાહરણવગેરે એ પુર્ણપુરુષોત્તમ રસાત્મક ધર્મી સ્વરૂપે કરી અને જ્યારે અક્રૂરજી શ્રી કૃષ્ણને મથુરા પધરાવવા માટે આવ્યા ત્યારે ધર્મ સ્વરૂપ પાછું પધાર્યું. ધર્મી સ્વરૂપ વ્રજ ભક્તોના હૃદયમાં જ બિરાજી ગયું. આથી મથુરાની અને દ્વારકાની જે લીલા છે તે ધર્મ સ્વરૂપની લીલાઓ છે, માટે સેવન ધર્મી સ્વરૂપનું જ થાય. શ્રી હરિરાયજી સમજાવે છે કેઆ ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપની લીલાઓનું સ્મરણ,શ્રવણ અને કિર્તન કરવાથી નિરોધ સિદ્ધ થાય છે.

 

 નિવેદનાનુસંધાનં વિધેયં તાદ્દશૈ: સહ |
સત્સંગ એવ કર્તવ્યો વિશ્વાસ: સ્થાપ્યતાં દ્રઢ : ||૧૬||

 

 એટલે કેનિવેદનનું અનુસંધાન તાદૃશી ભગવદી સાથે સત્સંગ પણ કરવો અને દ્રઢ વિશ્વાસ રાખવો.  શ્રીકૃષ્ણમાં ભાવ પ્રકટ થાય તે માટે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ એકત્ર થઇ નિવેદનનું અનુસંધાન કરવું.

 

 કૃષ્ણ કૃપાપરાધીનો દીનાનામનુપેક્ષક : |
સ્વકીયાનામનન્યભાવાત્કરિષ્યત્વવનં સ્વત: ||૧૭||

 

અર્થાતપોતાના કૃપાગુણને લીધે શ્રીકૃષ્ણ ભક્તજનો અને દીનજનોને પરાધીન હોવાથી તદીય જનોની ઉપેક્ષા કરતાં નથી અને પોતાના ભક્તોના અનન્ય ભાવને લીધે પોતે જ તેમની રક્ષા કરે છે, અને કરશે જ એ દ્રઢ વિશ્વાસ પુષ્ટિ વૈષ્ણવોએ જરૂર જ રાખવો. આમ પ્રભુ શ્રીકૃષ્ણ પોતાના દાસને આધીન છે.

 

ધર્મમાર્ગપ્રવૃત્તિસ્તુ ચિત્તશુદ્ધયા યથા હરૌ |
મતિ: સ્યાન્નૈવ પાખંડે તદર્થં સર્વથેષ્યતે ||૧૮||

 

માર્ગપ્રવર્તકચાર્યચરણેષુ નિરંતરમ્ |
વિશ્વાસ: સુર્દઢ: કાર્યસ્તત: સર્વં ફલિષ્યતિ ||૧૯||

 

વિશેષો ગોવર્ધનદાસપત્રાજજ્ઞેય: કિમધિકમ્ |

 

એટલે કેધર્મમાર્ગીની પ્રવૃત્તિ તો ચિત્ત શુદ્ધિ માટે જ છે. જેમ હરિમાં ગતિ થાય અને પાખંડમાં ગતિ ન રહે. આ માટે પુષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રી આચાર્યજીના ચરણકમળમાં દ્રઢ વિશ્વાસ રાખવો. એનાથી સઘળું સિદ્ધ થશે. વધુ વાત ગોવર્ધનદાસના પત્રથી જાણશો.

 

આમ અત્રે શિક્ષાપત્ર આડત્રીસમું સંકલિત કરાતાએક વાર ફરીથી જાણીએ કે, શ્રી ભગવાન પૂર્ણાનંદનું સ્વરૂપ તે રમા વૈકુંઠમાં વિભૂતિરૂપે બિરાજે છે. જેમ વ્યુહ રચનામાં રહેલ પુરુષ કોઈને પ્રાપ્ત થતા નથી તેમ વ્યૂહમાં બિરાજતા શ્રી પુરુષોત્તમ અભકતોને મળતા નથી. પ્રભુ તો સદા રસાત્મક લીલા કરે છે. ભૂભારણાદિક તો અંશનું કામ છે. શ્રી કૃષ્ણ સર્વોપરિ છે જેઓ ધર્મીસ્વરૂપ સહિત વ્રજમાં બિરાજે છે. 

 

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૩૯)  ભલે હી મેરે આયે … (પદ) …
કવિ- તાનસેનજી

 

 

tansen

 

ભલે હી મેરે આયે હો પિય ઠીક દુપહરી કી બિરીયાં ।
શુભ દીન શુભ નક્ષત્ર શુભ મહૂરત શુભ પલ છિન શુભ ઘરિયા ।।૧।।
ભયો હૈ આનંદ કંદ મિટયો વિરહદુઃખ દ્વંદ
ચંદન ઘસ અંગ લેપન ઔર પાયન પરિયાં ।
“તાનસેન” કે પ્રભુ દયા કીની મોપર સૂકી વેલ કરી હરિયાં ।।૨।।

 

 

શ્રી તાનસેનજી કહે છે કે ગરમીનાં દિવસોમાં એક દિવસ મધ્યાનના સમયે શ્રી ઠાકુરજી એક સખીની નિકુંજમાં પધાર્યા ત્યારે તે સખી અત્યંત આનંદિત થઈ ગઈ. તેણે પ્રભુને પ્રેમભર્યો આવકાર આપ્યો અને કહેવા લાગી કે હે નંદનંદન આપના આવવાથી આજનો દિવસ, આજની ઘડી, નક્ષત્ર, મહુર્ત બધુ જ શુભ થઈ ગયું, અને હે પ્રભુ આપના આવવાથી, આપના દર્શનથી મારા વિરહની ઘડીઓ પણ દૂર થઇ છે. હે પ્રભુ કૃપા કરીને જો મને આપની સંમતિ મળે તો ચંદન સિધ્ધ કરી આપના શ્રી અંગ પર તે શીતળ ચંદનનો લેપ કરી દઉં અને આપની દાસી બનીને આપના ચરણાર્વિન્દમાં પ્રેમથી દંડવત પ્રણામ કરું. હે કૃપાનિધાન આજે આપે મારી પર અત્યંત કૃપા કરી છે આપના પધારવાથી મારા સુકાઈ ગયેલ વેલી જેવા જીવનને નવજીવન મળતા તેમનું જીવનમાં હરિયાળી છવાઈ ગઈ છે. અહીં આ પદ દ્વારા “શ્રી તાનસેનજી” એ સખી દ્વારા પોતાને વર્ણવી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે નંદનંદન પ્રભુની કૃપાને કારણે તાનસેનજીને પ્રભુનો સાક્ષાત્કાર થયો છે જેના કારણે તાનસેનજીનું જીવન ભક્તિમય થયું છે.

 

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે 
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …