આત્મવિશ્લેષણ … (વ્યક્તિત્વ વિકાસ) …(ભાગ-૨) …

આત્મવિશ્લેષણ …(વ્યક્તિત્વ વિકાસ) … (ભાગ-૨) …

 

swan

 

 

અનુભવી લોકો વ્યક્તિત્વ વિકાસ માટે આત્મવિશ્લેષણ અને ભૂતકાળનું સિંહાવલોકન કરવા પર ભાર દે છે.  સ્વયં આપણને જ આપણા પોતાના ભવિષ્યના નિર્માતા ગણે છે.  જે આપણે આ અગાઉ જાણ્યું … હવે આગળ થોડું  વિશેષ  …. 

નિષ્કપટ ભાવે થોડું આત્મવિશ્લેષણ કરવાથી જ મનની કરણી પકડમાં આવી જાય છે, આપણે સમજી શકીએ છીએ કે આપણે ક્યાં ક્યાં સાચા છીએ અને કયાં ખોટા છીએ.  એક કાલીનો ઉપાસક મા કાલીનાં દર્શન કરવા માટે ખૂબ વ્યાકૂળ હતો.  જેને જુએ તેને પૂછતો :  ‘શું તમે મને મા કાલીનાં દર્શન કરાવી શકો છો ?’  આ સાંભળી એક વ્યક્તિએ કહ્યું : ‘હા, કરાવી શકું છું.’   જેવી રીતે લોકોને સમજાવાય છે એવી રીતે એને સમજાવતાં તેણે કહ્યું : ‘અમાસની રાત્રિએ સ્મશાનમાં જઈને મા કાલીની પૂજા કરવી પડશે અને અમૂક તમુક સામાનની જરૂર પડશે. તમે એ બધું ખરીદીને – ભેગું કરીને લઇ આવો.  મા કાલીનાં દર્શન થશે.’  એ કહેવાની જરૂર નથી કે આ પૂજામાં એક મસમોટી દક્ષિણા પણ જરૂર આપવાની હતી. બધી વ્યવસ્થા થઈ ગયા પછી તેણે ભક્તને કહ્યું :  ‘આંખો મીંચીને મા ની મૂર્તિનું ધ્યાન કરો.’   ભક્તે એમ કર્યું ત્યાર પછી પેલાએ કહ્યું : ‘હવે જુઓ, મા આવી ગઈ છે.’  આંખો ખોલીને ભક્તે જોયું તો ખરેખર મા ઊભી હતી.  તે થોડીવાર સુધી જોતો રહ્યો અને કહેવા લાગ્યો :  ‘મા, તમે જે સામે આવ્યા છો તેનાથી મારા મનમાં આનંદનો સ્તોત્ર કેમ વહતો નથી. જગન્માતાનાં દર્શનથી તો મન આનંદથી ભરાઈ જવું જોઈતું હતું.  પરંતુ મને તો એવું કંઈ થતું નથી.’  આમ કહેતા કહેતા ભક્ત માના ચરણો પકડવા લાગ્યો.  ત્યારે એ મા ચીસ પાડીને બોલી ઊઠી :  ‘અરે બેટા ! હું કંઈ જાણતી નથી.  મને આ બ્રાહ્મણ થોડા પૈસાનો લોભ બતાવીને અહીં પકડી લાવ્યો છે, તું મને છોડી દે.’  આ દ્રષ્ટાંત બસ એટલું જ બતાવવા માટે આપ્યું છે કે આપણે આપણી જાત સાથે ક્યારેય છલના ન કરી શકીએ.  જો થોડા સ્થિર-ધીર થઈને વિચાર કરીએ તો આપણું મન આપણને સ્પષ્ટપણે બતાવી દેશે કે આપણે ભગવાન તરફ ખરેખર આગળ વધી રહ્યા  છીએ કે નહિ.

 

શ્રી રામકૃષ્ણ પરમહંસ કહે છે : ડાંગર ખાંડતી વખતે વચ્ચે વચ્ચે હાથમાં લઈને ખાંડવાનું કામ કેવું થાય છે એ જોવું પડે છે.  બરાબર  એજ રીતે સાધના પથ પર મારી ઉન્નતિ થાય છે કે નહિ એ પોતે જાતે જ પરીક્ષા કરીને જોઈ લેવું પડે છે.  રામકૃષ્ણદેવ બતાવે છે : એક માણસ ખેતરમાં રાતભર પાણી પાતો રહ્યો, પણ સવારે જોયું તો ખેતરમાં એક ટીપુંય પાણી ન હતું.  ખેતરમાં કેટલાંય દર હતાં.  એ દરમાંથી થઈને બધુંય પાણી વહી ગયું હતું.  આવાં બધાં દરોને શોધીને બંધ કરવાં પડશે.  અર્થાત એના પર નજર રાખવી પડશે કે આપણી સાધનાસંપત્તિ ચોરી ચોરીથી ક્યાંય ચાલી તો નથી જતી ને !  આ વાત બરાબર પેલા મતવાલાની અવસ્થા જેવી છે કે જે આખી રાત પતવારાથી  હલેસાં મારતા રહ્યા અને સવારે જોયું તો હોડી તો જ્યાં હતી ત્યાં જ છે !  કારણ એ હતું કે એમણે હોડીને છોડી જ ન હતી !

 

બરાબર એવી જ રીતે આપણે પણ સામાન્ય રીતે જોઈએ છીએ કે વર્ષનાં વર્ષ સુધી જપધ્યાન કરીને પણ આપણે જાણે કંઈ જ કરી રહ્યા નથી.  આ ‘હું–મારા’ ની બુદ્ધિએ આપણને ચારે બાજુએથી બાંધી રાખ્યાં છે.  શત શત આશા-આકાંક્ષા-કામનાની દોરડીથી આપણે સંસારમાં એવી રીતે બંધાયેલાં છીએ કે હજાર હજાર જપતપ કરવા છતાં પણ આપણે આગળ વધી શકતા નથી.  એટલા માટે આપણે જ્યારે પણ આવો ભટકવાનો અનુભવ કરીએ અને એવું વિચારએ કે આપણે જે આટલી બધી સાધનાઓ કરીએ છીએ એનાથી ઠીકઠીક આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણા માટે એ ઉચિત છે કે બધાં લક્ષણોને મેળવીને આપણી ખરેખર પ્રગતિ થઇ રહી છે કે નહિ તે જોઈ લેવું જોઈએ.

 

ગીતામાં કહ્યું છે તેમ અડચણ આવરણ ક્યાં છે એ પહેલા જાણી લેવું પડશે. પછી એને પાર કરવાનું સહજસરળ થઈ જશે.  એટલે જ આત્મવિશ્લેષણની આવશ્યકતા છે.  કારણ એ છે કે હું પોતે મારી જાતને જેટલી સારી રીતે સમજી જાણી શકું છું એટલી સારી રીતે બીજું કોઈ જાણી ન શકે. 

એટલે જ ગીતામાં, ભક્તિશાસ્ત્રોમાં નિષ્કપટ બનવાની વાત વારંવાર કહેવામાં આવી છે અને આ જ કારણે શ્રીરામકૃષ્ણદેવ (ઠાકુર) પણ વારંવાર કહે છે : ‘સરળ ન બનવાથી એને પામી ન શકાય.’

 

 

(રા.જ.૧૦-૨૦૦૨/૨૭૮-૨૭૯)

 
 
આત્મવિશ્લેષણ ભાગ-૧  ની લીંક આપ સર્વેની સરળતા અને અનુકુળતા માટે નીચે આપેલ છે, નીચે દર્શાવેલ પોસ્ટ લીંકનાં નામ  પર ક્લિક કરી ભાગ-૧ માણી શકશો.:
 
બ્લોગ પોસ્ટ લીંક :  

આત્મવિશ્લેષણ – પ્રયાસ – સ્વેચ્છા … (વ્યક્તિત્વ વિકાસ) … (ભાગ-૧) …

 

 


બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.