આત્મવિશ્લેષણ – પ્રયાસ – સ્વેચ્છા … (વ્યક્તિત્વ વિકાસ) … (ભાગ-૧) …

આત્મવિશ્લેષણ – પ્રયાસ – સ્વેચ્છા …  (વ્યક્તિત્વ વિકાસ) …  (ભાગ-૧) …

 

 

 

swan

 

અનુભવી લોકો વ્યક્તિત્વ વિકાસ માટે આત્મવિશ્લેષણ અને ભૂતકાળનું સિંહાવલોકન કરવા પર ભાર દે છે.  સ્વયં આપણને જ આપણા પોતાના ભવિષ્યના નિર્માતા ગણે છે.  વનમાં ફરતો સિંહ વચ્ચે વચ્ચે પાછો વળીને પાછળ નજર નાખે છે.  આને સિંહવાલોક્ન કહે છે.  આપણે પણ આપણા આખા દિવસનાં કાર્યોનું સિંહવાલોક્ન કરવું જોઈએ.  સંતોના ભજનોમાં પણ નિયમિત અભ્યાસ પર ભાર દેવામાં આવ્યો છે.  સિંહવાલોક્ન એ જાણે કે ‘કોઈ પણ ઉત્તમ કાર્યના નિયમિત અભ્યાસના લાભોનો દૈનંદિન હિસાબ રાખવા’  જેવું છે.  દાસ કવિ કહે છે : ‘મનનું સૂક્ષ્મ નિરક્ષણ કરો’, ‘દિવસભરના સારાંમાઠાં કર્મોનો પૂરેપૂરો હિસાબ રાખો.’

 

 

દિવસને અંતે આપણે આટલો વિચાર કરવો પડશે :  ‘ગયા કેટલાક દિવસો મેં કેવી રીતે ગાળ્યા ?  મળેલ સુઅવસરનો મેં કેવો ઉપયોગ કર્યો ?  હું મળેલી તકનો લાભ કેમ ન લઇ શક્યો ?  મારી કઈ અને કેવી રીતે ભૂલ થઇ ?  હું આવતીકાલના સમયનો કેવી રીતે સદુપયોગ કરીશ ?  શું આજનાં મારાં કાર્ય મેં કોઈ મજબૂરીથી કર્યા કે મેં સ્વયં આગળ વધીને ઉત્સાહપૂર્વક મેં મારા કર્તવ્યનું પાલન કર્યું ?  શું આ બધા કાર્યોને હજુ વધારે ઉત્તમ રીતે પાર પાડી શકાયાં હોત ખરાં ?  મિત્રો, પરિચિતો અને પાડોશીઓની સાથે મેં કેટલો સહયોગ સાધ્યો ?’  આપણે પોતાની જાતને આવા પ્રશ્નો પૂછવા જોઈએ.  નિરપેક્ષ અને અનાસક્તભાવે ભૂતકાળનું નિરીક્ષણ કરીને આપણા પોતાના આચરણમાં સમય પ્રમાણે સુયોગ્ય પરિવર્તન લાવવું જોઈએ.  જેમ અરીસામાં પોતાને જોઇને આપણા સૌન્દર્યમાં વૃદ્ધિ કરી શકીએ છીએ તેવી જ રીતે જીવનમાં આવી તાજગી અને વૃદ્ધિ લાવવા માટે આપણે આત્મવિશ્લેષણ ની ટેવ પાડવી જ પડે.  એને લીધે આપણા તેમજ બીજા માટે અવાંછનીય એવા દોષોનો ત્યાગ કરવામાં સહાય મળશે.  આપણને ઉન્નત કરનારા ગુણોનો વિકાસ કરવો એ સંભવ છે.  બેન્જામિન ફ્રેન્કલિનને પોતાના અનુભવોના આધારે આવી ઘોષણા કરી હતી.

 

 

આદતોના વિકાસના આરંભમાં જ અત્યંત મહત્વાકાંક્ષી ન બનવું જોઈએ.  હવામાં ઉડવાનો પ્રયત્ન કરતાં પહેલાં આ ભૂમિ પર બરાબર ચાલવાનું શીખી લેવું જોઈએ.  પહેલા જ પ્રયત્નમાં જો કોઈ ઘણો મોટો બોજો ઉપાડવાનો પ્રયત્ન કરીએ તો નિરાશ થઈને એના પછીનો પ્રયાસ પણ આપણે કરવાના નથી.  વસ્તુત: પ્રથમ પ્રયાસની સફળતા જ પછીના પ્રયાસો માટે એક પોષણ –પ્રોત્સાહન આપનારું કાર્ય બની રહે છે.  એટલે શરૂઆતમાં સરળ, સહજ અને અલ્પાવધિના અભ્યાસોને આપણે અપનાવીએ એ યોગ્ય ગણાશે.

 

 

એક મનોવૈજ્ઞાનિક આમ કહે છે : ‘જેણે જીવનમાં કોઈ વિશેષ ટેવ ન પાડી હોય એ વ્યક્તિથી વધુ દુઃખી બીજું કોઈ નહિ હોય.  જેમનાં આ સવારે ઉઠવાનું, રાતના સુવાનું, ભોજન કરવાનું – બધાં કાર્ય અનિશ્ચિત અને અનિયમિત છે અને જેમને દૈનંદિન જીવનનું દરેક કાર્ય કરતાં પહેલાં કેટલીયેવાર વિચારવું પડે છે એનો અડધો સમય ‘શું કરવું જોઈતું હતું’  કે ‘કેટલો મૂલ્યવાન સમય વેડફી નાખ્યો’ એવું વિચારવામાં કે એના પસ્તાવામાં જ વીતી જાય છે.’

 

 

‘જ્યારે એ સચેત કે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે તો તેને યોગ્ય કર્મ કરવાની બાબતમાં તલભાર પણ સંદેહ ન હોવો જોઈએ.  એણે તો દૈનંદિન જીવનનાં કર્મ પોતાનાં અસ્તિત્વના અંગની જેમ સ્વચાલિત યંત્રની માફક સહજભાવે કરતાં રહેવું જોઈએ.  જો કોઈએ દૈનંદિન કાર્યોને સહજભાવે કરવાની એક આદત જેવાં બનાવી ન લીધાં હોય તો એણે તત્કાળ આ બધાં કાર્યોને પોતાના સ્વભાવના અંગ જેવાં બનાવી દેવાની દિશામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’

 

 

પ્રયાસ એ જ શ્રેષ્ઠ પૂજા

 

 

આપણા દેશના સુપ્રસિદ્ધ શાસ્ત્ર ‘યોગવશિષ્ઠ રામાયણ’  ઉદ્યમ કે પરિશ્રમ વિશે શું કહે છે એ તમે સાંભળ્યું છે ?  એમાં કહ્યું છે :  ‘જો માનવે સારો એવો અને સાચા હૃદયનો પ્રયાસ કર્યો હોય તો આ સંસારમાં કંઈ અલભ્ય વસ્તુ નથી.  કોઇપણ વસ્તુની પ્રાપ્તિની ઈચ્છાથી પ્રેરિત થઈને જો કોઈ વ્યક્તિ સાચો પ્રયાસ કરે તો તેને નિશ્ચિત રૂપે સફળતા મળવાની.  મનુષ્ય પોતાના જીવનમાં કંઈક પ્રપાત કરવાની ઈચ્છાથી કાર્ય કરે છે, એને પ્રાપ્ત કરવા માટે તે નિરંતર પ્રયાસ કરતો રહે તો મોડોવહેલો પણ તે અવશ્ય સફળ થવાનો.  પરંતુ, એણે પોતાના માર્ગ પર એટલ ભાવ સામે જરાય ખચકાયા વિના ચાલવું પડશે.’  આ જગતમાં ઘણા લોકો અભાવ અને નિર્ધનતાની ગર્તામાંથી બહાર નીકળીને સદભાગ્યના શિખર સુધી પહોંચી ગયા છે.  પોતાના ભાગ્ય પર વ્યર્થ વિશ્વાસ રાખનારાઓએ નહી પરંતુ પુરુષાર્થ કે ઉદ્યમ પર નિર્ભર રહેનારા બુદ્ધિમાન લોકોએ જ કઠિન તથા સંકટપૂર્ણ પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે.  ‘જેહિ કે જેહિ પર સત્ય સનેહૂ, સો તેહિ મિલઈ ન કછુ સંદેહૂ’ – ‘જે વ્યક્તિ કોઈ પણ વસ્તુ માટે હૃદયથી ઈચ્છા કરે છે તથા એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેને એ વસ્તુની પ્રાપ્તિ નિશ્ચિતપણે થવાની.’  કોઈ આળસુ વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળી શક્તિ નથી.  દરેક મનુષ્યે સમજી લેવું જોઈએ કે તે પોતે જ પોતાનો મિત્ર પણ છે અને પોતે જ પોતાનો શત્રુ ય છે.  જે સ્વયં પોતાનું રક્ષણ કરી શકતો નથી તેને બીજો કોઈ બચાવી પણ શકતો નથી.  સ્વપ્રયાસ દ્વારા મનુષ્ય નિશ્ચિત રૂપે બધી દુઃખદ પરિસ્થિતિઓમાંથી ઊગરી શકે છે.  એટલે દ્રઢ ઇચ્છાશક્તિ તથા આત્મશ્રદ્ધા સાથે દરેક વ્યક્તિએ સુયોગ્ય માર્ગ પર આગળ વધવું જોઈએ.  સાહસિક, પરાક્રમશીલ તથા જ્ઞાની લોકોએ ક્યારેય ભાગ્યની રાહ જોઈ નથી.  ‘ભાગ્ય એક વ્યર્થ વાત છે કારણ કે આપણે જ્યાં ક્યાંય નજર નાખીએ છીએ ત્યાં અકર્મણ્યતા નહિ પરંતુ પરિશ્રમ અને પ્રયાસનું જ ફળ જોવા મળે છે.  મૃતદેહ ઈચ્છાશક્તિના પૂર્ણ અભાવનું દ્યોતક છે અને એથી કંઈ થતું કોઈએ સાંભળ્યું નથી.  ભાગ્ય કશું કરતું નથી, એકમાત્ર કલ્પના છે અને ભાગ્યનું પોતાની રીતે કોઈ અસ્તિત્વ નથી.’  પૂર્વકાળમાં આપણા દ્વારા થયેલાં સારાંમાઠાં કર્મોનાં ફળને જ ભાગ્ય કહે છે.  મનુષ્યના હાથમાં માત્ર પ્રયત્ન કરવાનું છે, એને અન્ય લોકો ભાગ્ય પણ કહે છે.  સફળતા અતંત: વ્યક્તિની પોતાની ચેષ્ટા પર આધારિત છે.

 

 

ભાગ્ય અને સ્વાધીન ઈચ્છા

 

 

આપણા દેશમાં એવા પ્રારબ્ધવાદીઓની ખોટ નથી કે જેઓ પ્રત્યેક કાર્યની પાછળ આર્દશ્ટ ભાગ્યનો હાથ જોતાં રહે છે અને કહે છે કે આપણે ભલેને ગમે તેટલા પ્રયાસ કરીએ પણ એનાથી આપણા ભાવિમાં કોઈ ફેરફાર થવાનો નથી.  પરંતુ વળી એવા લોકો પણ છે કે જેઓ માનવની સ્વેચ્છાને સર્વોપરિ માને છે અને કહે છે કે સ્વપુરુષાર્થથી જ બધું સંભવ છે.

 

 

કેટલાક લોકોની દ્રષ્ટિએ મનુષ્ય પરિસ્થિતિઓનો દાસ છે,  બીજા કેટલાક કહે છે મનુષ્ય પોતાના વ્યક્તિત્વના જોરે પરિસ્થિતિઓને બદલી શકે છે.  તેઓ કહે છે કે ઉદ્યમ અને ભાગ્ય જેવાં રથનાં બે પૈંડા કાતરનાં  બે પાંખિયાં દ્વારા કોઈને કાર્યમાં મળેલી અસફળતાનું કારણ ‘વિધાતાનો લેખ’, ‘ગ્રહોની માઠી દશા’ કે ‘કર્મ ફળ’ ગણીએ છીએ.  આ ધારાણાઓનું દાર્શનિક મહત્વ ગમે તે હોય પરંતુ એ વાતનો આપણે ઇનકાર કરી ન શકીએ કે આપણે જીવનને ઉન્નત કરવા પ્રયાસ કરવો જ પડે.  આપણે હિંમત અને સાહ સાથે આગળ વધવું પડે, સ્વપ્રયાસમાં વિશ્વાસ રાખીને સંઘર્ષ કરવો પડે.  એક કહેવત છે : ‘માનવ પોતાના પ્રયાસે છ ડગલાં આગળ ભરે તો સાતમું ડગલું પ્રભુકૃપાથી મંડાય છે.’  કાર્યમાં ઉત્સાહ તથા અથાક પ્રયાસ વિના કોઈ જીવનમાં સફળ થયું નથી.  કેવળ કપાળે હાથ દઈને બેસી રહેવાથી, ભાગ્યની રાહ જોવામાં બેસી રહેવાથી શું તમે સફળતાના લક્ષ્ય સુધી પહોંચી શકો છો ?  આમ કરવાથી કોઈ પ્રાપ્તિ મળતી નથી.  એનાથી માણસ કાયર બને છે, નૈતિક દ્રષ્ટિએ અભાવાત્મક બની જાય છે.  લોકો પોતાની દુર્બળતાને લીધે ભૂલો કરતાં રહે છે, પરંતુ તેઓ એ બધાનો દોષ ભાગ્ય કે ગ્રહનક્ષત્ર પર ઠાલવે છે.  એવી એક વ્યક્તિ પોતાની બેદરકારીને લીધે લપસીને પડી ગયો પરંતુ તે એ જમીન અને નસીબને ભાંડવા માંડ્યો.

 

 

આપણી સફળતાના માર્ગમાં વિઘ્નરૂપ જો ભાગ્ય જેવી કોઈ વસ્તુ હોત તો આપણે સંઘર્ષથી બધામાં રહેલ આત્માને જાગ્રત કરી ભાગ્યને ચોક્કસ ત્યાંથી ભગાડી દેત.  જો ભાગ્ય એકલું જ બંધન  હોત તો આપણે પુણ્ય-પાપ કે આત્મ શક્તિની વાત ન કરત.  માનવ કોઈ લાકડાનો ટુકડો કે માટીની ઈંટ નથી કે જે હંમેશાં આમ વિચારે છે કે ‘હું તો અર્દશ્ય ભાગ્યને અધીન છું, મારાં બધાં કાર્ય ભાગ્યને લીધે થયાં છે અને મારાં કર્મોની જવાબદારી મારી નથી’  આવો માણસ પોતાનાં દુઃખોના દરિયામાંથી ક્યારેય બહાર નીકળી શકતો નથી.  મનુષ્ય પોતાના અજ્ઞાનને લીધે જ પોતાની જાતને નિર્બળ અને ભાગ્યને અધીન હોવાનું માને છે.  આ અજ્ઞાન એને ક્રમશ: પતન તરફ દોરી જાય છે.  વર્તમાનનો સદઉપયોગ કરવો એ જ ભાગ્ય પર વિજય મેળવવા જેવું છે.

 

 

(રા.જ.૧૦-૦૪(૩૪-૩૫)/૨૯૬-૯૭)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.