દૂધ ખરેખર અહિંસક આહાર કહેવાય ?  … (ભાગ -૫) …

દૂધ ખરેખર અહિંસક આહાર કહેવાય ?  … – આચાર્ય વિજયનંદિઘોપસૂરિ …
“ નવી ભોજન પ્રથા ” … (ભાગ -૫) …

 

પ્રણેતા : .
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત)..
Suprintending Engineer(Retired)G.E.B.

  
 milk

 

 

શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ પ્રબોધેલ અહિંસા ખૂબ જ સૂક્ષ્મ છે.  તેનું સમગ્ર સાધુ-સાધ્વીએ પાલન કરવાનું છે, પરંતુ આજના વિષમ કાળમાં એ શક્ય છે ખરું ?  શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીના મુખ્ય ગણાતા શ્રમણોપાસકો અર્થાત્ શ્રાવકો ૫૦-૬૦ ગોકુળના માલિક હતા અને એક ગોકુળમાં ૧૦,૦૦૦ ગાયો રહેતી હતી.  ત્યારથી આપણા જૈન સમાજમાં અને જૈન વિધિ –વિધાનમાં દૂધ-દહીં તથા ઘીનો ઉપયોગ પ્રચૂર માત્રામાં થતો આવ્યો છે અને આજે પણ તે ચાલુ છે,  પરંતુ આજે પશુપાલન એ એક સામાન્ય વ્યવસાય ન રહેતાં એક પ્રકારની ઈન્ડસ્ટ્રી થઇ ગયો છે ત્યારે આ અંગે બૌધિકોમાં તીવ્ર ચર્ચા તથા ગંભીરતાપૂર્વક વિચારણા ચાલુ થઇ છે અને જૈન સમાજના અગ્રણી આચાર્ય ભગવંતો સમક્ષ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.

 

 

અમેરિકામાં વીગન – Vegan  (શુદ્ધ શાકાહારી –  absolutely no animal product to use in our life)    સોસાયટીની સ્થાપના ૧૯૬૦માં કરવામાં આવી છે.  તેના મુખ્ય સ્થાપક એચ.જય દિનશાહ ભારતમાં જન્મેલા અને જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતોને આગળ વિકસાવીને તેમણે શુદ્ધ શાકાહારી સંસ્થાની સ્થાપના કરેલી.  આજે યુ.કે. અને અમેરિકાની વીગન સંસ્થાના ૬ કરોડથી વધારે સભ્યો છે.  તેનાં મુખ્ય પ્રબોધક છે શ્રી ચિત્રભાનુ તથા શ્રીમતી પ્રમોદાબહેન.

 

 

હિન્દુસ્તાનમાં શાકાહરી (વેજિટેરિયન)  સમાજ સૌકાઓથી અસ્તિત્વ ધરાવે છે.  આ સમાજ કોઈ પણ જાતના હિંસક પ્રાણીજન્ય પદાર્થોનો પોતાના આહારમાં ઉપયોગ કરતો નથી.

 

 

આમ છતાં ઉપર જણાવ્યું તેમ ભોજનમાં તથા જૈન-જૈનેતર મંદિરોમાં કરવામાં આવતાં વિધિ-વિધાનો, પૂજા-પાઠમાં દૂધ – દહીં, ઘી વગેરનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરે છે.  તે સાથે પૂજામાં રેશમી વસ્ત્ર, જાપ, સામાયિક વગેરેમાં ઊનનાં વસ્ત્ર, મોતીની માળા, હિન્દુ સંન્યાસીઓ મૃગચર્મ કે વ્યાધચર્મનો આસન તરીકે ઉપયોગ કરે છે.  તેની સામે અમેરિકામાં અસ્તિત્વમાં આવેલ આ વીગન સમાજના સભ્યો દૂધ-દહીં, ઘી, પનીર, રેશમ, ઊન, મોતી, ચામડું, મધ વગેરે બધા જ પ્રકારની પ્રાણીજ વસ્તુઓનો ત્યાગ કરે છે.  તેના વિકલ્પમાં તેઓ સોયાબીનમાંથી મેળવેલ દૂધ વગેરેનો તથા સિન્થેટિક કે એક્રેલિકની વસ્તુઓનો ઉપયોગ કરે છે.

 

 

પરંતુ આજ દૂધ-દહીં ઉત્પાદ એક મોટો ઉદ્યોગ (ઇન્ડસ્ટ્રીઝ) સ્વરૂપે સ્થાપિત થઇ ચૂક્યો છે ત્યારે આ અંગે આપણે વિચાર કરવો જરૂરી લાગે છે.

 

 

ભારતમાં ચલતા ડેરી-ઉદ્યોગમાં ગાય-ભેંસ વગેરે દૂધ આપતાં પશુઓનું કેવું અને કઈ રીતે શોષણ થાય છે તે અંગેની એક વિસ્તૃત સચિત્ર તથા લાઈવ –વિડીયો સાથેનો અહેવાલ શ્રી ચિત્રભાનુની પ્રેરણાથી People for the Ethical Treatment of Animals  (PETA),  INDIA  સંસ્થાએ આપ્યો છે.  તેની એક નકલ મારી પાસે આવી છે.  તેના સારાંશ નીચે પ્રમાણે છે.

 

 

ગાય-ભેંસ સામાન્ય રીતે બહુ બુદ્ધિશાળી પ્રાણી છે.  તે ઘણી વાતો ઘણા લાંબા સમય સુધી યાદ રાખે છે.  તેમાં એ પણ જાણવા મળ્યું છે કે ગાય-ભેંસ સમાજની સાથે વિવિધ પ્રકારે સંબંધ રાખે છે.  કેટલીક ગાય અન્ય ગાય-ભેંસ કે મનુષ્ય સાથે મિત્રતા કેળવે છે તો કેટલીક ગાય – ભેંસ અન્ય ગાય-ભેંસ કે મનુષ્ય જે તેમની સાથે સારો વ્યવહાર કરતાં નથી તેની સાથે ગુસ્સો કે દુશ્મનાવટ પણ રાખે છે.  તેની લાગણીઓ પણ વિવિધ પ્રકારની હોય છે એટલું જ નહીં, તે ભવિષ્યની ચિંતા પણ કરવાને શક્તિમાન છે.

 

 

આપણે મનુષ્યોએ ગાય-ભેંસને માત્ર દૂધ પેદા કરનાર એક ફેક્ટરી જ માણી લીધી છે અને તે દૂધ આપતી બંધ થાય કે તરત એને માંસ તથા ચામડા માટે કતલખાને મોકલી અપાય છે.  બીજું, કોઈ પણ પ્રાણી પોતાના પરિવારથી વિખૂટું પાડવા કે મરવા ઇચ્છતું નથી.  એટલે ગાય-ભેંસ પણ પોતાના પરિવારથી વિખૂટાં પાડવા કે મરવા ઈચ્છતા નથી.  એટલે સુધી કે ગાય –ભેંસ વગેરે પોતાનો જીવ બચાવવા ૬-૭ ફૂટ ઊંચી કાંટા ની વાડ કે દીવાલ પણ ઠેકી જાય છે.  પોતાનાં બચ્ચાંને મળવા માટે નદી-નાળાં તરીને ૭ માઈલ દૂર પંહોચી જાય છે.  જ્યારે તેને પોતાના પરિવાર, મિત્રોથી વિખૂટી પાડવામાં આવે છે ત્યારે તે દુઃખી દુઃખી થઇ જાય છે અને આંખમાંથી બોર બોર જેવાં આંસુ પાડે છે.  પોતાનાં બચ્ચાં પ્રત્યેની તેની આસક્તિ એટલી તીવ્ર હોય છે કે બચ્ચાંને વેચી દીધાં પછી, તેને દૂર કર્યા પછી કે તેની કતલ થઇ ગયા પછીએ છ  – છ અઠવાડિયાં સુધી તે પોતાનાં બચ્ચાંને જોવા તલસે છે.

 

 

 

Compassion in World Farming Trust ના જણાવ્યા પ્રમાણે સમ્રગ વિશ્વમાં ૨૨.૫૦ કરોડ ગાય, ભેંસનો ધૂધ મેળવવા માટે ઉપયોગ થાય છે.  આ ગાય-ભેંસ પ્રતિ વર્ષ ૫૦ કરોડ ટન દૂધ પેદા કરે છે.  ગાય-ભેંસ પણ મનુષ્ય સહિત બીજાં બધાં સસ્તન પ્રાણીઓની માફક જ માત્ર પોતાનાં બચ્ચાંના ભરણ-પોષણ માટે દૂધ પેદા થાય છે અને વાછારડાનો જન્મ થતાંની સાથે જ તેના માટે તે દૂધ મુક્ત કરે છે.  ગાય ભેંસ મનુષ્ય માટે દૂધ પેદા કરતી જ નથી.  તેથી ગાય-ભેંસને અત્યારે તબેલાના માલિકો દર વર્ષે ગાભણી (Pregnant)   કરે છે અને સાત મહિના સુધી તે ગાભણી રહે છે.  તે માટે તબેલાના માલિકો કૃત્રિમ ગર્ભધાન કરાવે છે.  દિવસે દિવસે ભારતમાં વધુ ને વધુ સંખ્યામાં ગાય-ભેંસને મશીનથી દોહવામાં આવી રહ્યાં છે.  સ્વાભાવિક છે કે દરેક ગાય કે ભેંસનાં આંચળમાં એકસરખું દૂધ હોતું નથી.  કોઈક ગાય–ભેંસનાં આંચળમાં દૂધ ઓછું હોય અને તેને જ્યારે મશીનથી દોહવામાં આવે છે ત્યારે તે મશીન બધી જ ગાય-ભેંસને એકસરખા સમય સુધી લગાડી રાખવામાં આવે છે.  ત્યારે ઓછું દૂધ ધરાવતી ગાય-ભેંસનાં આંચળમાંથી દૂધ ખલાસ થઇ ગયા પછી તેને સખત પીડા થાય છે એટલું જ નહીં, પણ વધુ સમય મશીન લાગેલાં રહેતાં તેના આંચળમાંથી દૂધને બદલે લોહી પણ આવે છે.  આ રીતે દૂધ લોહીમિશ્રિત બને છે.  પછી તે અહિંસક ક્યાંથી ગણાય ?

 

 

આ તબેલામાં તે ગાય-ભેંસ માટે સાવ સાંકડી જગ્યા હોય છે.  જેમાં તે સુખે બેસી પણ શક્તિ નથી અને પરિણામે તેને ઘણું દુઃખ થાય છે.  તેની રહેવાની જગ્યા પણ ગંદી હોય છે તેથી ઘણા ક્ષુદ્રો જીવો તેને ઉપદ્રવ કરતાં હોય છે.  તબેલાના માલિકો પણ અત્યંત નિર્દય હોય છે.  તેઓમાં દયા-માયા જેવું કોઈ તત્વ જ હોતું નથી.  જે આપણે PETA ના રિપોર્ટ સાથે આવેલી ડીવીડીમાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ.  તેઓને તો વધુમાં વધુ દૂધ મેળવવું એ જ એક લક્ષ્ય હોય છે.

 

 

દરેક તબેલાવાળાને તેની માર્યાદિત જગ્યા હોવાના કારણે એક ગાય કે એક ભેંસના બદલામાં ફક્ત એક જ ગાય-ભેંસ જોઈતાં હોય છે.  જ્યારે દરેક ગાય-ભેંસને તેના સંપૂર્ણ આયુષ્ય દરમિયાન પાંચ સુવાવડ થતી હોય છે.  તેથી પાંચ બચ્ચામાંથી માલિક ફક્ત એક જ માળા વાછરડીને રાખે છે.  તે સિવાયનાં બચ્ચાં ને હોય કે માળા હોય દરેકને તે કતલખાને વેચી દે છે.  ગાય વસૂકી જાય અર્થાત્ દૂધ આપતી બંધ થઇ જાય કે તરત કતલખાને ધકેલી દેવામાં આવે છે.  ટૂંકમાં વાછરડીને દૂધ મેળવવા માટે રાખી હોય છે તે પણ વહેલીમોડી કતલખાને જ જવાની છે તે નિશ્ચિત છે.

 

 

સામાન્ય રીતે ગાય કે ભેંસને ગર્ભધારણ થયા પછી પાંચ કે છ મહિના બાદ તે દૂધ આપતી બંધ થઇ જાય છે, પરંતુ લોભી એવા તેના માલિકો વધુ ત્રણ-ચાર મહિના દૂધ મેળવવા સતત ઓકિસટોસિનનાં ઇન્જેક્શન આપે છે.

 

 

પરમ્પરાગત રીતે ગાય કે ભેંસને તેનાં વાછરડાં ધાવી લે પછીએ જ બાકી રહેલ દૂધ મનુષ્ય પોતાના માટે પોતાના હાથે દોહતો હતો.  વળી દૂઝાણાં પશુઓનું પોતાના પરિવારના એક સભ્ય તરીકે પાલનપોષણ કરતો હતો, પરંતુ આજે ભારતમાં નાના ખેડૂતોનું સ્થાન મોટા ક્રૂર ગણાતા તાબેલાઓએ લીધું છે.

 

 

ગાય કે ભેંસનું આયુષ્ય સરેરાશ લગભગ ૧૮-૨૦ વર્ષ હોય છે, પરંતુ ડેરીની કોઈ પણ ગાય-ભેંસ ફક્ત સાતમે વર્ષે જ કતલખાને કપાઈ જાય છે.  PETAના રીપોર્ટ પ્રમાણે દર વર્ષે ૨૦ ટકા ડેરીની ગાય-ભેંસ કતલખાને જાય છે.  વસૂકી ગયેલી ગાય-ભેંસને કાં તો ભૂખે મારી દેવામાં આવે છે અથવા તો શહેરમાં કે ગામડામાં રસ્તે રખડતી છોડી મૂકવામાં આવે છે.  જેમણે ભારતના ધર્મશ્રદ્ધાળુ લોકો ટુકડો ટુકડો રોટલી વગેરે આપી જિવાડે છે.  હવે જરા વિચાર કરો કે આપણે જે ગાય-ભેંસનું દૂધ વાપરીએ છીએ તે હિંસક ગણાય કે નહીં?

 

 

ગુજરાતના વિશ્વવિખ્યાત અમૂલ ડેરીના સ્થાપક સ્વ. ડૉ.કુરિયન પોતે કહેતા હતા તે પ્રમાણે એકલા મુંબઈમાં જ દર વર્ષે ૮૦,૦૦૦ વાછરડાં આ રીતે બળજબરીથી કતલખાને ધકેલવામાં આવે છે.  વીગન સોસાયટીના સ્થાપક તથા તેના સભ્યોની દલીલ એ છે કે આ નિર્દય હત્યાની જવાબદારી કેવળ ડેરી કે તબેલાના માલિકોની નથી, કારણ કે તેઓ તો દૂધ અને દૂધની બનાવટોના ઉપભોક્તા માટે જ તે ઉદ્યોગ ચલાવે છે, તે દૂધ-દૂધની બનાવટના ઉપભોક્તાની પણ છે.  જો આપણે દૂધ કે દૂધની બનાવટોનો ત્યાગ કરીએ તો ડેરી કે તબેલાવાળા તે મેળવવાનો પ્રયત્ન નહીં કરે.  પરિણામે તેટલી ઓછી હિંસા થશે.  જીવદયાપ્રેમી જેનો થોડી ઘણી ગાય-ભેંસ કે ઘેટાં-બકરાંને પાંજરાપોળમાં નિભાવે છે, પરંતુ તે તો આભ ફાંટયુ છે તેમાં માત્ર એક થીગડા જેવું છે.

 

 

ભારતમાં ડેરી-ઉદ્યોગવાળા કે તબેલાવાળા પશુઓને રાખવા માટેના ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ નક્કી કરેલાં ધારા-ધોરણનું પાલન કરતાં નથી.  તે કારણે ડેરી કે તાબેલાનાં પશુઓ ખૂબ દુઃખી હોય છે અને ડેરીની વસ્તુઓનો ઉપયોગ કરી આપણે તેમના દ્વારા આચરવામાં આવતી નિર્દયતા અને ક્રૂરતાને પ્રોત્સાહન આપીએ છીએ.

 

 

ડેરીની ગાય-ભેંસ કે ગામડાંની ખેડૂતોની ગાય-ભેંસ પણ હવે શુદ્ધ શાકાહારી રહી નથી, કારણ કે કતલખાનાવાળા પ્રાણીઓની હત્યા કરી તેના માણસની નિકાસ તો કરે જ છે, પરંતુ તેનાં હાડકાંમાંથી ફર્ટીલાઈઝર – ખાતર બનાવે છે.  તે આપણા દેશનાં ખેતરોમાં વપરાય છે.  પરિણામે ઘઉં, ચોખા વગેરે અનાજ પણ વાસ્તવમાં અહિંસક રહ્યાં નથી તો બીજી બાજુ કતલ થયેલ ગાય-ભેંસના સુકાઈ ગયેલા લોહી વગેરે નકામા પદાર્થોને દળીને તેનો પશુઆહાર બનાવવામાં આવે છે અને તે ડેરીની તથા અન્ય ગાય-ભેંસને ખોરાક તરીકે આપવામાં આવે છે.  પરિણામે આપણે જે દૂધ-ઘી, ગૌમૂત્ર-છાણ વગેરે પવિત્ર કાર્ય માટે વાપરીએ છીએ તે પણ વાપરવા યોગ્ય હોતું નથી.  પહેલાનાં જમાનામાં તો ગાય-ભેંસ જંગલમાં વિવિધ પ્રકારની વનસ્પતિ-ઘાસ વગેરે ચરતી હતી પરિણામે તેના દૂધમાં વનસ્પતિજન્ય ઔષધીય ગુણો હતા, જે આજની માંસાહારી ગાય-ભેંસનાં દૂધમાં મળવાની કોઈ સંભાવના નથી.  આ જ કારણથી અમેરિકામાં જૈન દેરાસરોમાં દૂધ-ઘી અને ઘી-દૂધમાંથી બનાવેલ મીઠાઈનો ઉપયોગ કરવો કે નહીં કે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ત્યાં કે અહીં પ્રશ્ન એક જ છે.

 

 

આ અંગે અમેરિકામાં વીગન સોસાયટીના વિચારકો અને જૈન દર્શનના નિષ્ણાતો તથા યુવાનોએ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરેલ છે તેનો આપણે શું પ્રત્યુત્તર આપી શકીએ તે પણ વિચારવું અનિવાર્ય છે.

 

 

ગાય-ભેંસ જે દૂધ ઉત્પન્ન કરે છે તે ખરેખર તેમનાં પોતાનાં બચ્ચાં-વાછરડાં માટે ઉત્પન્ન કરે છે.  વસ્તુત: તે આપના માટે છે જ નહીં.  આમ છતાં આપણે તે દોહી લઇ આપણા ઉપયોગમાં લઈએ તો આપણને જીવ-અદ્ત્તાદાનનો દોષ લાગે કે નહીં ?  અદ્ત્તાદાનના ચાર પ્રકાર છે.  ૧. જીવ અદત્ત,   ૨. અજીવ અદત્ત,   ૩.  તીર્થંકર અદત્ત અને   ૪.  ગુરુ અદત્ત.  તેમાંથી અહીં જીવ અદત્ત લાગે કે નહીં ?

 

 

 

ગાય-ભેંસ જે દૂધ ઉત્પન્ન કરે છે તે ખરેખર તેમનાં પોતાના બચ્ચાં – વાછરડાં માટે ઉત્પન્ન કરે છે.  તે વાછરડાંને ધાવતાં છોડાવી, તેને ભૂખ્યાં રાખી કે કતલખાને ધકેલી આપણે આપણા માટે તે દોહી લઈએ તો આપણને અંતરાયકર્મ બંધાય કે નહીં ?

 

 

ખાસ કરીને ડેરીની બનાવટો આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે તે ડેરી સાથે સંકળાયેલ ગાય-ભેંસ અંગે વિચાર કરીએ તો તેનું સામાન્ય આયુષ્ય ૧૮-૨૦ વર્ષ હોવા છતાં ડેરીની ગાય-ભેંસ જન્મના બે વર્ષ બાદ પાંચ વર્ષમાં પાંચ બચ્ચાંને જન્મ આપ્યા પછી કતલખાને ધકેલાઈ જાય છે જેમાં આપણે તેના નિમિત્ત કારણ બનીએ છીએ તો આપણને પંચેન્દ્રિયની હત્યામાં ભાગીદાર બનાવાનું પાપ લાગે કે નહીં?

 

 

ઉપર બતાવ્યું તે રીતે ગાય-ભેંસના ૧૮-૨૦ વર્ષના આયુષ્યમાંથી ફક્ત સાત જ વર્ષમાં તેની હત્યામાં નિમિત્ત બનીએ તો આપણને સોપક્ર્મ આયુષ્યનો બંધ થાય કે નહીં ?  અહીં સોપક્ર્મ આયુષ્ય કોને કહેવાય તે જરા સમજી લઈએ.  ધારો કે એક વ્યક્તિનું આયુષ્ય ૭૫ વર્ષ છે અને તેને જીવનમાં કોઈ જ અકસ્માત કે બીજા કોઈ આઘાતજનક પ્રસંગો બનતા નથી જેના કારણે તેનું આયુષ્ય ટૂંકાઈ જવાની સંભાવના ઊભી થાય તો તેનું નીરૂપક્ર્મ કહેવાય છે.  જ્યારે બીજી વ્યક્તિનું આયુષ્ય ધારો કે ૯૦ વર્ષ છે, પરંતુ તેને ૪૦ વર્ષની ઉંમરે ભયંકર અકસ્માત થાય છે અને તે જ વખતે  તેનું સમગ્ર આયુષ્ય ફક્ત બેઘડીની અંદર કે બે-ત્રણ દિવસમાં જ પૂરું થઇ જાય છે અને મૃત્યુ પામે છે, તો તેનું આયુષ્ય સોપક્ર્મ અને અપવર્તનીય કહેવાય છે, કારણ કે અકસ્માતના કારણે તેના આયુષ્ય કર્મની અપવર્તના થાય છે.  અહીં અકસ્માતને શાસ્ત્રીય પરિભાષામાં ઉપક્રમ કહેવામાં આવે છે તો આ પ્રકારના સોપક્ર્મ આયુષ્ય કર્મનો બંધ આપણને થાય કે નહીં ?

 

 

આપણે જે દૂધ વગેરે વાપરીએ તે પણ સંપૂર્ણ શુદ્ધ આવતું નથી.  તેમાં ઘણી જાતના હલકા નીચલી કક્ષાના પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે જે આરોગ્ય માટે ભયંકર નુકસાન કરનાર હોય છે અને દૈનિક સમાચારપત્રોમાં પણ તે અંગે ઘણો ઊહાપોહ કરવામાં આવ્યો છે, પરંતુ એ બધું આપણા બહેરા કાને અથડાઈને પાછું ફરે છે.

 

 

ટૂંકમાં આજે દૂધ-ઘી પણ પહેલાંના જમાના જેવાં શુદ્ધ આવતાં નથી.  પરિણામે શરીર માટે પોષક બનવાને બદલે રોગ પેદા કરનાર બને છે.  આ સંજોગમાં વાચક-મિત્રોએ શું કરવું તેનો નિર્ણય અમે તેઓની પ્રજ્ઞાબુદ્ધિ ઉપર છોડીએ છીએ.

 

 

અમેરિકામાં ડેરીની ચીજ-વસ્તુના બદલામાં ઉપયોગ કરી શકાય તેવી ઘણી ચીજો મળે છે.  અહીં પણ આપણે તે પ્રમાણે મેળવવા પ્રયત્ન કરીએ તો કદાચ એ શક્ય બને, પરંતુ એ પણ આપણી શાસ્ત્રીય પરંપરા અનુસાર નિર્દોષ હોવી અનિવાર્ય છે.  શું એ શક્ય છે ખરું ?

 

 

શુદ્ધ શાકાહાર વીગન પરંપરા સંબંધી ઉપયોગી માહિતી નીચે જણાવેલ વેબસાઇટ ઉપરથી મળી શકશે.

 

 

www.veganoutreach.org

www.factoryfarming.com

www.viva.org.uk

www.peta.org

 

 

શુભમ ભવતુ |

 

સાભાર : નવનીત સમર્પણ  

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

‘નવી ભોજન પ્રથા’ … સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ શ્રી બાલુભાઈ ચૌહાણ નાં આ કાર્યમાં બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે…..આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

સાવધાન  :   ‘પ્રાકૃતિક -નવી ભોજન પ્રથા’  …  વિશે  લેખક  શ્રી નાં સ્વાનુભવ આધારિત લેખક શ્રી દ્વારા અહીં જાણકારી આપવામાં આવેલ છે, કોઇપણ  પ્રથા ને અપનાવતી સમયે આપ આપની રીતે, યોગ્ય જાણકારી મેળવી – પોતાનો સ્વ-વિવેક પૂર્ણ તયા વાપરી, જરૂર લાગે તો કોઈ હેલ્થ પ્રોફેશનલને કન્સલ્ટ કરી પછી જ ( અનુભવી કે તજજ્ઞ નાં માર્ગદર્શન  સાથે જરૂરી ચકાસણી કર્યા બાદ) આપની જ અંગત જવાબદારી ને ધ્યાનમાં રાખી અપનાવશો..  આ કોઈ અંધશ્રદ્ધા નો વિષય  કે વાત નથી.  …. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 

આપનવી ભોજન પ્રથા’ અને તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  શ્રી બાલુભાઈ ચૌહાણ (સાહેબ) અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected]  / [email protected]  પર  મેઈલ મોકલી, જવાબ /માર્ગદર્શન આપના મેઈલ પર મેળવી શકો છો.

 

 

આપે જો આ ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય કે અપનાવવા માંગતા હોય અને આપ તે બાબત કોઈ વિશેષ જાણકારી મેળવવા ઇચ્છતા હો કે તે બાબત આપને કોઈ સમસ્યા ઉદભવતી હોય તો અહીં કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ આપશો, જેનો યોગ્ય પ્રત્યુત્તર / માર્ગદર્શન  શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ  દ્વારા અહીં જ આપને ઉપલબદ્ધ થઇ શકે  તે અંગે નમ્ર કોશિશ કરવામાં આવશે.,

 

આપે જો  ‘નવી ભોજન પ્રથા’  અપનાવેલ હોય  તો, આપના  અનુભવ  અહીં શેર કરશો, …. આપના અનુભવો અન્યોને પણ પ્રેરણાદાયી બની રહેશે…. આભાર ! ‘દાદીમા ની પોટલી’