કૃષ્ણપ્રિય કદંબ …

કૃષ્ણપ્રિય કદંબ …

 

 

kdamb

 

 

‘કદંબ’ નામ પોતે જ નાનુશું પણ ઘટાદાર. ‘શિરીષ’ નામમાં જેમ તેના રોમશ સુંવાળાં ફૂલોને સ્પર્શ પામી શકાય તેમ કદંબમાં તેની ઘેઘૂર ઘટાનો અને નાનાશા પુષ્પદડાનો સ્પર્શબોધ પામી શકાય. કદંબના ઝાડને જોયું તે પહેલાંય તેનો પરિચય થયો કૃષ્ણ થકી. કૃષ્ણ સાથે અભિન્ન રીતે જોડાઈ ગયું છે આ વૃક્ષ. જેમ શિવ સાથે બીલી, વિષ્ણુ સાથે વૃંદા તેમ કૃષ્ણ સાથે કદંબ.

 

કૃષ્ણની શૈશવલીલાભૂમિ વૃંદાવન-ગોકુળ, જમુનાનો કાંઠો, રાધા, ગોપ-ગ્વાલ સાથે જ કદંબ તરત યાદ આવે. નાનપણમાં રહીમના દોહામાં તેનો પહેલો પરિચય થયો. રહીમને થાય છે કે ‘કાશ જો હું ગોકુલનો ગ્વાલ હોત, કૃષ્ણની ધેનુ હોત, જમુનાના કાંઠે ઝૂકેલ કદંબ હોત…’ એ કવિતાની સાથે જ યમુના પુલિન, યમુનાના નિગૂઢ શ્યામ જળ અને યમુનાના કાંઠે ઝૂકેલા કદંબનું ચિત્ર મનમાં અંકાઈ ગયું. એ પછી તો અનેક ગુજરાતી કૃષ્ણકવિતાઓમાં એ કદંબ જોયું, પણ એ કદંબનાં ફૂલોનો ઉલ્લેખ નહીં. ઉલ્લેખ માત્ર વૃક્ષનો કે કદંબની શાખનો.

 

કદંબ પહેલવહેલું ક્યારે જોયું ? રાજકોટમાં તો કદંબ જોયાનું યાદ નથી (જોકે એક વાર પરિચય થયા પછી આ આંખે કદંબનાં બે-ચાર બાલતરુ શોધી કાઢ્યાં). પહેલવહેલું જોયું હોય તો ૧૯૭૫માં સ્ટડીટુર વખતે કલકત્તાના બોટનિકલ ગાર્ડનમાં. પણ તેનીય સ્મૃતિ રહી નથી. મહોરેલું નહીં પણ ફાટફાટ ફૂટેલું કદંબ પહેલવહેલું જોયું અમદાવાદમાં અમારી જ સોસાયટીમાં સંસ્કૃતના વિદ્વાન ગૌતમ પટેલના આંગણામાં. લીમડો, પીપળો, વડપીપળ, ગરમાળો, ગુલમહોર તો માનવકોટિનાં વૃક્ષો જ્યારે કૃષ્ણપ્રિય કદંબ લગભગ દેવકોટિનું. સંસ્કૃત કવિઓને પ્રિય અને કૃષ્ણકેલિ સાથે સંકળાયેલું આ વૃક્ષ આ જમાનામાં અમદાવાદમાં અને અમારી જ સોસાયટીમાં ! હું તો આશ્ચર્યચકિત!

 

અષાઢના મેઘમેદૂર ભીના દિવસોમાં નાનકડું કદંબ આખું મ્હોરી ઊઠેલું – પીળા બાદલા ભરેલા લીલા સેલામાં શોભતી કોઈ કોડભરી ષોડશી જેવું. પહેલી વાર કદંબનાં ફૂલો જોયાં. ફૂલો વિષેની આપણી સામાન્ય ધારણા એટલે પાતળી પાંખડીઓ, સ્ત્રીકેસર, પુંકેસર અને લીલું વજ્રદલ. જ્યારે કદંબનું ફૂલ તો સાવ જૂદું જ નીકળ્યું. કદંબનું ફૂલ એ ફૂલ નહીં પણ ટેબલટેનિસની દડી જેવડો મઘમઘતો ફૂલદડુલો. વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે એ પોતે એક ફૂલ નહીં પણ નાનાં નાનાં પુષ્પો જડિત પુષ્પસમૂહ – inflorescence. મદિલગંધ દૂરથીય ખેંચી લાવે તેવી. નાક પાસે લાવી સૂંઘો તો નાકે ગલીગલી થાય તેવું રોમશ સુંવાળું. સૂંઘતાંની સાથે જ નાક પર, હોઠ પર, ગાલ પર આછી પીળી સુગંધિત પરાગરજ ચોંટી જાય. એ ઘટાદાર વૃક્ષ, એ રોમેશ ફૂલદડુલો-પુષ્પકંદૂક, એ માદક ઘેરી ગંધ – કૃષ્ણ અને રસિકોને આ વૃક્ષ કેમ પ્રિય હશે તે સમજાઈ ગયું.

 

આ કદંબને આપણે કહીએ ‘કદંબ’, પણ એ નામથી તો આપણે જ તેને ઓળખીયે. ન્યુઝીલેન્ડ, બ્રાઝિલ કે જર્મનીના ખૂણામાં બેઠેલાને ક્યાંથી સમજાય કે આપણે કયા વૃક્ષની વાત કરીએ છીએ. એટલે વૈજ્ઞાનિકોએ તો તેનું શાસ્ત્રીય નામ પાડવું જ રહ્યું. કદંબનું કુળ Rubiaceae – રુબિયેસી : વૈજ્ઞાનિક નામ – Anthrocephalus Cadamba કે Anthrocephalus indica – એન્થ્રોસીફેલશ ઈંડિકા. નામરૂપની આ સૃષ્ટિમાં રૂપને નામ આપ્યા વગર કોઈનેય ક્યાં ચાલ્યું છે !

 

મેં અષાઢની મેઘમેદૂર સવારે ફુલ્લ કુસુમિત કદંબ જોયેલું તે મોટું નહીં પણ ત્રણેક વરસનું નાનુંશું ઝાડ સીધું જ વધેલું ને બીજા માળની અગાશીને આંબી ગયેલું – ગૌતમ પટેલે પ્રેમથી ઉછેરેલું. કેમ ન ઉછેરે ? ગૌતમભાઈ વ્યાકરણના કોરા પાઠ કરનારા વિદ્વાન જ થોડા છે ? તે તો છે સંસ્કૃત સાહિત્ય પીને બેઠેલા રસિકજન. લીલાં ઘેરાં મોટાં પાનની ગાઢ ઘટા વચ્ચે અનેક આછા પીળા ફૂલગોટાઓ. જાણે એ ઘટામાં પડતાં છિદ્રોને પૂરવા જ આ ગોટાઓ ન ખીલ્યા હોય ! ગંધ એવી પ્રગાઢ કે કદંબ નીચે છાયાની ઘટા છે કે ગંધઘટા તે જ કહેવું મુશ્કેલ. ઉપર મધમાખીઓનો ગુંજારવ – જાણે ઝાડ આખું ગુંજતું. શોભા એવી કે કદંબે જાણે કળા કરી હોય તેવું લાગે. કદંબની આ પુષ્પકલા ઝાઝા દિવસો ન ચાલે. માટે જ કદંબ જ્યારે પુરબહારમાં ખીલ્યું હોય ત્યારે તેને માણી લેવું જોઈએ. કદંબદર્શનનું રસિક આમંત્રણ સ્વીકારી ભાયાણીસાહેબ અને વિજય પંડ્યાએ એક વાર ગૌતમભાઈને ઘેર આવી કદંબનું આનેત્ર, આનાસિક પાન કરેલું.

 

આ કદંબ આપણને જો આટલું પ્રિય છે તો પ્રાચીન કવિઓને તો કેટલું પ્રિય હશે ? રામાયણમાં તો સીતાનું એક વિશેષણ જ ‘કદંબપ્રિયા’ છે. વિરહી રામ કદંબને જ પૂછે છે કે કદંબપ્રિયા મારી પ્રિયાને તેં જોઈ છે ?  કદંબના સંસ્કૃત સાહિત્યમાં કેટકેટલા ઉલ્લેખો ! કદંબ વૃક્ષોમાંથી ઝરતા મધને પી મદોન્મત બનેલા ભમરા, કદંબ પર નાચતા મત્ત મયૂરો, પ્રિયતમ રામચંદ્રનો સ્પર્શ થતાં કદંબપુષ્પ જેમ રોમાંચિત થતાં સીતાનાં ગાત્રો, કદંબનાં પુષ્પોથી સુવાસિત થયેલ સમીરણ; કદંબરજને અંગરાગ તરીકે ચહેરા પર લગાડતી લલનાઓ, નવકુસુમિત કદંબપુષ્પોનું કર્ણાભરણ પહેરેલી રૂપસી, કદંબ ફૂલ જેવાં ખરતાં આંસુઓ, વિયોગી પ્રેમીને વિહવળ કરતી કદંબની માદકગંધ, મેઘગર્જનાથી કામપીડિત ચારુદત્તનાં કદંબપુષ્પત્વ પામતાં રોમાંચિત ગાત્રો, નવકદંબ પુષ્પોની રજથી રાતું ધૂસર થઈ ગયેલું આકાશ… કદંબને પામવાની કેટકેટલી રીતો ! કદંબ પર ફિદા થવું કે કદંબપ્રિય રસિકો પર તે નક્કી ન કરી શકાય. ગુજરાતી કવિતામાંય કૃષ્ણ સાથે કદંબ આવ્યું. હરીન્દ્ર દવે કહે :

 

કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબડાળી યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી

 

તો માધવ રામાનુજ આંસુના જમુનાકાંઠે કદંબ વાવવાની વાત કરે,

 

રોઈ રોઈ આંસુનાં ઊમટે જો પૂર
તો એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો.

 

જમુનાજળમાં નાહતી ગોપીઓનાં કાંઠે પડેલાં વસ્ત્રો ચોરી કદંબ પર ચડી ગયેલા કૃષ્ણનું ચિત્ર વરસોથી મનમાં દોરાયેલું છે. થાય છે કે આ રૂપક છે ? સર્ સર્ સરતા આ સંસારમાં આપણી લાજ તો આકાશરૂપી કદંબ પર જે બેઠેલો છે તેના જ હાથમાં. આ જ કલ્પનાને આગળ દોરી જતાં થાય છે કે આકાશરૂપી મહાકદંબનાં ફૂલો એ નવલખ તારા જને ! રાત્રે હવે તારાઓમાંથી કદંબફૂલોની ઘેઘૂર ગંધ વહી આવશે તો નવાઈ નહીં લાગે.

 

 

(અજ્ઞાત)

 

 

કદંબ મહિમા …

– પ. ભ. એક વૈષ્ણવ

 

 

પૂર્ણાનંદ પુરુષોત્તમ શ્રીકૃષ્ણચન્દ્ર રસ રાસવિલાસીકી નિત્ય વિહારસ્થલી બ્રજભુમિમેં કદંબ હી કદંબ દષ્ટિગોચર હોતે હે. કદંબકા મહત્વ શ્રીઠાકોરજી હી જાનતે હે. કદંબકા નામ “કદંબાસ્તુ હરિપ્રિયાઃ” ઈસ પ્રકાર કોષમેં લિખા હે. ગોચારણલીલામેં કદંબકી છૈયામેં આપ વિશ્રામ કરતે હો. ગો આહ્યાન ભી કરતે હે. (કદમ ચઢ કાન્હ બુલાવત ગૈયા-ઈસી તરહ કરતે હે.) ભોજનકી છાક લીલાભી કદંબકી છાહમેં કરતે હે. દધિપાનભી કદંબકે દોનાસે કરતે હે. વસ્ત્રહરણલીલા ભી કદંબ પર હી હે. હિંદોલાઝુલન લીલા ભી કદંબકે નીચે હે.

 

 

રાસલીલામેં ભી કદંબકા વર્ણન હે. (કદંબપાદપચ્છાયે સ્થિતંવૃન્દાવને ક્વચિત્) શ્રીયમુના તટ પર ભી કદંબકે યૂથ હે. શ્રીગોવર્દ્ધનધારણકે સમયભી કદંબકો મરોડા હે. આજ ભી પેઠોનામક ગ્રામમેં એંઠા કદંબકે મરોડયુક્ત પ્રત્યક્ષ દર્શન હોતે હે નંદગ્રામકે સમીપ ઉદ્ધવ ક્યારી હે, જહાંપર ઉદ્ધવજીને શ્રી વ્રજગોપિકાઓંકો કૃષ્ણસંદેશ સુનાયા થા ઓર ભ્રમરગીતકા પ્રાદુર્ભાવ હુઆ થા વહાં પરભી કદંબકે યૂથોંકે મંડલ હે. શ્રીયશોદાજીકો શ્રીકૃષ્ણને રાસનૃત્યલીલાકે દર્શન કરાયે વહ સ્થાનભી ‘કોટબનકી કદંબનકી કદંબખડીકે નામ’સે પ્રસિદ્ધ હે (યત્ર ગોપીકદંબકમ્, ઓર કદમબન બીયન કરત બિહાર)કદંબ, કુમારિકા એવં કિશોરિકા શ્રાગોપીજનોકા સ્વરૂપ હે. શ્રીવ્રજમંડલમેં કદંબકે અનેક મંડલ હે. શ્રીકૃષ્ણકી કમનીય કોટિ કલાઓંકા કોમલ ક્રીડાસ્થલ કેવલ કદંબહી વિશેષ રૂપમેં હે. વેણુનાદ ભી પ્રાયઃ કદંબકે ઉપર ઓર કદંબકે તલે કરતે હે બ્રજભૂમિમેં કદંબકા સ્વરાજ્ય ઓર સાર્વભામ (સામ્રાજ્ય) સર્વદા સ્થાયી હે. કદંબકી આભુ ભી અનંત સહસ્ત્રાવધિ હે. કદંબયષ્ટિકા (છડી) ભી સુદ્રઢ હોતી હે. પત્રભી મુકુટાકૃતિ મહામનોહર હોતે હે. પુષ્પમાલાભી મોહનમણિમાલાસી હોતી હે. સુગંધ ભી રસર હોતી હે. જહાં કદંબ હે વહાં કૃષ્ણ નિશ્ચય હે. વ્રજકે અતિરિક્ત અન્ય દેશોમેં ભી કદંબકે દર્શન હોતે હે. જેસેં કૃષ્ણગઢમેં શ્રીનાથજીકી બેઠક કદંબકે નીચે હે. કોટામેં ભી કદબખંડી હે કહાં તક લિખા જાય-કૃષ્ણકી કૃપાકટાક્ષસેં હી કદંબકી કમનીય કીર્તિ કા કાવ્યાલાપ કિંચિત્ સંભવ હો સકતા હે કિસીને કહા હે-“કલિત કલાકર કુસુમકર, કોવિદ કૃષ્ણ કદંબ”

 

 

એલચી –  મુખવાસ:

 

રાઘા-કૃષ્ણનું પ્રિય ‘કદંબ’ વૃક્ષ …

 

 

આજે પણ ઘણાં લોકો એવી માન્યતા ધરાવે છે કે કદંબવૃક્ષ એ કેવળ પુરાણ કથાઓનું વૃક્ષ છે અને પૃથ્વી પર અત્યારે અસ્તિત્વ ધરાવતું નથી. કદંબ પ્રાચીન વૃક્ષ હોવા છતાં વૈદિક સાહિત્યમાં એનો ઉલ્લેખ થયો નથી. રામાયણ, મહાભારત અને પુરાણોમાં વિપુલ પ્રમાણમાં કદંબનો ઉલ્લેખ મળી આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં કદંબને શ્રીકૃષ્ણ-રાધાનું પ્રિય વૃક્ષ આલેખવામાં આવ્યું છે. ‘ ગોપી વસ્ત્રાહરણ’ પ્રકરણમાં કૃષ્ણ યમુના નદીમાં સ્નાન કરી રહેલી ગોપીઓનાં વસ્ત્રો લઇને કદંબવૃક્ષ ઉપર ચઢીને બેસી ગયા હતા.

 

 

શિવજીને બીલીપર્ણ પ્રિય છે તો પાર્વતીને કદંબપર્ણ પ્રિય હોવાથી દશેરાના દિવસે કદંબના પાંદડાં ચઢાવવામાં આવે છે. મઘુરા-મદુરાઇના મીનાક્ષી-સુંદરેશ્વર મંદિરમાં કદંબવૃક્ષની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એ દર્શાવે છે કે કદંબવૃક્ષ શૈવ અને દેવી સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે.

 

 

કદંબ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. પાલી ભાષામાં કદંબના કલમ્બ અને નીપ એવાં બે નામો છે તો પ્રાકૃત ભાષામાં કયમ્બ,કડમ્બ અને નીવ એવાં ત્રણ નામો છે. હિન્દી ભાષામાં કરંમ, કદમ, બંગાલીમાં કદમ, ગુજરાતીમાં કદંબ અને તમિલમાં કદંબમ્ કહેવામાં આવે છે. કદંબનું શાસ્ત્રીય નામ લેટિન ભાષામાં ‘એડિના કોર્ડિફોલિયા’ છે. કદંબ એ વર્ષાઋતુનું વૃક્ષ છે. પણ કદંબના પાંદડાં બારેમાસ લીલાંછમ રહે છે. કદંબને ફૂલો વર્ષાઋતુમાં બેસે છે અને એક-બે એવી સંખ્યામાં નહિ, સર્વ ફૂલો એક સાથે જ ખીલે છે. કદંબ ફૂલો સંપૂર્ણ ગોળાકાર હોય છે અને કેસરી તથા પીળો રંગ ધરાવે છે. ફૂલોમાં ભરપૂર અને નાજુક પરાગતંતુ હોય છે. આ કારણે સંસ્કૃત ભાષાનાં કવિઓએ પ્રિયતમાની રોમાવલીને કદંબના પરાગની ઉપમા આપી છે. કદંબના ફૂલો સુરેખ તો હોય જ છે, પરંતુ તેની સુગંધ આક્રમક અને માદક હોય છે. વિશેષતા એ છે કે એની કળીપણ ગોળાકાર ફૂટે છે.

 

 

પુરાણોમાં કદંબનું ઘણે ઠેકાણે વર્ણન આવેલું છે. કૃષ્ણ ભગવાને વ્રજલીલામાં ગોપીઓનાં કપડાં કદમ્બ વૃક્ષો પર સંતાડ્યાં હતાં. બીજી એક પુરાણ કથા પ્રમાણે ગરુડ એના બન્ને પગનાં પંજાઓમાં મહાકાય કાચબો અને એવો જ મહાકાય હાથી લઈને કદંબની ડાળ પર બેઠું હતું. વૃક્ષને બચાવવા હજારો વહેંતિયા બ્રાહ્મણો એક ડાળી પર બેસી પ્રાર્થના કરી રહ્યા હતા. આ બ્રાહ્મણોને ઇજા ન થાય તે માટે ગરુડ ઊડી ગયું પરંતુ સાથે એક મોટી ડાળી, કાચબો અને હાથીને પણ સપાટામાં ઉંચક્યાં હતાં.

 
આંખો લાલ થવી અથવા આંખો આવવી વિગેરેમાં કદંબની છાલનો રસ, લીંબુનો રસ, અફીણ અને ફટકડીનાં મિશ્રણનો લેપ આંખની આજુબાજુ કરવામાં આવે છે. મ્હોં આવે છે ત્યારે પાંદડાને ઉકાળી તે પાણીનાં કોગળા કરવામાં આવે છે. નાનાં બાળકોને તાળવે ખાડો પડે તો છાલમાં થોડું પાણી નાંખી રસ કાઢી તેમાં જીરૂં અને ખડીસાકર નાંખી તે મિશ્રણ પાવું અને તાળવે ચોપડવું અને દિવસનાં પાંચ-છ વખત ચોળવું. ત્રણ દિવસ પછી તાળવે કારેલીનું તેલ ચોપડવું અને કદંબની છાલને પાણીમાં ઘસી તેમાં સ્નાન કરાવવું. આનાથી ફાયદો થાય છે.

 

આ વૃક્ષનું લાકડું ચાનાં ખોખાં, નાનાં કોરેલાં હાંડકાં, રમકડાં વગેરે બનાવવામાં વપરાય છે.

 

‘રામાયણ’ના ‘કિષ્કિંધાકાંડ’માં જણાવવામાં આવ્યું છે કે રામ યુદ્ધની તૈયારી કરવા શરદઋતુની પ્રતીક્ષા કરી રહ્યા છે. વર્ષાઋતુના રમણીય દ્રશ્યનું વર્ણન કરતાં રામ લક્ષ્મણને કહે છે કે આકાશમાં શ્યામવાદળો ઘેરાયાં છે અને મોસમનો પહેલો વરસાદ માલ્યવાન પર્વત પર વરસી રહ્યો છે અને નૂતન જળપ્રવાહમાં સર્જ અને કદંબપુષ્પો એકઠાં થઇને વહી રહ્યાં છે તો પર્વતમાં રહેલા ધાતુઓના કારણે એ જળપ્રવાહનો રંગ રાતો થઇ ગયો છે. આ રાતા જળપ્રવાહને મયૂરોનો કેકારવ સાથ આપી રહ્યો છે. 

 

 

બીજા એક શ્લોકમાં આકર્ષક વર્ણન છે  :  પહેલા વરસાદની ઝડીના કારણે કમળફૂલમાંથી કેસર ખરી જતાં ભ્રમરા કમળપુષ્પનો ત્યાગ કરીને કેસરથી ભરપૂર કદંબફૂલોનું પાન કરી રહ્યા છે. 

 

‘ભાગવત પુરાણ’માં દસમા સ્કંધના સોળમા અઘ્યાયમાં કાલિયામર્દનના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમાં જણાવ્યું છે કે કૃષ્ણ યમુના નદીના કિનારે આવેલા કદંબના વૃક્ષ પર ચડી ગયા અને કદંબની ઉંચી ડાળી પરથી યમુના નદીના ઝેરી પાણીમાં ડૂબકી મારી.

 

કવિ કાલિદાસ પોતાના સાહિત્ય સર્જનમાં ત્રણ પ્રકારનાં કંદબવૃક્ષો જણાવે છે. નીપ, કદંબ અને રક્તકદંબ.

 

ભવભૂતી ‘માલતી માધવમ્’માં કદંબનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે, 

 

‘‘ પ્રિયતમનું પ્રથમ વચન સાંભળતાં જ મારા અંગનાં રોમેરોમ ઊભાં થઇ ગયાં છે. પહેલા વરસાદનાં વાદળોમાંથી જળધારા વરસતાંની સાથે કદંબવૃક્ષ પુષ્પવલીત થઇ જાય છે તેવી જ મારી અવસ્થા થઇ ગઇ છે.’’

 
આચાર્ય હેમચંદ્રે ‘દ્રવ્યાશ્રય મહાકાવ્યમ’માં દસમા સર્ગમાં ગુજરાતના રાજા ભીમદેવ સોલંકીના પરાક્રમનું વર્ણન કરતાં કહ્યું છે, ‘વર્ષાઋતુમાં કદંબવૃક્ષો પર પૂર્ણપણે પુષ્પો ખીલી ઊઠ્યાં છે અને કદંબ ફૂલ સમૂહ પર ભ્રમરોનાં ટોળાં ફરી વળ્યાં હોવાથી એ પુષ્પો ઢંકાઇ જેવાં ગયાં છે.’

 

 

જૈન સાહિત્યમાં ‘શત્રુંજય માહાત્મયમ્’ તીર્થક્ષેત્ર એવા એકવીસ પર્વતોનો ઉલ્લેખ છે અને એ પર્વત પર કદંબવૃક્ષોનું વન આવ્યું છે.

 

મદુરા-મદુરાઇના મીનાક્ષી સુંદરેશ્વર મંદિરની કથા પણ કદંબવૃક્ષ સાથે સંકળાયેલી છે. ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ના ૧૧મા વોલ્યૂમ (૧૮૮૬ ઇ.સ.)ના ૨૯મા પાના ઉપર એ કથા છેઃ

 

 

ધનજંય નામનો વેપારી કદંબવનમાં થઇને ઘરે પાછો ફરી રહ્યો હતો. એ વનમાં ધનજંયને એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું. ઈંદ્ર ત્યાં સ્વયંભૂ શિવલિંગની પૂજા કરી રહ્યાં હતાં. વેપારી ધનંજયે એ વાત પાંડ્ય વંશના રાજા કુલશેખરને જણાવી. રાજા પરમ શિવભક્ત હતો. એ જ રાતેકુલશેખર રાજાને શિવે સ્વયં સુંદરેશ્વરના સ્વરૂપમાં સ્વપ્નમાં દર્શન આપ્યાં. સુંદરેશ્વરની જટામાંથી અમૃતનાં બૂંદ સરી રહ્યાં હતાં. અમૃત મઘુરમાં મઘુર હોય છે. સ્વપ્નમાં રાજાને સુંદરેશ્વરે સ્વયંભૂ શિવલિંગની જગ્યા પણ બતાવી. કુલશેખરે ત્યાં મીનાક્ષી-સુંદરેશ્વર મંદિરની સ્થાપના કરી અને મઘુર અમૃત ઉપરથી તે સ્થળનું નામ મદુરાઇ રાખવામાં આવ્યું છે. મંદિર આગળ પ્રાચીન કદંબવૃક્ષનું થડ જાળવી રાખવામાં આવ્યું છે. તેની સામે નાગની મૂર્તિ છે અને સ્ત્રીઓ તેની પૂજા કરે છે.

 

ગુજરાતમાં રેવાકાંઠાના ભીલો કદંબવૃક્ષમાં મોટી આસ્થા ધરાવે છે. ઇન્દ્રોત્સવ-યાત્રા-મેળામાં કદંબની ડાળી રોપી તેની પૂજા કરે છે. બાધા-માનતા માની હોય તો તે છોડતી વખતે એક ખાડામાં કદંબની ડાળી રોપી તે ખાડાને ચોખાથી ભરીને તેના પર માટી પાથરવામાં આવે છે. ત્યાર પછી મરઘા કે બકરાનું બલિદાન ચઢાવવામાં આવે છે અને દારૂ અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે. કદંબવૃક્ષનાં પાંદડાં ઊલટી દિશામાં વળેલાં હોય છે એ તેની વિશેષતા છે. એ વિશે એક દંતકથા પ્રચલિત છે.

 

વૃંદાવનથી ગોપીઓ દહીં લઇને મથુરાની બજારમાં વેચવા કદંબવૃક્ષોવાળીપગદંડી પરથી જઇ રહી હતી. ત્યારે કૃષ્ણે અને ગોપકુમારોએ ગોપીઓને રોકી દાણામાં દહીની માંગણી કરી. ગોપીઓએ કહ્યું કે દહીં અમે મથુરાની બજારમાં વેચવા લઇ જઇએ છીએ. મફતમાં દહીં નહીં મળે.કૃષ્ણે દહીંના ઘડા છીનવી લીધા અને કદંબવૃક્ષના પાંદડાના દડિયા-પડિયા બનાવીને તેમાં દહીં ખાઘું હતું. આ કારણે પાંદડાં ઊલટી દિશામાં વળી જઇને દડિયાના આકારની કલ્પના આપે છે.

 

 

સૌજન્ય : સાભાર : ગુજરાત સમાચાર 

 

 

સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
[email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર છે.