|| શિક્ષાપત્ર ૩૩મું || … અને (૩૪) મંગલં મંગલં વ્રજભૂવિ મંગલમ્ … મંગળ ભાગ સર્યા બાદ ગવાતું પદ

|| શિક્ષાપત્ર ૩૩  મું || …

 

 

pushti prasad 36

 

 

બત્રીસમાં શિક્ષાપત્રનાં પ્રથમ પાંચ શ્લોક સુધી શ્રી હરિરાયજીચરણે પુષ્ટિજીવની અશુધ્ધિઓ જેવી કે કામવાસના, સ્નેહનો અભાવ, અહંકાર, લૌકિક કાર્ય અને વિષયો વિષે તત્પરતા, ભગવદીયોથી દૂર રહેવું, ભગવદ્લીલામાં દોષદૃષ્ટિ, કર્મ પ્રત્યેની જડવૃતિ વગેરેનું વર્ણન કર્યું છે, અને કહ્યું છે કે આવી અશુધ્ધિઓ ધરાવનાર જીવોનાં હૃદયમાં શ્રી પ્રભુ બિરાજતા નથી. ૬ થી ૧૦ માં શ્લોકમાં શ્રી હરિરાયજીચરણે કહ્યું છે કે અનન્યાશ્રય, હૃદયની શુધ્ધતા, પ્રભુની લીલાનું ચિંતન કરવું, વૈષ્ણવો, તાદ્રશીજનો અને ભગવદીય જનોનો સંગ કરવો, કાપ્ટ્યરૂપ લૌકિક જીવન રાખવું અર્થાત લૌકિકમાં રૂચિ ઓછી અને અલૌકિકમાં રુચિ વધારે એવા પુષ્ટિજીવના હૃદયમાં શ્રી પ્રભુ આનંદપૂર્વક બિરાજે છે. આજ ભાવને વધુ સાતત્યપૂર્વક શિક્ષાપત્ર ૩૩માં નવ શ્લોકોથી અલંકૃત કર્યા છે.

 

 

પ્રથમ શ્લોકનું નિરૂપણ કરતાં શ્રી હરિરાયજી ચરણ કહે છે કે

 

 

અસ્મિનમાર્ગે પ્રભોરિચ્છામાત્રં સર્વત્ર કારણમ્ ।
સૈવ ચાવરણં યાવત્ પ્રતિકૂલં ફલે નિજે ।।૧।।

 

 

અર્થાત, આ પુષ્ટિમાર્ગમાં સર્વત્ર કેવળ પ્રભુની ઈચ્છા જ કારણરૂપ છે. પ્રભુની ઈચ્છા જીવને ફળદાન કરવાની ન હોય તો ફલ પ્રાપ્ત થતું નથી. પ્રભુ ઈચ્છે તો જ આ બધુ મળે છે, કારણ કે પ્રભુને માટે કશું જ અશક્ય નથી. કોઈપણ જાતિ, વર્ણ કે ધર્મથી રહિત હોવા છતાં પણ ફળનું દાન કરે છે, પણ પુષ્ટિમાર્ગમાં શરણે આવેલ જીવને પ્રભુ ફલનું દાન અવશ્ય કરે છે. બીજા શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે

 

 

તદાવરણનાશસ્તુ દૈન્યાદેવ હરૌ કૃતાત્ ।
સ દીનેષુ નિજામિચ્છામનુકૂલાં કરોતિ હિ ।।૨।।

 

 

અર્થાત, જો શ્રી પ્રભુની ઈચ્છા જ ફળ આપવામાં આવરણ રૂપ હોય તો, આ આવરણનો નાશ કરવો હોય, તો પ્રભુ પ્રત્યે દીનતા રાખવી એજ સાચો અને સચોટ ઉપાય છે. આવા જ દીન ભક્તજનો પ્રત્યે જ શ્રી પ્રભુ પોતાની ઈચ્છા અનુકૂળ કરે છે. શ્રી હરિની સાથે જ્યારે જ્યારે દીનતા આવે ત્યારે આવરણનો નાશ થાય અને ભગવાન સાથે સંબંધ થાય છે. તેથી જીવનો પ્રભુની સેવામાં અંગીકાર થાય છે. શ્રી હરિરાયજીચરણ કહે છે કે જ્યારે જીવમાં દીનતાથી દાસભાવ આવે છે ત્યારે પ્રભુની પણ પોતાના જીવ પ્રત્યેની ઈચ્છા આપોઆપ અનુકૂળ થઈ જાય છે જેને કારણે અંગીકૃત જીવને સર્વ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વાતને સમજાવતા શ્રી હરિરાયજીચરણ ત્રીજા શ્લોકમાં કહે છે કે

 

 

તદાનુકૂલ્યે દાસાનાં કિં ફલં દુર્લભં મતમ્ ।
કૃપા ચ જાયતે દીને લોકસિધ્ધનિદર્શનાત્ ।।૩।।

 

 

અર્થાત જો પ્રભુની ઈચ્છા અનુકૂળ થાય તો દાસને કોઈપણ ફળ દુર્લભ હોતુ નથી, અને આમ પણ લૌકિકમાં દીન પ્રત્યે સૌ કોઈ દીનભાવ રાખે જ છે.

 

 

અતો દૈન્યં હિ માર્ગેસ્મિન્ પરમં સાધનં મતમ્ ।
અભિમાનો મદશ્ચાપિ સતતં તકિરોધિનૌ ।।૪।।

 

 

અર્થાત આ માર્ગમાં દીનતા જ સાધનરૂપ ગણાય છે. અભિમાન અને મદ-અહંકાર આ બંને હંમેશા દીનતાનાં વિરોધી છે. તેથી,

 

 

તૌ વિજ્ઞાય પ્રયત્નેન પરિત્યાજ્યૌ ફલાર્થિભિઃ ।
દૌષ્ટયં સમસ્તેન્દ્રિયાણાં સાધનૈરેવ નાશયેત્ ।।૫।।

 

 

અર્થાત પુષ્ટિમાર્ગીય ઈચ્છાવાળા જીવોએ અભિમાન અને મદને જાણીને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ, અને સર્વ ઇન્દ્રિયોને સાધન તરીકે ઉપયોગ કરીને તેમની દુષ્ટતાનો નાશ કરવો જોઈએ.

 

 

અત્રે આ શ્લોકનુ વિવેચન કરતા શ્રી હરિરાયજીચરણ સમજાવે છે કે પુષ્ટિમાર્ગમાં પરમ સાધન દૈન્ય એક જ છે. દૈન્યભાવનાથી સર્વ સમર્પણ કરાય છે. જેને દીનતા સિધ્ધ થઈ તેને જ આ પુષ્ટિમાર્ગનુ ફળ પ્રાપ્ત થાય છે. અભિમાન અને સંસાર મદ આ ઉભય પુષ્ટિમાર્ગીય ફળનાં અવરોધી છે. અભિમાનથી પુષ્ટિમાર્ગીય ભગવદીયનુ દાસત્વ ક્ષીણ થઈ જાય છે. ઇન્દ્રિયોને સંસારનાં આવેશથી દૂષિત થતાં અટકાવવાની જરૂર છે, માટે જ શ્રી આચાર્યચરણ કહે છે કે ઇન્દ્રિયોને પ્રભુ પ્રત્યેની સેવાર્થે અને કાર્યર્થે વિનિયોગ કરવો જોઈએ. સર્વે ઇન્દ્રિયોને લૌકિક આસક્તિથી દૂર કરી શ્રી પ્રભુનાં કાર્યો અર્થે વાપરવી દા.ખ જીભને કોઈ જીવોની નિંદા ન કરતાં ભગવદનામ ઉચ્ચારણ અર્થે વ્યસ્ત રાખવી  કરવું જોઈએ. એ જ પ્રમાણે અન્ય ઇન્દ્રિયોનો પણ પ્રભુનાં કાર્યર્થે ઉપયોગ થવો જોઈએ. (હાથ, પગ, કાન, આંખ )

 

 

અથવાશ્રયમાત્રેણ નાશયિષ્યતિ મત્પ્રભુઃ ।
નિજાચાર્યોશ્રિતાનાં તુ દોષા વહ્યિ સ્વરૂપતઃ ।।૬।।

 

 

અર્થાત જો જીવ આમ કરવાને (ઇન્દ્રિયો અંકુશીત) શક્તિમાન ન હોય તો તેણે પોતાના આચાર્યચરણનો આશ્રય કરવો. શ્રી આચાર્યચરણ પોતે અગ્નિ સ્વરૂપ હોવાથી,

 

 

સંબંધમાત્ર તો ભસ્મીભવંતિ ક્ષણમાત્રતઃ ।
અતઃ સ્વાચાર્યમાતૈકશરણનૈસ્તત્પરાશ્રિતૈઃ ।।૭।।

 

 

આશ્રિત સેવકના દોષોને સંબંધમાત્રથી બાળીને ભસ્મીભૂત કરશે. આથી આપણાં આચાર્યચરણનો અને આપણાં આચાર્યચરણને પ્રમાણિત હોય તેવા વૈષ્ણવોનો આશ્રય કરવો જોઈએ. તથા આજ ભાવને વધારે તે માટે આચાર્યચરણ ભાવપૂર્વક સમજાવતાં કહે છે કે

 

 

તદ્રગ્રંથાર્થાવબોધાર્થવિહિતા તિ પ્રયત્નકૈઃ ।
દુઃસંગવર્જિતૈઃ સંગસમ્પ્રાપ્ત્યા શાયુ તૈરપિ ।।૮।।

 
સ્થેયં સેવાપરૈરન્યાશ્રયત્યાગ વિચક્ષણૈઃ ।
કામલાભાહિદોષૈકપરિત્યાગેચ્છુભિઃ સદા ।।૯।।

 

 

અર્થાત આચાર્યશ્રીના ગ્રંથોનો અર્થ સમજવા પ્રયત્ન કરવો, દુઃસંગનો ત્યાગ કરવો, સાથે સાથે ભગવદ્પ્રાપ્તિની આશાવાળા થઈ સેવામાં રત રહેવું, અને અન્યાશ્રયનાં ત્યાગમાં વિચક્ષણ એવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, અભિમાન વગેરે દોષોનો પરિત્યાગ કરવો.

 

 

આમ અત્રે આ ૩૩ માં શિક્ષાપત્રમાં પુષ્ટિમાર્ગનાં ફળમાં આપણાં પ્રભુની જ ઈચ્છા નિયામક છે માટે પ્રભુ ફળ દાન કરવાની ઈચ્છા કરે તે માટે વૈષ્ણવોએ દીનતા રાખવી જરૂરી છે. કારણ કે પ્રભુ ધર્મ, ગુણ, જાતિ વગેરે વિષે ન વિચારતા કેવળ અને કેવળ દૈન્યતા ભરેલ જીવો તરફ ખેંચાઇ જાય છે. તેથી જ જીવોએ પોતાની અંદર રહેલા અહંકાર, મદ વગેરે તમામ દોષોને છોડવા જોઈએ. શ્રી આચાર્યચરણ કહે છે કે જ્યારે જીવ પોતાની અંદર રહેલા આ દોષોને સ્વયં દૂર કરી શકતો નથી ત્યારે તેણે શ્રધ્ધાપૂર્વક આચાર્યચરણનો આશ્રય કરી લેવો કારણ કે ગુરુચરણમાં દ્રઢ આશ્રયભાવ રાખવાથી જીવમાં રહેલા તમામ દોષો આપમેળે દૂર થઈ જાય છે. શ્રી હરિરાયજીચરણ કહે છે કે ગુરુચરણોમાં દ્રઢ આશ્રય મેળવવા માટે વૈષ્ણવોએ માર્ગનાં ગ્રંથોનું વાંચન શ્રધ્ધા અને વિશ્વાસપૂર્વક કરવું જરૂરી છે. આ ગ્રંથોને સમજવાથી આચાર્યચરણમાં દ્રઢ આશ્રયભાવ સ્થિર થશે જેને કારણે જીવમાં દૈન્યતા આવશે અને અન્યાશ્રયભાવ આપમેળે છૂટી જશે.

 

 

આ ભાવ સાથે અહીં ૩૩ મુ શિક્ષાપત્રનું સંકલન પૂર્ણ કરાય છે. પરંતુ શિક્ષાપત્રનાં સારને ભાવપૂર્વક સમજવા માટે મૂળ ગ્રંથનું વાંચન કરવું જરૂરી છે.

 

 

 

શેષ શ્રીજી કૃપા …

 

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

 vraj land

 

 

(૩૪) મંગલં મંગલં વ્રજભૂવિ મંગલમ્ …
મંગળ ભાગ સર્યા બાદ ગવાતું પદ

કવિ- શ્રી વિઠ્ઠલનાથજી ગુંસાઈજીચરણ.
રાગ- ભૈરવી

 

 

મંગલં મંગલં વ્રજભૂવિ મંગલમ્ ।
મંગલમિહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તનમેતદ્રુચિરોત્સંગ
સુલાલિત પાલિત રૂપમ્ ।।૧।।

 

શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિસારં નામ સ્વાર્તજનાશયઃ
તાપાપહમિતિ મંગલ રાવમ્ ।
વ્રજસુંદરી વયસ્ય સુરભિવૃંદ મૃગીગણ નિરુપમ્ભાવાઃ
મંગલસિંધુ ચયાય ।।૨।।

 

મંગલમિષત્ સ્મિતયુતમીક્ષણભાષણમુન્નત નાસાપુટ
ગત મુક્તાફલ ચલનમ્ ।
કોમલ ચલદંગુલિદલ વેણુનિનાદ વિમોહિત
વૃંદાવન ભુવિ જાતાઃ ।।૩।।

 

મંગલ મખિલં ગોપી શિતુરીતિ મંથર ગતિ વિભ્રમ
મોહિત સ્થિત ગાનમ્ ।
ત્વં જય સતતં ગોવર્ધનધર પાલયઃ નિજદાસાન્ ।।૪।।

 

 

આ પદ શ્રી વિઠ્ઠલનાથજીએ સંસ્કૃતમાં ગાયેલ છે. આ પદમાં કહેવામાં આવ્યું છે કે વ્રજભૂમિ મંગળ છે, વ્રજભૂમિમાં સર્વસ્વ મંગળ છે, વ્રજભુવિમાં સદા સર્વદા મંગળ છે.

અહીં શ્રીનંદ યશોદા મંગલ છે, તેમનાં નામ સંકીર્તન મંગલ છે, તેમની સુંદર વાત્સલ્યભરી ગોદમાં સારી રીતે જે ખેલી રહ્યાં છે અને જે સુંદર રીતે પોષાઈ રહ્યાં છે તે ઠાકુરજીનું સ્વરૂપ મંગલ છે.

 

(૧)શ્રી સ્વામિનીજી સહિત શ્રી કૃષ્ણ એ વેદની સર્વ શ્રુતિઓનાં ગુણગાનનો સાર છે. તેમનું નામ તેમનાં વિરહાતુરજનોનાં સર્વ તાપ-પાપનો નાશ કરનાર મંગલ છે.

 

(૨)અહીં વ્રજભક્તો સ્મિત સહિત શ્રી ઠાકુરજીને નિરખતાં, શ્રી ઠાકુરજી સાથે મધુર વાતો કરે છે ત્યારે તેમની સુંદર નાસિકામાં ધરેલ નકવેસરનું ગજમોતી આમતેમ ઝૂલે છે. શ્રી દેવદમનજીની કોમલ આંગળીઑથી થતો વેણુનાદ વૃંદાવનમાં સર્વેને વિશેષ મોહિત કરે છે.

 

(૩)સર્વે ગોપીજનો મંગલ છે, તેઓ મંથર ગતિએ ચાલે છે. તેઓ શ્રી ઠાકુરજીમાં મોહિત થઈ, સ્થિર બની ગાન કરે છે. હે દેવદમન ગોવર્ધનધર ! આપનો સદૈવ જય થાય તમે તમારા દાસોનું, આપને શરણે આવેલા આ જીવોનું રક્ષણ કરો.

 

(૪)  શ્રી ગુંસાઈજી રચિત આ પદમાં………. શ્રી ભાગવતજી  આ પદમાં પૂરા દશમ સ્કંધનો ભાવ સમાયેલો છે.

 

કીર્તન સાહિત્યનાં આધારે.
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …