|| શિક્ષાપત્ર ૩૨ મું || … અને (૩૩) નમો વલ્લભાધીશ …(પદ) …

|| શિક્ષાપત્ર ૩૨ મું || …

 

 pushti prasad 33

 

 

 

૩૧ માં શિક્ષાપત્રને શ્રી હરિરાયજી ચરણે ભાવવૃધ્ધિ અને વરણ વિચારથી અલંકૃત કરેલ છે જે ૨૫ શ્લોકોની હારમાળાથી શોભી રહ્યું છે. જેમાં બતાવ્યું છે કે વરણ એટ્લે કે પસંદગી કરવી સ્વીકાર કરવો. જેમ મર્યાદા માર્ગમાં જીવ પ્રભુને પસંદ કરે છે તેમ પુષ્ટિમાર્ગમાં પ્રભુ જીવને પસંદ કરે છે અને પોતાનો કરીને સ્વીકારે છે. પુષ્ટિમાર્ગમાં પ્રભુ જીવનાં સાધન, સામર્થ્ય કે સદ્ગુણોને ધ્યાનમાં લીધા વિના જ જીવ ઉપર કૃપા કરે છે. તે જીવોનાં દોષો જોયા વગર તેનું વરણ કરે છે. ૩૧ માં શિક્ષાપત્રમાં વરણનાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકાર વર્ણવાયા છે.

 

પૃથ્વી ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા દ્વારા જીવનો અંગીકાર થાય તે પરોક્ષ પણ પરંપરાગત વરણનો પ્રકાર છે.   જ્યારે વ્રજની જે ગોપીજનોનું વરણ સીધું જ શ્રી ઠાકુરજી દ્વારા થયું છે, તે પ્રત્યક્ષ પરંપરાગત વરણ છે. આમ આ બંને વરણ પરંપરાગત છે; તેનું કારણ એ છે કે આ બંને વરણ પુષ્ટિમાર્ગની રીત અને પ્રીત વડે થયેલા છે. સાથે સાથે પરોક્ષનો બીજો પ્રકાર તે અનવતાર કાલમાં દાસપણાથી છે એટ્લે કે અવતાર દશામાં ભગવાન સાથે સંબંધ થાય તે આત્મીય વરણ છે.

 

 

શ્રી હરિરાયજી ચરણે દાસભાવનાં પણ બે પ્રકાર દર્શાવાયા છે. એક પ્રકારમાં મર્યાદા પ્રકાર છે જેમાં પ્રભુ જીવને સાધન નિષ્ઠા આપે છે, અને બીજો પ્રકાર પુષ્ટિ પ્રકાર છે જેમાં દાસ્યભાવ સ્વાભાવિક છે તેથી જીવ સ્વતંત્ર્ય નથી તેથી દાસ્ય ધર્મ સર્વથી અધિક છે. વધુમાં પુષ્ટિ જીવને ધ્યાનાસ્થ કરાતાં, પુષ્ટિજીવોએ શ્રી હરિની જ ઈચ્છા સ્વીકારવી. દુઃખ નિવૃતિ માટે શ્રી પ્રભુને પ્રાર્થના નહિ કરવાની. પરંતુ વિરહતાપથી આર્તિપૂર્વક શ્રીજીનાં સેવાસ્મરણ કરવા અને દુઃસંગથી દૂર રહેવું, શ્રી મહાપ્રભુજીનાં ચરણકમળ અને વચનામૃતનું સ્મરણ કરવું, તેમજ ભગવદ્ ભાવ અને પ્રભુ શ્રી ઠાકુરજીનાં ચરણનો આશ્રય વધારે તેવા  ભગવદીયોનો સંગ રાખવો જોઈએ જેથી કરીને શ્રીજી અને ગુરુ ચરણમાં આશ્રયભાવ દ્રઢ થાય. આમ વિચારાયા પછી શ્રી હરિરાયજીચરણ બત્રીસમાં શિક્ષાપત્રમાં પુષ્ટિજીવની અશુધ્ધિઓ અને શુધ્ધિઓનું નિરૂપણ કરે છે. જેમાં પ્રથમ શ્લોકમાં કહે છે કે

 

 

કામાડવિષ્ટે ક્રોધેયુતે સંસારાડસક્તિસંયુતે ।
લોભાડભિભૂતે સતતં ધનાડર્જન પરાયણે ।।૧।।

 

 

અર્થાત્ જેઓ કામના આવેશવાળા, લોભી, ક્રોધાવિષ્ટ, સંસારમાં આસક્તિવાળા, ધન એકત્ર કરવામાં મગ્ન છે તેવા જીવોના હૃદયમાં શ્રી હરિ વસતા નથી.

 

 

દયાવિરહિતે રૂક્ષે નિત્યં સંતોષવર્જિતે ।
શોકાડકુલે ભયાડક્રાંતે ર્વિષયધ્યાનતત્પરે ।।૨।।

 

 

જેઑ દયા, સ્નેહ વગરનાં રૂક્ષ છે, જે અસંતોષી છે, શોકથી આકુળ-વ્યાકુળ બનેલા છે, ભયભીત દશામાં રહે છે, અને વિષયોનું જ ચિંતન કર્યા કરે છે તેવા હૃદયમાં શ્રીજી વસતા નથી.

 

 

અહંકારયુતે ક્રૂરે દુષ્ટપક્ષૈક્પોષકે ।
જ્ઞાનમાર્ગે સ્થિતે સર્વસામ્યચિંતન ભાવિતે ।।૩।।

 

 

અર્થાત જેઓ અભિમાની છે, દુષ્ટોનાં પક્ષનું પોષણ કરનારા છે, જ્ઞાનમાર્ગમાં સ્થિતિ કરીને રહેલા છે, જે અન્યાશ્રય કરનારા અને તેમનું ચિંતન કરનારા છે તેમનાં હૃદયમાં શ્રી હરિ બિરાજતા નથી.

 

 

ચોથા શ્લોકમાં કહે છે કે

 

લૌકિકે સન્મુખે કૃષ્ણજનવૈમુખથ્ય સંયુતે ।
કૃષ્ણલીલાદોષદૃષ્ટૌ તથા કર્મજડેડપિ ચ ।।૪।।

 

 

જેઓ લૌકિકમાં સન્મુખ રહે છે. શ્રી કૃષ્ણની લીલામાં દોષદૃષ્ટિવાળા છે અને કર્મમાં જડની પેઠે સદા અસક્ત રહે છે તેવા જીવોના હૃદયમાં શ્રી હરી બિરાજતા નથી.

 

 

આચાર્યવિમુખે નિત્યમસદ્ધાદવિભૂષિતે ।
એતોદ્રશે તુ હૃદયે હરિર્નાડવિશતે કવચિત્ ।।૫।।

 

 

જેઓ શ્રી આચાર્યચરણથી વિમુખ થઈ, ખોટા વાદવિવાદમાં રત છે તેવા લોકોનાં હૃદયમાં કદીપણ શ્રી પ્રભુનો આવિર્ભાવ થતો નથી. કામ અને કામનાયુક્ત ચિત્તમાં પ્રભુ પધારતા નથી. તેથી શ્રી હરિરાયજી ચરણ કહે છે કે અત્રે જીવનાં વર્ણિત કરેલા બાવીશ દોષોથી સાવચેત રહેવું.

 

 

આટલું વિચારાયા બાદ ૬ ઠ્ઠા શ્લોકથી……….૧૦ માં શ્લોક સુધી જે ગુણો વડે વૈષ્ણવનાં હૃદયમાં શ્રી કૃષ્ણ સ્થિર થઈને રહે છે તેવા જ્ઞાનસભર ગુણોનું વર્ણન કરાય છે.

 

 

દીને શુધ્ધે  નિષ્પ્રપંચે લીલાચિંતન તત્પરે ।
સ્વાચાર્યશરણે નિત્યં સર્વકામ વિવર્જિતે ।।૬।।

 

 

અર્થાત જેઓ દીન છે, નિષ્પ્રપંચ છે, શ્રીકૃષ્ણની લીલાનું ચિંતન અને મનન કરવામાં તત્પર છે,શ્રી આચાર્ય ચરણોનો આશ્રય કરનારા છે, સદા કોઈપણ પ્રકારની કામના રહિત છે તેવા હૃદયમાં શ્રીજી તત્કાળ સ્થિત થાય છે. પુષ્ટિજીવોના સર્વ ગુણોનો આધાર દીનતા છે. દીનતા કેવળ વૈષ્ણવો સાથે જ નહીં પરંતુ સમસ્ત જીવસૃષ્ટિ માટે રાખવી અત્રે શ્રી આચાર્યચરણ શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે “પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન કેવળ દીનતા છે”

 

 

વ્રજસ્ત્રીચરણાંભોજરેણુપ્રાપ્ત્યભિલાષુ કે ।
ગુણગાનપરે કૃષ્ણનામડર્થપરિભાવુકે ।।૭।।

 

 

જેઓ વ્રજભકતોનાં ચરણાંર્વિન્દની રજની પ્રાપ્તિનાં અભિલાષી છે. શ્રી પ્રભુના ગુણાનુવાદમાં તત્પર છે, શ્રી કૃષ્ણનાં નામનો અર્થ સમજવા માટે ભાવુક છે, તેમનાં માટે કૃષ્ણનામનો મહિમા દર્શાવતા આઠમા સ્કંધમાં શ્રી શુકદેવજી કહે છે કે

 

 

શ્રી શુકદેવજીનો શ્લોક

 

“તે સદ્ભાગ્યા મનુષ્યેષુ કૃતાર્થા નૃપ નિશ્ચિતમ્ ।
સ્મંરતિ સ્મારયંતોહ હરેનામ કલૌ યુગે ।।”

 

 

હે રાજા જે આ કલિયુગમાં હરિનાં નામનું સ્મરણ કરે છે અને બીજાને સ્મરણ કરાવે છે, તે મનુષ્ય બહુ સુંદર નસીબવાળો અને કૃતાર્થ પૂર્ણ છે. (દા.ખ ) શિક્ષાપત્રનાં ઉપરોક્ત વચનને સિધ્ધ કરતાં પ.પૂ. ૧૦૮ ગો.શ્રી ઇન્દિરા બેટીજીએ સન ૨૦૦૩ માં “પુષ્ટિપ્રસાદ”ને આર્શીવચન આપતાં કહ્યું કે ગ્રંથ સેવા એ સૌથી મોટી પંથ સેવા છે. પ્રભુની સન્મુખ થવું અને બીજાને પ્રભુની સન્મુખ થવા માટે પ્રેરણા આપવી એ મહાન કાર્ય છે. પ.પૂ જીજી શ્રીનાં આજ વિચારને અનુરૂપ જોઈએ તો જેઓ અનન્ય ભાવવાળા છે, અનન્ય ભક્તોની સેવા કરવા માટે સદાયે તત્પર રહે છે, ભગવદ્ ધર્મમાં પ્રીતિવાળા છે, વિરક્ત અને ભગવદ્ ગુણોથી ભૂષિત છે એવાં જ હૃદયમાં શ્રી ઠાકુરજી તત્કાળ બિરાજે છે. જેનું આઠમા શ્લોકમાં નિરૂપણ કરાય છે. જ્યારે નવમા શ્લોકમાં કહે છે કે

 

 

કૃષ્ણાડર્તિભાવસંયુક્તે સરસેડન્યરસાડ તિ ગે ।
અચંચલે કૃષ્ણલીલાચંચલે દર્શનાડકુલે ।।૯।।

 

 

અર્થાત જેઓ શ્રીકૃષ્ણની આર્તિ તથા ભાવથી ભરેલા છે, જે ભક્તિરસની ભાવનામાં તરબોળ થઈ સંસારના અન્ય સમગ્ર રસોને ભૂલી ગયા છે, જેઓ ભગવદ્ ધર્મમાં સ્થિર અને પ્રભુની લીલાનાં દર્શન કરવા માટે આકુળવ્યાકુળ રહે છે તે જીવોના હૃદયમાં પ્રભુ તત્કાળ બિરાજે છે.  

 

 

મનોરથશતાડક્રાંતે સર્વોદાસ્તસંયુતે ।
એતોદ્રશે તુ હૃદયે હરિરાવિશતે ક્ષણાત્ ।।૧૦।।

 

 

“અનન્યેડનત્ય” અર્થાત પ્રભુ શ્રીકૃષ્ણમાં અનન્યભાવવાળા, શ્રી કૃષ્ણની સેવામાં જ મગ્ન અને,કૃષ્ણ નામ લેવામાં, સેવા-સ્મરણ, તથા મનન-ચિંતન કરવામાં લીન રહેતા હોય, મન, વચન અને કર્મથી શ્રી કૃષ્ણચરણનાં અનુરાગી હોય, જે દીનભાવવાળો હોય, નિષ્પ્રપંચ હોય,દાસાનુદાસ હોય, ભગવદીયોની સેવા કરવામાં પરાયણ હોય, વૈષ્ણવો અને ભગવદીય પાસેથી માર્ગનાં નીતિનિયમો શીખવા માટે અને વ્રજભક્તોનાં ચરણકમળની રજને પ્રસાદી રૂપે લેવા માટે અભિલાષા ધરાવતો હોય, પ્રભુ પ્રત્યે આર્તિભાવ અને માર્ગ પ્રત્યે નિષ્ઠા, વિશ્વાસ અને શ્રધ્ધા ધરાવતો હોય તેવા જીવનાં હૃદયમાં શ્રી પ્રભુ સદાયે પ્રસન્ન થઈને બિરાજે છે. 

 

 

આમ અત્રે બત્રીસમુ શિક્ષાપત્ર જે ૧૦ શ્લોકોથી અલંકૃત કરાયેલ છે તેને પૂર્ણ કરવામાં આવે છે,પરંતુ શિક્ષાપત્ર ગ્રંથને સમજવા માટે મૂળ ગ્રંથનું શ્રધ્ધાપૂર્વક વાંચન કરવું જરૂરી છે.

 

 

શેષ શ્રીજી કૃપા

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

 
(૩૩)  નમો વલ્લભાધીશ
કવિ- સ્વામી હરિદાસજીનું પદ …

 

 

vallabh

 

 

નમો વલ્લભાધીશપદકમલયુગલે સદા વસતુ હૃદયં વિવિધભાવ રસવલિતં ।
અન્ય મહિમા ડડ ભાસવાસનાવાસિતં મા ભવતુ જાતુ નિજભાવચલિતં ।।૧।।

ભવતુ ભજનીયમતિશયિતરરુચિરં ચિરં ચરણયુગલં સકલગુણસુલલિતં ।
વદતિ હરિદાસ ઇતિ મા ભવતુ મુક્તિરપિ ભવતુ મમ દેહશતજન્મફલિતં ।।૨।।

 

 

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં અધિશ્વર એવા ભગવાન શ્રીકૃષ્ણ અને સ્વામિની શ્રી રાધિકાનાં બંને ચરણકમલોનો મારા હૃદયમાં નિરંતર વાસ થાય. શ્રી યુગલસ્વરૂપનાં ચરણકમલ મારા હૃદયમાં ઉઠી રહેલા તમામ મનોરથોનો ભાવ અને રસ બની રહે. મારી આસપાસ અને મારા અંતરાત્મામાં કેવળ શ્રી યુગલસ્વરૂપ જ રહે અને અન્ય દેવી દેવતાઓનો આભાસ કે છાયો શુધ્ધા ન રહે, કે ન તો હું દેવી દેવતાઓથી પ્રભાવિત થાઉં. મારુ હૃદય સદા સદૈવ શ્રી કૃષ્ણનાં ચરણાંરવિન્દનું ધ્યાન ધરે. મારુ હૃદય નિરંતર અલૌકિક ભાવોથી રસાન્વિત રહે જેથી કરીને શ્રીકૃષ્ણ પ્રત્યેની મારી ભાવના ભજનીય બની જાય અને ભગવાન શ્રી કૃષ્ણનાં સમસ્ત સૌંદર્ય અને ધ્યાનમાં હું નિમગ્ન બની જાઉં. સ્વામી શ્રી હરિદાસજી કહે છે કે ભલે મને ક્યારેય મુક્તિ કે મોક્ષની દશા પ્રાપ્ત ન થાય પણ સર્વ જન્મમાં હું કેવળ અને કેવળ ભગવાન શ્રી કૃષ્ણનાં ચરણકમલ તેમજ શ્રી કૃષ્ણની માધુર્ય ભરેલ મૂરતમાં લીન થઈ જાઉં અને ભાવપૂર્વકની ભક્તિમાં ખોવાઈ જાઉં જેથી કરીને શ્રી વલ્લભનાં અધીશ એવા ભગવાન શ્રીકૃષ્ણની વિસ્મૃતિ મને ક્યારેય ન થાય. (હરિનાં ભક્તો ક્યારેય મુક્તિ ન માંગે, માંગે જન્મોજન્મ અવતાર રે ) હરિભક્તોનાં દ્વારા વારંવાર માનુષજન્મ માંગવામાં આવે છે કારણ કે તેઓને જો મુક્તિ મળી જાય તો તેઓ પ્રભુને વિસરી જશે પરિણામે ભજનાનંદનો આનંદ નહીં મળે. માટે ભજનાનંદનો આનંદ મેળવવા માટે જીવનું પોતાનું અલગ અસ્તિત્વ હોવું જરૂરી છે. અંતે……

 

 

મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે.
મેવા મળે કે નાં મળે મારે ભક્તિ તમારી કરવી છે.

 

 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
[email protected]

 

 

આચાર્યચરણ શ્રી વ્રજેશલાલજી મહારાજ શ્રી કડી-અમદાવાદ. શ્રી ઠાકુરનાં ચરણાંરવિન્દ. 
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …