“નવી ભોજન પ્રથા …” (ભાગ-૨) …

“નવી ભોજન પ્રથા …” (ભાગ-૨) … 
પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ … (અમરેલી-ગુજરાત)
Suprintending Engineer(Retired)G.E.B.

 

 

New Bhojan Pratha.4
 

 
 
ઉત્તરાધ …

 

આ અગાઉ આપણે ‘નવી ભોજન પ્રથા’ વિશે પ્રાથમિક – પ્રાસ્તાવિક બાબતને સમજવા કોશિશ કરી અને જોઈ ગયા કે આ પ્રાકૃતિક ભોજન પ્રથા – ‘નવી ભોજન પ્રથા’  શું છે ? તેમાં હકીકતમાં આપનો રોલ શું છે ?  સાથો સાથ  આ પ્રથા કોઈ નવી નથી, જેનો  ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ થયેલ છે અને અનેક સાધકોએ પણ અપનાવેલ છે તે વિશે ટૂંકમાં સમજ આપવાની કોશિશ કરેલ.  આ ઉપરાંત થોડું ઘણું વેબસાઇટ દ્વારા, વિડીયો -ડી વી ડી દ્વારા, માસિક મેગેઝીન દ્વારા તેમજ શિબિરોના માધ્યમથી સમજાવવાની કોશિશ ચાલુ છે. …

 

આજે આપણે સૌ વૈજ્ઞાનિક યુગમાં જીવીએ છીએ. સ્વભાવિક જ વૈજ્ઞાનિક વિચારધારાની અસરમાં આપણે સૌ આવી ગયા છીએ. જે વિજ્ઞાન કહે તે જ સાચું, બાકીનું ખુદ ભગવાન આવી ને કહે તો પણ માન્યમાં નહીં આવે … ખરું ને ! આથી પણ આપણા માટે જાત અનુભવ માટે પ્રયોગ જરૂરી બની જાય છે. અભિગમ જ નહીં બદલાય તો, ક્રિયા નહીં બદલાય અને ક્રિયા નહીં બદલાય તો પરિણામ નહીં બદલાય…

 

 

“દશા બદલવા દિશા બદલવી જ રહી.” તો ચાલો સમજીએ પ્રયોગ અને શરૂ કરીએ પ્રયોગ …

 

 

પ્રયોગમાં સૌથી પ્રથમ જરૂરી છે :

 

સવારનું ભોજન બંધ કરવું.

નિર્જળા ઉપવાસ કરવો.

ટૂંકુ રોઝું રહેવું.

 

 

મારી નાખ્યા ને ?

ચાહ વગર સવાર જ કેમ પડે ?

પાણી વગર પેટ સાફ કેમ આવે ?

 

 

“ઉષ:પાન” – આયુર્વેદે સૂચવ્યું છે.

પાણી વગર ડીહાઈડ્રેશન થઇ  જાય !  વિગેરે ..

 

 

આજે આપણે તેમાં આગળ વધીએ … આ ભોજન પ્રથા અપનાવતા પહેલાં આપણા મનમાં આ તેમજ આવા અનેક સવાલો ની શ્રુંખલા –હારમાળા ઊભી થઇ જતી હોય છે.  જેવી કે …

 

 

 • ખાધા વગર કેમ ચાલે ?
 • અન્ન સમા પ્રાણ છે.
 • નહીં ખાઈએ તો અશક્તિ આવી જશે.
 • શરીરને જોઈતી ઉર્જા ક્યાંથી મળશે ?
 • કેલેરી ક્યાંથી મળશે ?
 • વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફેટ વિગેરે નું શું ?
 • ઉપવાસ ક્યારે કરવા ?
 • ઉપવાસ કેટલા કરવા ?
 • કઈ ઊંમરની વ્યક્તિ ઉપવાસ કરી શકે ?
 • ઉપવાસમાં કોઇપણ ઉણપ ઊભી થાય, તો શું ?
 • ઉપવાસ દરમિયાન ઉભાડ આવે, તો શું ?
 • ઊઠીને દરરોજ નિયમિત દવા લેવાની હોય, તેનું  શું ?
 • ડાયાબિટીસ નાં દર્દી ઉપવાસ કેમ કરી શકે ?
 • ઉપવાસ કરીએ તો ઊંઘ જ ન આવે, પરિણામે અનેક બીજી ઉપાધિઓ ઊભી થાય તેનું શું ?
 • વજન ઘટી જાય, ચામડી ચીમળાઇ જાય, લાવણ્ય લેવાય જાય…તેનું શું ?
 • નોકરી, ધંધો, ઘરકામ, બાળકો વિગેરે જવાબદારીઓ માથે હોય, તેનું શું ?

 

આ અને આવા અનેક (અસંખ્ય) સવાલોની ભૂતાવળ આપણને ડરાવવા લાગે તે સ્વભાવિક છે. અહીં જ હિંમત ની જરૂર છે. ડરી ગયા તે હારી ગયા. જીગર કરી ગયા તે નિરોગી જીવી ગયા. અહીં જ આપણને અનુભવની અને અનુભવીના માર્ગદર્શનની -આધારની – ટેકાની જરૂર છે.  અમારો ખુદનો લાંબો અનુભવ છે જ્યારે અસંખ્ય  લોકોનાં અનુભવોનો આધાર પણ અમારી પાસે છે.  માટે ગભરાયા વગર શ્રદ્ધા અને વિશ્વાસથી સમજણ પૂર્વક પ્રયોગ શરૂ કરી દો.   પરિણામો પરથી ખુદ જાતે જ નક્કી કરી શકશો કે સાચું શું છે ?

 

 

શરૂઆત કેમ કરવી ?  …

 

 

અહીં અમારા દ્વારા એ રીતનો સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે આપણે ક્યારેય કોઇપણના માર્ગદર્શન ની જરૂર જ ન પડે. છતાં જરૂર જણાય તો, ચિંતા કરશો નહિ…

 

“દાદીમા ની પોટલી” માંથી આપને સમયાંતરે અખૂટ ખજાનો મેળવવાનો સરળ માર્ગ મળી જશે…

 

 

સૌ પ્રથમ … ઊઠીને ઉપવાસની ટેવ પાડો.  (વહેલા કે મોડા જ્યારે પણ ઊઠતા હો )  કંઈ પણ પેટમાં પધરાવવાનું નથી એ મનોમન નક્કી / નિશ્ચિત કરી લેવાનું છે.

 

ચાહ, પાણી, દૂધ, ગાંઠીયા, જલેબી, ખાખરા, ભાખરા, (રોટલા- કે રોટલી) કશું જ નહિ.  એમ જ કહો કે “નિર્જળા ઉપવાસ” અથવા કહો તો “રોઝા” કરવાના છે.

 

આમાં ડરવાનું નથી.  ભીમ જેવો ભીમ પણ જો નિર્જળા ઉપવાસ કરી શકે, તો આપણે કેમ ન કરી શકીએ ?   શાસ્ત્રોનો આજ તો સહારો છે.

 

 

જો હિંમત હોય, તો હનુમાન કૂદકો લગાવો.  સીધા જ છ કલાકના ઉપવાસથી રોજે રોજ શરૂઆત કરવી.  આ કોઈ જ અશક્ય નથી, અમો આજે વીશ થી વધુ વર્ષો થી આવા ઉપવાસ કરીએ છીએ.  જેનાથી કોઈ તકલીફ તો નથી થતી, ઉલટાનો આનંદ / મોજ આવે છે.

 

 

જો કદાચ મન નબળું હોઈ કે આદતથી મજબૂર હોઈ કે કોઈ અન્ય અગ્વ્દ્તાને કારણે તેમ ન થઇ શકે તો, ધીમે ધીમે આગળ વધવું, પોતાની કક્ષા અનુસાર શરૂઆતમાં ૩ કલાકના ઉપવાસ  કરવા અને ત્યારબાદ ધીરે ધીરે સમય ગાળો વધારતા જવો …

 

 

અહીં આપણને જૂની/ ચાલુ માન્યતા આડી આવશે .. જમે કે, …

 

 

 • આખો દિવસ કામ કરવાનું છે, શક્તિ માટે શક્તિદાયક ભોજન ખાવું જરૂરી છે.
 • ભારે નાસ્તો – Heavy Breakfast ..
 • સવારે તો રાજા જેવું જમણ – અડદિયા, ઘી, ધૂધ, સૂકામેવાથી સભર !
 • પાણી વગર તો કેમ ચાલે ?  પેટ સાફ ન આવે.
 • ચાહ વગર તો દિવસ જ ન ઉગે !

 

આવા અનેક સંશયોનું સમાધાન ચોક્કસ જરૂરી છે, જેની આગળ ઉપર કોશિશ કરીશું.  પરંતુ હાલ પૂરતું જરૂરી છે કે આ ‘નવી ભોજન પ્રથા’ અપનાવવી જ છે તે મનોમન નિશ્ચિત કરી અને પ્રયોગ શરૂ કરી દેવામાં આવે.  કારણ કે આ અનુભવસિદ્ધ વાત છે.  એક – બે – પાંચ કે થોડા હોય, તો અપવાદ કહેવાય પણ અસંખ્ય લોકોના છે.  અને ફક્ત ભારતમાં જ નહિ પણ વિદેશોમાં અનેક દેશોમાં પણ અસંખ્ય લોકોનાં છે, જેથી તે સાર્વત્રિક કહેવાય.  વળી, આવા ઉપવાસથી ફાયદો જ છે.  નુકશાન નથી.  માત્ર જો મન માની ગયું હશે, તો કોઈ જ તકલીફ નથી.  દ્રઢતા આપોઆપ આવશે.  દ્રઢ મનોબળ વાળા ને કોઈ ડગાવી શકતું નથી.

 

 

“નબળા મનના મુસાફરને રસ્તો નથી મળતો.

દ્રઢ મનના માનવીને હિમાલય પણ નથી નડતો.”

 

 

આમ છતાં કોઈ પણ કારણે દ્રઢતા નથી, તો ધીમે ધીમે પ્રયન્તપૂર્વક કેળવો અને ઉપવાસનો ગાળો લંબાવતા જવાય.

 

 

જેને ચા વગર ચાલતું જ નહી, તેવા અસંખ્ય લોકો આજે ચા વગર ચલાવતા થઇ ગયા છે.,તો આપણે પણ તેઓ પૈકીના એક જ છીએ.

 

કોઈને કશીજ તકલીફ પડી નથી, ઊલટાનું જેને જેને માનસિક તકલીફ હતી – જે  હવે દૂર થઇ ગઈ છે ને એક આદત પડી ગઈ છે અને ખુશ છે.

 

 

હવે વાત રહી ડાયાબીટીસ વાળાની, તેનું શું ?  તેમને સવારે ભૂખ્યા પેટે દવા લેવાની હોય છે.  તેઓ જ્યાં સુધી નથી જમતા, ત્યાં સુધી ભૂખ્યા પેટે જ હોય છે.  પછી જ્યારે ખાવા –પીવાનું શરૂ કરે, ત્યારે દવા સાથે લઈને કે પહેલા લઈને કરે છે.  અહીં, તેઓને પણ સવારના ઉપવાસ દરમ્યાન દવા કે ઇન્સ્યુલીન લેવાની જરૂર રહેતી નથી.  મન મક્કમ કરી અને એક વખત આ પ્રયોગ કરવો જરૂરી છે.  કારણ કે અનેક ( અસંખ્ય) લોકોએ પોતાના ડાયાબીટીસ કાયમી ધોરણે કન્ટ્રોલ કરેલ છે એટલું જ નહી, પણ એમ કહીશું તો તે અતિશયોકિત નહી ગણાય, અનેક લોકોનો ડાયાબીટીસનો રોગ સંપૂર્ણ પણે – કાયમી ધોરણે  દૂર થઇ ગયેલ જોવા મળેલ છે.  અને તેઓ હવે દવા પણ લેતા નથી, એટલું જ નહિ કોઈ કોઈ સમયે મિષ્ટાન પણ ખાય છે, છતાં સુગર મર્યાદામાં – કન્ટ્રોલમાં રહે છે.

 

 

આ ઉપરાંત, બાયપાસ સર્જરી પણ બચી ગઈ છે.

 

બી.પી., એલર્જી, અસ્થમા, એસીડીટી, સફેદ ડાઘ, માથાનો ખોડો, આંખની દર્ષ્ટિ, માઈગ્રેઇન, કબજીયાત, કિડનીના રોગો, ગોલ બ્લેડર/ કીડની સ્ટોન  જેવા અનેક જટિલ રોગોમાં અકલ્પનિય ફાયદો જોવા મળેલ છે, ( રોગ નાબુદ થયેલ જોવા મળ્યા છે)  સંતાન પ્રાપ્તિ પણ થયા છે.

 

 

માત્ર ઉપવાસથી જ ન ધાર્યા પરિણામ જોવા મળ્યા છે.

 

 

રોગ નાબુદીનો આ એક અતિ સરળ અકલ્પનિય ઈલાજ છે.  પણ અહીં ખાટલે મોટી એ છે કે ઉપવાસ કરવાજ પસંદ નથી કે અઘરા લાગે છે.  જેથી વ્યવહારિક રસ્તો શોધવો રહયો, જે સૌ કોઈ સહેલાઈથી કરી શકે.  પ્રયોગો નાં અંતે એટલું સાબિત થઇ ચૂક્યું છે કે, દૈનિક છ કલાક નાં ઉપવાસ સૌ કોઈ સહેલાઈથી કરી શકે છે.

 

 

ઘણાને સવારે ઉઠતાવેંત પાણી પીવાની કે ચાહ પીવાની આદત હોય છે.  કોઈને નાસ્તાની.  આ આદતને આધારિત સવારનાં દસ્ત / ઝાળે/ લ્વેટ્રીન – સંડાસની આદત હોય છે.  હવે સવારનો નાસ્તો જ બંધ થઇ જાય છે, જેથી સવારનાં સંડાસની ક્રિયા પર પણ અસર પડે છે.  આથી તે આદત જળવાઈ રહે અને મળ નિકાલ જરૂરી હોય, …. આપણે બીજું સ્ટેપ જોઈએ …

 

 

(૨)  એનિમા ….

 

સાદા પાણીથી એનિમા લઈને તે પ્રશ્નનું નિરાકરણ થઇ જાય છે.

 

 

આગળ આપણે જોઈ ગયા તે મુજબ ….

 

 

ઉપવાસ દરમ્યાન શરીરમાંથી  સંગ્રહિત મળ (દોષો) ને  દૂર કરીએ છીએ ત્યારે એવું બને …

 

ઝાડા, ઉલટી, ગેસ, ગડ-ગુમડ, તાવ, માથું દુઃખવું, ચક્કર આવવા, બેચેની, વાળ ખરવા, જેવી કંઈક ને કંઈક પ્રતિક્રિયા આપણી સાથે થતી જોવા મળશે, જે આપણા શરીરની સફાઈ દર્શાવતું લક્ષણ છે. તેનાથી ગભરાઈ જવું નહી, અને તેને કારણે અન્ય દવા લેવા દોડવું નહીં કે પ્રયોગ બંધ કરવો જરૂરી નથી.  કારણ કે તે આપણા શરીની સફાઈ થતી દર્શાવે છે,  તે સારી નિશાની છે.  વળી, આવી સફાઈનાં ગાળા દરમિયાન શરૂઆતમાં પંદર-વીશ દિવસ કે એકાદ મહિના સુધી રાત્રીનાં પણ સાદા પાણીથી એનિમા લઇ લેવાથી શરીરને સફાઈ કાર્યમાં સારી મદદ મળી રહે છે.

 

(સાદા પાણીનો એનિમા લેવો તો કેટલા પાણી દ્વારા લેવો એ પ્રશ્ન પણ અહીં ઉદભવશે !  સામન્ય સંજોગમાં કોઇપણ વ્યક્તિ ૪૦૦ થી ૪૫૦ મી.લી.  પાણી દ્વારા એનિમા લઇ શકે છે. પુખ્તવયની વ્યક્તિ ૧૦૦૦ મી.લી.કે તેથી વધુ  ( સાદા પાણી દ્વારા) સુધી પણ લઇ શકે છે.)

 

 

(૩)  ઉપવાસ બાદ શું ?

 

 

હા, તો હવે આ પ્રશ્ન પણ થશે કે,  ભાઈ, ભલે છ કલાકના ઉપવાસ તો કરી લીધા, પણ ત્યાર બાદ શું ?  કારણ કે હવે ઉપવાસ બાદ જમવું જરૂરી બની જાય છે.  આથી પચવામાં હલકું એવું ભોજન જે “રસ” (JUICE)  સ્વરૂપે હોય, તે લેવું હિતાવહ છે.  તેમાં પણ ખાસ લીલા પાનનો રસ.  જેમ કે, પાલખ, કોથમીર, રજકો (ગદબ), બીલ્લ્વપત્ર, (બીલી ના પાન), ધ્રો, પીપર નાં પાન, વિગરે…

 

 

રસ – વધુ હલકો / સુપાચ્ય હોવાથી  તેમજ પોષણયુક્ત  હોવાથી વધુ યોગ્ય રહે છે.  રસની અનુકુળતા ન હોય, તો કાચા શાકાહાર રો-વેજીટેબલ્સ (રાંધ્યા વગરના શાકભાજી)  શાકાહાર લઇ શકાય.

 

 

સાર:

 

 

રોગ નાબુદી અર્થે : –  (દૈનિક દિનચર્યા) :  …

 

 

(૧)   નિર્જળા ઉપવાસ શક્ય તેટલો વધુ – ઓછામાં ઓછો છ કલાક

(૨)   સવાર –સાંજ બે વખત સાદા પાણીથી એનિમા (થોડા દિવસ માટે જ )

(૩)   ઉપવાસ છોડતી વખતે લીલા શાકભાજી – પાન નો રસ (જ્યૂસ) અથવા કાચા લીલા શાકભાજી (શાકાહાર)

(૪)   દવા લેતા હોય, તેમણે ઉપવાસના ગાળા બાદ લેવી.  રીપોર્ટમાં સુધારો બતાવે તે મુજબ દવામાં ડોક્ટરની સલાહ અનુસાર ફેરફાર (સતત) કરતાં રહેવું.  થોડા સમયમાં કાયમ માટે દવા બંધ થઇ શકે છે.

 

 

નોંધ : –

 

રોગી – નિરોગી થઇ જાય, ત્યાં સુધી ઉપર મુજબ અચૂક અમલ કરવો.  ત્યારબાદ, રાત્રે –સાંજે ભોજન (જેમાં શાક-ભાજી વધુ તથા અનાજ-કઠોળ શક્ય તેટલા ઓછા)   ની છૂટ લઇ શકાય.  આવું ભોજન હિતાવહ નથી. 

 

આમ છતાં કોઇપણ કારણ સર ખાવું જરૂરી જ જણાય, તો રાત્રે ખાઈ ને સૂઈ જવું. ‘નવી ભોજન પ્રથા’ અપનાવવા અને તેની શરૂઆત કરવા માટે હાલ આટલી પ્રાથમિક જાણકારી આપ સર્વે માટે પૂરતી છે.  જેથી વધુ વિચાર્યા વિના શરૂઆત કરી શકાય છે.  પ્રેક્ટિકલ કોઈ મુશ્કેલી આવે કે જણાય તો અહીં નીચે ઉપલબ્ધ મેઈલ આઈડી  દ્વારા વધુ જાણકારી મેળવી શકશો., એટલું જ નહિ દર સોમવારે વિશેષ જાણકારી આપવા અહીં મળીશું જ.

 

 

 

(ક્રમશ:)

 

 

 

 ચાલો જાણીએ આજની રેસીપી …
રેસીપી …
ચટણી :

 

સ્વાદિષ્ટ ચટણી ….

 

અનુભવના આધારે નક્કી થયેલ છે કે નવી ભોજન પ્રથા માં ચટણી નું મહત્વ ખૂબજ અગત્યનું છે. ચટણી ‘નવી ભોજન પ્રથા’ નો મુખ્ય આધાર છે તેમ કહીએ તો કદાચ ખોટું નથી…

કોઇપણ કાચી વસ્તુ, ચટણીની સાથે ખાવાથી તે સ્વાદિષ્ટ બની જશે… જેમ કે , દૂધી, બટેટા, કાકડી, ભીંડા, તૂરિયાં, ટામેટા, રીંગણ વિગેરે … આ બધા શાકભાજી કાચા એકલા ખાઈ નથી શકાતા, પરંતુ તેમાં ચટણી નો સાથ લેવાથી તે સ્વાદિષ્ટ બની જાય છે.

ઘણા ફળો પણ એવા છે કે જેમાં ચટણી નો સાથ લેવામાં આવે તો તે અતિ સ્વાદિષ્ટ લાગે છે. જેમ કે .. કેરી, કેળા, સફરજન, ચીકુ, જાજામફળ, પપૈયા વિગેરે …

આમાં પણ લીલાં “પાંદડાઓ” આ નવી ભોજન પ્રથાનું મુખ્ય આધાર-ઘટક છે. પરંતુ આપણે જાનવર ની જેમ પાંદડાઓ સીધા તો ખાઈ નથી શકતા ! માટે જ આ લીલાં પાંદડાઓ નો રસ -જ્યુસ બનાવીને અથવા તો ચટણી બનાવીને વધુમાં વધુ ઉપયોગ કરી શકાય છે. આમ લીલાં પાંદડાઓ નો વધુને વધુ પ્રયોગ ચટણી બનાવીને કરવામાં આવે છે.

પરંતુ અલગ અલગ સ્વાદ લાવવા માટે અનેક પ્રકારની ચટણી બનાવવામાં આવે છે. જેની થોડીક રીત આપણે જોઈએ.

 

(૧) સ્વાદિષ્ટ – ચટાકેદાર ચટણી :

 

સામગ્રી :

૧૦૦ ગ્રામ ખાટી ભાજી
૫૦ ગ્રામ પાલક
૫૦ ગ્રામ ફૂદીનો
૧૦૦ ગ્રામ લીલી કોથમીર
૨ નંગ લીલા મરચાં
૧ નંગ શિમલા -કેપ્સીકમ મરચું.
૧ ઇંચ આદું નો ટૂકડો
૨ આંબાડા
૧/૨ લીંબુ
૫-૬ નંગ ખજૂર
થોડી તાજી હળદર (લીલી)
જો સીજન હોઈ તો કાચી કેરી પણ લઇ શકાય છે.

 

રીત :

 

ઉપરોક્ત બધી સામગ્રી ને પાણી વિના પીસી નાખવી, આમ છતાં જરૂ પડે તો જરૂરત જેટલું જ પાણી ઉંમેરી અને ઘટ ચટણી પીસીને બનાવવી અને હંમેશાં ઉપયોગમાં લેવી.. લસણ ખાવા વાળા લસણ પણ ઉપયોગમાં લઇ શકે છે.

 

 

(૨) પાલકની ચટણી :

સામગ્રી :

૨૦૦ ગ્રામ પાલક
૧૦૦ ગ્રામ લીલી કોથમીર
૫૦ ગ્રામ તુલસીના પાન
૨૦ ગ્રામ ફૂદીના નાં પાન
૨૦ ગ્રામ આદું
૧૦૦ ગ્રામ સિંગદાણા (કાચી)
સિંધાલુ અથવા કાળું મીઠું
તાજું નારીયેલ
લીલા મરચાં સ્વાદ અનુસાર
ખજૂર અથવા ગોડ સ્વાદ અનુસાર

 

રીત :

બધાજ લીલા પાનને ધોઈ અને સાફ કરી અને સમારી લેવા. સમારેલા પાન, સિંગદાણા, નારિયેળ તેમજ અન્ય મસાલા મિક્સરમાં નાખી પીસી લેવા. પીસી લીધા બાદ ચાખી અને ચેક કરી લેવું. સ્વાદમાં જરૂરી ફેરફાર કરવા હોય તો જે તે મસાલા તેમાં ઉમેરવા. ચટણી વધુ તીખી નહી બનાવવી, જેથી બાળકો ને ખાવામાં તકલીફ ન પડે. ચટણી તીખી હોવી જરૂરી નથી., હકીકતમાં તે ફક્ત લીલા પાનનો પલ્પ – ગર્ભ છે. તેને હલ્વો પણ કહી શકાય છે અને ચમચી ભરી અને તેને નિયમિત ખાઈ શકાય છે.

 

નોંધ : હવેથી “નવી ભોજન પ્રથા” લેખના અંતમાં આપની જાણકારી માટે ભોજનની અલગ અલગ રેસિપી મૂકવા નમ્ર કોશિશ કરીશું.

 

સાભાર : સરોજબેન બી. ચૌહાણ 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

‘નવી ભોજન પ્રથા’ … સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ શ્રી બાલુભાઈ ચૌહાણ નાં આ કાર્યમાં બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. બ્લોગ પોરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે…..આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

ચેતવણી : ઉપરોક્ત ‘પ્રાકૃતિક -નવી ભોજન પ્રથા’ લેખક શ્રી નાં સ્વાનુભવ આધારિત લેખક શ્રી દ્વારા અહીં જાણકારી આપવામાં આવેલ છે, કોઇપણ  પ્રથા ને અપનાવતી સમયે આપ આપની રીતે યોગ્ય જાણકારી મેળવી – પોતાનો સ્વ-વિવેક પૂર્ણ તયા વાપરી, જરૂર લાગે તો કોઈ હેલ્થ પ્રોફેશનલને કન્સલ્ટ કરી પછી જ ( અનુભવી કે તજજ્ઞ નાં માર્ગદર્શન  સાથે જરૂરી ચકાસણી કર્યા બાદ) આપની જ અંગત જવાબદારી ને ધ્યાનમાં રાખી અપનાવશો..  આ કોઈ અંધશ્રદ્ધા નો વિષય  કે વાત નથી.  …. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 

આપ નવી ભોજન પ્રથા અને તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  શ્રી બાલુભાઈ ચૌહાણ (સાહેબ) અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. –    [email protected]  [email protected]  પર  મેઈલ મોકલી જવાબ આપના મેઈલ પર મેળવી શકો છો.

 

હવે પછી આપણે એનિમા બાબત મનમાં ઊભા થતા અનેક સવાલો તેમજ ભોજને ને શક્તિ માની માણસની  –  શું કોઈ મોટી ભૂલ થયેલ  છે ? તે વિશે  જાણીશું ….
 

 
મિત્રો, આજે આટલું બસ, હવે પછી આગળ … “નવી ભોજન પ્રથા” અપનાવતા પહેલાં આપણા મનમાં ઉદભવતા સવાલોની શ્રુંખલા …. આવતા અંકમાં સોમવારે અહીં જ ફરી તપાસીશું અને તેના ઉત્તર જાણીશું … આપે જો આ ‘નવી ભોજન પ્રથા’ હાલ અપનાવેલ હોય અને આપ તે બાબત કોઈ વિશેષ જાણકારી મેળવવા ઇચ્છતા હો કે તે બાબત આપને કોઈ સમસ્યા ઉદભવતી હોય તો અહીં કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ આપશો, જેનો યોગ્ય પ્રત્યુત્તર શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ દ્વારા અહીં જ આપને મળે તે અંગે નમ્ર કોશિશ કરવામાં આવશે., એટલું જ નહિ આપે ‘નવી ભોજન પ્રથા’ અપનાવ્યા બાદ, આપને જે કંઈ અનુભવ થયા હોય તે અહીં શેર કરશો, …. આપના અનુભવો અન્યોને પણ પ્રેરણાદાયી બની રહેશે…. આભાર ! ‘દાદીમા ની પોટલી’

ગુણુની બા …

 (બારમી મે, ૨૦૧૩ના ‘માતૃવંદના દીન’ નીમીત્તે)

ગુણુની બા …

– ડૉ. ગુણવંત શાહ

 

mother's day

 

 

ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે વીસેક વર્ષની છોકરીને પ્રાથમીક કન્યાશાળામાં શીક્ષીકા તરીકે નોકરી મળી. છોકરી પાટીદાર અને પાણીદાર હતી. સન ૧૯૨૦ની સાલમાં ગાંધીજીએ હાકલ કરેલી અને સરકારી નોકરોને નોકરી છોડવાનું આહ્વાન કરેલું. એ જ વર્ષે ગાંધીજી સરોજીની નાયડુ સાથે ઓલપાડ ગયેલા અને મોટી જાહેરસભામાં એમણે સ્વરાજ્યની લડત માટે હાજર રહેલી સ્ત્રીઓ પાસે સોનાનાં ઘરેણાંની માંગણી કરી. એ સભામાં ગયેલી પેલી પાટીદાર છોકરીએ પોતાની વીંટી બાપુને અર્પણ કરી દીધી. લગભગ સત્તર વર્ષ પછી એ છોકરી મારી બા બની ગઈ.

 

બાને મેં કદી સુરજ ઉગ્યા પછી પથારીમાંથી બેઠી થતી જોઈ નથી. એ ઘંટીએ દળતી ત્યારે પ્રભાતીયાં ગાતી એવું સ્મરણ છે. બા દક્ષીણામુર્તી ભાવનગરમાં બાળકોની ‘મુછાળી મા’ ગણાતા શ્રી ગીજુભાઈ બધેકાની શીષ્યા હતી અને મોન્ટેસરી પદ્ધતીએ બાળકેળવણીની તાલીમ લઈ આવેલી. દક્ષીણામુર્તીના શ્રી નાનાભાઈ ભટ્ટ બાના ગુરુપદે હતા. આમ છતાં મને ક્યારેક શૈક્ષણીક મેથીપાક મળતો. આ બંને રાંદેરને ઘરે બે વખત આવેલા. બા ભજનો ગાતી ખરી; પરંતુ એના કંઠે વારંવાર જે પંક્તીઓ મેં સાંભળેલી તે આ હતી :
 

 

મહાદેવ જાઉં ઉતાવળી ને

જઈ ચઢાવું ફુલ,

મહાદેવજી પરસન થયા ને

તમે આવ્યાં અણમોલ.

પથ્થર એટલા દેવ કર્યા ને

જઈ ચઢાવ્યા હાર,

પારવતી પરસન થયાં ત્યારે

ઘોડિયાં બાંધ્યાં ઘેર.

 

 

બા વીશે લખતી વખતે હું મુંઝારો અનુભવી રહ્યો છું. કોઈ શીશુ પોતાની માતા વીશે તટસ્થભાવે લખી શકે ? અત્યારે મારા મનમાં સાક્ષીભાવ અને માતૃભાવ વચ્ચે જાણે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાજુએ વાત્સલ્યમુર્તી માતા છે અને બીજી બાજુ કલમની ખાનગી પ્રામાણીકતા છે. બા તરફથી થયેલી કેટલીક સાત્ત્વીક પજવણીઓની વાત રસ પડે તેવી છે. બાને અન્યાય ન થાય એ રીતે અહીં થોડીક વાતો કરવી છે. આત્મકથા લખનારની અગ્નીપરીક્ષા આવી નાજુક વાતો પ્રગટ કરતી વખતે થતી હોય છે.

 

બા પ્રાથમીક કન્યાશાળાની આચાર્યા હતી. બાનો બધો જ પ્રયત્ન પોતાની શાળાને આદર્શ શાળા બનાવવાનો હતો. શીક્ષીકા તરીકે બાનો પ્રભાવ ગામમાં એવો હતો કે અમારે ઘરે ઘણા મહાનુભાવો આવતા. કીશોરલાલ મશરુવાળાના ગુરુ કેદારનાથજી, ગુરુદયાલ મલ્લીક, પંડીત લાલન, તારાબહેન મોડક, ગાંધીજીના અંતેવાસી ભણસાલી, મહાદેવ દેસાઈ, પ્રો. સી. એન. વકીલ જેવા અનેક મહાનુભાવો ઘરે આવેલા. પંડીત લાલને બાને ભેટ તરીકે આપેલી ચાંદીની સાંકળી હજી અવંતીકાએ સાચવી રાખી છે. આજે પણ હું કહી શકું કે બા જેવી સંનીષ્ઠ આચાર્યા અને શીક્ષીકા મને જોવા મળી નથી. શીક્ષીકાઓ આદરપુર્વક બાને ‘મોટા બહેન’ કહેતી. કેટલીક યુવાન પરીણીત સ્ત્રીઓ બાને ગુરુભાવે જોતી અને બા કહે તેમ કરતી. બા એમની અંગત બાબતોમાં વધારે પડતો ઉંડો રસ લઈને માર્ગદર્શન આપતી. ક્યારેક મને થોડી વાતો અલપઝલપ સંભળાતી. નીરપવાદપણે બાના કાઉન્સેલીંગના કેન્દ્રમાં સેક્સની માની લીધેલી સમસ્યાઓ જ રહેતી. બાને આવી બાબતોમાં સ્વ–નીયુક્ત કાઉન્સેલર બનવાની હોંશ રહેતી. સાસુ–વહુના ઝઘડાઓ પણ બા પાસે આવતા. બા વચલો રસ્તો કાઢી આપતી.

 

એક દીવસ હું અમથો બેઠો બેઠો કશુંક વાંચતો હતો. બા ગંભીર વદને હાથમાં મારો ધોવા નાખેલો પાયજામો લઈને આવી અને બટન આગળ વળગેલા સ્વપ્નદોષના સંકેતને બતાવીને કહે : ‘આવું કેમ થાય ?’ હું તો ડઘાઈ જ ગયો. જે વસ્તુ સાવ સહજ અને સાર્વત્રિક હતી, તેને બાએ પાપયુક્ત બનાવી દીધી. કુમાર અવસ્થામાં થયેલી આવી અનેક સાત્ત્વીક પજવણીને કારણે હજી આજે પણ હું એકાંતમાં અન્ય કોઈ સ્ત્રીને સહજપણે એટલે કે સભાન બન્યા વગર મળી શક્તો નથી. ફળીયામાં પાલીફોઈની ઓટલી પર ગોઠીયાઓ તરફથી જે કુશીક્ષણ મળેલું તે ઓછું હોય તેમ બાએ એમાં સાત્ત્વીક પાપગ્રંથીનો ઉમેરો કર્યો. બાનું વળગણ (ઓબ્સેશન) મને જીવનભર નડ્યું; હજી આજે પણ નડે છે. બાનો એમાં ખાસ વાંક ન હતો. એ દીવસોમાં લંગોટમુલક બ્રહ્મચર્યના ગાંધીવાદી અતીરેકોને પ્રતીષ્ઠા મળેલી એમ કહી શકાય.

 

પૈસાનો મોહ બા છેવટ સુધી ન છોડી શકી. વગર નોટીસે અને વગર કારણે બા ઈન્કમટેક્સની ઓફીસે જતી અને આવકવેરો લેવાય તેવું કરતી. મારો આવકવેરો તો મારા પગારમાંથી જ કપાઈ જતો હતો અને બાનું પેન્શન વધતું વધતું બસો રુપીયા સુધી પહોંચેલું. તે ઉપરાંત ખેતીની આવક હતી. આ અંગે બાએ મને એક મૌલીક વાત કરેલી તે યાદ આવે છે. બાએ કહેલું : ગુણુ ! આ દેશમાં માત્ર નસીબદાર માણસો જ આવકવેરો ભરે છે. આવક છે તો આવકવેરો છે ને ? કેટલાય ગરીબો આવકવેરો ભરવો પડે તેટલું કમાવા આતુર છે; પણ એમના નસીબમાં આવકવેરો ભરવાનું ક્યાંથી ? બાની વાતમાં દમ હતો.

 

બા કાયમ એમ જ માનતી કે મને પૈસા બચાવતાં આવડતું નથી અને અવંતીકાને ખર્ચ કરવાની સુઝ નથી. આ વાતે સાસુ–વહુ વચ્ચે સાવ નકામી બાબતે ઝઘડા થતા. મારી સ્થીતી શરીરનાં બે ફાડચાં ચીરાતાં હોય ત્યારે જરાસંઘને થાય એવી પીડાકારક બનતી. બા સંભળાવતી : ‘તમે લોકો કશું બચાવતાં નથી.’ વાસ્તવીક્તા સાવ જુદી હતી. જે કંઈ બચે તે અમે બાને આપી દેતાં. પરંતુ પછી પાંચસો રુપીયાની ખાસ જરુર પડે ત્યારે બા ઉપદેશ આપતી. હું મંબઈથી સુરતની ફ્લાઈંગ રાણીમાં બેસું અને પાંચ–છ કલાકે ઘરે પહોંચું તો વચ્ચે એક પણ પૈસો ન ખરચું. કૉલેજનાં ચાર વર્ષ દરમીયાન એક પણ વાર કૅન્ટીનમાં ગયાનું મને યાદ નથી. અવંતીકા લગ્ન પછીનાં વર્ષોમાં આઠેક વર્ષ સુધી ખાદી પહેરતી; કારણ કે અમારું કુટુંબ આખું ખાદીધારી હતું. મેં એને પછી મુક્ત કરી અને કહ્યું કે ફરજીયાતપણે કશું થાય એ યોગ્ય નથી. એને પીયરથી કરકસરના સંસ્કાર મળ્યા ન હતા; પરંતુ મારી સાથે રહીને કરકસર કરવાની ટેવ એણે શરુઆતથી જ પાડી હતી. હું પાછળથી સ્વૈચ્છીક નીવૃત્તી લઈ શક્યો તેમાં મદદરુપ થયેલું એક કારણ, અવંતીકાએ દૃષ્ટીપુર્વક કરેલી બચત પણ હતું. હું ખોટો ખર્ચ કરી ન શકું; પરંતુ ખરો ખર્ચ જરુર કરું. એક વાર તો ઘરના હીસાબમાં એક રુપીયાની ભુલ રહી ગઈ, તેથી બાએ આખી રાત માથાકુટ કરી અને સવારે અમે ઉઠ્યાં કે તરત એ ભુલ અંગે કડવી ચર્ચા કરી. થોડી ઉદારતા અને પરીપક્વતા સાથે વહુને જીતી લેવાની કળા બા પાસે ન હતી. બન્ને પ્રીયજનો વચ્ચે ખેંચાઈ મરતા લાચાર આદમી તરીકે મેં એક નીતી રાખેલી. જેનો વાંક જણાય તેને સ્પષ્ટ કહેવું અને એમાં જરા પણ પક્ષપાત કરવો નહીં. અવંતીકાએ બે–ત્રણ વખત બાની માફી માગેલી. બાને હું જે લાગે તે કહેતો અને વાત પુરી થતી. પ્રત્યેક ઘરે સાસુ–વહુ વચ્ચે થોડીક તાણ રહેતી હોય છે; પરંતુ અમારા જેવા સંસ્કારી પરીવારમાં એ તાણ ક્યારેક ઉગ્રતા ધારણ કરતી એ ખરેખર શરમજનક કહેવાય. ઘણાં વર્ષો બાદ જે શીખવા મળ્યું તેનો સાર આ પ્રમાણે છે : બે વ્યક્તીઓ નથી લડતી; બન્નેમાં રહેલો અહંકાર સતત હાહાકાર મચાવતો હોય છે.

 

બા અંગે મેં ખુબ વીચાર્યું છે. મારા પર એનો પ્રેમ ઓછો ન હતો. એ મને કાયમ ‘ગુણુ’ કહેતી. બાની અંદર બેઠેલી માતાને પ્રગટ ન થવામાં કઈ બાબત જવાબદાર હતી ? આ પ્રશ્નનો જવાબ મને મળ્યો છે. માતૃત્વ અને નેતૃત્વ વચ્ચેની કશમકશમાં જીવનભર માતૃત્વ હારતું જ રહ્યું અને નેતૃત્વ જીતતું રહ્યું. કદાચ મારા જીવનની આ સૌથી મોટી કરુણતા હતી. જાહેર સેવાનું ક્ષેત્ર ક્યારેક માણસને પોતાના પરીવારની ધરાર ઉપેક્ષા કરવા મજબુર કરે છે. લોકસેવાની લગની પણ ક્યારેક ભારે ઉધમાત મચાવતી જતી હોય છે.

 

પ્રાથમીક શાળા છોડીને બા ઈન્સ્પેક્ટ્રેસ બની ત્યારે એવું ઘણી વાર બનતું કે સોમવારે ગયેલી હોય તે છ દીવસ બાદ છેક શનીવારે રાતે એ ઘરે પાછી ફરે. બા ન હોય ત્યારે રસોઈ બાપુને માથે રહેતી અને હું બાપુને સહાય કરતો. શનીવારે રાતે બા પાછી ફરે તેની હું રાહ જોતો. કદાચ બાપુ પણ જોતા. રવીવારે સવારે હું ઉઠું ત્યારે બા ઘણુંખરું ઘરમાં ન હોય. એ કોઈ બાકી રહેલાં લોકસેવાનાં કામે નીકળી ગયેલી હોય. રવીવારે બા સરકારી કામ અંગે બહાર નહોતી જતી; લોકસેવા માટે જતી. ક્યાંક ફાળો ઉઘરાવવાનો હોય કે રાંદેરના કેળવણી મંડળનું કામ હોય. બાને ‘સેવારોગ’ વળગ્યો હતો એમ કહી શકાય. આગળ કહ્યું તેમ માતૃત્વ સદા માર ખાતું રહ્યું અને નેતૃત્વ કાયમ અગ્રતા પામતું રહ્યું.

 

હું વડોદરાની ફૅકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલૉજીમાં લેક્ચરર હતો. એક દીવસ બાનો ફોન આવ્યો. તાપીમાં વારંવાર રેલ આવતી, તેથી કાંઠાનાં ઘરોના રક્ષણ માટે સરકારે નદીની ભેખડો પર પાળા બાંધવાની યોજના ઘડી. કાંઠે આવેલાં ખેતરોની જમીન સરકારે એક્વાયર કરી. અમારું ખેતર તાપીને કીનારે આવેલા હરી ઓમ આશ્રમને અડીને આવેલું તેથી થોડીક જમીન પાળા યોજનામાં ગઈ. બાએ મને આગળથી કહી રાખેલું કે એ ગયેલી જમીનના બદલામાં સરકાર જે ચાર–પાંચ હજાર રુપીયા આપે તે રકમ કોઈ સારા કામમાં દાન કરીશું. મેં હા પાડેલી. બાએ ફોન જોડ્યો તેમાં બાની ઉદાત્ત ભાવના પ્રગટ થઈ. મને એ ડાયલૉગ હજી બરાબર યાદ છે :

 

 

બા : ‘ગુણુ ! તને પાળા યોજનામાં આપણી જમીન સરકારે લીધેલી તે યાદ છે ?’

 

 

હું  : ‘હા બા. પણ તેનું શું છે ?’

 

 

બા : ‘તને યાદ છે કે સરકાર એ માટે વળતરની જે રકમ આપે તે આપણે દાનમાં આપી દેવાનું નક્કી કરેલું ?’

 

 

હું  : ‘હા, મને બરાબર યાદ છે.’

 

 

બા : ‘ બેટા ! આપણે તો ધારેલું કે માંડ ચારેક હજાર રુપીયા આવશે પણ સરકારે તો ભારે ઉદારતાથી વળતર આપ્યું.’

 

 

હું  : ‘કેટલું ?’

 

 

બા : ‘રુપીયા પચ્ચીસ હજાર.’

 

 

હું  : ‘શું વાત છે, બા ?’

 

 

બા : ‘પણ આપણાથી હવે એ રકમ ઘર માટે ન લેવાય. મનોમન સંકલ્પ કરેલો કે જે કંઈ આવે તે દાનમાં આપીશું.  હવે રકમ મોટી આવી તેથી સંકલ્પ ન તોડાય. તને શું લાગે છે ?’

 

 

હું  : ‘બા, તારી વાત બીલકુલ સાચી છે અને હું રુપીયા પચ્ચીસ હજાર ઘરમાં ન લેવા માટે તારા જેટલો જ મક્કમ છું.’

 

 

બા : બસ, મને નીરાંત થઈ.

 

 

૧૯૭૦ના અરસામાં રુપીયા પચ્ચીસ હજારની રકમ બહુ મોટી ગણાતી. એ ગાળામાં ઘરનું બૅન્ક બેલેન્સ પણ રુપીયા પાંચ–સાત હજારથી વધારે નહીં હોય. અવંતીકાએ પણ આ વાતમાં મનથી ટેકો આપેલો. આ રીતે જુદી કાઢેલી રકમનું અમે ટ્રસ્ટ બનાવ્યું જેનું નામ હતું : ‘લોકશીક્ષણ ટ્રસ્ટ.’ ટ્રસ્ટની આર્થીક સહાયથી ભણેલા કેટલાક ડૉક્ટરો કે એંજીનીયરો આજેય રાંદેરમાં મને મળે છે. કેટલાકને પુસ્તકો ખરીદવા માટે પૈસા મળતા. કેટલાકને ફી ભરવા માટે પૈસા મળતા. કેટલાકને સાધનો ખરીદવા માટે મદદ મળતી. યાદ છે કે એ ટ્રસ્ટની સહાયને કારણે એક ગરીબ વાળંદનો દીકરો એન્જીનીયર બનેલો. આજે એ ઘણો સુખી છે. દુરનાં ગામોમાંથી હાઈ સ્કુલમાં ભણતા ગરીબ વીદ્યાર્થીઓને મદદ કરવા માટે અરજીઓ આવતી. ક્યારેક ભલામણો પણ થતી. બૅન્કમાં વારંવાર જઈને પૈસાની વ્યવસ્થા કરનારી બા, પૈસાને છોડવામાં કચાશ નહોતી રાખતી. બાની સેવાની સુવાસ અનેક ગામોમાં ફેલાયેલી હતી.

 

 

બાની સેવાહઠ ક્યારેક મને ખુબ અકળાવતી. ઘરની અને પરીવારની ઉપેક્ષા ક્યારેક હદ વટાવી જતી. અમુક કામની વાત આવે ત્યારે બા કોઈની પરવા ન કરતી. જ્યાં એક કલાક આપવાથી પતે તેવું હોય ત્યાં એ ચાર કલાક આપતી. ક્યારેક તો સામેથી વૈતરાને આમંત્રણ આપતી. પતી કે બાળકો શું ખાશે એની ચીન્તા બા ન કરતી. ટાળી શકાય તેવી દોડાદોડી પણ એ ટાળતી નહીં. ઘર છોડીને બહાર કોઈ કામે જવા માટે ટાંપીને બેઠી હોય એવું પણ ક્યારેક મને લાગતું. ‘પીને વાલે કો પીને કા બહાના ચાહીયે,’ જેવી સ્થીતી હતી. ગામમાં બાની મદદ ઉપકારક બને તેવાં કામોની ખોટ ન હતી. બાના જીવનમાં જાણે એક સુત્ર વણાઈ ગયેલું : ‘આ બેલ, મુઝે માર.’ બાની આવી બહીર્મુખી વૃત્તીના અતીરેકોને કારણે મારી માનસીકતા પર કેટલીક કાયમી અસરો પડી.

 

 

અત્યારે જે લખી રહ્યો છું તેના પ્રત્યેક શબ્દ પર મારા આંસુનો અભીષેક થયેલો છે. સંતાન તરીકે કોઈ પણ ફરજ ન ચુક્યા છતાં; મારી ઝંખના અધુરી રહી તેનું દર્દ આ ક્ષણે તીવ્રતાપુર્વક અનુભવી રહ્યો છું.

 

 

આજે મને કોઈ પુછે કે : ‘તને આવતે જન્મે કેવી માતા મળે એવું ઈચ્છે છે ?’ હું જવાબમાં કહું કે, ‘મારે આ જ માતા જોઈએ; પણ તે અભણ હોય તો મને વધારે ગમે.’ અભણપણું માતૃત્વને અપ્રદુષીત રાખે જ એવી ખાતરી ન રાખી શકાય એ સાચું; પરંતુ મને તો અભણ માનું ભોળું ભોળું નીરપવાદ વાત્સલ્ય જ ખપે. મારી માનસીકતા તર્કશુદ્ધ ન હોય એમ બને; પરંતુ માતૃત્વને તર્કની સીમમાં પુરવાનું શક્ય ખરું ? મને, કઠોર, આક્રમક, લડાયક મીજાજની, કર્કશા કે કંકાસીયણ સ્ત્રી; ગમે તેટલી કાર્યક્ષમ, વ્યવહારુ, બુદ્ધીશાળી અને રુપાળી હોય તોય નકામી જણાય છે. મારી વીશીષ્ટ માનસીકતાને કારણે નારીમુક્તી માટે મથનારી બહાદુર સ્ત્રીઓ પણ ક્યારેક મને અસહ્ય લાગે છે. હું એમનો કોઈ દોષ નથી જોતો; માત્ર મારી મનોવૃત્તીને જ પ્રગટ કરી રહ્યો છું. સ્ત્રી પાસેથી કોઈ પણ કારણે કોમળતા, મધુરતા, છલોછલતા અને વત્સલતા જેવાં લક્ષણો છીનવાઈ જાય તે ન પાલવે. માતૃત્વનાં આ લક્ષણો વગરની સ્ત્રીના પતીની મને ભારે દયા આવે છે. કોઈ સ્ત્રી એર ઈન્ડીયાની મેનેજીંગ ડીરેક્ટર બની જાય તો મને ખુબ ગમે; પરંતુ જો એ અંદરથી માતા મટી જાય તો એ ભારે ખોટનો ધંધો ગણાય. વીખ્યાત સંસ્કૃત સુભાષીતમાં સ્ત્રી પાસેથી પુરુષપ્રધાન સમાજે જે ચાર એકપક્ષી અપેક્ષાઓ રાખી તેમાં ‘ભોજ્યેષુ માતા’વાળી વાત મને અગત્યની લાગ્યા કરે છે. સ્ત્રી માતૃસ્વરુપા ન હોય તો એ ‘શયનેષુ રંભા’ અને ‘કાર્યેષુ મંત્રી’ પણ ન બની શકે. સ્ત્રી હોવાની પુર્વશરત માતૃત્વ છે. બીજી બધી વાત આપણા પુરુષપ્રધાન સમાજની એંઠ પણ હોઈ શકે. મારી આવી માનસીકતા સાચી છે એવો મારો દાવો નથી. હું તો કેવળ અનાવૃત થવાનો અધીકાર ભોગવી રહ્યો છું.

 

 

માતાનો પ્રેમ બીનશરતી હોય છે. દીકરો વ્યસની, જુગારી અને મવાલી હોય તોય માતાને વહાલો જ લાગે. હું લગભગ એ જ રીતે બાળકોને બીનશરતી વહાલ કરું છું. એમણે પરીવારમાં નીરપવાદ લોકશાહી ભોગવી છે, એમ કહું તો એમાં અતીશયોક્તી નથી. મારા એમના પ્રત્યેના પ્રેમમાં કોઈ પણ જાતની પુર્વશરત કે અપેક્ષા નથી. ક્યારેક હું એ ત્રણેને એટલાં તો મીસ કરું છું કે કોઈને કલ્પના પણ ન આવે. મનુબહેન ગાંધીનું પુસ્તક મને પ્રીય છે, જેનું સુંદર મથાળું છે : ‘બાપુ, મારી મા.’ જે કશુંક મને મારા જીવનમાં ન મળ્યું, તે મેં મારા સંતાનોને દીલ ઠાલવીને આપ્યું. કશુંય પ્રયત્નપુર્વક નથી થયું; સાવ સહજપણે થતું રહ્યું છે. પ્રત્યેક પતીએ અને પીતાએ માતૃત્વદીક્ષા પામવી જોઈએ. ક્યાંક બાળકોને ઓછો સમય આપનારો કે ઓછું વહાલ કરનારો શુષ્ક અને કર્મઠ પીતા જોઉં ત્યારે મને એ અંગત દુશ્મન જેવો લાગે છે. આ અંગે બાકીની વાત મારાં સંતાનો કરે તે જ વાજબી ગણાય.

 

 

મારી માનસીકતાને કારણે હું એવા અવૈજ્ઞાનીક અને આધારહીન અભીપ્રાય પર આવ્યો છું કે જે ઘરમાં માતા કે પીતા અથવા બન્ને જાહેર કાર્યકર્તા હોય તે ઘરે બને ત્યાં સુધી દીકરી આપવાનું ટાળવું. જાહેર કાર્યકર હોય એવી સાસુના વજન હેઠળ ક્યારેક એની પુત્રવધુની કુંવારી આકાંક્ષાઓ ચગદાઈ મરે એવો સંભવ રહે છે. સ્વાનુભવે કહું છું કે અત્યંત કાર્યરત એવાં માતપીતા સંતાનો માટે સમય ન કાઢી શકે એ વાત સાવ ખોટી છે. પ્રશ્ન સમયનો નથી; અગ્રતાક્રમનો છે.

 

 

બાળકો સાથે માબાપે પુષ્કળ વાતો કરવી જોઈએ. બાની જે મર્યાદાઓ મેં આગળ જણાવી તેને પરીણામે સંતાનો પ્રત્યે મને જે માતાનુભુતી થઈ તે અદભુત હતી. માતાનુભુતીનો મર્મ એ કે સંતાનો મારા તરફથી સંપુર્ણ નીર્ભયતાનો અનુભવ કરે. સંતાનનો સંપુર્ણ સ્વીકાર માતા કરતી હોય છે. બધી ખામીઓ અને બધાં દુ:ખ ભુલી માતા પોતાનાં સંતાનોને વહાલ કરતી હોય છે. બાની જીવનશૈલીમાંથી હું ઘણું શીખ્યો છું. એની મર્યાદાઓથી બચવા માટે અને એની ખુબીઓને મારામાં ખીલવવા માટે મથ્યો છું. મારો હીસાબ ચોખ્ખોચણાક છે. માતૃભાવ પામવો એ કેવળ સ્ત્રીઓનો ઈજારો નથી. કેટલીય સ્ત્રીઓ માતા બન્યા પછી પણ અહંકારને કારણે માતૃદીક્ષા પામ્યા વગરની રહી જાય છે. કેટલાય પીતાઓ માતૃભાવથી લથપથ અને ભીના જોવા મળે છે.

 

 

છેલ્લી માંદગી દરમ્યાન બા લગભગ સવા વર્ષ પથારીવશ રહી. સદાય કર્મરત અને પ્રતીક્ષણ સ્ફુર્તીથી છલકાતી બા ચોવીસ કલાક પથારીમાં લાચાર બનીને પડી રહે એ દૃશ્ય જ અમારે માટે નવું હતું. એક વાર અમારી આગળ એણે અન્ન છોડીને ઈચ્છામૃત્યુ સ્વીકારવાની વાત મુકી. હું સંમત થયો; પણ સ્વજનો સંમત ન થયાં. એક–બે વાર તો મૃત્યુની સાવ નજીક જઈને પાછી આવી. બા કહેતી : ‘હવે મૃત્યુ મળે તો હું છુટું.’ હું બાને કહેતો : ‘બા ! અમે પાસપોર્ટ તૈયાર રાખ્યો છે; પરંતુ ઉપરથી વીઝા નથી મળતો.’

 

 

નીવૃત્તી પછી અમે સુરત છોડ્યું અને વડોદરા આવીને બા સાથે રહેવા માંડ્યું. વડોદરાની સુકી હવા બાને એવી તો માફક આવી ગઈ કે એક પણ વખત ડૉક્ટરને બોલાવવા ન પડ્યા. બાની તબીયત સુધરવા લાગી. મોતીયાના સફળ ઑપરેશન પછી એ ફરીથી બધું વાંચતી થઈ. છેલ્લા દીવસ સુધી બાનું વાંચવાનું ન છુટ્યું. એના ખાટલા પર ઓશીકે મારું પુસ્તક ‘કૃષ્ણનું જીવનસંગીત’ કાયમ રાખતી અને વાંચતી. એક દીવસ હું એના ઓરડામાં ગયો ત્યારે મને એણે ભારે વીચીત્ર વાત કરી. ‘ગુણુ ! હું સવારથી આપણા સંતોનું સ્મરણ કરતી હતી તે મને થીયું કે તું પણ મારો સંત જ ગણાય ને !’ હું તો વાત સાંભળીને છક થઈ ગયો. મેં કહ્યું : ‘બા ! તારું મગજ ઠેકાણે તો છે ને ? હું તો તારો દીકરો, સંતબંત થવાનું મને ન પાલવે.’ બા મૌન રહી.

 

 

લાંબી માંદગી દર્દીની અને સારવાર કરનારાઓની કસોટી કરનારી હોય છે. અવંતીકાએ મન દઈને બાની સેવા કરી અને મળસફાઈ પણ કરી. બાએ અમને સૌને ભેગાં કરીને કહ્યું : ‘અવંતીકાએ મારી ખુબ જ સેવા કરી છે.’ અવંતીકા તે દીવસે ખુબ રડેલી. માંદગીની પીડા વખતે મૃત્યુશૈય્યા પર પડેલા માણસના જીવનનું ઑડીટ પ્રગટ થતું હોય છે. બાના ઑડીટ રીપૉર્ટમાં પ્રતીકુળ ગણાય એવી એક પણ રીમાર્ક ઝટ જડતી નથી. ઈશાવાશ્ય ઉપનીષદમાં પ્રબોધ્યા પ્રમાણે ‘કર્મ કરતાં રહીને પુરાં સો વર્ષ જીવવાની ઈચ્છા રાખવાનો અધીકાર’ બાએ પુરા પંચ્યાશી વર્ષ સુધી ભોગવ્યો. સ્વર્ગ જેવી કોઈ ખાસ જગ્યા હોય એવું હું માનતો નથી; પરંતુ એવી કોઈ જગ્યા હોય તો એક વાત નક્કી. બા ત્યાં પણ એક પુસ્તકાલય શરુ કર્યા વગર નહીં રહે.

 

 

ઈશ્વર એક જ છે, એ શ્રદ્ધાનો વીષય હોઈ શકે; પરંતુ માણસની માતા એક જ હોય એ હકીકત છે. કદાચ માતા દ્વારા ઈશ્વરની શ્રદ્ધા પ્રગટ થતી રહે છે. જગતનાં બધાં તીર્થો માતાના ખોળામાં વીરામ પામે છે. વર્ષો વીતે છે તેમ હું મુરબ્બી બનતો જાઉં છું. મને આશીર્વાદ આપનારા વડીલોની સંખ્યા ઝડપભેર ઘટતી જાય છે. મને વહાલથી ‘ગુણુ’ કહીને બોલાવનારું હવે કોઈ જ નથી.

 

 

 

ગુણવંત શાહ

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

લેખકની સ્મરણાત્મકથા ‘બિલ્લો ટિલ્લો ટચ’ (પ્રકાશક : આર. આર, શેઠ, મુમ્બઈ–૪૦૦ ૦૦૨, પ્રથમ આવૃત્તી : ૧૯૯૭, પાન સંખ્યા : ૨૪૩, મુલ્ય : ૧૭૫ રુપીયા)ના છેલ્લા પ્રકરણ ૨૧નાં પાન ૨૨૦થી ૨૪૩ ઉપરથી ટુંકાવીને સાભાર..

 

 

 

(સાહીત્યરસીકોને લેખકની આ રસપ્રદ સ્મરણાત્મકથા વાંચવા ખાસ ભલામણ છે.)

 

 

ગુણવંત શાહના વીચારો–લખાણોના પરમ ચાહક અને ભાવક શીકાગો–અમેરીકાસ્થીત ‘સ.મ.’ પ્રેમી ભાઈ વીજય ધારીયા ([email protected])એ આ આખો લેખ ‘સ.મ.’ માટે સ–સ્નેહ અને રસપુર્વક તૈયાર કરીને તેનું અક્ષરાંકન પણ કરી આપ્યું તે બદલ દીલથી આભાર.. ..ઉત્તમ ગજ્જર..

 

 

‘સન્ડે ઈ–મહેફીલ’વર્ષઃ આઠમુંઅંકઃ 269 – May 05, 2013

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ વીજય ધારીઆ[email protected]

@@@@@

More than 2,07,10,000 Gujarati Language lovers have visited
http://www.gujaratilexicon.com

More than 18,50,000 have visited Digital Bhagwadgomandal
http://www.bhagwadgomandal.com

More than 4,50,000 have visited Lokkosh
http://lokkosh.gujaratilexicon.com

@@@@@@@@@

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.