મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત શ્રી વલ્લભ સાખી …[૧૬-૨૫] … ભાગ – (૩) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …. 
શ્રી વલ્લભ સાખી   …   (૧૬-૨૫) … (ઉત્તરાધ) …

-મહેશ શાહ, વડોદરા

ભાગ – [૩]

 

vallabh sakhi

 

 

 ગતાંકમાં આપણે છ થી ૧૫  સાખીનું રસપાન કર્યું. હવે વલ્લભ ભક્તિ ઉદધીમાં આપણી નાવ આગળ ચલાવીએ.

 

શ્રી હરિ ગુરુ વૈષ્ણવની કૃપાના બળે આપણે શ્રી હરિરાયજી કૃત શ્રી વલ્લભસાખીનું રસપાન કરી રહ્યા છીએ. આપણા માર્ગમાં સર્વ ઉપલબ્ધીનો એક માત્ર ઉપાય કૃપા જ છે, જીવના પ્રયત્નથી કશું જ થઇ શકતું નથી.

 

 

યશ હી ફેલ્યો જગતમેં, અધમ ઉદ્ધારન આય |
તીનકી બિનતી કરત હોં, ચરણ ચિત્ત લાય ||૧૬||

 

 

અધમોના ઉધ્ધાર માટે જ ભૂતલ ઉપર આપનો અવતાર થયો છે. શ્રી ઠાકોરજીના સંગી સાથી કે ખિલૌના જેવા દૈવી જીવો લીલામાંથી એક યા બીજા કારણે પૃથ્વી ઉપર આવેલા આ દૈવી જીવો મુખ્ય ધારાથી વિખુટા ન પડી જાય તે અર્થે શ્રી વલ્લભે શ્રમ લીધો છે. તે હેતુથી જ આપે પોતાના સુકોમળ ચરણોથી ત્રણ ત્રણ વખત પૃથ્વી પરિક્રમા કરી છે. અધમના ઉધ્ધાર કરનારા તરીકેનો આપનો યશ જગતમાં પ્રસરેલો છે. આવા શ્રી વલ્લભના ચરણ કમળનું હૃદયમાં ધ્યાન ધરીને ચિત્તમાં આપનું નામ સ્મરીને શ્રી હરિરાયજી પ્રાર્થના કરે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ પણ છે કે આપણા આ કૃપા માર્ગમાં જીવ માટે પ્રાર્થના જ અધિકાર અને પ્રાર્થના જ કર્તવ્ય છે.

 

 

પતિતનમેં વિખ્યાત હોં, મહા પતિત કો ધામ |
અબ યાચક હોય જાંચ હોં, શરણાગતિ સબ યામ ||૧૭||

 

 

આપણા માર્ગમાં દૈન્યનું અત્યંત મહત્વ છે. લૌકીકમાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે ‘નમ્યો તે સૌને ગમ્યો’. શ્રી હરિરાયજી દીનતાની ભાવનાથી (અને ખરેખર તો કલિયુગી પામર જીવો વતી) પોતાને પતિતોમાં પ્રખ્યાત ગણાવે છે. શ્રી હરિરાયજી દીનતાથી કહે છે કે હું અત્યંત પતિત છું એટલું જ નહીઁ પતિતોમાં પણ ખ્યાતિ પ્રાપ્ત ‘મહાપતિત’ છું. પાતક અને મહા પાતકના નિવાસ સ્થાનરૂપ આ જીવ હારી થાકી ને હવે યાચના કરે છે, તે સિવાય બીજું કાંઈ તો કરી શકે તેમ નથી તેથી ‘યાચના’ કરે છે. પાત્રતા તો નથી જ પણ શરણાગતિ તો સાધન સાધ્ય નહીઁ કૃપા સાધ્ય છે. શરણાગતિને પણ સ્વીકૃતિનું અવલંબન હોય છે. આથી જ શ્રી હરિરાયજી આઠે પ્રહરની, અહર્નિશ, રાત-દિનની શરણાગતિની યાચના કરે છે. જો પ્રભુ કૃપા કરે તો જ સાચી શરણ ભાવના જાગૃત થાય.

 

 

શ્રી વલ્લભ વિઠ્ઠલનાથ જૂ, સુમૈર એક ઘડી |
તાકે પાતક યોં જરે, જયોં અગ્નીમેં લકડી ||૧૮||

 

 

શ્રી વલ્લભ સાક્ષાત આધીદૈવિક અગ્નિ સ્વરૂપ છે. ૭મા શ્લોકમાં કહ્યું છે કે, આપ ‘કૃષ્ણાસ્યમ;’ અર્થાત શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે. વેદમાં નિરૂપણ છે કે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનું મુખ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. શ્રી ગીતાજીમાં પણ આપે કહ્યું છે કે ‘હું વૈશ્વાનર છું’ તેથી તેમના અવતાર એવા શ્રી આચાર્યજી પણ અગ્નિસ્વરૂપ જ થયા. અગ્નીકુમાર શ્રી ગુસાંઇજીનું સ્વરૂપ પણ આપથી ભિન્ન નથી. આ વાત શ્રી વલ્લભે જ દામોદરદાસ હરસાનીજીને કહી છે.

 

 

અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. ભૌતિક અગ્નિ જેમ લાકડાને બાળે છે તેમ આ બંને સ્વરૂપોનું એક વારનું પણ સ્મરણ જીવના બધા પાપો બાળી નાખે છે. આપણા સંચિત કર્મો જ પાતક રૂપે આપણા શત્રુ બની ભગવત્ પ્રાપ્તિમાં, મુક્તિમાં બાધારૂપ થતા હોય છે. આથી જ ૧૪મા શ્લોકમાં રોષદ્ર્ક્પાતસંપ્લુષ્ટભક્તદ્વિટ (ભક્તોના દ્વેષી શત્રુઓને રોષવાળી દ્રષ્ટિથી ભસ્મ કરનાર) અને ૧૭મા શ્લોકમાં ‘વિમુક્તિ દ:’ એવાં નામ બિરાજમાન છે.

 

 

કર્મોના બંધન બળી જાય એટલે કે તેનો કાયમી નાશ થઇ જાય. આવું થાય એટલે આપણે આપણાં સંચિત કર્મો અને તેના બંધનની ચિંતામાંથી મુક્ત. આપણી સ્લેટ સાવ કોરી. તેમાં જે નવા મંગલ અક્ષરો પાડવા હોય તે આપણાં હાથમાં. આમ આ બે સ્વરૂપોના સ્વરૂપોના સ્મરણથી આપણી આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ તો પછી આપણો બેડો પાર!

 

 

ધરણી અતિ વ્યાકૂલ ભઈ, વિધિ સોં કરી પુકાર |
શ્રી વલ્લભ અવતાર લે, તાર્યો સબ સંસાર ||૧૯||

 

 

જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મનો ભાર વધ્યો છે, સત્પુરુષોનું જીવન દોહ્યલું બન્યું છે ત્યારે ત્યારે પ્રભુએ અંશાવતાર કે પૂર્ણાવતાર લઇ સંકટ દૂર કર્યું છે. પ્રભુનો આ ક્રમ છે અને તે જ વાત આપે ગીતાજીમાં અભય વચનરૂપે દોહરાવી છે. આચાર્યજીએ દૈવી જીવોના ઉધ્ધાર માટે જીવનભર પ્રયત્નો કર્યા છે એટલું જ નહીઁ, પ્રભુની આજ્ઞા છતાં ભૂતલનો ત્યાગ કરવાનું બે વખત મુલતવી રાખ્યું છે. આપના પ્રાદુર્ભાવથી દૈવી જીવોનો ઉધ્ધાર તો થયો જ પણ દૈવી અને પુનિત પરિબળો પુષ્ટ થયા છે અને અનિષ્ટનો પ્રભાવ ઘટ્યો છે તે રીતે સમગ્ર સંસારને તાર્યો છે.

 

 

શ્રીવલ્લભ રાજકુમાર બિનુ, મિથ્યા સબ સંસાર |
ચઢી કાગદ કી નાવ પર, કહો કો ઉતર્યો પાર ||૨૦||

 

 

‘ભૂવિ ભક્તિ પ્રચારૈકકૃત્તે સાન્વયકૃત્’( પૃથ્વી પર ભક્તિનો પ્રચાર કરવા માટે પોતાના વંશને ચલાવનાર) અને ‘સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહ્ત્મ્ય:’ ૨૨મા શ્લોકમાં આ બે નામોથી શ્રી ગુંસાઈજીએ એક રહસ્ય આપણી સમક્ષ ખોલ્યું છે. શ્રી વલ્લાભની લગ્ન કરવાની ઈચ્છા જ ન હતી. પણ પંઢરપુરના શ્રી વિઠ્ઠલનાથજીની આપના પુત્ર રૂપે જન્મ લેવાની ઈચ્છા હોવાથી આપને લગ્ન કરવાની આજ્ઞા કરી તેથી અને માયાવાદને નિરસ્ત કરી ભક્તિ માર્ગના સંવર્ધન કરવાના આપના અવતાર કાર્યને આગળ વધારવા જ આપે વંશ ચલાવ્યો છે. એટલું જ નહીઁ, આપે પોતાના વંશમાં આપનું સંપૂર્ણ(અશેષ) માહાત્મ્ય સ્થાપ્યું છે. આ કારણે જ શ્રી હરિરાયજી અહીં કહે છે કે આ સંસારમાં શ્રી ગુંસાઈજી સિવાય બધું જ નિરર્થક અથવા નકામું છે.

 

 

શ્રી વલ્લભ અને તેમના રાજકુમાર આ ભવસાગર તરવા માટે અત્યંત ઉપયુક્ત દિવ્ય જહાજ સમાન છે. અન્ય સાધનો પાણીમાં પલળી જાતે જ ડૂબી જાય તેવી કાગળની હોડી જેવા છે. જે ખુદ ડૂબતા હોય તે અન્યને ક્યાંથી તારે? આપણે અન્ય દેવી-દેવતાઆચાર્યો કે પંથો નો આશ્રય કરવાની ભૂલ કરીશું તો આ ભવસાગરમાં ડૂબી જવાના એ નક્કી વાત છે.

 

 

કલયુગ ને સબ ધર્મકે, દ્વાર જુ રોકે આય |
શ્રીવલ્લભ ખિડકી પ્રેમકી, નિકાસ જાય સો જાય ||૨૧||

 

 

શ્રીમદ્ ભાગવત માહ્ત્મ્યના પ્રથમ અધ્યાયમાં ભક્તિ અને નારદ સંવાદમાં કહેવાયું છે કે કળીયુગના આગમનથી કથા, તીર્થ, તપ, ધ્યાન, યોગ વગેરે સત્વહીન થઇ ગયાં છે. માનવ યોનીમાં મળેલો જન્મ સાર્થક કરવાનો કોઈ ઉપાય હાથવગો રહ્યો નથી. આમ ધર્મના સર્વ ઉપાયો અને માર્ગો બંધ થઇ ગયા છે તે જ અધ્યાયમાં વાત છે કે કળીયુગના પ્રભાવથી જ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ અને અશક્ત થઇ ગયા છે અને તેમની માતા ભક્તિ યુવાન થઇ ગઈ છે.

 

 

આપણાં શ્રી વલ્લભે શ્રી કૃષ્ણાશ્રાય ગ્રંથમાં કહ્યું છે તેમ કળીયુગમાં ધર્મના દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર એ સર્વ અંગ દુષિત થઇ ગયાં છે અને તેથી આપણા માટે શ્રી કૃષ્ણનો આશ્રય એજ એક માત્ર તરણોપાય રહી ગયો છે. આથી અહીં શ્રી હરિરાયજી કહે છે કે જ્યારે બધા જ રસ્તા બંધ થઇ ગયા ત્યારે શ્રી વલ્લભે પ્રેમલક્ષણા ભક્તિનો રાજમાર્ગ બતાવી દૈવી જીવોનો ઉદ્ધાર સુનિશ્ચિત કર્યો છે.

 

 

આ કારણે જ ૨૪મા શ્લોકમાં શ્રી ગુસાંઇજી કહે છે કે આપણા શ્રી આચાર્યજી ઉપાસનાના અન્ય માર્ગોમાં મુગ્ધ થયેલાઓના ભ્રમનું નિરસન કરી તેમને ભક્તિમાર્ગની વિલક્ષણતાનો અનુભવ કરાવનાર છે અને તેથી જ ભક્તિમાર્ગરૂપી કમળ માટે સૂર્ય સમાન (ભક્તિ માર્ગાબ્જ માર્તન્ડ: શ્લોક.૯) છે.

 

 

ભગવદ્ ભગવદી એક હૈ, તિનસોં રાખો નેહ |
ભવસાગર કે તરન કી, નીકી નૌકા યેહ ||૨૨||

 

 

આપણા માર્ગમાં શ્રી હરિ-ગુરૂ-વૈષ્ણવનું સમાન મહત્વ છે. આથી જ આ સાખીમાં ભગવદીયનો મહિમા દર્શાવ્યો છે. ભાગવતના નવમા સ્કંધમાં અંબરીષ રાજાનું ચરિત્ર છે. તેમાં ભગવાને કહ્યું છે કે, ‘મારા ભક્તો મારા હૃદયરૂપ છે.’ તે જ પ્રસંગના અંતે દુર્વાસા ઋષિ કહે છે કે, ‘ભક્તો ન કરી શકે એવું કોઈ કાર્ય નથી’. ૮૪-૨૫૨ ભક્તોના અનેક પ્રસંગોમાં ભગવદીયના સાચા સ્વરૂપની મહત્તા વર્ણવી છે. શ્રી હરિરાયજીના પ્રથમ શિક્ષાપત્રના ૧૮મા શ્લોકમાં કહ્યું છે કે ભગવદીયને પોતાના સમજવા. ૧૯મા શ્લોકમાં એવું કહ્યું કે ‘શ્રી આચાર્યજી કરતાં પણ વિશેષ ભાવ ભગવદીયમાં રાખવો.’ આગળ ૨૧મા શ્લોકમાં તો એવું કહ્યું કે, ‘ભગવદીય સ્વત: પ્રસન્ન થાય ત્યારે પ્રભુ પ્રસન્ન થયા ગણાય.’

 

 

એટલે જ અહીં કહ્યું છે કે ભગવાન અને ભગવદીયમાં ભેદ ન જાણવો અને બંનેમાં (સમાન) પ્રેમ રાખવો. જો બંનેની કૃપા થશે તો ભવસાગર પાર ઉતરાશે.

 

 

શ્રીવલ્લભ કલ્પદ્રુમ ફળ્યો, ફળ લાગ્યો વિઠ્ઠલેશ |
શાખા સબ બાલક ભયે, તાકોં પાર ન પાવત શેષ ||૨૩||

 

 

આપણાં પુરાણોમાં કલ્પવૃક્ષનો ઉલ્લેખ છે. આ વૃક્ષ સઘળા મનોરથ પરિપૂર્ણ કરે છે. લૌકિક કે અલૌકિક જે ઈચ્છીએ તે તરત મળી જાય છે. મળે તો બધું જ પણ માંગનાર પોતાની કક્ષા પ્રમાણે માગે. ક્ષુલ્લક પદાર્થોની એષણા કરીએ તો આવું અદભૂત વરદાન વેડફી દીધું કહેવાય. શ્રી વલ્લભ અને તેમનો વંશ આ ભૂતલ ઉપર દૈવી જીવોના હિતાર્થે પ્રગટ થયેલા કલ્પવૃક્ષ સમાન છે. શ્રીવલ્લભાષ્ટકના બીજા શ્લોકમાં શ્રી ગુંસાઈજી કહે છે તેમ શ્રી વલ્લભનું પ્રાગટ્ય ન થયું હોત તો દૈવી જીવો પણ માયાવાદ આદિ ખોટા માર્ગે વળી જાત અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરી શકત નહીઁ. આમ દૈવી જીવોના પ્રભુ પ્રાપ્તિના મનોરથ પૂર્ણ કરનાર આ ‘કલ્પવૃક્ષ’ એક મહા વરદાન છે. આપણે તેની પાસેથી પ્રેમલક્ષણા ભક્તિનું મહામુલું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ.

 

 

શ્રી વલ્લભ આવત મૈં સુને, કછુ નિયરે કછુ દૂર |
ઇન પલકન સોં મગ ઝાર હોં, વ્રજ ગલીયનકી ધૂર ||૨૪||

 

 

શ્રી વલ્લભના આગમનનો આસાર આવતાં જ મન આતુર થઇ જાય છે. અંતરમાં તો બિરાજે જ છે, મારું મન પણ આપની નિશ્રામાં જ છે આ સામીપ્ય છે પણ ભૌતિક રીતે મારા પ્રાણ આધાર દૂર છે. તેમની પધરામણીના શુભ સમાચાર આવતાં જ તેમના આગમનને વધાવવા અનેક ઉપાય સુઝે છે. મારા પ્રભુના પુષ્પ સા કોમળ ચરણો છે તેમને કષ્ટ ન થાય તે માટે તેમના માર્ગમાં હું મારી આંખની પાપણોંથી બુહારી કાઢું છું.

 

 

કૃપાસિંધુ જળ સીંચકે, રાખ્યો જીવન મૂલ |
સ્નેહ બિના મુરઝાત હૈં, પ્રેમ બાગ કે ફૂલ ||૨૫||

 

 

શ્રી ગુંસાઇજીએ ૧૪મા શ્લોકમાં ‘કૃપાદ્રગ્વૃષ્ટિ સંહૃષ્ટદાસદાસી પ્રિય:’ એવું શ્રી આચાર્યજીનું નામ કહ્યું છે કારણ કે આપ કમળ જેવા નેત્રોથી કૃપા રૂપી જળની વૃષ્ટિ કરી પોતાના ભક્તોને પ્રિય બન્યા છે. જેમ ભૌતિક જળ વગર જીવન સંભવે જ નહીઁ તેવી જ રીતે દૈવી જીવોનું જીવન પણ કૃપાના બળે જ ટકે છે. ભક્તિના અંકુરનું પોષણ કૃપા જળથી જ થાય છે. પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયેલી પ્રેમ લક્ષણા ભક્તિનો હરિયાળો બાગ સ્નેહ સિંચનના અભાવે ઉજ્જડ બની જાય છે. શ્રી વલ્લભની કૃપા રહે તો જ આ વૃંદાવન વિલસે છે.

 

 

આજના ‘સત્સંગ’ના સમાપનમાં યાદ કરીએ :

 

 

“મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી
મારું મનડું છે ગોકુલ વનરાવન, મારા તનના આંગણીયામાં તુલસીના વન” …

 

 

સ્વર: બિમલ શાહ  

(ભજન માણવા અહીં આપેલ ઓડિયો પ્લેયર પર ક્લિક કરશો) …

 

ક્રમશ:

 

(C) Mahesh Shah 2012

 
સૌજન્ય – સાભાર : મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા  ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
eamil : [email protected]

 

 

શ્રી મહાપ્રભુજી હરિરાયજી કૃત ‘શ્રી વલ્લભ સાખી’ ની ઝાંખી, મહેશ ભાઈ શાહ, વડોદરા ની કલમ દ્વારા ‘દાદીમા ની પોટલી’ પર આપ સમયાંતરે નિયમિત માણીશકો તે માટે અમારો નમ્ર પ્રયાસ છે..

 

‘દાદીમા ની પોટલી’ પર શ્રી વલ્લભ સાખીની પોસ્ટ મોકલવા બદલ અમો શ્રી મહેશભાઈ શાહ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  

 

આપના બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.