|| શિક્ષાપત્ર ૩૧ મું || … અને (૩૨) મદનમોહન પિય- કલેઉનું પદ …

|| શિક્ષાપત્ર ૩૧ મું || …

 

 

 radha  - krishna

 

આપણે શિક્ષાપત્ર ત્રીસમાં વિચાર્યું કે, બુધ્ધિનું રક્ષણ કરવા સદા સર્વદા શ્રી કૃષ્ણનું સ્મરણ અને શ્રી કૃષ્ણનું શરણ કરવું જોઈએ અને સ્મરણ કરતી વખતે અને શરણ લેતી વખતે મિથ્યા જગત ને ભૂલી જવું જોઈએ. કારણ કે, લૌકિક જગતને સતત યાદ કરવાથી શ્રી પ્રભુનું વિસ્મરણ જ થાય છે. તેથી પુષ્ટિજીવોએ સાવધ રહેવું જોઈએ. શ્રી પ્રભુમાં સ્નેહ હશે તો જ પ્રભુનું સ્મરણ સારી રીતે થશે. જગતને ભૂલી જવા માટે શ્રીઠાકોરજીની સેવા-સ્વરૂપ ભાવના, ભાવ-ભાવના અને લીલાભાવના વિચારીને કરવી. આ ભક્તિમાર્ગમાં શ્રીકૃષ્ણ બિરાજતા હોય તે ‘દેશ’, સત્સંગના કારણરૂપ ‘સમય’, પોતાનું સર્વસ્વ એ ‘સાધન’ (દ્રવ્ય), અભિમાન સહિત ‘કર્તા’ , શ્રી ભગવન્નામ એ ‘મંત્ર’ અને શ્રી કૃષ્ણ સેવા એ ‘કર્મ’ આમ આ છ (દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ) માટેનું સાધન સત્સંગ જ છે. અહંતા– મમતાનો ભાવ રાખવાથી બુદ્ધિ બગડે છે, માટે સર્વથા સાવધાન રહી દીનતાનો ભાવ કેળવવો. આચાર્યચરણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ‘ભક્તિવર્ધિની’ ગ્રન્થમાં આજ્ઞા કરેલ છે કે

 

 

અદૂરે વિપ્રકર્ષે વા યથા ચિતં ન દૂષ્યતિ

 

 

આથી શ્રી આચાર્યજીએ “ભક્તિવર્ધિની” ગ્રંથમાં કહ્યું છે કે હરિનાં સ્થાનમાં જેમાં ભગવદીયો રહેતા હોય, તેમની વધુ સમીપ કે તેમનાથી વધુ દૂર રહેવું ન જોઈએ. કારણ કે ભગવદીયો અગ્નિ સમાન હોય છે. જેમ અગ્નિની નજીક જતાં અગ્નિ દઝાડે છે અને અગ્નિથી દૂર જતાં જેમ શીતળતા લાગે છે તેમ ભગવદીયોનું પણ હોય છે. આથી વૈષ્ણવોએ નજીકમાં અથવા દૂર રહીને ભગવદ્ સેવામાં તત્પર હોય તેવા તદીયો ભક્તો સાથે રેહવું જોઈએ.

 

 

હવે શિક્ષાપત્ર – ૩૧ એ પચ્ચીશ શ્લોકથી નિરૂપણ કરાય છે. જેમાં શ્રીજી સેવા, સ્મરણ, ચિંતન પ્રત્યેના ભાવની બુધ્ધિ તથા વરણ વિચાર વિષે સમજાવવામાં આવે છે.( “વરણ” કરવું એટલે કે પસંદગી કરવી અથવા સ્વીકાર કરવો. )
મર્યાદામાર્ગમાં જીવ પ્રભુને પસંદ કરે છે. જ્યારે પુષ્ટિમાર્ગમાં શ્રી પ્રભુ જીવનું વરણ કરે છે, અર્થાત્ પ્રભુ જીવને પસંદ કરે છે. મર્યાદા માર્ગમાં જીવ પ્રાપ્ય સાધનથી શ્રી પ્રભુને પામવા પ્રયત્નશીલ છે. જ્યારે પુષ્ટિમાર્ગમાં શ્રી પ્રભુ જીવનાં સાધન, સામર્થ્ય અને સદ્ગુણોને ધ્યાનમાં લીધા વગર જ કૃપા કરે તેને વરણ કર્યું કહેવાય.

 

 

શ્રી હરિરાયજીનાં આ વિચાર સાથે પ્રથમ શ્લોકનું નિરૂપણ જોઈએ.

 

 

નિ:સાધનફલે માર્ગે બલં નૈવોપયુજ્યતે |
સાધનાનામતો નાયમાત્મેત્યેષોદિતા શ્રુતિ: ||૧||

 

 

અર્થાત, નિ:સાધન ફળરૂપ આ પુષ્ટિમાર્ગમાં/ ભક્તિમાર્ગમાં સાધનનું બળ ઉપયોગી નથી. શ્રુતિમાં કહેવાયું છે કે, આ આત્મા પ્રવચન કે બુદ્ધિથી બહુ સાહિત્ય સાંભળવાથી પ્રાપ્ત થઇ શકતો નથી. પ્રભુ જે જીવનું વરણ કરે છે તે જ જીવ તેને પ્રાપ્ત કરી શકે છે. આથી શ્રી પ્રભુના વરણ વગરના બીજા સાધન બળથી પ્રભુની પ્રાપ્તિ પુષ્ટિમાર્ગમાં નથી. કારણ કે પુષ્ટિમાર્ગમાં સાધન સાધ્ય નથી પણ કૃપા સાધ્ય છે.

 

 

કિન્તુ સર્વસ્વ મૂલં હરે ર્વરણમુચ્યતે |
યથૈવ વૃણુતે કૃષ્ણસ્તથા તિષ્ઠતિ વૈ જન: ||૨||

 

 

કારણ કે હરિ દ્વારા જીવનું વરણ થવું તે સર્વનું મૂળ કહેવાય છે. શ્રી કૃષ્ણ જે જીવનું જે પ્રકારે વરણ કરે છે, તે પ્રકારે જીવની નિશ્ચય સ્થિતિ ઉત્પન્ન થાય છે. આમ જીવોનું ભગવાનના દ્વારા વરણ થવાથી તેમનાં ફળની સિધ્ધિ થાય છે. શ્રી હરિરાયજી ચરણ કહે છે કે વરણ બે પ્રકારનાં છે. તે ત્રીજા શ્લોકથી નિરૂપિત કરાય છે.

 

 

વરણં તુ દ્વિધા સાક્ષાત્ પારંપર્યવિભેદત: |
લીલાસ્થિતેષુ વૈ સાક્ષાદન્યેષ્વસ્તિ પરંપરા ||૩||

 

 

અર્થાત, વરણ બે પ્રકારનાં છે. એક સાક્ષાત વરણ અને બીજુ પરંપરાગત (પરોક્ષ) વરણ. લીલાસ્થિત ભકતોમાં સાક્ષાત વરણ થાય છે, જ્યારે અન્ય ભક્તોને માટે પરંપરાથી અર્થાત્ પરોક્ષ વરણ થાય છે.

 

 

આચાર્યદ્વારકં તત્ર વરણં ન હરે સ્વત: |
લીલાસ્થેષ્વપિ ભક્તેષુ વૃતેદ્વૈવિધ્યમીક્ષ્યતે ||૪||

 

 

આચાર્યચરણ દ્વારા જીવને પ્રભુનું જે વરણ થાય છે તે સાક્ષાત અથવા સ્વતઃ નથી પરંતુ પરંપરાથી વરણ થયેલ છે. લીલસ્થ ભક્તોમાં પણ વરણ બે પ્રકારનાં જોવામાં આવે છે.

 

 

સાક્ષાત શ્રુતિષું હરિણાં વરણં વહિન સૂનુષું ।
પરંપરાપ્રકારેણ મર્યાદાપુરુષોત્તમાત્ ।।૫।।

 

 

અર્થાત, અત્રે હરિચરણ આજ્ઞા કરે છે કે, સારસ્વત ક્લ્પની લીલામાં શ્રીચંદ્રાવલી શ્રીયૂથનાં જે ભક્તો છે તેમને શ્રુતિરૂપાઓ કહેવામાં આવે છે કારણ કે તેઓ વેદની શ્રુતિઓ છે, જેઓ વ્રજમાં ગોપિકાઓ રૂપે પ્રગટી છે. આ સર્વે ગોપીઓનું ભગવાન વ્રજચંદ્રએ સાક્ષાત વરણ કર્યું છે અને પોતાના સ્વરૂપાનંદનો સાક્ષાત અનુભવ કરાવેલ છે. આમ ગોપિકાઓનું સીધેસીધું વરણ પ્રભુ દ્વારા કરાયેલું છે.

 

 

શ્રી રામચંન્દ્રજી દ્વારા અગ્નિકુમારિકાઓને વરદાન આપ્યું હતું કે તેઓ પોતાનાં શ્રી કૃષ્ણ તરીકેનાં અવતારમાં સ્વીકાર કરશે. આજ અગ્નિકુમારિકાઑ સારસ્વત કલ્પમાં વ્રજમાં ગોપીઓ બનીને આવી અને શ્રી કાત્યાયનીજી સ્વરૂપ શ્રી યમુનાજીનું તેમણે વ્રત કર્યું, ત્યારે શ્રી કાત્યાયનીજી – શ્રીયમુનાજી દ્વારા ઋષિરૂપા અગ્નિકારિકાઓને શ્રી પ્રભુને પ્રાપ્ત થયા તે પરોક્ષ વરણ. તે રીતે આપણું પણ પરોક્ષ વરણ થાય છે કારણ કે આપણે પણ શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીનાં માધ્યમથી શ્રી ઠાકુરજી પાસે જઈએ છીએ અને પ્રભુ દ્વારા આપણું પણ વરણ તેમનાં દ્વારા જ થાય છે.

 

 

અન્યથાપ્યત્ર ભેદોઙસ્તિ દાસ્તાત્મીયતાદિભિ:|
આત્મીયત્વેનાવતારે દાસ્ત્વેનાન્યદા વૃત્તિઃ ||૬||

 

 

અર્થાત, અત્રે પણ અન્ય બે પ્રકારનાં ભેદ છે. જેમ કે અવતાર દશામાં આત્મીયતાથી વરણ છે અને અનવતાર દશામાં દાસત્વ ભાવથી વરણ છે.

 

 

તથા

 

 

દાસ્ત્વેપ્યસ્તિ ભેદો હિ મર્યાદાપુષ્ટિ ભેદત: |
અતો ન જીવસ્વાતંત્ર્યં દાસ્ત્વાદ્વિ નિસર્ગત: ||૭||

 

 

અર્થાત, દાસ ભાવના મર્યાદા અને પુષ્ટિ એમ બે પ્રકાર છે. પુષ્ટિભાવમાં દાસધર્મ સ્વભાવિક રીતે હોય તેથી જીવ સ્વતંત્ર નથી. દાસધર્મથી પ્રભુનો સંબંધ છે, તેથી દાસત્વ ધર્મ સર્વથી અધિક છે. જ્યારે આગળ ૮, ૯, ૧૦ મો શ્લોક એકમેકને સંલગ્ન છે, તેથી ત્રણે શ્લોકનાં શબ્દાર્થ સાથે નિયુક્ત કરેલ છે.

 

 

યથા કૃતિસ્થા સર્વં કૃષ્ણસ્તસ્ય કરોતિ હિ |
મર્યાદાયાં વૃતૌ તસ્ય ભવેત્સાધનનિષ્ઠતા ||૮||

 

 

પુષ્ટાવનુગ્રહેદ્રષ્ટિ સત્યૈવ સકલં પુન: |
વયં ત્વનુગ્રહાચાર્યે: પુષ્ટૌ મર્યાદયા સહ ||૯||

 

 

અંગીકૃતિસમર્યાદૈ: સર્વેડપ્યંગીકૃતા: સ્વતત: |
અસ્તવદુક્તમર્યાદાસ્થિતિર્હિ હિતકારિણી ||૧૦||

 

 

 

અર્થાત, જીવનું જેવું વરણ હોય તે પ્રમાણે શ્રીકૃષ્ણ સર્વ કાર્ય કરે છે. જે જીવનું વરણ મર્યાદામાં હોય છે તેવા જીવોને સાધના કર્મ અર્થાત્ તપ, ધ્યાન, જપ, વ્રત વગેરે કાર્યોમાં નિષ્ઠા થાય છે અને જે પુષ્ટિજીવનું વરણ પુષ્ટિની રીતે થાય છે તેની દ્રષ્ટિ હંમેશા પ્રભુનાં અનુગ્રહમાં હોય છે. કારણ કે તેવાં જીવોને વિશ્વાસ છે કે જો પ્રભુ મારી ઉપર પોતાની કૃપારૂપી અનુગ્રહ કરશે તો તેનાં વડે જ મારું સર્વ કાર્ય સિધ્ધ થશે અને મને સેવાસિધ્ધિ રૂપી ફળની પ્રાપ્તિ થશે.આથી જ શ્રી હરિરાયજી ચરણ કહે છે કે આચાર્ય શ્રી વલ્લભે પ્રત્યેક પુષ્ટિજીવનો અંગીકાર મર્યાદા સહિત કર્યો છે. સાથે સાથે શ્રી હરિરાયજી ચરણ એ પણ સમજાવે છે કે સર્વ પુષ્ટિ જીવોનો આચાર્યશ્રીએ મર્યાદાપૂર્વક અંગીકાર કરેલો હોવાથી, આપણે વૈષ્ણવી જીવોએ શ્રી આચાર્યચરણનાં વચનામૃતોની મર્યાદા પ્રમાણે વર્તવું, જે વૈષ્ણવો માટે હિતકારી છે.

 

 

આમ જેવું જેનું વરણ તે પ્રકારે શ્રી કૃષ્ણ તેને તે પ્રમાણે ફળદાન કરે છે. આ આજ્ઞા શ્રીઆચાર્યચરણ મહાપ્રભુજીએ “પુષ્ટિ પ્રવાહ મર્યાદાભેદ” ગ્રંથમાં કરેલ છે.

 

 

(પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથનો શ્લોક )

“ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહં સૃષ્ટિવાન્હરિઃ |
વચસા વેદમાર્ગં હિ પુષ્ટિકાયેન નિશ્ચય: ||”

 

 

અર્થાત આ વચનાનુસાર પ્રભુએ પોતાની ઈચ્છામાત્રથી મનથી અને વચનથી વેદમાર્ગીય, કર્મમાર્ગીય અને મર્યાદામાર્ગીય પ્રવાહી સૃષ્ટિ સર્જી છે આ સૃષ્ટિને મોક્ષરૂપી સંસાર ફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે પોતાના શ્રીઅંગમાંથી પ્રભુએ જે સૃષ્ટિ પ્રકટ કરી તે પુષ્ટિસૃષ્ટિ કહેવાય છે જે ભગવદ્ સેવા, ભગવદ્ સ્મરણ કરવામાં જ આસક્ત થઇ રહે છે. આ પુષ્ટિસૃષ્ટિનું ફળ પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ છે. આ પુષ્ટિસૃષ્ટિ તે તન સ્વરૂપથી, ગુણથી તથા લિંગથી ભગવાનના જેવા સુંદર જણાય છે. જે આ પુષ્ટિ જીવોને રોગ, પીડા તથા ઉપદ્રવ વગેરે દુઃખ આપી શકતા નથી. આ પુષ્ટિ જીવ એક જ વાત જાણે છે કે, પ્રભુ કૃપા કરશે ત્યારે જ મારું કાર્ય સિદ્ધ થશે. કારણ કે, “ મારું સાધન અને તેનું ફળ તે માત્ર મારા પ્રભુ છે, પ્રભુને માટે છે અને પ્રભુ દ્વારા જ છે તેથી આજ વાતનાં અનુસંધાને અગિયારમાં શ્લોકમાં કહે છે કે,

 

 

પુષ્ટિપ્રભુત્વાદસ્માકં લૌકિક પારલૌકિકી ।
સર્વા ચિંતા હરેરેવ નિશ્ચિંતંત્વં વિભાવ્યતામ્ ।।૧૧।।

 

 

ઉપરોક્ત શ્લોકનાં સંદર્ભમાં શ્રી આચાર્યચરણ કહે છે કે આપણે પુષ્ટિજીવો હોવાને કારણે નિશ્ચિંત થઈને રહેવું કારણ કે પુષ્ટિ પ્રભુને પોતાને જ પોતાનાં જીવોના લૌકિક અલૌકિકની ચિંતા હોય છે તેથી જીવોના આ લોક અને પરલોક સંબંધી પ્રત્યેક કાર્ય માટે તેઓ સ્વયં જ કાર્યશીલ રહે છે, માટે પુષ્ટિજીવોએ પોતાની આ લોક અને પરલોકની ચિંતા ન કરતાં જે કાંઇ થશે તે પ્રભુની ઈચ્છાથી જ થશે તેવો દ્રઢ વિશ્વાસ રાખવો. આ વાતના તાત્પર્યને જોતાં એક પ્રસંગ જોઈએ. મહાભારતનાં યુધ્ધમાં અર્જુનને નચિંત બનીને સૂતેલો જોઈ યોગેશ્વર શ્રીકૃષ્ણએ તેને ઉઠાડયો અને પૂછ્યું આ યુધ્ધનાં સમયે પણ તું નચિંત બનીને શા માટે સૂઈ રહ્યો છે? ત્યારે અર્જુને જવાબ આપ્યો કે હે યોગેશ્વર મારી ચિંતા કરવાવાળા તો આપ છો માટે મારે ડરવું શા માટે? વળી યુધ્ધમાં જે કાંઇ થશે તે આપની ઇચ્છાથી જ થશે માટે હું પરિણામની કે ભવિષ્યની ચિંતા શા માટે કરું? આમ વૈષ્ણવોએ પણ પોતાના પ્રભુ પર પૂર્ણ રીતે વિશ્વાસ અને દ્રઢ શ્રધ્ધા રાખવી જોઈએ. આ જ વાતનાં સંદર્ભમાં શ્રી આચાર્યચરણ બારમા શ્લોકમાં કહે છે કે

 

 

અત એવોક્તમાચાર્યેનિજેચ્છાત: કરિષ્યતિ |
નોપેક્ષતે નિજીર્ભાતબંધુ: શ્રી ગોકુલેશ્વર: ||૧૨||

 

 

“નવરત્ન” ગ્રંથમાં શ્રીઆચાર્યચરણે કહ્યું છે કે, પ્રભુ પોતાની અને પોતાના નિજભક્તોની ઈચ્છા પ્રમાણે કરશે. એટલે કે, દીનબંધુ શ્રી ગોકુલેશ્વર પોતાના ભક્તની ઉપેક્ષા કરશે નહીં.

 

 

તેરમાં શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ સમજાવે છે કે

 

 

હરીઈચ્છા વિપરીતાડપિ દાસદુઃખાવલોક્નાત્ |
અનુકંપાનિધાનત્વાત્ હરેર્વિપરિવર્તતે ||૧૩||

 

 

અર્થાત, હરીચ્છા વિપરિત હોવા છતાં દાસનું દુઃખ જોઈ શ્રી પ્રભુ જીવો ઉપર અનુકંપા કરે છે અને જીવોને હરિકૃતિ વિપરિત લાગે છતાં તેમા પણ પ્રભુની અનુકંપા જ રહેલી છે. કારણ કે શ્રી પ્રભુ પોતે કૃપાનિધિ હોવાથી તેઓ પોતાનો સ્વભાવ છોડી શકતાં નથી. માટે,

 

 

આર્તિમાત્રમત: સ્થાપ્યં પ્રાર્થના ન વિધીયતામ્|
કૃપાલુરેવ ભવિતા નિજાર્તજનશમ્મર્દ:||૧૪||

 

 

અર્થાત, આવી માત્ર આર્તિ કરવી. પ્રાર્થના નહીં. પોતાના આર્તજનને સુખ દેનારા પ્રભુ કૃપાળુ જ બની જશે. આ પુષ્ટિમાર્ગમાં આર્તિ માત્ર કર્તવ્ય છે. એવી આર્તિની આતુરતા કરવી. લૌકિક, અલૌકિક કોઈ પણ ફળની પ્રાર્થના ન કરવી. કારણ કે શ્રી કૃષ્ણતો પરમ દયાળુ હોય નિજજનની આર્તિ જોઈ જરૂર કૃપા કરે જ છે.

 

 

પ્રભુથી હું જીવ કેટલા સમયથી વિખુટો પડેલ છું ! મને પ્રભુનું મિલન ક્યારે થશે ? એવો તિવ્ર વિપ્રયોગ–તાપ કલેશ યા આર્તિ આ પુષ્ટિમાર્ગમાં મુખ્ય છે. પરંતુ એ આર્તિ ક્યા પ્રકારે થાય તે હવે પછીના શ્લોકથી નિરૂપિત થાય છે.

 

 

આત્યૈર્વ ક્રિયતે યત્તુ સેવાગુણકથાદિકમ્|
તદેવાસ્મત્પ્રભુક્તેડસ્મિન્માર્ગે પ્રવિશતિ ધ્રુવમ્||૧૫||

 

 

અર્થાત્ જેઓ પ્રભુ સેવા તથા પ્રભુ ગુણકથા આર્તિ સહિત કરે છે તેઓ જ શ્રી પ્રભુએ સ્થાપન કરેલા પુષ્ટિમાર્ગમાં નિશ્ચયપણે પ્રવેશ કરે છે.

 

 

અન્યથા ક્રિયમાણં તુ કૃષ્ણસાયુજ્ય સાધકમ્|
ન મુખ્યફલસંબંધ: તતો ભવતિ નિશ્ચિતમ્||૧૬||

 

 

અર્થાત, જો બીજી રીતે એટલે કે, પુષ્ટિમાર્ગ ક્રિયાનો ભાવ ન સમજી આર્તિ વિના કેવળ સાધન જાણી સેવા કરે, તો તેવા જીવોને શ્રી કૃષ્ણની લયરૂપ અને સાયુજ્યરૂપ એવી મુક્તિફળની પ્રાપ્તિ થાય છે અર્થાત મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ પુષ્ટિમાર્ગના મુખ્ય ફળરૂપ એવી ભક્તિની પ્રાપ્તિ થતી નથી.

 

 

માટે, જીવોએ આર્તિ સહિત ભગવદ્ સેવા કરવી. આર્તિ સહિત વચનથી શ્રીજી ગુણગાન કરવા. સંયોગ દરમ્યાન (પ્રભુ સાથે મિલનમાં )સંયોગના પદ-કીર્તન કરવા તથા અનોસરમાં (પ્રભુથી છૂટા પડીને) વિપ્રયોગના પદનું ગાન કરવું અને આર્તિ સહિત શ્રી કૃષ્ણલીલાનું સ્મરણ કરવું. આ પ્રકારે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પોતાનાં મનની સ્થિતિ કરે, ત્યારે જ તેને પુષ્ટિમાર્ગીય ફળ અર્થાત ભક્તિની પ્રાપ્તિ થાય છે. પરંતુ જો પુષ્ટિમાર્ગીય ક્રિયાનો ભાવ ન સમજી કેવળ સાધન જાણી સેવા કરે તો શ્રીકૃષ્ણની સાયુજ્ય રૂપ મુક્તિ (મોક્ષ) ફળ પ્રાપ્ત થાય છે.

 

 

તદાર્તિપ્રાપ્તિરેતેષાં તદ્વપાચાર્યસેવના ત્ |
તત્કૃપાતસ્તદુદિતં વચોવૃન્દવિચારણાત્ ||૧૭||

 

 

અર્થાત, આવી આર્તિની પ્રાપ્તિ વિપ્રયોગ અગ્નિ રૂપ શ્રી આચાર્યચરણના સેવનથી થાય છે, એટલે કે શ્રી મહાપ્રભુજીના વચનામૃતનાં સમૂહના વિચારથી થાય છે.

 

 

નિવેદનાનુસન્ધાનત્ સદા સત્સંગસમ્ભવાત્ |
અન્યથા ન ભવદેવં સ્વકૃતાનન્ત સાધનૈ: ||૧૮||

 

 

અર્થાત, તેવી આર્તિ નિવેદનના અનુસંધાનથી કે સદા સત્સંગથી થાય છે. બીજી કોઈ રીતે થાય નહિ. ભલે પછી તે માટે અનેક સાધનો કરવામાં આવે.

 

 

વિપ્રયોગાત્મક આ પુષ્ટિમાર્ગીય આર્તિની પ્રાપ્તિ માટે વિપ્રયોગ અગ્નિરૂપ શ્રીવલ્લભાચાર્યજીના ચરણકમળની અત્યંત પ્રિતિથી સેવા કરવી. અન્યથા અનેકાનેક સાધના કરો તો પણ આર્તિ સિદ્ધ થતી નથી અને આ વિપ્રયોગ, આર્તિ – તાપ કલેશના ભાવ વગર કોઈ ફળ સિદ્ધ નથી.

 

 

યે ભાવં વર્દ્વયંત્યવે દ્રઢં વચનવર્ષણૈ: |
સંગોડપિ તેષાં કર્તવ્યોનાન્યેષામતિ નિશ્ચય: ||૧૯||

 

 

અર્થાત, વૈષ્ણવોએ એવા ભગવદીયોનો સંગ કરવો જે પોતાના વચનામૃત દ્વારા ભગવદ્ ભાવની વૃદ્ધિ કરે છે જે લોકો માત્ર લૌકિકમાં રૂચિ વધારે તેવા લોકોનો સંગ કરવો નહિ.

 

 

વીસમાં શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે

 

 

તદદુર્લ્લભત્વે બાધિર્યં વા વરં મતમ્ |
વાચ: પ્રભુણાં વદને દુર્ભનાનાં ભવંતિ ન ||૨૦||

 

 

અર્થાત, જો એવા ભગવદીયો મળવા દુર્લભ હોય તો બહેરાપણું કે મૂંગાપણું ઉત્તમ છે. કારણ કે, દુર્જનના મુખમાં પ્રભુનાં ગુણગાન વાણી સંભવતી જ નથી. આજ વિચારને વધારે દ્રઢપણે નિરૂપતા કહેવાય છે કે,

 

 

મ્લેચ્છાનામિવ ગાયત્રી તત: શ્રવણત: કિમુ |
તત્સધર્માસ્તત્રવર્ણા અનુભાવ તિરોહિતા: ||૨૧||

 

 

અર્થાત, જેમ મલેચ્છના (અહીં મલેચ્છનો અર્થ શ્રધ્ધા વગરની વ્યક્તિ તરીકે કરવો) મુખમાં ગાયત્રી હોય તો તે સાંભળવાથી કઈ ફળ પ્રાપ્ત થતું નથી. કારણ કે, એ મલેચ્છ મુખમાંથી નીકળતી ગાયત્રી અક્ષરો અનુભાવ રહિત અને દૈવી પ્રભાવ રહિત રહે છે. જેવો વર્ણ તેવો ધર્મ હોઈ તેમા અનુભવનો પ્રભાવ હોતો નથી.

 

 

અત: ફલં ન શ્રવણાત્ દોષ: પ્રત્યુત જાયતે |
સાવધાનતમૈ: સ્થેયમીદ્રક્શ્રવણકીર્તનાત્ ||૨૨||

 

 

અર્થાત, આજ પ્રમાણે જો અવૈષ્ણવ પાસેથી કથા, વાર્તા સાંભળવામાં આવે તો કશું જ ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ દોષ લાગે છે, માટે અવૈષ્ણવના મુખથી કથા, વાર્તા, કિર્તન સાંભળવા નહી. આથી શ્રી હરિરાયજીચરણ આજ્ઞા કરતાં કહે છે કે………….

 

 

“ હૈ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો ! તે વિષયે તમે સાવધાન રહેજો ! જે કોઈ પુષ્ટિમાર્ગમાં સ્થિતિ કરતો હોય, તથા પુષ્ટિમાર્ગને અનુસરી સર્વે ક્રિયા કરતો હોય, તથા પુષ્ટિમાર્ગને અનુસરી સર્વે ક્રિયા કરતો હોય, એવા સુંદર પાત્રના મુખથી શ્રવણ તથા કીર્તન કરજો, ત્યારે જ તમારો ભક્તિમાર્ગમાં પ્રવેશ થશે.”

 

 

નિરપેક્ષા: કૃષ્ણજના નિજાચાર્યપદાશ્વિતા: |
શ્રીભાગવતત્વજ્ઞા દુર્લભા એવ ભૂતલે||૨૩||

 

 

અર્થાત, નિરપેક્ષ શ્રીઆચાર્યજીનાચરણ કમળનો આશ્રય કરનારા શ્રી કૃષ્ણના ભક્તો ભૂતળ ઉપર દુર્લભ છે. તેથી, ચોવીસમાં શ્લોકમાં કહે છે કે……

 

 

અત:શરણમાત્રં હિ કર્તવ્યખિલં તત: |
યદુકતં તાતચરણરિતિ વાકયાદ્ ભવિષ્યતિ||૨૪||

 

 

અર્થાત, શરણમાત્ર જ કર્તવ્ય છે. શ્રી ગુંસાઈજી પ્રભુચરણે વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે, “તાત ચરણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે તે પ્રમાણે માત્ર શ્રી કૃષ્ણ જ મારું આશ્રય સ્થાન છે તેથી માત્ર અને માત્ર શ્રીકૃષ્ણનાં શરણમાં જ અમને નિશ્ચિંતતા છે.”

 

 

અને પચ્ચીસમાં અંતિમ શ્લોકમાં કહે છે કે

 

 

તથા વિધાયં કૃપયા યથા ગોવર્ધનેશ્વર: |
દર્શયત્યચિરાદેવ નિજં રૂપં તદાશ્રિત: ||૨૫||

 

 

અર્થાત, એમના આશ્રિત ભક્તોએ તેવું કાર્ય કરવું કે જેથી શ્રી ગોવર્ધનનાથજી નિજાશ્રિતજનો પર કૃપા કરી શીધ્ર નિજ સ્વરૂપનું દર્શન આપે. કારણ કે પુષ્ટિ જીવોની ઉપર જ્યારે આપશ્રી શ્રી ગોવર્ધન નાથજી કૃપા કરે ત્યારે જ સર્વ કાર્યની સિધ્ધિ થાય છે. વળી આપણાં પુષ્ટિમાર્ગ સાધન સાધ્ય નથી પણ કૃપા સાધ્ય છે. આથી શ્રી હરિરાયજી ચરણ કહે છે કે જે રીતે શ્રી ગોવર્ધન ગિરિરાજજીનાં સંબંધથી પુલિન્દીજીઑ પર પ્રભુએ કૃપા કરી હતી તે જ રીતે શ્રી આચાર્યજીના સંબંધથી પુષ્ટિ જીવો પર પણ શ્રીજી કૃપા કરે ત્યારે જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે.

 

 

આમ આ શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે પુષ્ટિજીવોએ શ્રી હરિની ઈચ્છા સ્વીકારવી. પોતાનાં દુઃખ નિવૃત્તિ માટે શ્રી પ્રભુને પ્રાર્થના નહી કરવી. પ્રભુ પ્રત્યે, ગુરુચરણો પ્રત્યે વિરહતાપ કરવો અને આર્તિપૂર્વક સેવા, સ્મરણ કરવા તેમજ દુ:સંગથી દૂર રહેવું. ભગવદ્ ભાવ વધારે તેવા ભગવદીયોના સંગથી શ્રી ઠાકોરજીમાં દ્રઢ અને અનન્ય આશ્રય રાખી શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ અને વચનામૃતનું નિત નિત સેવન, શ્રવણ અને મનન કરવું.

 

 

આમ વરણ વિચાર અને ભગવદ્ ભાવની વૃદ્ધિના પ્રકારોનું નિરૂપણ કરાતું આ શિક્ષાપત્ર પૂર્ણ કરી વૈષ્ણવ વૃંદને આ વિષયની જાણકારી માટે શિક્ષાપત્ર ગ્રંથનું વાંચન માટે વિનંતી કરાય છે.

 

 

શેષ શ્રીજી કૃપા

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.

બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]

[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

 

(૩૨) મદનમોહન પિય-
કલેઉનું પદ
રાગભૈરવ
કવિ-વ્રજપતિ

 

 bal krishna.3

 

 

મદનમોહન પિય કિજીયે કલેઉ ।
દૂધમેં રોટી સાનિ માખન મિશ્રી આનિ,
જોઈ જોઈ ભાવૈ લાલ સોઈ સોઈ લેહુ ।।૧।।

 

 

ખીર ખાંડધૃત મીઠાઇ મેવા,
આપ ખાઉ અરુ ગ્વાલન કોં દેહુ ।
“વ્રજપતિ” પિય ખેલનકોં જાઉ,
બલ, સુબલ, સુદામા સંગ કરિ લેહુ ।।૨।।

 

 

શ્રીને સન્મુખ નિહાળવાની ભાવનાથી આ પદ આલેખાયું છે, સાથે સાથે આ પદમાં કવિ શ્રી વ્રજપતિનાં હૃદયમાં માતા યશોદાનો વાત્સલ્યભાવ પ્રગટ થયો છે તે પણ જણાઈ આવે છે.

 

 

શ્રી યશોદાજી કહે છે કે હે વ્હાલા મદન મોહન હવે આપ કલેઉ કરો, હે લાલ એમાંથી આપને જે ભાવે છે તે ખીર, ખાંડ, મીઠાઇ, ઘી, મેવા આપ કંઇપણ આરોગો, વળી હું આપને માટે હું દૂધની રોટી પણ સાજીને લાવી છું. હે લાલ આ સમગ્ર તાજી સિધ્ધ કરેલી સામગ્રીઓમાંથી આપને જે રૂચે તે આપ અત્યંત આનંદપૂર્વક આરોગો અને સાથે સાથે આપની સંગે રહેલા આપના સખા ગ્વાલાઑને પણ આપો. “વ્રજપતિ” (રૂપી માતા યશોદા) કહે છે કે હે પ્રિય લાલ આપ ખેલવા જાઓ ત્યારે આપ દાઉજી, બલ, સુબલ, સુદામા, દામા વગેરે સખાઓને પણ સાથે લઈ જજો ( શ્રી યશોદાજીને લાગે છે કે બાલસખાઓ સર્વે સાથે મળીને મારા લાલાની સુધ લેશે તેથી તેઓ આમ કહી રહ્યાં છે).

 

 

આ પદમાં રહેલ અમુક વ્રજભાષાનાં શબ્દોનો અર્થ જાણી લઈએ.

 

 

સાનિ- તાજી સામગ્રીની તૈયારી કરી
ધૃત-ઘી
અરુ-અને
દેહુ- આપવું
લેહુ- લેશો
આનિ-અને

 

 

 

પુષ્ટિદર્શન રસસાગરને આધારિત…

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …