આપ્તજનના મૃત્યુના આઘાતથી બેહોશ થઈ જતાં સ્વજનનું શું કરવું? (મનોવૃત્તિ) …

આપ્તજનના મૃત્યુના આઘાતથી બેહોશ થઈ જતાં સ્વજનનું શું કરવું? (મનોવૃત્તિ) …
મનોવૃત્તિ – ડૉ. નમિતા ગાંજાવાલા ..

 

 

death

 

 

સોસાયટીમાં શોકની કાલિમા છવાયેલી છે. એક યુવાન છોકરો કાર એક્સિડન્ટમાં જખ્મી થઈને ગુજરી ગયો છે. આઘાતમાં દિગ્મૂઢ થઈ ગયેલી એની માતા હેબતાઈને બેભાન થઈ ગઈ છે અને પરિવારજનો દીકરાના શબને અગ્નિદાહની તૈયારી કરવી કે બેહોશ માતાને હોસ્પિટલમાં શિફ્ટ કરવી તેની મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આવા પ્રસંગો રોજબરોજ બને છે. અણકલ્પ્યું અવસાન ગમે ત્યાં, ગમે ત્યારે થાય છે. (યુઝવલી મહિલા) એની તીવ્ર પ્રતિક્રિયા દર્શાવે છે.

 

 

આ ફિનોમિનનને વૈજ્ઞાનિક રીતે સમજવો જરૃરી છે. આપ્તજનના આકસ્મિક મૃત્યુથી જેને તીવ્ર રિએક્શન આવે છે તેને ‘એક્યુટ સ્ટ્રેસ રિએક્શન’ આવું કહેવાય છે. બીજા શબ્દોમાં આ સ્થિતિ ‘એક્યુટ સિચ્યુએશન એન્ક્ઝાઈટી કન્વર્ઝન રિએક્શન, હિસ્ટિરિકલ રિએક્શન વગેરે નામે ઓળખાય છે. તેમાં આઘાત પામેલી વ્યક્તિ કાં તો બેહોશ થઈ જાય છે અથવા તો કન્ફયુઝનની અવસ્થામાં સરી પડે છે. કોઈક છોકરીના જોરશોરથી શ્વાસ ચાલવા માંડે છે જેને હિસ્ટિરિકલ હાઈપરવેન્ટિલેશન કહેવાય છે. કોઈ લવારે ચડી જાય છે જેને બ્રીફ રિએક્ટિવ સાઈકોસીસ તરીકે ઓળખવામાં આવે છે. કોઈકને લકવા જેવી અસર જણાય છે તો કોઈ જોરજોરથી રડયા જ કરે છે અને શાંત પડવાનું નામ નથી લેતી.

 

 

સ્ટ્રેસ રિએક્શનમાં આ સિવાય પણ ઘણું ઘણું બની શકે છે. જેમ કે, ભૂલી જવું, વિસ્ફારિત થઈને તાક્યા કરવું, શૂન્યમનસ્ક થઈને બેસી જવું, આત્મહત્યાની કોશિશ કરવી, ગુજરી જનારના મોતનો અસ્વીકાર કરવો અને તે હજુય હયાત છે એવી વાતો કરવી, તેની તસ્વીર કે ચીજને પકડીને ફર્યા કરવું, કોમામાં ચાલ્યા જવું, ખેંચ આવવી, શરીરે ઝણઝણાટી, દુખાવો વગેરે થવું, ઊલટીઓ થવી, હાથ-પગમાં ધ્રુજારી આવવી, હાથપગ ખોટા પડી જવા, દેખાતું-બોલાતું, સંભળાતું-ખોરાક ગળાતું કે જોવાતું બંધ થઈ જવું, શ્વસન અનિયમિત થઈ જવું, ચક્કર આવવા, કામધંધો કર્યા વગર શૂન્યમનસ્ક થઈને પડી રહેવું વગેરે વગેરે ઉપર મુજબની કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે સૌ પ્રથમ મુશ્કેલી સ્વજનોને એ થાય છે કે તેઓ હવે કોને મેનેજ કરે! એક તરફ શબનો ક્રિયાકાંડ બાકી હોય છે, બીજી તરફ કોઈ અન્ય સ્વજન આઘાતમાં બીમાર પડી જાય છે. આ વખતે આપ્તજનોએ બહુ ધીરજથી કામ લેવું પડે છે. સામાન્યતઃ જે વ્યક્તિ (સામાન્યત સ્ત્રી) આવા, એક્યુટ સ્ટ્રેસ રિએક્શનનો ભોગ બની હોય તે પહેલેથી જ સંવેદનશીલ ઓવર સેન્ટિમેન્ટલ યા અતિલાગણીશીલ હોય છે. સ્વભાવથી જ તે ફ્રેજાઈલ યા અતિલાગણીશીલ હોય છે. તાણ, વિરોધો યા આકસ્મિક સંજોગોને પચાવવાની તેની કેપેસિટી આમ પણ ઓછી હોય છે. જીવનમાં અન્ય નાનીમોટી તકલીફોવાળા પ્રસંગો વખતે તેને વારંવાર ઉબકા – હેડકી – અપચો – ગભરામણ જેવાં લક્ષણો આવતાં જ રહેતાં હોય છે અને દર્દીના એ સ્વભાવથી બધા માહિતગાર પણ હોય જ છે પણ ખરો પ્રશ્ન એવી વ્યક્તિના સંદર્ભમાં ઊભો થાય છે જેનો સ્વભાવ બરકટ, ધૈર્યવાન, મજબૂત અને સ્વાવલંબી હોય. જી, હા આવી વ્યક્તિ પણ ક્યારેક નિકટતમ સ્વજનના આકસ્મિક મૃત્યુ બાદ અચાનક અનપેક્ષિત રીતે ભાંગી પડે છે. તે વખતે બાકીનાં સ્વજનો વધારે ગભરાઈ જાય છે.

 

 

જનકભાઈનું ૨૮ વર્ષની નાની ઉંમરે અચાનક દમને લીધે મૃત્યુ થયું. તો આઘાતમાં તેમની પત્ની શ્રેયાને તે જ સમયે દમ જેવી શ્વસનની અકળામણ થવા લાગી. વાસ્તવમાં મનોવ્યથામાં ડૂબેલી શ્રેયાના અજાગ્રત મનમાં પતિનો ભોગ લેનાર દમના રોગનો ભય સવાર હતો જે શ્રેયાને સાચુકલો દમરોગ નહીં બલકે તેનો આભાસ કરાવી રહ્યો હતો. તરલિકાબહેન પિસ્તાળીસની વયનાં હતાં. તેમના પતિ જ્યારે અકસ્માતમાં ગુજરી ગયા ત્યારે બધા હોસ્પિટલના પ્રાંગણમાં ખિન્ન વદને શબને લઈ જવાની ચિંતામાં હતા. પણ તરલિકાબહેને અચાનક તોફાન અને ધમાલ ચાલુ કરી દીધાં. તેઓ બેફામ લવારા કરતાં હતાં અને પોતાના પતિને ઉદ્દેશીને કહેતાં હતાં, તમે ચાલો ઘરે. ખાઈને આપણે દર્શને જવાનું છે. તરલિકાબહેનના આ ડિનાયલ ઓફ ડેથનો તબક્કો ઘણા કિસ્સામાં જોવા મળે છે. વ્યક્તિ પાગલ બની જાય છે. તો જ તેનાથી આ આઘાત જીરવી શકાય છે.

 

 

ઘણા એવું માને છે કે જો મરનારની પાછળ તેનું નિકટતમ સ્વજન રડે નહીં તો તે પાગલ થઈ જાય છે. આ વાત અર્ધસત્ય છે. રડવાથી લાગણીઓ મુક્ત થઈને આંસુમાં વહી જાય છે. દિલનો ડૂમો રડવાથી હળવો થાય છે. સાચી વાત છે પણ અઢળક રડયા બાદ પણ ઘણાંનું પાગલપણું યથાવત્ રહે છે તેય એટલું જ સાચું છે વળી ઘણા રડતાં નથી ને તોય સ્વસ્થ રહી શકે છે. રડવાને કેથાર્સીસ એટલે કે વિરેચન કહેવાય છે. કેથાર્સીસ અને એબરિએક્શન એ સાઇકોલોજીના જાણીતા થીમ છે. રડી નાખવાથી દિલનો ભાર હળવો થાય છે તે બધા જાણે છે પણ એ જો કુદરતી રડવું હોય તો જ. કોઈને પ્રયત્નપૂર્વક રડાવવાથી તે માણસ હળવો થતો નથી. કોઈને પ્રયત્નપૂર્વક રડાવવાથી તે માણસ હળવો થતો નથી. ન રડતાને રડાવવાની હાયવોયમાં ઘણાં અણસમજુ સગાંઓ આઘાત પામેલા અંતેવાસીના મગજ પર વધારે ખરાબ અસરો પહોંચાડી દે છે. કોઈએ કોઈને કદીય રડાવવાનો બળપૂર્વક પ્રયત્ન ન કરવો જોઈએ.

 

 

લાગણીશીલ વ્યક્તિને ડેથ અંગે ઈન્ફોર્મ કરવું કે નહીં તેય એક પેચીદો પ્રશ્ન છે. ધારો કે લગ્નના એક જ વર્ષમાં પ્રેમાળ પતિનું અકાળે મૃત્યુ થાય છે. તેની પત્નીને એમ જ છે કે તેનો પતિ હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં હજુ સિરિયસ છે. તેવે વખતે સ્વજનોમાં મતભેદ ઊભા થાય છે. ઘણાં કહે છે કે સ્વજનોમાં મતભેદ ઊભા થયા છે. ઘણાં કહે છે કે પત્નીને તત્કાળ ઈન્ફોર્મ કરી દો, તો કેટલાક કહે છે કે આ કામ તાત્કાલિક ન કરો. એની વાઇફ આ શોક જીરવી નહીં શકે. આવા વખતે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા જરૃરી છે. એક તો મરનારનાં પત્નીને વહેલી મોડી આ વાતની ખબર પડવાની જ છે. ત્યારે પણ તેને આ જ અને આટલો જ આઘાત લાગવાનો છે જેટલો તેને હમણાં કહેવાથી લાગશે. વધારામાં એને એ વાતનું દુઃખ થશે કે મને આ વાત ત્યારે ને ત્યારે જ જણાવી કેમ નહીં, આમ આઘાત ઉપર અવિશ્વાસને લીધે તેને પડયા પર પાટું જેવો અનુભવ થશે આથી ગમે તેટલી સેન્સિટિવ ખબર કેમ ન હોય મરનારના સ્વજનને આ વાત તત્કાળ જણાવી દેવી જરૃરી છે.

 

 

આઘાતમાં, દિગ્મૂઢ, સ્તબ્ધ, હતાશ, સ્યૂસાઇડલ, ડિપ્રેસ્ડ કે હિસ્ટિરિકલ થઈ ગયેલ વ્યક્તિ માટે આટલું કરવું જરૃરી છે.

 

 

 

(૧) જો તેના સાનભાન સલામત હોય તો તેની ઇચ્છા પ્રમાણે તેને ગમે ત્યાં રહેવાની છૂટ આપો. ડેડબોડીને હજુ સ્મશાન કે ફ્યુનરલ માટે લઈ જવાનું બાકી હોય અને વચ્ચેનો સમયગાળો પસાર થઈ રહ્યો હોય ત્યારે મેન્ટલી અપસેટ વ્યક્તિને તેની ઇચ્છા પ્રમાણે મૃતદેહની બાજુમાં કે અલગ રાખો.

 

 

(૨) જો એ વ્યક્તિ નક્કી ન કરી શકતી હોય તો એને બાજુના ઓરડામાં રાખો, કેમ કે સતત શબને જોયા કરવાથી એની મનોસ્થિતિ વધારે કથળી જઈ શકે છે.

 

 

(૩) જો એ વ્યક્તિ મૃતદેહની પાસે જ બેસવાની જીદ કરે તો એટલી કાળજી રાખો કે મૃતદેહની નજીક આવીને કોઈ વધારે મોટી રોકકળ ન મચાવે. મૃતદેહની નજીક જો મોટી ચીસાચીસ, હાયવોય કે છાજિયા લેવાય તો દર્દીને વધુ આઘાત પહોંચે છે.

 

 

(૪) સ્તબ્ધ દર્દીની પાસે તેના એવાં સ્વજનો કે મિત્રોને રહેવા દો જેની સામે દર્દી મોકળેમને વાત કે લાગણીઓ વ્યક્ત કરી શકે. દર્દીને રડાવવાની આ એક ઈનડાયરેક્ટ ટેકનિક છે. દર્દીને રડવાનું કહેવાને બદલે તેની સાથે મૃત વ્યક્તિ કેટલી સારી હતી એવા પ્રકારની વાત કરો તો હૈયું ભરાઈ આવતાં દર્દીને કદાચ કુદરતી રુદનની લાગણી થઈ આવશે.

 

 

(૫) દર્દી પાસે બેસો ત્યારે તમે પોતે વધુ પડતા ભારે, સિરિયસ અને દિગ્મૂઢ ન બની જાવ. તેનાથી ઊલટો દર્દીનો આત્મવિશ્વાસ પડી ભાંગશે. દર્દીને લાચારી લાગતી હોય છે. તેનો આધાર બાકી બચેલાં સ્વજનો પર હોય છે. હવે એ સ્વજનો જ જો ઢીલાંઢસ દેખાય તો દર્દીનો કોન્ફિડન્સ વધુ ડગી જશે. આથી દર્દીને હિંમત આપવાની સાચી રીત એ છે કે તમે પોતે હિંમત રાખી એને એવું દેખાવા દો કે તમે પડી નથી ભાંગ્યા.

 

 

(૬) એ જ રીતે દર્દીની પાસે બેઠેલાઓએ વધુ પડતી હળવાશ પણ ન દાખવવી. એનાથી દર્દીનું રિસેન્ટમેન્ટ વધી જાય છે. તેને લાગે છે કે દુનિયા આખી મઝામાં છે અને પોતે એકાકી છે.

 

 

(૭) કેટલાક લોકોને દર્દી પ્રત્યે સહાનુભૂતિ દેખાડવાની ટેવ હોય છે. તેને બિચારી કહીને સહાનુભૂતિ પ્રર્દિશત કરતાં પહેલાં યાદ રાખજો કે આવા શબ્દો ઘણાને નથી ગમતા. દર્દીને સિમ્પથીને બદલે એમ્પથીની જરૃર વિશેષ હોય છે અર્થાત્ કોઈ તેને સમજે અને સ્વીકારે.

 

 

(૮) જો કોઈ આઘાત પામેલ વ્યક્તિ તોફાન કરે, રાડો પાડે, ઉશ્કેરાટ દર્શાવે તો તત્કાળ મનોચિકિત્સકને બોલાવી લો. એનો ઈલાજ કરવો પડે. જરૃર હોય તો ઉશ્કેરાટનું શમન કરતાં ઈંજેક્શન પણ આપવાં પડે. આવી સાઇકોટિક અવસ્થામાં ધીરજ, સમજાવટ કે અનુકંપા કામ નથી લાગતા.

 

 

(૯) પાગલ ન હોય એવી વ્યક્તિઓને આઘાતની અવસ્થામાંય ઇચ્છો તો બેસણા કે બારમા તેરમાની વિધિ દરમિયાન હાજર રાખી શકાય છે. પણ તે વખતે કોઈ ચાપલૂસિયાં સગાંવહાલાંઓ દર્દી પાસે આવીને તેને ન ગમતી વાતો ન કરી જાય તેની કાળજી રાખવી જોઈએ

 

 

(૧૦) ઘરમાંથી મૃત વ્યક્તિના ફોટા, બૂટ-ચંપલ કપડાં, રમકડાં, પુસ્તકો કેસેટ્સ, ઘડિયાળ વગેરે પર્સનલ બિલોન્ગિન્ગસ ખસેડવા કે નહીં તેય પેચીદો પ્રશ્ન છે, કેમ કે એ ચીજવસ્તુઓની હાજરી અને ગેરહાજરી બંને દર્દીને કહી શકે છે. એમાં દર્દીની જ લાગણી પહેલાં જાણી લો. મૃત માણસની સ્મૃતિ તેની ચીજવસ્તુઓથી પ્રદીપ્ત થઈ ઊઠે છે. જો એ સ્મૃતિ પોતે વ્યક્તિના ડિસકમ્ફર્ટનું કારણ હોય તો તેને દર્દીની અનુમતી બાદ ટેમ્પરરિલી ખસેડી લેવી જોઈએ.

 

 

(૧૧) ઘણા દર્દીઓ સ્વજનના મૃત્યુ બાદ પડેલા વેક્યુમમાંથી બહાર આવી જ નથી શકતા. તેઓને લાંબાગાળાની મનોચિકિત્સા તથા સાઇકોથેરાપી માટે મોકલવા જોઈએ

 

 

(૧૨) ઘરમાં કોઈકના મૃત્યુ બાદ ફરીથી ટીવી ક્યારે શરૃ થઈ શકે તેય મુશ્કેલ બાબત છે. એક તરફ વેદનાગ્રસ્ત સમયમાં મનોરંજનથી આપણને અપમાન, હર્ટ તથા અપરાધભાવની લાગણી થાય છે તો બીજી તરફ મનોરંજન આપણને ડાયવર્ટ કરી શકે છે. સતત મૃત વ્યક્તિના ચિંતનમાં રહેવાથી આપણા બહારના સમાજ સાથેનાં બંધનો ઢીલાં પડી જાય છે. મનોરંજન આપણને પુનઃ સમાજજીવનમાં થાળે પાડી દેવાનું નોર્મલ કાર્ય કરે છે. મારું સૂચન એ છે કે મૃત્યુ બાદ પંદરેક દિવસ પછી ટેલિવિઝન પર સમાચાર, ધર્મવાણી, શાસ્ત્રીય સંગીત જેવા કાર્યક્રમો જોવાના શરૃ કરી શકાય જે કોઈની અંગત ભાવનાને ઠેસ ન પહોંચાડે કાર્ટૂન, ડાન્સ, ફિલ્મીગીતો કે હાસ્ય રમૂજના કાર્યક્રમો શરૃ કરવા માટે વધુ એકાદ – બે મહિના રાહ જોવી જેથી દર્દીનું મન જગતમાં આનંદપ્રમોદો ન સ્વીકારવા તૈયાર થઈ ચૂક્યું હોય.

 

 

(૧૩) દિગ્મૂઢ સ્વજનને પ્રિયજનના મૃત્યુ પછીના થોડા જ કલાકમાં શું કહેવું? આ મૂંઝવણ ઘણાંને હોય છે, ધારો કે એક અઢાર વર્ષના તરુણનું મૃત્યુ થાય ત્યારે તેના પિતા જો આઘાતમાં શૂન્યમનસ્ક બની ગયા હોય તો તેમની પાસે જતી વખતે કયા શબ્દો ઉચ્ચારવા જેથી આપણી સંવેદના તેમની સાથે છે એવું બતાવી શકાય. અઘરો પ્રશ્ન છે. હકીકતમાં એવાં કોઈ શબ્દો કે વાક્યો વિશ્વમાં છે જ નહીં જે આ બાપને સ્વસ્થ બનાવી શકે. શબ્દો કરતાં ‘સ્પર્શ’ વધુ સારું કામ આપે છે. તમે જો આવા બાપ પાસે જાવ તો કંઈ ન બોલો, ચૂપકીદી જાળવો. એ લાચાર પિતાની લાચારીનો પણ આદર કરો. કેવળ તેના ખભે હાથ મૂકીને હળવેથી તેનો ખભો દબાવો. તમે છો એવો કેવળ અણસાર આપો. બાકીની વાત તમારું મૌન જ કહેશે. તે સમજી જશે કે તમે શું કહેવા માંગતા હતા. તમારી આંખના ભીંજાયેલા ખૂણા એને અચૂક દેખાશે અને એ જ એને માટે પૂરતું છે.

 

 

(૧૪) યાદ રાખો- આઘાતમાં સ્તબ્ધ માણસને તે સ્તબ્ધ થયો છે એ બહુ ખરાબ બાબત છે એવો મેસેજ ન અપાય. દીકરો ગુજરી ગયો આથી તેને માટે આભ તૂટી પડયું હશે એવો સંદેશો પણ અપૂરતો છે. તમે પણ એના જેટલા જ દુઃખી છો એ વાત તેને સાંત્વના આપશે.

 

 

(૧૫) જેને આઘાતમાં હિસ્ટીરિયા થઈ જાય છે તે ખાશે પીશે નહીં, બોલશે નહીં અને જીવનનાં નોર્મલ કામોમાં પરોવાશે નહીં તો કંઈ વાંધો નહીં. એ માટે એને ફોર્સ ન કરો. રાહ જુઓ, બે દિવસ એ નહીં ખાય તો દુનિયા ઊંધી નથી વળી જવાની.

 

 

(૧૬) આઘાત પામેલી વ્યક્તિનાં લક્ષણો ઉપર વધુ પડતું ધ્યાન પણ ન આપો.

 

 

(૧૭) આઘાતથી દિગ્મૂઢ બાળકને હેન્ડલ કરવું વધુ ડિફિકલ્ટ છે, કેમ કે બાળકના મનને કળવું અઘરું હોય છે. બાળક પર બળ ન વાપરો તે જે ઇચ્છે તે કરી લેવા તેનું ધ્યાન બીજે વળે એવી કોશિશ કરો, તેના ગમતા બાળકોના સંપર્કમાં તેને આવવા દો, તેના પ્રશ્નોના સાચા ઉત્તરો આપો. ભગવાન પપ્પાને પાછા મોકલશે એવાં ખોટાં આશ્વાસનો ન આપો. મૃત્યુ એ પરમેનન્ટ અવસ્થા છે એવું બાળકને સમજવા તથા સ્વીકારવામાં મદદ કરો.

 

 

 

સૌજન્ય : સંદેશ દૈનિક …

 

 

સાભાર : પૂર્વી મોદી – મલકાણ (યુ.એસ.એ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.