(૧) જેને વીતી હોય તે જાણે … (પ્રેરકકથાઓ) …

(૧) પરિતોષ અને પ્રતિષ્ઠા … (પ્રેરકકથાઓ) …

 

 

 

einstein scientist

 

 

‘બીજી વસ્તુ ખરીદી, એટલે પગમાં બીજો પથરો બાંધ્યો. નવી માલિકી, અને નવી ગુલામી. હાથમાં માલ લેવો, એટલે દિલને બેડીઓ પહેરાવી.’

 

 

અપરિગ્રહ નો  એ પ્રાચીન મંત્ર હતો. પણ એ જૂના ઉપદેશમાં હવે નવો રણકો વાગે છે. કારણ કે એ ઉપદેશ આપનાર એક આધુનિક વિજ્ઞાની હતા. ઉપર ટાંકેલા શબ્દો આજના યુગમાં વિજ્ઞાનીઓના શિરોમણી એવા આલ્બર્ટ આઇન્સ્ટાઇનના હતા.

 

 

લોકો એમને કોઈ ભેટ આપવા જાય, કોઈ સારા પ્રસંગે પ્રેમાદર બતાવવા કંઈક મોકલે કે એમના હાથમાં કોઈ વસ્તુ મૂકે, ત્યારે તે કંઈક મજાકમાં ને કંઈક ઠપકામાં ફરિયાદ કરતા : ‘મને આ શું આપો છો ? મારા હાથમાં આ કેવી બેડીઓ નાખો છો ? મારે આ બધી વસ્તુઓની ક્યા જરૂર છે ? અને જરૂર નથી, પછી એના મોહમાં શા માટે ફસાઉં ?’

 

 

અને જેવું કહેતા, તેવું કરતા. સાદું તપસ્વીને શોભે એવું જીવન. ઘેર મોંઘુ રાચરચીલું નહીં. ભીંત પર કોઈ ચિત્રની શોભા નહીં. રોજ જેમતેમ દાઢી બનાવે-સામાન્ય સાબુ ને બ્લેડ વાપરીને. વાળ કપાવવા તો કોઈ દિવસ ન જાય – વર્ષમાં એકાદ વાર માથા પરનાં ડાળખાંમાં પત્નીને માલણની કામગીરી બજાવવા દે.

 

 

પ્રિન્સટન યુનિવર્સિટિએ એમને અધ્યાપક નીમ્યા ત્યાં સુધીમાં તો એ દુનિયામાં સૌથી પ્રખ્યાત વિજ્ઞાની બની ચૂક્યા હતા. વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રિન્સટન પહેલી હરોળમાં, ત્યાં એમને સંશોધન માટે પૂરી સગવડ મળી શકે. તેનું આમંત્રણ આઇન્સ્ટાઇને સ્વીકાર્યું ત્યારે યુનિવર્સિટિના પ્રમુખે એમની આગળ કાગળ ધરીને કહ્યું : ‘આપના પગાર-પુરસ્કાર માટે આપને યોગ્ય લાગે તે રકમ આમાં ખુશીથી લખી નાખો. આપ જે કાંઈ આંકડો મૂકશો, તે યુનિવર્સિટિને મંજૂર હશે.’

 

 

આઇન્સ્ટાઇને કાંઈક રકમ લખી. જે જોઇને પ્રમુખશ્રીનું મોં પડી ગયું. ‘આવું તે કાંઈ લખાતું હશે ?’ એટલે આઇન્સ્ટાઇને કાગળ પાછો લઈને ઓછી રકમ લખવા જતા હતા, ત્યાં પ્રમુખે ખુલાસો કર્યો : ‘આટલો ઓછો પગાર તો આ યુનિવર્સિટિના કારકુનને પણ અમે આપતા નથી. અને આપ એટલો જ પગાર લો, તો યુનિવર્સિટીની આબરૂ જાય. માટે આપની આ માગણી અમારાથી નહીં સ્વીકારી શકાય.’

 

 

અને આઇન્સ્ટાઇને લખેલ આંકડાની પછી એક મીંડું ચડાવીને યુનિવર્સિટીના પ્રમુખે નિમણૂકપત્ર પર સહી કરી.

 

 

 

(૨) જેને વીતી હોય તે જાણે …

 

 

એક છોકરો કૂતરાંવેચનારની દુકાને કુરકુરિયું ખરીદવા ગયો. દુકાનમાં ચાર કુરકુરિયાં સાથે બેઠાં હતાં. દરેકની કિંમત ૫૦ ડોલર હતી. એક ખૂણામાં એક બીજું કુરકુરિયું એકલું અટૂલું બેઠું હતું. છોકરાએ પૂછ્યું કે એ પણ એક જ માતાનું છે ને ? જો એ પણ વેચવાનું હોય તો એ એકલું અટૂલું કેમ છે ?

 

 

આ સાંભળીને દુકાનદારે કહું : ‘ભાઈ, છે તો એક જ માનું બચ્ચું, પણ જરાક કદરૂપું છે અને એ વેચવાનું નથી.’

 

 

છોકરાએ સવાલ કર્યો : ‘એને ક્યા અંગની ખોટ છે ?’ દુકાનદારે જવાબ આપતા કહ્યું : ‘આ કુરકુરિયાને થાપાનું હાડકું નથી અને એક પગેય નથી.’ છોકરાએ વળી પૂછ્યું : ‘ભાઈ, તમે એનું શું કરશો ?’ એ તમને કંઈ ખપનું ખરું કે નહીં ?’ દુકાનદારે કહ્યું : ‘ભાઈ, એને હું સુવડાવી દઉં છું.’ આ સાંભળીને છોકરાએ દુકાનદારને થોડીવાર એ કુરકુરિયા સાથે રમવા દેવા વિનંતી કરી. દુકાનદારે કહ્યું : ‘ભાઈ, મને એમાં શો વાંધો ?’ છોકરાએ કુરકુરિયાને ઊંચકી લીધું. એ છોકરાના કાન ચાટવા માંડ્યું.

 

 

છોકરાએ તરત જ નિર્ણય કરી દીધો કે મારે આ જ કુરકુરિયું ખરીદવું છે. દુકાનદારે કહ્યું : ‘ભાઈ. એ વેચવાનું નથી !’ છોકરાએ વેચાતું લેવાનો ઘણો આગ્રહ કર્યો અંતે દુકાનદાર સહમત થયો. તેણે પોતાના ખિસ્સામાંથી બે ડોલર કાઢ્યા અને બાકીના ૪૮ ડોલર પોતાની મા પાસે લેવા દોડી ગયો. દુકાનને બારણે જ હજી છોકરો પહોંચ્યો ત્યાં દુકાનદારે તેને બુમ પાડી : ‘આવા લૂલા-લંગડા કુકુરીયા માટે ૫૦ ડોલર શા માટે વેડફી દો છો ? એને બદલે એટલી કિંમતે આ સારું કુકુરીયું લઇ લો ને.’ છોકરો એક પણ શબ્દ ન બોલ્યો. એણે પોતાના ડાબા પગનું પેન્ટ સહેજ ઊંચું લીધું એના તૂટેલા પગે જોડાણ માટે પટ્ટો બાંધ્યો હતો. એ જોઇને દુકાનદાર બોલ્યો : ‘ભાઈ, હવે તારી વાત મને સમજાણી. ચાલ ભાઈ, આ કુકુરીયું લઇ લે.’ ‘જેને વીતી હોય તે જાણે, અજાણ્યો કંઈ ન જાણે.’

 

 

(રા.જ.૧૧-૬(૫૨-૫૩)/૩૭૨-૭૩)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.