|| શિક્ષાપત્ર ૩૦ મું || … અને (૩૧) ગોવર્ધન ગિરિ કંદરા … (પદ) …

|| શિક્ષાપત્ર ૩૦ મું || …

 

 

pushti prasad 30

 

૨૯માં શિક્ષાપત્રમાં વિચારાયું છે કે શ્રી મહાપ્રભુજીનાં સિધ્ધાંતોને સમજીને તેનું આચરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સંસારમાં રહેવા છતાં દુન્યવી બાબતોમાંથી મન ખેંચી લઈ તેને પ્રભુસેવામાં અને પ્રભુ કાર્યમાં જોડવું જોઈએ. પરંતુ મનને પ્રભુ કાર્ય અને સેવામાં તલ્લીન રાખવા માટે ચિત્તબુધ્ધિને સ્થિર કરવી જરૂરી છે. શ્રી આચાર્યચરણ કહે છે કે ચિત્તબુધ્ધિને પ્રભુકાર્યમાં સ્થિર રાખવા માટે વૈષ્ણવોએ સદૈવ ભગવદ્ સ્મરણ, ભગવદ્ સત્સંગ અને ભગવદ્સેવામાં તત્પર અને પ્રવૃત રહેવું જોઈએ. જ્યારે ૩૦ માં શિક્ષાપત્રમાં કહે છે કે જેમ મર્યાદામાર્ગમાં કર્મનું ફળ પ્રાપ્ત કરવા માટે દેશ, કાળ, હૃદય, કર્તા, મંત્ર અને કર્મ આ ૬ સાધનો શુધ્ધ હોય તેમજ જીવે કરેલા કર્મનું ફળ મળે છે તે જ પ્રમાણે પુષ્ટિમાર્ગમાં પણ આ ૬ સાધનોનો ઉપયોગ ચિત્ત બુધ્ધિને શુધ્ધ કરવા માટે જરૂરી છે. કારણ કે આ જ સાધનો વડે ધર્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ શુધ્ધ અને સાત્વિકભાવે કરવું જોઈએ. આ વિચારોને પ્રમાણિત કરાતા શિક્ષાપત્ર ત્રીસનાં ૧૪ માં શ્લોકોમાંનો પ્રથમ શ્લોક …

 

 

સ્મર્તવ્યઃ સર્વદા કૃષ્ણો તિસ્મયર્તવ્યં જગત્ પુનઃ ।

પ્રપંચસ્મરણે કૃષ્ણસ્મૃતિનૈર્વ ભવેદિતી ।।૧।।

 

 

અર્થાત્ સર્વદા શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું અને જગતને વિસ્મરિત કરવું, કારણ કે જો પ્રપંચની સ્મૃતિ રહે તો શ્રી કૃષ્ણની સ્મૃતિ ન થાય. તેથી બીજા શ્લોકમાં શ્રી હરિરાયજી ચરણ કહે છે કે

 

 

પ્રયતેત તતો જીવસ્તદભાવાય સર્વથા ।

કૃષ્ણાડર્થતાભાવેનેન ગ્રહાદેવિંસ્મૃતિ ભર્વેત ।।૨।।

 

 

અર્થાત, પ્રપંચની વિસ્મૃતિ માટે જીવ સર્વથા પ્રયત્ન કરે તો શ્રી કૃષ્ણને માટે સર્વ ક્રિયાની ભાવના કરવાથી ગ્રહાદિકની વિસ્મૃતિ થાય. અત્રે શ્રી હરિરાયજીચરણ આજ્ઞા કરે છે કે આ જગતમાં રહીને જગતની બધી લૌકિક જવાબદારીઓ વહન કરવા છતાં, જગતને ભૂલી જજો. જગતમાં કશું જ યાદ રાખવા જેવુ નથી. દુનિયામાં ભલે રહો, પણ આ દુનિયાને તમારા રસનો વિષય ન બનાવશો. રસનો વિષય દુનિયાનાં રચયિતા દીનદયાળુ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રને બનાવજો. જગતને ભૂલી જવું અને પ્રભુને યાદ કરવા. તેજ બુધ્ધિને સ્થિર રાખવાનો એક માત્ર ઉપાય છે. આથી જીવે સમજપૂર્વક પૂર્ણ ધ્યાન આપીને ભ્રમિત થઈ જતી બુધ્ધિને લૌકિક વિષયો અને ગૃહમાંથી કાઢીને શ્રીકૃષ્ણમાં પરોવવી જોઈએ.

 

 

અથવા બાધકત્વેન ત્યાગભાવનયા પુનઃ ।

 

 

અખંડાડદ્વૈતભાવેન કામાદ્યાવેશતો હરૌ ।।૩।।

પ્રાપેયિકપદાર્થેષુ લીલાસૃષ્ટિત્વભાવનત્ ।

 

 

અર્થાત્ ગ્રહાદિક બાધક છે, તેથી એમનો સર્વથા ત્યાગ કરી અખંડ અને અદ્વૈતની ભાવના કરી હરિમાં લૌકિક પદાર્થો જેવા કે કામ,ક્રોધ,સ્નેહ, ભય,ઐક્ય વગેરે ભાવ રાખવાથી સર્વ પ્રપંચનાં પદાર્થો પણ ભગવાનની લીલા સૃષ્ટિની ભાવના કરવાથી ગ્રહાદિની વિસ્મૃતિ થાય છે.

 

 

કૃષ્ણસન્નિહિતો દેશઃ કાલઃ સત્સંગહેતુકઃ ।।૪।।

દ્રવ્યં સર્વસ્વમેવાડત્ર કર્તાડભિમતિવર્જિતઃ ।

 

 

મંત્રાઃ શ્રીકૃષ્ણનામાનિ ગુણલીલાસન્વિતઃ ।।૫।।

કર્માણિ કૃષ્ણસેવૈવ સર્વસાધનસંગ્રહઃ ।

 

 

એતત્ષટકસ્ય ભક્તો હિ સત્સંગઃ સાધન મતમ્ ।।૬।।

 

 

અર્થાત જ્યાં શ્રીકૃષ્ણ બિરાજતાં હોય ત્યાં તે દેશકાળ સત્સંગનાં હેતુરૂપ થાય છે. શ્રી ઠાકુરજી એજ પોતાનું હૃદય, કર્તાપણાનાં અભિમાનનો ત્યાગ, શ્રીકૃષ્ણનાં ગુણ અને લીલાયુક્ત નામ એજ મંત્રો, શ્રીકૃષ્ણની દૈન્યભાવે સેવા એજ કર્મ, ભક્તિમાર્ગમાં આ ૬ પદાર્થો છે. અને તેમાં સત્સંગ એ સાધનરૂપ છે.

 

 

આ જણાવેલ ભક્તિમાર્ગનાં ૬ પદાર્થોને વિશેષરૂપે વિચારતા, જ્યાં કૃષ્ણ બિરાજતાં હોય તે સ્થળ-દેશ ઉત્તમમાં ઉત્તમ જાણવો જેમકે “વ્રજદેશ શ્રી ગિરિરાજ રાજે” જ્યાં ભગવદીયોનો સંગ થાય છે. તે જ સમયને મહા ઉત્તમ જાણવો. જેમકે ભગવાનનાં સંગી ભક્તોનાં સંગની તુલના સ્વર્ગની કે મોક્ષની સાથે કરાતી નથી, એટ્લે કે સ્વર્ગનાં સુખ અને મોક્ષની પ્રાપ્તિ પણ સત્સંગની બરોબર નથી. સત્સંગ મળે તે કાળને ઉત્તમ જાણવો. હું જ સર્વ વસ્તુઓનો કર્તા છું, આવું અભિમાન ન રાખવું. “શ્રી કૃષ્ણ શરણં મમ” આજ મહામંત્ર છે. આ મંત્રને જ મંત્ર સર્વોપરિ જાણવો. કારણ કે આ મંત્રમાં પ્રભુનું નામ પણ રહેલું છે અને પ્રભુનાં ગુણો સહિત અનેક લીલાઓ પણ રહેલી છે. આજ વાત શ્રી શુકદેવજી મહારાજ અષ્ટમ સ્કંધમાં કહે છે કે મંત્રથી, તંત્રથી, દેશકાળ અને દ્રવ્યથી જે અપૂર્ણ રહ્યું હોય તે સર્વ તમારા નામ કીર્તનથી પૂર્ણ થાય છે, અને આચાર્યચરણ શ્રી ગુંસાઈજી કહે છે કે

 

 

“હરે ત્વન્નામનિવ્યત્કિં યાહ શ્રુતિરહં સદા ।

ગૃણામિ યદ્યદા નાથ ! તત્તથૈવાસ્તુ નાન્યથા ।।”

 

 

અર્થાત હે હરિ! આપના નામનો અર્થ જે વેદ કહે છે, તેવો જ ઉચ્ચાર હું સદા કરું કારણ કે શ્રી કૃષ્ણનું નામ સર્વ વેદ શ્રુતિનો સાર છે. જે શ્રી કૃષ્ણની કૃપા હોય તો જ લઈ શકાય છે. શ્રી કૃષ્ણની સેવા એ જ ઉત્તમ છે, કૃષ્ણનું કાર્ય ઉત્તમ છે, કૃષ્ણ માટે કરવામાં આવેલું કર્મ એ જ ઉત્તમ છે. કૃષ્ણને પામવાની ઈચ્છા ધરાવનારો જે વૈષ્ણવ જીવ દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ આ ૬ ગુણ ધારણ કરે છે તેનાં જ હૃદયમાં શ્રી કૃષ્ણનું સાતમું ધર્મી રૂપ અને સ્વરૂપ બિરાજે છે. આજ વિચારની પૂર્તિ માટે સાતમા શ્લોકથી જણાવાય છે કે

 

 

કૃષ્ણસાન્નિધ્યદેશેતુ યતસ્તિન્ડંતિ સાધવઃ ।

કાલઃ પ્રસંગ હેતુએસટી મિલિતૈસ્તૈરુદેતિ હિ ।।૭।।

 

 

અર્થાત જ્યાં શ્રીકૃષ્ણ બિરાજતાં હોય, એવા સ્થળે સાધુપુરુષોનું મિલન થવાથી સત્સંગરૂપ કામનો ઉદય થાય છે, અને

 

 

સર્વસ્વસ્યોપયોગોડપિ સિધ્ધયેત્સદ્બુધ્ધિદાતૃભિઃ ।

અભિમાનનિવૃતિસ્તુઃ તદાશ્રયવતામિહ ।।૮।।

 

 

ત્યાં સદ્બુધ્ધિ આપનાર ભગવદીયોથી સર્વસ્વ કાર્યનો ઉપયોગ પણ સિધ્ધ થાય છે. શ્રી આચાર્યચરણ કહે છે કે આવા ભગવદીયોનો આશ્રય કરવાથી કર્તાપણાનું અભિમાન પણ નિવૃત થાય છે, તેમજ

 

 

કૃષ્ણનામસ્વરૂપાદિજ્ઞાનં તુ તત એવ હિ ।

ભગવત્સેવનં વાડપિ પુરુષાર્થસ્તદૈવ હિ ।।૯।।

 

 

એનાથી શ્રીકૃષ્ણનાં નામરૂપનું જ્ઞાન થાય છે, અને શ્રીકૃષ્ણની સેવાથી ઉત્તમ પુરુષાર્થરૂપ કર્મ સિધ્ધ થાય છે.

 

 

યદા તથાવિધાઃ સંતો દશ્યંતે સેવનોદ્યતાઃ ।

અતઃ સત્સંગ એવાડસ્મિન્માર્ગે સર્વસ્ય સાધનમ્ ।।૧૦।।

 

 

અર્થાત, આમ ઉપરોક્ત જણાવેલા સત્પુરુષોની સેવામાં તત્પરતા જણાય ત્યારે ઉક્ત છ પદાર્થો સિધ્ધ થાય છે. તેથી જ પુષ્ટિમાર્ગમાં સત્સંગ જ સર્વનું સાધન છે. અગિયારમાં શ્લોકમાં શ્રી હરિરાયજી ચરણ કહે છે કે

 

 

તદભાવે સર્વથૈવ ન કિંચિદિહ સિધ્ધયતિ ।

તસ્માત્પ્રયત્નઃ કર્તવ્યઃ સત્સંગાય સુબુધ્ધિભિઃ ।।૧૧।।

 

 

અર્થાત સત્સંગનાં અભાવમાં કશું પણ સિધ્ધ થતું નથી, માટે જ સદ્બુધ્ધિવાળા ભગવદિયોએ સત્સંગ માટે પ્રયત્ન કરવો જોઈએ. આજ સત્સંગનું માહાત્મય દર્શાવતા શ્રી ભગવાન પોતે એકાદશ સ્કંધમાં કહે છે કે “હે ઉધ્ધવ ! મને યોગ, તપ, દીન, દાન દક્ષિણા, વ્રત, યજ્ઞ,વેદ, તીર્થ, નિયમ, યમ આ સર્વમાનું કંઇ જ મને વશ કરવાને સમર્થ નથી. માત્ર અને માત્ર સર્વ સંગની નિવૃતિ કરનારો સત્સંગ જ મને વશ કરે છે.”

 

 

અત એવોક્તમાચાર્યૈર્હરિસ્થાને તદીયકૌઃ ।

અદૂરે વિપ્રકર્ષે વા યથા ચિતં ન દૂષ્યતિ ।।૧૨।।

 

 

આથી શ્રી આચાર્યજીએ “ભક્તિવર્ધિની” ગ્રંથમાં કહ્યું છે કે હરિનાં સ્થાનમાં જેમાં ભગવદીયો રહેતા હોય, તેમની વધુ સમીપ કે તેમનાથી વધુ દૂર રહેવું ન જોઈએ. કારણ કે ભગવદીયો અગ્નિ સમાન હોય છે. જેમ અગ્નિની નજીક જતાં અગ્નિ દઝાડે છે અને અગ્નિથી દૂર જતાં જેમ ઠંડી લાગે છે તેમ ભગવદીયોનું પણ હોય છે. તેરમાં શ્લોકમાં આચાર્યચરણ કહે છે કે

 

 

ચિત્તદોષે કથં સેવા ચેતસ્તત્પ્રવણં ભવેત ।

અતો વિચારઃ કર્તવ્યઃ સર્વથૈકત્રવાસકૃત્ ।।૧૩।।

 

 

જો ચિત્તમાં દોષ ઉત્પન્ન થાય તો તે દોષથી મન ભ્રમિત અને વિકૃત બને છે આવા દૂષિત અને ભ્રમિત થયેલા મનથી સેવા કેવી રીતે થાય? માટે સર્વથા એક જ સ્થળમાં વાસ કરવાનો વિચાર કરવો જોઈએ. અંતમાં આચાર્યચરણ શ્રી હરિરાયજી કહે છે કે

 

 

બુધ્યાં વિચાર્ય મત્પ્રોકનં નિધાય હૃદિ સર્વથા ।

સ્વાર્થ સંપત્ત્યે કાર્યો વાસ એકત્રે તત્પરૈઃ ।।૧૪।।

 

 

એકાંતમાં બેસીને પોતાની સુંદર બુધ્ધિથી દર્શન કરવા અને સેવાનાં સમયે સેવા કરવી, અને જ્યારે દર્શન કે સેવા ન હોય ત્યારે ભગવદીયો સાથે મળીને વિપ્રયોગથી શ્રી કૃષ્ણ લીલાસંબંધી વિચાર કરવા. આ પ્રમાણે વૈષ્ણવ સચેત રહે તો સઘળા કાર્યો સિધ્ધ થાય છે. શ્રી હરિરાયજી ચરણ જણાવે છે કે ચિત્તમાં જ્યાં સુધી દોષ હોય, ચિત્તમાં લૌકિક વિચારો ચાલતાં હોય ત્યાં સુધી ચિત્ત સેવામાં લાગતું નથી. ઉપરાંત મન કે ચિત્ત વગરની સેવા તે કેવળ ક્રિયાત્મક સેવા બની જાય છે. આમ અત્રે ૩૦ માં શિક્ષાપત્રનું સંકલન પૂર્ણ થાય છે. પરંતુ શિક્ષાપત્રને વધુ ને વધુ સમજવા માટે શિક્ષાપત્ર ગ્રંથને વારંવાર વાંચવો અને સમજવો જરૂરી છે. જેથી કરીને સેવા અને દર્શનની સાચી પ્રક્રિયા વિષે સાચું માર્ગદર્શન મળે.

 

 

શેષ શ્રીજી કૃપા

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.

બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]

[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 mangda aarti

 

 

(૩૧) ગોવર્ધન ગિરિ કંદરા … (પદ) …

સમય-મંગળા-સન્મુખનું પદ

રાગ- બિભાસ

રચના-ચતુર્ભુજદાસજી

 

 

ગોવર્ધન ગિરિ સઘન કંદરા,

રૈન નિવાસ કિયો પિયપ્યારી,

ઊઠી ચલૈ ભોર સુરતિ રંગભીને

નંદનંદન બૃષભાન દુલારી (૧)

 

 

ઇત બિગલિત કચ, માલ મરગજી,

અટપટે-ભૂષન, રગમગી સારી

ઇત હી અધર મસિ, ફાગ રહી ધસ,

દુહું દિસ છબિ લાગત અતિ ભારી (૨)

 

 

ઘુમતિ આવતિ રતિરન જીતિ

કરિની સંગ ગજવર ગિરિધારી

“ચતુર્ભુજ દાસ” નિરખી દંપતિ સુખ

તન, મન, ધન કીનો બલિહારી (3)

 

 

સૌ પ્રથમ આ કીર્તનમાં રહેલાં વ્રજભાષાનાં કઠીન શબ્દો વિષે જાણી લઈએ.

 

 

સઘન- ઊંડી

કંદરા- ગુફા

રૈન-  રાત

પિયપ્યારી- શ્રી યુગલ સ્વરૂપ (શ્રી ઠાકુરજી અને રાધાજી)

ભોર- સવાર, પ્રભાત

ઇતિ- આ તરફ

બિગલિત કચ-  વિખરાયેલા વાળ સાથે

સુરતિ-

દાંપત્યક્રીડા

મરગજી- ચંદનવાળી થયેલી

રગમગી ચોળાયેલી

ઇત હી- તે તરફ

મસિ-  મેશ, કાજલ

દુહું- બંને

છબિ- શોભા

હરિની- હાથિણી

ગજવર- મહા હાથિ

રતિરથ- પ્રેમયુધ્ધ

સારી-  સાડી, ચુનરી

 

 

કથા

 

 

એક દિવસ ચતુર્ભુજદાસજીએ શ્રી ગુંસાઈજીચરણને પૂછ્યું જયરાજ શું શ્રી ઠાકુરજી શ્રી ગિરિરાજજીમાં લીલા કરે છે? ત્યારે શ્રી ગુંસાઈજીચરણ કહે કે હા ચતુર્ભુજદાસ ….શ્રી ઠાકુરજી તો સદૈવ પોતાની વિવિધ લીલામાં શ્રી ગિરિરાજજીને સહભાગી બનાવે છે. ત્યારે શ્રી ચતુર્ભુજદાસજીએ પૂછ્યું જયરાજ શું આપણને તેનાં દર્શન થાય? ત્યારે શ્રીગુંસાઈજી ચરણે હા કહી. બીજે દિવસે પ્રભાતે શ્રી ગુંસાઈજીએ શ્રી ચતુર્ભુજદાસજીને ભોરનાં સમયે શ્રીગિરિરાજજીની તળેટી પાસે આવેલ ફૂલવાડીમાંથી ફૂલ ચૂંટીને લઈ આવવાનું કહ્યું. શ્રી ગુરુચરણની આજ્ઞાને શિરોધાર્ય કરીને ચતુર્ભુજદાસજી શ્રી ગિરિરાજજીની તળેટીમાં ફૂલ ચૂંટવાને ગયાં ત્યારે તેમને એવા દર્શન થયા કે શ્રી ઠાકુરજી સ્વામીનિ શ્રી રાધિકા સાથે શ્રી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધારી રહ્યાં છે. ત્યારે આ યુગલસ્વરૂપ (પતિ-પત્ની)નાં દર્શન કરી શ્રી ચતુર્ભુજદાસજી…….. ગોવર્ધન ગિરિ સઘન કંદરા…….એ પદ ગાય છે.

 

ભાવાર્થ

 

શ્રી ગોવર્ધન પર્વતની ઊંડી કંદરામાં શ્રી યુગલ સ્વરૂપે રાત્રીનિવાસ કર્યો હતો. દાંપત્યક્રીડાનાં રંગથી રંગાયેલ શ્રી નંદનંદન અને શ્રી રાધેરાણી પ્રભાતનાં સમયે જાગીને કંદરામાંથી બહાર પધાર્યા ત્યારે શ્રી રાધેરાણીનાં વાળ વિખરાયેલા છે અને તેમની સારી ચોળાયેલી છે, જ્યારે શ્રી ઠાકુરજીનાં હૃદય પર ચંદનથી લેપાયેલી છે, તેમનાં અધર પર શ્રી સ્વામિનીજીનાં નેત્રોની કાજલ-મેશ લાગેલી છે. તેમનાં મસ્તકે બાંધેલી કઠણ ફાગ ઢીલી થઈ ભાલપ્રદેશ (કપાળ) પરથી સરકી ગઈ છે, બંને સ્વરૂપોની શોભા અવર્ણનીય રીતે સુંદર છે. જેમ પ્રેમરૂપી યુધ્ધ જીતી, હાથિણી સાથે મહાહાથીપાછો ફરે તેમ રાધિકાજી સાથે શ્રી ગિરિધરલાલ પધારી રહ્યા છે. ચતુર્ભુજદાસજી આ અલૌકિક યુગલ-દંપતિનાં અલૌકિક સુખને નિરખી, તેમનાં પર પોતાનું તન, મન, ધન વારી રહ્યા છે.

 

 

પુષ્ટિસાહિત્ય કીર્તનને આધારે…

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …