(૧) સહધર્મિણીનું (સ્ત્રીનું) આત્મસમર્પણ …. (પ્રેરકકથાઓ) …

(૧) સહધર્મિણીનું આત્મસમર્પણ …. (પ્રેરકકથાઓ) …

 

 

સાચા પંડિતનો વિદ્યાસંગ અને સહધર્મિણીનું આત્મસમર્પણ ….

 

ઘોર અંધારી રાત હતી. ઋષિ સમા એક વૃદ્ધ વિદ્વાન પોતાની ઝૂંપડીમાં હતા. તેમણે એક હસ્તપ્રત લીધી, તેને ચકાસીને એક બાજુ મૂકી. આવી તો કેટલીય હસ્તપ્રતોનો ત્યાં ઢગલો થયો હતો. આ પ્રતો પાછળ એમણે પોતાનાં દેહ-મન-પ્રાણ લગાડી દીધાં હતાં. વર્ષોના પુરુષાર્થનું આ ફળ હતું. કુટિરમાં જલતા દીપકની જ્યોત ઝંખવાતી જતી હતી. દીવડો હોલવાઈ જવાની તૈયારીમાં હતો ત્યાં જ એક વૃદ્ધ સ્ત્રીએ આવીને એમાં દીવેલ અને વાટ ઉમેરી દીધા. દુર્ભાગ્યે દીવો હોલવાઈ જતાં કુટિરમાં અંધારું છવાઈ ગયું. પંડિત શિરોમણી વિદ્યાવાચસ્પતિ મિશ્રા પોતાનું લેખન કાર્ય ચાલુ રાખી શકે એટલે વૃદ્ધ નારીએ ફરીથી દીવાને પેટાવ્યો. વાચસ્પતિ મિશ્રાએ ઊંચે જોઇને એ સ્ત્રીને પૂછ્યું : ‘હે દેવી, આપ કોણ છો ?’ એમના સાહિત્ય –સર્જનના કાર્યમાં અવરોધ થાય એમ એ નારી ઇચ્છતા ન હતા. એટલે એમણે કહ્યું : ‘આપ આપનું કાર્ય ચાલુ રાખો. આવી રીતે દીવો હોલવાઈ જતા તમારા કાર્યમાં ખલેલ પડી એ માટે હું દિલગીર છું.’

 

વાચસ્પતિ મિશ્રા પૂછેલા પ્રશ્નની વાત પડતી મૂકવા માગતા ન હતા, એટલે એણે તાલપત્ર અને કલમ નીચે મૂકીને કહ્યું : ‘આપ કોણ છો ? એ હું નહીં જાણું ત્યાં સુધી કાર્ય શરૂ નહીં કરૂ. તમારે મને ઓળખાણ આપવી પડશે.’ વાચસ્પતિની મક્કમતા સામે વૃદ્ધ નારી ઝૂકી ગયાં અને કહ્યું : ‘હું આપની પત્ની છું.’ પંડિતે આશ્ચર્ય સાથે કહ્યું : ‘મારાં પત્ની ! મારાં લગ્ન ક્યારે થયા હતા ?’ વૃદ્ધ નારીએ જવાબ આપ્યો : ’૫૦ વર્ષ પહેલાં. આ સાંભળીને આશ્ચર્ય તેમજ દુઃખ સાથે પંડિતે કહ્યું : ’૫૦ વર્ષ પહેલાં આપણાં લગ્ન થયા અને હું તમને ઓળખી ન શક્યો !’ આ શબ્દો સાંભળીને તેમણે પોતાના પતિને કહ્યું : ‘આપણાં લગ્નના થયા અને હું તમને ઓળખી ન શક્યો !’ આ શબ્દો સાંભળીને તેમણે પોતાના પતિને કહ્યું : ‘આપણાં લગ્નના દિવસે તમારો જમણો હાથ મારા હાથમાં મૂકીને લગ્નબંધનથી બંધાયા હતા. તમારા ડાબા હાથમાં અડધું હસ્તલિખિત તાલપત્ર હતું અને છેલ્લા ૫૦ વર્ષથી આપ અભ્યાસ-ધ્યાન અને આ લેખનકાર્યમાં નિમગ્ન રહ્યા છો. પશ્ચાતાપ સ્વરે પંડિતે કહ્યું : ‘આટલાં વર્શીમાં તમે તમારા નારી – અધિકારની માગણી કેમ ન કરી ?’ વૃદ્ધ નારીએ વિનમ્રતાથી કહ્યું : ‘હું તમારા મન-કાર્યને કેવી રીતે દુમાર્ગે વાળી શકું. આપ તો કાર્યમાં લીન હતા. આપને બીજા કશામાંય રસ ન પડે એ વાત સ્વભાવિક હતી.’ પંડિતે ખિન્ન મને કહ્યું : ‘ આટલાઆટલા વર્ષ મેં તમને ન જાણ્યા ! અરે તમારી સામેય જોયું ય નહીં કે વાતચીત પણ ન કરી.’

 

પત્નીએ કહ્યું : ‘તમે મારી સામે જોયું હતું. મારી સાથે બોલ્યા પણ હતા. પણ મને તમારા પ્રત્યે સાંસારિક આસક્તિ ન હતી. આપના આ સુકાર્ય માટે મારે આપની સાથે એક અનન્ય પવિત્ર સંબંધ હતો.’ આ સાંભળીને પંડિતે પત્નીને પૂછ્યું : ‘તો પછી આ પાંચ દાયકા સુધી આપણો ઘર સંસાર કેવી રીતે ચલાવ્યો ?’ પત્નીએ વિનમ્રતાથી કહ્યું : ‘હું આપના માટે આ હસ્તપ્રતોની, દીવાની અને ભોજનની સંભાળ રાખતી. મારા ફૂરસદના સમયે અહીં નજીક રહેતી બાલિકાઓને હું સંગીત શીખવતી. તેઓ અનાજપાણી આપતાં. એનાથી આપણું ગુજરાન થતું. એ બધું આજ સુધી ચાલતું રહ્યું છે.’ દીખ અને પસ્તાવાની લાગણી સાથે પતિએ કહ્યું : ‘અરે, ઓ દેવી, મને ક્ષમા કરો. આટઆટલાં વર્ષ મેં આપની ઉપેક્ષા કરી અને પતિ તરીકે કોઈ ફરજ ન ન બજાવી !’ આમ કહેતાં વાચસ્પતિ મિશ્રાએ કૃતજ્ઞતા અને પૂજ્યભાવ સાથે પોતાનાં પત્નીના ચરણોનો સ્પર્શ કર્યો. લજ્જાભાવ સાથે દૂર હટીને પત્નીએ કહ્યું : ‘પત્નીને ભૂલી જઈને તમે વિદ્વતાભર્યા ગ્રંથરચનાકાર્યથી સમગ્ર માનવજાતની સેવા કરી છે. એમાં મેં જે કંઈ ભલે ગુમાવ્યું હોય પણ વિશ્વને તો ફાયદો જ થયો છે. આપની સેવા કરીને અને આપના કાર્યને પૂર્ણ કરવામાં સહાયરૂપ બનીને હું ખરેખર ધન્ય બની છું. મારે આનાથી વધારે બીજું શું જોઈએ !’

 

અત્યાર સુધી આવી રીતે ઉપેક્ષિત પોતાનાં પત્નીની આવી સરળ-સહજ ભલમનસાઈથી વાચસ્પતિ મિશ્રા મુગ્ધ બની ગયા. એમના મુખેથી પોતાના પત્નીની પ્રશંસાના આ શબ્દો સરી પડ્યા : ‘અરે ઓ ભામતિ ! વ્યાસજીના વેદાંત દર્શન પર ટીકા લખવા હું પ્રભુની કૃપાથી જ શક્તિમાન બન્યો અને મેં મારું સમગ્ર જીવન એ માટે સમર્પિત કરી દીધું. આ બધું હોવા છતાં પણ આપની અડગ સમર્પણભાવના અને સેવા વિના મારું આ કાર્ય ક્યારેય પૂરું ન થાત. હું મારા આ ગ્રંથને ‘ભામતિ’ એવું નામ આપું છું. હું મારી આ ટીકા આપની સમર્પિત સેવાભાવનાને લીધે પૂર્ણ કરી શક્યો છું, એ વાત ભલે આખું જગત જાણે.’ વ્યાસના વેદાંત દર્શનના સૂત્રો પરની પ્રાસાદિક ટીકા રૂપે ‘ભામતિ’ નામનો સુખ્યાત અને વિદ્વત્પ્રિય ગ્રંથ આ રીતે રચાયો હતો.

 

 

 

પારસમણી ની અસર …

 

(૨) એક સિદ્ધ સંન્યાસી ની દિવસ –રાત વર્ષો સુધી સેવા કરવાથી, સંન્યાસીએ એક ક્ષુદ્ર -ગરીબ વ્યક્તિને પોતાને પાસે રહેલ, એક પારસમણી ભેટમાં આપતાં કહ્યું : ‘ ભાઈ આ પત્થર નું મહત્વ એ છે કે તે જે કોઈ ધાતુને (આ પથ્થર) અડકશે તે ધાતુ સોનાની થઇ જશે, જે હું તને આપું છું; તું તારી પાસે રાખજે.’

 

પેલી ક્ષુદ્ર વ્યક્તિને થયું કે મહારાજ ની ઉંમર થઇ છે અને તે આવી અંધશ્રદ્ધા ની વાતો કરે છે, ભલે આમછતાં, તેની કસોટી કરી લઉં. ઘરમાં કોઈ રાચ રચીલું કે અન્ય સાધન સામગ્રી ન હોવાને કારણે તેણે ઘરના માળીયામાં વર્ષોથી પડેલ એક ધાતુની કોઠી પર પેલા મણીનો ઘા કર્યો. જેથી મણી જો સાચો હશે તો તે કોઠી ધાતુમાંથી સોનાની થઇ જશે અને મારો ભવ સુધારી જશે.

 

પરંતુ કોઇ પણ કારણ સર, મણી કોઠી પર નાખવાં છતાં, કોઠી જેમ ની તેમ જ રહી, તેમાં કોઈ પરિવર્તન ન થયું. તે ધાતુની જ રહી ! પેલા, ક્ષુદ્ર એ વિચાર કર્યો કે, ‘ પેલો સંન્યાસી મને છેત્રી ગયો. આમ ને આમ થોડો સમય ગયા બાદ, ફરી એક વખત પેલો સિદ્ધ સંન્યાસી તે જ ગામમાં પરત આવ્યો. ક્ષુદ્રને આ વાતની જ્યારે જાણ થઇ કે સંન્યાસી ગામમાં આવ્યા છે, એટલે તે તેને મળવા તલપાપડ થઇ ગયો હતો. સંન્યાસી નો ભેટો ક્ષુદ્રને ગામમાં જ થઇ જતા, પેલા ક્ષુદ્રએ સન્યાસીને અપશબ્દો કહ્યા, ‘શું મહારાજ સંન્યાસી થઈને ખોટું બોલો છો ??? આપે આપેલ મણી ની કોઈ જ અસર થઇ નથી. મહારાજે પૂછ્યું : તે મણીને ક્યા રાખેલ છે ? ક્ષુદ્રએ કહ્યું : મેં તેને મ્ઝારા માળીયા પર રહેલ પીપમાં નાખેલ, આમ છતાં, તે સોનાનું ના થતા જેમ નું તેમ જ છે.

 

સંન્યાસીએ કહ્યું, તેવું ક્યારેય બને જ નહીં ! મણીનો ગુણ ધર્મ છે કે તે જે કોઈ ધાતુને સ્પર્શે એટલે એ સોનાની થઇ જાય. તું ચાલ, આપણે તારા ઘરે જઈએ, અને ત્યાં તું મને બતાવ કે ક્યા પીપમાં તે મણી ને નાખેલ ? ક્ષુદ્રએ સંન્યાસી ને રૂમ ની પારી ઉપર રહેલ પીપ દર્શાવ્યું / બતાવ્યું અને કહ્યું કે મેં આ પીપમાં મણીનો ઘા કરેલ. મહારાજે પેલા ક્ષુદ્રને પીપ નીચે ઉતારવા કહ્યું. ક્ષુદ્રએ પીપ નીચે ઉતારયું, મહારાજે પીપ ની અંદર તપાસતાં, તેમણે આપેલ મણી, વર્ષો થી સાફ નહિ કરેલ પીપમાં અંદર બાઝી ગયેલ ઝાળાઓ માં ફસાયેલો હતો. આમ, મણીએ ધાતુના પીપને સ્પર્શ કરેલ નહીં, જેને કારણે પીપ સોના નું થયેલ નહીં તેમ મહારાજે ક્ષુદ્રને બતાવ્યું..

 

બોધ : જ્યાં સુધી આપણા મનમાં – વિચારોમાં કે હૃદયમાં બાહ્ય જગતના નકામા ઝાળા બાજેલા હશે ત્યાં સુધી જીવનમાં સંતોના જ્ઞાનનો કે સારી બાબત નો કોઈ જ પ્રભાવ જોવા મળશે નહિ ….સૌ પ્રથમ આપણામાં રહેલ અનેક પ્રકારના બાવા-ઝાળા હટાવવા જરૂરી છે.

 

 

(રા.જ. ૧૧-૦૬(૩૬)/૩૫૬)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.