ઉકેલ વિનાની કોઈ સમસ્યા હોતી નથી …

ઉકેલ વિનાની કોઈ સમસ્યા હોતી નથી …

 

problem & solution

 

 

આધ્યાત્મિક સમાધાન

 

ઉકેલ વિનાની કોઈ સમસ્યા હોતી નથી. સમસ્યાઓ અનેક પ્રકારની હોય છે અને એ પ્રમાણે એના ઉકેલ પણ હોય છે. મોટાભાગનાં ઉકેલ ત્વરિત ઉપાય જેવા હોય છે અને આ ત્વરિત ઉપાય વાસ્તવિક રીતે સમસ્યાઓનું સમાધાન કરતા નથી. પણ એ માત્ર એને દબાવી દે છે કે થોડા સમય પૂરતાં મુલતવી રાખે છે. કોઈ એવો ઉકેલ કે એવું સમાધાન છે કે જે સમસ્યાના મૂળમાં ઘા કરે અને તેને અફર – અટલ રહીને સમૂળગી દૂર કરે ?   હા, એ છે; અને તે છે આધ્યાત્મિક ઉકેલ કે સમાધાન.

 

દરેક સમસ્યાનો આધ્યાત્મિક ઉકેલ હોય છે; કારણ કે દરેક સમસ્યા મૂળભૂત રીતે આધ્યાત્મિક સમસ્યા હોય છે. વેદો જેને સત્ – ચિત્ત્ – આનંદ કહે છે, તે જ બધું છે અને સર્વમાં તેનું અસ્તિત્વ રહેલું છે. એટલે જ કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. કોઈ પણ એ જાણતું નથી કે આ તત્વ કેવી રીતે અર્દશ્ય થાય છે અને કેવી રીતે ઘણામાં પ્રતિબિંબત થાય છે. આ અનંત –અર્દશ્ય તત્વમાંથી આ ભૌતિક અને દેખીતું બ્રહ્માંડ ઊભર્યું છે. એટલે જ બધા પ્રકારની અને અસ્તિત્વની બધી કક્ષાઓની સમસ્યાઓ ઊભી થઇ. એટલે કે પાયાની સમસ્યા એ તત્વને ભૌતિક માની લેવામાંથી જન્મે છે. જો આ સમસ્યાનું સમાધાન મળી શકે તો બીજી બધી સમસ્યાઓનું સમાધાન શોધવાની જરાય આવશ્યકતા રહેશે નહિ. એ તો કાયમને માટે ઓગળી-પીગળી જશે.

 

વેદાંત આ સમસ્યાના કારણને આપણા આધ્યાત્મિક સ્વરૂપની વિસ્મૃતિ કે એના અજ્ઞાનને નામે ઓળખાવે છે. માત્ર આત્મજ્ઞાનનો પ્રકાશ જ સ્વસ્વરૂપના અજ્ઞાનના અંધકારને દૂર કરી શકે.

 

 

ભૂખ્યે પેટે ધર્મનાં પીરસણા ન ચાલે

 

 

જો કે પોતાના અસલ સ્વરૂપનું જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનની જ સૈથી વધારે આવશ્યકતા છે. અને સર્વપ્રથમ તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વભાવને અને પ્રકૃતિને હિતકર એવી કેટલીક આવશ્યકતાઓ પણ પૂરી થવી જોઈએ. આ આવશ્યકતાઓ કઈ છે ?  મૂળભૂત રીતે ત્રણ આવશ્યકતાઓ છે – અન્ન, વસ્ત્ર, આશ્રય. જ્યારે કોઈ પણ માણસ માટે પોતાના શરીરને ટકાવવા માટે આ પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ય બને ત્યારે તે માણસ આત્મજ્ઞાન મેળવવાની ઈચ્છા કેળવી શકે અને એ માટેનો સમય પણ કાઢી શકે.

 

પણ શરીરને ટકાવવાથી બધું પતી જતું નથી. તંદુરસ્તીભર્યા વિકાસ માટે માતાપિતાનો પ્રેમ, કાળજીપૂર્વકનો ઉછેર, સારા મિત્રો-સાથીઓ અને આરોગ્યપ્રદ ટેવોની કોઈ પણ વ્યક્તિને આવશ્યકતા રહે છે. આ બધું સાથે મળે તો એક આદર્શ ભૂમિ તૈયાર થાય છે કે જેમાં જ્ઞાનનાં બીજ અંકુરિત થઇ શકે.

 

 

કૂતરાની પૂંછડી

 

વિશ્વ કંઈ એમ તત્કાલ રચાયું ન હતું. એને ઉત્ક્રાંત થતાં અબજો વર્ષ લાગ્યાં છે. જો કે આપણે બધા પ્રગતી, સભ્યતા અને એવી બધી વાતો તો કરીએ છીએ, પણ ઉપરછલ્લી સપાટી સિવાય આ વિશ્વ વાસ્તવિક રીતે જરાય બદલ્યું નથી. આપણે જરાક ખોદીએ કે એ જ જૂની દુનિયા દેખાશે અને એ ભય, ધૃણા, અસલામતી, ગૂંચવણો, ગુન્હાખોરી, લોભથી છલોછલ ભરેલી છે. અલબત્ત, કેટલેક અંશે આ બધાં દૂષણોનું હિંમત, પ્રેમ, શ્રદ્ધા, શક્તિ, પવિત્રતા અને શાંતિના ઘટનાપ્રસંગો દ્વારા સમતુલન થય છે ખરું.

 

સમસ્યાઓ તો મોટે ભાગે એવી ને એવી રહી છે. અલબત્ત સમયે સમયે મહોરાં બદલ્યાં છે, બસ આટલું જ. પણ મૂળભૂત સમસ્યાઓએ તો પોતાનો આ ચહેરો – મહોરોય બદલ્યો નથી. ઉદાહરણ તરીકે પ્રારબ્ધ અને મૃત્યુની સમસ્યા, ખાલીપાની અને નિરર્થક્તાની સમસ્યા, ગુન્હાખોરી અને દોષારોપણની વાત લો.

 

આ વિશ્વના અપરિવર્તિત સ્વરૂપમાં એક અંતર દ્રષ્ટિ કરવાને લીધે એને કૂતરાની પૂંછડી સાથે સરખાવી છે. ભલે ને આપણે ગમે એટલીવાર એને સીધી કરવાનો પ્રયત્ન કરીએ પણ એ તો વાંકી ને વાંકી જ રહેવાની. તો પછી આ દુનિયાને સુધારવાના પ્રયત્નનો કોઈ ઉર્દેશ્ય ખરો ? આનો જવાબ ‘ના’ અને ‘હા’ બંને છે. ‘ના’ નું કારણ એ છે કે આ દુનિયા પોતાની મૂળ પ્રકૃતિ બદલાવી શકે તેમ નથી. ‘હા’ નું કારણ એ છે કે આ દુનિયાને સુધારવા જતાં આપણે પોતે જ ખરેખર સુધરી જઈએ છીએ. આ દુનિયા સારા – નરસાનું મિશ્રણ થવાનું જ ચાલુ રાખશે. જો આપણે ગહન નિરક્ષણ કરીને જોઈએ તો આપણને જાણવા મળશે કે આ દુનિયાને આપણી સહાયની જરાય જરૂર નથી. આપણા વિના પણ તે બહુ સારી રીતે ચાલી શકે તેમ છે. આમ છતાં પણ આપણે આ દુનિયાને સહાય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે ‘આ દુનિયાને મદદ કરીને વાસ્તવિક રીતે તો આપણે આપણી જાતને જ સહાય કરીએ છીએ.’

 

જાણે આ દુનિયાને જરાય સુધારી ન શકાય, એવું નથી, એ થઇ શકે તેમ છે; પણ એક તો આવી સુધારણા હંમેશાં અલ્પકાલીન હોય છે અને બીજું આ સુધારણા હંમેશાં અલ્પકાલીન હોય છે અને બીજું આ સુધારણા હંમેશાં થોડા ચોક્કસ પ્રદેશો કે લોકો પૂરતી જ મર્યાદિત રહે છે. આપણે પેલી પૂંછડીને સીધી નહિ કરી શકીએ પણ સમયે સમયે એને સુડોળ રાખવાનું પણ કંઈક મૂલ્ય છે ખરું. ઓછામાં ઓછી તે પૂંછડીને વત્તાઓછા પ્રમાણમાં સુડોળ, તંદુરસ્ત રાખી શકે છે, એટલે એના વાંકાપણાને નજરઅંદાજ કરવું જોઈએ.

 

 

જીવંત પ્રભુ

 

 

જેમ કૂતરાની પૂંછડીને આપણે સીધી કરી શકતા નથી, કારણ કે તે કૂતરાની પૂંછડી છે; તેવી જ રીતે આ દુનિયાને પણ એ જ કારણે નિર્દોષ બનાવી શકતા નથી. જો આપણે માત્ર પૂંછડી તરફ જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે કૂતરાને જરાય ન જોઈ શકીએ; અને આ પૂંછડી તો એ કૂતરાનો નાનો એવો એક અવયવ છે; અને એ તે કંઈ એટલો બધો મહત્વનો ભાગ પણ નથી. આવી જ રીતે જો આપણે દુનિયાને એકલીને જ ધ્યાનમાં રાખીએ તો આપણે ઈશ્વરને જોવાનું ગુમાવીશું. વેદો આપણને કહે છે કે આ વિશ્વ તો ઈશ્વરનો એક અંશ, અરે ઘણો નાનો અંશમાત્ર છે.

 

આપણી વર્તમાન બુદ્ધિશક્તિ કે સમજણને માટે ઈશ્વર ઘણો વિરાટ અને સૂક્ષ્મ પણ છે. આપણે પ્રતિસંકલ્પનાઓ અને પ્રતિમાઓ દ્વારા ઈશ્વર વિશેનો થોડોક ખ્યાલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રાર્થના, પૂજા, ધ્યાન દ્વારા એમની સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન કરી શકીએ. આ બધું ઉપયોગી તો છે છતાં પણ જો આપણે એને પાર્થિવ દ્રષ્ટિએ જોઈ શકીએ, કંઈક વાસ્તવિક રૂપે જોઈ શકીએ કે આપણા મન અને ઇન્દ્રિયોથી ગોચર થઈ શકે એવું બનાવી ન શકીએ તો એ બધું અમૂર્ત અને અવાસ્તવિક જેવું બની રહે છે.

 

સદ્દભાગ્યે અહીં અને અત્યારે જ આપણા માટે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો શક્ય છે. આ બ્રહ્માંડને વિસ્તારીએ તો ઈશ્વર તો તેના અણુયે અણુમાં પ્રવેશેલો છે એમ કહી શકાય. તે આપણા બધામાં પણ છે અને આપણી આજુબાજુ આપણે જે કંઈ જોઈએ છીએ તેમાં પણ તે જ છે. આપણે બધા દરેકેદરેક મૂર્તિ-છબિમાં નિર્જીવ પ્રભુને જોવા મથીએ છીએ કે પુસ્તકો દ્વારા એને સમજવા પ્રયત્ન કરીએ છીએ. પણ વાસ્તવિક રીતે જોતાં માનવરૂપે દરેકેદરેક વ્યક્તિ ‘જીવંત ઈશ્વર’ છે.

 

સૌની ભીતર અને બહાર આ જીવંત પ્રભુને જોવાથી આપણું ભીતરનું જીવન અને બાહ્ય જીવન અદ્દભુત પરિવર્તન પામે છે. સાથે ને સાથે આપણા પોતા પ્રત્યેના વલણ અને બીજા પ્રત્યેના વલણમાં પણ સુચારુ પરિવર્તન આવે છે. આથી આપણું દૈનંદિન જીવન આધ્યાત્મિકતાવાળું બની રહે છે. પરિણામે દરેકેદરેક શ્વાસ પ્રાર્થનામાં અને દરેક કાર્ય પૂજામાં ફેરવાઈ જાય છે. દરેકને ઈશ્વરનું મૂર્તિમંત સ્વરૂપ ગણવું અને જોવું એ આદર્શને પુનર્જીવિત કરનાર અને એને મહત્વ આપનાર હતા શ્રીરામકૃષ્ણ પરમહંસ. આ આદર્શ આપણા સૌના આધ્યાત્મિક અને વૈશ્વિક જીવન વચ્ચેના, સાચી પ્રભુપૂજા અને કર્મ વચ્ચેના, આ દુનિયા અને પેલે પારના જગત વિશેના અનાવશ્યક ભેદભાવને દૂર કરે છે.

 

આપણે મહત્વનાં ચાર આધ્યાત્મિક સત્યો જોયાં. આ સત્યો – એમાંનું પહેલું છે – દરેકેદરેક સમસ્યાનો અંતે તો એક આધ્યાત્મિક ઉકેલ છે જ. બીજું – આ આધ્યાત્મિક ઉકેલ શોધવા આપણે શક્તિમાન બની શકીએ તે પહેલાં આપણું શારીરિક જીવન ટકાવવાની અને તંદુરસ્ત માનસિક વિકાસ માટેની કેટલીક મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવી જોઈએ. ત્રીજું – આ દુનિયાની સુધારણા લાવે છે. ચોથું – ઈશ્વરને અહીં અને અત્યારે દરેક જીવમાં જોઈ શકાય છે અને નિ:સ્વાર્થ સેવા દ્વારા એમની પૂજા પણ કરી શકાય.

 

 

(રા.જ.૧૧-૦૭(૨૩-૨૫)/૩૩૯-૪૧)

 

 

બ્લોગ લીંક :  http://das.desais.net
email : [email protected]
 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.