પુષ્ટિ માર્ગમાં ગૃહસેવાનું મહત્વ …

પુષ્ટિ માર્ગમાં ગૃહસેવાનું મહત્વ …

 

 

 

gruh seva

 

 

સન્યાસ નિર્ણયમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે આ કલિયુગમાં કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને શાસ્ત્રોક્ત ભક્તિમાર્ગનું અનુકરણ કરવું સંભવ નથી. આપણાં માર્ગમાં સાધનસેવાને બદલે સ્નેહસેવાને મહત્વ આપવામાં આવ્યું છે. કલિયુગમાં જીવોના કલ્યાણ અર્થે એકમાત્ર કોઈ સુંદર અને સુગમ કોઈ ઉપાય હોય તોતે માત્ર શ્રી ઠાકુરજીની સેવા છે, જેના વડે ભગવાનની કૃપા રૂપી ફલની પ્રાપ્તિ થવી સંભવ બને છે. અતઃ એમ કહી શકાય કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની ભાવનામય કરેલી સેવા એજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનો ધર્મ છે. હંમેશા વૈષ્ણવોને પ્રશ્ન હોય છે કે સેવા શી રીતે કરવી? શ્રી વલ્લભકુલ આચાર્ય બાલકો કહે છે કે સેવા કરવામાં ત્રણ વસ્તુઓ અનિવાર્ય છે. અનુસંધાન, અહોભાવ અને આનંદ.

 

 

ઘરમાં બિરાજી રહેલા પ્રભુને આપણે કહીએ છીએ પ્રભુ આપ મારે ત્યાં પધારી મારા હાથની સેવા અંગીકાર કરો છો તે મારે માટે અહોભાગ્ય છે, હું સેવાની રીતપ્રીત જાણતો નથી તેથી જે પ્રમાણે મારી મતિ લઈ જાય છે તે પ્રમાણે સેવા કરું છું જ્યારે પ્રભુ માટે આપણાં હૃદયમાં અહોભાવ આવે ત્યારે આપણું હૃદય દૈન્યતાથી ભરાઈ જાય પછી આવે છે અનુસંધાન. અનુસંધાન રાખવા માટે દરેક વૈષ્ણવે પોતાનાં હૃદયમાં રહેલ ભાવને જાગૃત રાખવાની જરૂર છે. ભાવ વગર જ્યારે સેવા કરીએ ત્યારે સમસ્ત પ્રક્રિયા ભુલાઈ જવાનો સંભવ રહેલો છે પણ પ્રેમભાવ સાથે કરેલી સેવામાં પ્રભુ માટે અને પ્રભુ સાથે અનુસંધાન હંમેશા રહે છે. પ્રેમભાવનાં અનુસંધાન સાથે જોડાઈને જ્યારે આપણે પ્રભુની સેવા કરતાં જઈએ ત્યારે આપણાં હૃદયમાં પ્રભુ માટે, પ્રભુની સેવા માટે આનંદ આવતો જાય છે. આમ સૌ પ્રથમ સેવા માર્ગમાં પ્રવેશ કરતાં પ્રથમ અહોભાવ આવે, અહોભાવ બાદ અનુસંધાન આવે અને અનુસંધાન બાદ આનંદ આવે છે.

 

પ.પૂ.શ્રી ૧૦૮ ગો.શ્રી યદુનાથજી મહોદય શ્રી કહે છે કે વૈષ્ણવો સેવા કેટલા સમય કરે છે તે જરૂરી નથી પરંતુ વૈષ્ણવો સેવા કરે તે જરૂરી છે. તમે પ્રભુ માટે સેવા કરો ત્યારે તમે રાગ, ભોગ અને શૃંગારથી સેવા કરો ભલે આ વસ્તુઓ તમને ન આવડે પણ તેમ છતાં પણ કરો કારણ કે જેમ જેમ તમે કરતાં જશો તેમ તેમ તમે શીખતા પણ જશો. દા.ખ તમારે કાર શીખવી છે પણ ડ્રાઈવરની સીટ પર તમે બેસતા નથી ત્યાં સુધી કાર કેવી રીતે ચલાવવી તે તમે શીખી શકતા નથી, સીટ પર બેસ્યા બાદ જો તમે કાર ચાલું કરો તો તમારી કાર આગળ કેવી રીતે વધશે? માટે કાર આગળ વધારવા માટે તમારે ચાવી ફેરવવી જરૂરી છે. ચાવી ફર્યા બાદ તમારે સ્ટિયરિંગ હાથમાં પગ બ્રેક પર મૂકવો જરૂરી છે જેથી કાર નો કંટ્રોલ તમારા હાથમાં રહે તે જ રીતે જ્યાં સુધી તમે સેવા કરવા માટે તત્પર નહીં થાઓ ત્યાં સુધી સેવામાર્ગમાં શું છે, તેમાં પ્રવેશવું કેવી રીતે? વગેરે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. પરંતુ એકવાર સેવામાર્ગમાં પ્રવેશો પછી આ માર્ગ એટલો અજાણ્યો નથી લાગતો બલ્કે જેમ દિવસો વીતે તેમ તેમ આનંદ ને વધુ ને વધુ આનંદ આવતો જાય છે.

 

 

સેવા કરવાની રીત તો ઘણી જ હોય છે. પરંતુ તમે કઈ રીતે સેવા કરવા ઈચ્છો છો? તે પ્રત્યેક વૈષ્ણવ પર આધાર રાખે છે.

 

 

1) સવારનાં સમયે પ્રભુને જગાડવા.

2) તેમને વસ્ત્ર પરિધાન કરાવી તેમની પાસે દૂધનો મંગલ ભોગ મૂકવો.

3) જળ ગરમ કરી તેમનાં શ્રી અંગને ઉબટન લગાવી તેમને સ્નાન કરાવવું.

4) સ્નાન બાદ તેમને નવા વસ્ત્ર ધારણ કરાવવા.

5) વસ્ત્ર બાદ શૃંગાર ધારણ કરાવવો.

6) શૃંગાર બાદ તેમને ભોગ ધરાવવો.

7) ભોગ ધર્યા બાદ તેમની પાસે તેમની બંસી છડી મૂકવા.

8) બપોરના સમયે રાજભોગ આરોગવાવો.

9) રાજભોગ બાદ પ્રભુ આરામ કરે છે આથી તેમનાં ભારી વસ્ત્ર બદલીને સાદા વસ્ત્રો ધારણ કરાવવા.

10) સાંજના સમયે તેમને સંધ્યાભોગ ધરાવવો અને ત્યાર બાદ પોઢાડી દેવા.

 

 

સામાન્ય રીતે આ પ્રકારની અષ્ટયાં સેવા હોય છે પરંતુ આ પ્રકારની સેવા મરજાદી વૈષ્ણવોનાં ગૃહમાં વધુ જોવા મળે છે. રહી મારી વાત તો હું મારો વધુ સમય સેવામાં રહે તે રીતે નથી કાઢતી. કારણ કે સેવામાં સમય માન્ય નથી પરંતુ સ્નેહ માન્ય છે તેથી બીજા વૈષ્ણવો શી રીતે સેવા કરે છે તે રીતે સેવા કરવા કરતાં મારા લાલન જે રીતે સેવા શીખવે છે તે રીતે સેવા કરતી જાઉં છું.

 

પુષ્ટિમાર્ગીય સાહિત્યમાં પ્રસંગ છે કે શ્રી દેવદમનઠાકુરજીને પાટે બેસાડી રામદાસને શ્રીમહાપ્રભુજીએ સેવા સોંપી. આજ્ઞા કરી, “રામદાસ શ્રીજીની સેવા નીકો રીતે કરજો.” ત્યારે રામદાસજી કહે પ્રભુ મહારાજ સેવા વિષે હું કશું નથી જાણતો.” ત્યારે આપશ્રીએ કહ્યું કે આપ સેવા કરવાનો પ્રારંભ કરો “શ્રીજી બધુ આપને શિખવાડી દેશે”  શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞા આધુનિક વૈષ્ણવો માટે પણ છે જ, આથી વૈષ્ણવોએ કોઈ અન્ય વૈષ્ણવોને પૂછી પૂછીને સેવા કરવા કરતાં પોતાની રીતે સેવા કરવી તેનું કારણ એ છે કે પ્રત્યેક ગૃહની સેવા અલગ અલગ હોય છે. આપણે ત્યાં કહેવત છે કે બાળકનો જન્મ એક સ્ત્રીને માતા અને પુરુષને પિતા બનાવે છે તેમ જ જ્યારે આપને ઘેર જ્યારે ઠાકુરજી પધારે છે ત્યારે તે ઠાકુરજી જ આપને સેવા કરવાની રીત આપને શીખવી દે છે અને સાથે આપને માતા યશોદા અને બાબા નંદ પણ બનાવી દે છે. વળી બીજી બાબત એ પણ છે કે એકવાર સેવામાં પ્રવેશ કરીએ પછી વૈષ્ણવોનાં મનમાં આપમેળે નવા નવા મનોરથો જાગૃત થતાં જાય છે. જેને કારણે આપણે એકમાંથી અનેક રીતો અપનાવતા જઈએ છીએ. આ બાબતને આસક્તિ તરીકે ઓળખવામાં આવે છે.

 

આમ સૌ પ્રથમ અહોભાવ આવે છે, અહોભાવ બાદ અનુસંધાન આવે છે, અનુસંધાન બાદ આનંદ આવે છે, આનંદ બાદ આસક્તિ આવે છે અને આસક્તિ બાદ વ્યસન આવે છે ત્યારે આપણને સેવા વગર ચાલતું જ નથી. પછી તો અનોસર એટ્લે કે સેવામાં ન હોઈએ તો પણ મન સેવામાં જ તત્પર રહે છે, અને પ્રભુ સૂતા હોય તો પણ મન વિરહ ભાવનામાં તરંગો લે છે જેને કારણે સેવા વિષેની, પ્રભુ વિષેની, પ્રભુની કૃપા વિષેની, પ્રભુ માટેના પ્રેમ, રીત વિષેની અસંખ્ય બાબતો તમને અને તમારા હૃદય તથા મનને પ્રભુ સાથે જોડી રાખે છે.

 

 

સાભાર સૌજન્ય : પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ.

 

 

વાંચકમિત્રોને અનુરોધ કરું છું કે સેવા અંગે કોઈપણ વાત ન સમજાતી હોય તો [email protected]  પર મેઈલ દ્વારા જાણ કરી ચોક્કસ પૂછી શકો છો.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

પૂરક સમજ/માહિતી : 

 

શ્રીઆચાર્યજી શ્રીમહાપ્રભુજીએ ‘ભક્તિ વર્ધિની’ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે, “ગૃહે સ્થિત્વા સ્વધર્મઃ” પુષ્ટિજીવે સ્વધર્મનું પાલન ઘરમાં રહીને જ ગુપ્ત રીતે એકાંતમાં સેવ્યની સેવા કરવાનું છે. સેવા વ્યક્તિગત રીતે કરવાની, સામુહિક રીતે નહીં. ઘણા વૈષ્ણવો પોતાના ઠાકોરજીને ભેગા કરી મનોરથો-ઉત્સવો કરે છે. એ રીતે પુષ્ટિમાર્ગમાં નથી. ૮૪/૨૫૨ વૈષ્ણવ ની વાર્તાઓ જુઓ. કોઈએ આ પ્રમાણે ભેગા થઈ ઉત્સવ-મનોરથ કર્યા જ નથી. સેવ્યનાં કોઈને દર્શન કરાવવાની પણ રીત નથી. સેવ્ય એ પ્રેમ સ્વરૂપ છે,પ્રેમ ને ગુપ્ત રખાય, પ્રગટ કરવાથી રસ ન રહે – રસાભાસ થાય. ભાવ અને પ્રેમ ગુપ્ત રાખવા. જતન કરી હૃદયમાં રાખવાની શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે.

 

આજે વૈષ્ણવો સેવ્ય અને સેવાના સ્વરૂપ વિશે દિશાશૂન્ય છે. અજ્ઞાન અને અન્યથાજ્ઞાન, અંધશ્રદ્ધાથી ગ્રસીત છે. આજે સ્વરૂપ જ્ઞાનથી વંચિત છે, મંદિરો – બેઠકોમાં દોડાદોડી ખૂબ વધી ગઈ છે. શું પ્રાપ્ત કરવાનું છે તેનું જ્ઞાન નથી. ગૃહસેવાનું સ્વરૂપ સમજાતું નથી. સેવ્ય જ જીવનો ઉદ્ધાર કરવા તેના ઘરમાં બિરાજી શ્રીવલ્લભની કૃપાથી સેવકની સેવા અંગિકાર કરી રહ્યા છે. સેવા ફક્ત શ્રીજી-શ્રીકૃષ્ણની જ થાય, શ્રીવલ્લભની કે શ્રીયમુનાજીની સેવા ના કરાય. શ્રીવલ્લભની આજ્ઞા છે, “કૃષ્ણ સેવા સદા કાર્યા.” સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે, “સર્વદા સર્વ ભાવે ભજનિયો વ્રજાધીપ” વ્રજના અધિપતિ – સદાનંદ – રસાત્મક કૃષ્ણ –શ્રીજીની જ સેવા બતાવી છે. આપે આજ્ઞા કરી છતાં તેનું ઉલ્લંઘન કરી વૈષ્ણવો બીજાની સેવા કરે તો ગૂરૂ અપરાધ જરૂર લાગે છે. આજ્ઞાનું ઉલ્લંઘન એ અપરાધ છે. “શ્રીવલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવ” શ્રીવલ્લભ અને શ્રીજીમાં કોઈ ભેદ નથી જ. આ વાત શ્રીગુસાંઈજી “વલ્લભાષ્ટક”મા કહે છે.

સાભાર : શ્રી વલ્લભ અનુગ્રહ.કોમ

એલચી :-

મરજાદ એટ્લે શ્રી વલ્લભે અને તેમના વંશજો એ સેવા માટે બનાવેલા નીતિ નિયમોનું પાલન કરવું તે. પરંતુ આ નિયમોનું બધાં જ લોકો પાલન નથી કરી શકતાં, તેથી મરજાદનું પાલન નથી થયું તેવો કોઈ જ ક્ષોભ મનમાં રાખવો નહીં. વળી જે વૈષ્ણવો મરજાદનું પાલન કરી નથી કરી શકતાં તેમના પર પણ પ્રભુ પ્રસન્ન થાય જ છે, કારણ કે…… વૈષ્ણવ માર્ગમાં સેવા એ સ્નેહને વધુ પ્રાધાન્ય આપે છે સેવામાં સમય કે નીતિનિયમોનું એટલું મહત્વ નથી. હવે તો આપણાં વલ્લભકુલ બાળકો પણ કહે છે કે મરજાદ કરો તો પાળીને પણ બતાવો પણ વિચાર્યા વગર મરજાદ ન કરવો જોઈએ. ઉપરાંત 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભનાં સમયમાં જે મરજાદ હતો તે મરજાદ આજે પૂરી રીતે નથી જળવાતો. દા.ખ 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભ ચાલીને યાત્રા કરતાં આજે ચાલીને યાત્રા કરનારા કેટલા છે? બીજો પ્રસંગ જોઈએ શ્રી વલ્લભ જ્યારે સ્વહસ્તે ભોગ બનાવતાં ત્યારે જમીનની અંદર વૂડ નાખી તેનાં ચૂલામાં પાકી રસોઈ બનાવતાં. આજે તો કોલસાથી ચાલતી સગડી જ નથી રહી બધે ગેસ અને ઈલેકટ્રીકનાં ચૂલા આવી ગયા છે તો તે રીતે જોઈએ તો સમય અને નીતિનિયમો બદલાઈ ગયાં ને…? મરજાદનું પણ એવું જ છે. શ્રી વલ્લભકુલ બાળકો કહે છે કે સમય અનુસાર પ્રત્યેક વ્યક્તિઓએ બદલવું જ જોઈએ.