(૧) આદતની મજબુરી … (પ્રેરકકથાઓ) …

(૧)  આદતની મજબુરી …

 

page

 

એક દિવસ એક માણસને પોતાના કાતરિયામાંથી એક જૂનું પુસ્તક મળ્યું. એનાં પાનાં પીળાં થઇ ગયાં હતાં. કેટલાંક પાનાં તો અડતાંની સાથે જ ભરભર ભૂક્કો થઇ ગયાં. એને એટલો તો ખ્યાલ આવી ગયો કે આ પુસ્તક જાદુઈશક્તિ વિશે હતું. એ પુસ્તકમાંથી એક ફકરા સિવાયની વસ્તુને એ સમજી ન શક્યો. એ ફકરામાં એવી નોંધ હતી કે કાળા સમુદ્રના કિનારે એવા લીસા પથ્થરના ટુકડા હોય છે કે જે કોઇપણ પદાર્થને સ્પર્શે તો તે પદાર્થ સોનું બની જાય. એ પુસ્તકના પ્રાચીન લેખકે એમાં લખ્યું હતું કે બીજા લીસા બધા પથ્થર કરતાં આ પથ્થર થોડો ઉષ્માવાળો હોય છે.

 

પેલો માણસ તો ઉપાડ્યો કાળા સમુદ્રના કિનારે અને માંડ્યો એવા પથ્થરાની શોધ કરવા. સવારથી સાંજ સુધી કિનારા પરના પથ્થરને લેતો એને સ્પર્શતો અને એ ટાઢાબોળ પથ્થરાને દૂર દરિયામાં ફેંકી દેતો.

 

આમ દિવસો વહેતા વહેતા કેટકેટલાંય મહિના વીતી ગયા. અરે એક વરસનું વહાણું વાયુ ! બીજું વર્ષ આવીને એમને એમ ચાલ્યું ગયું, અને આ ભાઈ તો પેલા સુવર્ણ સ્પર્શનો પથ્થરો શોધતો રહ્યો. એનું કમનશીબ તો એ હતું કે એ વારેવારે દરિયાકિનારાના પથ્થરા હાથમાં લેતો એને ઠંડાગાર જોઇને દૂર દરિયામાં પાછા ફેંકી દેતો. હવે તો એ પથ્થરાને ઉપાડીને એને સ્પર્શીને, અને વળી પાછા દરિયામાં ફેંકી દેવાથી ટેવાઈ ગયો હતો. આ પ્રક્રિયા કેટલાય વખત સુધી ચાલ્યે રાખી. એક દિવસ તે થાકી હારી ગયો હતો. બીજા દિવસે સુવર્ણ સ્પર્શવાળા પથ્થરની શોધ કરવા દરિયાકિનારે પાછો આવવા માટે એ જવાની તૈયારીમાં હતો. બરાબર એ જ વખતે એની સામે એક આવો પથ્થરો પડ્યો હતો. એણે એ પથ્થરાને હાથમાં લીધો, જોયું તો એનો સ્પર્શ ઉષ્માભર્યો હતો; પણ પોતાની કાયમી ટેવને લીધે વગર વિચાર્યે એણે એ પથ્થર પણ દરિયામાં ફેંકી દીધો.

 

આ છે ટેવની પ્રબળ શક્તિ એટલે જ તમારા જીવનમાં દુઃખ નોતરતી કુટેવોથી તમારે દૂર રહેવું જોઈએ.

 

 

 

*****

tree

 

(૨) કૂણું ઝાડ જેમ વાળીએ તેમ વળે …

 

 

એક વિદ્વાન શિક્ષક પાસે એક ધનવાન અને સાધનસંપન્ન સદ્દગૃહસ્થે પોતાના પુત્રને કુટેવોથી મુક્ત કરવા વિનંતી કરી. વિદ્વાન શિક્ષકે એ જવાબદારી માથે લીધી. ધનવાનના પુત્રને પોતાના આશ્રમમાં રાખ્યો.

 

એક દિવસ શિક્ષક એ પુત્રને સાથે લઈને ઉદ્યાનમાં ટહેલવા નીકળ્યા. એકાએક એક સ્થળે ઊભા રહીને તેમણે વિદ્યાર્થીને કહ્યું : ‘ભાઈ, તું અહીં ઊગી નીકળેલા આ નાના નાના છોડને કાઢી શકીશ ?’ વિદ્યાર્થીએ શિક્ષકની આજ્ઞાને શિરોમાન્ય ગણીને પોતાનાં આંગળાથી એ બધા છોડ ઉખેડી નાખ્યા. એટલો ભાગ સ્વચ્છ-સુંદર થઇ ગયો. આગળ ચાલતાં ચાલતાં થોડા મોટા છોડવા આવ્યા. જ્યાં ત્યાં ઊગી નીકળેલા એ છોડવાને ઉખેડી નાંખવા શિક્ષકે વિધાર્થીને કહ્યું. વિદ્યાર્થીએ પણ સારી એવી મહેનત કરીને એ બધાય છોડવા જડમૂળથી ઉખેડી નાખ્યા.

 

આગળ જતાં એક ઝાડી-ઝાંખરાનું ઝૂંડ આવ્યું. શિક્ષકે વિદ્યાર્થીને એ ઝાડી –ઝાંખરા તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘ભાઈ, બને તો આને પણ ઉખેડી નાખ, એ બહુ નડતરરૂપ છે.’ વિધાર્થીએ પોતાની બધી શક્તિ અજમાવીને એ ઝાડી-ઝાંખરાના ઝૂંડને પણ દૂર કરી દીધું. એમ કરતાં તેઓ જામફળીના વૃક્ષ પાસે આવ્યા. શિક્ષકે વળી પાછા એ વૃક્ષને જડમૂળથી ઉખેડી નાંખવા વિધાર્થીને આદેશ આપ્યો. અત્યાર સુધી શિક્ષકની બધી આજ્ઞાનું આ વિધાર્થી પાલન કરતો રહ્યો હતો. હવે એની શક્તિની સાચી પરીક્ષા હતી એટલે એણે એ જામફળીના થડને પકડીને હચમચાવી; પણ એ તો એમને એમ રહી. વધુ બે-એક પ્રયત્ન કર્યા પરંતુ એમાં એ નિષ્ફળ ગયો. અંતે હિંમતહારીને તેણે ગુરુજીને કહ્યું : ‘સાહેબ, આ નીકળે એમ નથી, મારા માટે એ અશક્ય છે.’

 

આ સાંભળીને શિક્ષકે વિધાર્થીને પ્રેમથી કહ્યું : ‘બેટા, આવી જ વાત કુટેવોની છે. એ નાની હોય ત્યારે એને દૂર કરી દેવી બહુ સરળ બની રહે છે. પણ કુટેવો જ્યારે ઊંડાં મૂળિયાં નાખી દે ત્યારે એને દૂર કરવી મુશ્કેલ છે.’ શિક્ષકની આ વાતે વિધાર્થીના જીવનનું પરિવર્તન કરી દીધું.

 

 

(રા.જ.૧૧-૦૬(૨૩)/૩૪૩)

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.