મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … (૬-૧૫) …(ભાગ-૨) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …. 
શ્રી વલ્લભ સાખી   …   (૬-૧૫) … (ઉત્તરાધ) …

-મહેશ શાહ, વડોદરા

ભાગ – [૨]

 

vallabh sakhi

 

 

 ગતાંકમાં આપણે પ્રથમ પાંચ સાખીનું રસપાન કર્યું. હવે વલ્લભ ભક્તિ ઉદધીમાં આપણી નાવ આગળ ચલાવીએ.

 

श्री वल्लभ नाम अगाध है, जहाँ तहां मत बोल |
जब हरिजन ग्राहक मिले, ता आगे तू खोल ||६||

 

શ્રી વલ્લભ પ્રભુનું નામ એવું છે કે તેનો પાર પામી શકાય જ નહીં. સર્વોત્તમ સ્તોત્રના ૨૭, ૨૮ અને ૩૦મા શ્લોકમાં શ્રી વલ્લભના ત્રણ નામ બિરાજે છે. ‘સર્વાજ્ઞાતલીલ:’, ‘પર:’ અને ‘ત્રીગુણાતિત:’ તેનો અર્થ સમજીએ તો, શ્રી ગુસાંઈજી પ્રકાશ પાડે છે કે શ્રી વલ્લભની લીલાઓ સર્વથી સમજાતી નથી, તેઓ સર્વથી ઉત્તમ (SUPREME) છે અને સત્વ, રાજ અને તમ એ ત્રણ ગુણોથી પર અથવા નિરાળા છે. તેવી જ રીતે ૨૩મા શ્લોકમાં ‘નિગુઢ હૃદય:’ નામ દ્વારા જણાવાયું છે કે આપશ્રી અતિશય ગુઢ હૃદય વાળા છે. એવા શ્રી વલ્લભનું નામ અગાધ છે. આવા અણમોલ નિધિનું દાન સુપાત્રે જ કરાય, જ્યાં ત્યાં તેને વેડફી ન દેવાય. રાજહંસને જ સાચા મોતીનો ચારો અપાય, ઝવેરી જ હીરાનું મૂલ્ય સમજી શકે, તેમ દૈવી જીવો જ શ્રી વલ્લભના નામનો મહિમા જાણી શકે અને તેમને જ એનું મૂલ્ય સમજાય તેથી એવા તાદ્રશી જન મળે ત્યારે તેમની પાસે જ આ અણમોલ ખજાનો ખોલવો જોઈએ.

 

श्री वल्लभवर को छांडीके, और देवको ध्याय |
ता मुख पन्हैया कूटिये, जब लग कूटी जय ||७||
श्री वल्लभ वल्लभ रटत हो, वल्लभ जीवन प्राण |
श्री वल्लभ कबहुँ न विसरी, हो मोहिं मात पिताकी आन ||८||
मैं इन चरण न छांडी हों, श्री वल्लभवर व्रज इश |
जो लैं तन में श्वास है, तो लौं चरण धरो शीश ||९||
बहुत दिन भटकत फिरयो, कछु न आयो साथ |
श्री वल्लभ सुमर्यो तबै, पर्यो पदारथ हाथ ||१० ||

 

 

આ ચાર સાખીમાં શ્રી હરિરાયજી અન્યાશ્રયથી બચવાની અને અનન્યાશ્રય કેળવવાની શીખ સરસ રીતે દર્શાવે છે. અન્યાશ્રયીનું મોઢું જૂતાંથી છુંદી નાખવાનું કહે છે. જૂતાંનો હાર પહેરાવવો કે તે મારવાનો અર્થ એ જ કે તેનું અપમાન ंકરવું, તેને બહિષ્કૃત કરવો/કરવી. આપણા જ નહીં સર્વ સમ્પ્રદાયમાં અન્યાશ્રયને અતિ બાધક ગણ્યો છે. આધુનિક માનસશાસ્ત્ર પણ આ વાતનું અનુમોદન કરે છે. સંકેન્દ્રિત (focused) પ્રયત્નો જ ઈચ્છિત ફળ આપી શકે છે. જમીનમાં ૧૦-૧૦ ફૂટના ૧૦ ખાડા કરીએ તો પાણી નહીં મળે તેને બદલે એક જ જગ્યાએ ૫૦ ફૂટનો કુવો ખોદવાથી નિર્મળ જળ પ્રાપ્ત થવાની વિશેષ શક્યતા રહેલી છે. શ્રી ગીતાજીમાં પણ પ્રભુએ આજ્ઞા કરી છે કે સર્વ ધર્મ ત્યજી માત્ર મારા શરણે આવો. એક શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય સર્વ સાધક છે તો અન્યાશ્રય અત્યંત બાધક છે. આપણી આધ્યાત્મિક યાત્રામાં શ્રી વલ્લભ નામના ધ્રુવ તારકનો આધાર, આશ્રય, સહારો ઈચ્છિત ધ્યેય સુધી જરૂર પહોંચાડશે.

 

 

પંચ મહાભૂતના આ શરીરમાં પ્રાણ વગર સઘળું નિરર્થક છે તેવી જ રીતે આપણા અસ્તિત્વનો આધાર માત્ર અને માત્ર શ્રી વલ્લભ જ છે. માબાપના સોગંદ લઈને શ્રી હરિરાયજી કહે છે કે, ‘શ્રી વલ્લભનું પરમ પાવક નામ હું પ્રાણાંતે પણ વિસારે પાડીશ નહીં, જ્યાં સુધી શ્વાસ ચાલતો રહેશે ત્યાં સુધી તેમનું નામ સ્મરતો રહીશ.’

 

 

અનેક ઉપાય, અનેક પ્રયત્નો, અનેક ઉધામા કર્યા પછી પણ કાંઈ પ્રાપ્ત ન થયું હોય, નિષ્ફળતા, નિરાશા, હતાશા સિવાય કાંઈ લાધ્યું ન હોય. અખાએ ગાયું હતું તેમ પથ્થર એટલા દેવ પૂજ્યા હોય, જાત જાતના ટીલાં ટપકાં કર્યા હોય, અનેક યજ્ઞ યાગાદી કર્યા હોય, હોમ હવન કર્યા હોય પણ અંતે કાંઈ જ મળ્યું ન હોય. આવું બને કારણ કે શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં આચાર્યશ્રીએ કહ્યું છે તેમ કાળ, દેવો, સ્થળ, તીર્થ, દ્રવ્ય એ બધા જ કલિયુગના દોષથી દુષિત થઇ ગયા હોઈ ફળદાયક નથી રહ્યા. આ કળીયુગમાં શ્રી વલ્લભની કૃપા એક માત્ર સાધક છે. રામાવતારમાં મોટા મોટા પથ્થરો અને ખડકો પણ સમુદ્રના પાણીમાં ડૂબ્યા ન હતા કારણ કે તેના ઉપર રામ નામ અંકિત થયેલું હતું. તેવી જ રીતે શ્રી વલ્લભે પણ દૈવી જીવોના હિતાર્થે અવતાર લીધો છે તેથી તેમના નામમાં પણ અગાધ શક્તિ છે, આપે પ્રાકૃત ધર્મોનો અનાશ્રય કર્યો છે (પ્રાકૃતધર્માનાશ્રયમ્) અને આપનો પ્રતાપ અતિ ઉગ્ર છે (શ્લો.૧૫). આપ ઉપાસના વિગેરે માયાવાદી માર્ગોમાં મૂંઝાયેલા લોકોના મોહનો નાશ કરનારા છે (ઉપસનાદિમાર્ગાતિ મુગ્ધ મોહ નિવારક: શ્લો. ૨૪), કૃપાના ભંડાર/નિધીરૂપ (શ્લો. ૭), મહા કરુણાવાન (શ્લો.૧૦) છે. તેથી જ્યારે પણ ભક્ત વલ્લભના નામનું સ્મરણ, તે નામનો આશ્રય કરે છે ત્યારે અનાયાસ જ લૌકિક, અલૌકિક સર્વ કાર્ય સિદ્ધ થઇ જ આવે છે. વિશેષ પ્રયત્નો કરવાની કોઈ જરૂરત રહેતી જ નથી. શ્રી ચતુ:શ્લોકી ગ્રંથમાં નિરૂપાયેલા પુષ્ટિ માર્ગના ચારે પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ, મોક્ષ) શ્રી વલ્લભના આશ્રયથી જ સિદ્ધ થઇ જાય છે.

 

 

बहे जात भवसिंधुमें, दैवी सृष्टि अपार |
तिनको करन उद्धार प्रभु, प्रगटे परम उदार ||११||

 

 

પ્રભુની નિત્ય લીલાના સંગીઓ જ માનવ દેહ ધારણ કરી પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. તેમાં કોઈ લીલામાં થયેલા અપરાધને કારણે તો કોઈ પ્રભુની ભૂતલ પરની લીલાની અનુકુળતા માટે અહિં આવ્યા છે. મૂલત: તે સૌ લીલા સાથે સંબંધિત દૈવી જીવો છે. આ દિવ્ય સૃષ્ટિ ભવસાગરમાં અટવાઈ ન જાય, પોતાના પ્રિયનું અનુસંધાન ગુમાવી ન બેસે, પ્રેયના મોહમાં શ્રેય ભૂલી ન જાય તે માટે રાહબર શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે. આથી જ શ્રી ગુસાંઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી વલ્લભના દૈવોધાર પ્રયત્નાત્મા: (શ્લો.૧) અને સ્ત્રી શુદ્રાધ્યુતીક્ષમ: (શ્લો.૯) એવા ૨ નામ પ્રગટ કર્યા છે.

 

 

श्री वल्लभ करुना करी, कलीमें लियो अवतार |
महा पतित उद्धार के, कीनो यश विस्तार ||१२||

 

 

કલીયુગમાં પાખંડ અને પાપાચારનો પ્રભાવ રહે છે. રજોગુણ અને વિશેષ તો તમોગુણનું પ્રચલન રહે છે. આવા આ કાળમાં પ્રભુના પંથે પ્રવાસ અઘરો બની રહે છે. પ્રભુની કૃપા થાય તો જ કોઈ માર્ગદર્શક, કોઈ હાથ પકડનાર, કોઈ ઉધ્ધારક મળી આવે છે. આપણા શ્રી વલ્લભનું પ્રાગટ્ય પણ પતિતોના ઉદ્ધાર માટે, ભવાટવીમાં ભટકતા જીવોને યોગ્ય રાહ દેખાડવા માટે જ થયું છે. આથી જ ૨૭ મા શ્લોકમાં પતિત પાવન: એવું આપનું નામ બિરાજે છે. પતિતોના અને દૈવી જીવોના રાહબર એવા શ્રી વલ્લભનો યશ તેમના મહા કારુણિક (શ્લો.૧૦) સ્વભાવના કારણે ત્રિભુવનમાં વિસ્તર્યો છે.

 

 

श्री वल्लभ वल्लभ कहत हों, वल्लभ चितवन बेन |
श्री वल्लभ छांड और ही भजे, तो नहीं निरखो नैन ||१३||
पाठ भेद: (तो फूट जाओ दोउ नैन)

 

 

અહીં શ્રી હરિરાયજી ફરી દ્રઢ આશ્રયની અને અન્યાશ્રયના વિરોધની વાત કરે છે. મનથી શ્રી વલ્લભ નામનું અહર્નિશ સ્મરણ, એમનું જ રટણ, ચિત્તમાં એમનું જ સતત ચિંતન, વાણીથી સતત તેમનું જ યશોગાન એ જ પ્રત્યેક વૈષ્ણવનું કર્તવ્ય છે. આપની અનન્યતા અને દ્રઢતા એવી છે કે શ્રી વલ્લભને છોડી ભૂલથી પણ અન્યાશ્રય થઇ જાય તો તેની સજા રૂપે એવું માંગે છે કે મારી આંખો તેની જોવાની શક્તિ ભલે ગુમાવી દે(અથવા: બન્ને આંખો ભલે ફૂટી જાય). આવી અંધત્વની આકરી સજા માંગીને એ દર્શાવાયું છે કે અન્યાશ્રય કેવો ભયાવહ અને ઘાતક છે. શ્રી હરિરાયજી આપણને ચેતવે છે કે જોજો ભાઈ ગફલતમાં ન રહેશો, સતત જાગૃત્ત રહી મન અને વચનથી શ્રી વલ્લભમય રહેજો. અન્યાશ્રયના પરિણામો ૮૪-૨૫૨ના અનેક વૈષ્ણવોના મિષે આપણને જાણવા મળે છે. જો રંચક પણ માર્ગ ચૂકીને, રાજમાર્ગ ચાતરીને અવર માર્ગે પગલાં પાડીએ તો જગતના આ જંગલમાં ભટકી જશું અને પછી તો કોઈ આરો વારો નહીં રહે. આ જન્મ સફળ અને સાર્થક કરવાનો એક્સપ્રેસ હાઈ વે એટલે વલ્લભ અને તેનો ટોલ ટેક્સ એટલે તેમનું શરણ, સ્મરણ ચિંતન અને તેમનું જ ભજન. શ્રી વલ્લભે આપણા માટે જ અવતાર લીધો છે, આપણો ઉદ્ધાર થશે જ પણ આપણા પક્ષે અન્યાશ્રયથી ડરતા રહીને અનન્યાશ્રયયુક્ત ભક્તિ રાખવી જરૂરી છે. ગીતાજીમાં પણ પ્રભુએ કહ્યું છે કે સંશયાત્માનો વિનાશ થાય છે. આપણે પણ આપણા ગુરુ, પતિત પાવન એવા શ્રી વલ્લભની કૃપામાં, તેમના સામર્થ્યમાં, તેમના અવતાર હેતુમાં, તેમની કરૂણામાં અને તેના કારણે થનાર આપણા ઉદ્ધારમાં લેશ માત્ર પણ સંશય કરીએ તો આપણો [અર્થાત આપણા ભાવનો, આપણા ઉધ્ધારની શક્યતાનો, પ્રભુની પ્રાપ્તીનો] વિનાશ પણ અવશ્યંભાવિ છે.

 

 

શ્રી હરિરાયજીએ આંખો ફૂટવાની વાત કરી છે પણ ખરેખર તો આવા સમર્થ, આવા કારુણિક શ્રી વલ્લભને છોડનાર દ્રષ્ટિહીન જ હોય, ભૌતિક આંખો ભલે હાજર હોય સારૂં નરસું પારખવાની દ્રષ્ટિ, નીર-ક્ષીર ન્યાય કે શ્રેય-પ્રેયનો વિવેક ગુમાવી દીધેલા સૌ દ્રષ્ટિ હીન, છતી આંખે આંધળા જ છે. આવું બનવાનું કારણ પણ સર્વોત્તમ સ્તોત્રમાં (શ્લો.૨) જ દર્શાવ્યું છે. આ યુગ જ એવો છે કે દ્રષ્ટિ દુષિત થઇ જ જાય, કહેવાતા વિદ્વાનો પણ આ દિવ્ય સ્વરૂપનો મહિમા સમજી શકતા નથી.

 

 

धूर परो वा वदनमें, जाको चित्त नहीँ ठौर |
श्री वल्लभवर को विसारिके, नयनन निरखो और ||१४||

 

 

જેનું ચિત્ત અસ્થિર છે, મન ડામાડોળ છે, ઘડીમાં અહિં તો ઘડીમાં ત્યાં ફાંફા મારે છે તેની કોઈ ગતિ નથી. વલ્લભના શરણે પહોંચી ગયા પછી પણ, જીવનનું પરમ સુંદર લક્ષ્ય પ્રાપ્ત કરી લીધા પછી પણ, મન અશાંત છે, ચિત્તમાં વિહ્વળતા છે, ચકળવકળ આંખો ચારે બાજુ ચકરાવા લીધા કરે છે. આપ અલૌકિક સર્વ લીલા રસના ભાવરૂપી શૃંગારથી સુશોભીત અને સહજસુંદર: છે (શ્લો. ૩૨), ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનાર (શ્લો.૨૭), સર્વ કરતાં શ્રેષ્ઠ (પર: શ્લો. ૨૮) એવા શ્રી વલ્લભને વિસારી દઈ જેના નયન બીજે ભટકવા જાય તેનું જીવતર ધૂળ સમાન છે, તેનો જન્મ વૃથા છે, પ્રભુએ કરૂણાથી વરણ કર્યું તે પણ એળે ગયું છે.

 

 

એકાગ્રતા ખુબ જ ઉપયોગી ગુણ છે, અલૌકિકમાં તો એકાગ્રતા પ્રથમ પગથીયું ગણાય. ધ્રુવે એકાગ્ર ચિત્તથી માત્ર છ માસમાં અત્યંત નાની વયે સાક્ષાત્કાર સિદ્ધ કર્યો હતો. આપણે પણ સ્થિર ચિત્તે એક શ્રી વલ્લભ નામ જહાજમાં યાત્રા કરી ભવસાગર તરી શકીશું.

 

 

शरणागति जब लेत हैं, करत त्रिविध दुःख दूर |
शोक मोह तें काटीके, देत आनद भरपूर ||१५||

 

 

શ્રી વલ્લભનું શરણ મળે એટલે સર્વ કાર્ય આપોઆપ સિદ્ધ થઇ જાય છે. લૌકિક અને અલૌકિક, આ લોકના અને પરલોકના, આધીભૌતિક, આધ્યાત્મિક અને આધીદૈવિક ત્રણે પ્રકારના સંતાપ તુરત નાશ પામે છે. આપનું સ્મરણ કરવાથી જ સર્વ દુખ, સર્વ તકલીફ, સર્વ આર્તિનો તત્કાલ નાશ કરે છે, (સ્મૃતીમાત્રાર્તીનાશન: શ્લો. ૭). આપણા મનમાં રહેલા શોક અને મોહ જેવા માયા જનિત અનેક બાધક બંધનો કાપી શ્રી વલ્લભ આપણને પ્રભુની પ્રીતિથી રસ તરબોળ કરી દે છે. માત્ર અંગીકાર કરીને અટકી નથી જતા પણ આપણે પ્રભુને લાયક થઈએ, પ્રભુને પ્રિય થઈએ, પ્રભુ આપણને પ્રિય માને તેવું કરે છે. આથી જ શ્રી સર્વોત્તામમાં આપનું ‘શ્રી અંગી કૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ:’ (શ્લો. ૧૦) એવું પરમ પાવનકારી નામ બિરાજે છે. પ્રભુ તો સત્, ચિત્ત્ અને આનંદ સ્વરૂપ છે. આવા આનંદ ઘન સ્વરૂપની પ્રીતિથી જીવ પણ રસ તરબોળ અને આનંદમય બની જાય છે.

 

 

પુષ્ટિની આજ ખૂબી છે, આ જ મહાનતા છે. અહીં રસેશ્વર શ્રી કૃષ્ણનું સાનિધ્ય છે, લીલાની અનુભૂતિ છે, શુદ્ધ આનંદ છે. પ્રભુની કૃપાથી આપણું વરણ થયું છે તો તેનો આનંદ અહર્નિશ માનતા રહીએ અને શ્રી વલ્લભના ગુણગાન ગાતા રહીએ.

 

 

ક્રમશ:

 

 

( નોંધ: આ લેખમાળામાં આપેલા શ્લોક ક્રમાંક, અન્ય ઉલ્લેખ ન હોય તો, શ્રી સર્વોત્તમ સ્તોત્રના શ્લોક ક્રમાંક છે)

 

 

ક્રમશ:

(C) Mahesh Shah 2012
સૌજન્ય – સાભાર : મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા  ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
eamil : [email protected]

 

 

શ્રી મહાપ્રભુજી હરિરાયજી કૃત ‘શ્રી વલ્લભ સાખી’ ની ઝાંખી, મહેશ ભાઈ શાહ, વડોદરા ની કલમ દ્વારા ‘દાદીમા ની પોટલી’ પર આપ સમયાંતરે નિયમિત માણી શકો તે અંગે અમો નમ્ર કોશિશ -પ્રયાસ કરેલ છે.  ‘દાદીમા ની પોટલી’ પર શ્રી વલ્લભ સાખીની પોસ્ટ મોકલવા બદલ અમો શ્રી મહેશભાઈ શાહ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  

 

આપના બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

નોંધ :  ‘વલ્લભ સાખી ભાગ -૧’ આ અગાઉ આપે માણ્યો ન હોય તો, આપની  ની સરળતા માટે  ભાગ -૧ ની બ્લોગ લીંક આ સાથે  અહીં દર્શાવેલ છે, જેના પર ક્લિક કરવાથી તે અહીં જ માણી શકાશે…

 

બ્લોગ પોસ્ટ લીંક : 

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …. શ્રી વલ્લભ સાખી … (૧-૫)