સત્વગુણ જ જીવનમૂલ્ય …

સત્વગુણ જ જીવનમૂલ્ય …

 

sunrise

 

 

વૈધ ત્રણ પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને નિષ્કૃષ્ટ. જે વૈધ આવીને નાડી તપાસીને ‘દવા લેજો હોં !’ એમ કહીને ચાલ્યો જાય, તે નિષ્કૃષ્ટ વૈધ. દર્દીએ દવા લીધી કે નહિ એની પરવા એ નથી કરતો. જે વૈદ્ય દર્દી ને દવા લેવા સારું કેટલુંય કરી સમજાવે, જે મીઠા શબ્દોમાં કહેકે ‘ભાઈ, દવા ન લઈએ તો દરદ મટે કેમ કરી ને ! તમે તો ડાહ્યા છો ને, ખાઓ તો. લો, હું પોતે તૈયાર કરી આપું છું, ખાઈ જાઓ !’ એ માધ્યમ પ્રકારનો વૈદ્ય. અને જે વૈદ્ય દરદી કોઈ રીતે દવા ખાતો નથી એ જોઈ છાતી પર ચડી બેસીને પરાણે દવા ગળે ઉતારી દે એ ઉત્તમ વૈદ્ય.

 

વૈદ્યની પેઠે આચાર્યો પણ ત્રણ પ્રકારના : ધર્મોપદેશ આપ્યા પછી શિષ્યોની જે કશી ખબર રાખે નહિ તે આચાર્ય નિષ્કૃષ્ટ. જે શિષ્યોના કલ્યાણ સારું તેમને બરાબર સમજાવે, કે જેથી તેઓ ઉપદેશને મનમાં ધારણ કરી શકે, કેટલોય આગ્રહ કરે, પ્રેમ દર્શાવે એ માધ્યમ પ્રકારના આચાર્ય. અને શિષ્યો જ્યારે કોઈ રીતે સાંભળતા નથી એમ જોઇને કોઈ આચાર્ય બળ પણ વાપરે તેને કહેવાય ઉત્તમ આચાર્ય.’

 

આચાર્યનું કામ બહુ કઠણ. ઈશ્વરના સાક્ષાત આદેશ વિના લોકોને ઉપદેશ આપી શકાય નહિ. જો આદેશ મળ્યા વગર ઉપદેશ આપો તો માણસો સાંભળે નહિ, એ ઉપદેશમાં જરાય શક્તિ ન હોય. પ્રથમ સાધના કરવી જોઈએ.

 

સત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણો છે. સત્વગુણી માણસ પોતાની ભક્તિ ખાનગીમાં કરે છે. … થોડો ભાત અને શાક જેવા સાડા ખોરાકથી એ શરીરને ટકાવી રાખે છે. એના ખોરાકમાં કે પોશાકમાં મોજશોખને સ્થાન નથી. એના ઘરમાં રાચરચીલાના ઠાઠમાઠ નથી. અને ખુશામત કરીને એ કદી આગળ વધવા ચાહતો નથી.

 

 

સત્વગુણ ઈશ્વર તરફ લઇ જાય છે.

 

‘એક ધનવાન માણસ વનને રસ્તે થઈને જતો હતો. એટલામાં ત્રણ લૂંટારૂઓએ આવીને તેને ઘેરી લઇ તેનું સર્વસ્વ લૂંટી લીધું. બધું લૂંટી લીધા પછી એક લૂંટારો કહે છે કે ‘હવે આને જીવતો શું કામ રાખવો ? એને મારી નાંખો.’ એમ કહીને તેને કાપી નાંખવા ગયો. ત્યાં બીજો લૂંટારૂ બોલ્યો કે ‘ઠાર મારી નાંખવાની કોઈ જરૂર નથી. એને મુશ્કેટાટ બાંધીને અહીં જ મૂકી જઈએ. એટલે એ પોલીસમાં ખબર આપી શકશે નહિ.’ એમ કહીને એને સજ્જડ બાંધી મૂકીને લૂંટારૂઓ ચાલ્યા ગયા.

 

‘થોડી વાર પછી ત્રીજો લૂંટારો પાછો આવ્યો.  આવીને કહ્યું કે, ‘અરે ભાઈ, તમને બહુ જ દુઃખ થાય છે, ખરું ને ? ચાલો હું તમારું બંધન છોડી નાખું છું.’ એમ કહીને દોરડાં છોડી નાખ્યાં. અને પછી એ માણસની સાથે રહીને તેને જંગલમાંથી રસ્તો દેખાડતો ચાલવા લાગ્યો અને મોટા રસ્તા પર લાવીને તેને મૂકી દીધો. અને કહ્યું કે, ‘આ રસ્તે – રસ્તે તમે ચાલ્યા જાઓ, એટલે તમે અનાયસે તમારે ઘેર પહોંચી જશો.’ પેલા માણસે કહ્યું, ‘ ભાઈ, આપ પણ મારે ઘેર પધારો, આપે મારા પર કેટલો ઉપકાર કર્યો ! આપ અમારે ઘેર આવશો તો અમને કેટલો આનંદ થશે.’ લૂંટારો કહે, ‘ના જી, મારાથી ત્યાં અવાય નહિ; પોલીસ પકડે.’ એમ કહીને એ લુંટારો રસ્તો બતાવીને ચાલ્યો ગયો.

 

‘પહેલો લૂંટારો તમો ગુણ, કે જેણે કહ્યું કે ‘આને રાખવો શું કામ, મારી નાખો !’ તમોગુણથી વિનાશ થાય. બીજો લૂંટારો રજોગુણ. રજોગુણથી માણસ સંસારમાં બદ્ધ થાય, અનેક કામકાજમાં ગૂંચાય. રજોગુણ ઇશ્વરને ભુલાવી દે. માત્ર સત્વગુણ જ ઈશ્વરનો માર્ગ દેખાડી દે. દયા, ધર્મ, ભક્તિ વગેરે બધાં સત્વગુણથી થાય. સત્વગુણ જાણે કે સીડીનું છેલ્લું પગથિયું, ત્યાર પછી જ અગાસી. માણસનું સ્વધામ છે પરબ્રહ્મ. ત્રિગુણાતીત થયા વિના બ્રહ્મજ્ઞાન થાય નહિ.

 

 

(રા.જ. ૧૧-૦૬(૫)/૩૨૫)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.