જીવન ઘડતર કરતાં પરિબળો …

જીવન ઘડતર કરતાં પરિબળો …

 

 

jivan ghadtar

 

 

સોક્રેટિસે એક વખત પોતાના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો : ‘તમારું જીવનધ્યેય શું છે ?’ એક વિદ્યાર્થીએ કહ્યું કે તે કાયદાશાસ્ત્રી બનવા માગે છે, વળી બીજાએ કહ્યું કે તે ડૉકટર બનવા માગે છે, વગેરે. એવામાં એક વિદ્યાર્થી ઊભો થયો અને કહ્યું કે તે ‘માનવ’ બનવા માગે છે. આ સાંભળીને સોક્રેટિસના આનંદનો પાર ન રહ્યો. વાસ્તવિક રીતે તો આપણે બધાએ પ્રથમ માનવ બનવું જોઈએ અને પછી વકીલ, ડૉકટર, વગેરે; તો જ તેની અન્ય મનુષ્યો પર તેમજ સમાજ પર ભાવાત્મક અસર પડશે. એટલે જ સ્વામી વિવેકાનંદ ‘માનવ બનાવો’ ની કેળવણી ઝંખતા હતા.

 

 

જીવન ઘડતરમાં અગત્યનો ભાગ ભજવતાં પરિબળો

 

 

જીવન-ઘડતરમાં મહત્વનું પ્રદાન કરનાર અગત્યનાં ઘણાં પરિબળો છે. આ બધાં વિધેયાત્મક કે નિષેધાત્મક  ભાગ ભજવે છે. આપણે વિશાળ દ્રષ્ટીએ આવાં પરિબળોમાં સંસ્કાર, પર્યાવરણ કે પરિવેશ, કર્મ, કેળવણી, અનુભૂતિ અને જીવનના ધ્યેયની ગણના કરી શકીએ.

 

સંસ્કાર :

 

આપણે ગત જન્મની  કેટલીક છાપ સાથે જન્મીએ છીએ. આપણા ભૂતકાળના જીવનમાંથી મેળવેલી આવી પ્રભાવક અસરો જેમ જેમ આપણે બાળકમાંથી તરુણ કે મોટા થઈએ છીએ ત્યાં સુધી તેઓ આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. આને આપણે સંસ્કાર કહીએ છીએ. આપણાં ભૂતકાળનાં કર્મો અને વિચારોના અવશેષ રૂપે આ સંસ્કારો ઉદ્દભવે છે. આ બધા સંસ્કારો આપણા અચેતન મનમાં એકઠા થાય છે અને આપણાં જાગ્રતકર્મ અને વિચારો પર પોતાનો પ્રભાવ પાડે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આ ક્ષણે હું જે કંઈ પણ છું તે મારા ભૂતકાળના જીવનની બધી અસરોના સરવાળાનો પ્રભાવ છે. આપણે જેને ચારિત્ર્ય કહીએ છીએ તે વાસ્તવિક રીતે આ જ છે. દરેક માનવીનું ચારિત્ર્ય આવી બધી ભૂતકાળની અસરોના કુલ સરવાળાથી નક્કી થાય છે.’ (‘કં.વ.’ર્વા.૧,પૃ.૫૪) આ શેનો નિર્દેશ કરે છે ? જો મારી વર્તમાન અવસ્થા મારા ભૂતકાળના કે અગાઉના કર્મોનું પરિણામ હોય તો મારું ભાવિ પણ વર્તમાન કર્મથી નિશ્ચિત થાય છે. એટલે કે મારું ભાવિ મારા હાથમાં છે. આપણી ઇચ્છાશક્તિને વાપરીને આપણે આપણાં વિચારો, વાણી અને કાર્યને ઢાળવાનાં છે.

 

 

પર્યાવરણ કે પરિવેશ :

 

માનવના વ્યક્તિત્વના ઘડતરમાં પરિવેશ ઘણો મહત્વનો ભાગ બહ્જવે છે. વિશ્વના મહાન વિચારક વિલડયૂરાઁ તો ત્યાં સુધી કહે છે : ‘માનવ જે કંઈ વિચારે છે તે એ પોતે નથી પણ તે છે સામાજિક એકમ કે જેનો તે એક ભાગ છે.’ જો કે આ વિચાર સંસ્કારોના મહત્વને અવગણવાનું કહેતો નથી. જો કોઈ પણ માણસ નિરંતર સારા પરિવેશમાં કે વાતાવરણમાં રહે તો એમના સારા સંસ્કારો પ્રબળ બનશે અને ક્રમશ: એના કુસંસ્કારો નિર્બળ બની જશે. આનાથી ઊલટી પ્રક્રિયા ખરાબ વાતાવરણમાં જોવા મળશે. સારું પર્યાવરણ પોતે પણ માનવ જેવો પ્રતિભાવ આપે છે એ પ્રમાણે માનવમાં તાજા નવા સંસ્કારો પણ ઉદ્દભવે છે. આથી આ વાત સપષ્ટ થાય છે કે કુટુંબ, સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓ સારું વાતાવરણ જાળવવાના મહત્વ પર ઘણો ભાર મૂકે છે.

 

કર્મ :

 

કર્મ કે કાર્ય પણ ખોરાકની જેમ આપણા જીવનની આવશ્યકતાઓમાંની એક મુખ્ય આવશ્યકતા છે. અંગ્રેજી કવિ હેનરી ફ્રેડરિક એમિલ કહે છે : ‘કાર્ય જ જીવનને સૌરભ આપે છે.’ સંસ્કૃતમાં ઉક્તિ છે: ‘ક્રિયાવાહિનો ન ચ યાતિ ધન્યતામ્’ એટલે કે જે કાર્ય કરતો નથી તે ધન્યતા પામતો નથી. કાર્ય કે કર્મ દ્વારા જ કોઈ પણ માનવ પોતાની ભીતરની શક્તિઓ, પોતાની ક્ષમતાઓ અને પ્રતિભાને પ્રગટ કરી શકે છે. અને આ બધાં તત્વો સુયોગ્ય વ્યક્તિત્વ-વિકાસ માટે આવશ્યક છે. એટલે એટલું જરૂરી છે કે કોઈ પણ માણસને યોગ્ય કાર્ય મળવું જોઈએ કે ક્ષમતાઓને બહાર લાવી શકે. જો સંજોગો એવા ન હોય તો તેણે ધીરતાથી પ્રાપ્ય તકો કે સંજોગોને સાથે રાખીને તેમને અજમાવી લેવા જોઈએ. એરિક ફ્રોમ કહે છે : ‘દરેક ઉન્માદ એ માનવીની ભીતરી શક્તિઓ અને તેમના વિકાસને રૂંધતા બળોના સંઘર્ષનું પરિણામ છે.’ (‘મેન ફોર હિમ સેલ્ફ’ પૃ.૨૨૨)

 

કેળવણી :

 

સ્વામી વિવેકાનંદ કેળવણીની વ્યાખ્યા આપતાં કહે છે : ‘કેળવણી એટલે માનવીની ભીતર પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ.’ બધાં જ્ઞાન, પોર્ન્તા, પવિત્રતા કે શુદ્ધિ, ભલમનસાઈ અને બાદ એ માનવની ભીતર સુષુપ્ત રીતે રહેલાં છે. કેળવણી એ બધાંનાં આવરણને દૂર કરવાની એક પ્રક્રિયા છે. મહાન મનોવૈજ્ઞાનિક એરિક ફ્રોમ કહે છે : ‘બાળકને પોતાની સુષુપ્ત શક્તિઓની અનુભૂતિ કરવામાં કેળવણી સહાય સમી છે.’ (‘મેન ફોર હિમ સેલ્ફ’ પૃ.૧૯૨) કેળવણી માહિતી કે જ્ઞાનનો ઢગલો એકઠો કરવામાં જ નથી. જો આ માહિતીના ઢગલાને શાણપણનું માર્ગદર્શન ન મળે તો એ વ્યક્તિને તેમજ બીજાને હાનિકર્તા બની શકે છે. કેળવણી ઈચ્છાશક્તિની તાલીમ છે. એ ઇચ્છાશક્તિ પોતાને તેમજ સમાજને ઉપયોગી થાય તેવી રીતે જ્ઞાનનો વિનિયોગ કરવા તેને શક્તિમાન બનાવે છે. એટલે જ સ્વામીજીએ ‘ચારિત્ર્ય ઘડતર કરનારી અને માનવને માનવ બનાવનારી કેળવણી’ પર ભાર મૂક્યો છે. એટલે જ કહેવાતાં સભ્ય અનિષ્ટ સાધનોથી લખલૂટ ધન કમાવવાના ધ્યેયવાળા કારકૂનો, વ્યાવસાયિકો, ઈજનેરો, ડૉકટરો પેદા કરનારી કેળવણીને વિદ્યાર્થીના વ્યક્તિત્વના ઘડતર તરફ વાળવી જોઈએ.

 

અનુભવો :

 

આપણે આપણા જીવનમાં વિવિધ પ્રકારના સુખદ અને દુઃખદ અનુભવો મેળવીએ છીએ. આપણા વ્યક્તિત્વ ઘડતરમાં આ અનુભવોનું ઘણું મોટું પ્રદાન છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘તમને આ જોવા મળશે કે દુઃખ અને સુખ; ઇષ્ટ અને અનિષ્ટ બંને વ્યક્તિના ચારીત્યને ઘડવામાં સમાન ભાગ ભજવે  છે. કેટલાક કિસ્સાઓમાં દુઃખ અને સુખ કરતાં વધુ મહાન શિક્ષક નીવડે છે. વિશ્વે આપેલા મહાપુરુષોના વ્યક્તિત્વનો અભ્યાસ કરીને હું આટલું કહેવાની હિંમત કરું છું કે આમાંના મોટા ભાગના કિસ્સાઓમાં આપણને જોવા મળશે કે દુઃખકષ્ટે સુખ કરતાં વધુ શીખવ્યું છે; સંપત્તિ સમૃદ્ધિ કરતાં ગરીબાઈએ એમને વધુ શીખવ્યું છે; પ્રસંશા કે ગુણગાન કરતાં આઘાત-પ્રત્યાઘાતને એમના ભીતરના અગ્નિને વધારે પ્રદીપ્ત કર્યો છે.’ (‘કંવ.’ ર્વા. ૧, પૃ.૨૭)

 

સાથે ને સાથે આપણે અનુભવોમાંથી કેવી રીતે શીખવું અને જેમ જેમ આપણે એ બધું શીખીશું તેમ તેમ આપણું શાણપણ વૃદ્ધિ પામશે, એ પણ જાણી લેવું પડશે. ત્રણ પ્રકારના લોકો હોય છે : બીજાના અનુભવોમાંથી જે શીખે છે તે ઉત્તમ પ્રકારના લોકો કહેવાય છે. મધ્યમ ગુણવત્તાવાળા લોકો પોતે અનુભવમાંથી શીખે છે. અધમ લોકો પોતાના અનુભવમાંથી ક્યારેય કશું શીખતા નથી. ચાલો આપણે ઓછામાં ઓછા મધ્યમ પ્રકાના માનવી બનવાનો પ્રયત્ન કરીએ.

 

જીવનનો આદર્શ :

 

આપણે આપણા જીવનમાં જે આદર્શ ગ્રહણ કરીએ છીએ કે અપનાવીએ છીએ તે આપણા વ્યક્તિત્વ ઘડતરમાં ઘણો અગત્યનો ભાગ બહ્જવે છે. સ્વામી વિવેકાનંદ ખે છે કે જો આદર્શવાળો માનવી એકસો ભૂલ કરે તો આદર્શવિહોણો માનવી એક હજાર ભૂલો કરવાનો. અરે ! દુષ્ટમાં દુષ્ટ માણસ પણ જો ઉચ્ચતર આધ્યાત્મિક આદર્શને અપનાવે તો ક્રમશ: પોતાના જીવનની રીતભાતો બદલે છે અને એના જીવનમાં અદ્દભુત પરિવર્તન પણ આવી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતા (૯.૩૦) માં કહ્યું છે : अपि चेत् सुदुराचारो भजते मामन्यभाक् | साधुरेव मन्तव्य: सम्यगव्यसितो हि स: || ભલે ખૂબ દુરાચારી હોય પણ જે એકનિષ્ટ થઈને મને ભજતો હોય તો તેને ઉત્તમ જ માનવો કારણ કે તે ઉત્તમ નિશ્ચયવાળો થયો છે.

 

આદર્શ જીવનને સાર્થક અને મૂલ્યનિષ્ઠ બનાવે છે. જીવનને મૂલ્ય છે, તે આકસ્મિક હેતુ કે આદર્શવિહોણું નથી. ઘણા લોકો એવું વિચારે છે કે જીવનને ચોક્કસ હેતુ નથી હોતો, એટલે આ સંસારનો પૂરેપૂરો ભોગ ભોગવવાની દરેક તકને ઝડપી લેવામાં આપણે આપણો સમય વિતાવવો જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘શું ભોગવિલાસ ભોગવવા એ જ જીવનનું ધ્યેય છે ? જો એમ જ હોય તો, માનવ બનવું એ એક ભયંકર ભૂલ ગણાશે.’ (‘કં.વ.’ વાઁ.૪, પૃ.૨૩૮)

 

એમ. સ્કોટપેક નામના મનોવૈજ્ઞાનિક કહે છે : ‘આત્મસંયમના એક એકાંત ખૂણે પોતે મૂલ્યવાન છે એવી લાગણી દરેક વ્યક્તિમાં હોય છે. એનું કારણ એ છે કે જ્યારે કોઇપણ વ્યક્તિ પોતાને મૂલ્યવાન માને ત્યારે આવશ્યક એવી બધી રીતે તે પોતાની કાળજી લેવાની જ.’ (‘ધ રોડ લેસ ટ્રાવેલ્ડ’, પૃ.૨૩)

 

આપણે જે કંઈપણ મૂલ્યવાન હોય તેને પોતાની પાસે રાખવાની અને એનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, નહિ તો આપણે એને ગુમાવી પણ બેસીએ. જ્યાં સુધી ધન આપણા માટે મૂલ્યવાન હોય ત્યાં સુધી આપણે એને બધી કાળજી લઈને રાખીએ છીએ, અને જેવું અવમૂલ્યન થાય કે આપણે એને કાઢી નાખીએ છીએ. એવી જ રીતે જો આપણા માટે જીવન નિરર્થક અસ્તિત્વ બની રહે તો આપણે તેને અનિચ્છનીય ગણીને કેફી દ્રવ્યોને રવાડે ચડી જઈને કે મદ્ય જેવા પદાર્થોનું અતિસેવન કરીને તેને વેડફી જ નાખવાના. આવી અર્થવિહીન જિંદગી માનસિક હતાશા લાવે છે. આ હતાશા જ્યારે તીવ્ર બને ત્યારે કોઇપણ માણસ આપઘાત કરે છે. જ્યારે આપણે આપણા પોતાના જીવનનું મૂલ્ય જાણતા નથી; સાથે ને સાથે બીજાના જીવનનું મૂલ્ય આંકી શકતા નથી, ત્યારે એક આક્રમક વલણ ઉદ્દભવે છે. આને પરિણામે હિંસા, ઝનૂનવાદ અને યુધ્ધો સર્જાય છે.

 

કેટલાક ઉચ્ચતર આદર્શ તો ઈશ્વરાનુભૂતી છે. ઈશ્વર પણ આદર્શનો એક પ્રતિક છે ને આપણે આ જીવનમાં એની અનુભૂતિ કરવા ઝંખીએ છીએ. દરેકે દરેક માનવ જ્ઞાનની ઝંખના સેવે છે અને એવો કોઈ નથી – અરે મૂર્ખ સુદ્ધા પણ – કે જે જ્ઞાનને તિરસ્કાતો હોય. એટલે જ ઈશ્વરને સર્વજ્ઞ ગણીએ છીએ. ભલે હું પૂર્ણપણે સત્યનિષ્ઠ ન હોઉં, છતાં પણ હું બીજાને અસત્ય કહેવા ઈચ્છતો નથી. એટલે આપણે બધા સત્ય તો છીએ, પણ પૂર્ણ સત્ય તો ઈશ્વર જ છે. આવી રીતે ઈશ્વર આપણા ભીતરના આદર્શને મૂર્તિમંત કરવા માટે પ્રક્ષેપરૂપ છે. આ આદર્શ જેમ બીજમાં વૃક્ષ રહેલું હોય છે તેવી રીતે માનવીની ભીતર સુષુપ્ત અવસ્થામાં હોય છે. ખેદ, ખાતર, પાણીથી બીજને અંકુર અને અંકુરમાંથી વૃક્ષમાં આપણે પરિવર્તિત કરીએ છીએ; તેવી જ રીતે જીવનમાં સાંપડતી બધી આવશ્યકતાઓનો લાભ લઈને માનવીએ પોતાના સાચા જીવન માટે ભીતર રહેલા ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો જોઈએ. એટલે જ સ્વામી વિવેકાનંદે ધર્મની વ્યાખ્યા આપતા કહ્યું છે : ‘માનવીની ભીતર રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ એટલે ધર્મ.’

 

ભૌતિક આદર્શો જેવા કે સત્તા, સંપત્તિ, સ્થાન, વગેરેને પ્રાપ્ત કરવાથી જીવનનો સાચો અર્થ સરતો નથી. આ બધાં તો જીવન કરતાંયે ઓછાં મહત્વનાં છે. આવા નિમ્નકક્ષાના આદર્શો પાછળ જો આપણે આપણું જીવન વિતાવીશું તો કથીરના તોલે સોનું આપી દેવા જેવો ખેલ થશે. જીવન દુનિયાની કોઇપણ વસ્તુ કરતાં પણ વધારે કિંમતી છે. માનવજીવન દરેકે દરેક વસ્તુનું મૂલ્ય આંકે છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘વિશ્વની બધી સંપત્તિઓ કરતાં માનવ વધારે મૂલ્યવાન છે.’ ’ (‘કં.વ.’ વાઁ.પ, પૃ.૮૩)

 

એટલે જ જ્યારે માનવ આધ્યાત્મિક આદર્શ મેળવવા મંડી પડે છે, ત્યારે એની પૂર્તિ માટેની સાચી ભાવના સાંપડશે અને આ આધ્યાત્મિક આદર્શ જ જીવનને સાર્થક બનાવે છે. જીવનના ચોક્કસ હેતુ કે અર્થની પ્રાપ્તિ કરવી એ આપણી માનસિક તંદુરસ્તી માટે પણ અનિવાર્ય છે. કાર્લ ઝુંગ કહે છે : ‘મારા દર્દીઓમાંથી ત્રીજા ભાગના દર્દીઓ ઉન્માદ કે માનસિક રોગવાળા ન હતા, પણ એ બધા એમના જીવનમાં ખાલીપણા અને મૂઢતાને લીધે દુઃખ સહન કરતાં હતા.’

 

કાર્ય કે કર્મ, કેળવણી અને અનુભવ માનવ ઘડતર કરનારાં પરિબળો ગણી શકાય. આ બધાં સાથે મળીને વાતાવરણ કે પરિવેશ બને છે અને એ વર્તમાનને રજૂ કરે છે. સંસ્કાર ભૂતકાળને આપણી સમક્ષ મૂકે છે અને આદર્શ એ જીવનનું ભાવિ દર્શાવે છે. એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સાથે મળીને માનવજીવનનું ઘડતર કરે છે.

 

 

આધ્યાત્મિકતા

 

બધાં મૂલ્યોનું મૂળ સ્તોત્ર આધ્યાત્મિકતા છે અને એ બધાં મૂલ્યો માટે સૌથી વધારે પાયાની વસ્તુ છે. આ આધ્યાત્મિક તત્વ માનવમાં દેહ-મનના સંકુલ કરતાં કંઈક જુદું હોવું જોઈએ, કારણ કે આ બધા માનસિક અને શારીરિક તત્વોને આપણે સ્થૂળ-સામાન્ય ઇન્દ્રિયોથી કરી શકીએ છીએ. એટલે સાક્ષી કે જ્ઞાતા (પ્રમાતા) આ બધી વસ્તુઓથી ભિન્ન હોવાના. તે સૂક્ષ્મ અને અગોચર છે. દ્રગ્ – દ્રશ્ય – વિવેક. આ બાબતને વધારે સ્પષ્ટ કરે છે : ‘આકાર કે રૂપને જોઈ શકાય છે અને આંખ તેની દૃષ્ટા છે. આંખને જોઈ શકાય છે અને આ મન તો દૃષ્ટા છે. મનને પણ તેના રૂપાંતર સાથે જોઈ શકાય છે, સમજી શકાય છે અને તેનો સાક્ષી (આત્મા) એ એનો દૃષ્ટા છે. પણ આ સાક્ષી બીજી કોઇપણ વસ્તુથી જોઈ-જાણી શકાતો નથી.’ વેદાંત કહે છે કે આપણામાં રહેલ આ સાક્ષીતત્ત્વ કે વસ્તુલક્ષિતતત્વ આધ્યાત્મિક છે. તે દિવ્યચેતના છે, કારણ કે એની ઉપસ્થિતિને લીધે જ આપણે દરેક બાબતની ચેતના અનુભવીએ છીએ. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો : ‘દરેક આત્મા મૂળભૂત રીતે દિવ્ય છે.’ ઉપનિષદો કહે છે : ‘જેમ દૂધમાં માખણ હોય છે તેમ દિવ્ય ચૈતન્ય દરેક જીવમાં રહેલું હોય છે.’ (ધ્રુતામિવ પયાસિ નિગૂઢમ્ ભૂતે ભૂતે વસતિ વિજ્ઞાનમ્ – અમૃતબિંદુ ઉપનિષદ.૨૦)

 

આજના મનોવૈજ્ઞાનિકો પણ માનવના આધ્યાત્મિક પરિણામને ગણ્યમાન્ય ગણે છે. લોગો થેરાપીના પ્રણેતા વિક્ટર ઈ.ફ્રેન્કલ કહે છે : ‘માનવમાં માત્ર સંવેદનામૂલક સુષુપ્તિ જ નથી હોતી પરંતુ આધ્યાત્મિક સુષુપ્તિ પણ હોય છે.’ (ધ અન્કોન્સીયસ ગોડ, પૃ.૨૪) તેઓ આગળ ઉમેરે છે : ‘આવી રીતે આધ્યાત્મિક તત્વ અને એકમાત્ર આધ્યાત્મિક તત્વ જ માનવમાં એકતા અને અખિલાઈનું સર્જન કરે છે અને એની ખત્રી પણ આપે છે. (ધ અન્કોન્સીયસ ગોડ, પૃ.૨૭) બીજા મનોચિકિત્સક એ,.સ્કોટ પેકે હમણાં જ ‘ધ રોડ લેસ ટ્રાવેલ્ડ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક આંતરરાષ્ટ્રિય કક્ષાએ સૌથી વધારે વેચાણ ધરાવતાં પુસ્તકોમાંનું એક છે. એમાં તેઓ માનવમાંના આધ્યાત્મિક તત્વ પર વધુ ભારત મૂકતાં કહે છે : ‘આધ્યાત્મિક વિકાસ એ વ્યક્તિની ઉત્ક્રાંતિ છે …. વ્યક્તિ માટે આધ્યાત્મિક વિકાસનું અંતિમ ધ્યેય એટલે વ્યક્તિએ ઈશ્વર સાથે એક રૂપ બનવું … વ્યક્તિએ પૂર્ણપણે અને અશેષ રીતે ઈશ્વર બનવાનું છે.’ (‘ધ રોડ લેસ ટ્રાવેલ્ડ’ પૃ.૨૮૨, ૩૦૩) આધ્યાત્મિક વ્યક્તિત્વ એ જ આપણું સાચું વ્યક્તિત્વ છે. માનવીએ મનદેહના પોતાના સંકુલથી ઉપર ઊઠીને પૂર્ણપણે આધ્યાત્મિક બનવું એ જ વ્યક્તિત્વ વિકાસનો સાચો અર્થ છે. ભલે આપણે આપણા જીવનમાં આધ્યાત્મિકતાના અંતિમ આદર્શને પ્રાપ્ત ન કરી શકીએ તો પણ જો એને પ્રાપ્ત કરવા માટે મથીએ અને આવો આધાત્મિક આદર્શ આપણે રાખીએ તો આપણા વ્યક્તિત્વમાં મહત્તર સ્થિરતા-ધીરતા આવશે અને આપણી જાત પર આપણે મહત્તમ પ્રભુત્વ પ્રાપ્ત કરી શકીશું. બીજા એક મહાન મનોવૈજ્ઞાનિક કેન વિલબર આમ કહે છે : ‘એક દુર્ભાગ્ય છે કે છેલ્લી કેટલીક સદીઓથી પશ્ચિમમાં આપણે આ સર્વોત્કૃષ્ટ તત્વ (આધ્યાત્મિકતા) નું દમન કરવાનું વલણ વધારે ને વધારે દાખવતા રહ્યા છીએ. આ દમન વધુ તરકટી હોવાથી વ્યાપક બની ગયું છે; અને એ નિ:શંકપણે કોઇપણ ઉચ્ચક્ષેત્રમાંથી આવતાં ઉપરછલ્લાં દમન, વેરભાવનાં આક્રમણ કે જાતિયતાનાં દમન કરતાં પણ વધુ પ્રમાણમાં આજની વિષ્ણ્ણ સભ્યતામાં અસંતોષ જન્માવવા માટે વધુ જવાબદાર છે.’ (નો બાઉન્ડ્રી’, પૃ.૧૨૪)

 

 

આપો અને મેળવવાનું વલણ

 

સમાજ સાથે સાર્થક સંબંધ સ્થાપવા માટે આપણા લોકોમાં ‘આપો અને મેળવો’ નું વલણ હોઉં જ જોઈએ. આપણું જીવન સતત વહેતી નદી જેવું છે. એને આપણે ક્યાંય સ્થગિત થવા ન દેવું જોઈએ. જેટલું આપણને મળે તેટલું જ આપણે આપવું પડે છે. જહોન સી. કોર્નલિયસ કહે છે : ‘પરંતુ ભૂલભરી રીતે આપણે એ હકીકત ને ભૂલી જઈએ છીએ કે આપવાનું કોઈ પણ કાર્ય એ સ્વપૂર્તિ માટેનું કાર્ય છે.’ પણ વિવેક વિના આપીએ તો એની અભાવાત્મક અસર પડે છે. ફળ આપનાર વૃક્ષની એક વાર્તા છે : સફરજનનું વૃક્ષ હતું. એક વખત એક નિર્ધન – ગરીબ એ વૃક્ષ તરફ ગયો અને એણે સહાય કરવા માટે વિનંતી કરી. વૃક્ષે તેને કહ્યું : ‘ભાઈ તું મારાં બધાં ફળ લઈ લે અને વેચી નાખજે.’ પેલાએ એમ જ કર્યું. એણે પોતાના બધા પૈસા વાપરી નાખ્યા અને વળી પાછો પેલા વૃક્ષ પાસે સહાય માગવા ગયો. વૃક્ષે કહ્યું : ‘ભાઉ, તું આ બધી ડાળીઓ કાપી નાખ, એને લઈ જા અને વેચી નાખજે.’ પેલા લોભિયાએ તો સફરજનના વૃક્ષની ડાળીઓ કાપી નાખી અને વેચીયે નાખી. થોડા સમય પછી આ પૈસાયે વપરાઈ ગયા. વળી પાછો પેલા ઝાડ પાસે સહાય માગવા ગયો. પેલા વૃક્ષે જરાય ખચકાયા વિના કહ્યું : ‘ભાઈ, હવે તું એમ કર કે મારું થડ કાપી નાખ અને એને વેચી નાખજે.’ પસ્તાવાની લાગણી વિનાના આ અણસમજુ માણસે વૃક્ષનું થડ કાપી નાખ્યું અને એનું લાકડું વેચીને ઘણું ધન કમાયો. પણ પૈસા તો હાથનો મેલની જેમ ચાલ્યા જાય. આણે પણ બધા પૈસા વાપરી નાખ્યા અને નિર્લજજ બનીને વળી પાછો પેલા ઝાડ પાસે સહાય માગવા ગયો. વૃક્ષે કહ્યું : ‘ભાઈ, હવે મારી પાસે તને આપવા જેવું કંઈ નથી. મારા ઠૂંઠા પર બેસીને તું થોડો આરામ કરી શકે ખરો.’ આવા પ્રકારનું આપવું અને લેવું એ વ્યક્તિને માટે કે સમાજને માટે જરાય કલ્યાણકારી નથી.

 

આના પરથી આપણે તારવી શકીએ કે માનવનું વ્યક્તિત્વ એક સ્વજાગૃત મનોદૈહિક સ્વરૂપ છે કે જે અર્થપૂર્ણ જીવન જીવવા પ્રેરે છે.

 

 

(રા.જ.૧૧-૦૬/૪૧-૪૫(૩૬૧-૬૫)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.