“શિક્ષાપત્ર ૨૮ મું” … અને (૨૯) ગણગોરનું પદ-ચૈત્રમાસ

“શિક્ષાપત્ર ૨૮ મું” …

 

 

vallabhacharyaji

 

 

આચાર્યચરણ શિક્ષાસાગર શ્રી હરિરાયજી નિરૂપિત શિક્ષાપત્ર ૨૮ નો વિચાર કરતાં પૂર્વે ૨૭ માં શિક્ષાપત્રનો સાર જોઈ લઈએ. શ્રી હરિરાયજી આચાર્યચરણ દ્વારા ૨૭ માં શિક્ષાપત્રમાં સેવામાં બાધક એવા મનનો ઉદ્વૈગ, પ્રતિબંધ અને ભોગનો વિચાર કરાયો છે. શ્રી હરિરાયજીચરણ પુષ્ટિજીવોને એ પણ કહે છે કે જો જીવ શ્રી ઠાકુરજી અને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીનું શરણ સ્વીકારી લે તો પુષ્ટિજીવોમાં રહેલાં અભિમાન, લોભ, ક્રોધ વગેરે દુષ્ટભાવો ચાલ્યાં જશે. જેથી કરીને વૈષ્ણવોમાં દીનતા આવશે અને હૃદયમાં શ્રી ઠાકુરજી અને શ્રી વલ્લભ માટેનો વિરહભાવ પ્રગટ થશે. વૈષ્ણવોમાં રહેલ આજ દીનતા અને વિરહતાપ એજ પુષ્ટિજીવોને માટે અલૌકિક ફળરૂપ છે, સાધ્ય સ્વરૂપ છે જેનાં વડે વૈષ્ણવો પુષ્ટિરાહને માર્ગે આગળ વધે છે. આ ઉપરાંત શ્રી આચાર્ય ચરણ કહે છે કે સર્વ સાધનથી રહિત,સેવાથી રહિત એવા પુષ્ટિજીવોનો પણ શ્રી આચાર્યચરણ શ્રી મહાપ્રભુજીનાં ચરણાંશ્રયથી ફળ સિધ્ધ થશે જ. આમ ૨૭ માં શિક્ષાપત્રમાં શ્રી આચાર્યચરણે અઢાર શ્લોકથી પુષ્ટિમાર્ગમાં બાધક એવા ૪૦ દોષો તથા સાધકનાં નવ ગુણ વિષે સમજાવેલ છે. જ્યારે ૨૮ મું શિક્ષાપત્ર ચોવીશ શ્લોકોથી અલંકૃત થયેલું છે. જેમાંથી પ્રથમ શ્લોક જોઈએ,

 

 

કદા નંદાત્મજઃ સ્વેષુ કૃપાદૃષ્ટિં કરિષ્યતિ ।
પ્રતીક્ષ યૈવાડસ્મદા દિમનઃ ધ્રાંતં સહેન્દ્રીયૈઃ ।।૧।।

 

 

શ્રી નંદરાયજીનાં પુત્ર નિજભક્તો પર ક્યારે કૃપા દૃષ્ટિ કરશે? આવી રીતે પ્રતિક્ષા કરવાથી અમારા સર્વનું મન ઇન્દ્રિયો સહિત શિથિલ થઈ ગયું છે. આ શ્લોકનું વિવેચન કરાતાં શ્રી હરિરાયજી “નંદાત્મજઃ શબ્દનો ઉપયોગ કરતાં કહે છે કે નંદાત્મજઃ એટ્લે કે પુષ્ટિજીવોએ જે નંદરાયજીનાં આત્માથી પ્રકટયા છે એવા શ્રી કૃષ્ણ ભાવાત્મક,રસસ્વરૂપ, લીલા વિશિષ્ટ શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું જ સદાય સેવન કરવું જોઈએ. કારણ કે પુષ્ટિમાર્ગમાં ફક્ત તેઓ જ સેવનીય છે. આ વાક્યાર્થને વિસ્તૃત રીતે સમજાવતાં શ્રી હરિરાયજી કહે છે કે કૃષ્ણ તત્વ સ્વરૂપ ધર્મ અને ધર્મી એમ બે જુદા જુદા સ્વરૂપમાં પ્રગટ થયું છે. જેમાંથી એક ધર્મ સ્વરૂપ શ્રી વસુદેવજીને ત્યાં પ્રગટ થયું છે અને ધર્મી સ્વરૂપ એવા આપણાં સેવ્યપ્રભુ સારસ્વત કલ્પમાં નંદરાયજીને ત્યાં પ્રગટ થયાં છે. તેથી જ શ્રી શુકદેવજી મહારાજ નંદ મહોત્સવનાં અધ્યાયમાં કહે છે કે

 

 

નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હ્રલાદો મહા મનઃ

 

 

અર્થાત્ આત્મારૂપી દેહમાંથી ઉત્પન્ન થયેલા પુત્ર નંદનંદનનાં જન્મ સમયે નંદરાયજી અતિ આનંદયુક્ત થઈ ઉદાર મનવાળા થયાં છે. આ વાકયમાં એમ દર્શાવાયું છે શ્રી કૃષ્ણ નંદરાયજીનાં આત્મામાંથી પ્રકટ થયાં છે, શ્રી વસુદેવજીનાં આત્મજ તરીકે ઉલ્લેખ કર્યો નથી. તેથી શુકદેવજી કહે છે કે નંદસુનુ શ્રી કૃષ્ણ જ જે ભાવાત્મક પુષ્ટિ પુરુષોત્તમ છે તે મને સ્વકીય નિજ ભક્ત સમજી, સ્વીકારી ક્યારે પોતાની કૃપા દૃષ્ટિ કરશે? એમ પ્રતિક્ષા કરતાં કરતાં અમારું મન ઇન્દ્રિયો સહિત શિથિલ થઈ ગયું છે. આવા જ ભાવ સાથે શ્રી ગુંસાઈજીચરણ વિજ્ઞપ્તિમાં કહે છે કે

 

 

(આ વિજ્ઞપ્તિનો શ્લોક છે.)

 

યાદશી તાદ્રશી નાથ ! ત્વપદાબ્જૈકકિંકરી ।
ત્વ્દ્વત્રકં કથમપ્યાશું કુરુ દગોચરં મમ ।।

 

 

અર્થાત્ હે નાથ ! હું જેવો જીવ છું તેવી જ આપની જ દાસી છું અને હું આપના ચરણની દાસી હોવાથી હે પ્રભુ મારી સમક્ષ આપનું મુખારવિંદ સદાય રહે અને મારી દૃષ્ટિ સદાય આપના જ નયન કમલ દૃષ્ટિ ગોચર થાય તેવી કૃપા કરો. (આમ શ્રી ગુંસાઈજી પ્રભુચરણે પોતાની અંદર રહેલો ગોપીભાવ વિજ્ઞપ્તિમાં રજૂ કર્યો છે) આગળ શ્રી હરિરાયજી વિનંતી કરતાં કહે છે કે હે પ્રભુ, આપની કૃપાશક્તિનો વિચાર કરતાં અમે એટલું જ કહીશું કે આપ કૃપાનિધિ છો તેથી અમારામાં રહેલાં ગુણ-અવગુણનો વિચાર ન કરતાં આપના મુખારવિંદનું અમને દર્શન કરાવો. આજ દિન ભાવને વધુ સમર્થીત કરાતાં બીજા શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે

 

 

કરુણાવારિધધિઃસ્વીયનીધિઃ સર્વાધિક પ્રભુઃ ।
ઉપેક્ષતે કુતઃ સ્વીયાનિતિ ચિંતાતુરં મનઃ ।।૨।।

 

 

અર્થાત્ દયાના સાગર, આપણાં નીધિરૂપ અને સર્વથી અધિક એવા પ્રભુ કેમ અંગીકૃત ભક્તની ઉપેક્ષા કરે છે? તે ન સમજાતા મારુ મન ચિંતાતુર થઈ રહ્યું છે. શ્રી હરિરાયચરણ પ્રભુની જેમ આજ વિચારને સમજાવતાં શ્રી ગુંસાઈજીચરણ વિજ્ઞપ્તિમાં કહે છે કે,

 

 

હા નાથ । જીવિતાધીશ રાજીવદલલોચનઃ ।
યથોચિતં વિધેહીતિ પ્રાથનં તાવકસ્ય મે ।।

 

 

હે નાથ ! હે જીવોનાં અધિશ ! હે કમલદલ રાજીવ લોચન ! જેમ યોગ્ય લાગતું હોય તેમ કરો, પરંતુ હું આપને શી રીતે પ્રાર્થનાં કરી શકું? હે પ્રભુ આપ સર્વજ્ઞ છો, અને અમારા માટે સર્વસ્વ છો વળી હું તો આપની જ કૃપાથી જીવું છું, તેથી મારે માટે વિપ્રયોગ જ ઉચિત છે.

 

 

વિપ્રયોગનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો શ્રી ગુંસાઈજી પ્રભુચરણનું જ જોઈ શકાય. આચાર્યચરણ શ્રીમદ્ શ્રી વલ્લભાચાર્યજીનાં બે આત્મજ હતાં. મોટા તે શ્રી ગોપીનાથજી અને નાના શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુંસાઈજીચરણનાં નામે પ્રસિધ્ધ છે. શ્રી ગોપીનાથજીનાં આત્મજ તે શ્રી પુરુષોત્તમ લાલજી. શ્રી ગિરિરાજ સ્થિત શ્રીનાથજી મંદિરનાં અધિકારી શ્રી કૃષ્ણદાસ અધિકારીજીએ શ્રી ગુંસાઈજી મહારાજને વિનંતી કરી શ્રી નાથજીબાવાની સેવાનો અધિકાર શ્રી ગોપીનાથજીનાં આત્મજ શ્રી પુરુષોત્તમજીનો છે. કૃષ્ણદાસ અધિકારિજીની વાત સાંભળતા શ્રી ગુંસાઈજી મહારાજ ચંદ્રસરોવર પર જઈ બિરાજી ગયાં. આમ શ્રી કૃષ્ણદાસ અધિકારિજીએ શ્રી ગુંસાઈજીને છ મહિના શ્રીજી સેવાથી વંચિત રાખ્યાં. શ્રી ગુંસાઈજી મહારાજને આ સમય દરમ્યાન શ્રીજીબાવા માટે વિપ્રયોગનો અનુભવ કરી રહ્યા હતાં ત્યારે પોતાનાં મનમાં રહેલી વ્યથાને તેઓ ભોજપત્રો પર લખી બીડા અને ફૂલમાળ સાથે રાખી દેતાં આ ફૂલમાળ અને ફૂલમાળ જ્યારે શ્રીજીબાવાને અંગીકૃત કરાતાં ત્યારે તેમાં રહેલા પત્રોને વાંચીને શ્રીજીબાવા પોતે આરોગેલા બીડાને કારણે આવેલ અધર પર આવેલ પિક વડે તે પત્રોનો ઉત્તર આપતાં. આ પત્રો જ્યારે શ્રી ગુંસાઈજી બાવા પાસે પહોંચતા ત્યારે શ્રી ગુંસાઈજી મહારાજ શ્રીજીબાવાનો ઉત્તર વાંચી લેતાં ત્યાર બાદ તે અધરામૃતને શ્રીજીબાવાની પ્રસાદી રૂપ ગણી આરોગી જતાં. આમ શ્રી ગુંસાઈજી પ્રભુચરણે શ્રીજીબાવાને પૂછેલા પ્રશ્નપત્રો આજે આપણી પાસે વિજ્ઞપ્તિઑ રૂપે રહેલા છે પરંતુ શ્રીજીબાવાનાં ઉત્તરો આપણી પાસે નથી. પરંતુ ૬ માસ પછી આ વિપ્રયોગ જ્યારે પૂર્ણ થયો ત્યારે શ્રી ગુંસાઈજી પ્રભુચરણ શ્રીજીબાવાને મળ્યાં. તે સમયે શ્રીજીબાવાએ શ્રી ગુંસાઈજી મહારાજને પૂછ્યું કે કાકાશ્રી વધુ આનંદ કોનો આવ્યો? ગુંસાઈજી પ્રભુચરણે કહ્યું જયરાજ સંયોગનો આનંદ તો સદાયે સુખકારી હોય છે પરંતુ વિપ્રયોગનો આનંદ તો અવર્ણનિય હોય છે. આમ શ્રી ગુંસાઈજી મહારાજે પણ વિપ્રયોગનાં આનંદને સુખકારી અને અતિ ઉત્તમ બતાવ્યો છે.

 

 

દરેક શ્લોકનું વધુ વિવેચન ન કરાતાં દરેક શ્લોકનાં અર્થ અને શબ્દાર્થને જ હવે વધુ સમજવા પ્રયત્ન કરીએ. શ્રી હરિરાયજીચરણ નિર્મિત આ શિક્ષાપત્રનું અતિ મહત્વ છે તેનું કારણ એ છે કે ગુરુચરણની વાણીરૂપ આ શિક્ષાપત્રનું શ્રધ્ધાપૂર્વક, દીનતાપૂર્વક પઠન કરવાથી સાક્ષાત શ્રીજીની જ પ્રાપ્તિ થાય છે. હવે શિક્ષાપત્રમાં આગળ વધતાં ત્રીજા શ્લોક અંગે જોઈએ.

 

 

નિજાનંદનિમગ્નસ્ય ભવેદ્યદ્યપિ વિસ્મૃતિઃ ।
ભકતાર્થમવતીર્ણસ્ય કૃપાલોરુચિતા ન સા ।।૩।।

 

 

હે કૃષ્ણ જ્યારે આપ આનંદાત્મક ધામમાં વિરાજો છો તે સમયે જીવ સ્મરણમાં ન આવે, પરંતુ જ્યારે આપ ભક્તોનાં માટે જ ભક્તાર્થે પ્રગટ થયા છો ત્યારે તો આપ કૃપાળુએ નિજ ભક્તોનું સ્મરણ જ રાખવું જોઈએ. ભક્તોનું સ્મરણ ન રાખવું કે તેમને ભૂલી જવું તે આપને માટે યોગ્ય નથી. શ્રી હરિરાયચરણની આ જ વાત શ્રી ગુંસાઈજીચરણ વિજ્ઞપ્તિમાં જણાવતાં કહે છે કે

 

 

ત્વદડીડગીકૃતયો જીવેષ્વધિકારો યતઃ પ્રભો ।
અતસ્તે ન વિચારાહાઃ કૃપાં કુરુ કૃપાનિધે ।।

 

 

હે નાથ, તમારો આ અંગીકૃત જીવ આપના અધિકારને યોગ્ય છે ? જે પોતાના લૌકિક સંબંધોને કારણે આપના આપેલા અધિકારને અને આપને જ ભૂલી ગયો છે. આપના આ અંગીકૃત જીવોનો આટલો મોટો દોષ હોવા છતાં તો પણ હે નાથ આપ દયાળુ અને કૃપાનિધિ છો તેથી આપ તે જીવોનો દોષ ન જોતાં તે જીવો પર કૃપા કરો જ છો.

 

 

કં પ્રાર્થયિયુસ્તે દીના વિહાય નિજનાયકમ્ ।
તદેશરણા નિત્યં વિમુક્તાઃ સર્વ સાધનૈઃ ।।૪।।

 

 

અર્થાત્ સર્વ સાધનથી રહિત, નિત્યં એક પ્રતિ શ્રી કૃષ્ણ શરણ છે. પોતાના નાયક એવા ભગવાન શ્રી કૃષ્ણને ત્યજીને ભક્તો કોની પ્રાર્થના કરે? આ વાતને સમજાવતાં વિવેચનમાં કહેવાયું છે કે હે નાથ…..અમે આપની પાસે શી પ્રાર્થના કરીએ? હે પ્રભુ અમે દીન અને હીન હોવાથી આપ અને આપની કૃપા વગરના અમે સર્વ સાધનો રહિત બન્યા છીએ. હે પ્રભુ આપ અમારી વહારે ધાઓ, હે પ્રભુ આપના વિના બીજા કોઈ અન્ય નાયકને અમે જાણતા નથી કારણ કે હે પ્રભુ અમે ફક્ત આપને જ જાણીએ છીએ. આજ વાત શ્રી મહાપ્રભુજી વિવેકધૈર્યાશ્રય ગ્રંથમાં કહે છે કે

 

 

(“વિવેકધૈર્યાશ્રયનો શ્લોક)
અશકયે વા સુષક્યે વા સર્વથા શરણં હરિઃ ।

 

 

અશક્ય અથવા સુશક્યમાં સર્વથા હરિ શરણ છે. અમે તો એક શ્રીજી આપનું શરણં જાણીએ છીએ અને આપના શરણે રહી રહ્યાં છીએ.

 

 

મન્નાથ ! નાથયે નૂનં ભવામિ વિરહાકુલઃ ।
દર્શનં સ્પર્શનં વાપિ દેહિ વેણુસ્વરશ્રૂતિમ્ ।।૫।।

 

 

એટ્લે કે આ સંસારનાં કાર્યોથી કાર્યોમાં તત્પર છુ તેથી લૌકિકમાં ફસાયેલો એવો હું સંસારાગ્નિથી પીડિત થયેલો છુ. પરંતુ હે શ્રી કૃષ્ણ તમે મારા અમારા નાથ છો, આપ અમને દર્શન આપો, આપની વેણુનો નાદ કરીને તેની શ્રૂતિનું દાન કરો, અમને આપની સેવાનું સુખ આપો, જેથી અમને આપના સ્પર્શનું સુખ પ્રાપ્ત થાય. શ્રી ગુંસાઈજીચરણ વિજ્ઞપ્તિમાં કહે છે કે તમારા દર્શન રહિત તમારા ભક્તોનું જીવન તે અશૃંગારિત સ્ત્રીના વૈભવ જેવુ છે, અર્થાત્ અત્યંત વૈભવ હોવા છતાં સ્ત્રી તે વૈભવનો આનંદ માણી શકતી નથી તેનાં જેવુ છે.

 

 

નિજાચાર્યાશ્રીતાનસ્માન્ યદિ કૃષ્ણ ! પ્રહાસ્યસિ ।
ગમિસ્યતિં હરે નાથ ! પ્રતિજ્ઞૈવ તદા તવ ।।૬।।

 

 

હે કૃષ્ણ ! જો આપ અમારા આચાર્યજીનાં આશ્રિત એવો મારો ત્યાગ કરશો તો હે નાથ,! હે હરિ ! આપણી પ્રતિજ્ઞા જતી રહેશે. આજ વાતનું વિવેચન કરતાં કહેવાય છે કે આપણાં શ્રી મહાપ્રભુજીનાં આશ્રિત પુષ્ટિજીવોને આપ અસત્ય જાણીને અથવા દૂષિત જોઈને છોડશો તો નિશ્ચયથી આપની પ્રતિજ્ઞાનો ભંગ થશે, તેથી આપને કૃપા તો કરવાની જ છે કારણ કે આપે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીને આજ્ઞા કરી છે કે “હે વલ્લભ આપ જે જીવોને શરણે લઈ બ્રહ્મસંબંધની દિક્ષા આપશો તે જીવોના સકલ દોષોને દૂર કરી હું તેઓનો અંગીકાર કરીશ.”

 

 

આ વાત આચાર્યશ્રી મહાપ્રભુજી સિધ્ધાંત રહસ્ય ગ્રંથમાં કરતાં કહે છે કે

 

 

બ્રહ્મસંબંધ કરણાંત્ર્સેનાં દેહજીવયોઃ ।
સર્વદોષ નિવૃત્તિ હિં દોષાઃ પંચવિધાઃ સ્મૃતાઃ ।।

 

(સિધ્ધાંત રહસ્યનો શ્લોક)

 

 

હવે સાતમા શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે

 

 

વયં તુ સર્વથા દુષ્ટાઃ સ્વધર્મવિમુખા અપિ ।
ત્વસ્મદીયાન્મા ધર્માન્ ગ્રહાણ પૂરિતઃ ।।૭।।

 

 

અર્થાત્ અમે સર્વ રીતે દુષ્ટ છીએ, અને બચપણથી જ દુષ્ટ આચરણ રાખીએ છીએ. ઉપરાંત એ પણ ઓછું હોય તેમ આપણાં માર્ગથી વિમુખ પણ છીએ. અમે કદી પણ આપણાં પુષ્ટિમાર્ગને ધ્યાનથી, ભાવથી, પ્રેમથી, પ્રીતિથી, કે સ્નેહથી સેવ્યો નથી. આ રીતે જોતાં અમે આપે બતાવેલ રાહથી અને સ્વધર્મથી વિમુખ બનીને બેસેલા છીએ. હે નાથ આપ તો સર્વ ગુણ સંપન્ન છો. આપ આ દોષોથી ભરેલાં અને અવગુણી એવા જીવો પર કૃપા કરો. આજ વાતને શ્રી ગુંસાઈજીચરણ વિજ્ઞપ્તિમાં કહે છે કે

 

 

(વિજ્ઞપ્તિનો શ્લોક)
બલિષ્ઠા અપિ મદોષાસ્ત્વત્કૃપાગ્રેડ તિદુર્બલાઃ ।
તસ્યા ઈશ્વરધર્મત્વાન્ દોષાણં જીવધર્મતઃ ।।

 

 

હે પ્રભુ અમારા અતિ બળવાન દોષો આપની કૃપા પાસે અતિ દુર્બળ બની જાય છે. આપની અમારા પરની કૃપા તે આપનો ઈશ્વરધર્મ છે અને અમારા અગણ્ય દોષ તે અમારો જીવ ધર્મ છે. આમ આપના ઈશ્વરીય ધર્મ પાસે જીવધર્મ તુચ્છ છે માટે હે પ્રભુ આપ જીવોનો દોષ ન જોતાં અમારી ઉપર પ્રભુકૃપા રાખો જેથી દોષોથી ભરેલાં આ જીવોનો ઉધ્ધાર થઈ શકે.

 

 

કૃપાલો પાલનીયાંનાં ગુણદોષ વિચારણા ।
ન કાર્યા સ્વીશરણવિહિતં વરણં યદિ ।।૮।।

 

 

હે કૃપાળુ ! આપના શરણે આવવાથી, અમે આપના વરણને યોગ્ય થયા છીએ, આપે અમારા ગુણો અને અવગુણોનો વિચાર કરવો યોગ્ય નથી. આજ વાતને અનુમોદિત કરતાં શ્રી ગુંસાઈજીકહે છે કે, જીવમાં આપની અંગીકૃતરૂપ જે અધિકાર છે તેથી તે જીવ યોગ્ય હોય અથવા દોષ દૃષ્ટિથી અયોગ્ય હોય તો પણ તેનો વિચાર કરવો યોગ્ય નથી,માટે હે કૃપાનિધિ આ દોષોથી દૂષિત થયેલા જીવો પર કૃપા કરો.

 

 

અશ્રાંતોડપિ હરે દોષગણનાયાં મમ પ્રભો ।
શ્રમમેષ્યતિ ગોપીશ તતો વિસ્મર સર્વથા ।।૯।।

 

 

હે નાથ આપ કોઈપણ રીતે હારો કે થાકો એવા છો જ નહીં, આપને કોઈ કામમાં શ્રમ પડતો નથી, પલભરમાં આપને જે ગમે તે આપ કરી શકો તેવા આપ સામર્થ્યયુક્ત છો, તેથી હે પ્રભુ આપ આ જીવનાં ગુણદોષ ન જોશો. હે પ્રભુ આપ ગોપીજન વલ્લભ છો તેથી જેવી કૃપા આપે ગોપીજનો પર કરી હતી તેવી જ કૃપા આપ અમારા પર કરો. હે વ્રજનાં અધિપતિ, નિઃસાધન જીવોનાં ફલાત્મક પ્રભુ આપ અમારા અપરાધની ગણના ન કરો કારણ કે આપ જેવા સામર્થ્યયુક્ત અને ધૈર્યયુક્ત પ્રભુને એ શોભાયમાન નથી લાગતું.

 

 

દિનેષું ગુણલીનેષું (હીનેષુ) તાવકીનેષુ મત્પ્રભો ।
પરાધીનેષુ કરુણા કરણીઐન સર્વથા ।।૧૦।।

 

 

હે નાથ, હું અત્યંત દીન છું, દુઃખી છું, પરાધીન છું, હીન છું કારણ કે માયાનાં ગુણથી સંસારાદિકમાં લીન છું. હે પ્રભુ મારામાં આટઆટલા દોષ હોવા છતાં હું તમારો છું, માટે સર્વથા મારા પર કૃપા કરો.

 

 

શ્રી ગુંસાઈજીચરણ આ માટે કહે છે કે હે સુંદર, આપ મને કાળ અને કર્મને આધીન કરો છો તે પણ અયોગ્ય છે કારણ કે હું આપનો છું અને આપનો જ રહેવા માંગુ છું, માટે હે પ્રભુ આપ મારા પર કૃપા કરી મારો અંગીકાર કરી મને આપના ચરણમાં સ્થાન આપો.

 

 

નિઃસાધના ગતધના મનોદીના સુદુઃખિતા ।
નિજાચાર્યા શ્રીતાઃ શોકલોભમોહ ભયાકુલાઃ ।।૧૧।।

 

 

ભવંતિ તે કૃપાપાત્રં મહોદારો ! દયાનિધે !
પ્રયચ્છ કરુણાં તેભ્યો દત્તં પાત્રેડક્ષયં ભવેત્ ।।૧૨।।

 

 

હે પ્રભુ જે નિઃસાધન છે, ઉપરાંત જેનાંમાં ભાવરૂપી ધનનો પણ નાશ પામ્યો છે તેવો હું જીવ શોક, લોભ, મદ,માયા વગેરે અનિષ્ટોથી ઘેરાયેલ હોવાથી વ્યાકુળ પણ બની ગયો છું અને આ જ વ્યાકુલતાને કારણે નિર્ધન અને દુઃખી પણ બની ગયો છું, તેમ છતાં હે પ્રભુ હું આપનો અને શ્રી મહાપ્રભુજીનો આશ્રિત છું. વળી હે પ્રભુ જે આશ્રયે આવે છે તે જીવ આપની કૃપા ને પાત્ર છે માટે હે કૃપાનિધાન મારા જેવા મૂઢ જીવ ઉપર આપની કૃપા વરસાવો જેથી આ જીવની કોઈ શુભગતિ થાય, વળી હે દયાળુ આપના દ્વારા મને લાયક ગણીને મને આપની કૃપાનું દાન કરવાથી હું સુપાત્ર પણ બનીશ માટે દયાનંદન મારી ઉપર દયા કરી મને આપના શરણમાં લો.

 

 

સંસારદાવદગ્ધાનાં જીમૂતજલકાંક્ષિણામ ।
ન નીલજલદાનંતજલદાનં વિના સુખમ્ ।।૧૩।।

 

 

પુષ્ટિજીવો સંસારરૂપી દાવાનળથી બળી રહ્યાં હોવાથી તેઓને મેઘજલની આકાંક્ષા છે મેઘનાં ધોધમાર વરસતા વરસાદનાં દાન વિના પુષ્ટિજીવને સુખ શાંતિ થવાની નથી.

 

 

યે મયાંગીકૃતાઃ સર્વે ત્વત્સૈવાયૈ ગૃહસ્થિતાઃ ।
ત એવ ભાવનાશાય ભવંતિ કરવૈ કિમુ ।।૧૪।।

 

 

હે પ્રભુ, મે ઘરમાં રહેલા સર્વ પદાર્થોને સેવાર્થે સ્વીકાર્યા છે, પરંતુ તે તો મારા ભાવનો જ નાશ કરવાને તત્પર થયાં છે તો હવે શું કરું?

 

 

બહિર્મુખાઃ પ્રકુર્વન્તિ સ્વસંબંધ બહિર્મુખમ્ ।
સહાયતા ભ્રમાદેવ ન હાતુમહમુત્સહે ।।૧૫।।

 

 

તે પદાર્થો મને આપની સેવામાં સહાય કરશે તેવો ભ્રમ મને થયા કરે છે તેથી તેમનો ત્યાગ કરવાની હું ઈચ્છા કરતો નથી.પરંતુ સત્યતા એ છે કે તે સર્વ પદાર્થો પોતે બહિર્મુખ હોવાથી મને પણ બહિર્મુખ બનાવે છે.

 

 

સહાયભ્રમમુત્પાદ્ય વંચયંતિ યથા જનમ્ ।
માર્ગસ્થિતં તથા વંચિતોડહં ગૃહસ્થિતૈઃ ।।૧૬।।

 

 

માર્ગમાં ઉપસ્થિત થયેલાં મનુષ્યને જેમ કોઈ ઠગ મદદ કરવાને બહાને ઠગે તેમ હે નાથ હું મારા જ ગૃહમાં મારા જ કહેવાતાં લોકોથી ઠગાયો છું.

 

 

યયાંધકૂપપતિતં મંડૂકા દુઃસ્વરૈર્જનમ્ ।
વ્યથયંતિ તથા મહયં દુર્વચોભિગૃહ સ્થિતાઃ ।।૧૭।।

 

 

જેમ અંધારા કૂવામાંનાં દેડકા (અહીં અજ્ઞાની લોકોનો અર્થ રહેલો છે.) મનુષ્યને દુષ્ટ વાણીથી દુઃખ પહોંચાડે છે તેમ મને મારા ગૃહમાં રહેલાં લોકો દુર્વચનો દ્વારા વ્યથા અને પીડા પહોંચાડી રહ્યાં છે.

 

 

કીયત્પર્યતંમેવં કિ મદુપેક્ષાં કરિષ્યસિ ।
ત્યકતો વા દોષ સાહિત્યાત્ વિમુખોડહં દયાલુના ।।૧૮।।

 

 

હે નાથ આપ કેટલા દિવસ સુધી આવી રીતે મારી ઉપેક્ષા કરશો? હું દૂષિત અને વિમુખ થયેલો જીવ છું તેથી જ શું આપે મારો ત્યાગ કર્યો છે? આ શ્લોકનાં વિવેચન માટે શ્રી ગુંસાઈજી પ્રભુચરણ વિજ્ઞપ્તિમાં કહે છે કે

 

 

વિજ્ઞપ્તિનો શ્લોક
ચિત્તેન દુષ્ટો વચસાપિદુષ્ટઃ કાયેનદુષ્ટઃ ક્રિયયા ચ દુષ્ટઃ ।
જ્ઞાનેન દુષ્ટો ભજનેન દુષ્ટો મમાપરાધઃ કતિધા વિચાર્યઃ ।।

 

 

અર્થાત્ હે પ્રભુ હું ચિત્તથી પણ દુષ્ટ છું, જ્યારે મારી વાણી તો મિથ્યાભાસીથી પણ વધુ દુષ્ટ છે, મારી કાયા આપની સેવાને અર્થે નમતું નથી, મારી ક્રિયાઑ અને કાર્ય તે ફક્ત લૌકિકાર્થે જ થાય છે, આપની સેવા, આપનું કાર્ય, આપનું ભજન વગેરે મારા દૂષિત મનને કારણે શુધ્ધ ભાવે થતાં નથી આમ મારામાં રહેલાં અનેક અવગુણને કારણે હે પ્રભુ મારુ મન આપનામાં ચોંટતું નથી. હે પ્રભુ મારામાં રહેલા અનેકગણા દોષો અને અવગુણો જોઈને ક્યાં સુધી વિચારશો? હે પ્રભુ મારા તમામ અવગુણોને અવગુણીને આપ મારી ઉપર કૃપા કરિ મને શરણે લો.

 

 

ત્યકતઃ કુત્રગમિષ્યામિ ન મેડસ્તિ શરણં કવચિત્ ।
નાવમારોપ્ય દીનં સ્વં મધ્યેધારં ન મજ્જ્ય ।।૧૯।।

 

 

હે નાથ હું ત્યાજાયેલો છુ. મારું અને મારે માટે આપનાં ચરણો સિવાય બીજું કોઈ જ શરણ નથી. માટે તમારે શરણે આવેલા આ જીવને નાવમાં બેસાડી પછી આ સંસારરૂપી ભવસાગર પાર કરાવવાને બદલે લૌકિક રૂપી જળની મધ્યમાં ન ડૂબાડો. હે નાથ હું આપને શરણે આવેલો દીન અને હીન જીવ છું.

 

 

નિજાચાર્યકુલે જન્મ કિમર્થ વિહિતં મમ ।
વિહિતં ચેન્મયિ સદા દોષપીને કૃપાં કુરુ ।।૨૦।।

 

 

જો એમ હતું, તો આપને અંગીકૃત થયેલા એવા આચાર્ય કુલમાં મારો જન્મ શા માટે કર્યો? અને જો કર્યો તો પછી દોષથી ભરેલા એવા આ જીવ પર કૃપા કરો.

 

 

અસંગઃ સર્વથા દૂયેડસત્સંગ સહિતોપ્યહમ્ ।
યથારણ્યે પરિત્યક્તઃ કાંદિશીકો મૃગાહનૈઃ ।।૨૧।।

 

 

હે નાથ હું અસંતોનાં સહવાસવાળો છું અસત્સંગે અને દુઃસંગે મને બધી બાજુએથી ઘેર્યો છે. જેને કારણે મારી બુધ્ધિ ક્ષીણ થઈ ગઈ છે. આ જ અસત્સંગ અને દુઃસંગથી હવે મને ડરની અનુભૂતિ થઈ રહી છે.

 

 

બાવીશમાં શ્લોકમાં કહેવાયું છે કે જેમ નવી નવી પાંખો મળતા બાળપક્ષી પોતાની માતાને ત્યજી જાય તેમ હું પણ ભગવદ્જનોથી ત્યાજાયેલો છું. જ્યારે ત્રેવીસમાં અને ચોવીસમા શ્રી શ્લોકમાં હરિરાયજીચરણ કહે છે કે

 

 

ચિંતાપારાવારે પતિતસ્યાત્રૈવ મગ્નસ્ય ।
એત જ્જલવડવાગ્નિઃ શરણં શ્રી વલ્લભાચાર્યાઃ।।૨૩।।

 

 

હે પ્રભુ ! હું ચિંતારૂપી મહાસાગરમાં ડૂબેલો છું, તેમ છતાં પણ જલનું શોષણ કરવાને સમર્થ અગ્નિરૂપ શ્રી વલ્લભ પ્રભુ જ મારુ શરણ છે.

 

 

હા કૃષ્ણ ! હા નંદસૂનો !! હાં યશોદાપ્રિયાડભર્ક ।
હા ગોપિકા હૃદયાધાર ધારયસ્વ કરેણમામ ।।૨૪।।

 

 

હા કૃષ્ણ ! હાં નંદસૂનો !! હાં યશોદાજીનાં પ્રિયપુત્ર !!! હાં ગોપીજનોનાં હૃદયધાર!!!!શ્રી હસ્ત વડે મને પકડી લો અને આપના ચરણકમળનો મને આશ્રિત કરો. આવી અત્યંત ભાવાત્મક દીનતા, અત્યંત ભાવસભર હૃદયથી શ્રી હરીરાયચરણ વિપ્રયોગનાં સમુદ્રમાં ડૂબી જાય છે, અને ત્યાં શ્રી પ્રભુનાં અલૌકિક સ્વરૂપનો અનુભવ થાય છે.

 

 

હે વાંચક વૃંદ, આપ સૌ પણ આજ દીનતાનાં ભાવનરૂપ આ ૨૪ શ્લોકનું વારંવાર પઠન, ચિંતન, સ્મરણ અને વાંચન કરતાં કરતાં શ્રી પ્રભુનાં અલૌકિક સ્વરૂપનો અનુભવ કરો જેથી આપની શ્રીજી અને ગુરુ પ્રત્યેની સેવા ભાવના દ્રઢ બને. શિક્ષાપત્ર ૨૮ની આજ ભાવના સાથે આ લેખનું સંકલન પૂર્ણ કરાય છે, અને સાથે શિક્ષાપત્ર ગ્રંથનું સતત વાંચન અને ચિંતન આપને શિક્ષાપત્ર વધુ સમજવા માટે મદદ કરશે.

 

 

 

શેષ શ્રીજી કૃપા.

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.
 
[email protected]
[email protected]
 
સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]
 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.
 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૨૯) ગણગોરનું પદ-ચૈત્રમાસ

– ઠાડે કુંજ દ્વાર……… (પદ) …

 

 

krishna -gopi

 

ગણગોરનું પદ-ચૈત્રમાસ …

-ઠાડે કુંજ દ્વાર……
રાગ: ખટ

કવિ-કૃષ્ણદાસ અધિકારીજી

 

 

ઠાડે કુંજ દ્વાર પિય પ્યારી ।
કરત પરસ્પર હસહસ બતીયાં રંગીલી તેજ ગનગોર
ભોર સજ આઈ ઘર ઘરતેં સબ સખીયાં ।।૧।।
 

 

કરત આરતી અતિ રસમાતી ।
ગાવત ગીત નિરખ મુખ અખીયા ।
“કૃષ્ણદાસ” પ્રભુ ચાતુર નાગરી કહા બરનોં નાંહી મેરી ગતિયા ।।૨।।

 

 

આ પદ શરૂ કરીએ તે પૂર્વે પદમાં રહેલાં વ્રજભાષાનાં શબ્દોનો અર્થ જોઈ લઈએ.

 
ઠાડે- ઊભા રહેવું
 
પિય પ્યારી- શ્રી રાધાજી
 
ભોર- સવારે, પ્રભાતે
 
રસમાતી- રસ ભરેલી
 
અખીયા- આંખ
 
ગણગોર ઉત્સવનો ઇતિહાસ-

 

આ પદ ગણગોરનું છે. ચૈત્રમાસમાં આ ગણગોર કે કાત્યાયની ઉત્સવ આવે છે જે શ્રીજીબાવા સાથે જોડાયેલ છે. સારસ્વત યુગમાં ( ભગવાન શ્રીકૃષ્ણનો સમય જેને આપણે દ્વાપરયુગ તરીકે ઓળખીએ છીએ પરંતુ વ્રજમાં આ યુગ સારસ્વતયુગ તરીકે ઓળખાય છે.) બાલકનૈયાને પતિ રૂપે પામવાની ઇચ્છાથી ગોપીજનો આ વ્રત કરતાં હતાં. સામાન્ય રીતે આપણે ત્યાં ગોર્યો-ગૌરીપુજન, નવરાત્રિ વગેરે તહેવારોમાં ઉત્સાહથી, સકામ ફળની આશા સાથે દેવીપૂજન-ગરબા ઇત્યાદિ કરવામાં આવે છે પરંતુ પુષ્ટિમાર્ગમાં તે અન્યાશ્રય છે અને તે અન્યાશ્રય ન થાય તે માટે શ્રી યમુનાજીના પૂજન અને સેવનનો પ્રકાર કાત્યાયાની પૂજન રૂપે બતાવવામાં આવ્યો છે. શ્રી યમુનાજી પુષ્ટિમાર્ગમાં ગૌરીદેવીરૂપ હોવાથી કાત્યાયાની પૂજન ને ગણગૌરપૂજન પણ કહેવામાં આવે છે. આ વ્રત દરમ્યાન શ્રી યમુનાજીની રેણુંથી કાત્યાયાની દેવીની (યમુનાજી)પ્રતિમાની પ્રથમ ઉત્પત્તિ કરી હતી તેથી આ દિવસ ઉત્પત્તિ એકાદશીના નામેથી પણ ઓળખાય છે. કુમારીકા ગૌરી કૃપાથી કુમારિકા ગોપીજનોને અલૌકિક પતિ સ્વરૂપે શ્રીઠાકુરજી મળ્યા હતાં. વ્રજનાં ઈશ્વર દેવદમન પ્યારેલાલ શ્રીજીબાવા સ્વરૂપે વ્રજ છોડીને રાજસ્થાન પધાર્યા ત્યારે વ્રજના સમસ્ત આનંદ સાથે ઉત્સવો પણ રાજસ્થાનની મરુભૂમિનાં ભાગ બન્યાં આમ ગણગોર ઉત્સવની ઉજવણી મુખ્યતઃ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં કરવામાં આવે છે.

 

 

પદનો સાર

 

 

પિયપ્યારી શ્રી રાધિકા પ્રભાતનાં સમયે કુંજનાં દ્વારે ઊભેલી છે અને પરસ્પર કિલકારીઓ કરતી, સાજ સજીને આવતી સર્વે સખીઓને નિહાળી રહી છે. કારણ કે આજે ગણગોર ઉત્સવ છે તેથી સર્વે સખીઓ સુંદર શૃંગાર ધારણ કરીને, મધુરાસ્વરે મંગલ ગાન કરતી આવી છે, તેમનાં હસ્તમાં આરતીની સામગ્રી ભરેલ થાળ છે જેમાં સર્વ સામગ્રીઓ સાથે પોતાના પતિ થનાર શ્રી બાલકનૈયાને માટે આરોગી શકાય એવી પ્રિય સામગ્રીઓ પણ છે. શ્રી રાધિકાજી આ બધુ જોઈને અત્યંત પ્રસન્ન થઈ રસમાતી અર્થાત પ્રેમથી, રસસભર આંખોએ નિહાળી રહ્યાં છે. શ્રી કૃષ્ણદાસ અધિકારીજી કહે છે કે પ્રભુ ચતુરનાગર માટેની આ લીલા જોઈ મને કેવી અનુભૂતિ થાય છે તેને હું શબ્દોમાં શી રીતે વર્ણવું ? આ પદ દ્વારા શ્રી કૃષ્ણદાસ અધિકારીજી પોતાનો મનોભાવ પણ રજૂ કરે છે અને કહે છે કે નાગરનટવરને મારે મારા કરવા હોય તો મારે પણ ગોપીભાવે તેમને આ જ રીતે મનાવવા જોઈએ જેમ અત્યારે ગોપીજનો કરી રહ્યાં છે.

 

 

પુષ્ટિસાહિત્ય કીર્તનને આધારે…

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]
 
  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

નોરતાં ની રાત …

નોરતાં ની રાત …

 

 

maa amba

 

 

આવી આજે નોરતાં ની રાત, અંબા ના રૂપ અનેરાં
ગાઓ ગરબા ને રમો રાસ, ભક્તિ ના ભાવ ઘણેરા…

આશાપૂરા માં મઢ થી પધાર્યાં, આવી ને માંએ મારાં ભાગ્ય જગાડ્યાં
હૈયે મારે હરખ ન માય…

સોળે શણગાર માં ને અંગે શોભે, રૂપ નિરખી ને માંનું બાલુડાં લોભે
મુખડું માં નુ મલક મલક થાય…

ભાવ જોઇ ને ભક્ત જનો નો, છૂપી શક્યો નહિ નેહ જનની નો
અંબા માં ગરબા માં જોડાય…

ગોરું ગોરું મુખ માં નું ગરબો ઝિલાવે, ઝાંઝર ના ઝણકારે તાલ પૂરાવે
તાલી દેતી ત્રિતાલ…

દીન “કેદાર” ની માં દેવી દયાળી, દેજે ઓ માં તારી ભક્તિ ભાવ વારી
રમશું ને ગાશું સારી રાત…

 

 

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
[email protected]
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

ઘણા સમય બાદ આજે ફરી એક વખત અમારા શુભચિંતક – વડીલ મિત્ર શ્રી કેદારસિંહ મે. જાડેજા, ગાંધીધામ -કચ્છ થી મોકલેલ તેમની એક સુંદર રચના અમો તમારી સમક્ષ મૂકવા નમ્ર કોશિશ કરીએ છીએ. આ અગાઉ તેમની અનેક સુંદર રચનાઓ – ભજન – ભાવ ગીત -કાવ્ય આપણે બ્લોગ પર માણેલ છે.     તેઓ શ્રીની પોતાની પણ બ્લોગ સાઈટ છે, જ્યાં આપ સર્વે તેમની અનેક રચનાઓ નિયમિત રીતે માણી શકો છો. તેઓશ્રી ની બ્લોગ સાઈટની મુલાકાત એક વખત જરૂર લેશો.

 

 
આશા રાખીએ છીએ કે ફરી આપના તરફથી તેમની આ સુંદર રચના માટે યોગ્ય પ્રતિસાદ – પ્રતિભાવ સ્વરૂપે મળશે જે તેમની કલમને બળ પૂરશે.

‘દાદીમા ની પોટલી’ પર તેમની આ રચના મોકલવા બદલ અમો શ્રી કેદારસિંહજી ના આભારી છીએ.