શિક્ષણ અને મૂલ્યો …

શિક્ષણ અને મૂલ્યો …
– દૂષ્યંતભાઈ પંડ્યા

 

honesty

 

 

પ્રાચીન કાળમાં ગુરુના આશ્રમો લોક્વસ્તીથી દૂર હતા. વળી ત્યારે, ટી.વી., રેડિયો, વર્તમાનપત્રો જેવાં પ્રચાર માધ્યમો ન હતાં. પાટલીપુત્ર કે વૈશાલી સમાં નગરોમાં શાંતિ હતી અને, વનોપવનોમાં આવેલા આશ્રમોમાં વળી વધારે શાંતિ હતી. આમ છતાં, પોતાનો અભ્યાસ પૂરો કરી ગુરુના આશ્રમોથી વિદાય લેતા શિષ્યોને ગુરુ સ્પષ્ટપણે કહેતા કે, ‘અમારા સુચરિતોને જ તું અનુસરજે, બીજાંને નહીં.’ આમ બોધ આપતા ગુરુ જીવનનાં મૂલ્યો પર ભાર દેતા.

 

આજે એ આશ્રમ પ્રથા જ રહી નથી અને, શાળાઓમાં શું ભણાવવું તે સત્તા પર બેઠેલી સરકાર નક્કી કરે છે. અભ્યાસક્રમ નક્કી કરવા ઉપરાંત, પાઠ્યપુસ્તકો પણ સરકારે પ્રસિદ્ધ કરેલાં હોય છે. અને આપણા વિધાર્થીઓને દુર્ભાગ્યે, સરકાર બદલવાની સાથે, અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો પણ બદલાઈ જાય છે. આ ફેરફાર પાછળનું કારણ શૈક્ષણિક નથી પરંતુ, સત્તા પર આવેલ પક્ષની માન્યતાઓ વિધાર્થીઓના મગજમાં ઠાંસવાનું છે.

 

વળી, આપણે કમનસીબે, બીજા વિશ્વ યુદ્ધ પછીથી લાંચરુશવતની બદી માંડી પાર્લામેન્ટ સુધીનાં બધા ચૂંટણી આધારિત ધારાગૃહોમાં, લાંચના, ખૂનના, ધાડના, લૂંટના આરોપીઓ ચૂંટાતા હોય છે. સ્થાનિક મ્યુનિસિપાલિટીના કે સરકારી ખાતાંઓના અમલદારોનો મોટો વર્ગ લાંચ લીધા વિના કામ કરતો નથી. પૈસા આપીને પરીક્ષાના પરિણામમાં પણ ફેરફાર કરાવી શકાય છે. વિજળીની ચોરી, તમામ પ્રકારના કરવેરામાં ચોરી, આવકવેરામાં ચોરી – આમ ચોરીનું સામ્રાજ્ય ચોમેર વ્યાપેલું છે.

 

બીજી તમામ પ્રકારની પ્રક્રિયાઓ માફક, શિક્ષણ પણ એક પ્રકારની સામાજિક પ્રક્રિયા જ છે એટલે, સમાજમાંની રાજકીય, આર્થિક, વ્યવહારિક વગેરે. તમામ પ્રકારની અસરોનું પ્રતિબિંબ શિક્ષણ વ્યાપાર ઉપર પડે છે. ગીતામાં કહ્યા પ્રમાણે, ‘શ્રેષ્ઠ’ મનુષ્યોના આચરણની અસર ઈતરજનો પર પૂરેપૂરી પડે છે. પરિણામે આજની શિક્ષણ અનેક પ્રકારનાં અનિષ્ટોથી બદબદે છે.

 

માર્ગ વિકટ છે પણ તે કાઢવો તો પડશે જ

 

ગઈ સદીના પહેલા પાદમાં દેશના, પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં સરકારી અનુવાદ નહીં લેતાં અને પોતાના જ અભ્યાસક્રમોવાળાં ત્રણ મહાન કેળવણીનાં કેન્દ્રો કાર્યરત હતાં. પૂર્વમાં હતું ગુરુદેવ રવીન્દ્રનાથનું શાંતિનિકેતન, ઉત્તરમાં હતું સ્વામી શ્રદ્ધાનંદ સ્થાપિત કાંગડી ગુરુકુળ અને પશ્ચિમ ભાગમાં, ગુજરાતમાં, અમદાવાદમાં જ હતી મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિધાપીઠ. સરકારના અંકુશોથી એ ત્રણેય સંસ્થાઓ સંપૂર્ણપણે મુક્ત હતી, અ-સરકારી હતી માટે તો, એ ત્રણેય સંસ્થાઓ પૂરેપૂરી અસરકારી હતી. ક્ષતિમોહન સેન, વિધુશેખર ભટ્ટાચાર્ય, નંદલાલ બોઝ, ગુરુદયાળજી મલ્લિક, આચાર્ય મલકાણી, આચાર્ય કૃપલાણી, રામનારાયણ પાઠક, કાકા કાલેલકર જેવા વ્યુત્પન્ન વિદ્વાનો ત્યાં અધ્યાપકો તરીકે કામ કરતા અને, મધમાખો ફૂલો તરફ આકર્ષાય તેમ, તેજસ્વી છાત્રો એ સંસ્થાઓ તરફ આકર્ષાતા.

 

એ સંસ્થાઓ ડિગ્રી આપતાં કારખાનાંઓ ન હતી. ત્યાં અભ્યાસ કરતા વિધાર્થીઓ એમના અધ્યાપકોના નિકટના સંપર્કમાં આવતા અને એમના સંસર્ગ દ્વારા મૂલ્યોને એ આત્મસાત કરતા. ત્યાં મૂલ્યો વિશે કદી પ્રવચનો આપવામાં આવતાં ન હતાં, ત્યાંની ભીંતો પર – શાંતિનિકેતનમાં તો ભીંતો વગર જ વર્ગો હતા – મૂલ્ય વાક્યોનાં પતાકડાંઓ ચોંટાડવામાં આવતાં ન હતાં. મૂલ્યો વિશે કદી કોઈ વ્યાખ્યાન આપવામાં આવતાં ન હતાં. ગુરુના જીવની કિતાબ ગુરુ પાસે રહેતા વિધાર્થીઓ પાસે ચોવીસે કલાક ખુલ્લી રહેતી. એટલે, ગીતા વાક્ય પ્રમાણે, ગુરુનું આચરણ પ્રત્યક્ષ ઉદાહરણ રૂપ હતું.

 

આજે ગલીએ ગલીએ ગણપતિ બેસાડવાની અને ગરબીના મંડપો ઊભા કરવાની હરીફાઈમાં ભક્તિ કેટલી છે તે તપાસનો વિષય છે. આવા ઉત્સવોથી બીજી ગમે તે તાલીમ મળતી હશે, મૂલ્યોની તાલીમ કેટલી મળે છે તે તપાસનો વિષય છે. ઉજ્જૈનમાં વિધાર્થીઓના યુનિયનની ચૂંટણી તેમાં થતી ગેરરીતિને કારણે અટકાવવામાં આવી ત્યારે વિધાર્થી નેતાઓને હાથે ચૂંટણી થઇ હોત તો એમાં વિજય મેળવનાર વિધાર્થીઓ ક્યા મૂલ્યોની જાળવણી કરત અને તે કેવી એ પણ તપાસનો વિષય છે.

 

કોઈ નિરાશાવાદીને મને આજના પ્રવર્તમાન સંજોગોમાં મૂલ્યોની વાત કરવી તે હાસ્યાસ્પદ છે. રાજકારણીઓનાં પ્રવચનોના ચોખા ચોંટી શકતા નથી. ક્યાં મૂલ્યો ? જાળવણી કોણે કરવાની ?

 

પરંતુ, આ અધ તમસ ચિર કાળ ટકવાનું નથી. આજના કાળાડીબાંગ વાતાવરણમાં પણ મૂલ્યનિષ્ઠ શિક્ષકો અને અધ્યાપકો સાંપડે છે ખરા. મૂલ્યનિષ્ઠ ડોકટરો પણ સાંપડે છે અને મૂલ્યનિષ્ઠ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ સાંપડે છે. ગોદરેજ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર સ્વ. શ્રી નવલભાઈ ગોદરેજ હતા ત્યારની આ વાત છે, આઠ લાખ રૂપિયાની લાંચ આપવાના બદલામાં ગોદરેજ કંપની ને આઠ કરોડ રૂપિયાની ફોર્કલીફ્ટ પૂરી પાડવાના ઓર્ડર મળતા હતા તે એમણે નકાર્યા હતા. ગોદરેજ સોપ્સનું કારખાનું સંભાળતા નવલભાઈનાં મોટેરાભાઈ ડૉ. બરજોરજી ગોદરેજને સિગારેટ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું તો બરજોરજીએ તેને નકાર્યું હતું. બંને ભાઈઓને પૈસા તો કમાવા જ હતા પણ તે ન્યાયને માર્ગે, ખોટું કરીને નહીં.

 

ઇન્કમટેકસ ઓફિસરને તપાસવાની ફી લેવા બદલ એમ.ડી. થયેલા ડૉકટરને ઇન્કમટેકસ ખાતા સામેજ વર્ષો સુધી ઝઝૂમવું પડ્યું હતું અને, દિલ્હીની કચેરી સુધી લડત કરવી પડી હતી.

 

આ રીતે ઉદ્યોગપતિઓ અને ડૉકટરો જાળવી શકે તો બીજાઓ પણ જાળવી શકે. ગઈ સદીના પૂર્વાર્ધના પ્રખ્યાત કવિ નાનાલાલનો કિસ્સો પણ યાદ કરવા જેવો છે. કવિ ઇન્કમટેકસનું ફોર્મ ભરતા હતા તે સમયે કવિના કોઈ પરિચિત સજ્જન કવિ પાસે જઈ ચડ્યા. એ ગૃહસ્થ ઇન્કમટેક્સના જાણકાર હશે. એમણે કવીએ ભરેલું ફોર્મ જોવા માંડ્યુ. એ ફોર્મમાં કવિએ કોઈ છસો રૂપિયાની આવક બતાવેલી. એ આવક માટે કશો આધાર હતો નહીં. પેલા ગૃહસ્થ કવિને કહે  : ‘આ છસો રૂપિયા તમે ન બતાવો તેમાં સરકારનું કશું જશે નહીં.’

 

પોતાની છાતી પર હાથ પછાડતા કવિ બોલ્યા : ‘પણ આ નાનાલાલનું જશે તેનું શું ?’

 

મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા આટલી સ્વભાવિક હોવી જોઈએ. આ નિષ્ઠાનો અભાવ આજે જ ફૂટી નીકળ્યો છે તેમ નથી. નચિકેતાના પિતામાં પણ એનો પૂરો અભાવ હતો એટલે, વિશ્વજિત યજ્ઞને અંતે દાન કરવા માટે ઉત્તમ ગાયોને બદલે એણે ઘરડી, વેતર ન આપે તેવી ગાયોનું દાન આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે નાના નાચીકેતામાં મૂલ્યનિષ્ઠા હતી અને, પિતાને સન્માર્ગે વાળવા માટે એણે અતિ કઠિન માર્ગનો આશરો લીધો હતો. શિક્ષકના કહેવા છતાં બાદ મોહને બાજુના વિધાર્થીની નોટમાં જોઈ પોતાના દાખલા કે જોડણીનો જવાબ સુધાર્યો ન હતો.

 

જમાનાના ખાધેલ મોટી વયનાં મોટેરાંઓ કરતાં, નાનાં બાળકોમાં, કદાચ, મૂલ્યનિષ્ઠા જાગ્રત હોય છે. વડીલોના વર્તન દ્વારા, હરીફાઈમાં રાચતા શિક્ષણ દ્વારા અને પરીક્ષણ દ્વારા સમાજ એ મૂલ્યોને કચડી નાખે છે એમ કહેવું સત્યથી વેગળું નથી.

 

મૂલ્યનિષ્ઠાને આપનો સમાજ વેદિયાવેડા કહે છે. ‘વહેવારમાં ખોટું કરવું જ પડે’, એવી જોરદાર માન્યતા આપણા સમાજમાં જડ ઘાલી ગઈ છે. પ્રામાણિક રિક્ષાચાલકના કે બસકંડકટરના દ્રષ્ટાંતો અખબારોમાં ચમકાવવામાં આવે છે. એક દ્રષ્ટિએ એ કાર્ય સારું જ છે. પરંતુ જે બાબત સહજ અને સાર્વત્રિક બનવી જોઈએ તે, માત્ર આવા અપવાદરૂપે જ જોવા મળે છે તે મોટા ખેદની બાબત છે.

 

પૂજ્ય ઠાકુરનું જીવન ( શ્રીરામકૃષ્ણ પરમહંસ), પૂજ્ય શ્રી માનું જીવન, (શ્રી શારદામાં), મહાત્મા ગાંધીજીનું જીવન મૂલ્યનિષ્ઠાનાં ઉત્તમ ઉદાહરણો પૂરાં પાડે છે. સિંથીના વૈદરાજે આપેલા પાંચ રૂપિયા, રાતે દસ વાગ્યા પછી પણ, એમને પાછા વાળ્યા સિવાય ઠાકુર નિરાંતથી ઊંઘી શક્યા ન હતા. ‘પરધન નવ ઝાલે હાથ’, એ નરસિંહ મહેતાની પંક્તિ એમણે વાંચી સાંભળી ન હતી પણ, એમને માટે એ સહજ હતું. ‘વિત્તથી – પૈસાથી – મનુષ્ય તૃપ્ત થતો નથી’, એ નચિકેતા વાક્ય અનુસારનું વર્તન જ એમને માટે સહજ હતું. હરિજન દુધાભાઈના કુટુંબને આશ્રમમાં રાખ્યું એટલે, લોકોએ ગાંધીજીને આર્થિક સહાય આપવાનું સદંતર બંધ કરી દીધું હતું. ત્યારે, ભગવાને એમની લજ કેવી રીતે રાખી હતી તેનું અદ્દભુત વર્ણન ગાંધીજીએ પોતાની ‘આત્મકથા’ માં આપ્યું છે.

 

અભ્યાસક્રમમાં મુખ્યત્વેભાષાસાહિત્યનો અને ઇતિહાસનો ઉપયોગ મૂલ્યનિષ્ઠા તરફ વિધાર્થીઓનું લક્ષ દોરવા માટે થવો જોઈએ. પરંતુ આ મૂલ્યો તે રાજકર્તા પક્ષનાં પરિવર્તનશીલ મૂલ્યો નહીં. દુનિયાભરમાં આદાર પામતા ગાંધીજીને ગુજરાતની કોલેજોના વિધાર્થીઓ ઓળખાતા નથી એમ, ૨૦૦૧ની ગાંધીજયંતિ નિમિત્તે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’એ કરેલા સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું. એ અતિ માર્યાદિત તારણ પણ સાચું હોય તો, ગુજરાતના કર્ણધારોને માટે, ગુજરાતના શિક્ષકો અધ્યાપકો માટે, ગુજરાતના સંસ્કાર સ્વામીઓ માટે એ ખૂબ શરમજનક જ ગણાય.

 

પરંતુ, ગાંધી કે વિવેકાનંદનો ઉલ્લેખ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ આવે તે પૂરતું નથી. એ ઉલ્લેખો એ પ્રકારે થવા જોઈએ કે વિધાર્થીગણ એ પદાર્થકો વિશે વધારે જાણવા ઉત્સુક થાય તે જાણીને એમને અનુસરવા પ્રેરાય. આવી ઉત્સુકતાની જાગ્રતિ આપણી આવતી પેઢીને મૂલ્યો તરફ દોરી જશે. વિનોબાએ કહ્યા પ્રમાણે, ઇતિહાસમાં અકબરને નહીં, તુલસીદાસને અગત્યતા આપવી જોઈએ. સ્વામી વિવેકાનંદે અસહિષ્ણુતાને નહીં પણ સહિષ્ણુતાને વૈદિક – હિન્દુ – ધર્મનું પ્રધાન લક્ષણ ગણાવ્યું હતું. વિધાર્થી દેવસ્થાનનું ખંડન આપણા ધર્મનું લક્ષણ નથી. સ્વામીજીએ જણાવ્યા પ્રમાણે, મસ્જીદો, દેવળો અને સિનેગોગો બંધાવી આપવાં એ મૂલ્યોને હિન્દુ ધર્મના લક્ષણો છે. સંકૂચિતતા નહીં પણ ઉદારતા, ધિક્કારપૂર્વક હડસેલવું નહીં પણ આદરપૂર્વક સમન્વય, તિરસ્કાર નહીં પણ સ્વીકાર; પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણના જીવનમાં મૂર્તિમંત થયેલાં આ મૂલ્યોની ઘોષણા શિકાગોની વિશ્વધર્મપરિષદમાં સ્વામીજીએ કરી હતી. આ મૂલ્યોથી જરાક પણ ચાતરવું એટલે અવમૂલ્યોની ખીણમાં ગબડવું. શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ બોધિત મૂલ્યોને અનુસરીને ગાંધીજીના આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થનાને સ્થાન મળ્યું હતું, વિનોબાજીએ તો સર્વધર્મ પ્રાર્થનાનો અનન્ય મંત્ર આપ્યો છે.

 

આપણે આ મૂલ્યો તરફ પાછા વળશું ત્યારે જ દેશ સાચી પ્રગતિ કરી શકશે.

 

 

(રા.જ. ૧૧-૦૬/૩૭-૩૯(૩૫૭-૫૯)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.