“ વૃજલીલા ની મૂક સાક્ષી પિછવાઈ … ” (ભાગ -૨) …

“ વૃજલીલા ની મૂક સાક્ષી પિછવાઈ …  ” (ભાગ -૨) …

– (ઉત્તરાધ) ગતાંકથી ચાલુ …

 
pichhavai.2

 

 

*કમળપત્ર અને કમળ પુષ્પ- વ્રજની પિછવાઈમાં કમળપત્ર અને કમળ પુષ્પ અહં ભાવ ભજવે છે કારણ કે આ બંને વગર કૃષ્ણલીલાની પિછવાઈ અધૂરી રહે છે.

-કમળપત્ર- હંમેશાં પાણીમાં રહેવા છતાં કમળનું પાંદડું કદી ભીજાતું નથી. દુઃખ અને અસ્થિરતાથી સભર દુનિયામાં અવિચલિત રહેનાર જ્ઞાનીનું આ પ્રતીક છે.

 

શ્રીમદ્દ ભગવદ્દગીતાના શ્લોકમાં કહે છે કે …

 

ब्रहमणयाधाय कर्माणि सड्गं त्यक्ता करोति यः।
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा॥

 
પરબ્રહ્મને અર્પણ કરીને, આસક્તિ ત્યજીને જે પુરુષ સર્વ કર્મો કરે છે તે જળમાં રહેલા કમળપત્રની જેમ જગતમાં રહેલ પાપ વડે લેપાતો નથી.

 

-કમળ પુષ્પો- શ્રી યુગલસ્વરૂપને જોવા માટે શ્રી યમુનાજીને માટે તો બે આંખ પણ ઓછી છે તેથી તેમના રોમરોમમાં નેત્ર તણા અસંખ્ય કમળો ખિલેલા છે અને તે અસંખ્ય કમળો રૂપી નેત્રો દ્વારા શ્રી યમુનાજી પોતાના યુગલસ્વરૂપને જોઇ રહ્યાં છે, બીજો અર્થ એ પણ થાય છે કે કમળ પુષ્પો ભક્તોના ત્રિવિધ તાપનું વરણ કરીને ભક્તોને શાંતિ, આનંદ અને પ્રફુલ્લિતતા આપે છે. કમળ કાદવ કિચડમાં ઉગે છે છતાં પોતાની જાતને કાદવથી અલગ રાખી પોતાની પવિત્રતા જાળવી રાખી પોતાની સુવાસ સતત ફેલાવતું રહે છે. તે જ રીતે માનવે પણ સંસારમાં રહેલા રાગ, દ્રેષ, અભિમાન, ઈર્ષ્યાે વગેરે તત્વોીથી પોતાની જાતને નિરપેક્ષ રાખીને કમળની જેમ સુવાસ ફેલાવતા સુકર્મો કરતા રહેવું જોઈએ. જેમ કમળ સુવાસ ફેલાવવાના અને કાદવમાં રહેવા છતા પોતાને કાદવથી અલિપ્ત રાખી પોતાના લક્ષ પ્રત્યેો કટિબધ્ધત છે તે જ રીતે માણસે પણ કોઈપણ પ્રકારની મુશ્કેલીઓથી, દુઃખોની પરવા કર્યા વગર માત્ર પોતાના વિકાસ પ્રત્યે જ ધ્યાનને કેન્દ્રીત કરવું જોઈએ. શ્રીમદ્દ ભગવદગીતામાં પણ શ્રી કૃષ્ણેઃ કહ્યું છે કે, જે માનવ મોહમાયામાં ફસાયા વગર માત્ર બ્રહ્મને જ ધ્યા‍નમાં રાખીને પોતાના સતકર્મો પ્રત્યે જ લક્ષ રાખે છે તે જળમાં હોવા છતાં જળથી નિરપેક્ષ રહેતા કમળની જેમ પાપોથી મુક્ત રહે છે. કમળ હંમેશા સુર્ય તરફ પોતાની દ્રષ્ટિ રાખે છે. તે જ રીતે આપણે પણ આપણી દૃષ્ટિ કેવળ આપણા સૂર્યોશ્વર તત્વ શ્રી પ્રભુ તરફ રાખવી જોઈએ.

 

*લાલ કમલિની- શ્રી રાધાજી અને શ્રી ઠાકુરજીના પરસ્પરના વિરહના અનુરાગ વડે ઘૂંટાયેલો રંગ જે તેમના નયનોમાં ઉતરી આવી લાલ કમલિનીનું રૂપ ધારણ કરે છે.

 

*નીલ કમળ- શ્રી ઠાકુરજીના શ્રી અંગનો વર્ણ છે. વ્રજના બધાજ સરોવરોમાં નીલ કમળ ખીલે છે આ નીલ કમળરૂપી શ્રી ઠાકુરજી દરેક સરોવરમાં રહીને પનઘટમાં પાણી ભરવા આવતી પ્રત્યેક સખીને પોતાની યાદ અપાવે છે.

 

*પીળા કમળ- વ્રજમાં સખાઓ સાથે આમતેમ ફરતા શ્રી ઠાકુરજીને શ્રી રાધાજીના શ્રી અંગના વર્ણની યાદ અપાવે છે.

 

*સફેદ કમળ- કુમુદિની- વિયોગમાં રડીને લાલ થયેલા નયનોને જ્યારે શ્રીકૃષ્ણ અને શ્રી રાધાજીનો સંયોગ થાય છે ત્યારે તે નયનો નિર્મળ થઈ પ્રસન્નીત થઈ ઊઠે છે અને શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી મળી ગયા છે તેની પૂર્તિ આપતા ચંદ્રના ચંદ્રકિરણોમાં શ્રી યમુનાજીનું ખીલેલું હાસ્ય તે કુમુદિની બનીને વ્રજને મહેંકાવી દે છે.

 

*માછલી-મત્સ્ય- જે રીતે માછલીને પાણીનો અનન્યાશ્રય છે પાણી વગર માછલીનું જીવન શૂન્ય છે તે રીતે ભક્તોને માટે પણ શ્રીપ્રભુ, શ્રી યમુનાજી અને ગુરૂનો જ આશ્રય જ સર્વસ્વ છે, પ્રભુના નામ-સ્મરણ અને વિરહમાં તરસતા ભાવાર્દ્ર સજલ નેત્ર એ મત્સ્યનું પ્રતિક છે.

 

*વ્યોમ-ગગન- કાળા અને નીલા વાદળોથી ભરેલું વ્યોમ અર્થાત્ ગગન (આકાશ) એ ભક્તોને પ્રભુ ઘનશ્યામમુરારીની યાદ અપાવે છે અને પ્રભુ પર ભક્તોની સર્વોપરિતા દર્શાવે છે.

 

*સુર્ય- સુર્ય એ પૃથ્વીની નજીકનો સૌથી વધુ પ્રકાશ આપતો તારો છે પરંતુ બ્રહ્માંડમાં એવા અસંખ્ય સુર્યો જોવા મળે છે તે તમામ સૂર્યોનો મળીને જેટલો પ્રકાશ થાય તેનાથી સહસ્ર ગણો પ્રકાશ દેતો આ અલૌકિક સૂર્ય તે આપણાં શ્રી ઠાકુરજી છે.

 

*સુર્ય કિરણ- શ્રી સ્વામિનીજીના મુખારવિંદનો પ્રકાશ છે.

 

*ચંદ્ર – ચંદ્ર્નો અર્થાત સુંદરતા, શીતળતા, આનંદ અને શાંતિનું પ્રતિક. જીવનને ઉલ્લાુસમય બનાવવા માટે સુંદરતા, શીતળતા, આનંદ અને શાંતિ જરૂરી છે. મહાપુરુષોના નામ પાછળ આપણે ચંદ્ર લગાવીએ છીએ કારણ કે તેઓ ચંદ્ર જેવી સુંદરતા, શીતળતા, શાંત સ્વ.ભાવ ધરાવે છે દા.ત. કૃષ્ણેચંદ્ર્, રામચંદ્ર્ વગેરે. પરંતુ પુષ્ટિ માર્ગીય જીવોના ચંદ્ર તો આપણા શ્રી ઠાકુરજી છે અને આપણા શ્રી ઠાકુરજીનું મુખારવિંદ જે ભકતજનોને શીતળતા પ્રદાન કરે છે. શ્રી કૃષ્ણચંદ્રની સામે જોતાં જ સર્વે ગોપીજનો સહિત વૈષ્ણવજનોના વિરહાગ્નિ શાંત થઈ સંયોગ સાનિધ્ય સુખનો આનંદ લે છે.

 

*તારાઓ- અસંખ્ય સખીઓ, સખાઓ અને વૈષ્ણવજનો જે પોતાની આસપાસ રહેલા પોતાના પ્રભુ શ્રી કૃષ્ણરૂપી ચંદ્રને નિહાળી રહ્યાં છે.

 

*પ્રભુના ચરણકમળ- ભક્તો માટે પ્રભુના ચરણકમળ એ કલ્પતરૂ સમાન છે જે ભક્તોના મનની અભિલાષા પૂર્ણ કરે છે. ભક્તજનો માટે ભગવદ્ચરણથી મોટું તીર્થ એકપણ નથી વળી સંસારસાગર તરી જવા માટે પ્રભુના ચરણ કમળ સુદીર્ઘ અમોઘ નૌકા છે.

 

*પ્રભુના ચરણકમળના નખ- પ્રભુના “નખચંદ્ર” ભક્તોના જીવનમાં એવી રીતે શીતલ પ્રકાશ પાથરે છે કે ભક્તો પોતાની જીવન યાત્રા દરમ્યાન ભૂલા ન પડે.

 

*વૃક્ષ- વ્રજલીલાના વૈષ્ણવો વૃક્ષ બનીને હમેંશા પ્રભુલીલાના સહચારી બને છે.

 

*કુંજ નિકુંજ- ગાયો ચરાવવાના નિમિત્તે શ્રી ઠાકુરજીએ પોતાના નિત્ય ભક્તોને સસલા, હરણ, બંદર, ખિસકોલી અને અન્ય પશુઓ, બપૈયા, દાદુર, કોકિલ, મયુર અને અન્ય પક્ષીઓ તેમજ નદી, ઝરણાઓ, વનસ્પતિ, વૃક્ષો અને પલ્લવિત લતા-પતાઓ ગોપ, ગોપીજનો તથા ગાયોને રસદાન કરે છે.

 

*ગોપ અને ગોપીઓ – શ્રી ઠાકુરજીનાં અંતરંગ સેવકો પણ છે અને સાથે જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ પણ છે.

 

*ચકરડીએ કૃષ્ણ સખી શ્રી ચંદ્રાવલીજીનું નૃત્ય છે.

 

*ગાય-ભક્તિનું સ્વરૂપ છે.

 

*મોર- મુક્તિનું સ્વરૂપ છે.

 

*પોપટ- વિદ્યાનું સ્વરૂપ છે.

 

*હંસ-જ્ઞાનનું સ્વરૂપ છે.

 

*સારસ-પ્રેમનું સ્વરૂપ છે.

 

*કોકિલ-એ શ્રી સ્વામિનીજીનું ગાન છે.

 

*બપૈયા-શ્રી કુમારિકાનો ભાવ છે.

 

*કાચબો-વૈરાગ્યનું સ્વરૂપ છે.

 

*માખણ-જીવો માટે સારા અને પવિત્ર વિચારોનો સાર છે અને શ્રી ઠાકુરજીની અમૃત સુધા છે. જેનું દાન શ્રી ઠાકુરજીએ સમસ્ત વ્રજ અને વ્રજવાસીઓને કર્યું છે. શ્રી ભાગવતજીની ટીકા શ્રી સુબોધિનિજીમાં કહે છે કે વ્રજના પશુપક્ષી, નદીઓ અને તેમના જળપ્રવાહો, વ્યોમ અને વ્યોમનાં વાદળો, વ્રજ અને વ્રજવાસીઓ તેમજ સમસ્ત નૈસર્ગને શ્રી ઠાકુરજીએ પોતાની બાંસુરી દ્વારા પોતાની સુધાનું પાન કરાવ્યુ છે.

 

*દૂધ- દૂધ એ નિર્મળતાનું પ્રતિક છે. જે દર્શાવે છે કે આપણું ચારિત્ર્ય શુધ્ધ અને કર્મો પવિત્ર હોવા જોઈએ.

 

*દહીં- એ સ્નેહનું પ્રતિક છે॰

 

*ગાય અને વાછરડું- પિછવાઈમાં રહેલ ગાય અને વાછરડું તે વાત્સલ્ય ભાવને પ્રગટ કરે છે.

 

*અસંખ્ય ગાયો અને બળદ –તે માધુર્ય ભાવને પ્રગટ કરે છે.

 

*છાકલીલા- બાલ સખા સાથે છાક આરોગી રહેલા કૃષ્ણ સખ્ય ભાવ દર્શાવે છે.

 

*પનિહારીઓ અને ભથવારીઓ-પાણી અને દૂધ લઈને જતી ગોપીઓ એ દાસ્ય ભાવનું પ્રતિક છે.

 

*પર્વત- પિછવાઈમાં દેખાતો પર્વત એ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે.

 

*શ્રી ગિરિરાજજી- સેવ્ય અને સેવક સ્વરૂપ છે.

 

*શ્રી ગિરિરાજ્જીની કંદરા- શ્રી ગિરિરાજ્જીની કંદરામાં અષ્ટસખા અને અષ્ટસખી અહર્નિશ સમય અનુસાર કીર્તન કરે છે તેથી તે કંદરા શ્રી કીર્તનીયાજીની ગલી છે તેવો ભાવ રહેલો છે. બીજી ભાવનામાં શ્રી ગિરિરાજ્જીની કંદરા તે શ્રી લલિતાજીની નિકુંજ છે તેવો ભાવ રહેલો છે.

 

*વ્રજરજ- શ્રી ઠાકુરજી, શ્રી રાધેજી, શ્રી યમુનાજી, અને વ્રજ સખા સખીઓના ચરણોની રજ છે એટ્લે કે વ્રજ, વ્રજનીશ અને વ્રજવાસીઓનું ચરણામૃત છે.

 

*બંસરી- ગોપીજનોનું હૃદય જેમાં શ્રી ઠાકુરજીએ પોતાના અમૃત સુધાનો રસ ભર્યો છે.

 

*પિછવાઈમાં દેખાતું નાનું શું મંદિર- વૃંદાવનના કુંજસ્વરૂપની ભાવના છે. આ ઉપરાંત પિછવાઈમાં શૃંગાર, વિહાર, ભય જેવા રસરૂપ ભાવોનું ઉદ્દીપન પણ સમાયેલું હોય છે.

 

*વાઘ, સિંહ, હરણ – વગેરે પ્રાણીઓ પ્રભુના વીરરસના દ્યોતક છે.

 

*મેના, શુક, કોકિલ કોયલ, કપોત – જેવા પંખીઓ શ્રી રાધાજીની અને તેમની સખીઓની નિકુંજ સૃષ્ટિના શૃંગારરૂપ છે.

 

*માછલી, કાચબા, સારસ, હંસ – વગેરે પ્રભુની જલવિહાર લીલાનો ભાવ પ્રગટ કરે છે. શૈલી વિવિધા.

 

*મેવાડ શૈલી : આ શૈલીમાં મુખ્ય રંગમાં લાલ અને કાળા રંગનો અધિકતમ ઉપયોગ કરાયો છે. રાજસ્થાનમાં ચિત્રકળા સાથે પિછવાઈ શૈલીનો વિકાસ મેવાડ શૈલીથી શરૂ થયો. ( મેવાડ એટલે ચિતોડ, ઉદયપુર, શ્રીનાથદ્વારા, ચાવંડ વગેરે સ્થળો ) આ શૈલીની પિછવાઈ મુખ્યત્વે પુષ્ટિમાર્ગીય પુસ્તકો પર આધારિત છે. જેમાં સૂરસાગર, રસિકપ્રિયા, ૮૪ વૈષ્ણવો અને અષ્ટ્સખાઓ વગેરે આધારિત નાની પિછવાઈઓ બનાવવામાં આવે છે.

 

*બૂંદીશૈલી : આ શૈલીની પિછવાઈમાં લાલ, સફેદ અને હિંગળા રંગનો, પીળો વધુ ઉપયોગ કરાય છે. આ ઉપરાંત સોના-ચાંદીનો પણ ઉપયોગ કરાય છે. વેદપુરાણમાં બતાવેલા સમસ્ત દેવી દેવતાઓ સાથે કૃષ્ણરાધિકા અને બરખાઋતુને અને કૃષ્ણપદોનો આધાર લઈ પિછવાઈ અલંકૃત કરાય છે.

 

*જયપુર શૈલી : આ શૈલીમાં ઘાટો લાલ, નીલો, લીંબુડી, લીલો, પીળો સફેદ વગેરે રંગો ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત સોના અને જડતરનો બહોળો ઉપયોગ થાય છે. બ્રજની રાગમાલા, ગીતમાલા, ગીતગોવિંદ ઉપરાંત રામાયણ, મહાભારત અને સામાજિક જનજીવનને આધારિત પિછવાઈનો ઉપયોગ થાય છે.

 

*અલવર શૈલી : આ શૈલીમાં લીલો, નીલો, કેસરી રંગ વધુ ઉપયોગમાં લેવાય છે આ શૈલીમાં રાજસ્થાની અને મુગલ શૈલીનું મિશ્રણ પિછવાઈમાં જોવા મળે છે.

 

*કોટા શૈલી : આ શૈલીના રંગોમાં લીલો, પીળો, અને નીલા રંગનું વધુ પ્રાધાન્ય જોવા મળે છે. અહીં નાથદ્વારની જેમ પુષ્ટિમાર્ગીય પરંપરાગત પિછવાઈ શૈલી વધુ જોવા મળે છે જેમાં કૃષ્ણ, બલરામ, ઉધ્ધવજી, બારમાસ, કૃષ્ણ લીલા, દશાવતાર, રાગ રાગિણી, ષટઋતુ વગેરે પર પિછવાઈ જોવા મળે છે. તદ્પરાંત અને ઊંટ, ઘોડા, હાથી વગેરે જેવા પ્રાણીઓ સાથે રાજ્ય અસવારી સાથે રાજઘરાનાની સ્ત્રીઓ, રાણા અને રાજાઓ તેમજ રણની ગ્રામ્ય સંસ્કૃતિ વધુ જોવા મળે છે.

 

*કિશન ગઢ શૈલી : આ શૈલીમાં મુખ્યત્વે સફેદ, ગુલાબી અને લાલ રંગને સૌથી વધુ પ્રાધાન્ય અપાય છે. થોડા ઘણા અંશે લીલો અને નીલો રંગ પણ ઉપયોગમાં લેવાય છે. પણ મુખ્યત્વે પુષ્ટિમાર્ગીય કૃષ્ણ ભક્તિ, કૃષ્ણને સમર્પિત આદી પ્રકૃતિ જેવી કે ઝીલમાં ખેલતા પક્ષીઓ, નૌકા વિહાર, કદલીનાં સ્તંભો, કદંબનાં વૃક્ષો, કમલ દલ, શ્યામ તમાલનાં વૃક્ષો, મયૂરો સાથે અને ગૌધન સાથે નાચી રહેલા મુરલી મનોહરજી…..આદી., અને પરંપરાગત પ્રકૃતિ રાજસ્થાની રાજઘરાના, લોકજીવન અને ગ્રામ્યજીવન પર આધારિત છે પરંતુ અહીં બનાવાતી પિછવાઈમાં કૃષ્ણ સાથે પ્રકૃતિચિત્રણનું અધિક મહત્વ છે. અહીં બનતી પિછવાઈમાં બનતા ચહેરાઓની આંખો અણિયારી, આકર્ષક અને નાક નુકિલા હોય છે. આ પ્રકારની પિછવાઈમાં મુખ્યતઃ રાણી પદ્મિની જેવી રાજઘરાનાની રાણીઓની પિછવાઈ વધુ જોવા મળે છે. પૂર્તિ. ચિત્રકલાનો ઇતિહાસ કહે છે કે પાષાણયુગથી વિવિધ પ્રકારની ચિત્રકલાએ પોતાનું અસ્તિત્વ દર્શાવેલું છે. માયાયુગથી સિન્ધુઘાટીની સભ્યતા સુધી અને સિંધુઘાટીથી લઈ અત્યાર સુધી વિવિધ રંગોમાં વિવિધ સંસ્કૃતિ દર્શાવતી ચિત્રકલાએ કલાપ્રિયતાનું દ્યોતક બની છે.

 

વિદ્વાનો કહે છે કે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ કલા એ ચિત્રકલા છે. કારણ કે ચિત્રકલા એ મનુષ્યનાં સ્વભાવ, અને હૃદયનું પ્રતિબિંબ છે જેમાં તેમની અભિવ્યક્તિ વિવિધ આકાર અને વિવિધ રંગો દ્વારા છલકાય છે જેમાંથી એક સ્વરૂપ પિછવાઈ રૂપે પણ પ્રગટ થયું. પિછવાઈ કલાને રાજા મહારાજાઓએ ઘણો જ વેગ આપ્યો. સત્તરમી અને અઢારમી સદીથી મુઘલ પ્રભાવને અંતર્ગત શિકાર, બાગબગીચા, ઘોડેસવારી, હાથી સવારી, અંતઃપુર અને મીનાબઝાર, બાદશાહોની શાહી સવારી વગેરેની પિછવાઈનું અસ્તિત્વ પ્રગટ થયું, તો ૧૯ મી સદીમાં બ્રિટિશ પ્રભાવને લગતી અને સામાજિક જનજીવન દર્શાવતી રાજસ્થાની પિછવાઈઓનું પણ અસ્તિત્વ આવ્યું. ૨૦ મી અને ૨૧ મી સદી દરમ્યાન રાજસ્થાન સિવાય ભારતનાં અન્ય પ્રાંતમાં કલાકારો પણ વિવિધતાં દર્શાવતી પિછવાઈઓ બનાવીને શૃંગાર, હીરા, ફૂલો, રંગો વગેરે દ્વારા કોમળતા, પવિત્રતા, હાસ્ય, વીરતા, આનંદ જેવાં જીવનના વિવિધ પાસાઓને વ્યક્ત કરવાં લાગ્યાં. અન્ય એક મત અનુસાર વસ્ત્ર પર વિવિધ રંગરેખા, રૂપરેખાથી નિર્મિત પિછવાઈ કલાને ચિત્રકલા સાથે કોઈ સંબંધ માનવામાં નથી આવ્યો, પરંતુ તેમ છતાંયે સમય અનુસાર અને વીતી ગયેલા ઇતિહાસને જીવંત રાખવાની ભાવનાને કારણે આ પિછવાઈ કલાને પણ ચિત્રકલાની જેમ જ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી છે.

 

ચિત્રકલાની વ્યાખ્યા ગમે તે સ્વરૂપે હોય, પરંતુ આ બધાંમાં હવેલીઓમાં કૃષ્ણ લીલા સંબંધિત પિછવાઈઓએ પોતાનું મહત્વ હંમેશા જાળવી રાખ્યું છે. ભગવાનની પાછળ રહેલી દીવાલોમાં પરદારૂપી પિછવાઈઓ દ્વારા મંદિરની સુંદરતામાં વધારો કરવાની સાથે સાથે ભગવદ્ ભક્તોને શ્રી પ્રભુનાં જીવન ચરિત્ર પરની જાણકારી દેવામાં પણ સહાયક થાય છે. પુષ્ટિમાર્ગીય સેવામાં કીર્તન સંગીતનું અનેરું મહત્વ છે. પુષ્ટિ વૈષ્ણવો કીર્તન સંગીતના ભાવ દ્વારા ઠાકુરજીને પ્રસન્ન કરી પોતાની સેવામાં વ્રજભાવના લાવે છે પરંતુ એવા ઘણા વૈષ્ણવો છે કે જેમને કીર્તન ગાતા નથી આવડતા ત્યારે તેઓને માટે પિછવાઈ પોતાના પ્રભુમાં ભાવભાવના ઉત્પન્ન કરવા ઉપયોગી થાય છે.

 

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે “ भावो भावनया सिध्ध: “ અર્થાત્ ભાવની સિધ્ધી ભાવનાથી થાય છે. વ્રજની ભાવભાવનાત્મિકા સેવા શ્રી નટવર નંદલાલને માટે થાય છે અને તેમાં ઉપયોગમાં લેવાતી પિછવાઈઓને કારણે વ્રજના દરેક ઉત્સવો અને લીલાઓને વાચા આવી જાય છે. આમ આ વ્રજલીલાની મૂક સાક્ષીપિછવાઈઓ મુખ્યત્: શ્રી પ્રભુ પ્રત્યે પોતાની ભક્તિ અભિવ્યક્ત કરવાનું મુખ્ય માધ્યમ છે જેમાં ભક્તોનાં ભાવો જીવંત બની જાય છે.

 

 

© Purvi Modi Malkan – (USA) 2013

 

પૂર્વી મોદી મલકાણના જય શ્રીકૃષ્ણ (યુએસએ)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે, જે સદા લેખિકાજી ની કલમને બળ પૂરે છે; તેમજ અમોને માર્ગદર્શક બની રહે છે.

 

સાભાર સૌજન્ય : ચેતનાબેન શાહ … (‘શ્રીજી’ભજન કીર્તનનો મનોરથ એટલે શ્રીજી સત્સંગ)
બ્લોગ લીંક: http://samnvay.net/shriji/?p=3112

 
ચેતનાબેન શાહ ના બ્લોગ ‘શ્રીજી’ પર સૌ પ્રથમ વખત પ્રકાશિત થયેલ લેખ ‘પિછવાઈ’આજ ની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન મલકાણ (યુએસએ)  તેમજ લેખ પુન: પ્રકાશિત કરવા માટે સહમતિ આપનાર ચેતનાબેન શાહ નાં અંતરપૂર્વકથી આભારી છીએ ….

 

નોંધ : અનિવાર્ય સંજોગવસાત બે દિવસ માટે નવી પોસ્ટ બ્લોગ પર અમો રાખી નહીં શકીએ, જે બદલ ક્ષમા ચાહિએ છીએ…. રવિવાર બાદ પોસ્ટ ફરી નિયમિત માણી શકાય તેવી અમારી નમ્ર કોશિશ રહેશે….  આભાર !

‘દાદીમા ની પોટલી’