નવી ભોજન પ્રથા …

“નવી ભોજન પ્રથા” …

 

 New Bhojan Pratha.1

 

 

મિત્રો આપ સૌ જાણો છો કે ‘દાદીમા ની પોટલી’ પર આરોગ્ય સંબંધિત જાગૃતિ – કાળજી કેળવાય તે બાબત હંમેશાં આપ સર્વે માટે વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે, અને -અહીં બ્લોગ પર સતત યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી નમ્ર કોશિશ રહી છે.

 

 

આજે  આપ સર્વેની જાણકારી માટે  ‘પ્રાકૃતિક ભોજન પ્રથા’  અને તેની સમજણ આપવા માટે – ‘નવી ભોજન પ્રથા’….  અંગેની શ્રેણી ની શરૂઆત ‘દાદીમા ની પોટલી’ પર કરવાની અમોએ નમ્ર કોશિશ કરેલ છે.    ભોજન પ્રથા તો આપણે સમજ્યા, પરંતુ આ ‘નવી ભોજન પ્રથા !!!! ‘ …એ વળી કઈ નવી બલા અમો લઈને આવ્યા છીએ ? તેવો પ્રશ્ન તો કદાચ આપના મનમાં થશે જ !!!   હકીકતમાં, આ કોઈ નવી બલા નથી તેમજ તમારે કોઈ ખર્ચ કરવાની અહીં કોઈ વાત આવતી નથી.  

 

છેલ્લા સત્તર વર્ષ કે તેથી વધુ સમયથી પોતાની જાત પર તેમજ તેના પરિવારે  આ ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ છે., એટલુજ નહિ  અગણિત લોકો દ્વારા આજસુધીમાં અપનાવવામાં આવેલ છે અને અસાધ્ય વ્યાધિમાં અકલ્પનીય ફાયદો પણ આ પ્રથા અપનાવ્યા બાદ મેળવ્યો હોય તેવા અગણિત ઉદાહરણ અમારી પાસે છે.   જે અંગે આપણે આગળ ઉપર વિશેષ વાતચીત પણ કરીશું.

 

‘નવી ભોજ પ્રથા’ નાં પ્રણેતા શ્રી બાલુભાઈ વી ચૌહાણ -સાહેબ (અમરેલી-ગુજરાત) જી.ઈ.બી નાં -. રીટાયર્ડ સુપ્રિ. એન્જિનિયર છે. તેમને તેમના કાર્યમાં તેમના ધર્મ તેમજ કર્મ સાથી -સહધર્મિણી- આદરણીય  બેન શ્રીમતિ સરોજબેન  દ્વારા  તેમના આ સેવાકીય યજ્ઞમાં પૂરેપૂરી સહમતી સાથે – સતત સાથ અને સહકાર મળેલ છે; એટલુજ નહીં  આ સેવાયજ્ઞમાં, ચૌહાણ દંપતિ તેમજ તેમના પરિવાર સાથે અનેક સાથીઓના સાથ અને સહકાર દ્વારા સતત આ સેવાયજ્ઞ નો પ્રચાર અને પ્રસાર લોકજાગૃતિ  માટે કરવામાં આવે છે.

 

 

‘દાદીમા ની પોટલી’ નાં વાંચક મિત્રો માટે પોતાની વ્યસ્તતા માંથી  અલગથી વિશેષ સમય ફાળવી અને ‘નવી ભોજન પ્રથા’ નાં લેખ મોકલવા માટે સહમતિ આપવા બદલ અમો શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ (અમરેલી-ગુજરાત) તેમજ તેમના પત્ની શ્રીમતી સરોજબેન ચૌહાણ  ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

આજે “નવી ભોજન પ્રથા” વિશે અમો વિશેષ કશું કહેવા માંગતા નથી, સાહિત્ય જગતના આદરણીય  સાહિત્યકાર – કવિ – લેખક શ્રી સૌરભભાઈ શાહ – ની કલમે થોડી પ્રાસ્તાવિક વાત સૌ પ્રથમ આપણે આજે સમજીશું અને જાણીશું. ‘નવી ભોજન પ્રથા’ અંગેની જાણકારી માટેના પ્રાસ્તાવિક લેખ બદલ અમો શ્રી સૌરભ શાહ નાં અંતરપૂર્વક આભારી છીએ.

 

 

તો ચાલો આજે જાણીએ “નવી ભોજન પ્રથા’ વિશે …

 

 

“નવી ભોજન પ્રથા” …

 

 

ગાંધીજી, ભમગરા, ચૌહાણ અને રમણલાલ એન્જિનિયર …

 

ગુજરાતીઓ આહારમાં જેટલા બેદરકાર છે એટલા જ આપણી પ્રજામાં આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવનારા વિચારકો પણ છે. કુદરતી ઉપચારશાસ્ત્રી ડૉ. મહેરવાન ભમગરા એમાંના એક છે. ડૉ. ભમગરા કહે છે કે ‘ગાંધીજીનું કથન છે કે દવા વિના કોઈ પણ દર્દ દૂર ન થઈ શકે, એ માન્યતા એક વહેમ છે.’ ડૉ. ભમગરા પોતે માને છે અને એમણે એક પ્રવચનમાં આ કહ્યું પણ છે: ‘ઍલોપથીની તો કદાચ સો ટકા દવાઓ લાંબે ગાળે એના ઉપયોગ કરનારને હાનિકારક પુરવાર થાય છે. ડૉ. મેયલરના મશહૂર પુસ્તક ‘સાઈડ ઈફેક્ટ્સ ઑફ ડ્રગ્સ’ના ગ્રંથો ૭૦ વર્ષથી દર વર્ષે પ્રકાશિત થતાં રહે છે, જેમાં વર્ષ-પ્રતિવર્ષ જૂની કે નવી દવાઓની આડઅસરોની યાદી હંમેશ લાંબી થતી જાય છે. ડૉક્ટરી અભ્યાસક્રમમાં દવાઓની સારી અને તાત્કાલિક અસરો બાબત વિદ્યાર્થીઓને વધુ જાણકારી અપાય છે, પરંતુ એની આડઅસરો બાબત ખાસ કોઈ ચેતવણી અપાતી નથી.’

 

ભમગરાસાહેબને અફસોસ છે કે ઊણોદરીનું વ્રત જૈનો પણ ભૂલી ગયા છે, હકીકતમાં તો એ જૈન કે જૈનેતર કોઈના પણ માટે ઉત્તમ વ્રત છે. ભૂખ કરતાં સહેજ ઓછું ખાવું, સંયમથી ખાવું એટલે ઊણોદરી વ્રત. આને બદલે આપણે પોતે જમતી વખતે ઠાંસીને ખાઈએ છીએ અને મહેમાનગતિના નામે મહેમાનોને પણ અત્યાહાર કરાવીએ છીએ.

 

ગાંધીજીએ કહ્યું હતું, ‘આપણે સહુએ આહાર મર્યાદિત જ લેવો જોઈએ. ક્યારેક ઉપવાસ પણ કરતાં રહેવું જોઈએ. મારા જેટલો ફળાહાર કદાચ કોઈએ નહીં કર્યો હોય. છ વર્ષ સુધી હું કેવળ તાજાં યા સુક્કાં ફળ ઉપર જ જીવ્યો છું. સ્વસ્થ રહેવા આપણા આહારમાં તાજાં ફળ અને શાકભાજી જ વધુ પ્રમાણમાં હોવાં જોઈએ.’

 

અમરેલી નિવાસી ગુજરાતી એન્જિનિયર બી. વી. ચૌહાણ ગુજરાતના જ નહીં ભારતનાં અનેક ઠેકાણે ફરીને, પ્રવચનો આપીને અને શિબિરો કરીને શાકભાજી અને ફળના આહારનો પ્રચાર કરે છે. ઘાટકોપરમાં ગિરીશ દોશી દ્વારા ચૌહાણસાહેબની રૂબરૂ મુલાકાત થઈ ત્યારે એમની પાસેથી કાચા આહારની અસરકારકતા વિશે ઘણું જાણવા મળ્યું. એટલું જ નહીં, રાંધ્યા વિનાનો આહાર પણ બે હાથે ખાઈ શકો એટલો સ્વાદિષ્ટ હોઈ શકે તેનો પણ અનુભવ થયો. જોકે, કાચા આહારમાં પણ અત્યાહાર ન કરવો જોઈએ.

 

ચૌહાણસાહેબ દૂધ કે દૂધની કોઈપણ બનાવટ (ઘી, પનીર, માખણ ઈત્યાદિ)નો વિરોધ કરે છે. વિદેશમાં દૂધથી દૂર રહેનારા શાકાહારીઓને વેગન કહેવાય છે. પર્સનલી દૂધ માટેનો વિરોધ મને વાજબી નથી લાગતો. ડેરીનું, કૃત્રિમ રીતે ઉત્પાદન વધારીને વેચાતું દૂધ હાનિકારક જ હોવાનું. પણ જો કોઈને પોતાનાં જ પાળેલાં ગાયભેંસનું શુદ્ધ દૂધ મળી શકતું હોય કે પછી શહેરમાં ઑર્ગેનિક હોવાની ખાતરી આપતું દૂધ મળતું હોય તો તે જરૂર લેવું જોઈએ. ઍનિવે.

 

બી. વી. ચૌહાણે ભોજન પ્રથામાં સરળ પરિવર્તન લાવવા માટેની કેટલીક રેસિપીઝ તૈયાર કરી છે. કાચું ખાવાથી કોઈ પણ પ્રકારના રોગ દૂર થઈ શકે છે એવો એમનો દાવો છે અને અનુભવ છે. આ દાવામાં ક્યાંક અતિશયોક્તિ જરૂર હશે પણ આડેધડ ફાસ્ટફૂડ કે તળેલાં અને વાસી અન્ન ખવાતાં હોય ત્યારે કાચું ખાવાનો પ્રચાર થાય તે જરૂરી છે. કમસેકમ સારાં સલાડ તેમ જ ફણગાવેલાં કઠોળ વગેરે ખાવાની ટેવ પડશે તો પેલા હાનિકારક ખોરાકથી દૂર જવાશે.

 

માત્ર કાચા આહાર પર જ જીવવું અને માત્ર અત્યારે જે પ્રકારનો બજારુ કે ઘરનો પણ અતંદુરસ્ત ખોરાક ખાઈએ છીએ તેના પર જીવવું – આહારમાં કોઈપણ પ્રકારના અંતિમો હાનિકારક છે. સાજા હોઈએ કે માંદા પડીએ ત્યારે ભૂખ ન લાગે તો ન જ ખાવું. ખાવું જ હોય તો પહેલાં ભૂખ લાગે તે માટેનો ઉપચાર કરવો. એ જ રીતે તબિયત નરમગરમ હોય ત્યારે એકાદ ટંક ઉપવાસ કરીને શરીર સાચવી લેવું સારું. પણ લાંબા ઉપવાસોથી લાંબા ગાળે શરીર કંતાઈ જાય છે. ધાર્મિક કારણોસર થતા ઉપવાસો બાબત આપણે કંઈ નથી કહેવું. જેને જે યોગ્ય લાગે તે કરે. પણ ભૂખ્યા રહેવાથી, લાંબો સમય ભૂખ્યા રહેવાથી શરીર પર ગંભીર ખરાબ અસરો પડતી હોય છે.

 

ગુજરાતીઓનાં સદનશીબ  છે કે આપણી પાસે ડૉ. મહેરવાન ભમગરા, બી. વી. ચૌહાણ જેવા બીજા અનેક કુદરતી આરોગ્યશાસ્ત્રીઓ છે. રમણલાલ એન્જિનિયરનું નામ ઘણાને ખ્યાલ હશે. વલ્લભ વિદ્યાનગરના સ્થાપક ભાઈકાકાના તેઓ પુત્ર. ડૉ. ભમગરાના તેઓ સાથી-મિત્ર. રમણલાલ એન્જિનિયરે ‘પોષક ખોરાક મોંઘો નથી’ નામની નાનકડી પુસ્તિકામાં ત્રણ પાયાના સિદ્ધાંત આપ્યા છે:

 

એક, આખો ખોરાક એ અનોખો ખોરાક છે. અર્થાત્ મેંદા કરતાં ઘઉંનો લોટ વધારે સારો. એવી જ રીતે ખાંડ કરતાં ગોળ અને ગોળ કરતાં શેરડીનો રસ વધારે સારો.

 

બીજું, કાચો ખોરાક એ સાચો ખોરાક છે. આપણા ખોરાકમાંથી જે જે ચીજો કાચી ખાઈ શકાય અને સહેલાઈથી પચાવી શકાય તે કદી રાંધીને ન ખાવી. રાંધેલા ખોરાક કરતાં કાચા ખોરાકમાં વધુ સત્ત્વ છે.

 

ત્રીજું, કોરો ખોરાક એ સારો ખોરાક છે. એટલે જે ખોરાક કાચો ન ખાઈ શકાય તેને બાફવાને બદલે ભૂંજીને કે શેકીને ખાવો.

 

રમણલાલ એન્જિનિયરે ભોજન માટેની લાંબી નિયમાવલી પણ તૈયાર કરી છે જેમાંના કેટલાક નિયમો છે:

 

 

૧. સાચી ભૂખ સિવાય ખાવું નહીં.

 

૨. ઉતાવળમાં હોઈએ ત્યારે જમવા બેસવું નહીં. એવા સમયે દૂધ, છાશ, ફળરસ કે રાબથી ચલાવી લેવું. નિરાંતે જમવું, જમ્યા પછી અડધો કલાક આરામ કરીને જ કામે ચઢવું.

 

૩. જમતી વખતે ક્રોધ, ઉતાવળ, ઈર્ષ્યા, મૂંઝવણ, ચિંતા અને બીજાં અનેક ભૂતપલિતોને દૂર કરી પ્રસન્ન ચિત્તે જમવું.

 

૪. થાળીમાં વાનગીઓની સંખ્યા ઓછી રાખવી. એક ભોજનમાં ચારેક વાનગીઓ તો ઘણી થઈ ગઈ.

 

પાંચમો મુદ્દો સૌથી મહત્ત્વનો છે: આહારમાં એકદમ કશો ફેરફાર ન કરવો. જે ફેરફાર જરૂરી હોય તે ધીમે ધીમે કરવો.

 

ઘણી વાર ડાયાટિશિયનને કન્સલટ કરીને રાતોરાત એના કહેવા મુજબનો ડાયેટ અમલમાં મૂકવાના ઉત્સાહમાં અઠવાડિયું-પંદર દિવસ પછી પંક્ચર પડી જાય છે. વ્યાયામનું પણ એવું જ છે, કોઈ પણ બાબતનું એવું છે. એટલે જ જીવનમાં જે કંઈ ફેરફારો કરવા હોય તે રાતોરાત કરી નાખવાના ધખારા નહીં રાખવાના, આહિસ્તા આહિસ્તા.

 

 

સૌજન્ય- સાભાર : ગુડ મોર્નિંગ – સૌરભ શાહ …

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

 

‘નવી ભોજન પ્રથા’ … સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ શ્રી બાલુભાઈ ચૌહાણ નાં આ કાર્યમાં બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. બ્લોગ પોરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે…..આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

આપ નવી ભોજન પ્રથા અને તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  શ્રી બાલુભાઈ ચૌહાણ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] -/  [email protected]  દ્વારા મેઈલ મોકલી મેળવી શકો છો.

 

મિત્રો, હવે પછી નો લેખ શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબની કલમે આપ અહીં માણી શકશો…જેમાં આપને ‘નવી ભોજન પ્રથા’ ની ખૂબજ સરળ સમજ સાથે તે અપનાવવાની  રીત, તે અપનાવવાથી થતાં લાભાલાભ -કાર્ય કરણી, તેમજ વિવિધ  રેસીપી ની જાણકારી સાથે  – જે લોકોએ આ પ્રથા અપનાવેલ છે અને તે કારણ સર તેમને  થયેલા અનુભવ તેમજ ફાયદાઓ  ની વિગતો ક્રમશ: સમયાંતરે અહીં નિયમિત રીતે માહિતગાર કરવા નમ્ર કોશિશ કરીશું.  ….આભાર !  ‘દાદીમા ની પોટલી’

બાળકોમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ …

બાળકોમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ …

 

 

 

teacher

 

 

શાળામાં કેવી રીતે મૂલ્યશિક્ષણ આપવું ?

 

વર્તમાન શિક્ષણપદ્ધતિ ભલે ઊણપોભરી હોય અને મૂલ્યલક્ષી શિક્ષણ માટે અનુચિત પણ લાગે; વળી તે સાવ ઔપચારિક અને પરીક્ષાલક્ષી પણ હોય તોયે મૂલ્યોનું વિધાર્થીઓમાં સંક્રમણ કરવું એ શૈક્ષણિક સંસ્થાઓની વર્તમાન વિષમ પરિસ્થિતમાં પણ શક્ય છે. વિહંગાવલોક્નકરતાં મૂલ્ય શીક્ષણ આપવામાં નડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે ગુરુચાવી જેવી કેટલીક સંકલ્પનાઓ આપણી નજર સમક્ષ રાખવી રહી :

 

૧. એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઇ શકે નહિ. સામાન્ય માણસમાં તેની વિચાર શક્તિનો નેવું ટકા ભાગ વ્યર્થ જાય છે, અને તેથી તે સતત ભૂલો કર્યા કરે છે; કેળવાયેલું મન અથવા માણસ કદી ભૂલો કરે નહિ (૭.૬૪)
… ધન મેળવવામાં કે ઈશ્વરની આરાધના કરવામાં કે કોઈ કાર્યમાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે. (૫.૧૧૨) … મનને એક વસ્તુ પર એકાગ્રકર્યા પછી આપણી મરજી મુજબ તેને તેમાંથી અલગ પાડી દઈ શકાતું નથી. આ અવસ્થા બહુ દુઃખદાયક નીવડે છે … તેથી એકાગ્રતાની શક્તિ સાથે જ અલગ થવાની શક્તિ પણ કેળવવી જોઈએ. આપણે મનને એક જ વસ્તુ પર પૂરેપૂરું કેન્દ્રિત કરતાં શીખવું જોઈએ, એટલું જ નહિ: પણ એક ક્ષણમાં જ તેને તેનાથી વેગળું કરી દઈને બીજે વસ્તુ પર પણ લગાડતાં આપણને આવડવું જોઈએ. (૮.૭૫) … બાલ્યાવસ્થામાં જ એકાગ્રતાની તેમજ અલિપ્તતાની શક્તિ સાથોસાથ કેળવવી જોઈએ. (૮.૭૫)

 

૨. આપણું દુર્ભાગ્ય એ છે કે એકાગ્રતાની \અને અલિપ્તતાની શક્તિ કેળવવા અને સાર્વત્રિક વિકાસ સાધવા આપણે આપણી ઈચ્છાશક્તિને સમૃદ્ધ કરી નથી. એટલે જ સફળ થવા માટે તમારામાં જબરદસ્ત ખંત હોવો જોઈએ, પ્રબળ ઇચ્છાશક્તિ હોવી જોઈએ, ‘હું સાગર આખો પી જઈશ, મારી ઈચ્છાશક્તિના જોરે પર્વતોના ચૂરા થઇ જશે,’ ખંતીલો જીવ તો એમ બોલે. એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઈચ્છાશક્તિ કેળવો, તો રમે ધ્યેયે પહોંચશો જ. (૩.૧૪૧)

 

આવી પ્રબળ ઈચ્છાશક્તિ વિના કોઇપણ વ્યક્તિ પોતાના નિશ્ચિત ધ્યેય સુધી પહોંચી શક્તિ નથી; કેળવણી એટલે માત્ર પરીક્ષામાં ઉત્તમ ગુણે સફળ થવું એ નથી પણ કેળવણીમાં તો એક એવી તાલીમ મળે છે કે જેના દ્વારા ઈચ્છાના પ્રબળ પ્રવાહ અને તેની અભિવ્યક્તિને સંયમ-નિયમમાં રાખી શકાય અને સર્વજનહિતાય સર્વજનસુખાયના ઉદાત્ત અને ઉમદા હેતુ માટે એનો ઉપયોગ થાય.

 

જો ઉપર્યુક્ત ભૂમિકા પર સારી રીતે કેળવણી અપાય તો વિધાર્થીના ચારિત્ર્યઘડતરનું કાર્ય સહજ-સરળ બની જાય અને વિધાર્થી પોતાના પગ પર ઊભા રહેવાની શક્તિ કેળવી શકે છે. એ દ્વારા એ પોતાને અને સમાજને બંનેને ઉપયોગી બની શકે છે.

 

મૂલ્યશિક્ષણ માટેનાં કેટલાંક આવશ્યક સૂચનો …

 

 

• પહેલાં તો બાળકો સમક્ષ કોઈ અનુસરણીય આદર્શ હોવો જોઈએ. આ આદર્શ વિધાર્થી પોતાની જ મેળે પસંદ કરે એ જ હિતાવહ છે.

 
• માતાપિતા કે શિક્ષકો બાળકોને પોતાની સ્વપ્નની દુનિયામાં જ જકડી રાખે એ નાદુરસ્ત વાત છે. બાળકોને પોતાના અભ્યાસ, કારકિર્દી વગેરેની પસંદગી એમની મેળેજ કરવા દો. જ્યારે જરૂર લાગે ત્યારે એમને માર્ગદર્શન આપો કે સહાય કરતા રહો.

 

• માણસ જ પોતાનું ભાગ્ય પોતાના હાથે ઘડે છે. એટલે કે દરેક વિધાર્થી પોતાનો ભાગ્યવિધાતા છે. એ વાત બાળકના ગળે ઉતારવી મુશ્કેલ છે પણ અશક્ય નથી. આપણી સામાજિક પરિસ્થિતિ એવી છે કે નાનપણથી જ બાળકને ચોતરફ નબળાઈ અને નિરાશાભર્યું વાતાવરણ જોવા મળે છે. પોતાનું ભાગ્ય ઘડવા માટે બાળકમાં સૌ પ્રથમ તો શ્રદ્ધા અને આત્મવિશ્વાસ હોવા જોઈએ. તેનામાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસની ધીમે ધીમે ક્રમશ: સંવૃદ્ધિ થતી રહે એ માટે શાળામાં કે ઘરમાં શિક્ષકો કે માતાપિતાએ અનુકૂળ વાતાવરણ ઊભું કરવું પડે.

 
• મૂલ્યલક્ષી કેળવણી એ કોઈ ‘આવું કરો’ અને ‘આવું ન કરો’ ની માત્ર આદેશાત્મક પ્રક્રિયા નથી.

 
• જ્ઞાન અને પોતાના સદાચરણના ઉદાહરણ દ્વારા શિક્ષકો કે માબાપે બાળકોને પ્રેરવાં જોઈએ.

 
• બાળકના સર્વાંગી ઘડતર માટે બાદ, કિશોર અને તરુનોના મનોવિજ્ઞાનના જ્ઞાનની પ્રબળ ભૂમિકા શિક્ષકો અને માબાપમાં હોવી જોઈએ. બાળક પર પ્રભાવ પાડતા વાતાવરણનાં વિવિધ પરિબળો વિશેની સાચી સમજણ પણ એમણે કેળવવી જોઈએ.

 
• બાળકના ક્રિયાવર્તનોનું વ્યક્તિગત સુક્ષ્મ નિરીક્ષણ અને બાળકોને જરૂરી તથા સુયોગ્ય માર્ગદર્શન આ બંને વસ્તુ એમના સાચા વિકાસ માટે જરૂરી છે.

 
જે બાળકને કોઈપણ પરિશ્રમ કરવામાં શરમ ન નડે એ જ ખરેખર પરિશ્રમના મહિમાને જાણે છે. બાળપણથી જ એનામાં પરિશ્રમ પ્રત્યેનો પ્રેમભાવ જાગવો જોઈએ. જેથી આ સંસારની વાસ્તવિકતા વચ્ચે, અનેક વિષમતાઓ વચ્ચે પણ એ બાળક અડીખમ યોદ્ધાની જેમ મંડ્યો રહે.

 
• દરેક નાના બાળકનું મન નિર્દોષ નિર્મળ હોય છે. એમનામાં સત્યમ્ શિવમ્ સુંદરમ્ પ્રેમભાવ હોય છે. આ ઉદાત્તભાવ જીવનભર રહે એવી કાળજી લેવી જોઈએ.

 
• માતાપિતા અને શિક્ષકોએ હંમેશાં બાળકમાં રહેલ ઉમદા ગુણોને જાણવા જોઈએ અને એની પ્રશંસા પણ કરવી જોઈએ. એમની ઊણપો પર જ ધ્યાન કેન્દ્રિત કરવું ન જોઈએ. અલબત્ત, એને અપરોક્ષ રીતે સુધારવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ.

 

• ક્યારેક બાળકો અણછાજતું વર્તન કરે છે કે એવી કુટેવો પાડી બેસે છે ત્યારે બાળકો પ્રત્યે કઠોર વર્તન ન રાખવું જોઈએ. વિનમ્રતા અને વિવેકથી એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળકો ખરેખર સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં હોય છે. તેઓ માતાપિતા અને શિક્ષકોના દોષોને પણ જોઈ શકે છે.

 

• જો ઈરાદો સારો હોય તો ક્યારેક સજા પણ એક સારો ઈલાજ છે. પણ એમાં બાળકની સાર્વત્રિક સુધારણા અને એના કલ્યાણની ખેવના તેમજ સદિચ્છા હોવાં જોઈએ. ખરેખર તો સાચો પ્રેમ હોય તો આ થાય. આટલું યાદ રાખવું જોઈએ કે તમારા ઈરાદાઓ વિશે બાળકમાં સ્વાભાવિક સમજણ હોય છે.

 

• માતાપિતાએ આટલું યાદ રાખવું જોઈએ કે ઉદ્ધતાઈ ભરેલું વર્તન કે અવડચંડિલાઈ સાથેના તોફાન-ટિખળ એ બાળકમાં રહેલી વધારાની શક્તિ કે ઉર્જાનું પરિણામ છે. એ ઉર્જાને કે શક્તિને યોગ્ય દિશામાં વાળવામાં જ સાર છે.

 

• અતિપ્રેમ એ બાળકને બગાડે છે, એને બીચારો બાપડો બનાવી દે છે. બાળકને કોઈ પણ કાર્ય માટે તમારી પાસે કે બીજા પાસે સહાય માટે દોડી જવું પડે એવું ન કરો. એટલે કે માતાપિતા અથવા શિક્ષકે બાળક પ્રત્યે પ્રેમ કે હૂંફ રાખવામાં થોડી આવશ્યક દ્રઢતા પણ રાખવી જરૂરી છે.

 

• માતાપિતા અને શિક્ષકોએ હંમેશાં બાળકને શાંત, શક્તિવાન, સ્થિર, ધીર અને નિષ્ઠાવાન બનતાં શીખવવું જોઈએ. બાકીનું બીજું બધું તો એની મેળે થઇ રહેશે.

 

• બાળકોને બધુંય વગરવિચાર્યે આંખ મીંચીને ‘સ્વીકારી લેવાનું છે’ એવું કરતાં બનાવી ન દેશો. એને ગળે આટલી વાત માતાપિતા અને શિક્ષકોએ ઉતારવી જોઈએ કે જ્યારે એને કોઈ પણ બાબતમાં પાકી ખાતરી થાય કે એમના માટે અને બીજા માટે એ સારું છે ત્યારે જ એને અનુસરવા કહેવું.

 

• બાળકમાં નિખાલસતા નીખરી આવે એ માટે હંમેશાં પ્રેરવા જોઈએ. બાળક પોતાનાં દોષ-ખામી છુપાવે નહી એવું વલણ કેળવે એ જોવું જોઈએ.

 

• નાનાં બાળકો માટે શિક્ષકો અને માબાપ પોતે જ એમના આદર્શ અને અનુસરણીય વ્યક્તિ છે. એમનાં શિક્ષકો કે માતાપિતા જે કંઈ કહે- કરે એને તેઓ હંમેશાં અનુસરવાના અને એમાં શ્રદ્ધાવિશ્વાસ પણ રાખવાનો.

 

• ભય એ જ બધાં દુઃખપીડાનું મૂળ છે એટલે બાળકો નિર્ભય બને અને હિંમતવાન બને તે રીતે તેમને કેળવવાં જોઈએ.

 

• શિક્ષકો કે માતાપિતા માટે બાળકો એ જ એમની સાચી અને કીંમતી મૂડી છે. એટલે સમય કાઢીને એમની સાથે ગાળો.

 

• બાળકોની બીજા સાથે સરખામણી ન કરો. દરેક બાળકનું એક અનન્ય વ્યક્તિત્વ છે. બધા બાળકોમાં વિશિષ્ઠ ગુણવત્તા હોય છે કે જેને લીધે તે બીજાથી અલગ પડે છે. એમની ભીતર પણ અનંત શક્યતાઓ સુષુપ્ત અવસ્થામાં રહેલી છે, આટલું તો માતાપિતા અને શિક્ષકોએ જાણવું જ જોઈએ.

 

• વ્યક્તિના જીવનમાં શિસ્તનું મહત્વ શું છે એ એમને સ્પષ્ટપણે સમજાવવું જોઈએ અને સમય સૂચકતા તેમજ સમયની ઉપયોગીતા વિશે પણ એને કેળવવું જોઈએ.

 

• માતાપિતા અને શિક્ષકોએ એ જોવું જોઈએ કે બાળકો પોતાની મેળે, પોતેજ પોતાને ખભે જવાબદારીઓ ઉપાડતા શીખે. ભલે એ ભૂલો કરે પણ એમણે ભૂલોમાંથી જીવનની સાચી કેળવણી મેળવવા દો. એમને સતત અને બિનજરૂરી બાબતોમાં રક્ષવા કે બચાવવા દોડી ન જવું.

 

• માતાપિતા અને શિક્ષકોએ દરેક બાળક સંબંધોની જાળવણી કેવી રીતે કેળવે છે એ શીખવવું જોઈએ. જ્યાં જ્યાં જરૂર ત્યાં વિનયવિવેક અને માનાદર જાળવે તે રીતે તેને કેળવવું જોઈએ.

 

• સારું સાહિત્ય વાંચવા માટે એ પ્રેરાય એટલે એનામાં સદ્દવાચનની વિવેકબુદ્ધિ વિકસાવવી જોઈએ.

 

• શરીરને સુદ્રઢ રાખવા નિયમિત આસન કે વ્યાયામ કરવા જરૂરી છે, તેમજ ધ્યાન-પ્રાણાયામનો અભ્યાસ એટલો જ આવશ્યક છે એ વાત એને ગળે ઉતારવી જોઈએ.

 

• બાળકો સમક્ષ હંમેશાં સમાજની કે રાષ્ટ્રની મહાન વ્યક્તિઓનો જીવન=આદર્શ મૂકો કે એમના વિશે એમને અવાર-નવાર કહેતા રહો.

 

• બાળક આત્મનિરીક્ષ્ણ કરવાની ટેવ કેળવે અને આત્મ સુધારણા કે વિકાસ માટે ઈચ્છા સેવતો થાય તેવું વાતાવરણ માતાપિતા અને શિક્ષકોએ રચવું જોઈએ.

 

• બાળકની સાર્વત્રિક સુધારણા માટે શિક્ષકોએ અવાર-નવાર બાળકના માતાપિતાના સંપર્કમાં રહેવું જોઈએ અને એમની પાસેથી અનુપૂર્તિનાં સૂચનો મેળવવાં જોઈએ.

 

• વર્તમાનપત્રોના એહવાલો કે સમાચાર અને ટીવી પર બતાવવામાં આવતી સિરયલો કે ફિલ્મો નકારત્મક વલણવાળા હોવા છતાં એના દુષ્પ્રભાવથી બાળકોને બચાવવા માટે શક્ય તેટલો પ્રયાસ કરવો જોઈએ. આવા કાર્યક્રમોમાં રહેલી શક્ય તેટલી સારી કે સકારાત્મક બાબતોને તારવીને અને દૈનંદિન પરિસ્થિતિઓ સાથે એની સરખામણી કરીને મૂલ્યોની ચર્ચા કરવાનો પ્રયત્ન કરી શકાય છે. આવી સાચી ચર્ચાને લીધે બાળકોમાં જીવનની વાસ્તવિક પરિસ્થિતિઓ માટેની સાચી માનસિકતા કેળવાય છે. સાથે ને સાથે તેઓ જીવનમાં ભૂતકાળના કે વર્તમાન કાળના પ્રેરક ઘટનાપ્રસંગોને પોતાના વાસ્તવિક જીવન સાથે સરખાવતાં શીખે છે. એને લીધે જીવનમાં આવનારી ભવિષ્યની સમસ્યાઓ અને તેના શક્ય નિરાકરણો માટેની પુખ્ત સમજણ એમનામાં કેળવાય છે.

 

• ઉપરોક્ત બાબતો પર માતાપિતા તેમજ શિક્ષકો ગંભીરતાથી વિચાર કરીને પોતપોતાના કાર્યક્ષેત્રમાં બાળકોમાં મૂલ્યોનું સિંચન કરી શકે છે. આ પરિશ્રમ પોતાના કુટુંબ, સમાજ, દેશ માટે જ નહિ પણ સમગ્રવિશ્વ માટે અત્યંત ફળદાયી નીવડશે એમાં કોઈ શંકા નથી.

 

 

 

(રા.જ.૦૯-૦૮(૬-૮/૨૩૦-૩૨)

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

|| શિક્ષાપત્ર ૩૦ મું || … અને (૩૧) ગોવર્ધન ગિરિ કંદરા … (પદ) …

|| શિક્ષાપત્ર ૩૦ મું || …

 

 

pushti prasad 30

 

૨૯માં શિક્ષાપત્રમાં વિચારાયું છે કે શ્રી મહાપ્રભુજીનાં સિધ્ધાંતોને સમજીને તેનું આચરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સંસારમાં રહેવા છતાં દુન્યવી બાબતોમાંથી મન ખેંચી લઈ તેને પ્રભુસેવામાં અને પ્રભુ કાર્યમાં જોડવું જોઈએ. પરંતુ મનને પ્રભુ કાર્ય અને સેવામાં તલ્લીન રાખવા માટે ચિત્તબુધ્ધિને સ્થિર કરવી જરૂરી છે. શ્રી આચાર્યચરણ કહે છે કે ચિત્તબુધ્ધિને પ્રભુકાર્યમાં સ્થિર રાખવા માટે વૈષ્ણવોએ સદૈવ ભગવદ્ સ્મરણ, ભગવદ્ સત્સંગ અને ભગવદ્સેવામાં તત્પર અને પ્રવૃત રહેવું જોઈએ. જ્યારે ૩૦ માં શિક્ષાપત્રમાં કહે છે કે જેમ મર્યાદામાર્ગમાં કર્મનું ફળ પ્રાપ્ત કરવા માટે દેશ, કાળ, હૃદય, કર્તા, મંત્ર અને કર્મ આ ૬ સાધનો શુધ્ધ હોય તેમજ જીવે કરેલા કર્મનું ફળ મળે છે તે જ પ્રમાણે પુષ્ટિમાર્ગમાં પણ આ ૬ સાધનોનો ઉપયોગ ચિત્ત બુધ્ધિને શુધ્ધ કરવા માટે જરૂરી છે. કારણ કે આ જ સાધનો વડે ધર્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ શુધ્ધ અને સાત્વિકભાવે કરવું જોઈએ. આ વિચારોને પ્રમાણિત કરાતા શિક્ષાપત્ર ત્રીસનાં ૧૪ માં શ્લોકોમાંનો પ્રથમ શ્લોક …

 

 

સ્મર્તવ્યઃ સર્વદા કૃષ્ણો તિસ્મયર્તવ્યં જગત્ પુનઃ ।

પ્રપંચસ્મરણે કૃષ્ણસ્મૃતિનૈર્વ ભવેદિતી ।।૧।।

 

 

અર્થાત્ સર્વદા શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું અને જગતને વિસ્મરિત કરવું, કારણ કે જો પ્રપંચની સ્મૃતિ રહે તો શ્રી કૃષ્ણની સ્મૃતિ ન થાય. તેથી બીજા શ્લોકમાં શ્રી હરિરાયજી ચરણ કહે છે કે

 

 

પ્રયતેત તતો જીવસ્તદભાવાય સર્વથા ।

કૃષ્ણાડર્થતાભાવેનેન ગ્રહાદેવિંસ્મૃતિ ભર્વેત ।।૨।।

 

 

અર્થાત, પ્રપંચની વિસ્મૃતિ માટે જીવ સર્વથા પ્રયત્ન કરે તો શ્રી કૃષ્ણને માટે સર્વ ક્રિયાની ભાવના કરવાથી ગ્રહાદિકની વિસ્મૃતિ થાય. અત્રે શ્રી હરિરાયજીચરણ આજ્ઞા કરે છે કે આ જગતમાં રહીને જગતની બધી લૌકિક જવાબદારીઓ વહન કરવા છતાં, જગતને ભૂલી જજો. જગતમાં કશું જ યાદ રાખવા જેવુ નથી. દુનિયામાં ભલે રહો, પણ આ દુનિયાને તમારા રસનો વિષય ન બનાવશો. રસનો વિષય દુનિયાનાં રચયિતા દીનદયાળુ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રને બનાવજો. જગતને ભૂલી જવું અને પ્રભુને યાદ કરવા. તેજ બુધ્ધિને સ્થિર રાખવાનો એક માત્ર ઉપાય છે. આથી જીવે સમજપૂર્વક પૂર્ણ ધ્યાન આપીને ભ્રમિત થઈ જતી બુધ્ધિને લૌકિક વિષયો અને ગૃહમાંથી કાઢીને શ્રીકૃષ્ણમાં પરોવવી જોઈએ.

 

 

અથવા બાધકત્વેન ત્યાગભાવનયા પુનઃ ।

 

 

અખંડાડદ્વૈતભાવેન કામાદ્યાવેશતો હરૌ ।।૩।।

પ્રાપેયિકપદાર્થેષુ લીલાસૃષ્ટિત્વભાવનત્ ।

 

 

અર્થાત્ ગ્રહાદિક બાધક છે, તેથી એમનો સર્વથા ત્યાગ કરી અખંડ અને અદ્વૈતની ભાવના કરી હરિમાં લૌકિક પદાર્થો જેવા કે કામ,ક્રોધ,સ્નેહ, ભય,ઐક્ય વગેરે ભાવ રાખવાથી સર્વ પ્રપંચનાં પદાર્થો પણ ભગવાનની લીલા સૃષ્ટિની ભાવના કરવાથી ગ્રહાદિની વિસ્મૃતિ થાય છે.

 

 

કૃષ્ણસન્નિહિતો દેશઃ કાલઃ સત્સંગહેતુકઃ ।।૪।।

દ્રવ્યં સર્વસ્વમેવાડત્ર કર્તાડભિમતિવર્જિતઃ ।

 

 

મંત્રાઃ શ્રીકૃષ્ણનામાનિ ગુણલીલાસન્વિતઃ ।।૫।।

કર્માણિ કૃષ્ણસેવૈવ સર્વસાધનસંગ્રહઃ ।

 

 

એતત્ષટકસ્ય ભક્તો હિ સત્સંગઃ સાધન મતમ્ ।।૬।।

 

 

અર્થાત જ્યાં શ્રીકૃષ્ણ બિરાજતાં હોય ત્યાં તે દેશકાળ સત્સંગનાં હેતુરૂપ થાય છે. શ્રી ઠાકુરજી એજ પોતાનું હૃદય, કર્તાપણાનાં અભિમાનનો ત્યાગ, શ્રીકૃષ્ણનાં ગુણ અને લીલાયુક્ત નામ એજ મંત્રો, શ્રીકૃષ્ણની દૈન્યભાવે સેવા એજ કર્મ, ભક્તિમાર્ગમાં આ ૬ પદાર્થો છે. અને તેમાં સત્સંગ એ સાધનરૂપ છે.

 

 

આ જણાવેલ ભક્તિમાર્ગનાં ૬ પદાર્થોને વિશેષરૂપે વિચારતા, જ્યાં કૃષ્ણ બિરાજતાં હોય તે સ્થળ-દેશ ઉત્તમમાં ઉત્તમ જાણવો જેમકે “વ્રજદેશ શ્રી ગિરિરાજ રાજે” જ્યાં ભગવદીયોનો સંગ થાય છે. તે જ સમયને મહા ઉત્તમ જાણવો. જેમકે ભગવાનનાં સંગી ભક્તોનાં સંગની તુલના સ્વર્ગની કે મોક્ષની સાથે કરાતી નથી, એટ્લે કે સ્વર્ગનાં સુખ અને મોક્ષની પ્રાપ્તિ પણ સત્સંગની બરોબર નથી. સત્સંગ મળે તે કાળને ઉત્તમ જાણવો. હું જ સર્વ વસ્તુઓનો કર્તા છું, આવું અભિમાન ન રાખવું. “શ્રી કૃષ્ણ શરણં મમ” આજ મહામંત્ર છે. આ મંત્રને જ મંત્ર સર્વોપરિ જાણવો. કારણ કે આ મંત્રમાં પ્રભુનું નામ પણ રહેલું છે અને પ્રભુનાં ગુણો સહિત અનેક લીલાઓ પણ રહેલી છે. આજ વાત શ્રી શુકદેવજી મહારાજ અષ્ટમ સ્કંધમાં કહે છે કે મંત્રથી, તંત્રથી, દેશકાળ અને દ્રવ્યથી જે અપૂર્ણ રહ્યું હોય તે સર્વ તમારા નામ કીર્તનથી પૂર્ણ થાય છે, અને આચાર્યચરણ શ્રી ગુંસાઈજી કહે છે કે

 

 

“હરે ત્વન્નામનિવ્યત્કિં યાહ શ્રુતિરહં સદા ।

ગૃણામિ યદ્યદા નાથ ! તત્તથૈવાસ્તુ નાન્યથા ।।”

 

 

અર્થાત હે હરિ! આપના નામનો અર્થ જે વેદ કહે છે, તેવો જ ઉચ્ચાર હું સદા કરું કારણ કે શ્રી કૃષ્ણનું નામ સર્વ વેદ શ્રુતિનો સાર છે. જે શ્રી કૃષ્ણની કૃપા હોય તો જ લઈ શકાય છે. શ્રી કૃષ્ણની સેવા એ જ ઉત્તમ છે, કૃષ્ણનું કાર્ય ઉત્તમ છે, કૃષ્ણ માટે કરવામાં આવેલું કર્મ એ જ ઉત્તમ છે. કૃષ્ણને પામવાની ઈચ્છા ધરાવનારો જે વૈષ્ણવ જીવ દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ આ ૬ ગુણ ધારણ કરે છે તેનાં જ હૃદયમાં શ્રી કૃષ્ણનું સાતમું ધર્મી રૂપ અને સ્વરૂપ બિરાજે છે. આજ વિચારની પૂર્તિ માટે સાતમા શ્લોકથી જણાવાય છે કે

 

 

કૃષ્ણસાન્નિધ્યદેશેતુ યતસ્તિન્ડંતિ સાધવઃ ।

કાલઃ પ્રસંગ હેતુએસટી મિલિતૈસ્તૈરુદેતિ હિ ।।૭।।

 

 

અર્થાત જ્યાં શ્રીકૃષ્ણ બિરાજતાં હોય, એવા સ્થળે સાધુપુરુષોનું મિલન થવાથી સત્સંગરૂપ કામનો ઉદય થાય છે, અને

 

 

સર્વસ્વસ્યોપયોગોડપિ સિધ્ધયેત્સદ્બુધ્ધિદાતૃભિઃ ।

અભિમાનનિવૃતિસ્તુઃ તદાશ્રયવતામિહ ।।૮।।

 

 

ત્યાં સદ્બુધ્ધિ આપનાર ભગવદીયોથી સર્વસ્વ કાર્યનો ઉપયોગ પણ સિધ્ધ થાય છે. શ્રી આચાર્યચરણ કહે છે કે આવા ભગવદીયોનો આશ્રય કરવાથી કર્તાપણાનું અભિમાન પણ નિવૃત થાય છે, તેમજ

 

 

કૃષ્ણનામસ્વરૂપાદિજ્ઞાનં તુ તત એવ હિ ।

ભગવત્સેવનં વાડપિ પુરુષાર્થસ્તદૈવ હિ ।।૯।।

 

 

એનાથી શ્રીકૃષ્ણનાં નામરૂપનું જ્ઞાન થાય છે, અને શ્રીકૃષ્ણની સેવાથી ઉત્તમ પુરુષાર્થરૂપ કર્મ સિધ્ધ થાય છે.

 

 

યદા તથાવિધાઃ સંતો દશ્યંતે સેવનોદ્યતાઃ ।

અતઃ સત્સંગ એવાડસ્મિન્માર્ગે સર્વસ્ય સાધનમ્ ।।૧૦।।

 

 

અર્થાત, આમ ઉપરોક્ત જણાવેલા સત્પુરુષોની સેવામાં તત્પરતા જણાય ત્યારે ઉક્ત છ પદાર્થો સિધ્ધ થાય છે. તેથી જ પુષ્ટિમાર્ગમાં સત્સંગ જ સર્વનું સાધન છે. અગિયારમાં શ્લોકમાં શ્રી હરિરાયજી ચરણ કહે છે કે

 

 

તદભાવે સર્વથૈવ ન કિંચિદિહ સિધ્ધયતિ ।

તસ્માત્પ્રયત્નઃ કર્તવ્યઃ સત્સંગાય સુબુધ્ધિભિઃ ।।૧૧।।

 

 

અર્થાત સત્સંગનાં અભાવમાં કશું પણ સિધ્ધ થતું નથી, માટે જ સદ્બુધ્ધિવાળા ભગવદિયોએ સત્સંગ માટે પ્રયત્ન કરવો જોઈએ. આજ સત્સંગનું માહાત્મય દર્શાવતા શ્રી ભગવાન પોતે એકાદશ સ્કંધમાં કહે છે કે “હે ઉધ્ધવ ! મને યોગ, તપ, દીન, દાન દક્ષિણા, વ્રત, યજ્ઞ,વેદ, તીર્થ, નિયમ, યમ આ સર્વમાનું કંઇ જ મને વશ કરવાને સમર્થ નથી. માત્ર અને માત્ર સર્વ સંગની નિવૃતિ કરનારો સત્સંગ જ મને વશ કરે છે.”

 

 

અત એવોક્તમાચાર્યૈર્હરિસ્થાને તદીયકૌઃ ।

અદૂરે વિપ્રકર્ષે વા યથા ચિતં ન દૂષ્યતિ ।।૧૨।।

 

 

આથી શ્રી આચાર્યજીએ “ભક્તિવર્ધિની” ગ્રંથમાં કહ્યું છે કે હરિનાં સ્થાનમાં જેમાં ભગવદીયો રહેતા હોય, તેમની વધુ સમીપ કે તેમનાથી વધુ દૂર રહેવું ન જોઈએ. કારણ કે ભગવદીયો અગ્નિ સમાન હોય છે. જેમ અગ્નિની નજીક જતાં અગ્નિ દઝાડે છે અને અગ્નિથી દૂર જતાં જેમ ઠંડી લાગે છે તેમ ભગવદીયોનું પણ હોય છે. તેરમાં શ્લોકમાં આચાર્યચરણ કહે છે કે

 

 

ચિત્તદોષે કથં સેવા ચેતસ્તત્પ્રવણં ભવેત ।

અતો વિચારઃ કર્તવ્યઃ સર્વથૈકત્રવાસકૃત્ ।।૧૩।।

 

 

જો ચિત્તમાં દોષ ઉત્પન્ન થાય તો તે દોષથી મન ભ્રમિત અને વિકૃત બને છે આવા દૂષિત અને ભ્રમિત થયેલા મનથી સેવા કેવી રીતે થાય? માટે સર્વથા એક જ સ્થળમાં વાસ કરવાનો વિચાર કરવો જોઈએ. અંતમાં આચાર્યચરણ શ્રી હરિરાયજી કહે છે કે

 

 

બુધ્યાં વિચાર્ય મત્પ્રોકનં નિધાય હૃદિ સર્વથા ।

સ્વાર્થ સંપત્ત્યે કાર્યો વાસ એકત્રે તત્પરૈઃ ।।૧૪।।

 

 

એકાંતમાં બેસીને પોતાની સુંદર બુધ્ધિથી દર્શન કરવા અને સેવાનાં સમયે સેવા કરવી, અને જ્યારે દર્શન કે સેવા ન હોય ત્યારે ભગવદીયો સાથે મળીને વિપ્રયોગથી શ્રી કૃષ્ણ લીલાસંબંધી વિચાર કરવા. આ પ્રમાણે વૈષ્ણવ સચેત રહે તો સઘળા કાર્યો સિધ્ધ થાય છે. શ્રી હરિરાયજી ચરણ જણાવે છે કે ચિત્તમાં જ્યાં સુધી દોષ હોય, ચિત્તમાં લૌકિક વિચારો ચાલતાં હોય ત્યાં સુધી ચિત્ત સેવામાં લાગતું નથી. ઉપરાંત મન કે ચિત્ત વગરની સેવા તે કેવળ ક્રિયાત્મક સેવા બની જાય છે. આમ અત્રે ૩૦ માં શિક્ષાપત્રનું સંકલન પૂર્ણ થાય છે. પરંતુ શિક્ષાપત્રને વધુ ને વધુ સમજવા માટે શિક્ષાપત્ર ગ્રંથને વારંવાર વાંચવો અને સમજવો જરૂરી છે. જેથી કરીને સેવા અને દર્શનની સાચી પ્રક્રિયા વિષે સાચું માર્ગદર્શન મળે.

 

 

શેષ શ્રીજી કૃપા

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.

બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]

[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 mangda aarti

 

 

(૩૧) ગોવર્ધન ગિરિ કંદરા … (પદ) …

સમય-મંગળા-સન્મુખનું પદ

રાગ- બિભાસ

રચના-ચતુર્ભુજદાસજી

 

 

ગોવર્ધન ગિરિ સઘન કંદરા,

રૈન નિવાસ કિયો પિયપ્યારી,

ઊઠી ચલૈ ભોર સુરતિ રંગભીને

નંદનંદન બૃષભાન દુલારી (૧)

 

 

ઇત બિગલિત કચ, માલ મરગજી,

અટપટે-ભૂષન, રગમગી સારી

ઇત હી અધર મસિ, ફાગ રહી ધસ,

દુહું દિસ છબિ લાગત અતિ ભારી (૨)

 

 

ઘુમતિ આવતિ રતિરન જીતિ

કરિની સંગ ગજવર ગિરિધારી

“ચતુર્ભુજ દાસ” નિરખી દંપતિ સુખ

તન, મન, ધન કીનો બલિહારી (3)

 

 

સૌ પ્રથમ આ કીર્તનમાં રહેલાં વ્રજભાષાનાં કઠીન શબ્દો વિષે જાણી લઈએ.

 

 

સઘન- ઊંડી

કંદરા- ગુફા

રૈન-  રાત

પિયપ્યારી- શ્રી યુગલ સ્વરૂપ (શ્રી ઠાકુરજી અને રાધાજી)

ભોર- સવાર, પ્રભાત

ઇતિ- આ તરફ

બિગલિત કચ-  વિખરાયેલા વાળ સાથે

સુરતિ-

દાંપત્યક્રીડા

મરગજી- ચંદનવાળી થયેલી

રગમગી ચોળાયેલી

ઇત હી- તે તરફ

મસિ-  મેશ, કાજલ

દુહું- બંને

છબિ- શોભા

હરિની- હાથિણી

ગજવર- મહા હાથિ

રતિરથ- પ્રેમયુધ્ધ

સારી-  સાડી, ચુનરી

 

 

કથા

 

 

એક દિવસ ચતુર્ભુજદાસજીએ શ્રી ગુંસાઈજીચરણને પૂછ્યું જયરાજ શું શ્રી ઠાકુરજી શ્રી ગિરિરાજજીમાં લીલા કરે છે? ત્યારે શ્રી ગુંસાઈજીચરણ કહે કે હા ચતુર્ભુજદાસ ….શ્રી ઠાકુરજી તો સદૈવ પોતાની વિવિધ લીલામાં શ્રી ગિરિરાજજીને સહભાગી બનાવે છે. ત્યારે શ્રી ચતુર્ભુજદાસજીએ પૂછ્યું જયરાજ શું આપણને તેનાં દર્શન થાય? ત્યારે શ્રીગુંસાઈજી ચરણે હા કહી. બીજે દિવસે પ્રભાતે શ્રી ગુંસાઈજીએ શ્રી ચતુર્ભુજદાસજીને ભોરનાં સમયે શ્રીગિરિરાજજીની તળેટી પાસે આવેલ ફૂલવાડીમાંથી ફૂલ ચૂંટીને લઈ આવવાનું કહ્યું. શ્રી ગુરુચરણની આજ્ઞાને શિરોધાર્ય કરીને ચતુર્ભુજદાસજી શ્રી ગિરિરાજજીની તળેટીમાં ફૂલ ચૂંટવાને ગયાં ત્યારે તેમને એવા દર્શન થયા કે શ્રી ઠાકુરજી સ્વામીનિ શ્રી રાધિકા સાથે શ્રી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધારી રહ્યાં છે. ત્યારે આ યુગલસ્વરૂપ (પતિ-પત્ની)નાં દર્શન કરી શ્રી ચતુર્ભુજદાસજી…….. ગોવર્ધન ગિરિ સઘન કંદરા…….એ પદ ગાય છે.

 

ભાવાર્થ

 

શ્રી ગોવર્ધન પર્વતની ઊંડી કંદરામાં શ્રી યુગલ સ્વરૂપે રાત્રીનિવાસ કર્યો હતો. દાંપત્યક્રીડાનાં રંગથી રંગાયેલ શ્રી નંદનંદન અને શ્રી રાધેરાણી પ્રભાતનાં સમયે જાગીને કંદરામાંથી બહાર પધાર્યા ત્યારે શ્રી રાધેરાણીનાં વાળ વિખરાયેલા છે અને તેમની સારી ચોળાયેલી છે, જ્યારે શ્રી ઠાકુરજીનાં હૃદય પર ચંદનથી લેપાયેલી છે, તેમનાં અધર પર શ્રી સ્વામિનીજીનાં નેત્રોની કાજલ-મેશ લાગેલી છે. તેમનાં મસ્તકે બાંધેલી કઠણ ફાગ ઢીલી થઈ ભાલપ્રદેશ (કપાળ) પરથી સરકી ગઈ છે, બંને સ્વરૂપોની શોભા અવર્ણનીય રીતે સુંદર છે. જેમ પ્રેમરૂપી યુધ્ધ જીતી, હાથિણી સાથે મહાહાથીપાછો ફરે તેમ રાધિકાજી સાથે શ્રી ગિરિધરલાલ પધારી રહ્યા છે. ચતુર્ભુજદાસજી આ અલૌકિક યુગલ-દંપતિનાં અલૌકિક સુખને નિરખી, તેમનાં પર પોતાનું તન, મન, ધન વારી રહ્યા છે.

 

 

પુષ્ટિસાહિત્ય કીર્તનને આધારે…

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

(૧) સહધર્મિણીનું (સ્ત્રીનું) આત્મસમર્પણ …. (પ્રેરકકથાઓ) …

(૧) સહધર્મિણીનું આત્મસમર્પણ …. (પ્રેરકકથાઓ) …

 

 

સાચા પંડિતનો વિદ્યાસંગ અને સહધર્મિણીનું આત્મસમર્પણ ….

 

ઘોર અંધારી રાત હતી. ઋષિ સમા એક વૃદ્ધ વિદ્વાન પોતાની ઝૂંપડીમાં હતા. તેમણે એક હસ્તપ્રત લીધી, તેને ચકાસીને એક બાજુ મૂકી. આવી તો કેટલીય હસ્તપ્રતોનો ત્યાં ઢગલો થયો હતો. આ પ્રતો પાછળ એમણે પોતાનાં દેહ-મન-પ્રાણ લગાડી દીધાં હતાં. વર્ષોના પુરુષાર્થનું આ ફળ હતું. કુટિરમાં જલતા દીપકની જ્યોત ઝંખવાતી જતી હતી. દીવડો હોલવાઈ જવાની તૈયારીમાં હતો ત્યાં જ એક વૃદ્ધ સ્ત્રીએ આવીને એમાં દીવેલ અને વાટ ઉમેરી દીધા. દુર્ભાગ્યે દીવો હોલવાઈ જતાં કુટિરમાં અંધારું છવાઈ ગયું. પંડિત શિરોમણી વિદ્યાવાચસ્પતિ મિશ્રા પોતાનું લેખન કાર્ય ચાલુ રાખી શકે એટલે વૃદ્ધ નારીએ ફરીથી દીવાને પેટાવ્યો. વાચસ્પતિ મિશ્રાએ ઊંચે જોઇને એ સ્ત્રીને પૂછ્યું : ‘હે દેવી, આપ કોણ છો ?’ એમના સાહિત્ય –સર્જનના કાર્યમાં અવરોધ થાય એમ એ નારી ઇચ્છતા ન હતા. એટલે એમણે કહ્યું : ‘આપ આપનું કાર્ય ચાલુ રાખો. આવી રીતે દીવો હોલવાઈ જતા તમારા કાર્યમાં ખલેલ પડી એ માટે હું દિલગીર છું.’

 

વાચસ્પતિ મિશ્રા પૂછેલા પ્રશ્નની વાત પડતી મૂકવા માગતા ન હતા, એટલે એણે તાલપત્ર અને કલમ નીચે મૂકીને કહ્યું : ‘આપ કોણ છો ? એ હું નહીં જાણું ત્યાં સુધી કાર્ય શરૂ નહીં કરૂ. તમારે મને ઓળખાણ આપવી પડશે.’ વાચસ્પતિની મક્કમતા સામે વૃદ્ધ નારી ઝૂકી ગયાં અને કહ્યું : ‘હું આપની પત્ની છું.’ પંડિતે આશ્ચર્ય સાથે કહ્યું : ‘મારાં પત્ની ! મારાં લગ્ન ક્યારે થયા હતા ?’ વૃદ્ધ નારીએ જવાબ આપ્યો : ’૫૦ વર્ષ પહેલાં. આ સાંભળીને આશ્ચર્ય તેમજ દુઃખ સાથે પંડિતે કહ્યું : ’૫૦ વર્ષ પહેલાં આપણાં લગ્ન થયા અને હું તમને ઓળખી ન શક્યો !’ આ શબ્દો સાંભળીને તેમણે પોતાના પતિને કહ્યું : ‘આપણાં લગ્નના થયા અને હું તમને ઓળખી ન શક્યો !’ આ શબ્દો સાંભળીને તેમણે પોતાના પતિને કહ્યું : ‘આપણાં લગ્નના દિવસે તમારો જમણો હાથ મારા હાથમાં મૂકીને લગ્નબંધનથી બંધાયા હતા. તમારા ડાબા હાથમાં અડધું હસ્તલિખિત તાલપત્ર હતું અને છેલ્લા ૫૦ વર્ષથી આપ અભ્યાસ-ધ્યાન અને આ લેખનકાર્યમાં નિમગ્ન રહ્યા છો. પશ્ચાતાપ સ્વરે પંડિતે કહ્યું : ‘આટલાં વર્શીમાં તમે તમારા નારી – અધિકારની માગણી કેમ ન કરી ?’ વૃદ્ધ નારીએ વિનમ્રતાથી કહ્યું : ‘હું તમારા મન-કાર્યને કેવી રીતે દુમાર્ગે વાળી શકું. આપ તો કાર્યમાં લીન હતા. આપને બીજા કશામાંય રસ ન પડે એ વાત સ્વભાવિક હતી.’ પંડિતે ખિન્ન મને કહ્યું : ‘ આટલાઆટલા વર્ષ મેં તમને ન જાણ્યા ! અરે તમારી સામેય જોયું ય નહીં કે વાતચીત પણ ન કરી.’

 

પત્નીએ કહ્યું : ‘તમે મારી સામે જોયું હતું. મારી સાથે બોલ્યા પણ હતા. પણ મને તમારા પ્રત્યે સાંસારિક આસક્તિ ન હતી. આપના આ સુકાર્ય માટે મારે આપની સાથે એક અનન્ય પવિત્ર સંબંધ હતો.’ આ સાંભળીને પંડિતે પત્નીને પૂછ્યું : ‘તો પછી આ પાંચ દાયકા સુધી આપણો ઘર સંસાર કેવી રીતે ચલાવ્યો ?’ પત્નીએ વિનમ્રતાથી કહ્યું : ‘હું આપના માટે આ હસ્તપ્રતોની, દીવાની અને ભોજનની સંભાળ રાખતી. મારા ફૂરસદના સમયે અહીં નજીક રહેતી બાલિકાઓને હું સંગીત શીખવતી. તેઓ અનાજપાણી આપતાં. એનાથી આપણું ગુજરાન થતું. એ બધું આજ સુધી ચાલતું રહ્યું છે.’ દીખ અને પસ્તાવાની લાગણી સાથે પતિએ કહ્યું : ‘અરે, ઓ દેવી, મને ક્ષમા કરો. આટઆટલાં વર્ષ મેં આપની ઉપેક્ષા કરી અને પતિ તરીકે કોઈ ફરજ ન ન બજાવી !’ આમ કહેતાં વાચસ્પતિ મિશ્રાએ કૃતજ્ઞતા અને પૂજ્યભાવ સાથે પોતાનાં પત્નીના ચરણોનો સ્પર્શ કર્યો. લજ્જાભાવ સાથે દૂર હટીને પત્નીએ કહ્યું : ‘પત્નીને ભૂલી જઈને તમે વિદ્વતાભર્યા ગ્રંથરચનાકાર્યથી સમગ્ર માનવજાતની સેવા કરી છે. એમાં મેં જે કંઈ ભલે ગુમાવ્યું હોય પણ વિશ્વને તો ફાયદો જ થયો છે. આપની સેવા કરીને અને આપના કાર્યને પૂર્ણ કરવામાં સહાયરૂપ બનીને હું ખરેખર ધન્ય બની છું. મારે આનાથી વધારે બીજું શું જોઈએ !’

 

અત્યાર સુધી આવી રીતે ઉપેક્ષિત પોતાનાં પત્નીની આવી સરળ-સહજ ભલમનસાઈથી વાચસ્પતિ મિશ્રા મુગ્ધ બની ગયા. એમના મુખેથી પોતાના પત્નીની પ્રશંસાના આ શબ્દો સરી પડ્યા : ‘અરે ઓ ભામતિ ! વ્યાસજીના વેદાંત દર્શન પર ટીકા લખવા હું પ્રભુની કૃપાથી જ શક્તિમાન બન્યો અને મેં મારું સમગ્ર જીવન એ માટે સમર્પિત કરી દીધું. આ બધું હોવા છતાં પણ આપની અડગ સમર્પણભાવના અને સેવા વિના મારું આ કાર્ય ક્યારેય પૂરું ન થાત. હું મારા આ ગ્રંથને ‘ભામતિ’ એવું નામ આપું છું. હું મારી આ ટીકા આપની સમર્પિત સેવાભાવનાને લીધે પૂર્ણ કરી શક્યો છું, એ વાત ભલે આખું જગત જાણે.’ વ્યાસના વેદાંત દર્શનના સૂત્રો પરની પ્રાસાદિક ટીકા રૂપે ‘ભામતિ’ નામનો સુખ્યાત અને વિદ્વત્પ્રિય ગ્રંથ આ રીતે રચાયો હતો.

 

 

 

પારસમણી ની અસર …

 

(૨) એક સિદ્ધ સંન્યાસી ની દિવસ –રાત વર્ષો સુધી સેવા કરવાથી, સંન્યાસીએ એક ક્ષુદ્ર -ગરીબ વ્યક્તિને પોતાને પાસે રહેલ, એક પારસમણી ભેટમાં આપતાં કહ્યું : ‘ ભાઈ આ પત્થર નું મહત્વ એ છે કે તે જે કોઈ ધાતુને (આ પથ્થર) અડકશે તે ધાતુ સોનાની થઇ જશે, જે હું તને આપું છું; તું તારી પાસે રાખજે.’

 

પેલી ક્ષુદ્ર વ્યક્તિને થયું કે મહારાજ ની ઉંમર થઇ છે અને તે આવી અંધશ્રદ્ધા ની વાતો કરે છે, ભલે આમછતાં, તેની કસોટી કરી લઉં. ઘરમાં કોઈ રાચ રચીલું કે અન્ય સાધન સામગ્રી ન હોવાને કારણે તેણે ઘરના માળીયામાં વર્ષોથી પડેલ એક ધાતુની કોઠી પર પેલા મણીનો ઘા કર્યો. જેથી મણી જો સાચો હશે તો તે કોઠી ધાતુમાંથી સોનાની થઇ જશે અને મારો ભવ સુધારી જશે.

 

પરંતુ કોઇ પણ કારણ સર, મણી કોઠી પર નાખવાં છતાં, કોઠી જેમ ની તેમ જ રહી, તેમાં કોઈ પરિવર્તન ન થયું. તે ધાતુની જ રહી ! પેલા, ક્ષુદ્ર એ વિચાર કર્યો કે, ‘ પેલો સંન્યાસી મને છેત્રી ગયો. આમ ને આમ થોડો સમય ગયા બાદ, ફરી એક વખત પેલો સિદ્ધ સંન્યાસી તે જ ગામમાં પરત આવ્યો. ક્ષુદ્રને આ વાતની જ્યારે જાણ થઇ કે સંન્યાસી ગામમાં આવ્યા છે, એટલે તે તેને મળવા તલપાપડ થઇ ગયો હતો. સંન્યાસી નો ભેટો ક્ષુદ્રને ગામમાં જ થઇ જતા, પેલા ક્ષુદ્રએ સન્યાસીને અપશબ્દો કહ્યા, ‘શું મહારાજ સંન્યાસી થઈને ખોટું બોલો છો ??? આપે આપેલ મણી ની કોઈ જ અસર થઇ નથી. મહારાજે પૂછ્યું : તે મણીને ક્યા રાખેલ છે ? ક્ષુદ્રએ કહ્યું : મેં તેને મ્ઝારા માળીયા પર રહેલ પીપમાં નાખેલ, આમ છતાં, તે સોનાનું ના થતા જેમ નું તેમ જ છે.

 

સંન્યાસીએ કહ્યું, તેવું ક્યારેય બને જ નહીં ! મણીનો ગુણ ધર્મ છે કે તે જે કોઈ ધાતુને સ્પર્શે એટલે એ સોનાની થઇ જાય. તું ચાલ, આપણે તારા ઘરે જઈએ, અને ત્યાં તું મને બતાવ કે ક્યા પીપમાં તે મણી ને નાખેલ ? ક્ષુદ્રએ સંન્યાસી ને રૂમ ની પારી ઉપર રહેલ પીપ દર્શાવ્યું / બતાવ્યું અને કહ્યું કે મેં આ પીપમાં મણીનો ઘા કરેલ. મહારાજે પેલા ક્ષુદ્રને પીપ નીચે ઉતારવા કહ્યું. ક્ષુદ્રએ પીપ નીચે ઉતારયું, મહારાજે પીપ ની અંદર તપાસતાં, તેમણે આપેલ મણી, વર્ષો થી સાફ નહિ કરેલ પીપમાં અંદર બાઝી ગયેલ ઝાળાઓ માં ફસાયેલો હતો. આમ, મણીએ ધાતુના પીપને સ્પર્શ કરેલ નહીં, જેને કારણે પીપ સોના નું થયેલ નહીં તેમ મહારાજે ક્ષુદ્રને બતાવ્યું..

 

બોધ : જ્યાં સુધી આપણા મનમાં – વિચારોમાં કે હૃદયમાં બાહ્ય જગતના નકામા ઝાળા બાજેલા હશે ત્યાં સુધી જીવનમાં સંતોના જ્ઞાનનો કે સારી બાબત નો કોઈ જ પ્રભાવ જોવા મળશે નહિ ….સૌ પ્રથમ આપણામાં રહેલ અનેક પ્રકારના બાવા-ઝાળા હટાવવા જરૂરી છે.

 

 

(રા.જ. ૧૧-૦૬(૩૬)/૩૫૬)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(ભાગ-૧) …

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી  – રૂબરૂ ’  … (ભાગ-૧) … .
– ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

 

 

Homeopethy video episode

 

‘દાદીમા ની પોટલી’ ના તમામ સુજ્ઞ વાચકમિત્રો સાથે છેલ્લા ઘણા સમય થી સ્વાસ્થ્ય, રોગ અને હોમીઓપેથી વિષે ની પ્રાથમિક જાણકારી આપવી અને સાથે ને સાથે આપ સર્વે સાથે કોઈને કોઈ બહાને વાતો કરવી ડૉ.પાર્થ  માંકડ તેમજ ડૉ.ગ્રીવા છાયા  ને ખુબ ગમે છે, એમાં પણ આપના પ્રતિભાવો અને ડૉ.પાર્થ તેમજ ડૉ. ગ્રીવા ના શુભ ઈરાદા એ, અમને પણ આપ સર્વેને કશુંક વધારે આપવા ઉત્સાહ પૂરો પાડેલ છે. અમને  જણાવતા આનંદ થાય છે કે, આપ સર્વે ‘દાદીમા ની પોટલી’ ના ‘વાચકમિત્રો’ હવે અમારા માટે ‘પ્રેક્ષક્મીત્રો’ પણ બની ગયા છો  …

 

 ‘દાદીમા ની પોટલી’ પર -૩૧માર્ચ,૨૦૧૩ નાં  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ – રૂબરૂ ‘  શ્રુંખલા દ્વારા – વિડ્યો શ્રેણીની શરૂઆત કરી., અને ડૉ.પાર્થ માંકડ આપને વિડીઓ સ્વરૂપે રૂબરૂ મળવા આવ્યા અને હવે પછી સ્વાસ્થ્ય અંગેની પ્રાથમિક માહિતી આપની સમક્ષ વિડ્યો દ્વારા ક્રમશ: કઈ રીતે શેર કરશે તે અંગે રજૂઆત કરેલ…

 

 

સ્વાસ્થ્ય અંગેની યોગ્ય પ્રાથમિક જાણકારી, ગુજરાતી ભાષામાં વિડ્યો (કલીપ) – શ્રેણી દ્વારા આપની સમક્ષ રજૂઆત કરવા માટે, અમોને  ડૉ. પાર્થ માંકડનો  સહયોગ મળેલ છે.  ઉપરોક્ત શ્રેણી ‘દાદીમા ની પોટલી’  પર શરૂ કરવા બદલ  ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ નાં અમો અંતરપૂર્વક થી આભારી છીએ.

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ … (ભાગ-૧) … વિડીઓ આર્ટીકલ (શ્રેણીનાં વિડીઓ દ્વારા) દ્વારા   રોગ ની સમજણ અને તેના મૂળ વિષે ની થોડી વાત …. ડૉ. પાર્થ માંકડ …દ્વારા શેર કરવામાં આવેલ છે, જે આજે આપણે માણીશું …..

શુભમ ભવતુ !!

 

તો ચાલો,આજે ફરી વખત ડૉ. પાર્થ ને મળીએ વિડ્યો શ્રેણી દ્વારા અને માણીએ ….  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ ‘ (ભાગ-૧) …

 

 વિડ્યો કલીપ લીંક :  (અહીં નીચે દર્શાવેલ લીંક પર, આજની વિડ્યો પોસ્ટ માણવા માટે ક્લિક કરશો ….)

 

Video Url :

http://www.youtube.com/watch?v=-Ow4gz5mq60

 

 

  

 

 
Have a Healthy time further

Dr. Parth Mankad
 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ -રૂબરૂ શ્રેણી’   (ભાગ-૧ )આપને પસંદ આવેલ હોય તો  બ્લોગ પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ દ્વારા આપના મંતવ્યો જરૂર જણાવશો. આપના  પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

 

 

તો મિત્રો,  દર ૧૫ દિવસે, માત્ર ૧૫ મિનીટ જેટલો સમય ફાળવી … સ્વાસ્થ્ય ની જાણકારી અંગેનો વિડીઓ સાંભળશો – માણશો અને આપના પ્રતિભાવ દ્વારા આપના સુચન અને સ્વાસ્થ્ય અંગેના આપના ઉદભવતા પ્રશ્નો પણ મોકલતા રહેશો તેવી નમ્ર વિનંતી સાથે અમે આશા રાખીએ છીએ….  

 

 
ડૉ.પાર્થ માંકડ ના સંપર્ક ની વિગત :

 

ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM
‘હોમીઓક્લીનીક’
6, નંદનવન ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ.

મોબાઈલ : +9197377 36999; +9194288 99282

E mail : [email protected]
Web add : www.homeoeclinic.com

ઉકેલ વિનાની કોઈ સમસ્યા હોતી નથી …

ઉકેલ વિનાની કોઈ સમસ્યા હોતી નથી …

 

problem & solution

 

 

આધ્યાત્મિક સમાધાન

 

ઉકેલ વિનાની કોઈ સમસ્યા હોતી નથી. સમસ્યાઓ અનેક પ્રકારની હોય છે અને એ પ્રમાણે એના ઉકેલ પણ હોય છે. મોટાભાગનાં ઉકેલ ત્વરિત ઉપાય જેવા હોય છે અને આ ત્વરિત ઉપાય વાસ્તવિક રીતે સમસ્યાઓનું સમાધાન કરતા નથી. પણ એ માત્ર એને દબાવી દે છે કે થોડા સમય પૂરતાં મુલતવી રાખે છે. કોઈ એવો ઉકેલ કે એવું સમાધાન છે કે જે સમસ્યાના મૂળમાં ઘા કરે અને તેને અફર – અટલ રહીને સમૂળગી દૂર કરે ?   હા, એ છે; અને તે છે આધ્યાત્મિક ઉકેલ કે સમાધાન.

 

દરેક સમસ્યાનો આધ્યાત્મિક ઉકેલ હોય છે; કારણ કે દરેક સમસ્યા મૂળભૂત રીતે આધ્યાત્મિક સમસ્યા હોય છે. વેદો જેને સત્ – ચિત્ત્ – આનંદ કહે છે, તે જ બધું છે અને સર્વમાં તેનું અસ્તિત્વ રહેલું છે. એટલે જ કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. કોઈ પણ એ જાણતું નથી કે આ તત્વ કેવી રીતે અર્દશ્ય થાય છે અને કેવી રીતે ઘણામાં પ્રતિબિંબત થાય છે. આ અનંત –અર્દશ્ય તત્વમાંથી આ ભૌતિક અને દેખીતું બ્રહ્માંડ ઊભર્યું છે. એટલે જ બધા પ્રકારની અને અસ્તિત્વની બધી કક્ષાઓની સમસ્યાઓ ઊભી થઇ. એટલે કે પાયાની સમસ્યા એ તત્વને ભૌતિક માની લેવામાંથી જન્મે છે. જો આ સમસ્યાનું સમાધાન મળી શકે તો બીજી બધી સમસ્યાઓનું સમાધાન શોધવાની જરાય આવશ્યકતા રહેશે નહિ. એ તો કાયમને માટે ઓગળી-પીગળી જશે.

 

વેદાંત આ સમસ્યાના કારણને આપણા આધ્યાત્મિક સ્વરૂપની વિસ્મૃતિ કે એના અજ્ઞાનને નામે ઓળખાવે છે. માત્ર આત્મજ્ઞાનનો પ્રકાશ જ સ્વસ્વરૂપના અજ્ઞાનના અંધકારને દૂર કરી શકે.

 

 

ભૂખ્યે પેટે ધર્મનાં પીરસણા ન ચાલે

 

 

જો કે પોતાના અસલ સ્વરૂપનું જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનની જ સૈથી વધારે આવશ્યકતા છે. અને સર્વપ્રથમ તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વભાવને અને પ્રકૃતિને હિતકર એવી કેટલીક આવશ્યકતાઓ પણ પૂરી થવી જોઈએ. આ આવશ્યકતાઓ કઈ છે ?  મૂળભૂત રીતે ત્રણ આવશ્યકતાઓ છે – અન્ન, વસ્ત્ર, આશ્રય. જ્યારે કોઈ પણ માણસ માટે પોતાના શરીરને ટકાવવા માટે આ પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ય બને ત્યારે તે માણસ આત્મજ્ઞાન મેળવવાની ઈચ્છા કેળવી શકે અને એ માટેનો સમય પણ કાઢી શકે.

 

પણ શરીરને ટકાવવાથી બધું પતી જતું નથી. તંદુરસ્તીભર્યા વિકાસ માટે માતાપિતાનો પ્રેમ, કાળજીપૂર્વકનો ઉછેર, સારા મિત્રો-સાથીઓ અને આરોગ્યપ્રદ ટેવોની કોઈ પણ વ્યક્તિને આવશ્યકતા રહે છે. આ બધું સાથે મળે તો એક આદર્શ ભૂમિ તૈયાર થાય છે કે જેમાં જ્ઞાનનાં બીજ અંકુરિત થઇ શકે.

 

 

કૂતરાની પૂંછડી

 

વિશ્વ કંઈ એમ તત્કાલ રચાયું ન હતું. એને ઉત્ક્રાંત થતાં અબજો વર્ષ લાગ્યાં છે. જો કે આપણે બધા પ્રગતી, સભ્યતા અને એવી બધી વાતો તો કરીએ છીએ, પણ ઉપરછલ્લી સપાટી સિવાય આ વિશ્વ વાસ્તવિક રીતે જરાય બદલ્યું નથી. આપણે જરાક ખોદીએ કે એ જ જૂની દુનિયા દેખાશે અને એ ભય, ધૃણા, અસલામતી, ગૂંચવણો, ગુન્હાખોરી, લોભથી છલોછલ ભરેલી છે. અલબત્ત, કેટલેક અંશે આ બધાં દૂષણોનું હિંમત, પ્રેમ, શ્રદ્ધા, શક્તિ, પવિત્રતા અને શાંતિના ઘટનાપ્રસંગો દ્વારા સમતુલન થય છે ખરું.

 

સમસ્યાઓ તો મોટે ભાગે એવી ને એવી રહી છે. અલબત્ત સમયે સમયે મહોરાં બદલ્યાં છે, બસ આટલું જ. પણ મૂળભૂત સમસ્યાઓએ તો પોતાનો આ ચહેરો – મહોરોય બદલ્યો નથી. ઉદાહરણ તરીકે પ્રારબ્ધ અને મૃત્યુની સમસ્યા, ખાલીપાની અને નિરર્થક્તાની સમસ્યા, ગુન્હાખોરી અને દોષારોપણની વાત લો.

 

આ વિશ્વના અપરિવર્તિત સ્વરૂપમાં એક અંતર દ્રષ્ટિ કરવાને લીધે એને કૂતરાની પૂંછડી સાથે સરખાવી છે. ભલે ને આપણે ગમે એટલીવાર એને સીધી કરવાનો પ્રયત્ન કરીએ પણ એ તો વાંકી ને વાંકી જ રહેવાની. તો પછી આ દુનિયાને સુધારવાના પ્રયત્નનો કોઈ ઉર્દેશ્ય ખરો ? આનો જવાબ ‘ના’ અને ‘હા’ બંને છે. ‘ના’ નું કારણ એ છે કે આ દુનિયા પોતાની મૂળ પ્રકૃતિ બદલાવી શકે તેમ નથી. ‘હા’ નું કારણ એ છે કે આ દુનિયાને સુધારવા જતાં આપણે પોતે જ ખરેખર સુધરી જઈએ છીએ. આ દુનિયા સારા – નરસાનું મિશ્રણ થવાનું જ ચાલુ રાખશે. જો આપણે ગહન નિરક્ષણ કરીને જોઈએ તો આપણને જાણવા મળશે કે આ દુનિયાને આપણી સહાયની જરાય જરૂર નથી. આપણા વિના પણ તે બહુ સારી રીતે ચાલી શકે તેમ છે. આમ છતાં પણ આપણે આ દુનિયાને સહાય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે ‘આ દુનિયાને મદદ કરીને વાસ્તવિક રીતે તો આપણે આપણી જાતને જ સહાય કરીએ છીએ.’

 

જાણે આ દુનિયાને જરાય સુધારી ન શકાય, એવું નથી, એ થઇ શકે તેમ છે; પણ એક તો આવી સુધારણા હંમેશાં અલ્પકાલીન હોય છે અને બીજું આ સુધારણા હંમેશાં અલ્પકાલીન હોય છે અને બીજું આ સુધારણા હંમેશાં થોડા ચોક્કસ પ્રદેશો કે લોકો પૂરતી જ મર્યાદિત રહે છે. આપણે પેલી પૂંછડીને સીધી નહિ કરી શકીએ પણ સમયે સમયે એને સુડોળ રાખવાનું પણ કંઈક મૂલ્ય છે ખરું. ઓછામાં ઓછી તે પૂંછડીને વત્તાઓછા પ્રમાણમાં સુડોળ, તંદુરસ્ત રાખી શકે છે, એટલે એના વાંકાપણાને નજરઅંદાજ કરવું જોઈએ.

 

 

જીવંત પ્રભુ

 

 

જેમ કૂતરાની પૂંછડીને આપણે સીધી કરી શકતા નથી, કારણ કે તે કૂતરાની પૂંછડી છે; તેવી જ રીતે આ દુનિયાને પણ એ જ કારણે નિર્દોષ બનાવી શકતા નથી. જો આપણે માત્ર પૂંછડી તરફ જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે કૂતરાને જરાય ન જોઈ શકીએ; અને આ પૂંછડી તો એ કૂતરાનો નાનો એવો એક અવયવ છે; અને એ તે કંઈ એટલો બધો મહત્વનો ભાગ પણ નથી. આવી જ રીતે જો આપણે દુનિયાને એકલીને જ ધ્યાનમાં રાખીએ તો આપણે ઈશ્વરને જોવાનું ગુમાવીશું. વેદો આપણને કહે છે કે આ વિશ્વ તો ઈશ્વરનો એક અંશ, અરે ઘણો નાનો અંશમાત્ર છે.

 

આપણી વર્તમાન બુદ્ધિશક્તિ કે સમજણને માટે ઈશ્વર ઘણો વિરાટ અને સૂક્ષ્મ પણ છે. આપણે પ્રતિસંકલ્પનાઓ અને પ્રતિમાઓ દ્વારા ઈશ્વર વિશેનો થોડોક ખ્યાલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રાર્થના, પૂજા, ધ્યાન દ્વારા એમની સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન કરી શકીએ. આ બધું ઉપયોગી તો છે છતાં પણ જો આપણે એને પાર્થિવ દ્રષ્ટિએ જોઈ શકીએ, કંઈક વાસ્તવિક રૂપે જોઈ શકીએ કે આપણા મન અને ઇન્દ્રિયોથી ગોચર થઈ શકે એવું બનાવી ન શકીએ તો એ બધું અમૂર્ત અને અવાસ્તવિક જેવું બની રહે છે.

 

સદ્દભાગ્યે અહીં અને અત્યારે જ આપણા માટે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો શક્ય છે. આ બ્રહ્માંડને વિસ્તારીએ તો ઈશ્વર તો તેના અણુયે અણુમાં પ્રવેશેલો છે એમ કહી શકાય. તે આપણા બધામાં પણ છે અને આપણી આજુબાજુ આપણે જે કંઈ જોઈએ છીએ તેમાં પણ તે જ છે. આપણે બધા દરેકેદરેક મૂર્તિ-છબિમાં નિર્જીવ પ્રભુને જોવા મથીએ છીએ કે પુસ્તકો દ્વારા એને સમજવા પ્રયત્ન કરીએ છીએ. પણ વાસ્તવિક રીતે જોતાં માનવરૂપે દરેકેદરેક વ્યક્તિ ‘જીવંત ઈશ્વર’ છે.

 

સૌની ભીતર અને બહાર આ જીવંત પ્રભુને જોવાથી આપણું ભીતરનું જીવન અને બાહ્ય જીવન અદ્દભુત પરિવર્તન પામે છે. સાથે ને સાથે આપણા પોતા પ્રત્યેના વલણ અને બીજા પ્રત્યેના વલણમાં પણ સુચારુ પરિવર્તન આવે છે. આથી આપણું દૈનંદિન જીવન આધ્યાત્મિકતાવાળું બની રહે છે. પરિણામે દરેકેદરેક શ્વાસ પ્રાર્થનામાં અને દરેક કાર્ય પૂજામાં ફેરવાઈ જાય છે. દરેકને ઈશ્વરનું મૂર્તિમંત સ્વરૂપ ગણવું અને જોવું એ આદર્શને પુનર્જીવિત કરનાર અને એને મહત્વ આપનાર હતા શ્રીરામકૃષ્ણ પરમહંસ. આ આદર્શ આપણા સૌના આધ્યાત્મિક અને વૈશ્વિક જીવન વચ્ચેના, સાચી પ્રભુપૂજા અને કર્મ વચ્ચેના, આ દુનિયા અને પેલે પારના જગત વિશેના અનાવશ્યક ભેદભાવને દૂર કરે છે.

 

આપણે મહત્વનાં ચાર આધ્યાત્મિક સત્યો જોયાં. આ સત્યો – એમાંનું પહેલું છે – દરેકેદરેક સમસ્યાનો અંતે તો એક આધ્યાત્મિક ઉકેલ છે જ. બીજું – આ આધ્યાત્મિક ઉકેલ શોધવા આપણે શક્તિમાન બની શકીએ તે પહેલાં આપણું શારીરિક જીવન ટકાવવાની અને તંદુરસ્ત માનસિક વિકાસ માટેની કેટલીક મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવી જોઈએ. ત્રીજું – આ દુનિયાની સુધારણા લાવે છે. ચોથું – ઈશ્વરને અહીં અને અત્યારે દરેક જીવમાં જોઈ શકાય છે અને નિ:સ્વાર્થ સેવા દ્વારા એમની પૂજા પણ કરી શકાય.

 

 

(રા.જ.૧૧-૦૭(૨૩-૨૫)/૩૩૯-૪૧)

 

 

બ્લોગ લીંક :  http://das.desais.net
email : [email protected]
 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પુષ્ટિ માર્ગમાં ગૃહસેવાનું મહત્વ …

પુષ્ટિ માર્ગમાં ગૃહસેવાનું મહત્વ …

 

 

 

gruh seva

 

 

સન્યાસ નિર્ણયમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે આ કલિયુગમાં કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને શાસ્ત્રોક્ત ભક્તિમાર્ગનું અનુકરણ કરવું સંભવ નથી. આપણાં માર્ગમાં સાધનસેવાને બદલે સ્નેહસેવાને મહત્વ આપવામાં આવ્યું છે. કલિયુગમાં જીવોના કલ્યાણ અર્થે એકમાત્ર કોઈ સુંદર અને સુગમ કોઈ ઉપાય હોય તોતે માત્ર શ્રી ઠાકુરજીની સેવા છે, જેના વડે ભગવાનની કૃપા રૂપી ફલની પ્રાપ્તિ થવી સંભવ બને છે. અતઃ એમ કહી શકાય કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની ભાવનામય કરેલી સેવા એજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનો ધર્મ છે. હંમેશા વૈષ્ણવોને પ્રશ્ન હોય છે કે સેવા શી રીતે કરવી? શ્રી વલ્લભકુલ આચાર્ય બાલકો કહે છે કે સેવા કરવામાં ત્રણ વસ્તુઓ અનિવાર્ય છે. અનુસંધાન, અહોભાવ અને આનંદ.

 

 

ઘરમાં બિરાજી રહેલા પ્રભુને આપણે કહીએ છીએ પ્રભુ આપ મારે ત્યાં પધારી મારા હાથની સેવા અંગીકાર કરો છો તે મારે માટે અહોભાગ્ય છે, હું સેવાની રીતપ્રીત જાણતો નથી તેથી જે પ્રમાણે મારી મતિ લઈ જાય છે તે પ્રમાણે સેવા કરું છું જ્યારે પ્રભુ માટે આપણાં હૃદયમાં અહોભાવ આવે ત્યારે આપણું હૃદય દૈન્યતાથી ભરાઈ જાય પછી આવે છે અનુસંધાન. અનુસંધાન રાખવા માટે દરેક વૈષ્ણવે પોતાનાં હૃદયમાં રહેલ ભાવને જાગૃત રાખવાની જરૂર છે. ભાવ વગર જ્યારે સેવા કરીએ ત્યારે સમસ્ત પ્રક્રિયા ભુલાઈ જવાનો સંભવ રહેલો છે પણ પ્રેમભાવ સાથે કરેલી સેવામાં પ્રભુ માટે અને પ્રભુ સાથે અનુસંધાન હંમેશા રહે છે. પ્રેમભાવનાં અનુસંધાન સાથે જોડાઈને જ્યારે આપણે પ્રભુની સેવા કરતાં જઈએ ત્યારે આપણાં હૃદયમાં પ્રભુ માટે, પ્રભુની સેવા માટે આનંદ આવતો જાય છે. આમ સૌ પ્રથમ સેવા માર્ગમાં પ્રવેશ કરતાં પ્રથમ અહોભાવ આવે, અહોભાવ બાદ અનુસંધાન આવે અને અનુસંધાન બાદ આનંદ આવે છે.

 

પ.પૂ.શ્રી ૧૦૮ ગો.શ્રી યદુનાથજી મહોદય શ્રી કહે છે કે વૈષ્ણવો સેવા કેટલા સમય કરે છે તે જરૂરી નથી પરંતુ વૈષ્ણવો સેવા કરે તે જરૂરી છે. તમે પ્રભુ માટે સેવા કરો ત્યારે તમે રાગ, ભોગ અને શૃંગારથી સેવા કરો ભલે આ વસ્તુઓ તમને ન આવડે પણ તેમ છતાં પણ કરો કારણ કે જેમ જેમ તમે કરતાં જશો તેમ તેમ તમે શીખતા પણ જશો. દા.ખ તમારે કાર શીખવી છે પણ ડ્રાઈવરની સીટ પર તમે બેસતા નથી ત્યાં સુધી કાર કેવી રીતે ચલાવવી તે તમે શીખી શકતા નથી, સીટ પર બેસ્યા બાદ જો તમે કાર ચાલું કરો તો તમારી કાર આગળ કેવી રીતે વધશે? માટે કાર આગળ વધારવા માટે તમારે ચાવી ફેરવવી જરૂરી છે. ચાવી ફર્યા બાદ તમારે સ્ટિયરિંગ હાથમાં પગ બ્રેક પર મૂકવો જરૂરી છે જેથી કાર નો કંટ્રોલ તમારા હાથમાં રહે તે જ રીતે જ્યાં સુધી તમે સેવા કરવા માટે તત્પર નહીં થાઓ ત્યાં સુધી સેવામાર્ગમાં શું છે, તેમાં પ્રવેશવું કેવી રીતે? વગેરે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. પરંતુ એકવાર સેવામાર્ગમાં પ્રવેશો પછી આ માર્ગ એટલો અજાણ્યો નથી લાગતો બલ્કે જેમ દિવસો વીતે તેમ તેમ આનંદ ને વધુ ને વધુ આનંદ આવતો જાય છે.

 

 

સેવા કરવાની રીત તો ઘણી જ હોય છે. પરંતુ તમે કઈ રીતે સેવા કરવા ઈચ્છો છો? તે પ્રત્યેક વૈષ્ણવ પર આધાર રાખે છે.

 

 

1) સવારનાં સમયે પ્રભુને જગાડવા.

2) તેમને વસ્ત્ર પરિધાન કરાવી તેમની પાસે દૂધનો મંગલ ભોગ મૂકવો.

3) જળ ગરમ કરી તેમનાં શ્રી અંગને ઉબટન લગાવી તેમને સ્નાન કરાવવું.

4) સ્નાન બાદ તેમને નવા વસ્ત્ર ધારણ કરાવવા.

5) વસ્ત્ર બાદ શૃંગાર ધારણ કરાવવો.

6) શૃંગાર બાદ તેમને ભોગ ધરાવવો.

7) ભોગ ધર્યા બાદ તેમની પાસે તેમની બંસી છડી મૂકવા.

8) બપોરના સમયે રાજભોગ આરોગવાવો.

9) રાજભોગ બાદ પ્રભુ આરામ કરે છે આથી તેમનાં ભારી વસ્ત્ર બદલીને સાદા વસ્ત્રો ધારણ કરાવવા.

10) સાંજના સમયે તેમને સંધ્યાભોગ ધરાવવો અને ત્યાર બાદ પોઢાડી દેવા.

 

 

સામાન્ય રીતે આ પ્રકારની અષ્ટયાં સેવા હોય છે પરંતુ આ પ્રકારની સેવા મરજાદી વૈષ્ણવોનાં ગૃહમાં વધુ જોવા મળે છે. રહી મારી વાત તો હું મારો વધુ સમય સેવામાં રહે તે રીતે નથી કાઢતી. કારણ કે સેવામાં સમય માન્ય નથી પરંતુ સ્નેહ માન્ય છે તેથી બીજા વૈષ્ણવો શી રીતે સેવા કરે છે તે રીતે સેવા કરવા કરતાં મારા લાલન જે રીતે સેવા શીખવે છે તે રીતે સેવા કરતી જાઉં છું.

 

પુષ્ટિમાર્ગીય સાહિત્યમાં પ્રસંગ છે કે શ્રી દેવદમનઠાકુરજીને પાટે બેસાડી રામદાસને શ્રીમહાપ્રભુજીએ સેવા સોંપી. આજ્ઞા કરી, “રામદાસ શ્રીજીની સેવા નીકો રીતે કરજો.” ત્યારે રામદાસજી કહે પ્રભુ મહારાજ સેવા વિષે હું કશું નથી જાણતો.” ત્યારે આપશ્રીએ કહ્યું કે આપ સેવા કરવાનો પ્રારંભ કરો “શ્રીજી બધુ આપને શિખવાડી દેશે”  શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞા આધુનિક વૈષ્ણવો માટે પણ છે જ, આથી વૈષ્ણવોએ કોઈ અન્ય વૈષ્ણવોને પૂછી પૂછીને સેવા કરવા કરતાં પોતાની રીતે સેવા કરવી તેનું કારણ એ છે કે પ્રત્યેક ગૃહની સેવા અલગ અલગ હોય છે. આપણે ત્યાં કહેવત છે કે બાળકનો જન્મ એક સ્ત્રીને માતા અને પુરુષને પિતા બનાવે છે તેમ જ જ્યારે આપને ઘેર જ્યારે ઠાકુરજી પધારે છે ત્યારે તે ઠાકુરજી જ આપને સેવા કરવાની રીત આપને શીખવી દે છે અને સાથે આપને માતા યશોદા અને બાબા નંદ પણ બનાવી દે છે. વળી બીજી બાબત એ પણ છે કે એકવાર સેવામાં પ્રવેશ કરીએ પછી વૈષ્ણવોનાં મનમાં આપમેળે નવા નવા મનોરથો જાગૃત થતાં જાય છે. જેને કારણે આપણે એકમાંથી અનેક રીતો અપનાવતા જઈએ છીએ. આ બાબતને આસક્તિ તરીકે ઓળખવામાં આવે છે.

 

આમ સૌ પ્રથમ અહોભાવ આવે છે, અહોભાવ બાદ અનુસંધાન આવે છે, અનુસંધાન બાદ આનંદ આવે છે, આનંદ બાદ આસક્તિ આવે છે અને આસક્તિ બાદ વ્યસન આવે છે ત્યારે આપણને સેવા વગર ચાલતું જ નથી. પછી તો અનોસર એટ્લે કે સેવામાં ન હોઈએ તો પણ મન સેવામાં જ તત્પર રહે છે, અને પ્રભુ સૂતા હોય તો પણ મન વિરહ ભાવનામાં તરંગો લે છે જેને કારણે સેવા વિષેની, પ્રભુ વિષેની, પ્રભુની કૃપા વિષેની, પ્રભુ માટેના પ્રેમ, રીત વિષેની અસંખ્ય બાબતો તમને અને તમારા હૃદય તથા મનને પ્રભુ સાથે જોડી રાખે છે.

 

 

સાભાર સૌજન્ય : પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ.

 

 

વાંચકમિત્રોને અનુરોધ કરું છું કે સેવા અંગે કોઈપણ વાત ન સમજાતી હોય તો [email protected]  પર મેઈલ દ્વારા જાણ કરી ચોક્કસ પૂછી શકો છો.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

પૂરક સમજ/માહિતી : 

 

શ્રીઆચાર્યજી શ્રીમહાપ્રભુજીએ ‘ભક્તિ વર્ધિની’ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે, “ગૃહે સ્થિત્વા સ્વધર્મઃ” પુષ્ટિજીવે સ્વધર્મનું પાલન ઘરમાં રહીને જ ગુપ્ત રીતે એકાંતમાં સેવ્યની સેવા કરવાનું છે. સેવા વ્યક્તિગત રીતે કરવાની, સામુહિક રીતે નહીં. ઘણા વૈષ્ણવો પોતાના ઠાકોરજીને ભેગા કરી મનોરથો-ઉત્સવો કરે છે. એ રીતે પુષ્ટિમાર્ગમાં નથી. ૮૪/૨૫૨ વૈષ્ણવ ની વાર્તાઓ જુઓ. કોઈએ આ પ્રમાણે ભેગા થઈ ઉત્સવ-મનોરથ કર્યા જ નથી. સેવ્યનાં કોઈને દર્શન કરાવવાની પણ રીત નથી. સેવ્ય એ પ્રેમ સ્વરૂપ છે,પ્રેમ ને ગુપ્ત રખાય, પ્રગટ કરવાથી રસ ન રહે – રસાભાસ થાય. ભાવ અને પ્રેમ ગુપ્ત રાખવા. જતન કરી હૃદયમાં રાખવાની શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે.

 

આજે વૈષ્ણવો સેવ્ય અને સેવાના સ્વરૂપ વિશે દિશાશૂન્ય છે. અજ્ઞાન અને અન્યથાજ્ઞાન, અંધશ્રદ્ધાથી ગ્રસીત છે. આજે સ્વરૂપ જ્ઞાનથી વંચિત છે, મંદિરો – બેઠકોમાં દોડાદોડી ખૂબ વધી ગઈ છે. શું પ્રાપ્ત કરવાનું છે તેનું જ્ઞાન નથી. ગૃહસેવાનું સ્વરૂપ સમજાતું નથી. સેવ્ય જ જીવનો ઉદ્ધાર કરવા તેના ઘરમાં બિરાજી શ્રીવલ્લભની કૃપાથી સેવકની સેવા અંગિકાર કરી રહ્યા છે. સેવા ફક્ત શ્રીજી-શ્રીકૃષ્ણની જ થાય, શ્રીવલ્લભની કે શ્રીયમુનાજીની સેવા ના કરાય. શ્રીવલ્લભની આજ્ઞા છે, “કૃષ્ણ સેવા સદા કાર્યા.” સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે, “સર્વદા સર્વ ભાવે ભજનિયો વ્રજાધીપ” વ્રજના અધિપતિ – સદાનંદ – રસાત્મક કૃષ્ણ –શ્રીજીની જ સેવા બતાવી છે. આપે આજ્ઞા કરી છતાં તેનું ઉલ્લંઘન કરી વૈષ્ણવો બીજાની સેવા કરે તો ગૂરૂ અપરાધ જરૂર લાગે છે. આજ્ઞાનું ઉલ્લંઘન એ અપરાધ છે. “શ્રીવલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવ” શ્રીવલ્લભ અને શ્રીજીમાં કોઈ ભેદ નથી જ. આ વાત શ્રીગુસાંઈજી “વલ્લભાષ્ટક”મા કહે છે.

સાભાર : શ્રી વલ્લભ અનુગ્રહ.કોમ

એલચી :-

મરજાદ એટ્લે શ્રી વલ્લભે અને તેમના વંશજો એ સેવા માટે બનાવેલા નીતિ નિયમોનું પાલન કરવું તે. પરંતુ આ નિયમોનું બધાં જ લોકો પાલન નથી કરી શકતાં, તેથી મરજાદનું પાલન નથી થયું તેવો કોઈ જ ક્ષોભ મનમાં રાખવો નહીં. વળી જે વૈષ્ણવો મરજાદનું પાલન કરી નથી કરી શકતાં તેમના પર પણ પ્રભુ પ્રસન્ન થાય જ છે, કારણ કે…… વૈષ્ણવ માર્ગમાં સેવા એ સ્નેહને વધુ પ્રાધાન્ય આપે છે સેવામાં સમય કે નીતિનિયમોનું એટલું મહત્વ નથી. હવે તો આપણાં વલ્લભકુલ બાળકો પણ કહે છે કે મરજાદ કરો તો પાળીને પણ બતાવો પણ વિચાર્યા વગર મરજાદ ન કરવો જોઈએ. ઉપરાંત 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભનાં સમયમાં જે મરજાદ હતો તે મરજાદ આજે પૂરી રીતે નથી જળવાતો. દા.ખ 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભ ચાલીને યાત્રા કરતાં આજે ચાલીને યાત્રા કરનારા કેટલા છે? બીજો પ્રસંગ જોઈએ શ્રી વલ્લભ જ્યારે સ્વહસ્તે ભોગ બનાવતાં ત્યારે જમીનની અંદર વૂડ નાખી તેનાં ચૂલામાં પાકી રસોઈ બનાવતાં. આજે તો કોલસાથી ચાલતી સગડી જ નથી રહી બધે ગેસ અને ઈલેકટ્રીકનાં ચૂલા આવી ગયા છે તો તે રીતે જોઈએ તો સમય અને નીતિનિયમો બદલાઈ ગયાં ને…? મરજાદનું પણ એવું જ છે. શ્રી વલ્લભકુલ બાળકો કહે છે કે સમય અનુસાર પ્રત્યેક વ્યક્તિઓએ બદલવું જ જોઈએ.

શ્રી મહાવીરની અહિંસા …

શ્રી મહાવીરની અહિંસા …
– મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી

 

 

mahvir

 

 

વર્ધમાનનો સંસારપરિત્યાગ …

 

 

વર્ધમાનવીરે દેશ-વેશને છોડીને, નગર અને નાગરીકોની અંતિમ વિદાય લઈને, રાજપાટનાં સુંવાળાં સુખો ત્યજી દીધાં અને ‘સંસારી’ મટી જઈને ‘સાધુ’ બન્યા. મોંઘેરા શણગાર ત્યજી અણગાર બન્યા. દીક્ષા લીધા પૂર્વે એક વર્ષ સુધી એમણે લાખો સોનૈયાનું – હાથી, ઘોડા, હીરા, માણેકનું – ટૂંકમાં જેને જે જોઈએ એનું –છૂટે હાથે દાન દીધું. બધું મળીને એ દાન સાડાત્રણ કરોડ સોનામહોર જેટલું થયું.

 

વર્ધમાન સાધુ બન્યા. સંસાર છોડ્યો, ઘરબાર, કુટુંબ –પરિવાર, સુખ-શણગાર, બેસુમાર ધન-દોલત અને માલ-મિલકતનો ત્યાગ કરીને એમણે કર્યો વનવગડાની વાટે વિહાર ! જિંદગીભર નાનામાં નાની હિંસા નહિ કરવાનું વ્રત લીધું, જૂથ, પ્રપંચ કે માયા, ચોરી, મૈથુન ને પરિગ્રહ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. એ પૂર્વે જ પાંચ મુઠ્ઠી વડે માથાના બધા વાદનું લુંચન કર્યું. ત્યારે ઇન્દ્ર મહારાજાએ ભગવાનના ખભે દેવહુષ્ય-દૈવી વસ્ત્ર – મૂક્યું, હૈયામાં ભક્તિના દરિયાને ભરીને ‘સ્તો.

 

 

શૂલપાણિના પ્રાણઘાતક ઉપસર્ગો …

 

સાધુ બનલા વર્ધમાન – સ્વામી હવે ગામોગામ વિહરવા લાગ્યા. દેશ અને દુનિયાની દિલ્લગીથી એમનું દિલ ઊઠી ગયું. વિહરતા વિભુ –વીર એક ગામમાં જઈ ચઢ્યા. ગામને પાદરે યક્ષનું મંદિર હતું. અતિક્રૂર અને કઠોર દિલનો એ શૂલપાણિ યક્ષ, ગામની પ્રજાને રંજાડવામાં પાછી પાની કરતો નહિ. પ્રભુ મહાવીર આ યક્ષના મંદિરમાં રાત્રિગુજારો કરવાની અભિલાષા સેવતા હતા. ગ્રામજનોએ પ્રભુને ખૂબઆ આર્દ્રભાવે અરજી કરી: ‘પ્રભો, આ દેવ મહાદુષ્ટ છે. આપને રાત્રિમાં ભયંકર દુઃખના દાવાનળમાં ઝીંકી દેશે. આપ આ મંદિરમાં ન પધારો.’

 

પણ મહાવીર જેનું નામ ! એને ડરવાનું શું કામ ? વીરનું નામ સાંભળીને ભય તો બિચારો ભૂત બનીને ભાગી જતો. નીડરતા અને નિર્ભયતાના સ્વામી મહાવીરદેવે યક્ષમંદિરમાં રાત-નિવાસ કર્યો.

 

એક રાતમાં ઝંઝાવત ફૂંકાઈ ગયો. બ્રહ્માંડના વિસ્ફોટ કરી નાખે એવું અટ્ટહાસ્ય શૂલપાણિએ વેરવા માંડ્યું. જાતજાતનાં જાનવરો છોડ્યાં, લાંબી લાંબી જીભવાળા સપો છોડ્યાં, ક્રૂર કદાવર કુંજરો (હાથીઓને) છૂટા મૂક્યા, પિશાચોના ભયાનક-ભીષણ ઉપદ્રવો અને આંખ, નાક, દાંત, નાખ આદિ અતિકોમળ અંગઉપાંગોમાં તીવ્ર વેદનાઓ ઉત્પન્ન કરી.

 

પણ માહાવીરદેવ એટલ રહ્યા. દુઃખોની ઝડીઓ ઝીંકાઈ જાય કે સુખોના સમન્દર સીમા ઓળંગે તો ય મહાવીરદેવ તો સમતાના શિખર ઉપર સંરોહણ કરતાં, એમના હૃદય-તળ ઉપર સમત્વની શીતળ સરિતા ખળખળ નાદ રેલાવતી વહ્યે જતી. ઘોર દુઃખો અને દર્દોમાંય મહાવીરદેવની આ અડોલ દેહ-મૂર્તિ જોઇને શૂલપાણિ પાણી પાણી થઇ ગયો. એક એક ઉપસર્ગમાં મૃત્યુ અટ્ટહાસ્ય વેરી રહ્યું હતું. પણ તો ય ક્ષમામૂર્તિ મહાવીર મનથી પણ કુદ્ધ ન બન્યા. મહાવીરદેવના હૃદયમાં ક્ષમાની આ સરસર વહી જતી નદીમાં નાહીને શૂલપાણિ પવિત્ર બની ગયો. એણે ભગવાનનાં ચરણોમાં પડીને પુન:પુન: માફી માગી.

 

 

ચણ્ડકૌશિકને પ્રતિબોધ …

 

 

mahvir & snake

 

 

ગામ-નગરને પોતાનાં ચરણ-કમળથી દેવાધિદેવ મહાવીર એકવાર ઘોર જંગલમાં આવી ચઢ્યા જ્યાં એક ભયંકર સર્પ પોતાના રાફડામાં અડ્ડો જમાવીને બેઠો હતો. આ સર્પ તો એવો કાતીલ કે એની દ્રષ્ટિ જ્યાં પડે ત્યાંની સૃષ્ટિ સંહાર થઇ જાય. એની દ્રષ્ટિમાં જ એવું ઝેર પડેલું. એથી ‘દૃષ્ટિવિષ સર્પ’ તરીકે ઓળખાતો. આ સર્પ જે વનમાં રહેતો હતો ત્યાં માનવ તો શું પશુ-પંખી કે ઢોર – ઢાંખર પણ ભૂલેચૂકે ન આવતાં ! જો આવ્યાં અને સર્પની નજરે ચઢ્યાં તો ખેલ ખતમ ! સોએ વર્ષ ત્યાં ને ત્યાં જ પૂરાં ! મનના બધા ય કોડ રહી જાય અધૂરા ! શૂરા અને પૂરા મલ્લો પણ એની પાસે બની જાય બેસૂરા !

 

આવા આ વન – વગડે મહાવીરદેવ શું ભૂલા પડ્યા ?   ના …. ભૂલા તો નહોતા પડ્યા, પણ ભૂલા પડેલા એક ભાવુક આત્માને ઊંઘમાંથી ઉઠાડવા જાણી જોઇને આવ્યા’તા.

 

સર્પનું નામ હતું ચણ્ડકૌશિક ! એ ‘ચણ્ડ’ એવા ટૂંકા નામે ય જાણીતો ! ક્ષમા અને ધૈર્યની સાક્ષાત જ્યોતિસમા મહાવીરદેવ જ્યાં આ સર્પના રાફડા પાસે આવી ઊભા ત્યાં તો પેલો ચંડ, પ્રચંડ બની ગયો, ભાન ભૂલીને ફુત્કાર કરવા લાગ્યો. પણ આ તે ડરે ? આ કાંઈ માનવ થડો હતો ? આ તો મહામાનવ પણ નહિ, પરન્તુ સર્વોત્તમ કોટિનો આત્મા-તીર્થંકર પરમાત્મા હતો. ફૂંફાડાથી એ સ્હેજ પણ મૂંઝાણો નહિ, પરન્તુ સ્થિર નયનોથી સાપને નીરખી રહ્યો. મહાવીરદેવની આ સમતાને જોઇને સાપ તો ચોંકી જ ઊઠ્યો. એણે ગુસ્સાના જુસ્સામાં આવીને જોરથી મહાવીરદેવને ચરણ-અંગૂઠે ડંખ દીધો કે અંગૂઠેથી દૂધની ધવલ-ધાર જેવું લોહી નીકળ્યું. આ શું ? ચંડ તો વિચારમાં જ પડ્યો. લાલ લોહીને બદલે આ સફેદ દૂધ’ શું લોહી કેમ ? એને લાગ્યું કે આ કોઈ સામાન્ય માનવી નથી, પણ આ તો કોઈ દૈવી પુરુષ જણાય છે ! અને …. સ્થિર નયને ‘ચણ્ડ’ મહાવીરદેવના મુખકમળની પરાગ પીવા માંડ્યો.

 

આત્માની અંદર રહેલી અફાટ શક્તિનો વિસ્ફોટ કરી બેઠેલા મહાવીરદેવે ‘બુઝ્ઝ બુઝ્ઝ ચણ્ડકોસિયા’ (અલ્યા ચણ્ડકૌશિક ! હવે તો બોધ પામ, બોધ પામ !) એવા બે જ અમૃતવેણ ઉચ્ચાર્યા અને સાપ તો સુધરી જ ગયો. એને તો એવું અમૃતથી અધિકું મીઠું વચન સાંભળવાનું આજે જ મળ્યું અને સાપને પોતાના ત્રણ ત્રણ પૂર્વભવો નજર સામે દેખાવા લાગ્યા.

 

એ ખરેખર બોધ પામી ગયો હતો. એણે હવે પોતાની દૃષ્ટિના ઝેરથી કોઈને કદી ન મારવાનો આખરી અને અફર નિર્ણય લઇ લીધો હતો. અંતે સાપ મરીને સદ્દગતિ પામ્યો.

 

 

કાનમાં ખીલા ઠોક્યા ગોવાળે …

 

 

એક પ્રભાતને પહોરે ભગવાન મહાવીરદેવ ધ્યાનમુદ્રામાં (કાઉસગ્ગ) ઊભા હતા …. ત્યાં એક ગોવાળ આવી ચઢ્યો, સાથે બે બળદો લઈને. ગાયોને દોહવા કાજે એને પોતાને ઘેર જવું’તું. એણે વિચાર્યું : ‘આ બળદોને સાચવવાનું કામ આ મુંડિયા સાધુને સોંપી દઉં. ઊભો શું મારું એટલુંય કામ નહિ કરે ?’ – ઘરે જતાં જતાં એણે ભગવાનને ઉદ્દેશીને ‘અરે એય મુંડિયા ! હું સાંજ સારો ઘરે જઈને આવું છું. ત્યાં સુધી તું મારા આ બળદિયાઓને સાચવજે, હોં કે !’

 

ગીતાના સ્થિતપ્રજ્ઞને ય ટપી જાય એવા મહાસ્થિતપ્રજ્ઞ સ્થિર મુદ્રામાં ઊભેલા મહાવીરદેવ મૌન જ રહ્યા. એમણે તો સંસારની આધી, વ્યાધિ અને ઉપાધિના જાળ-જંજાળ છોડીને આધ્યાત્મની અદ્દભુત સમાધિ લગાવી’તી. એમને ઉત્તર આપવો ક્યાં પરવડે એમ હતો ?

 

પેલો ગામડિયો ગોવાળ તો કહીને ચાલી નીકળ્યો. કાર્ય પતાવીને સાંજના સુમારે પાછો મહાવીરદેવની પાસે આવી પહોંચ્યો ત્યારે ત્યાં પોતાના બે બળવાન બળદો એણે ન ભાળ્યા. એથી એ એકદમ બરાડી ઊઠ્યો : ‘અલ્યા એ ધ્યાની ! સાધુડા ! મારા બળદો મેં તને સંભાળવા સોંપેલા, એ ક્યાં ગયા ?’

 

પરંતુ બહુધા મૌની મહાવીરદેવ કાંઈ જ ન બોલ્યા ત્યારે આ ગામડિયા ગોવાળનો પિત્તો આસમાનને આંબી ગયો.

 

એ છંછેડાઈને અન્તે બળદોની શોધમાં ચાલી નીકળ્યો. શોધી શોધીને થાકી ગયો તો ય એને બળદોનો પત્તો ન લાગ્યો, એટલે એ પાછો ભગવાન મહાવીરદેવ પાસે આવી ઊભો ત્યારે તો આખી રાત ચારો ચરીને બંને બળદો પ્રભુના ચરણોમાં જ જોઇને ગોવાળ અત્યંત આક્રોશમાં આવી ગયો.

 

‘રે ! ઢોંગી ! ધૂતારા ! તને ખબર હતી, તો ય તે મને આખી રાત બળદો શોધવા ભટકાવ ભટકાવ કાર્ય ? હવે તો હું તને એવી સખ્ત સજા કરીશ કે આખી જિન્દગી તું આવું કરવાની ખો ભૂલી જાય.’

 

એટલું બોલીને એ પાસેના વૃક્ષની ડાળીઓમાંથી બેલામ્બી લાંબી લાકડીઓ કાપી લાવ્યો અને ધ્યાનમગ્ન મહાવીરપ્રભુના બન્ને કાનમાં ખીલાઓ એવા સજ્જડ ઠોકી દીધાં કે બેય ખીલા અન્દર એકબીજાને અડી ગયા. ઉસ્તાદ ગોવાળે ખીલાઓનો બહારનો વધેલો ભાગ કાપી નાખ્યો … છતાં ય … પ્રભુએ પોતાના મોંમાંથી ઉહ્કાર સરખો ય ન કર્યો. એટલું જ નહિ, ગોવાળનું મનથીયે બૂરું ન ચિંતવ્યું. જગત-માત્રને એકાન્ત સુખી કરવાની તીવ્ર તમન્નાનો સ્વામી, પોતાના અપકારીનું પણ બુરું ઝંખે ખરો ? વિશ્વવાત્સલ્યના પરમાણુઓથી એનું ચિત્ત સદા પવિત્ર !

 

એક દી’ ‘ખરક’ નામના વૈધે જ્યારે પ્રભુ મહાવીરનું મુખ-કમળ નિહાળ્યું ત્યારે પ્રભુના કાનમાં ખીલા છે એ વાત એણે પકડી પાડી અને એક જૈન શ્રાવકનો સાથ લીને એ ખીલાઓને એણે ખેંચી કાઢ્યા, ત્યારે …! ત્યારે તો દુઃખની ભયંકર સંવેદનાને કારણે પ્રભુના મુખમાંથી અચાનક એવી જબરી ચીસ નીકળી પડી કે બાજુમાં રહેલા પર્વતના બે ટુકડા થઇ ગયા. શરીર શરીરનો ધર્મ તો બજાવે ને ? પણ પ્રભુનો આત્મા તો ચિદાનંદની મસ્તીમાં જ ઓળઘોળ બનેલો છે. ન એને ગોવાળ પર રોષ છે, ખીલા ઠોક્યા બદલ ! ન એને વૈધ પર રાગ છે, ખીલા કાઢ્યા બદલ !

 

આ તો નિન્દક – પ્રશંસકને સમ ગણતરી સમત્વમૂર્તિ !

 

 

કેવળજ્ઞાન – પ્રાપ્તિ …

 

અન્તે, સાડાબાર વર્ષની ઘોર તાપ:સાધનાની સિદ્ધિરૂપે ભગવાન શ્રી મહાવીરદેવને વૈશાખ સુદ દશમના પુણ્યદિને મહાન જ્ઞાન પ્રાપ્ત થયું. એ જ્ઞાનનું નામ કેવળજ્ઞાન ! આ જ્ઞાનથી દૂરદૂરના, દુનિયાની પેલે પારના, કોઈના પણ તન-મન-વચન કે જીવનમાં રહેલા, બધાય પદાર્થો અહીં બેઠા બેઠા જોઈ શકાય. તમે તમારા હાથમાં રહેલી આ પુસ્તિકાને જુઓ છો ને, એમ જ ! ભગવાન શ્રી મહાવીર ત્રણ – લોકના ગુરુ બન્યા, સર્વણ અને સર્વદર્શી (સર્વ વસ્તુને જાણનાર અને જોનાર) બન્યા.

 

 

સૌજન્ય : બાલભારતી ટ્રસ્ટ, કર્ણાવતી દ્વારા પ્રકાશિત ‘તીર્થંકર ભગવાન શ્રીમહાવીરદેવ’ માંથી સાભાર )

 

(રા.જ.૪-૧૩(૧૭-૧૯)

 

 

બ્લોગ લીંક :http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

(૧) મૃત્યુનો વેપારી બન્યો સંજીવની દાતા ! … (પ્રેરકકથાઓ) …

(૧) મૃત્યુનો વેપારી બન્યો સંજીવની દાતા ! … (પ્રેરકકથાઓ) …

 

 

 

alfred nobel

 

૧૦૦ વર્ષ પહેલાં સવારના પહોરમાં એક માણસે સમાચાર પત્ર જોયું. આશ્ચર્ય અને ભય સાથે એણે પોતાની અવસાન નોંધ વાંચી. સમાચારપત્રોમાં ભૂલથી ખોટી વ્યક્તિના અવસાનની વાત હતી. એ વાંચીને એણે આઘાત અનુભવ્યો. વાંચનાર માણસ બોલી ઊઠ્યો : ‘ હું અહીં છું કે ત્યાં ? આઘાતમાંથી બહાર આવીને લોકો એમના વિશે શું કહે છે કે ધારે છે એનો બીજો વિચાર આવ્યો. એ અવસાનનોધમાં આમ લખ્યું હતું : ‘સૂરંગનો રાજા મૃત્યુ પામે છે.’ એમાં આ શબ્દો પણ ઉમેરવામાં આવ્યા હતા. ‘તે તો મૃત્યુનો વેપારી હતો.’ આ વાંચનાર સૂરંગનો શોધક હતો અને જ્યારે એણે ‘મોતનો વેપારી’ એ શબ્દો વાંચ્યા ત્યારે એણે મનોમન પ્રશ્ન કર્યો : ‘શું હું આવી જ રીતે લોક્યાદ રહેવાનો છું ?’ એના હૃદયમાં એક લાગણીનો સ્પર્શ થયો અને તેણે નિર્ધાર કર્યો કે તે પોતે આવી રીતે લોક્યાદમાં રહેવા માગતો નથી. તે જ દિવસથી માંડીને એણે શાંતિ માટેનું કાર્ય આરંભ્યું. આ, માનવીનું નામ હતું આલ્ફ્રેડ નોબલ અને આજે તે મહાન પારિતોષિક નોબલ પ્રાઈસના નામથી જગતમાં ઓળખાય છે. જેમ આલ્ફ્રેડ નોબલના હૃદયમાં સંસંવેદનાની વીજળી ચમકી ગઈ અને પોતાના જીવનનાં મૂલ્યોમાં મહાન પરિવર્તન લાવી શક્યા. મૃત્યુનો વેપારી બન્યો સંજીવનીનો દાતા ! તેવી જ રીતે આપણે પણ આપણા ગઈકાલના જીવનમાં ડોકિયું કરીને આવું નવું રચનાત્મક પરિવર્તન લાવી શકીએ.

 

 

*****

(૨) લોભ પાપનું મૂળ છે …

 

onion

 

 

એક માણસે એક ડૂંગળીના કોથળાની ચોરી કરી. એ પકડાઈ ગયો અને તેને ન્યાયધીશ સામે ઊભો કર્યો. ન્યાયધીશે બધી હકીકત સાંભળી. એમણે સજા માટે ત્રણ વિકલ્પ ડૂંગળીચોરને આપ્યા. પહેલો વિકલ્પ હતો – એક જ બેઠક પર એક કોથળો ડૂંગળી ખાઈ જવી; બીજો વિકલ્પ હતો – સો ફટકા માર ખાવાનો; ત્રીજો વિકલ્પ હતો – દંડની રકમ ભરી દેવી.

 

પેલા માણસે એક જ બેઠકે ડૂંગળી ખાઈ જવાની સજા સ્વીકારી. ડૂંગળી ખાતી વખતે એને પૂરતો આત્મ વિશ્વાસ હતો કે – એ બધી ડૂંગળી ખાઈ જશે. પણ એણે બે – પાંચ ખાધી અને એની આંખમાંથી કાળી બળતરા સાથે આંસું વહેવાં માંડ્યાં, નાક વહેવા લાગ્યું અને મોંમાંયે લાય લાગી.

 

આ દશા જોઇને ચોરે વિનંતી કરી : ‘સાહેબ, બધી ડૂંગળી હું નહિ ખાઈ શકું. એમ કરો એને બદલે મને સો ફટકા મારો.’ એટલે સિપાઈએ સોટી લીધી અને મંડ્યો સબોડવા. દસ-બાર ફટકા પડ્યા અને પછી એક ફટકોયે સહન કરવો અશક્ય બન્યો. વળી પાછા ન્યાયધીશને વિનંતી કરી : ‘સાહેબ, આ ફટકાયે મારાથી સહન થતા નથી ! એમ કરો, આપ કહો તો બધો દંડ ભરી દઈશ.’ આ બિચારા – બાપડા ચોરે, નબળા મનના અને સ્થિર ચિત્તે વિચાર ન કરનારા ચોરે દંડ ભરી દીધો. દંડ ભરીને અને ત્રણેય સજાનો સ્વાદ ચાખીને આખા શહેરમાં એ હાંસીનું પાત્ર બની ગયો. અસ્થિર અને લોભી માનવીઓ ઘણું બધું સહન કરે છે. આણું મૂળ કારણ છે લોભ. લોભ બધા બધા પાપનું મૂળ છે.

 

*****

(રા.જ. ૧૧-૦૬(૨૯)/૩૪૯)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

“શિક્ષાપત્ર ૨૯ મું” અને (૩૦) ચૈત્ર માસ સંવત્સર …(પદ) …

“શિક્ષાપત્ર ૨૯ મું” …

 

 

 pushti prasad 19

 

 

 

શિક્ષાપત્ર અઠ્ઠાવીસમાં રહેલાં ચોવીસ શ્લોકોમાં જણાવવામાં આવ્યું છે કે પ્રભુ પોતાના પર કૃપા યાચના કરે. કારણ કે સ્વદોષનું દર્શન થતાં જ જીવો સર્વ સાધન હીન અને ભગવદ્શરણાગત્ બન્યાં છે. હવે તેઓ વિરહથી વ્યાકુળ પણ બન્યા છે તેથી હવે જીવો પર પ્રભુએ કૃપા કરવી એ શ્રી પ્રભુનો ધર્મ છે. વળી શ્રી પ્રભુનું પ્રાકટ્ય ભક્તો માટે જ થયેલું  છે. આથી પ્રભુએ ભક્તોના અવગુણો અને દોષોને ધ્યાનમાં ન લેતાં નિર્ધન,નિઃસાધન, મનથી દીન અને દુઃખી થયેલા, શોક, મોહ, માયા, વિરહથી વ્યાકુળ બનેલા જીવો પર કૃપાનું દાન કરવું જોઈએ. આમ અઠ્ઠાવીસમાં શ્લોકમાં પ્રભુને અને શ્રી મહાપ્રભુજીને દીન બનીને વિનંતી કરવામાં આવી છે કે હે પ્રભુ આપ આપના જીવોનો દોષ ન જોતાં તેમને શરણે લો. જ્યારે ૨૯માં શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે કાળનો પ્રભાવ એ સર્વ જીવોની સદ્બુધ્ધિનો નાશ કરનાર છે તેથી જીવોએ ગુરુ અને પ્રભુનું શરણ, સત્સંગ, સ્મરણ, મનન, ચિંતન અને સેવાને આધારે પોતાની બુધ્ધિની રક્ષા કરવી જોઈએ. આથી પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાયજી ચરણ કહે છે કે,

 

 

બુધ્ધિનાશકકાલોડયં સર્વેષાં સમુપાગતઃ ।
અતો હિ સર્વથા ગોપ્યં બુધ્ધિરત્નં સુબુધ્ધિભિઃ

 

 

સર્વની બુધ્ધિનો નાશ કરનારો સમય આવ્યો હોવાથી બુધ્ધિમાનોએ પોતાની બુધ્ધિરત્નને સર્વથા છુપાવી રાખવી જોઈએ. વર્તમાનમાં ચાલતાં કલિકાલમાં ઘણાં જ ધર્મોનું માર્ગદર્શન અપાય છે. આવા સમયમાં પોતાનામાં જ રહેલી સદ્બુધ્ધિનો ઉપયોગ કરી સ્વમાર્ગને જ અંગીકૃત થઈ રહેવું. જેથી કરીને પ્રભુથી વિમુખ ન થતાં પોતાના ધર્મની, ગુરુની, પ્રભુની વધુને વધુ સમીપ રહી શકાય. જ્યારે જીવ સેવા,સ્મરણ, ચિંતન, સત્સંગ દ્વારા પોતાનાં પ્રભુની સમીપ રહેવા લાગે છે ત્યારે પુષ્ટિ જીવને સદ્બુધ્ધિનું પ્રમાણ મળી જાય છે.

 

 

સત્સંગ કૃષ્ણસ્મરણ શરણાગતિ સાધનૈઃ ।
તદભાવે કૃતિઃ સર્વા યતૌ વૈયર્થ્યમેતિ ।।૨।।

 

 

સ્વબુધ્ધિનું રક્ષણ કરવા માટે બીજા શ્લોકમાં કહેવાયું છે કે સત્સંગ, કૃષ્ણસ્મરણ અને શરણાગતિ રૂપ સાધનો વડે બુધ્ધિની રક્ષા કરવી. ભાવ વિના જે કરવામાં આવે તે સર્વથા વ્યર્થ થઈ જાય છે. આમ અત્રે બુધ્ધિનાં રક્ષણ માટે સદા શરણની ભાવના નિરંતર કરવી અને “શ્રી કૃષ્ણ શરણં મમ” અષ્ટાક્ષરનો નિત્ય જાપ કરવો. ક્રિયામાં ભાવનું અતિ મહત્વ છે. ભાવ વિનાની સર્વ ક્રિયા કાર્ય વ્યર્થ થઈ જાય છે. તેથી જ ત્રીજા શ્લોકમાં આ પ્રમાણે કહેવાય છે.

 

 

અત એવોકતમાચાર્યેઃ સ્વકીયકરુણાત્મભિઃ ।
બુધ્ધિપ્રેરકકૃષ્ણસ્ય પાદપદ્મં પ્રસ્તદતુ ।।૩।।

 

 

પોતાનાં જનો ઉપર કરુણા કરનાર શ્રી આચાર્યચરણોએ શ્રીમુખથી કહ્યું છે કે વેદમાતા ગાયત્રી, શ્રીમદ્ભાગવત્ તેમજ ગીતાજીનાં સકળ પ્રમાણ શાસ્ત્રનાં અર્થને અનુસરીને“બુધ્ધિપ્રેરક શ્રી કૃષ્ણનાં ચરણ કમળ મારા પર પ્રસન્ન થાઓ”

 

 

આ પ્રકારે શ્રી કૃષ્ણનાં ચરણકમળની પ્રસન્નતા જીવને મળતા જીવોની બુદ્ધિ સદાયે શુધ્ધ અને સુંદર રહે છે જેને કારણે જીવો મન, વચન અને કર્મથી પ્રભુનાં જ ચરણ અને શરણમાં મગ્ન રહે છે.

 

 

ઉપકારાડપિ ગાયત્રયા ધ્યાનહેતુસ્યં મતઃ ।
ગીતાયાં હરિણાપ્યુક્તમર્જુનં પ્રતિ મોદતઃ ।।૪।।

 

 

અર્થાત્ ગાયત્રી ધ્યાનમાં આવા પ્રકારનો ઉપકાર હેતુરૂપ માનવામાં આવ્યો છે. ગીતાજીમાં શ્રી કૃષ્ણે અર્જુનને આનંદથી આ પ્રમાણે કહ્યું કે

 

 

દદામિ બુધ્ધિ યોગંતં યેન મામુપયાંતિ તે ।
બુધ્ધિસ્થૈર્યે હૃદિ સ્થૈર્ય હરેરિતિ ન સંશયઃ ।।૫।।

 

 

અર્થાત્ હું તને બુધ્ધિયોગ આપું છું જેથી તુ મને પ્રાપ્ત કરી શકે જ્યારે બુધ્ધિની સ્થિરતા થાય ત્યારે જ પ્રભુમાં સ્થિરતા થાય એ બાબતમાં સંશય નથી.

 

 

તન્નાશ એવ ગીતાયાં સર્વનાશો નિરુપતિઃ ।
અતો બુધ્ધિઃ સુસંરક્ષ્યા ભાવભાવનકારણમ્ ।।૬।।

 

 

અર્થાત્ ગીતાજીમાં એમ પણ કહેવાયું છે કે જો બુધ્ધિનો નાશ થાય તો સર્વસ્વનો નાશ થાય છે. બુધ્ધિ જ સર્વભાવોની ઉત્પત્તિનું કારણ છે, તેથી બુધ્ધિનું રક્ષણ સારી રીતે કરવું જોઈએ. આજ શ્લોકનાં અનુસંધાને બુધ્ધિનાશથી થતાં પરિણામને પ્રમાણિત કરાતાં શ્રી ભગવાન ગીતાનાં બીજા અધ્યાયનાં ૬૨ અને ૬૩માં શ્લોકમાં કહે છે કે,

 

 

ધ્યાયતો વિષયાન્પુંસઃ સંગસ્તેષૂપજાયતે ।
સંગાત્સંજાયતે કામઃ કામાત્ક્રોધોડભિજાયતે ।।૬૨।।

 

 

ક્રોધાદ્ભવતિ સંમોહઃ સમોહાત્મસ્તુતિ વિભ્રમઃ ।
સ્મૃતિભંશાદબુધ્ધિનાશો બુધ્ધિનાશાત્ પ્રણશ્યતિ ।।૬૩।।

 

 

અર્થાત્ વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યમાં આસક્તિ ઉત્પન્ન થાય છે, આવી આસક્તિથી કામના અને કામનાથી મોહ  ઉત્પન્ન થાય છે. છેવટે મોહથી ક્રોધ ઉત્પન્ન થાય છે, જેને કારણે સ્મરણશક્તિનો વિભ્રમ ઊભો થાય છે. સ્મરણશક્તિનો વિભ્રમ ઊભો થતાં બુધ્ધિ નષ્ટ થઈ જાય છે જેને કારણે સારઅસારનો ભેદ ભૂલી જવાય છે. જ્યારે સારાસારનો ભેદ પણ મનુષ્યનાં જીવનમાંથી જતો રહે ત્યારે મનુષ્યનું અધઃપતન થવાનું ચાલું થઈ જાય છે.

 

 

આમ જોતાં સદ્બુધ્ધિ જ ભગવદ્ભાવ જ પ્રાપ્તિ માટે કારણરૂપ હોય છે. જે શ્રી પ્રભુ પ્રાપ્તિનું સાધન બને છે. સદ્બુધ્ધિનું સર્વપ્રકારે રક્ષા કરી સદ્વિચારોથી સદ્કાર્યોથી બુધ્ધિને પ્રભુ પ્રાપ્તિ માટે સદા જાગૃત રાખવી.

 

 

પ્રસાદભક્ષણૈનીત્યં સેવાનાકરણૈરપિ ।
સત્સંગેન સદા કૃષ્ણકથા શ્રવણકીર્તનૈઃ ।।૭।।

 

 

અર્થાત્ મહાપ્રસાદનાં ભક્ષણથી, નિત્ય શ્રી પ્રભુની સેવાથી, ગુરૂચરણનાં સ્મરણથી,વૈષ્ણવજનોનાં સત્સંગથી, પ્રભુનાં ગુણગાન સમા ધોળ, કીર્તન ગાવાથી બુધ્ધિનું રક્ષણ થાય છે અને બુધ્ધિને ભ્રમિત કરનારા તત્વોથી દૂર રહી શકાય છે. ભક્તકવિ શ્રી સૂરદાસજી કહે છે કે,

 

 

“મહાપ્રસાદ ઔર જલ જમુના કો તનક તનક લિજે”

 

 

સમજણપૂર્વક, પ્રેમપૂર્વક ઇન્દ્રિયોને પ્રભુનાં માર્ગેવાળી દઇ, ભગવદ્ધર્મનાં પાલન માટે સદ્બુધ્ધિની દ્રઢતાની અતિ જરૂર છે. જે પુષ્ટિ જીવો દુનિયામાં રહેવા છતાં દુનિયાનાં લૌકિક વાતવિચારોને પોતાનાં મનમાંથી ખેંચી લઈને પ્રભુમાં જોડે તેમની બુધ્ધિ સ્થિર છે તેમ માની શકાય. અત્રે બુધ્ધિને સ્થિર રાખવા, બુધ્ધિને અલૌકિકમાં જોડવા માટેનાં ત્રણ મુખ્ય કાર્યરૂપ સાધનો શ્રી હરિરાયજી ચરણે બતાવેલાં છે. સત્સંગ,ભગવદ્સ્મરણ, અને ભગવદ્સેવાનાં વિચારો સાથે શિક્ષાપત્ર ૨૯ મુ સમાપ્ત કરાય છે. વિષયનાં સાતત્યને સમજવા માટે શિક્ષાપત્ર ગ્રંથનું ચિંતન અતિ આવશ્યક છે.

 

શેષ શ્રીજી કૃપા.

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.
 
[email protected]
[email protected]
 
સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

email: [email protected]
 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.
 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૩૦) ચૈત્ર માસ સંવત્સર … (પદ) …
કવિ- શ્રી પરમાનંદદાસજી
રાગ-સારંગ

 

kunj

 

ચૈત્ર માસ સંવત્સર પરિવા, વરસ પ્રવેશ ભયો હૈ આજ ।
કુંજમહલ બૈઠે પિય પ્યારી, લાલન પહરે નૌતન સાજ ।।૧।।

 

આપુ હી કુસુમહાર ગુહિ લીને, ક્રીડા કરત લાલ મન ભાવત ।
બીરી દેત દાસ ‘પરમાનંદદાસ’ હરખિ નિરખિ જસ ગાવત ।।૨।।

 

આ પદમાં શ્રી પરમાનંદદાસજી કહે છે કે આજે ચૈત્ર માસના પડવાના દિવસે નવયુગ સવંત્સરનો પ્રારંભ થયો છે. આજે યુગલસ્વરૂપે અવનવાં વસ્ત્રો ધારણ કર્યા છે અને પુષ્પના કુંજમહલમાં તેઓ બિરાજેલા છે. તેઓ પોતાના શ્રી હસ્તથી પુષ્પમાળાઓ ગૂંથી રહ્યાં છે. આમ તેઓ પોતાની મનભાવતી મનોમય અને રસમય ક્રીડાઓ કરી રહ્યાં છે. યુગલ સ્વરૂપની આ લીલા જોઈ રહેલા શ્રી પરમાનંદદાસજી પોતાના આધિદૈવિક સખી સ્વરૂપે શ્રી યુગલસ્વરૂપને પાનની બીરી આરોગાવી રહ્યાં છે. પોતાનાં આરાધ્ય યુગલ સ્વરૂપને પોતાનાં હસ્તે બીરી અંગીકાર કરતાં જોઈ પરમાનંદદાસજી ખૂબ હર્ષિત થાય છે તેથી તેઓ પોતાનાં પ્રભુનાં યશોગાન અને ગુણગાન ગાઇ રહ્યાં છે.

 

 

પુષ્ટિસાહિત્ય કીર્તનને આધારે…

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]
 
  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …