શિક્ષાપત્ર મું ૨૭ … અને (૨૮) સૂરદાસ નૈન ન મેરે હાથ અર્હે … (પદ) …

|| શિક્ષાપત્ર મું ૨૭ || …

 

 

mahaprabhuji.1

 

 

૨૭ મું શિક્ષાપત્ર સમજીએ તે પૂર્વે ૨૬ માં શિક્ષાપત્રનો સાર જોઈ લઈએ. પુષ્ટિ જીવોનાં મુખ્ય ચાર કર્તવ્યો જાણી લેવા જરૂરી છે. પ્રથમ તો દુઃસંગથી દૂર રહેવું જોઈએ, બીજું લૌકિક સંબંધીઓથી ભગવદ્ભાવ ગુપ્ત રાખવો, ત્રીજું ભક્તોના વચન અને સત્સંગથી આપણાં ભગવદ્ભાવની સતત વૃધ્ધિ કરવી અને ચોથું લૌકિક વૈદિક પ્રવૃતિઓમાં ચિત્ત ઓછું રાખવું.

 

એજ પ્રમાણે શ્રી પ્રભુનાં પણ ભક્ત પ્રત્યેના મુખ્ય બે કાર્યો છે. પોતાના ભક્તોને ભક્તિથી પોષાતા એવાં સેવા સ્મરણમાં સતત પ્રવૃત રાખવા અને ભક્તિમાં અવરોધક લૌકિક વૈદિક સાધનોથી દૂર દૂર રાખવા. પુષ્ટિ વૈષ્ણવ જીવે શ્રી ઠાકુરજીની જેમ શ્રી મહાપ્રભુજીનાં ચરણ કમળનું રાતદિવસ ધ્યાન કરવું, અને આજ વિચારને નિરૂપિત કરાતું શિક્ષાપત્ર સત્યાવીશનો પ્રથમ શ્લોક

 

નિજાચાર્યપદાંભોજ યુગલાશ્રયણં સદા ।
વિધેયં તેન નિખિલં ફલં ભાવિ વિના શ્રમમ્ ।।૧।।

 

જો શ્રી મહાપ્રભુજીનાં ઉભય ચરણકમળનો સદા આશ્રય કરવામાં આવે, તો શ્રમ વિના અને સાધન વિના પ્રભુની કૃપાએ સર્વ ફળની સિધ્ધી થાય છે. પુષ્ટિમાર્ગીય ફળ પ્રાપ્તિમાં મુખ્ય ચાલીશ દોષો બાધક છે. જેનું વર્ણન બીજા શ્લોકથી અગિયારમાં શ્લોક સુધી આ ચાલીસ દોષોનું વર્ણન છે.

 

ધનં ગ્રહં ગૃહાસક્તિઃ પ્રતિષ્ઠા લોકવેદયોઃ ।
કર્માદિનિષ્ઠા સ્વર્ગાદિફલ કાંક્ષિણમ્ ।।૨।।

 

ધન, ઘર, ગૃહમાં આસક્તિ, પ્રતિષ્ઠા, લોક-વેદમાં, કર્મ નિષ્ઠા, સ્વર્ગ વગેરે ફળની ઈચ્છા આ વર્ણિત દોષો તથા ત્રીજા શ્લોકમાં અતિ પ્રેમ ભક્તિ વિરોધી વિષયોમાં આસક્તિ, વિષય ભોગની ઈચ્છાથી લાલસાથી કરાયેલું ભોજન વગેરે શ્રી પ્રભુને ભૂલાવનારા છે.

 

દેહાભિમાનઃ કુલજો નિદ્યાદિનિહિતોડપિચ
ભગવદ્સેવનાંભાવસહિતં, દેહપોષણંમ્ ।।૪।।

 

અસત્સંગૈઃ સદા દુષ્ટઃ કૃષ્ણાનુચ્છિષ્ટભક્ષણમ્ ।
નિવેદનાનુ સંધાનત્યાગઃ શરણવિસ્મૃતિઃ ।।૫।।

 

ઉપરોક્ત શ્લોકોનાં શબ્દાર્થ જ પૂર્ણ સમજાય એવા છે. જેમકે અભિમાન, દેહાભિમાન, કુલાભિમાન, વિદ્યાપ્રાપ્તિનુ અભિમાન, ભગવદ્સેવાનાં ભાવ વગરથી પોષાયેલું શરીર વગેરે ભગવદ્ સેવામાં અવરોધક છે, તેમજ અસત્પુરુષનો સહેવાસ, પ્રભુને ગ્રહણ કરાવ્યાં વગરનું ભોજન આરોગવું, નિવેદન મંત્રનાં અનુસંધાનનો ત્યાગ, પોતાના પ્રભુ અને ગુરૂ પ્રત્યે શરણારગતિનિ વિસ્મૃતિ, દોષોથી ભગવદ્ પ્રાપ્તિ માટે અવરોધ રૂપ છે. જ્યારે જીવનાં વધારે દોષો છઠ્ઠા, સાતમા અને આત્મા શ્લોકમાં આ પ્રમાણે નિરૂપિત કરાયા છે. જેવા કે સકામ ફળની પ્રાપ્તિનાં લોભ લાલચથી અન્ય દેવોનો આશ્રય અને તેમની પૂજા, પ્રાર્થના કરવી, મનને ભ્રમિત કરાતી લૌકિક વેપાર વૃતિ તથા ગુરૂનો દ્રોહ ભગવદીયો કરતાં પોતાની જાતને વધુ મહાન સમજવી, પોતે વધુ જ્ઞાની અને ઉચ્ચવર્ગ અથવા ઉચ્ચકુલનો છે તેવું ગુમાન રાખવું, સર્વ શક્તિમાન હોવાનો ભાવ રાખવો, ઇન્દ્રિયોનું વધુ પડતું પોષણ કરવું, સ્ત્રી, પુત્ર….વગેરે સંસારનાં સંબંધો માટે મનમાં લગાવ ઊભો કરવો, જ્યાં પોતાનો સ્વધર્મ ન હોય તેવી જગ્યાઓમાં વધુ રહેવું, અને ત્યાં રહેતાં લોકોનાં હસ્તે ખાનપાન કરવું વગેરે દોષો ભગવદ્ પ્રાપ્તિ માટે બાધક અને અવરોધક બને છે.

નવમા, દસમા અને અગિયારમાં શ્લોકથી કહેવામાં આવ્યું છે કે

 

હર્ષશોકૌ લોકલા ભસ્તદ ભાવકૃતૌ તથા ।
સ્વાતંત્ર્યભાવનં સ્વસ્ય જીવસ્વાભાવિકો હઠઃ ।।૯।।

 

અધિકારઃ પાપરતિઃ પક્ષપાતો દુરાત્મનામ્ ।
હૃદયક્રૂરતા દીનજનોપેક્ષાડક્ષમા પુનઃ ।।૧૦।।

 

એતે ચાડન્યે ચ બોધ્વા દોષા વિસ્મારકા હરેઃ ।
સાવધાનીભૂય દાસેઃ કૃષ્ણસ્ય સ્થેય માહરાત્ ।।૧૧।।

 

અર્થાત્ લૌકિકમાં લાભહાનિથી આનંદ કે આઘાતની લાગણી અનુભવવી, હર્ષ કે શોક કરવો, પોતાનાંમાં રહેલી સ્વાતંત્ર્ય અને સ્વહકની ભાવનાને પોષણ આપવું, અધિકારપણું જમાવવું, બીજી વ્યક્તિઓને તુચ્છ માનવાં, પાપ કરવામાં અને દુષ્ટ લોકો સાથે જ પ્રીતિ રાખવી, હૃદયમાં ક્રૂરતાની ભાવનાને પોષવી, નબળા લોકો સાથે ઉપેક્ષાભર્યું વર્તન રાખવું, વેરઝેર રાખવા…….આમ આવા અનેક દોષોનો આશ્રય વૈષ્ણવોને શ્રી હરિથી દૂર લઈ જાય છે, માટે કૃષ્ણનાં દાસોએ અને સેવકોએ સદાયે સાવધાન રહેવું જોઈએ.

 

“સાવધાની ભૂય દાસૈઃ કૃષ્ણસ્ય સ્થેયમાદરાત્”।

 

પુષ્ટિમાર્ગમાં બાધક ઉપરોક્ત ચાલીસ દોષોને વિચારાયા છે. આમાંના ઘણા દોષોનું મૂળ કારણ ધન, લોભ, મોહ, મદ ઈર્ષા વગેરે પોતાની પાસે રહેલી શક્તિ છે. આપણે સૌ વૈષ્ણવો શ્રીજી અને શ્રીજીનાં અંશમાંથી ઉત્પન્ન થયેલા પુષ્ટિજીવો છીએ, તેથી આપણે પુષ્ટિજીવોએ આપણાં ગુરૂ શ્રી વલ્લભ અને શ્રી વલ્લભકુલ બાલકો અને શ્રીજી એ બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ અને કૃષ્ણ સેવામાં મગ્ન રહેવું જોઈએ.

 

પુષ્ટિમાર્ગમાં સાધક એવા ગુણનો હવે પછીનાં શ્લોકમાં ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણનાં અને મહાપ્રભુજી શ્રી વલ્લભનાં ચરણાર્વિંન્દને જ સર્વસ્વ માનીને પુષ્ટિજીવોએ તેમનાં ચરણાર્વિંન્દમાં જ અત્યંત આદર રાખવો જરૂરી છે.

 

ભગવન્નમાર્ગમાત્રસ્થૈસ્તન્માર્ગ ફલાંકાંક્ષિભિઃ ।
વિરક્તૈરન્યતઃ કૃષ્ણગુણાસકતાંતરાત્મભિઃ ।।૧૨।।

 

અર્થાત્ જે વૈષ્ણવો ભક્તિમાર્ગમાં જ સ્થિતિ કરી રહેલા છે. આ ભક્તિમાર્ગનાં ફળની ઈચ્છાવાળા છે, અન્યથી વિરક્તિ છે, અને તેમના અંતરાત્મા શ્રી કૃષ્ણનાં ગુણમાં જ આસક્ત છે. આમ આ શ્લોકોથી શ્રી હરિરાયચરણ ઉપરોક્ત જણાવેલ દોષોથી દૂર રહેવા ભગવદ્માર્ગમાં આસક્ત રહેવા જણાવે છે. તથા

 

સ્વાચાર્યશરણં યાતૈસ્તદ્ વિશ્વાસસમન્વિતૈઃ ।
પરિત્યકતાખિલૈઃ સ્થેયં સદા તદ્રુર્શનોત્સુકૈઃ ।।૧૩।।

 

અર્થાત્, શ્રી મહાપ્રભુજીને શરણાંગત, તેમનામાં વિશ્વાસયુક્ત સદા હોય સર્વનો પરિત્યાગ કરનારા અને સદા શ્રી કૃષ્ણનાં દર્શનમાં ઉત્સાહવાળા વૈષ્ણવને એવા ભગવદ્માર્ગમાં સ્થિતિ કરવી.

 

પુષ્ટિજીવે લૌકિકમાં રહેવા છતાં લૌકિકનો રંગ ન લાગે તે રીતે વિરક્તિ કેળવવી, અને લૌકિક સંબંધો, વિષયોની વચ્ચે પણ જલકમલવત્ રહેવું. વળી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો પાસે તો પ્રભુને પામવાનો ઇચ્છનીય ગુણ છે તે ગુણને જ પુષ્ટિ સેવકોએ વળગી રહેવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણમાં આસક્તિ દ્વારા સર્વાત્માભાવની મક્કમતા અને દ્રઢતા એ ચોથો ગુણ છે. પ્રભુ સિવાય બીજો કોઈ વિચાર, બીજું કોઈ કર્તવ્ય જ નથી. સેવા સ્મરણ દ્વારા હૃદયમાં સર્વાત્માભાવ પ્રકટાવવાની આવશ્યકતા છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે કે ફક્ત પ્રકટાવવાની જ નહીં પરંતુ તે સર્વાત્માભાવ દ્રઢ કરવો જોઈએ, અને દ્રઢ હોવો જોઈએ.

 

પાંચમો ગુણ તે સત્સંગ છે. ભગવદીયોનાં સંગમાં રહેવું અને ભગવદીયોનાં મુખેથી ભગવદ્કથાનું શ્રવણ પાન કરવું અને શ્રવણ કર્યા બાદ સતત સ્મરણ કરવું તેનું નામ જ સત્સંગ છે. છઠ્ઠો ગુણ તે ભગવાન શ્રી શ્રીજી અને શ્રી મહાપ્રભુજીનાં ચરણાર્વિન્દમાં દ્રઢ આશ્રય કરવો. સાતમો ગુણ તે પુષ્ટિમાર્ગીય જીવથી વિરુધ્ધ જે કંઇ લૌકિક વૈદિક, વિષય વિચાર હોય અને જે આપણને શ્રી પ્રભુથી વિમુખ કરતાં હોય તેવા તત્વોથી અલગ રહેવું. પ્રભુનો નવમો ગુણ તે શ્રીજી ચરણની અને ગુરૂ ચરણનાં દર્શનની સતત અભિલાષા અને એ અભિલાષાનો દીવો સતત પ્રજાળીને રાખવો તે પુષ્ટિજીવોનું કર્તવ્ય છે. પ્રભુ અને ગુરૂના દર્શન પહેલા વિરહ ભાવનાને કેળવવી અને દર્શન કરતી વખતે ઉત્સાહભાવ રાખવો. આમ હરિરાયજીચરણે કહ્યું છે કે પુષ્ટિજીવોએ નવ પ્રકારનાં ગુણ હૃદયમાં સ્થિત કર્યા હોય ત્યારે જ પુષ્ટિજીવ સર્વ દોષોથી મુક્ત રહી શકે છે. પરંતુ આ સર્વ દોષોથી જીવ ત્યારે જ મુક્ત થાય જ્યારે પ્રભુની કૃપા ઉતરે છે. જો પુષ્ટિસેવકોએ પ્રભુની કૃપા પોતાના પર ઇચ્છતા હોય તો તેમણે ભગવદીયનો સંગ કરવો જોઈએ.

 

હવે સેવામાં જે વિઘ્નરૂપ બને છે અને આપણને જે પ્રભુથી વિમુખ રાખે છે તેવા મુખ્ય ત્રણ પ્રતિબંધનું વર્ણન ત્રણ શ્લોકથી નિરૂપિત કરવામાં આવ્યું છે. જેમાં પહેલો પ્રતિબંધ ઉદ્વેગ બતાવે છે.

 

ઉદ્વૈગઃ પ્રતિબાંધો વા ભોગશ્વાડપિ પ્રજાયતે ।
પ્રતિબંધ સવનં તૈઃ પ્રત્યાશા કા ફલસ્ય હિ ।।૧૭।।

 

ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ ઉતપન્ન થાય છે તે સેવામાં બાધક બને છે. કારણ કે આ તત્વો મનમાં ચિંતા ઉત્પન્ન કરાવે છે જેનાં કારણે મન સેવામાંથી નીકળી ભટકવા લાગે છે, અને જ્યારે મન જ ભટકવામાં હોય ત્યારે સારી સેવા શી રીતે થવાની? આથી આપણને સેવાનું ફળ અર્થાત્ આપણાં શ્રી પ્રભુની સેવાનો આનંદ મળતો નથી.

 

તથાપિ શ્રીમદાચાર્ય ચરણાશ્રયમણાન્મ્મ ।
નિર્વતતે નિરાશં સન્ન મનઃ ફલલબ્ધિતઃ ।।૧૮।।

 

આમ છતાં પણ શ્રીમદાચાર્યનાં આશ્રયને લીધે મારી નિરાશા નિવૃત થાય છે અને મને પુષ્ટિમાર્ગીય ફળ પ્રાપ્ત થશે તેવા ભાવથી મનમાં વિશ્વાસ આવે છે.

 

આમ અત્રે શ્રી હરિરાયજીચરણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે આ શિક્ષાપત્રમાં વર્ણવાયેલા ચાલીસ દોષોથી અને ઉદ્વિગ, પ્રતિબંધ અને ભોગોથી પ્રયત્નપૂર્વક અને સમજણપૂર્વક નિવૃત થઈ, નવ ગુણોને ગ્રહણ કરી પ્રભુ અને ગુરૂસેવા અર્થે તત્પર થવું જોઈએ અને સદાયે તેમનાં ચરણનો અને શરણનો આશ્રય રાખવો જોઈએ. કારણ કે ગુરૂ અને પ્રભુની શરણાર્ગતિ અને તેમનાં શ્રધ્ધા, વિશ્વાસપૂર્વક આશ્રયને કારણે જ પુષ્ટિજીવોને સમસ્ત ફળની પ્રાપ્તિ થાય છે જેને કારણે તેમને પુષ્ટિમાર્ગીય ફલ અર્થાત શ્રી ઠાકુરજીની પ્રાપ્તિ સરળતાથી થાય છે. આમ અત્રે શિક્ષાપત્ર ૨૭ સમાપ્ત કરાય છે આ વિષયની સંપૂર્ણ જાણકારી માટે અવશ્ય શિક્ષાપત્ર ગ્રંથનું વાંચન શ્રધ્ધાપૂર્વક કરવું જરૂરી છે.

 

શેષ શ્રીજી કૃપા.

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.
 
[email protected]
[email protected]
 
સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]
 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.
 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૨૮) સૂરદાસ નૈન ન મેરે હાથ અર્હે … (પદ) …

 

kaano n surdas

 

નૈન ન મેરે હાથ અર્હે
દેખત દરસ સ્યામ સુન્દરકૌ, જલ કી ઢરનિ બહે.
વહ નીચે કૌં ધાવત આતુર, વૈસિહિ નૈન ભએ.
વહ તો જાઇ સમાત ઉદધિ મૈં, યે પ્રતિ અંગ રએ.
વહ અગાધ કહું વાર પાર નહિં, યેઉ સોભા નહિં પાર.
લોચન મિલે ત્રિવેના હ્યૈકૈ, સૂર સમુદ્ર અપાર.

 

ગોપીઓ કહે છે કે સુંદર શ્યામનાં દર્શન કરતાં જ અમારી આંખો અમારા વશમાં નથી રહેતી. સુંદર શ્યામનાં દર્શન થતાં જ પાણીની જેમ તે શ્યામસુંદર ઉપર ઢોળાઇ જાય છે. પાણી જેમ નીચેના ઢાળ તરફ વહે તેમ અમારી આંખો પણ કેવળ શ્યામસુંદરને જ જોવા લાગે છે. પાણી તો જઇને નદી સમુદ્રમાં સમાઇ જાય છે, પણ આ અમારી આંખો તો કૃષ્ણના પ્રત્યેક અંગની આરપાર મોહિત થઇ જાય છે. (અહીં આ વાક્યનો અર્થ લૌકિકમાં ન કરવો) સમુદ્ર અગાધ છે, એને આરો કે ઓવારો નથી, તેમ અમારા કૃષ્ણની પણ શોભાનો પાર નથી “સુરદાસજી” કહે છે કે ગોપીઓની આંખો ત્રિવેણીસંગમ થઇને અપાર સમુદ્રરૂપી કૃષ્ણમાં ભળી ગઇ છે.

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]
 
  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

હોળી પર્વની આપ સર્વેને ‘દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઑ.