હું મોટો તું છોટો એવો ખ્યાલ જગતનો ખોટો …(પ્રેરણાદાયી વાર્તાઓ …) …

પ્રેરણાદાયી વાર્તાઓ …

 

 

હું મોટો તું છોટો એવો ખ્યાલ જગતનો ખોટો …

 

અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામની એક વાત છે. જમીન દળના એક કેપ્ટન બાંધકામ નિહાળવા નીકળ્યા છે. બંધાતા નવા કિલ્લાની ટોચ પર એક મસમોટું તોતિંગ લાકડું ચડાવવાનું છે. સૈનિકોની એક ટુકડી આ કામે લાગી ગઈ છે. ઘણા પ્રયત્નો કર્યા પણ પેલું તોતિંગ લાકડું કેમેય કરીને ઉપર ચઢતું નથી. કેપ્ટનની ચિંતા વધી ગઈ પણ બંદો પોતે પોતાના સૈનિકોને સહાય કરવા પ્રયત્ન કરતો નથી. એવામાં એક સુસજ્જ પોશાકવાળા સદ્દગૃહસ્થ ઘોડા પર સવાર થઈને ત્યાંથી નીકળે છે. થોડી વાર સુધી તેઓ બધું જુએ છે, પછી કેપ્ટનને કહે છે : ‘અરે ભાઈ, તમે જો સહાયનો હાથ લંબાવશો તો આ લાકડું ઉપર ચડી જવાનું.’ આ સાંભળીને કેપ્ટનનું મન ઘવાયું. પેલા ઘોડેસ્વાર તરફ તિરસ્કારભરી નજરે જોયું અને પછી એને કહ્યું : ‘ભાઈ, હું આ ટુકડીનો સરદાર છું, એની તમને ભાન નથી લાગતી ?’ પેલા સદ્દગૃહસ્થ તો કેપ્ટન સાહેબની માફી માગે છે અને પછી પોતાના ઘોડા પરથી નીચે ઊતરે છે. પોતે પહેરેલ કોટ અને હેટ કાઢીને એક બાજુએ મૂકી દે છે. પહેરણની બાંયો ચડાવીને પેલા સૈનિકોને લાકડાનું મસમોટું તોતિંગ બિંબ ચડાવવા મદદ કરે છે. અને જુઓ તો ખરા ! એ સદ્દગૃહસ્થની સહાય અને સૈનિકોના પ્રયત્નોથી તોતિંગ બિંબ ચડાવવા મદદ કરે છે. અને જુઓ તો ખરા ! એ સદ્દગૃહસ્થ લાકડું ઉપર ચડાવીને પાચા આવે છે, પોતાનો કોટ પહેરીને હેટ હાથમાં લે છે. ઘોડેસવાર સવારી કરવા જાય છે ત્યાં કેપ્ટન આભારની લાગણી વ્યક્ત કરતાં કહે છે : ‘હે ભલાભાઈ ! અ સહાય માટે તમારો આભાર.’ માથે હેટ મૂકતાં મૂકતાં પેલા સજ્જન કેપ્ટન સાહેબને કહે છે : ‘કપ્તાન સાહેબ, એમાં આભાર માનવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને આવા કોઈ મોટા મહેનત મજૂરીના કામમાં મદદ લેવાની જરૂર પડે તો તમારા કમાન્ડર ઇન ચીફને સંદેશો મોક્લજો અને તેઓ તમને મદદ કરીને રાજી થશે. તમારા સર સેનાપતિની દ્રષ્ટિએ કોઈ કામ નાનુંયે નથી અને મોટુંયે નથી, પછી ભલેને એમાં ગમે તેટલી શારીરિક મહેનત કરવી પડે, તો પણ એ કામ કરવા તેઓ હંમેશાં તૈયાર રહે છે.’

 

પેલા લશ્કરની ટુકડીના કેપ્ટન આશ્ચર્ય ચકિત થી ગયા અને તેઓ સર સેનાપતિની માફી માગવા જતા હતા ત્યાં તો એમણે પોતાનો ઘોડો હાંકી મૂક્યો. આ હતા અમેરિકાના પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન.

 

આવી જ ઘટના ભારતના સુખ્યાત સમાજસુધારક અને કેળવણીકાર દેશભક્ત ઈશ્વરચંદ વિદ્યાસાગરના જીવનમાં પણ બની હતી. સૂર્ય હમણાં જ આથમ્યો છે. બંગાળના એક નાના સ્ટેશને ગાડી ઊભી છે. થોડા ઘણા યાત્રીઓ ગાડીમાંથી ઊતરીને બહાર નીકળવાના દરવાજે જાય છે. એક ભદ્રપુરુષ પોતાના ડબ્બાની બહાર ઊભા છે અને કૂલીની રાહ જુએ છે. પોતાની સાથે એક નાનો બિસ્તરો છે અને નાની સુટકેશ છે. આવા નાના સ્ટેશનોમાં કૂલી તો ક્યાંથી મળે ?

 

થોડીવાર એ ભદ્રપુરુષે અધીર બનીને આજુબાજુ નજર કરી એવામાં સાદો પોશાક પહેરીને એક ભાઈ એની નજરે ચડે છે. આ કોક ગામડાનો ગામડીઓ લાગે છે, ગામડીઓ ગણીને એને કહે છે : ‘ભાઈ, મારો આ સામાન ઊંચકી લેશો ? એને મારા નજીકના ગામડાના ઘર સુધી લઇ જવાનો છે.તમને એનું મહેનતાણું મળી રહેશે.’ સામાન સાથે પેલા સજ્જનને એમને ઠેકાણે પહોંચાડી દે છે. ત્યાં પહોંચતાં પહેલાં અંધારું છવાઈ જાય છે. ઘરે પહોંચીને પેલા ભદ્ર પુરુષ અંદર જાય છે. અને મજૂરને મજૂરી ચૂકવવા એના નાના ભાઈને બહાર મોકલે છે. હાથમાં દીવો લઈને એ બહાર આવીને જુએ છે તો ત્યાં કોઈ નથી ! અત્યાર સુધીમાં કોઈ મજૂર પોતાની મજૂરી લીધા વગર ચાલ્યો જાય એવું ક્યારેય જોયું સાંભળ્યું યે નથી. હવે, આ મજૂર બહુ દૂર તો નહિ નીકળી ગયો હોય એમ માનીને એ તો નીકળી પડ્યો એની પાછાળ પાછળ અને થોડે અંતરે મજૂરને પકડી પણ પાડ્યો, એને ખભે હાથ મૂક્યો. પણ એનો ચહેરો દીવાના પ્રકાશથી જોતાંવેંત અચંબામાં પડી ગયો. આંખો ચોળીને એ જુએ છે. અરે આ તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ! આપણા રાજ્યની ધારાસભાના સભ્ય અને મોટા સામાજિક પુરુષ ! એ તો આંખ ચોળતો ઊભો રહ્યો અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ત્યાંથી ચાલ્યા ગયા.

 

અમ વીતી તુજ વિતશે !

 

એક વૃદ્ધ સ્ત્રીના પતિનું અવસાન થયું છે અને એ વૃદ્ધ અને અશક્ત માતા એકલાં અટૂલાં થી ગયાં છે. પોતાનાં પુત્ર, પુત્રવધૂ સાથે એમને રહેવું પડે છે. એમને પૌત્રી પણ છે; વૃદ્ધ માતાની ઉંમર થઈ છે; આંખે ઝાંખપ આવતી જાય છે, કાનનું ય કાચું થવા માંડ્યું છે, માંડ માંડ સંભળાય છે. ભોજન કરતાં કરતાં હાથમાંથી કે ચમચીમાંથી દાળ ઢોળાય, શાક વેરાય અને ડાઈનિંગ ટેબલ પણ બગડે. પુત્રને વૃદ્ધ માતાની આ રીતભાત ગમતી નથી. પુત્રવધૂના અણગમાનો પાર નથી. બંને વૃદ્ધાને ટોકટોક કર્યા કરે, એમનો અણગમો વધતો જ રહે છે. એમાં એક દિવસ આંખની ઝાંખપને લીધે વૃદ્ધાને હાથે દૂધનો પ્યાલો ઢોળાઈ જાય છે. બસ, હવે તો હદ આવી ગઈ ! આ ડોસીએ તો થકવી દીધાં.

 

અણગમતા ડોસીમાને ઓરડાના એક ખૂણામાં નાનું એવું ટેબલ આપી દીધું, ત્યાં જ તેઓ એકલાં જમી લે. એકલાં બેસીને જમતાં જમતાં એમની આંખોમાંથી આંસુ વહેવા લાગતાં. બીજા બધાં એ જોતાં ખરાં પણ, એ તો ચાલ્યા કરે, એમ માનીને આ વ્યવસ્થામાં ગોઠવાઈ જતાં. અલબત્ત, ક્યારેક ક્યારેક ખાતાં ખાતાં એ વૃદ્ધ માતા સાથે થોડી ઘણી વાતચીત થતી રહેતી. બાકી તો સામાન્ય રીતે વાટકો નીચે પડી જાય કે ચમચી નીચે પડી જાય અને કંઈ ઢોળાય ઢફોળાય અને ઠપકા અને કડવાં વેણનું વાવાઝોડું ખાબકી પડે.

 

આમ વૃદ્ધ માતાનું ગાડું ધીમે ધીમે ચાલ્યું જાય છે. શું કરે બિચારી ? જેવી પ્રભુની ઈચ્છા. વૃદ્ધ માતાની પૌત્રી એક દિવસ જમીન પર બેસીને રમકડાંનાં મકાન ને રાચરચીલું બનાવતી હતી. પિતાએ પુત્રીને પૂછ્યું : ‘શું કરે છે, બેટા ?’ નાની બાળકીએ તરત હસતાં હસતાં જવાબ આપ્યો : ‘હું તમારા અને મારી મમ્મી માટે નાનું ટેબલ બનાવું છું. તમે બંનેય ક્યારેક વૃદ્ધ થવાનાંને ? અશક્તિયે આવે અને આંખે ઓછું ય દેખાય ! એટલે તમે બંને ઘરના એક ખૂણામાં રાખેલા આ ટેબલ પર બેસીને તમારું ભોજન નિરાંતે લઇ શકશો. આટલું તો મારે તમારા ભવિષ્યનું વિચારવું જોઈએ ?’

 

પોતાની નાની અને વ્હાલી બાળકીની આ વાત સાંભળીને માતાપિતા તો થી ગયાં મૂંગામંતર ! કાપો તો ય લોહી ન નીકળે એવું થયું એમને ! થોડીવાર તો બંને થંભી ગયા અને પછી બંનેની આંખો આંસુથી છલકાઈ ગઈ. એમની આંખો આ નાની બાળકીએ ઉઘાડી નાખી, એમને સાચી વાત સમજાણી. એમના પસ્તાવાનો પાર ન હતો. પણ થયું તે થયું. ચાલો, આજથી આપણે સુધારીએ, એમ માનીને એ જ રાત્રે તે બંને એ વૃદ્ધ માતા પાસે ગયાં, એમને પ્રેમથી પોતાના ભોજનખંડના મોટા ટેબલ પર દોરીને લઇ આવ્યાં, પ્રેમથી માને મોટી ખુરશી પર બેસાડ્યાં. ભોજન થાળી પીરસાઈ અને માએ પ્રેમથી કુટુંબ સાથે પોતાનું ભોજન લીધું. આજથી ક્યાંય રોકટોક થતી નથી, બધું શાંતિ-આનંદથી ચાલે છે. સૌ સાથે મળીને શાંતિ અને આનંદથી ભોજન લે છે.

 

(રા.જ.૧૧-૦૬(૧૪-૧૫)/૩૩૪-૩૫)

 

 

જો કામ પોતાને મનગમતું હોય તો તો મોટામાં મોટો મૂરખ પણ કાર્યને સિદ્ધ કરી શકે. પણ બુદ્ધિશાળી માણસ તો તે કહેવાય કે જે દરેક કામને પોતાને મનગમતું બનાવી શકે. કોઈ પણ કામ હલકું નથી. આ દુનિયામાં દરેક વસ્તુ વડના બી જેવી છે; એ બી શરૂઆતમાં રાઈના દાણા જેવું બહુ ઝીણું ભલે દેખાય, પણ તેની અંદર વિશાળ વટવૃક્ષ અદ્રશ્ય રીતે રહેલું છે. જે આ જોઈ શકે છે અને દરેક કામને મહાન બનાવવામાં સફળ છે, તે જ ખરો બુદ્ધિમાન છે.

 

– સ્વામી વિવેકાનંદ

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.