વ્રજનો હોળીત્સવ …

વ્રનો હોળીત્સ

 

 

holi photo

 

રસિયા ખેલે રસિયા સંગ, રંગ ગુલાલ ના ઉડાઓ નંદલાલ, આજ બિરજ મેં હોરી રે રસિયા, હોરી રે રસિયા બરજોરી રે રસિયા…..વગેરે રસભર્યા રસિયાઓથી હોરી ધૂળેટીનો ઉત્તમોત્તમ રસ વ્રજભૂમિમાંથી વહે છે ત્યારે વ્રજમાં રહેલ પ્રત્યેક સ્ત્રી રાધિકા અને પ્રત્યેક પુરુષ કૃષ્ણ બનીને નાચી ઊઠે છે. વ્રજભૂમિ….કૃષ્ણની વ્રજભૂમિમાં હોળી ઉત્સવ દરમ્યાન વ્રજવાસીઓને રંગ, મેવા મીઠાઇ અને ભાંગની મસ્તી ન હોય તો તેમની હોળીત્સવ એ સાકર વગરની મીઠાઇ જેવો ફિક્કો પડી જાય છે. આથી હોળી દરમ્યાન પ્રભુ વ્રજનીશ સંગે સમસ્ત વ્રજ, અને વ્રજવાસીઑ હોળીની ગરમ ઉષ્મામાં સુષ્મા બનીને વાતાવરણમાં ચૌતરફ ફેલાય જાય છે.

 

ભગવાન શ્રી કૃષ્ણએ હોલિત્સવના અધિદેવતા હોવાથી વ્રજભૂમિમાં આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના આનંદ ઉમંગનાં ઉત્સવની ભાવના રૂપે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે વ્રજમાં વસંતપંચમીથી હોળીની તૈયારીઑ શરૂ થઈ જાય છે. કારણ કે ઋતુઓનું ગર્ભાધાન ચાલીસ દિવસ પહેલા મનાય છે જે પૂરેપૂરા ચાલીસ દિવસ સુધી ચાલે છે.  હોળીના આ ચાલીસ  દિવસમાંથી દસ દસ દિવસનાં ચાર યુથાધિપતિ સાત્ત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ ભાવવાળા ગોપીજનો હોય છે અને તેમની સેવાનો ક્રમ દસ દિવસનો હોય છે. આ વ્રજભકતોને માટે વસંતપંચમીથી હોળી આવે ત્યાં સુધી વ્રજમાં પલાશના રંગો દિવસે દિવસે ઘાટા થતાં થતાં પૂરેપૂરા કેસરિયા થઈ જાય છે ત્યારે તેમાં સમસ્ત વ્રજભકતો અને કૃષ્ણભક્તો રંગાઈ જાય છે.

 

વ્રજભૂમિ અને રાજસ્થાનનાં શ્રીનાથ દ્વારાની હોળીમાં સમાનતા એ છે કે આ બંને હોળીમાં વ્રજની જ ભાવના છુપાયેલી છે કારણ કે રાજસ્થાનની ધરતી પર બિરાજી રહેલા શ્રીજીબાવા વ્રજમાંથી પધારેલા છે. તેથી હોળીના દિવસોમાં વ્રજની જ પરંપરાને ચાલું રાખતા ફાગ, ફગુઆ ખેલે છે અને રસિયા, ધમાર, ડફરીનાં નાદ સાથે શ્રીનાથ દ્વારા ખોવાઈ જાય છે. આ ઉત્સવ દરમ્યાન કૃષ્ણમંદિરો અને હવેલીઓમાં દોલોત્સવ પણ ઉજવાય છે. દોલ એટ્લે કે દોરડું. પરંતુ સમયાંતારે દોલ શબ્દનું અપભ્રંશ થઈ ડોલ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. માતા યશોદાએ સૌ પ્રથમ દોલત્સવની શરૂઆત કરી હતી તેવો વ્રજઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. આ ઉત્સવ વર્ષમાં ગમે તે ઋતુમાં ઉજવાય છે. પરંતુ હોરી દરમ્યાન રંગ ઉડાડવામાં આવે છે અને બાકીનાં દિવસોમાં વિવિધ ફૂલોની પાંદડીઓ ઉડાડવામાં આવે છે. એક કથા અનુસાર ઘેરૈયા બનીને નંદલાલ કૃષ્ણએ રાધિકાજી અને તેમની સખીઓને ઘેરવાનું નક્કી કર્યું પરંતુ તેમની સખીઓ ભૂલથી શ્રીદામાને પકડીને લઈ ગઈ ત્યારે રાધિકાજીએ શ્રીદામાને નારીનો વેશ ધારણ કરવવાની આજ્ઞા આપી ત્યારે શ્રીદામાએ કહ્યું કે આપને તો કૃષ્ણ જોઈએ છે તો મને શા માટે નારીવસ્ત્ર ધારણ કરાવો છો ? આપને હું કૃષ્ણ લાવી આપું અને બદલામાં આપે મને છોડી મૂકવો. આથી રાધિકાજીએ હા કહી. શ્રીદામાએ જુઠ બોલીને નંદલાલાને રાધિકાજીને પકડાવી દીધાં. પરંતુ નંદલાલા તો નંદલાલા છે એમ સરળતાથી કેમ હાથ આવે ?  આથી નંદલાલાને ચારેબાજુથી ઘેરવા માટે ગોપીઓએ ચારેબાજુથી ઘેરો નાખ્યો ત્યારથી ઘેરૈયાની પ્રથા વ્રજમાં અસ્તિત્વમાં આવી. જ્યારે શ્રીજીબાવા રાજસ્થાન પધાર્યા ત્યારે આ ઘેરૈયાની પ્રથા પણ રાજસ્થાનમાં આવી વસી. આજે પણ રાજસ્થાનમાં અને વ્રજમાં હોળીનાં દિવસો દરમ્યાન ગલી ગલીમાં ઘેરૈયાની ટોળીઓ ગુલાલ, અબીર,(અબીલ) ચૂવા, ચંદન હળદર વગેરે લઈને ફરે છે અને માર્ગમાં આવનાર તમામને રંગતા જાય છે. એમાંયે સ્ત્રી ઘેરૈયાનાં હાથમાં જો પુરુષો પકડાઈ જાય તો તેમને નારીના પરિવેશ અને શૃંગાર ધારણ કરાવાય છે અને ત્યાર બાદ નૃત્ય કરવાની ફરજ પાડવામાં આવે છે.  વ્રજમાં આ ઉત્સવમાં ખાસ કરીને ઘેરૈયા તરીકે દેવર ભાભીનાં મજાક મસ્તીવાળા પવિત્ર સંબંધને વધુ મહત્વ અપાય છે.  ભાભી લાઠીનો માર મારે અને દેવર વાંસની ટોપલીથી અથવા ચામડાની ઢાલથી પોતાનો બચાવ કરે. વ્રજની આ પરંપરાને લઠ્ઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે.  હોળી પછીનો બીજો દિવસ તે વ્રજમાં અને રાજસ્થાનમાં વાસી હોળી અથવા પડવા તરીકે ઉજવાય છે. આ દિવસથી શ્રીજીબાવાની સેવામાં અત્તર, ગુલાબ જળ, મલ્લિકા જળ, કેવડા જળ વગેરે ઉપયોગમાં લાવીને પ્રભુ પાસે ઠંડક કરાય છે અથવા તેના ફુવારા ઉડાડાય છે. વસંતપંચમીથી વાસી હોળીનાં દિવસ સુધી ફાગ, દોહા, ધોળ, ગરબા, પદ ધૃપદ, રસિયા, ધમાર વગેરે ગવાય છે ત્યારે ઝાંઝ, પખવાજ, ડફરી, મૃદંગ જેવા વાજિંત્રો વાગે છે, સાથે સાથે લોકગીતો, કુસ્તીના દંગલ, નૃત્ય નાટિકા, રસીલી ઢાઢીલીલા વગેરે કાર્યક્રમો યોજાય છે જેમાં હોળીના પાવનપર્વને માનનાર પ્રત્યેક મન ઉત્સાહથી છલકાઈ જાય છે. હોળીના રંગોત્સવ દરમ્યાન વ્રજમાં ધૂળેટી પછી ૪ દિવસ તાનો નામના લોકગીતોનો ગાયન શૈલીનો કાર્યક્રમ વ્રજમાં થાય છે. આ દરમિયાન ઠેરઠેર ચરકુલા નૃત્ય, હળ નૃત્ય, હુક્કા નૃત્ય, વાંસ નૃત્ય, તખ્ત નૃત્ય, ચાંચર નૃત્ય અને ઝૂલા નૃત્ય વગેરે યોજાય છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિમાર્ગમાં આ તમામ લોકગીતો રૂપી ધમાર રસિયા ધોળ, પદ વગેરે લોકસંગીત અને લોકગીતો ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓના ભાવથી ગવાય છે જેને કારણે કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો તમામ ભાવ અલૌકિક બની જાય છે.

 

હોળી દરમ્યાન વ્રજમાં બીજું મહત્વ રાધાજી અને કૃષ્ણકનૈયાની જીતનું પણ રહેલું છે. એક માન્યતા એવી છે કે પ્રતિવર્ષ નંદગામ-ગોકુલથી કાન્હાની ટોળકી બરસાના આવે અને રાધારાણી તેમજ અન્ય સખીઓ પર પોતાનું આધિપત્ય જમાવવા કોશિષ કરે ત્યારે જો આ આધિપત્યની દોડમાં બરસાનાની સખીઑ જીતી જાય તો આખું વર્ષ કાન્હાજી અને તેમનાં સખાઓ રાધાજી અને તેમની સખીઓનાં દાસ બને અને એ વર્ષ લાડલીજીનું કહેવાય અને જો નંદગામ-ગોકુલથી આવેલ કાન્હાજી જીતી જાય તો રાધાજી અને તેમની સખીઑ આખું વર્ષ તેમનાં કહ્યામાં રહે અને એ વર્ષ કૃષ્ણ કનૈયાનું કહેવાય. બીજે વર્ષે હોળી દરમ્યાન ફરી નવો જંગ અને નવો દાવ ખેલાય છે. રાધા-કૃષ્ણની આ પરંપરા આજે પણ જીવિત છે તેથી આજે પણ વ્રજનાં નંદગામ-ગોકુલથી ગોપો રૂપી પુરુષોની ટોળી શ્રી રાધાજીનાં મંદિર પર આધિપત્ય જમાવવા માટે બરસાનામાં આવે છે ત્યારે બરસાનાની ગોપીઓ રૂપી સ્ત્રીઓ પુરુષો પર લાઠીમાર કરી તેમનું બરસાનામાં સામ્રાજ્ય થતું અટકાવે છે.

 

અર્વાચીન યુગમાં આ દિવસે ભગવાન કૃષ્ણને માનતા સમસ્ત મંદિરો અને હવેલીઓમાં પ્રભુ સમક્ષ વિવિધ ભોગ ધરવામાં આવે છે. પ્રભુને મંગલ સ્નાન બાદ પાઘ, મોરપીંછની ચંદ્રિકા, મલ્લિકા કુંડલ અને વિવિધ ફૂલોની વનમાલાઓ ધારણ કરાવવામાં આવે છે આ દિવસે સોના, ચાંદી અને મોતીનાં શૃંગાર ઓછા અથવા લગભગ નહિવત્  ધારણ કરાવવામાં આવે છે, તેનું એક કારણ એ છે કે પ્રભુ આ દિવસે ગોપબાલો સાથે ખેલવા જાય ત્યારે તેઓ સોના, ચાંદીનાં શૃંગાર ખોઈને આવે છે અને બીજું કારણ એ છે કે હોળીનાં દિવસે પ્રકૃતિ રંગબેરંગી થઈ ખીલી ઊઠે છે તેથી પ્રકૃતિનાં પુષ્પોને ધારણ કરી પ્રભુ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. વસંતપંચમીથી હોળીનાં દિવસ સુધી ભગવાન કૃષ્ણનાં ચરણાંર્વિન્દને ઢાંકી દઈ તેમનાં દાસ્યભાવને ગુપ્ત રાખી દેવાય છે જેથી ભક્તોને પોતાના પ્રભુ સાથે સખ્યભાવની અનુભૂતિ થઇ શકે અને ચારેબાજુથી અબીલ, ગુલાલ,ચૂવા, ચંદન, કેસર-પલાશ ભીની પિચકારી ઉડાડીને પ્રભુ સાથે ભક્તો ગોપીભાવે તેમની સાથે ખેલી શકે અને તેમનાં રંગમાં રંગાઈ શકે.

 

 

રસિયા ……
રસિયા ખેલે રસિયા સંગ મારે હો રંગો કી ફુહાર…….
ના ના ના ડારો રે મોપે રંગો કી ફુહાર………મોરે રસિયા

કાહે ના ડારે રંગો કી ફુહાર…… મોરી રસિયા
દેખો રી આઇ હે બસંતબહાર……. ઓ રી રસિયા

હોરી હોરી હોરી ખેલો રે રંગ રસિયા…..
ઉડાઓ રે આજ રંગો કી બૌછાર મોરી રસિયા…

 

 

સાભાર : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email : [email protected]

 

 

નોંધ- વ્રજની લઠ્ઠમાર હોળીનાં પીકચર એ અમારા મિત્ર શ્રી રૂપેશ ચતુર્વેદીજીએ મોકલ્યાં છે, અને આ જ ફોટાઑ મે http://pushti-marg.net/holi-guj.htm માં પણ મૂક્યાં છે.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 
સૌ મિત્રો – પરિવારજનો ને હોળી – ધૂળેટી પર્વ ની શુભકામના સાથે શુભેચ્છાઓ !  

બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.   દાદીમા ની પોટલી’ પરિવાર ….