હોલિત્સવ-ધૂળેટીત્સવનું પ્રાગટ્ય …

હોલિત્સવધૂળેટીત્સવનું પ્રાગટ્ય …
 

 

 

 vraj holi

 

 

આયો ફાગણીયો …

 

 

 

ફાગણસુદ પૂનમને દિવસે હોલિકોત્સવ મનાવવામાં આવે છે. હોળીનાં રંગોને લઈને આવતો ફાલ્ગુન ફાગણિયો સંસારને નવજીવનનો સંદેશો આપે છે ત્યારે ભક્ત પ્રહલાદની કથા યાદ આવ્યાં વગર રહેતી નથી. કથા છે કે હિરણ્યકશિપુ જ્યારે તપ કરવા માટે વનમાં ગયો પોતાની પત્ની ક્યાધૂને કહેતો ગયો કે તે હવે બ્રહ્મદેવને પ્રસન્ન કરીને જ ઘરે આવશે. જ્યારે તે તપ કરવા એક વટવૃક્ષ નીચે બેઠો ત્યારે સરસ્વતી દેવી શુકનું રૂપ લઈ તે વટવૃક્ષની ડાળી પર બેસી નારાયણ, નારાયણ બોલવા લાગ્યાં. શુક દ્વારા નારાયણ શબ્દ સાંભળતાં જ હિરણ્યકશિપુ ચોંકીને આસપાસમાં જોઇ વિચારવા લાગ્યો કે મારા વિરોધીનાં નામનો ઉચ્ચાર અહીં કોણ કરે છે? તેણે વટવૃક્ષ પર નજર કરી તો શુક પક્ષી દેખાયું. શુકને જોતાં જ હિરણ્યકશિપુ સ્વગત કહેવા લાગ્યો કે આ શુકે નારાયણનું નામ લઈ મારા તપ કરવાનાં ઉદેશ્યમાં વિઘ્ન નાખ્યું છે, તેથી આજનો દિવસ મારે માટે તપ કરવાનો શ્રેષ્ઠ દિવસ નથી એમ માનીને અસુરરાજ મહેલમાં પાછો આવ્યો. પતિને આટલો ઝડપથી પાછો આવેલો જોઈ ક્યાધૂ પૂછવા લાગી કે હે સ્વામીન આપ આટલા ઝડપથી ગૃહે કેમ પધાર્યા? શું બ્રહ્મદેવ પ્રસન્ન થઈ ગયાં? હિરણ્યકશિપુ કહે છે કે અરે વનમાં એક કૌતુક થયું હું જ્યારે વટવૃક્ષ નીચે બેસી તપ આરંભ કરવા જતો હતો ત્યાં જ એક શુક વટવૃક્ષ ઉપરથી નારાયણનું નામ બોલ્યો, અને પ્રિયે તે વારંવાર નારાયણનું નામ લેતો જ રહ્યો તેથી મે માન્યું કે આજનો દિવસ તપને પ્રારંભ કરવા માટે શ્રેષ્ઠ નથી માટે હું ગૃહમાં પાછો આવ્યો. શાસ્ત્રો કહે છે કે ક્યાધૂ એક પરમચતુર નારી હતી તેણે વિચાર્યું કે આમ તો મારા સ્વામી ક્યારેય નારાયણનું નામ નહી લે માટે આજનો દિવસ જ શ્રેષ્ઠ છે તેમની પાસેથી નારાયણનું નામ લેવડાવવાનો, માટે તે પોતાના સ્વામીને પૂછે છે કે શું…? આપે શું કહ્યું? નારાયણનું નામ શુક લેતો હતો? ત્યારે હિરણ્યકશિપુ કહે હા …..એ શુક નારાયણનું નામ લેતો હતો. આથી ક્યાધૂએ કહ્યું સ્વામી એ કેવી રીતે હોય? શુક શા માટે નારાયણનું નામ લે? હિરણ્યકશિપુ કહે પ્રિયે હું સાચું કહું છું તે શુક નારાયણનું જ નામ બોલ્યો હતો. ક્યાધૂ કહે સ્વામી મને માન્યામાં નથી આવતું માટે આપ બોલીને બતાવો કે એ શુક કેવી રીતે બોલતો હતો? હિરણ્યકશિપુ કહે પ્રિયે જો તે શુક આ રીતે નારાયણ નામનો ઉચ્ચાર કરતો હતો એમ કહી શુક જેવો જ સ્વર કાઢીને બતાવ્યો. આમ ક્યાધૂએ પોતાની ચતુરાઈથી ૧૦૦૮ વખત વિવિધ રીતે હિરણ્યકશિપુ પાસે નારાયણનું નામ બોલાડાવ્યું. શાસ્ત્રો કહે છે કે જે વખતે હિરણ્યકશિપુ અને ક્યાધૂ બંને પતિપત્ની ભગવાન નારાયણનું નામ લેતાં હતાં તે જ વખતે પ્રહલાદજી માતાનાં ગર્ભમાં આવ્યાં. આ રીતે અસૂરરાજ હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ જેવો સંત પુત્ર થયો. પરંતુ જ્યારે દેવરાજ ઇન્દ્રને ખબર પડી કે ક્યાધૂ ગર્ભવતી છે ત્યારે તે વિચારવા લાગ્યો કે એક હિરણ્યકશિપુથી આટલો ભય છે ત્યાં આ અસૂરને બીજો અસૂરનો જન્મ થઈ જશે તો દેવતાઓનું અસ્તિત્વ જોખમાઈ જશે માટે ક્યાધૂનાં ગર્ભનો જ નાશ કરી દઉં પરંતુ આ કાર્ય હિરણ્યકશિપુનાં રાજયમાં શક્ય ન થઈ શકે માટે જ્યારે એક સમયે હિરણ્યકશિપુ પોતાનાં રાજયમાં હાજર ન હતો તે સમયે દેવરાજ ઈન્દ્રે ક્યાધૂનું અપહરણ કર્યું. અપહરણ કરીને લઈ જતાં દેવરાજ ઇન્દ્ર પાસેથી નારદમુનિએ ક્યાધૂને છોડાવી અને દેવરાજ ઇન્દ્રને સમજાવ્યાં કે આ રીતે ગર્ભધારણ કરેલી સ્ત્રીનું અપહરણ કરવું, કે તે સ્ત્રીનો અને તેનાં ગર્ભનો નાશ કરવો તે દેવરાજ ઇન્દ્રને શોભતું નથી. વળી અસુરરાજ હિરણ્યકશિપુની પત્નીનાં ગર્ભમાં તો ભગવાન નારાયણનો ભક્ત આકાર લઈ રહ્યો છે જે હિરણ્યકશિપુનો નાશ કરશે માટે આપને ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપ જો આ ભક્તનો નાશ કરશો તો ભગવાન નારાયણનો આપ પર ક્રોધ ઉતરશે. આમ નારદમુનિએ દેવરાજ ઇન્દ્રને કુકાર્ય કરતાં રોકયાં પછી ક્યાધૂને પોતાનાં આશ્રમમાં લઈ આવ્યાં. ત્યાં તેમણે ક્યાધૂને પોતાની પુત્રીવત્ રાખી. આમ જ્યારે પ્રહલાદજી જ્યારે માતાનાં ગર્ભમાં હતાં ત્યારે તેમનું સંસ્કારપાલન નારદમુનિના આશ્રમમાં થયું હતું. આમ એક અસૂરને ત્યાં ભક્તનો જન્મ થયો હતો.

 

હિરણ્યકશિપુનો અર્થ કરતાં શાસ્ત્રોએ કહ્યું છે કે હિરણ્ય એટ્લે સોનું, ક એટ્લે કે નજર જેને જ્યાંત્યાં સર્વત્રે સોનુ જ દેખાયા કરે છે તે, અને શિપુ અર્થાત સ્વાર્થથી જે ભરેલ છે તે. આમ હિરણ્યકશિપુ એટ્લે જેની નજર ફક્ત સોનું જ શોધતી હોય તેવો સ્વાર્થથી ભરેલ વ્યક્તિ. ધર્મ કહે છે કે સોનુ અર્થાત અગણિત ધન. જ્યારે માનવજીવનમાં અગણિત ધન આવી જાય ત્યારે મનુષ્ય ફક્ત રાગ, ભોગમાં જ રાચતો થઈ જાય છે કારણ કે અતિશય ધન માનવીની બુધ્ધિ ભ્રષ્ટ કરી દે છે જેના કારણે મનુષ્ય સાચું શું…ખોટું શું તે સમસ્ત વાતોને ભૂલી જાય છે અને પોતાને ફક્ત રાગ, ભોગથી તૃપ્ત કરવા ઈચ્છે છે. જ્યારે પ્રહલાદનો અર્થ થાય ઈશ્વરવાદ……પરંતુ અહી આ કથામાં જોઈએ તો હિરણ્યકશિપુને લાગ્યું કે જો મારું અસ્તિત્વ એટ્લે કે સ્વાર્થથી ભરેલા ભોગનું મહત્વ સમાજમાં જાળવી રાખવું હોય તો પ્રહલાદ રૂપી ઈશ્વરવાદનું વર્ચસ્વ વધવા દેવું ન જોઈએ અને પ્રહલાદને તો ગર્ભમાં જ ઈશ્વરવાદના સંસ્કાર મળ્યાં છે આથી જ હિરણ્યકશિપુ પ્રહલાદને મારવા ઈચ્છે છે પરંતુ જ્યારે તેને વિવિધ પ્રકારે ઈશ્વરવાદ રૂપી પ્રહલાદનો નાશ કરવા ન મળ્યો ત્યારે તેણે આસુરી તત્વથી ભરેલ પોતાની બહેન હોલિકાનો સાથ લીધો.  હોલિકાને વરદાન હતું કે જ્યાં સુધી તે સદ્દવૃતિવાળી વ્યક્તિને કનડશે નહીં ત્યાં સુધી અગ્નિદેવ હોલિકાનું અગ્નિની જ્વાળાઓથી રક્ષણ કરશે. પરંતુ સ્વાર્થમાં અંધ થયેલ વ્યક્તિને હંમેશા પોતે જ સાચી લાગે છે તેથી તેણે હોલિકાનાં હાથમાં પ્રહલાદને સોંપ્યો અને કહ્યું કે નારાયણની આ ઈશ્વરીય વૃતિને બાળી નાખ જેથી મારી સામે બીજો કોઈ ઈશ્વરવાદ ઉભો ન થાય. કથા છે કે જે દિવસે પ્રહલાદને લઈ હોલિકાએ અગ્નિમાં બેસવાનું હતું તે દિવસે નગરજનોએ પોતાનાં ગૃહોમાં અગ્નિ જલાવીને અગ્નિદેવને વિનંતી કરી કે આપ પ્રહલાદને કંઈ જ થવા ન દેશો. ત્યારે અગ્નિ દેવે કહ્યું કે હું પણ મારા સ્વભાવથી વિવશ છુ કારણ કે મારી પાસે જે કંઇ આવે તે મારો આહાર હોવાથી હું સજીવ-નિર્જીવનો ભેદ નથી રાખતો અને બધુ જ સ્વાહા કરી જાઉં છુ ત્યારે નગરજનોએ કહ્યું કે આપને આહાર જ જોઈતો હોય તો આપ હોલિકાને સ્વાહા કરી જાવ અને અમારા પ્રહલાદની રક્ષા કરો અને જો પ્રહલાદજી આપની ગોદમાંથી હેમખેમ આવશે તો અમે સૌ વચન આપીએ છીએ કે જ્યાં સુધી સંસ્કૃતિ રહેશે ત્યાં સુધી પ્રતિવર્ષ અમે આપને શીતકાલનાં અનાજની ભેંટ આપીને આપને પ્રસન્ન કરીશું. આમ જ્યારથી પ્રહલાદજી અગ્નિપરીક્ષા પાર કરીને શ્રેષ્ઠનર તરીકે બહાર આવ્યાં છે તે જ દિવસથી ગૃહ ગૃહની અગ્નિપૂજાએ સામૂહિક અગ્નિપૂજાનું સ્વરૂપ ધારણ કરી લીધું, અને આપણે પણ પ્રતિવર્ષ હોળી પૂજન દરમ્યાન શીતઋતુમાં તૈયાર થયેલ નવાં અનાજનો ભોગ અગ્નિદેવને પધરાવીને અગ્નિદેવને પ્રસન્ન કરીએ છીએ. આ રીતે જોઈએ તો હોલિકાપૂજન એ અસૂરી અસદ્દ્વૃતીનાં નાશ માટે અને સદ્દવૃત્તિનાં રક્ષણ માટે લોકોનાં હૃદયમાં રહેલ શુભભાવનાનું પ્રતિક છે. પ્રહલાદજીનાં સહકુશળ બહાર આવ્યાં બાદ બીજે દિવસે નગરજનોએ આનંદિત બનીને ઉત્સવ ઉજવ્યો આનંદનાં વાતાવરણથી હર્ષિત બનેલા લોકોએ નાના-મોટાનો ભેદભાવ ભૂલી જઈ એકબીજા પર જળ, ધૂળ, રંગ વગેરે ઉડાડવાનું ચાલુ કર્યું જેમાંથી ધૂળેટીનો ઉત્સવ અસ્તિત્વમાં આવ્યો. ઇતિહાસ સાક્ષી છે કે ધૂળ, રંગ વગેરે ઉડાડવાનું ભલે પ્રહલાદજીથી અસ્તિત્વમાં આવ્યું હોય પરંતુ ભીની ધૂળેટીનો પ્રારંભ વ્રજમાં ભગવાન કૃષ્ણનાં સમયથી શરૂ થયો હતો. હોળીનાં સમય દરમ્યાન માતા યશોદાએ કરેલી હોળીમાતાની પૂજાનો અને રંગોની ભીની પિચકારીનો અને ભીના રંગોનો સૌ પ્રથમ ઉપયોગ બાલ કનૈયાનાં સમયથી જ અસ્તિત્વમાં આવ્યો છે. તેથી રાધા અને કૃષ્ણની રંગભીની પિચકારીઓ, પલાશનાં રંગોથી ભીંજાયેલી અનેક ગોપીઓની ચુનરીઑ, ધમાર-રસિયા જેવા લોકગીતોમાં આવતી પલાશનાં રંગો વડે થતી કૃષ્ણ, રાધા, ગોપો અને ગોપીઓ વચ્ચેની છેડછાડ અને આ છેડછાડથી અસ્તિત્વમાં આવેલી લઠ્ઠમાર હોળીનું અસ્તિત્વનું સાહિત્ય પ્રમાણ વ્રજ ઈતિહાસમાં જોવામાં આવ્યું છે.

 

પ્રહલાદજીની જેમ હોળી સાથે અમુક અન્ય કથાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે ભગવાન શિવનાં લગ્નની જાન હોળીનાં દિવસે કૈલાશમાંથી નીકળી હતી, જ્યારે અન્ય એક કથા અનુસાર મહારાજ કંસ દ્વારા મોકલાયેલી ઢુંઢી નામની રાક્ષસીને યમલોક પહુંચાડવા માટે બાલકૃષ્ણએ હાથ ઉપાડયો ત્યારે ઢુંઢીને ખ્યાલ આવ્યો કે બાલકૃષ્ણ દ્વારા તેને મૃત્યુ નહીં પરંતુ મોક્ષ મળી રહ્યો છે ત્યારે તેણે બાલકૃષ્ણનો પોતાનાં પર આવી કૃપા કરવા બદલ આભાર માન્યો અને વિનંતી કરી કે મારું નામ સદાયે આપની વિવિધ લીલાઓ સાથે અમર રહે અને વ્રજમાં મારો સદૈવ વાસ રહે. ઢુંઢીની વિનંતીથી ભગવાન કૃષ્ણએ તેને વરદાન આપ્યું કે તું મારી લીલામાં સદૈવ અમર રહીશ જ્યાં સુધી પૃથ્વી પર હું જીવંત રહીશ ત્યાં તું પણ મારી સાથે વ્રજમાં વાસ કરીશ. કહેવાય છે કે આ વરદાનથી વ્રજમાં ઢાઢી લીલા અસ્તિત્વમાં આવી જેમાં બાલકૃષ્ણની વિવિધ લીલાઓ દર્શાવાય છે. આમ તો આખું વર્ષ આ લીલા દર્શાવાય છે પરંતુ હોળી દરમ્યાન વ્રજની પ્રત્યેક ગલીમાં ઢુંઢી રાક્ષસી ઢાઢી કલા બનીને ભગવાન કૃષ્ણ સાથે જીવંત બની જાય છે.

 

હોળીત્સવનો ઉલ્લેખ નારદ પંચરાત્ર, ભવિષ્યપુરાણ, પૂર્વીય મીંમાસા સૂત્ર, બ્રહ્મ વૈવર્તક પુરાણ સહિત વ્રજ ઇતિહાસમાં કરવામાં આવ્યો છે. તદ્પરાંત દેવલિપિ સંસ્કૃતમાં પણ અનેક કવિઓએ આ ઉત્સવનું સુંદર વર્ણન કરેલું જોવા મળે છે. મુગલ બાદશાહો પણ હિન્દુ પ્રજા સાથે મળીને આ ઉત્સવની ધામધૂમથી આ ઉત્સવની ઉજવણી કરતાં તેવો ઇતિહાસ જાણવા મળે છે. ધર્મશાસ્ત્ર કહે છે કે વસંતોત્સવ એ સંયમની દીક્ષા આપતો ઉત્સવ છે, હોલિત્સવ એ આસુરી પ્રવૃતિઑ ઉપર સદ્વૃતિનો મહિમાને વર્ણવવાનો ઉત્સવ છે અને રંગોત્સવ ધૂળેટી એ જીવનને વિવિધ રંગોથી છલકાવવાનો ઉત્સવ છે.

 

 

સાભાર : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email : [email protected]

સાભાર સૌજન્ય : ફૂલછાબ દૈનિક –રાજકોટ 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

સૌ મિત્રો – પરિવારજનો ને હોળી ની શુભકામના સાથે શુભેચ્છાઓ !  બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.  – દાદીમા ની પોટલી’ પરિવાર ….