શું ક્રોધની કોઈ ઉજ્જવળ બાજુ છે ? … (ક્રોધ પર વિજય … (ભાગ-૨) …

ક્રોધ પર વિજય … (ભાગ-૨) …
– સ્વામી બુધાનંદ …

 

krodh

 

શું ક્રોધની કોઈ ઉજ્જવળ બાજુ છે ?

 

આ બધું હોવા છતાં કેટલાક એવા લોકો પણ છે કે જે સંભવત: ક્રોધને એટલો ઉપયોગી માને છે કે એના ઓર વિજય મેળવવા ઉપાય પણ શીખવા માગતા નથી. એક સત્ય ઘટના આ વાત સ્પષ્ટ કરી દે છે :

 
એક પતિએ પોતાની પત્નીને કહ્યું, ‘ચાલો આપણે આશ્રમમાં જઈને ક્રોધ પર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો એ વિશે પ્રવચન સાંભળી આવીએ. વિષય ઘણો રોચક છે.’ પરંતુ, એ સ્ત્રીએ કહ્યું કે તે પોતાના ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય શીખવા નથી માગતી. એનું કારણ એ છે કે એની પાસે આ ક્રોધ જ એકમાત્ર એવી ચીજ છે કે જેનાથી તેનાં બાળકો ડરે છે. પોતાનાં બાળકો પર નિયંત્રણ રાખવાના એ એક માત્ર ઉપાયને તે ગુમાવવા ઈચ્છતી નથી ! તેનો આ દ્રષ્ટિકોણ કે ક્રોધની પણ થોડી ઉપયોગિતા છે એ થોડો અસામાન્ય લાગે છે. અહીં આપેલી ઉક્તિમાં આ ભાવ જોવા મળે છે, ‘જ્યાં કોમળતા નિરર્થક સાબિત થાય છે ત્યાં કઠોરતા જ ઉચિત છે.’ સદાચારની દૃષ્ટિએ નહીં પણ ઉપયોગિતાવાદની દૃષ્ટિએ ક્રોધને સ્વીકૃતિ મળી શકે.

 
વાતચીત દરમિયાન પેલા પતિએ સંકેત કર્યો કે તેની પત્ની વાતવાતમાં નારાજ થઇ જાય છે. એની આ ટિપ્પણી એક રોચક પરિસ્થિતિને સમજવામાં સહાયક બની ગઈ. અહીં એક પ્રશ્ન પૂછી શકાય, ‘શંુ તમે ક્રોધનો ઉપયોગ કરો છો કે ક્રોધ તમારો ઉપયોગ કરે છે ? શું ક્રોધ આપના હાથોમાં એક કુશળયંત્ર છે કે પછી તમે પોતે તમારા ક્રોધના હાથનું રમકડું બની ગયા છો ? ’

 
જો આપણે ક્રોધ પર નિયંત્રણ કરવાનું શીખ્યા નથી તો ક્રોધને સુનિયોજિતરૂપે કોઈ રચનાત્મક ઉદ્દેશ માટે ઉપયોગ ન કરી શકીએ. ક્રોધનો અધિકારપૂર્વક તથા સુનિયોજિતરૂપે ઉપયોગ ન કરી શકીએ. ક્રોધનો અધિકારપૂર્વક તથા સુનિયોજિતરૂપે કરી શકવો ઘણું કઠિન કાર્ય છે. એરિસ્ટૉટલ કહે છે, ‘કોઈ પણ વ્યક્તિ ક્રોધિત બની શકે. આ ઘણું સહેલું છે, પણ ઉચિત વ્યક્તિ પર યોગ્ય માત્રામાં સુયોગ્ય સમયે ઉચિત ઉદ્દેશ માટે અને યોગ્ય પ્રકારે ક્રોધ કરવો એ સૌ કોઈ વ્યક્તિના વષની વાત નથી અને સરળ પણ નથી.’

 
જે રીતે પાણીને ગરમ કરવા માટે વીજળી કે ગરમીનો માપી માપીને ઉપયોગ કરવો જોઈએ તેવી રીતે જો મા પોતાના ક્રોધને સુનિયોજિતરૂપે સારી રીતે ઉપયોગ કરવાનું જાણે તો આપણે એમ કહી શકીએ કે તેનું આચરણ સ્વીકાર્ય છે. અલબત્ત, આમ કરતાં પહેલાં એ જોવું જોઈએ કે બીજા બધા ઉપાયો નિષ્ફળ ગયા છે કે કેમ ? આ સ્ત્રી જો પોતાનાં બાળકોને વિદ્યુતયંત્રથી ગરમ શેક દેતી વખતે પોતે જ દાઝી જાય તો પછી દીર્ઘકાલીન દૃષ્ટિએ તેની ક્રોધ ચિકત્સા પણ એનું ભલું ન કરી શકે. જે લોકો પોતાના બાળકો કે કોઈ બીજા પર આ ક્રોધ ચિકત્સાનો ઉપયોગ કરવા તત્પર બને છે તેને માટે ઉપર્યુક્ત ઉક્તિનો મનોવૈજ્ઞાનિક અર્થ સમજી લેવો અત્યંત આવશ્ય છે.

 
એ વાત સાચી છે કે દરેક માતાના હૃદયમાં પોતાનાં સંતાનો વિશે હિતકામના રહે છે. અસામાન્ય માતાઓની વાત જુદી છે. ઉપરના ઉદાહરણમાં એક માતા અનુશાસનના ઉપાયે ક્રોધ દ્વારા પોતાના પુત્ર પર ઉપકાર જ કરવા ઈચ્છે છે, પરંતુ મૂલત: ક્રોધ એક વિષાક્ત અને સંક્રામક ભાવ છે. જ્યારે કોઈ માતા ખરેખર નારાજ થઈને પોતાનાં બાળકો પર પ્રહાર કરે છે તો બાળકો પણ ક્રોધે ભરાઈ જાય છે. પરંતુ તેઓ પ્રભાવકરૂપે પોતાની પ્રતિક્રિયા કે વિરોધ પ્રદર્શિત કરી શકતાં નથી. આ ઉપરાંત ભયના માધ્યમથી અનુશાસન લાદવામાં આવે તો તેની એક સારી ટેવમાં પરણિત થવાની સંભાવના બહુ ઓછી છે. એનું કારણ એ છે કે ભયની સાથે બાળકોના હૃદયમાં વ્યક્ત ન થતી શત્રુતાનો ભાવ પણ વધી જાય છે. એનું પરિણામ એ આવે છે કે એનો ક્રોધ મનમાં ને મનમાં અવચેતન સ્તરે જઇને અવસરની પ્રતીક્ષા કરતો રહે છે. એક દિવસ જ્યારે આ શત્રુતાનો વિસ્ફોટ થાય છે ત્યારે ક્રોધ પર નિયંત્રણ ન શીખવા ઈચ્છતી એ માતા પોતાનાં વયસ્ક સંતાનો પર પોતાની આ ક્રોધચિકત્સાનો ઉપયોગ કરી શકતી નથી. અને અંતે પોતે અત્યંત દુઃખી થઇ જાય છે. આ પરિસ્થિતિ માટે ખરેખર એ પોતે જવાબદાર છે. આ વાત વિચારણીય છે કે શું કેટલાક સમયના ફાયદા માટે પોતાના સંતાનપ્રેમના કાયમી અને સ્થાયી લાભનો બલિ ચડાવી દેવો યોગ્ય ગણાય ? પરંતુ માએ પોતાના ક્રોધ પર નિયંત્રણ મેળવવાની વિદ્યા શીખ્યા પછી ક્રોધ ચિકિત્સાનો ઉપયોગ કર્યો હોત તો પરિસ્થિતિ પૂર્ણત: જુદી જ હોત. એ પરિસ્થિતિમાં એક બોધકથાના સાપની જેમ ફૂંફાડો મારતી રહેત પણ બાળકને દંશ ન દેત. (આ બોધકથા અહીં બ્લોગ પર શ્રી રામકૃષ્ણદેવની પ્રેરકકથાની પોસ્ટમાં અગાઉ આપેલ છે.)

 
જે વ્યક્તિ ક્રોધ પર નિયંત્રણ રાખવાનું શીખી નથી એના દ્વારા ક્રોધનો રચનાત્મક ઉપયોગ અસંભવ  છે.

 

  (રા.જ.૩-૧૩(૨૬-૨૭)/૫૭૨-૭૩)

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

ક્રોધ પર વિજય (ભાગ -૧) ની લીંક : (અહીં ક્લિક કરો) : ક્રોધ પર વિજય ….