૨૬ મુ શિક્ષાપત્ર … અને (૨૭) ચલો સખીયન બરસાને જઈશું …

૨૬ મુ શિક્ષાપત્ર …

 

 shyam sangini

આજે ૨૬મું શિક્ષાપત્રમાં આગળ વધીએ તે પહેલા, આપણે ગતાંકમાં જોઈ ગયેલ … ૨૫મું શિક્ષાપત્ર તરફ થોડુ ધ્યાન કરી લઈએ …

 
આજ સત્યને વધારે સાતત્ય પ્રદાન કરાવતાં શ્રી હરિરાયજી આચાર્યચરણ ૨૫ માં શિક્ષાપત્રનાં ૧૬ શ્લોકથી કહે છે કે શ્રી મહાપ્રભુજીનાં ચરણકમળનાં ભજન-ભક્તિમાં સદૈવ રહેવામાં આવે તો શ્રી હરિ ક્યારેય પોતાનાં ભક્તજીવને છોડતાં નથી. જે શ્રી હરિરાયજી આચાર્યચરણે પ્રથમ શ્લોકથી નિરૂપિત કરેલ છે.

 

।।મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણાર્વિન્દ ।।

 

આ પદ દર્શાવે છે કે શ્રી મહાપ્રભુજીનાં બે ચરણ કમળનો દ્રઢ આશ્રય એ જ પુષ્ટિભક્તોનું જીવન અને આચરણ છે જે વિષે ૨૫ માં શિક્ષાપત્રમાં વિચારાયું છે. શ્રી હરિરાયજી આચાર્યચરણ જણાવે છે કે પૃથ્વી ઉપર પુષ્ટિજીવો અને વૈષ્ણવો માટે શ્રી પ્રભુનું પ્રાકટ્ય, શ્રી મહાપ્રભુજી રચિત શ્રી ભાગવત અને ભાગવતજીનાં વિચાર અને વિવેચન રૂપી શ્રી સુબોધિનીજી, ભગવદીયો અને ભક્તિ માર્ગનાં ગ્રંથો ઉપલબ્ધ છે તે ઉપરાંત શ્રી વલ્લભકુલની કૃતિ અને આકૃતિ પણ વિદ્યમાન હોવાં છતાં જીવો અને મનુષ્યોનું એ દુર્ભાગ્ય છે કે તેઓ ભક્તિ માર્ગે નથી વળતાં. આથી જીવોને ભક્તિની પ્રાપ્તિ સરળતાથી થાય તે હેતુથી શ્રી હરિરાયજી આચાર્યચરણે ૨૫ માં શિક્ષાપત્રમાં શ્રી ઠાકોરજીનાં ચરણાર્વિન્દની સરળ અને શીતલ ભક્તિ તથા શ્રી ઠાકુરજીનાં મુખારવિન્દની ઉગ્ર ભક્તિનું વર્ણન અને નિરૂપણ સોળ શ્લોકોથી વર્ણવેલ છે જેમાં જ્ઞાનનો નિષેધ બતાવી માત્ર પ્રેમ જ મુખ્ય વસ્તુ છે તે દર્શાવેલ છે, સાથે કહ્યું છે કે શ્રી પ્રભુ હંમેશા માતાપિતાની જેમ પોતાના બાળકોની રક્ષા કરે છે માટે જીવોએ શ્રી પ્રભુ અને ગુરૂની ઉપર દ્રઢ વિશ્વાસ અને આશ્રય રાખી દુઃસંગથી સદા ડરતુ રહેવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતી હોય પરંતુ કોઈપણ સ્થિતિમાં પ્રભુ પ્રત્યે અવિશ્વાસને પોતાનાં મનમાં ન પ્રવેશવા દેવો.

 

પુષ્ટિમાર્ગીય બધી જ સામગ્રીઑ શ્રી કૃષ્ણસેવા માટે પ્રાપ્ય હોવા છતાં શ્રી કૃષ્ણની કૃપા વગર ભક્તિમાર્ગે પ્રવૃત થવાતું નથી. તેથી શ્રી હરિરાયજી આચાર્યચરણ પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરતાં કહે છે કે

 

સ્વકીયાનાંમૈહીકં યદયવા પારલૌકિકમ્ ।
અકસેત્ કુરુતે કર્તા પ્રભુરેવ ન સંશયઃ ।।૧।।

 

પરમકૃપાળુ પ્રભુ શ્રી કૃષ્ણ પોતાનાં અંતરંગ ભક્તનો આલોક અને પરલોક બેઉ સિધ્ધ કરે છે તેમાં સંશય ન રાખવો. જીવ પોતાની લૌકિક બુધ્ધિથી, અજ્ઞાનતાથી અનેક સાધનરૂપ પ્રયત્ન લૌકિક કાર્યોને વધુ મહત્તા આપે છે અને પોતાનાં મનમાં અનેક પ્રકારનાં સાધન-પ્રયત્ન તેમજ લૌકિક કાર્યો કરવામાં મગ્ન રહે છે, તેમ છતાં શ્રી પ્રભુ પરમકૃપાળુ અને કૃપાનિધિ છે તેથી તેઓ જીવોના તમામ અપરાધ ક્ષમા કરે છે અને પોતાના ભક્તોનાં તમામ લૌકિક અને અલૌકિક કાર્યો સિધ્ધ કરે છે.

 

“અંતઃકરણપ્રબોધ” ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતાં કહે છે કે બ્રહ્મસંબંધિત જે જીવને પ્રભુ અંગીકાર કરે છે તેમને તેઓ ક્યારેય છોડતાં નથી. શરણે આવેલો જીવ તેમનો જ છે તેવો તેમનો દ્રઢ ભાવ છે તેમ છતાં પણ જીવ અજ્ઞાનતાથી વશ હોવાને કારણે ભૂલી જાય છે. પરંતુ પ્રભુ પોતાનાં ભક્તોને એમ સરળતાથી શી રીતે ભૂલી શકે ? પોતાનાં ભક્તોને ભૂલી જવાની બાબતને તો પ્રભુ વિચાર પણ કરી શકતાં નથી. તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે…….

 

“સત્ય સંકલ્પતો વિષ્ણુનાર્ન્ય થા તુ કરિષ્યતિ” અર્થાત્ “શ્રી કૃષ્ણ સત્ય સંકલ્પ” છે.

 

ત્રીજા શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે

 

અવિરુધ્ધં પ્રકુરુતે વિરુધ્ધં વારયત્યપિ ।
દાસેષુ કૃષ્ણો બાલેષુ પિતેવ કુરુતે હિતમ્ ।।૩।।

 

અર્થાત્ શ્રી પ્રભુ પોતાનાં દાસોને માટે જે યોગ્ય હોય તે કરે છે અને દાસોને માટે જે અયોગ્ય હોય તેને દૂર રાખે છે. જેમ બાળકનું હિત પિતા વિચારે છે તેમ ભક્તોનું હિત પણ પ્રભુ શ્રી કૃષ્ણ કરે છે. આજ વિચારને વધુ સમર્થિત કરતાં શ્રી મહાપ્રભુજી “સન્યાસ નિર્ણયમાં” આજ્ઞા કરતાં કહે છે કે

 

હરિરત્ર ન શકનોતિ, કર્તુ બાધાં કુતો પરે ।
અન્યથા માતરો બાલાન્, ન સ્તન્યૈઃ પુપુષુઃ કવચિત્ ।।

 

“આ માર્ગમાં ભગવાન પોતે પણ પોતાનાં ભક્તોનો પરિત્યાગ કરિ શકતાં નથી કે પોતાના ભક્તો માટેના શુભ કાર્યોમાં વિઘ્ન નાખી શકતાં નથી, તો પછી ભક્તોને માટે કાલ તો સમર્થ બને જ ક્યાંથી? જો ભગવાન પોતાના ભક્તોનાં કાર્યોમાં વિઘ્ન કરી શકતાં હોત તો માતાઑનાં સ્તનપાન દ્વારા પોતાના બાલકોનું પોષણ થયું ન હોત.” ભક્તિ માર્ગમાં શ્રી હરિ પોતાનાં ભક્તોનાં જીવનમાં બાધા, વિઘ્ન નાખવા માટે સમર્થ નથી તો બીજા એવા કોઈ નથી કે જેઓ ભક્તોનું કાંઇ જ ખરાબ કરી શકે. વળી જે પ્રભુ ભક્તોની ભક્તિ વધે અને ભક્તોનું કલ્યાણ જ ઇચ્છતા હોય તેનું અને તેવા જીવોનું પ્રભુ ખરાબ શા માટે કરે? અને એમાંયે જે જીવ પ્રભુને શરણે ગયો છે તે જીવે તો પોતાનું સર્વસ્વ પ્રભુને શરણે ધરી દીધું છે તેવા જીવોને તો પ્રભુ નડતાં જ નથી તો પ્રભુ તેમનાં કાર્યોમાં વિઘ્ન નાખવા ક્યાંથી આવવાના? આમ જીવોએ વિચાર કરવો જોઈએ અને વિચાર કર્યા બાદ મનમાં રહેલો તમામ સંશય રૂપી અવિશ્વાસ કાઢીને પ્રભુ પ્રત્યે અને પ્રભુનાં કાર્યો પ્રત્યે દ્રઢ વિશ્વાસ અને પ્રભુનાં ચરણમાં દ્રઢ આશ્રય રાખવો જોઈએ.

 

જીવ કેવો છે તે સમજાવતાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે જીવ અજ્ઞાની હોવાથી પોતાનાંમાં રહેલા અસંખ્ય દોષોને તે જોતો નથી વળી પ્રભુએ પોતા પર કરેલાં ઉપકારોને અને પ્રભુ કૃપાને જાણતો નથી, તેથી તે કૃતઘ્ન બનીને ફર્યા કરે છે. ગુણસાગર પ્રભુ અત્યંત કૃપાળુ છે, ગુણનાં નિધિ છે તેની સામે જીવ અસંખ્ય દોષોથી ભરેલો અને દોષોનો નિધિ અર્થાત્ સ્વામી છે. આવો દોષો અને દૂષિત મનવાળો જીવ હોવાં છતાં શ્રી વલ્લભકુલ આચાર્યો દ્વારા જીવોને પ્રભુનું શરણ અને નિવેદન મળે છે તે જ જીવો માટે મોટી વાત છે. આ વાતનું તાત્પર્ય અને શ્રી વલ્લભચરણની કૃપાને સમજતાં જીવોએ શ્રી વલ્લભનાં અને શ્રી પ્રભુનાં ચરણકમળનું સદાયે ધ્યાન ધરવું.

 

સાતમા શ્લોકથી દુઃસંગથી ભગવદીયોએ કેવી રીતે સુરક્ષિત રહેવું તે વિષે શ્રી હરિરાયજી સમજાવે છે. જેમ માતા ડાકણથી દૂર રહે છે અને બાળકને પણ તેનાંથી દૂર રાખે છે તે જ પ્રમાણે પુષ્ટિમાર્ગીય ભગવદીયએ પોતાનાં ભગવદ્ભાવ રૂપ બાળકની રક્ષા કરવા માટે દુઃસંગરૂપ ડાકણથી દૂર રહેવું જોઈએ. શ્રી હરિરાયજીચરણ કહે છે કે વૈષ્ણવો માટે તો દુઃસંગ અતિ બાધક છે માટે પોતાનાં ભક્તિભાવનું રક્ષણ કરવા હેતુથી વૈષ્ણવોએ દુઃસંગથી દૂર રહેવું જોઈએ, અને જેમ પતિવ્રતા સ્ત્રી પોતાનાં પતિ પ્રત્યેનાં સ્નેહભાવ અને હૃદયભાવને બીજા કોઈના આગળ કહેતી નથી તેજ રીતે ભગવદીયોએ પણ પોતાનાં હૃદયમાં જે સ્નેહભાવ અને ભગવદ્ભાવ છે તે સર્વનાં આગળ ગુપ્ત રાખવો કોઈને કહેવો નહીં. નવમા શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્યચરણ દ્વારા જણાવાય છે કે વૈષ્ણવોને તાદ્રશી ભગવદીય મળે તો ભગવાનમાં ભાવ વધે છે આ ભાવ દર્શનીય છે. ભગવદીય ભગવાનની કથા એવી ભાવાત્મક ભાવથી કહેવાય છે કે, જેથી હૃદયમાં ભગવદ્ભાવ પ્રકટ થઈ જાય છે, માટે પુષ્ટિમાર્ગીય ભગવદીય હોય તેવા વૈષ્ણવ ભગવદીયનો સંગ અવશ્ય કરવો. સાથે સાથે શ્રી હરિરાયજીચરણ એ પણ સમજાવે છે કે જેણે આશ્રય કર્યો છે એવા ભગવદીયે પોતાનું મન, ગૃહ, દેહ સંબંધી લૌકિક વૈદિક કાર્યોમાં પોતાનું મન ન લગાડતાં ફક્ત શ્રી પ્રભુની વાર્તા અને પ્રભુની સેવામાં જ મનને પરોવવું.

 

આમ ૨૬માં શિક્ષાપત્રનું સંકલન કરતાં પુષ્ટિજીવોનાં ચાર મુખ્ય કર્તવ્યોનો વિચાર કરી લેવો. લૌકિક-વૈદિકમાં મન ન રાખતાં દુઃસંગથી ડરતા રહેવું, લૌકિક સંબંધીઓથી ભગવદ્ભાવને ગુપ્ત રાખી ભક્તોનાં વચન અને સંગથી આપણાં ભગવદ્ભાવની વૃધ્ધિ કરવી, અને શ્રી પ્રભુ પર અને પોતાનાં ગુરૂચરણો પર, તેમનાં વચનો પર દ્રઢ વિશ્વાસ રાખવો અને માત્ર અને માત્ર શ્રી પ્રભુનાં તેમજ ગુરૂચરણોનું જ નિશદિન ધ્યાન ધરવું. શ્રી આચાર્યચરણ એ પણ કહે છે કે પુષ્ટિજીવોની જેમ શ્રી પ્રભુનાં પણ બે કાર્યો છે પોતાનાં ભક્તોને ભક્તિથી વિરુધ્ધ એવા લૌકિક-વૈદિક સાધનોથી રોકવા અને પોતાના ભક્તોને ભક્તિમાં અને સેવા સ્મરણમાં જોડવા.

 

આમ ૨૬માં શિક્ષાપત્રનું સમાપન કરતાં સૌને વિશેષ જાણકારી માટે શિક્ષાપત્ર અને માર્ગનાં અન્ય ગ્રંથોનું વાંચન કરવું જરૂરી છે.

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.
 
[email protected]
[email protected]
 
સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]
 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.
 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

(૨૭)  ચલો  સખીયન બસાને જઈશું  … 

 

barsana holi1

 

 

બરસાના ખેલે હોળી, ખેલે વ્રજવાસી હોરી ………ચલો સખીયન બરસાને જઈશું
ક્યાંથી રે આવ્યાં કૃષ્ણ કનૈયા

ક્યાંથી આવ્યાંરે રાધા ગોરી, સખીઓ સંગે…..ચલો સખીયન બરસાને જઈશું
ગોકુલસો આવ્યાં કૃષ્ણ કનૈયા

બરસાનાથી રે આવ્યાં રાધિકા ગોરી ….. ચલો સખીયન બરસાને જઈશું
પાંચ વરસ કો હૈ કૃષ્ણ કનૈયા

ને સાત વરસ કી હૈ રાધિકા ગોરી…..ચલો સખીયન બરસાને જઈશું
કીનકે હાથ કનક પિચકારી

કીનકે હાથ ગુલાલ કી હૈ જોરી…….ચલો સખીયન બરસાને જઈશું
કૃષ્ણ કે હાથ હૈ કનક પિચકારી

ઔર રાધા કે હાથ હૈ ગુલાલ કી જોરી……ચલો સખીયન બરસાને જઈશું
કૃષ્ણ ને છેડી કનક પિચકારી

રાધિકા ને ઉડારી ગુલાલ કી જોરી……ચલો સખીયન બરસાને જઈશું
રાધા રંગ મેં રંગાયા હૈ નંદ કા છોરા

નંદ કે છોરે મેં રંગાઈ હૈ રાધિકા ગોરી……..ચલો સખીયન બરસાને જઈશું
જમુના કે આરે કીચડ મચ્યો

કૃષ્ણ રાધિકા ખેલે હૈ રંગભરી હોરી…….ચલો સખીયન બરસાને જઈશું
બરસાના ખેલે હોળી , ખેલે વ્રજવાસી હોરી ………ચલો સખીયન બરસાને જઈશું

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]
 
  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

હોળી પર્વની આપ સર્વેને ‘દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઑ.