૨૫ મું શિક્ષાપત્ર … અને (૨૬) સોભિત કર નવનીત લિયે … (પદ)

૨૫ મું શિક્ષાપત્ર …

 

 

pushti prasad 31

 

આજે ૨૫મું શિક્ષાપત્રમાં આગળ વધીએ તે પહેલા, આપણે ગતાંકમાં જોઈ ગયેલ … ૨૪મું શિક્ષાપત્ર તરફ થોડુ ધ્યાન કરી લઈએ …

 

સાધનો દ્વારા ભગવદ્ પ્રાપ્તિ થતી નથી એ વિષયોનાં આધારે ચોવીસમાં શિક્ષાપત્રમાં વિચારવાંમાં આવ્યું છે કે પુષ્ટિમાર્ગ એટ્લે પ્રભુની કૃપાનો માર્ગ. જે માર્ગ દ્વારા શ્રી પ્રભુ જીવ પર કૃપા દર્શાવે છે તે પુષ્ટિમાર્ગ છે. પુષ્ટિમાર્ગમાં પ્રભુ કૃપા જ સૌથી મોટું અને મુખ્ય કારણ છે. શ્રી હરિરાયજી પ્રભુચરણ ભાવપ્રકાશમાં આજ્ઞા કરતાં કહે છે કે શ્રી ઠાકુરજીની સેવા તન, મન અને ધનથી સહપરિવાર કરવી જોઈએ.

 

બ્રહ્મસંબંધ લીધેલા જીવની એક ને એક માત્ર ફરજ ભગવદ્ સેવા કરવાની જ છે પરંતુ પુષ્ટિમાર્ગમાં સાધનથી પ્રભુ મેળવી શકાતા નથી. જ્યારે જીવ નિઃસાધન થઈ દીનતાપૂર્વક શ્રી પ્રભુની સેવા કરે ત્યારે જ તે જીવ પર પ્રભુની કૃપા અને પુષ્ટિ કૃપા ઉતરે છે. શ્રી વિઠ્ઠલેશપ્રભુચરણ કહે છે શ્રી મહાપ્રભુજીની કૃપા એ જ વૈષ્ણવોની શક્તિ છે માટે પ્રત્યેક વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીનાં ચરણાર્વિન્દમાં, શ્રી વલ્લભની વાણીમાં, અધરામૃતમાં અને શ્રી વલ્લભની કૃપા શક્તિ પર દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા રાખવી કારણ કે શ્રી વલ્લભ પરની દ્રઢ આસ્થા, શ્રધ્ધા અને વિશ્વાસથી જ જીવો પર શ્રી વલ્લભ અને શ્રી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્ત કવિ શ્રી સૂરદાસજીનું અંતિમ કીર્તન “દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો” એ પદ વૈષ્ણવોએ નિત નિત યાદ કરવું.

 

આજ સત્યને વધારે સાતત્ય પ્રદાન કરાવતાં શ્રી હરિરાયજી આચાર્યચરણ ૨૫ માં શિક્ષાપત્રનાં ૧૬ શ્લોકથી કહે છે કે શ્રી મહાપ્રભુજીનાં ચરણકમળનાં ભજન-ભક્તિમાં સદૈવ રહેવામાં આવે તો શ્રી હરિ ક્યારેય પોતાનાં ભક્તજીવને છોડતાં નથી. જે શ્રી હરિરાયજી આચાર્યચરણે પ્રથમ શ્લોકથી નિરૂપિત કરેલ છે.

 

શ્રી વલ્લભપદાંભોજભજના હરણાદપિ ।
દયાપરઃ કદાચિતં ન જહાતિજનં હરિઃ ।। ૧।।

 

બીજા શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્યચરણ કહે છે કે જે વૈષ્ણવનાં ઉપર આપશ્રી મહાપ્રભુજી કૃપાકટાક્ષ કરે છે તેનો પક્ષપાત શ્રી ઠાકુરજી પોતે કરે છે. ત્રીજા શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે જે વૈષ્ણવ ભક્તનાં હૃદયમાં શ્રી મહાપ્રભુજીનાં બંને ચરણ બિરાજે છે તેવા જીવનાં લાખો, કરોડો દોષ અને જીવનાં પ્રતિબંધ શ્રી મહાપ્રભુજીની કૃપાથી દૂર થાય છે. ચોથા શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્યચરણ કહે છે કે,

 

યદંગુલિનાનંદચંદ્રશૈત્યં સદાહ્રદિ ।
તાપં હરતિ ભકતાનાં તદાનંદ પદાંબુજમ્ ।।૪।।

 

જે ભક્તોના હૃદયમાં શ્રી મહાપ્રભુજીની દસ આંગળીઑનાં નખરૂપી ચંદ્રનો શીતળ પ્રકાશ પ્રસરી રહ્યો હોય તેવા ભક્ત જીવનાં હૃદયનો તાપ તેઓશ્રી હરી લે છે અને ભક્તજીવોને આનંદનું દાન શ્રી મહાપ્રભુજી દ્વારા થાય છે. પ્રતિ વૈષ્ણવોનાં હૃદયમાં આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવીક એમ ત્રણેય પ્રકારનાં તાપો તેમજ કાયિક, વાચિક, અને માનસિક એ ત્રણેય પ્રકારનાં અંતરાયો, પ્રતિબંધો અને વિઘ્ન દૂર થાય છે. આમ શ્રી મહાપ્રભુજીનાં ચરણકમળનાં નખચંદ્ર સેવકોને આનંદનું દાન કરે છે. આચાર્યચરણ શ્રી હરિરાયજી કહે છે કે લોકમાં અને વેદમાં એવી સેંકડો વસ્તુઓ અને બાબતો હોય છે જે જીવને માટે સારી હોય છે પરંતુ વૈષ્ણવ જીવોને માટે તો સૌથી સુંદર ફળસ્વરૂપ તો કેવળ અને કેવળ શ્રી મહાપ્રભુજીનાં બેઉ ચરણકમળ જ છે, અને જે વૈષ્ણવો શ્રી આચાર્યચરણમાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે તેમને જ ઠાકુર શ્રી કૃષ્ણનાં અધરામૃતની સિધ્ધી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે વેદોક્ત કર્મ ક્ષણિક ફલરૂપ હોઈ તે અવિનાશી ફળ આપી શકતાં નથી. કારણ કે ભગવાનનાં ચરિત્રથી જુદા પ્રકારનાં વિચારો સ્મરણથી, મનનથી, ચિંતનથી, શ્રવણથી ચિત્ત કલુષિત થઈ જાય છે જેનાં કારણે જીવ કૃષ્ણભક્તિથી વિમુખ અને બહિર્મુખ થઈ જાય છે.

 

વેદોમાં, પુરાણો અને ઉપનિષદોમાં અનેક પ્રકારનાં કર્મ બતાવેલા છે. જ્ઞાનમાર્ગ, યોગમાર્ગ, કર્મમાર્ગ, ઉપાસનામાર્ગ, વિવિધ પ્રકારનાં વ્રત, નિયમ, સંયમ વગેરે પ્રકારનાં સાધનો બતાવેલા છે, તેથી તે અનેક સાધનોનું શું ફળ છે કે શું ફળ મળે છે તે જાણી શકાતું નથી. કારણ કે પુષ્ટિમાર્ગમાં તો કેવળ વ્રજભકતો અને વૈષ્ણવોરૂપી વ્રજભકતોનો ભાવનાત્મક ભાવ જ સર્વોપરી છે, જે શ્રી વલ્લભની કૃપાથી જ વૈષ્ણવજીવોને પ્રાપ્ત થાય છે, અને પ્રાપ્ત થઈ શકે છે. આથી જ કહેવાયું છે કે જે જીવનું મન, ચિત્ત અને ઇન્દ્રિયો શ્રી હરિની કથારૂપ અમૃતથી, ભગવદ્સેવાથી અને ભગવદ્ધર્મથી બહિર્મુખ થઇ જાય છે તે જીવ અનેક પ્રકારનાં ધર્મો કરતો હોવાં છતાં તે અધૂરો જ છે. આવો જીવ જો કોઈપણ પ્રકારનો ભગવદ્ધર્મ પણ કરે તોયે તેને તે ભગવદ્ધર્મ સોહાતો નથી.જ્ઞાનં તુ (મુક્તિ) ભક્તિહેતુત્વાત્ સા નૈવ ફલરૂપિણી ।

 

યતો જીવસ્ય દાસત્વં હેતુભેદનિવર્તિકા ।।૭।।

 

અર્થાત જ્ઞાન મર્યાદાભક્તિનાં હેતુરૂપે છે તેથી તે ફળરૂપ કહી શકાય, પણ મર્યાદા ભક્તિ ફળરૂપ નથી. કારણ કે જીવનાં દાસત્વમાં જે ભેદપણું રહેલું છે. તેવા ભેદપણા રૂપ મર્યાદાભક્તિને દૂર કરવાની છે. દાસત્વભાવ એટ્લે કે જીવ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો સંબંધ એ સેવક અને શેઠની ભાવના છે. આપણાં પ્રભુ શ્રી કૃષ્ણ એ શેઠ છે, અને જીવ એ સેવક છે. “દાસોડહમ કૃષ્ણ ત્વાસ્મિ ” એ ભાવ પ્રભુનાં સેવકનો હોવો જોઈએ. ત્યારપછીનાં શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્યચરણ ભક્તિનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે ભક્તિનાં બે પ્રકાર છે.

 

પુષ્ટિભક્તિ હરેરાસ્યં તત્વસ્મત્પ્રભવઃ સ્વયમ્ ।
ત એવ સંશ્રિતાઃ સંતઃ ફલરૂપા ભવંતિ હિ ।। ૯ ।।

 

-પ્રથમ ભક્તિમાં પ્રભુનાં ચરણાર્વિન્દની શીતળ ભક્તિ આવે છે, જે સેવક અને દાસ્યભાવને પ્રગટ કરે છે. શ્રી આચાર્યચરણ હરિરાયજી જણાવે છે કે પ્રભુનાં ચરણાર્વિન્દની ભક્તિ એ શીતળ છે કારણ કે એ આપણે વૈષ્ણવો દીન ભાવે શ્રી ઠાકુરજી અને શ્રી વલ્લભ તેમજ શ્રી વલ્લભકુલનાં શરણે રહી તેમનું સ્મરણ, મનન અને ચિંતન કરતાં રહીએ છીએ. જ્યારે આપણે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકુરજીનાં ચરણમાં દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા દર્શાવી છીએ ત્યારે આપણાં વિચારો પણ શ્રી ઠાકુરજી અને શ્રી મહાપ્રભુજીને સમર્પિત થઈ જાય છે. જ્યારે વિચારો પ્રભુ અને ગુરૂનાં ચરણોમાં સ્થાપિત થઈ જાય છે ત્યારે શ્રી ઠાકુરજી અને શ્રી વલ્લભ આપણાં લૌકિક- અલૌકિક સર્વનું આપ જ કૃપા કરીને સિધ્ધ કરશે તેવો દ્રઢ ભાવ હૃદયમાં સ્થાપિત થઇ જાય છે. શ્રી હરિરાયજી આચાર્યચરણ કહે છે પ્રભુ પરનો દ્રઢ વિશ્વાસ એજ વૈષ્ણવોનાં હૃદયનો શીતળ ભાવ છે.

 

-બીજી ભક્તિમાં પ્રભુનાં મુખારવિન્દની ઉગ્ર ભક્તિ આવે છે, જે ભગવદ્ ભાવને પ્રગટ કરે છે. પરંતુ ભગવદ્ ભાવ વૈષ્ણવોમાં ક્યારે આવે અને મુખારવિન્દની સેવા શી રીતે થાય? શ્રી આચાર્યચરણ હરિરાયજી જણાવે છે કે મુખારવિન્દની ભક્તિ એટ્લે સાક્ષાત ભગવદ્સેવા. શ્રી ઠાકુરજીની સેવામાં આપણી તત્પરતા થાય અતિ જરૂરી છે. વિવિધ સામગ્રી દ્વારા શ્રીજીને ભોગ ધરવાનો, કીર્તન દ્વારા રાગ અને આલાપ દ્વારા, વિવિધ આભૂષણો દ્વારા શ્રી પ્રભુને અને શ્રી મહાપ્રભુજીને શૃંગારથી મનુહાર કરીએ, ગુરૂ અને પ્રભુની સેવા કરતાં કરતાં હૃદયમાં સતત તાપ, કલેશ, વિરહ ભાવનો પ્રત્યક્ષ અનુભવ કરતાં રહીએ અને પ્રભુને વિનંતી કરીએ હે પ્રભુ આપ અમારી ભાવપૂર્વક કરાયેલી તમામ સેવાનો અંગીકાર કરો અને આપના સાક્ષાત સ્વરૂપનાં દર્શન કરવો. આમ વારંવાર જ્યારે વૈષ્ણવોનાં હૃદયમાં તાપ કલેશ રહે તે માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે “કૃષ્ણ સેવા સદા કાર્યાઃ।”. ચતુઃશ્લોકી ગ્રંથમાં પણ આજ્ઞા કરે છે કે ” સર્વદા સર્વે ભાવેન ભજનિયો વ્રજાધિપઃ ।। “ શ્રી ઠાકુરજીની સેવા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું એક માત્ર કર્તવ્ય છે. શ્રી હરિરાયજી આચાર્યચરણ કહે છે કે “ચેતસ્તન્પ્રવણં સેવા” અર્થાત્ ચિત્ત પ્રભુમાં મગ્ન રહે તે હેતુથી વૈષ્ણવોએ સેવા કરવા માટે સદાયે તત્પર રહેવું જોઈએ.

 

શ્રી હરિરાયજી આચાર્યચરણ ૧૩, ૧૪માં શ્લોકમાં કહે છે કે આ પૃથ્વી ઉપર શ્રી પ્રભુએ અવતાર ધારણ કરીને આ પૃથ્વીને અલંકૃત કરી છે તે જ રીતે કલિયુગમાં શ્રી પ્રભુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી રૂપે પધાર્યા છે. શ્રી હરિરાયજીચરણ કહે છે કે કલિયુગ હોવા છતાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી વિવિધ રીતે આપણી પાસે બિરાજે છે તેઓ શ્રી ઠાકુરજીનાં મુખારવિન્દમાં, શ્રી વલ્લભકુલ બાલકો અને વચનામૃતમાં, ગ્રંથોમાં, હસ્તાક્ષરમાં, તેમની બેઠકજીમાં, તેમનાં ચરણપાદુકાજીમાં બિરાજે છે. ૧૫માં શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્યચરણ કહે છે કે શ્રીમદ્ભાગવત્જી એ શ્રી ઠાકુરજીનું વાંગમય સ્વરૂપ છે જ્યારે શ્રીમદ્ભાગવત્જીનાં ટીકા સ્વરૂપ શ્રી સુબોધિનીજીમાં આચાર્યચરણ શ્રી વલ્લભનું સ્વામિની સ્વરૂપ બિરાજે છે. તદ્પરાંત ભૂતલ પર હજુયે આપણાં શ્રી વલ્લભનાં, શ્રી વલ્લભકુલ બાલકોનાં, ભગવદીયોનાં ગ્રંથો બિરાજે છે આમ આટલાં બધાં સ્વરૂપે શ્રીજી ભૂતલ પર બિરાજતાં હોવા છતાં કેટલાક પુષ્ટિજીવો માર્ગથી અને ભક્તિથી વિમુખ થઈને ચાલી રહ્યાં છે જેને શ્રી હરિરાયજી કેવળ ભગવદ્ ઈચ્છા માની રહ્યાં છે. શ્રી હરિરાયજી ચરણ કહે છે કે વૈષ્ણવોએ ભક્તિની પ્રાપ્તિ માટે દિનપ્રતિદિન સેવામાં અને સ્મરણમાં તત્પર રહી શ્રી મહાપ્રભુજીનાં ચરણકમળનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ, પરંતુ આ ત્યારે જ થઈ શકશે જ્યારે પ્રભુ તે જીવ પર કૃપા કરશે અને જે જીવ પર પ્રભુકૃપા થશે તે જ જીવ પુષ્ટિભક્તિનાં માર્ગે ચાલી શકશે.

 

શ્રી હરિરાયચરણ સૌ વૈષ્ણવો અને પુષ્ટિજીવોને અનુરોધ કરતાં કહે છે કે ભક્તિની પ્રાપ્તિ માટે શ્રી મહાપ્રભુજીના ચરણકમળનો દ્રઢ આશ્રય રાખવો. દિન પ્રતિદિન પ્રભુનાં અને પ્રભુ સ્વરૂપ ગુરૂનાં ચરણાર્વિન્દ અને મુખારવિંદની ભક્તિમાં એટ્લે કે સેવા અને સ્મરણમાં તત્પર રહેવું.

 

“મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણાર્વિન્દ”

 

શિક્ષાપત્ર ગ્રંથ ખોલી વારંવાર શિક્ષાપત્રનું આચમન કરતાં રહો એજ ભાવભાવના સાથે પચ્ચીસમાં શિક્ષાપત્રનું સમાપન અંતે કરાય છે “શેષ શ્રીજી કૃપા”

 

 

લેખક સંકલન-વ્રજનિશ શાહ BOYDS-MD-U S A
[email protected]
[email protected]

 
ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ.યુ એસ એ..

 

 
નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

(૨૬)  સોભિત કર નવનીત લિયે … (પદ) 
કવિ- સૂરદાસજી

 

 

makhan chor

 

 

સોભિત કર નવનીત લિયે

 
ઘુટુરુનિ ચલત રેનુ તન મંડિત, મુખ દધિ લેપ કિયે,
ચારુ કપોલ, લોલ લોચન, ગોરોચન—તિલક દિયે.

 
લટ—લટકનિ મનુ મત્ત મધુપ-ગન માદક મધુહિં પિએ.
ક્ઠુલા—કંઠ, બજ કેહરિ—નખ, રાજત રુચિર હિએ.

 
ધન્ય સુર એકૌ પલ ઇહિં સુખ, કા સત કલ્પ જિએ.

 

 

 

હાથમાં માખણ લીધેલા (બાલકૃષ્ણ) શોભી રહ્યા છે. દેહે ધૂળથી સુંદર લાગતા મોઢે દહીંના લેપવાળા તે ઘૂંટણિયે ચાલી રહ્યાં છે. તેમનાં ગાલ અત્યંત સુંદર છે, તેમનાં નેત્ર અતિ ચંચલ છે, તેમણે ચંદનનું તિલક કરેલું છે. તેમની ઘૂંઘરિયાળી લટો ઉન્મત્ત ભ્રમર માદક મધુપાન કરતું હોય એ રીતે લટકી રહી છે, તેમનાં કંઠમાં હાંસડી શોભી રહી છે અને છાતી પર સિંહનખનું માદળિયું શોભી રહ્યું છે. શ્યામસુંદરનું આ સ્વરૂપ જોઈને “શ્રી સુરદાસજી” કહે છે કે આ છબી જોવાનું એક એક ક્ષણનું સુખ પણ ધન્ય કરી દેનાર છે, અન્યથા સેંકડો યુગ જીવવાથી ય શું ?

 

કીર્તન સાહિત્યને આધારે…

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

પુષ્ટિદર્શન કિર્તનસાગરને આધારિત. ….

  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …