૨૪ મું શિક્ષાપત્ર … અને (૨૫) જગતમેં શ્રી યમુનાજી પરમ દયાલ (પદ) …

૨૪ મું શિક્ષાપત્ર …

 

 

આપ સર્વેને વિદિત કરવાનું કે રવિવાર નાં રોજ ‘શિવરાત્રી’ હોઈ, ‘પુષ્ટિપ્રસાદ’  ની કોલમમાં નિયમિત પ્રસિદ્ધ થતી  ‘શિક્ષાપત્ર’ ની પોસ્ટ, રવિવારને બદલે  આજે  બ્લોગ પર અહીં મૂકેલ છે.  

 

pushti prasad 27 shrinathji zankhi

 

 

આજે ૨૪મું શિક્ષાપત્રમાં આગળ વધીએ તે પહેલા, આપણે ગતાંકમાં જોઈ ગયેલ … ૨૩મું શિક્ષાપત્ર તરફ થોડુ ધ્યાન કરી લઈએ …

 

૨૪માં શિક્ષાપત્રને આપણે સવિસ્તાર જોઈએ તે અગાઉ ૨૩ માં શિક્ષાપત્રને ટૂંકમાં જોઈ લઈએ.  ૨૩માં શિક્ષાપત્રમાં કહેવાયું છે કે અહંતા મમતા અને લૌકિક વિષયોનાં આવેગને કારણે જીવોમાં પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ અને શ્રધ્ધા ઓછી થઈ જાય છે. પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા ઓછી થતાં જીવોમાં લૌકિક ચિંતાઓ જન્મ લે છે. આપણને પ્રશ્ન થાય કે આ લૌકિક ચિંતાઓ શી રીતે દૂર થાય ?  અથવા શી રીતે દૂર કરવી ?  શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુ સર્વ સમર્થ છે તે ક્યારેય પોતાનાં ભક્તોનું ક્યારેય અહિત કરતાં નથી કે અહિત થવા દેતાં નથી. ફક્ત શ્રી વલ્લભચરણકમળની રજ અને શ્રી વલ્લભચરણની શરણાર્ગતિ જીવોની તમામ લૌકિક ચિંતાઓ દૂર કરવા માટે સક્ષમ છે.  પરંતુ આ ચિંતાઓ દૂર કરવા માટે જીવોએ પોતાના થકી થોડો પ્રયત્ન કરવો રહ્યો. આ પ્રયત્ન ક્યો છે ?

 

શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી ભાગવતજી અને શ્રી વલ્લભચરણનાં ગ્રંથોનું વાંચન, સત્સંગ, શ્રી અષ્ટાક્ષર મંત્ર, બ્રહ્મસબંધ દિક્ષાનાં ભાવનું સ્મરણ, મનન, નવરત્ન સ્તોત્રનો પાઠ, શ્રી યમુનાજીનું ચિંતન, નિત્ય નિયમ વગેરે કરવાથી લૌકિક ચિંતાઑ દૂર થાય છે.  શ્રી હરિરાય મહાપ્રભુજીનાં આજ વચનને નુસરીને શિક્ષાપત્રનાં ૨૪માં શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે  “ભક્તિમાર્ગે કૃપામાત્રં કારણં પરમુચ્યતે ।”  અર્થાત્ ભક્તિમાર્ગમાં ભગવદ કૃપાને જ ઉત્તમ કારણ તરીકે વર્ણવવામાં આવી છે.   ભગવદ કૃપાથી જ જીવોને સફળતા અને સિધ્ધી મળે છે તેમાં કોઈ સંશય નથી.  આચાર્યચરણ શ્રી વલ્લભે પુષ્ટિ જીવોને જે માર્ગ બતાવ્યો છે તે કૃપામાર્ગ છે.   શ્રી મહાપ્રભુજી કહે છે કે સાધનથી પુષ્ટિમાર્ગમાં ફલની પ્રાપ્તિ થતી નથી પરંતુ શ્રી વલ્લભની શરણાર્ગતિ અને શ્રી ઠાકુરજીની કૃપા એજ પુષ્ટિ માર્ગનું ફલસ્વરૂપ છે, એજ કૃપારૂપી ફલથી વૈષ્ણવ જીવોને શ્રી ઠાકુરજીની સેવારૂપી ફલની પ્રાપ્તિ થાય છે.  ૨૪ માં શિક્ષાપત્રમાં ૩૧ શ્લોકોથી અલંકૃત છે.  ઘણી વખત વાત પણ થયેલી છે કે આ બધાં જ શિક્ષાપત્રો એકમેકનાં પૂરક છે.  પ્રથમ શિક્ષાપત્રને રસમય, જ્ઞાનમય અને ફલદાયી બનાવવા માટે બીજા શિક્ષાપત્રનો પરિચય, બીજાને ત્રીજા શિક્ષાપત્રનો પરિચય, ત્રીજાને ચોથાનો……એમ ૪૧ શિક્ષાપત્ર એક એકનાં અનુસંધાનમાં પૂરક છે. પુષ્ટિજીવો અને વૈષ્ણવો માટે દરેક શિક્ષાપત્રમાં પુષ્ટિમાર્ગ અને ભક્તિમાર્ગને આધારીત સેવા, સ્મરણ અને સત્સંગને સર્વસ્વ માનીને મહત્વ આપવામાં આવ્યું છે.  આજ વાતને અનુમોદિત કરતા બીજા શ્લોકમાં કહે છે કે

 

સા તુ સ્વાચાર્યશરણાગતૌ તેજ્ઞાર્પિતઃ પ્રભુઃ।
યદૈવ કુરુતે કૃષ્ણઃ તદા ભવતિ સર્વથા ।।

 

કૃષ્ણ કૃપાથી જીવો જ્યારે આચાર્યશ્રીને શરણે આવે છે ત્યારે તેને શ્રી પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય છે. સારસ્વતયુગમાં ગોપીજનો અને ગોપાંગનાંઓએ શ્યામ સ્વરૂપ શ્રી શ્યામાનો (યમુનાજીનો), પુલિંદીઓએ હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનો, અને કુમારિકા ગોપીજનોએ કાત્યાયની વ્રત દ્વારા શ્રી યમુનાજીનો આશ્રય કર્યો ત્યારે તેઓ પ્રભુકૃપાનાં અધિકારી બન્યાં છે.  ભક્તજનોને પોતાની પ્રાપ્તિ થાય તે હેતુથી જે શ્રી ઠાકુરજી સારસ્વત કલ્પમાં પ્રગટ થયાં છે, એજ શ્રી ઠાકુરજી પુષ્ટિજીવોને ભગવત્કૃપાની સિધ્ધી પ્રાપ્ત થાય તે હેતુથી કળિયુગમાં શ્રી વલ્લભ રૂપે પણ પ્રગટ થયાં છે, આમ પુષ્ટિજીવોનો ભગવત્પ્રાપ્તિ માટે શ્રી વલ્લભ સાથે સંબંધ બંધાયો છે.  “શ્રીમદાચાર્ય સંબંધો નાન્યદસ્તિ હિ સાધને ।।”

 

અત એવોડઆચાર્યેઃ સ્તોત્રે કૃષ્ણશ્રયાભિધે ।
સરલસ્થ સમુદ્વારં કૃષ્ણ્ં વિજ્ઞાપયામ્યહમ્ ।।

 

એથી જ શ્રી આચાર્યચરણે શ્રી કૃષ્ણાશ્રયમાં કહ્યું છે કે શરણમાં સ્થિતિ કરતાં જીવોનો ઉધ્ધાર કરનાર એવા શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું

 

વિશ્વાસાર્થા વરમદાદિતિ શ્રી વલ્લભોડબ્રવત।
અતો નાન્ય પ્રકારેણફલં સ્વાહૃદિ ચિંત્યતાંમ્ ।।

 

પુષ્ટિમાર્ગસ્થ સેવકોને વિશ્વાસ આવે તે માટે શ્રી મહાપ્રભુજીએ “કૃષ્ણાશ્રય” ગ્રંથની ફળશ્રુતિમાં એવું કહ્યું છે કે જે પુષ્ટિજીવ શ્રી કૃષ્ણની સમીપ જઇ આ શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ કરશે તે પુષ્ટિજીવને પ્રભુ શ્રી કૃષ્ણનો આશ્રય અવશ્ય પ્રાપ્ત થશે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે આ પ્રકારે શ્રી કૃષ્ણનાં આશ્રયમાં જવાનું કહી શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવોને ધૈર્યનું દાન આપે છે જેથી વૈષ્ણવોનો દ્રઢ વિશ્વાસ પોતાના પ્રભુની શરણાર્ગતિમાં બન્યો રહે.  પોતાના પરનાં વૈષ્ણવોનાં દ્રઢ શ્રધ્ધા અને વિશ્વાસને કારણે જ પ્રભુ શ્રી કૃષ્ણ પણ સર્વ કરવાને સમર્થ થાય છે, જેમ વિશ્વાસથી ચાતક પક્ષી સ્વાતિ જળ બિંદુની પ્રતિક્ષા કરે છે અને સ્વાતિ નક્ષત્રમાં જ સ્વાતિ જળબિંદુની પ્રાપ્તિ કરે છે તેમ વૈષ્ણવજીવોને દૃઢ વિશ્વાસ હશે તો તેઓને સર્વ સિધ્ધી પ્રાપ્ત થશે જ., કારણ કે આપણાં સ્વામી શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન છે. એમ આ  “સર્વ કરતું ક્ષમો મતઃ” થી દર્શાવાય છે.   આમ આપ શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોની પોતાનાં પ્રભુ અને ગુરુમાં દ્રઢ આસ્થાને સર્વશક્તિમાન બતાવી છે. આથી જ ૧૧માં શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી જણાવે છે કે આપણાં સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કર્તુમ, અકર્તુમ અને અન્યથા અકર્તુમ એમ સર્વ સમર્થ છે.  પ્રભુ પોતાના નિજ સેવકનાં સાધનની અપેક્ષા રાખ્યા વગર તેમને અલૌકિક લૌકિક ફલદાન કરે છે.  જ્યારે આસુરી જીવોને શ્રી પ્રભુમાં અવિશ્વાસ હોય છે.  આવા આસુરીજીવોને કોઈપણ અસંગસ્થ (એટ્લે કે જેમનો સંગ કરવા માટે યોગ્ય ન હોય તેવી વ્યક્તિઓનો સંગ) સંગ થાય તો અતિ મોહરૂપ મહાદોષનાં નિધાનનો ખાસ સંભવ છે. “મતિ મોહો મહાદોષ નિધાનં સંભવવિષ્યતે” જ્યારે આવા આસુરી જીવો ભગવદભક્તોની અથવા ભગવદગુણોની કથા કે મહાનુભાવોનાં વચનામૃત સાંભળે છે ત્યારે તેમનામાં આસુરીભાવ નષ્ટ થતાં તેમનામાં દૈન્યભાવ આવતા સાધનોનો નાશ થાય છે અને તેઓ દૈન્યભાવે પ્રભુનું શરણ લે છે.

 

તદીયાનાં સર્વમસ્તિ સિધ્ધ્ં વદ્ભાવ ભાવિનામ્ ।
ઇતિરેષામ્ કાલિકાનાં કાલેન નિખિલં જગત ।।

 

હંમેશા ભગવદભાવથી ભાવિત થયેલા એવા તદીયોને સર્વ સિધ્ધ થાય છે. જેઓ ભગવદભાવ વગરના હોય છે તેઓ સર્વોનાં સાધનો આ કાળક્રમમાં ખોવાઈ જાય છે.  કારણ કે કાળ સર્વનો સંહાર કરનાર છે કાળના એ ચક્રમાં જગત અને આસુરીભાવવાળા જીવોનો નાશ થાય છે.  જે કાળમાં જગતનો સંહાર થાય છે તે કાળ કોણ છે તેવો સહજ પ્રશ્ન આપણને થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુ સમજાવે છે કે પણ પરમપ્રભુની જ ઈચ્છાશક્તિનું સ્વરૂપ તે કાળ છે, કાળ તે ભગવાનની વિભૂતિ અને ભગવાનની શક્તિ છે

 

યતઃ કાલસ્તદ્ર વિભૂતિઃ કાલઃ કલયતામહમ્ ।
મુખ્યાધિકદૃપિ હરેચ્છાશક્તિ સ્વરૂપવન ।।
તદંતરંગ દાસેષુ ન તત્સાસમર્થ્ય મિષ્યતે ।

 

આ ૨૪ માં શ્લોકમાં કહે છે કે કાળ ભગવાનની વિભૂતિ અને અધિકારી હોવા છતાં જેઓ શ્રી પ્રભુનાં સેવકો છે તેમના પર કાળનું બળ ચાલતું નથી.  તેમનાં જીવનમાં જે કાંઇ લૌકિક અલૌકિક થાય છે તે પ્રભુકૃપાએ અને પ્રભુ લીલાને કારણે થાય છે તેવો વિશ્વાસ રાખવો.  કારણ કે પ્રભુ પરના અને ગુરુ પરના દ્રઢ વિશ્વાસ ને કારણે કાળની સાથે નિયતિ પણ તેમની પાસે હારી જાય છે.  શ્રી ગુંસાઈજી પ્રભુચરણે કાળને સર્પની ઉપમા આપતાં કહ્યું છે કે કાળ સર્પ જેવો હોવા છતાં જે જીવો ભગવદ કથારૂપી અમૃતનું પાન કરનારને કાળ ગ્રહી શકતો નથી. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે પ્રભુ પણ પોતાના પર દ્રઢ વિશ્વાસ રાખનાર વૈષ્ણવની આસ્થા અને ધર્મ ખંડિત થાય તેવું કશું કરતાં નથી.   ભગવાન તો વૈષ્ણવો, ભગવદીયો, બ્રાહ્મણો અને ગાયોનાં ઈશ્વર અને વેદ ધર્મોનાં પાલન કર્તા છે. જે આસુરી જીવો, વેદ, બ્રાહ્મણ અને વૈષ્ણવોનો દ્રોહ કરતાં હોય તેવા તેમનાં કાર્યને શ્રી ઠાકુરજી કેવી રીતે સહન કરે ?

 

૨૫માં શ્લોકમાં કહે છે કે

 

પરમાનંદ સંદેહો દયાલુઃ સુતરામપિ ।
સકથં સહતે કૃષ્ણો દયાભાવં જનેષ્વપિ ।।
અતોત્ર યદદિં જાતં તત્સવદોષેણ સર્વથા ।। ૨૫ ।।

 

ભગવાન શ્રી કૃષ્ણ પરમઆનંદ હોવાની સાથે અત્યંત દયાળુ પણ છે તેઓ પોતાના ભક્તોમાં દયાનો અભાવ સહન કેવી રીતે કરી શકે ? માટે આહીં જે કાંઇ બને છે તે જીવોનાં પોતાના દોષોને કારણે બને છે.

 

નિર્દોષપૂર્ણગુણતઃ હરૌ નિત્ય વિરાજતે ।
કદાચિત સ્વપ્રભોદોષો નોડ્નેયઃ સર્વથા હહ્દિ ।। ૨૬।।

 

હરિમાં નિર્દોષપણું સંપૂર્ણરૂપે બિરાજે છે, માટે કોઈપણ વખત હૃદયમાં શ્રી પ્રભુનો દોષ ન વિચારવો અને અંતમાં આચાર્ય શ્રી હરિરાયચરણ જણાવે છે કે આપણાં શ્રી પ્રભુ સદાય નિત્ય અખંડિત રૂપે બિરાજમાન છે માટે મનમાં દુઃખ લાવવું નહીં.

 

અસ્માકં તુ પ્રભુનિર્ત્યજ્ઞતાડવ્યાહતોડધુના ।
વિરાજતે તતો દુઃખં ન વિધેયં મનસ્યપિ ।। ૨૯।।

 

શ્રી હરિરાયચરણ શ્રી ગોપેશ્વરજીને પુષ્ટિમાર્ગીય ભગવદીયોનાં સંગમાં વિચારવા જણાવે છે અને કહે છે કે આ શિક્ષા દ્વારા જેથી કરીને બુધ્ધિમાં અને હૃદયસ્થમાં જે કંઇ સંદેહજન્ય અને ચિંતારૂપ તે સર્વ દૂર થાય છે અને સુંદર બુધ્ધિ પ્રગટ થશે. સંપતિ અને સુખમાં તેમજ આપત્તિ અને દુઃખમાં એક જ શ્રી કૃષ્ણનું શરણં જ કરીએ છીએ.તેથી શ્રી ગુંસાઈજીચરણ વિજ્ઞપ્તિમાં કહે છે કે

 

યદુત્કં તાતચરણેઃ શ્રીકૃષ્ણઃ શરણં મમ ।
તત એ વાસ્તિ નૈવિષયમૈહિકે પારલૌકિકે ।।

 

પિતૃચરણ શ્રી મહાપ્રભુજીએ અમને શ્રી કૃષ્ણઃ શરણંમ મમ નો મંત્ર પ્રકટ કરી ભગવાન શ્રી કૃષ્ણનું શરણ અમને બતાવ્યું છે., તેથી જ અમને આ લોક અને પરલોક સંબંધી સર્વે વસ્તુઓમાં નિશ્ચિંતતા છે. આચાર્યચરણ વલ્લભાચાર્યજીએ શ્રી કૃષ્ણઃ શરણંમ મમ રૂપી આ અષ્ટાક્ષર મંત્ર પ્રગટ કરીને શ્રી કૃષ્ણશરણ સિધ્ધ કર્યું છે. આથી જ શ્રી વલ્લભવંશજ કહે છે કે જે કાર્ય સાધન અને સિધ્ધીથી સિધ્ધ નથી થતું તે કાર્ય આ એક અષ્ટાક્ષર મંત્રથી સિધ્ધ થતાં જીવોના આ લોક અને પરલોક બંને સારા થઈ જાય છે, માટે મન, વચન અને કર્મથી શ્રી કૃષ્ણનું જ શરણ જાણીએ છીએ અને એજ પ્રકારે સાધન અને સાધ્યરૂપ સમજીએ છીએ.

 

શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવોએ પ્રત્યેક આપત્તિ અને સંપતિ બંનેમાં કેવળ અને કેવળ પ્રભુ શ્રી કૃષ્ણનાં દ્રઢ ચરણનો આશ્રય રાખવો જોઈએ. આ સર્વ વિવેચન વિચારતા એમ ફલિત કરાય કે પુષ્ટિમાર્ગ એટ્લે શ્રી પ્રભુની કૃપાનો માર્ગ છે, અને પ્રભુની કૃપા પામવા માટે શ્રી મહાપ્રભુજીએ ગૃહ સેવા અને ગૃહમાં બિરાજતાં શ્રી ઠાકુરજીની સેવા પર વધુ ભાર મૂક્યો છે. વૈષ્ણવોની બ્રહ્મસંબંધી એક માત્ર ફરજ દૈન્ય ભાવે ભગવદ્સેવા કરવાની છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિમાર્ગમાં સાધનનું બળ શ્રી ઠાકુરજીની પ્રાપ્તિ છે, પરંતુ લૌકિક સાધન એ પુષ્ટિજીવોને પ્રભુકૃપા અને પ્રભુ પ્રાપ્તિ કરવામાં પ્રતિબંધિત બને છે.  શ્રી હરિરાય મહાપ્રભુજી પુષ્ટિજીવોને આજ્ઞા આપતાં કહે છે કે શ્રી મહાપ્રભુજીનાં ચરણાર્વિન્દમાં દ્રઢ આશ્રય અને મહાપ્રભુજીનાં અધરામૃત રૂપી તેમનાં વચનામૃતથી કૃપા પ્રાપ્ત થાય છે માટે સદૈવ શ્રી ઠાકુરજી, શ્રી વલ્લભ અને શ્રી વલ્લભકુલ પર પોતાનો વિશ્વાસ બનાવી રાખવો અને સતત એમના રટણ દ્વારા તેમને મન, ચિત્ત અને હૃદયમાં ધારણ કરી રાખવા, તેમજ અષ્ટાક્ષર મંત્રનું સદાયે સેવન કરવું, રટણ કરવું અને મનન કરવું. શ્રી મહાપ્રભુજી શક્તિસ્વરૂપ હોવાને કારણે તેમની કૃપા કરવાની શક્તિમાં વૈષ્ણવ જીવો અને પુષ્ટિજીવોએ સંપૂર્ણ વિશ્વાસ રાખવો.

 

ઇતિ શ્રી ૨૪ મુ શિક્ષાપત્ર સંપૂર્ણ____

 

 

લેખક સંકલનવ્રજનિશ શાહ BOYDS-MDU S A
[email protected]
[email protected]

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ.યુ એસ એ..

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

(૨૫) જગતમેં શ્રી યમુનાજી પરમ દયાલ … (પદ)
કવિ-વ્રજપતિ
રાગ-રામકલી

 

yamunaji1

 

 

જગતમેં શ્રી યમુનાજી પરમ કૃપાલ ।
બિનતી કરત તુરત સુનિ લીની, ભયે મોંપેં દયાલ ।।૧।।

 
જો કોઉ મજ્જન કરત નિરંતર, તાતેં ડરપત હૈ જમકાલ ।
“વ્રજપતિ” હી કી અતિ હી પિયારી, કાલિંદી સુમિરત હોત નિહાલ ।।૨।।

 

 

જગતમાં શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે મારી વિનંતીથી તેઓએ સાંભળી અને તરત તેઓ મારે માટે દયાળુ થયાં.

 

હે યમુનાજી જે કોઈ જીવ આપના જલમાં સ્નાન કરે છે તેનાંથી યમ અને કાળ બંને ડરે છે “ વ્રજપતિ” કહે છે કે હે યમુનાજી આપ પ્રભુને અત્યંત પ્રિય છો આપનું સ્મરણ જે જીવ કરે છે તે જીવ સુખી અને કૃતાર્થ થઈ જાય છે.

 

આ પદમાં રહેલ અમુક વ્રજભાષાનાં શબ્દોનો અર્થ જાણી લઈએ.

 

મજ્જન-સ્નાન

નિહાલ-સુખી

મોંપેં-મારી ઉપર

સુમિરત-સ્મરણ કરે છે.

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

પુષ્ટિદર્શન કિર્તનસાગરને આધારિત. ….

  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …