ઔષધિય ગુણોથી સમૃધ્ધ ગોળ-મોલાસીસ…

ઔષધિય ગુણોથી સમૃધ્ધ ગોળ-મોલાસીસ …

 

 

 

jagrri

 

 

ગોળનુ સેવન મોટાભાગે ઠંડીમાં કરવામાં આવે છે. ગોળની પ્રકૃતિ ગરમ માનવામાં આવી છે ઠંડીમાં ગોળ જરુર ખાવો જોઈએ, પરંતુ ગોળ માત્ર ઠંડીમાં જ ખાઈ શકાય તે ખોટી ભ્રમણા છે. ગોળ એનર્જી પણ આપવાનું કાર્ય કરે છે તેથી આયુર્વેદમાં કહ્યું છે કે શર્કરા મેળવવા માટે ગોળ અને મધનો ઉપયોગ સૌથી વધુ ઉત્તમ છે કારણ કે રોજ થોડા ગોળનું અથવા મધનું સેવન કરવાથી ઈમ્યુનિટી પાવર વધે છે. જ્યારે સાકર-ખાંડ પોલીસ કરાયેલી હોવાથી વજન વધારવાનું કાર્ય કરે છે. શિયાળામાં ખવાતી ગોળ-તલની ચીકી એ શરીરને સ્વસ્થ્ય પ્રદાન કરે છે પણ ખાંડ-તલની ચીકકી જંકફૂડમાં મિક્સ થઈ જાય છે કારણ કે ખાંડની મીઠાશ તલનાં સારા ગુણધર્મોને ઓછા કરી નાખે છે. જો કે આયુર્વેદ એ પણ કહે છે કે કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ હંમેશા નુકસાન કરતાં હોય છે આ તથ્યમાં ગોળ પણ શામિલ છે. વધુ પડતો ગોળનો ઉપયોગ શરીરમાં સુગરનું લેવલ વધારી દે છે. ગોળમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશીયમ, ફોસ્ફોરસ, લોહતત્વ, તામ્રતત્વ, સુક્રોઝ, ગ્લુકોઝ, ખનિજ અને પાણી હોય છે.

 

 

ગોળનાં બે પ્રકાર જોવા મળે છે. સફેદ ગોળ જે પીળો સફેદ પડતો હોય છે તે ગોળમાં કેમિકલ્સ નાખવામાં આવે છે જેનો ભૂકો કરતાં ગોળ લોટ જેવો થઈ જાય છે. જ્યારે કથ્થાઇ, કાળો પડતો ગોળ દેશી ગોળ તરીકે ઓળખાય છે આ ગોળમાં કેમિકલ્સ હોતા નથી ઉપરાંત આ ગોળનો ભૂકો કરતાં તે કણીદાર થઈ જાય છે. આ ગોળ જેટલો જુનો થાય તેમ સ્વાસ્થ્ય માટે વધુ સારો નીવડે છે આથી જૂનો ગોળ હંમેશા ઔષધિના રુપમાં કામ કરે છે. વિશ્વમાં ગોળનાં ત્રણ પ્રકાર જોવા મળે છે ઘન સ્વરૂપે (ઘટ્ટ ગોળ), પ્રવાહી સ્વરૂપે (મોલાસીસ)અને પાવડર સ્વરૂપે. ગોળ અને મોલાસીસ બનાવવા માટે વિવિધ ખાદ્યનો ઉપયોગ થાય છે જેમાં દાડમ, ખજૂરી, મેપલ, કોર્ન, બીટ, બાર્લી, મધ, પાલ્મ અને સુગરકેનનો ઉપયોગ થાય છે. યુ એસ ની માર્કેટમાં મેપલ, કોર્ન, મધ, દાડમ અને બીટનો ગોળ અને મોલાસીસ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેનું એક કારણ એ કહી શકાય કે મધ, દાડમ, બીટ, કોર્ન અને મેપલ લોકલ પ્રોડક્ટ છે જેને ઘર આંગણે બનાવવામાં કે ઉગાવવામાં આવે છે પરંતુ સુગરકેન, ખજૂરી, પાલ્મ, અને સોયાને અને તેમાંથી બનતાં ગોળ-મોલાસીસનું પ્રમાણ ઓછા પ્રમાણમાં છે કારણ કે તે બહારનાં દેશોમાંથી આયાત કરવામાં આવે છે. આપણે ત્યાં (ભારતમાં) શેરડીમાંથી બનેલો ગોળ સૌથી વધુ પ્રચલિત છે. શેરડી સિવાય આપણે ત્યાં ગરમાળાનો ગોળ પણ ગ્રામ્યવિસ્તારમાં પ્રખ્યાત છે. આ ગોળ તદ્દન કુદરતી છે. ગરમાળાનાં વૃક્ષમાં જે શિંગો આવે છે તે શિંગોમાં રહેલ બીજ મીઠાશ પડતાં હોય છે તે બીજને ગરમાળાનાં ગોળ તરીકે ઓળખવામાં આવે છે. આ ગોળનો ઉપયોગ મોટેભાગે નવજન્મિત બાળકને ગળથૂથી તરીકે આપવામાં થાય છે. બીટ, કોર્ન, સુગરકેન, મધ, મેપલ….ઈત્યાદીમાંથી બનતાં ગોળની મીઠાશ વધતી ઓછી હોય છે. બીટમાંથી બનતાં ગોળની મીઠાશ થોડી ઓછી હોય છે, દાડમમાંથી બનતા ગોળમાં થોડી ખટાશ પડતી મીઠાશ હોય છે, કોર્ન, મેપલ અને સોયામાંથી બનતાં ગોળમાં એક કુદરતી સુવાસ રહેલી છે જે તેમને અન્ય ગોળથી છૂટો પાડે છે. જ્યારે સુગરકેન, ખજૂરી, પાલ્મ અને મધનો ગોળ સૌથી વધુ મીઠો માનવામાં આવ્યો છે. ગરમાળોનો ગોળ કુદરતી ગોળ છે જેમાં લાઇટ મીઠાશ રહેલી છે.

 

 

ગોળ અને મોલાસિસનો ઉપયોગ વિશ્વમાં લગભગ દરેક દેશમાં થાય છે ક્યાંક મીઠાઇ બનાવવામાં, પીણાં બનાવવામાં, રોજિંદા ફૂડમાં અને અનેક પ્રકારના શરાબ બનાવવામાં થાય છે. તદ્પરાંત આપણે ત્યાં ગોળનો ધાર્મિક ઉપયોગ પણ થાય છે. આયુર્વેદે ગોળ ખાવાનો ફાયદો બતાવતાં કહ્યું છે કે ગોળનો અથવા ગોળયુક્ત વાનગીઓ ખાવાથી સ્મરણ શક્તિ વધે છે, શરીરમાંથી ઝેરી તત્વો બહાર નિકળે છે, તદ્પરાંત ઠંડીમાં ગોળ શરીરના તાપમાનને જાળવવા માટે મદદ કરે છે. ભોજન દરમ્યાન ગોળ ખાવાથી પેટમાં ગેસની સમસ્યા નથી થતી. સ્ત્રીઓના માસિક ધર્મને નિયમિત કરવામાં મદદ કરે છે, ગોળ-તલનાં લાડુ અથવા ચીકકી ખાવાથી અસ્થમાની સમસ્યામાં રાહત મળે છે. રોજ ૧ ચમચી ગોળનુ સેવન હાઈબ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. જ્યારે ગોળમાં રહેલ મેગ્નેશિયમ થાકને દુર કરે છે. આ ઉપરાંત ગોળ એંટીઓકસીડેંટના રુપમાં પણ કાર્ય કરે છે. ગોળનું મોલાસીસ, ઘન સ્વરૂપ કે પાવડર કોઈપણ સ્વરૂપ ભલે હોય પરંતુ કોઈપણ સ્વરૂપમાં ગોળ ખાંડ કરતાં સૌથી વધુ સ્વાસ્થયવર્ધક છે.

 

 

 

પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.