અગોચર વિશ્વ …

અગોચર વિશ્વ …
– દેવેશ મહેતા …

 

 

agochar vishva

 

 

પ્રબળ સંકલ્પ અને શ્રદ્ધાના સહારે જીવનારા તપસ્વીઓ, સિદ્ધ પુરુષો, સંતો કે ભક્તોને આયાસે કે અનાયાસે આવી સિદ્ધિ મળી જાય છે. ઈતિહાસમાં આવા અનેક પ્રસંગો આલેખાયેલા છે

આત્મ-શક્તિથી અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે!

આત્માની શક્તિ અપાર છે. યોગ-સાધના અને તપશ્ચર્યા દ્વારા આત્મ-શક્તિ વધારીને અનેક સિદ્ધિઓ મેળવી શકાય છે. મહર્ષિ પતંજલિએ એમના ગ્રંથમાં મુખ્ય પ્રકારની અષ્ટ સિદ્ધિઓ વિશે સમજૂતી આપી છે. આ આઠ સિદ્ધિઓ આ પ્રમાણે છે- ૧. અણિમા. આ સિદ્ધિ ધરાવનાર અણુ જેટલું સૂક્ષ્મ રૂપ ધારણ કરી શકે છે. ૨. લઘિમા. આ સિદ્ધિ ધરાવનાર પોતાના શરીરને અત્યંત હલકુ બનાવી શકે છે. એનાથી જળ-સ્થળ-નભ બધે જ ઝડપથી ચાલવાની ક્ષમતા આવે છે. આ સિદ્ધિ ધરાવનાર પાણી પર ચાલી શકે છે અને આકાશમાં ઊડી શકે છે. ૩. મહિમા. આ સિદ્ધિથી મોટું – વિરાટ રૂપ ધારણ કરી શકાય છે. ૪. ગરિમા. આ સિદ્ધિથી અત્યંત ભારેખમપણું લાવી શકાય છે. ૫. પ્રાપ્તિ. આ સિદ્ધિ ધરાવનાર ઈચ્છિત પદાર્થને સંકલ્પ માત્રથી પ્રાપ્ત કરી લે છે. તે ઈચ્છે ત્યાં તત્કાળ જઇ પહોંચે છે.  ૬. પ્રાકામ્ય. આના થકી તે સિદ્ધિ ધરાવનાર ઈચ્છાઓ અને કામનાઓને જાણી લેવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે.  ૭. ઈશિત્વ. આનાથી નિર્માણ અને નિયંત્રણની શક્તિ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિ ધરાવનાર આ તત્ત્વો અને ભૌતિક પદાર્થોને મનવાંછિત રૂપે ઉત્પન્ન કરવાની અને એના પર શાસન કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. ૮. વશિત્વ. આ શક્તિ ધરાવનાર પંચમહાભૂત, પંચતત્ત્વ અને તેનાથી બનેલ સર્વને પોતાના વશમાં રાખી શકે છે.

પ્રબળ સંકલ્પ અને શ્રદ્ધાના સહારે જીવનારાતપસ્વીઓ, સિદ્ધ પુરુષો, સંતો કે ભક્તોને આયાસે કે અનાયાસે આવી સિદ્ધિ મળી જાય છે. ઈતિહાસમાં આવા અનેક પ્રસંગો આલેખાયેલા છે તેમાંથી કેટલાક પર આછેરો દ્રષ્ટિપાત કરીએ.

આદિ શંકરાચાર્યનો બલિ ચઢાવવા માટે એક તાંત્રિક એમને પકડીને, છેતરીને વધસ્થળ પર લઇ ગયો. શંકરાચાર્યજીએ કોઇ આપત્તિ ન દર્શાવી. તે તો મુખ પર આછું સ્મિત કરતા ત્યાં ઊભા રહ્યા. વધ કરનારો એમના શરીર પર ખડગ ચલાવતો રહ્યો પણ શંકરાચાર્યજીને કંઇ જ ન થયું! ખડગ મારનારને એવું લાગ્યું કે ત્યાં કોઇ વ્યક્તિ છે જ નહિ! જાણે કે એનું ખડગ હવામાં ફરી ના રહ્યું હોય! આ દ્રશ્ય નિહાળીને પેલો તાંત્રિક ગભરાઇ ગયો અને એમના ચરણમાં પડી ક્ષમા માંગવા લાગ્યો. આ વખતે શંકરાચાર્યજીએ ‘અણિમા’ શક્તિથી એમનું શરીર એક અણુ જેવું નાનું બનાવી દીઘું હતું જેથી પેલા મારાનું ખડગ પણ એમને સ્પર્શે જ નહીં. આદિ શંકરાચાર્યજી અનેક સિદ્ધિઓ ધરાવતા હતા. પરકાયાપ્રવેશ નામની સિદ્ધિનો પણ તેમણે ઉપયોગ કર્યો હતો. પોતાના દિગ્વિજય અભિયાન દરમિયાન તેમણે મંડનમિશ્રને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા પછી એમની પત્ની ભારતી દેવીના પ્રશ્નોના ઉત્તર આપવા માટે આમરુના રાજાના શરીરમાં પ્રવેશ કરી કામ-શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તે પછી પોતાના શરીરમાં પાછા આવી ગયા હતા અને ભારતી દેવીના પ્રશ્નોના જવાબ આપી તેને પણ હરાવી હતી.

બનારસના કટ્ટરવાદી મુલ્લાઓએ મોગલ બાદશાહને કબીર વિરૂઘ્ધ ફરિયાદ કરી કે તે અલ્લાહના નામે લોકોને ભરમાવે છે. શાસકોએ આદેશ આપ્યો કે એમના હાથ પર બેડી બાંધી એમને ગંગાના ઊંડા પ્રવાહમાં ફેંકી દેવા. વિદ્વાનોએ એમને એમ કરતા રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે કબીર તો ખરેખર સાચા સંત છે અને તે કોઇને ભરમાવતા નથી. તેમ છતાં એમની વાત માનવામાં આવી નહીં અને કહેવામાં આવ્યું કે તે જો સાચા ઓલિયા હશે તો એના અલ્લાહ કે ભગવાન એને જરૂર બચાવશે. છેવટે સંત કબીરને હાથે બેડીઓ બાંધી નદીમાં ફેંકી દેવામાં આવ્યા. અનેક લોકોની હાજરીમાં આ ઘટના બની હતી. હજુ કિનારે ઊભેલા લોકો ત્યાંથી વિખેરાય એ પહેલાં તો એક અદ્‌ભુત દ્રશ્ય જોવા મળ્યું !   કિનારા પર સંત કબીરજી બેઠા હતા અને એમના હાથમાં એકેય હાથકડી નહોતી. આ જોઇને એમના પર ખોટા આક્ષેપ કરનારા નતમસ્તક થઇ ગયા.

સંત એકનાથ શૂલભંજન પર્વત પર તપશ્ચર્યા કરી રહ્યા હતા. ભગવાનના ઘ્યાનમાં એટલા મગ્ન હતા કે એમના પર વિષધર નાગ ચડી ગયો એનો પણ એમને ખ્યાલ ન રહ્યો. એકનાથના પવિત્ર દેહનો સ્પર્શ કરીને એનો સ્વભાવ બદલાઇ ગયો. ડંખ મારવાને બદલે તે એમના મસ્તક પર ફેણ ઊંચી કરી છત્રની જેમ રક્ષણ કરતો હોય એમ બેસી ગયો! એક ગોવાળે જ્યારે એકનાથજીને દૂરથી બૂમ પાડી સાવધ કર્યા ત્યારે તેમણે કહ્યું- ‘પ્રભુકૃપાથી આપણે બધાને માટે પ્રેમ રાખતા થઇ જઇએ છીએ ત્યારે બધા જ આપણા હિતેચ્છુ અને શુભચંિતક બની જાય છે. બધા જ પ્રાણીઓ આપણા મિત્ર અને સગા-સંબંધી થઇ જાય છે. આ સાપનો મને જરાય ભય નથી. તેથી તો મારા પર વિશેષ કૃપા છે.’ થોડી વારમાં તો તે ત્યાંથી ઊતરીને ચાલ્યો ગયો. પછી તે ઘણી વાર આવતો અને સંત એકનાથજીના શરીર પર ફર્યા કરતો પણ તેણે ક્યારેય એમને દંશ માર્યો નહોતો.

સિદ્ધિઓ પવિત્ર અંતઃકરણ અને પ્રબળ આત્મ-બળથી સિદ્ધ મહાત્માઓ એમની પ્રચંડ આત્મ-શક્તિનો થોડો અંશ આપીને અનેક સાધકોને સાધના પર આગળ વધારે છે. સમર્થ રામદાસજીએ શિવાજીને, પ્રાણનાથજીએ છત્રસાલને રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને, વિરજાનંદે દયાનંદને આ રીતે જ ‘શક્તિપાત’ કરી એમને આગળ વધાર્યા હતા. સમર્થ રામદાસજીએ શિવાજીની પરીક્ષા લીધા બાદ તેમાં તે ઉત્તીર્ણ થતા મા ભવાની થકી પ્રાપ્ત થયેલી એક અજેય તલવાર આપી હતી અને આશિષ આપતાં કહ્યું હતું- ‘આ તલવાર હશે ત્યાં સુધી તું ક્યારેય પરાજિત નહીં થાય.’ અને ખરેખર એવું બન્યું હતું પણ ખરું.

બુંદેલખંડના છત્રસાલ પર સંત પ્રાણનાથજીએ અત્યંત પ્રસન્ન થઇને એક દિવસ કહ્યું – ‘આજે તું ઘોડા પર સવાર થઇને જેટલી જગ્યાએ વિહાર કરીશ, ત્યાં તને જમીનમાંથી રત્નઓની પ્રાપ્તિ થતી રહેશે.’ છત્રસાલે એમ કર્યું. તેણે જ્યાં વિહાર કર્યો ત્યાંથી હજુ અત્યારે પણ હીરા, પન્ના, પ્રાપ્ત થતા રહે છે. મઘ્યપ્રદેશનું ‘પન્નાક્ષેત્ર’ અત્યારે હીરા-પન્નાની ઉત્પત્તિનું સ્થળ બની રહ્યું છે.

સિદ્ધ મુસ્લિમ સંતોમાં દિલ્લીના નિજામુદ્દીન ઓલિયાનું નામ પ્રસિદ્ધ છે. તે સેંકડો દીવાઓ પ્રકટાવતા હતા. એકવાર તત્કાલીન શાસકે એમને તેલ મોકલ્યું નહીં. તે તેલથી દીવાઓ પ્રકટાવતા હતા. તેમના શિષ્યોએ તેમને આ બાબતથી વાકેફ કર્યા. તેમણે આદેશ કર્યો- ‘કૂવામાંથી પાણી કાઢી તે કોડિયામાં નાખો અને દીવા પ્રકટાવો.’ શિષ્યોએ આદેશનો અમલ કર્યો. સાચે જ પાણીએ તેલનું કામ કર્યું. સેંકડો દીવાઓ પ્રકટી ઊઠ્યા. દિલ્લીની તે જગ્યા અત્યારે પણ ‘ચિરાગ દિલ્લી’ના નામથી પ્રખ્યાત છે.

દેવેશ મહેતા -ગુ.સમાચારના સૌજન્યથી.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
eamil : [email protected]

બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.