|| શિક્ષાપત્ર ૨૩મું || અને (૨૪) વ્રજ મૈ એક અચંભો દેખ્યો … (પદ) …

|| શિક્ષાપત્ર ૨૩મું || …

 

 

pushti prasad 25

આજે ૨૩મું શિક્ષાપત્રમાં આગળ વધીએ તે પહેલા, આપણે ગતાંકમાં જોઈ ગયેલ … ૨૨મું શિક્ષાપત્ર  તરફ થોડુ ધ્યાન કરી લઈએ …

 

 

૪૧ શિક્ષાપત્ર પૈકી બાવીસમું શિક્ષાપત્ર નાનામાં નાનું ફક્ત પાંચ જ શ્લોકથી અલંકૃત છે. પાંચ શ્લોકમાં શ્રીહરિરાય આચાર્ય  ચરણ પુષ્ટિમાર્ગનું અલૌકિક ભાવ સ્વરૂપ સૌને અતિ સુંદર રીતે પ્રમાણિત કરે છે. સમાવે છે.

 

 

ચિન્તાસન્તાન હન્તારો, યત્પદામ્બુજરેણવ: |

 

શ્રી મહાપ્રભુજીનાં ચરણવિંદની રજ પોતાના સેવકોની ચિંતાના સમૂહનો નાશ કરનારી છે.

 

મંગલાચરણનો પ્રથમ શ્લોક, પ્રથમ ટૂંક –કડી સમસ્ત પુષ્ટિ સૃષ્ટિનો હર કોઈ વૈષ્ણવ હરરોજ મનન કરે છે, ચિંતન કરે છે પરંતુ ચિંતા છોડવાનું મન કરતો નથી. ચિંતાને છોડવા ઈચ્છતો જ નથી.

 

આચાર્યચરણ શ્રીમદ્દ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી ‘નવરત્ન’ ગ્રંથમાં પ્રથમ જ પંકિતમાં આજ્ઞા કરે છે કે,

 

ચિન્તા કાપિ ન કાર્યા, નિવેદિતાત્મભિ: કદાપીતિ |

 

જેમણે આત્મ નિવેદન કર્યું છે એવા વૈષ્ણવોએ ક્યારે પણ સેવામાં ચિત્તનો વિક્ષેપ કરાવનારી કોઇપણ પ્રકારના વિચારો કરવા જોઈએ નહિ. કારણ કે,

 

ભગવાનપિ પુષ્ટિસ્થો, ન કરિષ્યતિ લૌકિકીં ચ ગતિમ્ ||

 

ભગવાન કૃપાળુ છે. તેઓ આત્મનિવેદન જીવોની લૌકિક ગતિ કરતા નથી.

 

આ પ્રમાણ છતાં પણ જીવ માનતો જ નથી. ચિંતા છોડવાની કોશિષ, વિચાર કરતો જ નથી.

 

આજ વાત શિક્ષાપત્ર ૨૩નાં માધ્યમે ચિંતા, ચિંતાની જ વાત, વિચાર શ્રી હરિરાયજી આચાર્યચરણ સત્તર શ્લોકના વિવેચનથી વૈષ્ણવોને ચિંતા નિવૃત્તિનો ઉપાય બતાવે છે.

 

તે પહેલા બાવીસમાં શિક્ષાપત્રમાં શ્રીહરિરાયજી મહાપ્રભુજીએ ભાવનું સ્વરૂપ દર્શાવ્યુ અને તે ભાવનું સ્વરૂપ મર્યાદા પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ કરતાં પુષ્ટિમાર્ગીય પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ જુદા છે.

 

પુષ્ટિમાર્ગમાં સેવા પરમાણ છે. શ્રી પ્રભુ-ઠાકોરજી અને તેની કૃપા જ પ્રમેય છે. હૃદયનો શુદ્ધ અને સાત્વિક ભાવ એ સાધન છે. ભાવાત્મક શ્રી ઠાકોરજીનું સાક્ષાત ફેળ છે.

 

ભાવ શાક્ષાત્ ભગવદ્દસ્વરૂપ અને અલૌકિક નિધિ છે. તાદ્દ્શી વૈષ્ણવનો સત્સંગથી ભાવ-ભગવાન-ભગવદ્દ સ્વરૂપનું સંરક્ષણ અને વૃદ્ધિ થાય છે.

 

આ સાથે જ સત્તર શ્લોકથી અલંકૃત ત્રેવીસમાં શિક્ષાપત્રનો વિચાર કરીએ. શ્રી આચાર્યચરણ હરિરાયજી શ્રી ગોપેશ્વરજીને સંબોધિત કરે છે. “ધ્રુતિ, સ્મૃતિ, વેદ, પુરાણ અને શ્રીભાગવત સર્વના સિદ્ધાંતને જાણો છો તો આ લૌકિકમાં મોહ સાથી પામો છે ?”

 

ભવતં: ધ્રુતિ સિદ્ધાંતા: કર્ય મુહ યંતિ લૌકિકે |

 

શ્રી ગોપેશ્વરજીને નિમિત્ત બનાવીને સૌ વૈષ્ણવ જીવને જણાવે છે. અલૌકિકમાં જે ચિંતા થાય છે તે તો વિષયના અભાવથી થતી નથી. એ ચિંતા અકારણ છે. “હે વૈષ્ણવો પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને, શ્રીમહાપ્રભુજીની આજ્ઞાને બહુ જ સારી રીતે જાણતા, સમજતા હોવા છતાં પણ આપ સૌ લૌકિક બાબતોમાં, લૌકિક વિષયોમાં આટલા બધા આશક્ત ! આટલા બધા મોહિત કેમ છો ?

 

અત્રે શ્રી હરિરાયચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે, જેને સેવા સ્મરણે છે, જેણે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંતોનો, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સારી રીતે જાણી છે, સમજી છે તેને લૌકિકમાંથી મન કાઢી લેવું જ પડશે. ચિંતા થવાનું કારણ એક ને એક જ છે. હૃદયની અંદરના લૌકિક વિષયોમાં મન હજી પણ સંલગ્ન છે. હજી પણ મન ઓતપ્રોત છે.

 

અને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો જોતા, જ્યાં સુધી લૌકિક વિષય હૃદયમાંથી નિવૃત્ત થતા નથી ત્યાં સુધી અલૌકિક ભાવ હૃદયમાં સ્થિર થતો નથી. તેથી જ ક્ષણે ક્ષણે અકારણ ચિંતા થાય છે. જ્યારે હૃદયમાં વિષયનો અભાવ થાય ત્યારે જ ચિંતા થતી નથી. આ પ્રકારે આપણા પુષ્ટિમાર્ગમાં લૌકિક તેમજ અલૌકિક એમ બંને પ્રકારની ચિંતા ન કરવી જોઈએ.

 

આપણા પુષ્ટિ પ્રભુ સર્વ સમર્થ છે. તેથી પિતાની જેમ અથવા પતિની જેમ પોતાના દાસોનું લૌકિક અને પારલૌકિક –બંન્ને આવશ્ય સિદ્ધ કરશે જ.

 

શ્રી ગુંસાઈજીચરણ વિજ્ઞાપ્તિમાં કહે છે કે, શ્રીકૃષ્ણ કર્તું, અકર્તું, અન્યથાકરતુ સર્વ સામર્થ્યવાન છે. તે પ્રભુ ભગવદીયોનું સર્વ કાંઈ પણ સિદ્ધ કરશે.

 

આથી જ ભગવાન સ્વયં પુષ્ટિમાર્ગમાં બિરાજમાન છે. તે લૌકિક ગતિ નહિ કરશે. પુષ્ટિમાર્ગ સમાન બીજો કોઈ માર્ગ નથી કે, જેમાં શરણે આવ્યા પછી લૌકિક ગતિ થતી નથી.

 

અને આમ, ચોથા શ્લોકમાં કહેવાય છે કે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને મર્યાદામાર્ગનાં વૈરાગ્યઆદિ સાધનનો અભાવ હોય તો પણ સત્ પુરુષની ગતિ પ્રાપ્ત થાય છે પરંતુ પુષ્ટિમાર્ગમાં તો શ્રીમહાચાર્યજીના ચરણારવિંદની રજકણ પણ ચિંતાના વિસ્તારનો નાશ કરે એવી બિરાજમાન છે.

 

|| ચિન્તાસન્તાન હ્ન્તારો, યત્પદામ્બુજરેણવ: ||

 

મર્યાદામાર્ગની એવી રીતિ છે કે, જ્ઞાન વૈરાગ્યની પરમગતિ થાય છે. જેટલા સાધન જીવ કરે તે પ્રમાણે ઉત્તમ ગતિની કક્ષાએ જીવ પ્રાપ્ત કરે. જો જીવ વધારે સાધન કરે તો વધારે કક્ષાઓ – વધારે સારું ફળ પ્રાપ્ત કરે છે.

 

અહીં તો ભગવદાશ્રય દ્વારા બૌધિક શુદ્ધિ થઇ જતાં, ગમે તે પરિસ્થિતિમાં માનવી ભગવદ્દપ્રાપ્તિનો અધિકારી બની શકે છે, એ દર્શાવ્યું. ‘વિવેકધૈર્યાશ્રય’ માં સાધનરૂપ આશ્રયનું અને ‘કૃષ્ણાશ્રય’ માં ફલરૂપ આશ્રયનું નિરૂપણ છે. ‘નવરત્ન’ ગ્રન્થમાં અષ્ટાક્ષર મંત્રનું વાચિક રટણ કરવાની આજ્ઞા કરી. ‘વિવેકધૈર્યાશ્રય’ ગ્રન્થમાં ‘સર્વથા – સર્વાથિ શરણં હરિ:’ આ વાક્ય સતત રટવાની આજ્ઞા કરી અને ‘કૃષ્ણાશ્રય’ સ્તોત્રમાં એ સ્તોત્રનો પાઠ પ્રભુ સમક્ષ કરવાની આજ્ઞા કરી.

 

‘યમુનાષ્ટક’ માં પણ ‘તાવાષ્ટ્કમિદં મુદા પઠિત સૂરસૂતે સદા’ એમ છેલ્લે કહીને જણાવ્યું કે આ સ્તોત્રના પાઠમાત્રથી જ પાંચ પ્રકારનાં ફળ મળશે. : (૧) સમસ્ત દૂરતિનો નાશ, (૨) મુરારિ પ્રભુની પ્રસન્નતા (૩) સ્વભાવ-વિજય (૪) સકલ સિદ્ધિની પ્રાપ્તિ અને (૫) મુકુંદ ભગવાનનાં રતિ. ષોડશ ગ્રંથોમાં વાચિક નિરોધની આ ભૂમિકા ધ્યાન ખેંચે એવી છે. આ દ્વારા આપશ્રી આડકતરી રીતે પોતાની વાણીમાં રહેલી મંત્રસિદ્ધિનું દર્શન કરાવે છે.

 

‘યમુનાષ્ટક’ અને ‘કૃષ્ણાશ્રય’ ના આખા જ પાઠ કરવાના છે; જ્યારે ‘નવરત્નનો’ અષ્ટાક્ષરમંત્ર અને ‘વિવેકધૈર્યાશ્રય’ નાં ‘સર્વથા – સર્વાથે શરણં હરિ:’ આ વાક્ય સતત રટવાનાં છે; અને બન્ને ગ્રંથોના અર્થોનું અનુસંધાન અંત:કર્ણ માં રાખવાનું છે. અર્થનુસંધાન વગર કરાતા પાઠથી ચિંતાની નિવૃત્તિ થતી નથી તેમજ વિવેક, ધૈર્ય અને આશ્રયની પ્રાપ્તિ થતી નથી.

 

આ બન્ને ગ્રંથો અર્થાનુંસંધાન માટે જ છે. વારંવાર એનું મનન, મંથન કરવું જરૂરી છે.

 

‘વિવેકધૈર્યાશ્રય’ ગ્રંથ અને અંત:કરણની શુદ્ધિ માનવ કેવળ શરીરનો બનેલો લાખનો લખોટો નથી; તેમ જ મનબુદ્ધિનો તેજલિસોટો પણ નથી; પરંતુ પ્રભુ પાસેથી ટન અને મનની અખૂટ સંપત્તિ અને સમૃદ્ધિ લઈને આવેલો મોટો શેઠિયો હોવા છતાં વેઠિયો બની ગયો છે, જેથી ટન અને મનની ગુલામગીરી કર્યા કરે છે. જ્યારે તન-મન પ્રભુને સમર્પિત કરે, પછી એ શેઠિયો નહીં સેવક બની જાય છે. સેવક બનવું એ જ ભગવદીય જીવન માટેનું પ્રથમ સોપાન છે. બ્રહ્મસંબંધ –આત્મનિવેદન કરાવી શ્રીમહાપ્રભુજી એ શેઠિયાને સેવક બનાવે છે.

 

‘સેવક’ ભાવ અવિરત હૃદયમાં વહેતો રહે, તે માટે ‘સેવાધર્મ’ નું દાન કરે છે. શ્રીમહાપ્રભુજીએ પ્રકટ કરેલો આ ‘સેવામાર્ગ’ કે ‘સેવાધર્મ’ દૈવી જીવને મળેલું એક દિવ્ય દર્શન છે.

 

આમ અત્રે ૨૩મું શિક્ષાપત્ર સંપૂર્ણ કરાય છે. સાચી અને વધુ જાણકારી માટે શિક્ષાપત્ર ગ્રંથનો અનુસંધાન સ્વીકારો એજ જરૂરી છે.

 

 

લેખક સંકલન-વ્રજનિશ શાહBOYDS-MD-U S A
[email protected]
[email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

(૨૪)  વ્રજ મૈ એક અચંભો દેખ્યો … (પદ) …

 

 

 

 

મોરમુકુટ પીતાંબર ધારે, તુમ ગાઇનિ સંગ પેખ્યો
ગોપબાલ સંગ ધાવત તુમ્હરેં, તું ઘર ઘર પ્રતિ જાત
દૂધ દહી અરુ મહી લૈ ઢારત, ચોરી માખન ખાત
ગોપી સબ મિલિ પકરતી તુમકો, તુમ છુડાઈ કર ભાગત
“સૂરસ્યામ” નિતપ્રતિ યહ લીલા, દેખિ દેખિ મન લાગત

 

 

ઉધ્ધવજી ૬ માસ પછી વ્રજ છોડીને મથુરા પધાર્યા ત્યારે કૃષ્ણને કહે છે કે મે એક અચંભો (કૌતુક) જોયો વ્રજમાં મને ખબર હતી કે આપ મથુરામાં છો તેમ છતાંયે મે આપને વ્રજમાં મોરમુકુટ પીતાંબર ધારણ કરીને ગાયોનાં ટોળાંઑ વચ્ચે વાંસળી વગાડતાં જોયેલા, ક્યારેક મે આપને ગોપબાલકો સંગે ઘર ઘરમાં પ્રતિદિન દોડતાં જોયેલા, ક્યારેક આપને મે દહી, દૂધ, માખણની ચોરી કરતાં પણ જોયેલા તો ક્યારેક કોઈક ગોપીનો હાથમાંથી હાથ છોડાવીને ભાગતા પણ જોયેલા. હું આશ્ચર્યમાં છું કે આપની હાજરી મથુરામાં છે તેમ છતાંયે આપને મે ગોકુલમાં શી રીતે જોયા? સૂરદાસજી કહે છે કે ઠાકુર આપની આ લીલા નિત નિત જોઈને મારું મન તેમાં લાગેલું રહે છે. ભ્રમરગીત પર આધારિત આ પદમાં એમ કહી શકાય કે ઉધ્ધવજીએ જોયેલી આ લીલામાં તેમણે કૃષ્ણને ગોકુલમાં નથી જોયાં પરંતુ કૃષ્ણરૂપ ગોપીઓ હતી, જેઑ આ ક્રીડાઓ કરી રહી હતી. તેથી જ એક જ સમયે ઉધ્ધવજીએ અલગ અલગ લીલાઑ થતી જોઈ.

નોંધ-સુરસ્યામ રચિત પદોની રચના શ્રી ઠાકુરજીએ કરેલી છે.

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

ભ્રમરગીત પર આધારિત ….

  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …