‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ … (પ્રાથમિક) …

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી  – રૂબરૂ ’  …(પ્રાથમિક) … 
– ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

 

 

Homeopethy video episode

 

‘દાદીમા ની પોટલી’ ના તમામ સુજ્ઞય વાચકમિત્રો સાથે છેલ્લા ઘણા સમય થી સ્વાસ્થ્ય, રોગ અને હોમીઓપેથી વિષે ની પ્રાથમિક જાણકારી આપવી અને સાથે ને સાથે આપ સર્વે સાથે કોઈને કોઈ બહાને વાતો કરવી ડૉ.પાર્થ  માંકડ તેમજ ડૉ.ગ્રીવા છાયા  ને ખુબ ગમે છે, એમાં પણ આપના પ્રતિભાવો અને ડૉ.પાર્થ તેમજ ડૉ. ગ્રીવા નો શુભ ઈરાદો, એ અમને પણ આપ સર્વેને કશુંક વધારે આપવા નો ઉત્સાહ પૂરો પડે છે. આપને જણાવતા આનંદ થાય છે કે, આપ સર્વે અમારા લેખ ના ‘વાચકમિત્રો’ હવે અમારા માટે ‘પ્રેક્ષક્મીત્રો’ થશો …

 

કારણ, ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ – રૂબરૂ ‘ શ્રેણી  દ્વારા  (વિડ્યો શ્રેણીથી) ડૉ. પાર્થ આપને વિડીઓ સ્વરૂપે રૂબરૂ મળવા આવશે.

 

આ એક વિડીઓ આર્ટીકલ સીરીઝ ડૉ. પાર્થ માંકડ દ્વારા રજૂ  થશે;  જેમાં આપ શરૂઆતમાં,  સ્વાસ્થ્ય, રોગ તેમ જ હોમીઓપથી વિષે ની સામાન્ય માહિતી મેળવશો અને ત્યાર બાદ શરીર ના તમામ તંત્રો વિષે ની સમજણ અને તેમાં થતા રોગ ઉપર ની સમજણ …આ બધું જ આપને આપની જ ભાષા, ગુજરાતીમાં આપ સુધી પહોચાડવા નો નમ્ર પ્રયાસ કરાશે.

 

તો મિત્રો, આપ લગભગ દર ૧૫ દિવસે, માત્ર ૧૫ એક મિનીટ જેટલો સમય ફાળવી … સ્વાસ્થ્ય ની જાણકારી અંગેનો વિડીઓ સાંભળશો અને આપના પ્રતિભાવ દ્વારા આપના સુચન અને સ્વાસ્થ્ય અંગેના આપના ઉદભવતા પ્રશ્નો પણ મોકલતા રહેશો તેવી નમ્ર વિનંતી સાથે અમે આશા રાખીએ છીએ….

 

સ્વાસ્થ્ય અંગેની યોગ્ય પ્રાથમિક જાણકારી ગુજરાતી ભાષામાં વિડ્યો કલીપ દ્વારા આપવા માટે અમોએ ડૉ. પાર્થ માંકડ દંપતી નો  સહયોગ મેળવી એક નમ્ર પ્રયાસ  કરેલ છે., આપ સૌ ગુજરાતી ભાષાનાં  જાણકાર મિત્રો માટે આનંદ સાથે ગૌરવની વાત છે. , ઉપરોક્ત શ્રેણી ‘દાદીમા ની પોટલી’  પર શરૂ કરવા બદલ  ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છયા માંકડ નાં અમો અંતરપૂર્વક થી આભારી છીએ.

 

શુભમ ભવતુ !!

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ ‘ (પ્રાથમિક )

 

 વિડ્યો કલીપ લીંક :

http://www.youtube.com/watch?v=C5aN91PmyTM
 

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

આજથી શરૂ થતી  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ -રૂબરૂ શ્રેણી’ ની બ્લોગ પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ દ્વારા આપના મંતવ્યો જરૂર જણાવશો. આપના  પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

 

 

ડૉ.પાર્થ માંકડ ના સંપર્ક ની વિગત :

ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM
‘હોમીઓક્લીનીક’
6, નંદનવન ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ.

મોબાઈલ : +9197377 36999; +9194288 99282

E mail : [email protected]
Web add : www.homeoeclinic.com

 

નોંધ : ડૉ.નો રૂબરૂ સંપર્ક કરતા અગાઉ મોબાઈલ ફોન દ્વારા પૂર્વ એપોઇન્ટમેન્ટ મેળવી સંપર્ક કરવા વિનંતી, જેથી કેરી આપને તેમજ ડૉ. માંકડ દંપતિ ને સરળતા રહે અને આપને વિના કારણ સમય બરબાદ કરવો ન પડે તેમજ આપ સંતોષકારક રીતે માર્ગદર્શન મેળવી શકશો. … આભાર! ‘દાદીમા ની પોટલી’

શિક્ષાપત્ર મું ૨૭ … અને (૨૮) સૂરદાસ નૈન ન મેરે હાથ અર્હે … (પદ) …

|| શિક્ષાપત્ર મું ૨૭ || …

 

 

mahaprabhuji.1

 

 

૨૭ મું શિક્ષાપત્ર સમજીએ તે પૂર્વે ૨૬ માં શિક્ષાપત્રનો સાર જોઈ લઈએ. પુષ્ટિ જીવોનાં મુખ્ય ચાર કર્તવ્યો જાણી લેવા જરૂરી છે. પ્રથમ તો દુઃસંગથી દૂર રહેવું જોઈએ, બીજું લૌકિક સંબંધીઓથી ભગવદ્ભાવ ગુપ્ત રાખવો, ત્રીજું ભક્તોના વચન અને સત્સંગથી આપણાં ભગવદ્ભાવની સતત વૃધ્ધિ કરવી અને ચોથું લૌકિક વૈદિક પ્રવૃતિઓમાં ચિત્ત ઓછું રાખવું.

 

એજ પ્રમાણે શ્રી પ્રભુનાં પણ ભક્ત પ્રત્યેના મુખ્ય બે કાર્યો છે. પોતાના ભક્તોને ભક્તિથી પોષાતા એવાં સેવા સ્મરણમાં સતત પ્રવૃત રાખવા અને ભક્તિમાં અવરોધક લૌકિક વૈદિક સાધનોથી દૂર દૂર રાખવા. પુષ્ટિ વૈષ્ણવ જીવે શ્રી ઠાકુરજીની જેમ શ્રી મહાપ્રભુજીનાં ચરણ કમળનું રાતદિવસ ધ્યાન કરવું, અને આજ વિચારને નિરૂપિત કરાતું શિક્ષાપત્ર સત્યાવીશનો પ્રથમ શ્લોક

 

નિજાચાર્યપદાંભોજ યુગલાશ્રયણં સદા ।
વિધેયં તેન નિખિલં ફલં ભાવિ વિના શ્રમમ્ ।।૧।।

 

જો શ્રી મહાપ્રભુજીનાં ઉભય ચરણકમળનો સદા આશ્રય કરવામાં આવે, તો શ્રમ વિના અને સાધન વિના પ્રભુની કૃપાએ સર્વ ફળની સિધ્ધી થાય છે. પુષ્ટિમાર્ગીય ફળ પ્રાપ્તિમાં મુખ્ય ચાલીશ દોષો બાધક છે. જેનું વર્ણન બીજા શ્લોકથી અગિયારમાં શ્લોક સુધી આ ચાલીસ દોષોનું વર્ણન છે.

 

ધનં ગ્રહં ગૃહાસક્તિઃ પ્રતિષ્ઠા લોકવેદયોઃ ।
કર્માદિનિષ્ઠા સ્વર્ગાદિફલ કાંક્ષિણમ્ ।।૨।।

 

ધન, ઘર, ગૃહમાં આસક્તિ, પ્રતિષ્ઠા, લોક-વેદમાં, કર્મ નિષ્ઠા, સ્વર્ગ વગેરે ફળની ઈચ્છા આ વર્ણિત દોષો તથા ત્રીજા શ્લોકમાં અતિ પ્રેમ ભક્તિ વિરોધી વિષયોમાં આસક્તિ, વિષય ભોગની ઈચ્છાથી લાલસાથી કરાયેલું ભોજન વગેરે શ્રી પ્રભુને ભૂલાવનારા છે.

 

દેહાભિમાનઃ કુલજો નિદ્યાદિનિહિતોડપિચ
ભગવદ્સેવનાંભાવસહિતં, દેહપોષણંમ્ ।।૪।।

 

અસત્સંગૈઃ સદા દુષ્ટઃ કૃષ્ણાનુચ્છિષ્ટભક્ષણમ્ ।
નિવેદનાનુ સંધાનત્યાગઃ શરણવિસ્મૃતિઃ ।।૫।।

 

ઉપરોક્ત શ્લોકોનાં શબ્દાર્થ જ પૂર્ણ સમજાય એવા છે. જેમકે અભિમાન, દેહાભિમાન, કુલાભિમાન, વિદ્યાપ્રાપ્તિનુ અભિમાન, ભગવદ્સેવાનાં ભાવ વગરથી પોષાયેલું શરીર વગેરે ભગવદ્ સેવામાં અવરોધક છે, તેમજ અસત્પુરુષનો સહેવાસ, પ્રભુને ગ્રહણ કરાવ્યાં વગરનું ભોજન આરોગવું, નિવેદન મંત્રનાં અનુસંધાનનો ત્યાગ, પોતાના પ્રભુ અને ગુરૂ પ્રત્યે શરણારગતિનિ વિસ્મૃતિ, દોષોથી ભગવદ્ પ્રાપ્તિ માટે અવરોધ રૂપ છે. જ્યારે જીવનાં વધારે દોષો છઠ્ઠા, સાતમા અને આત્મા શ્લોકમાં આ પ્રમાણે નિરૂપિત કરાયા છે. જેવા કે સકામ ફળની પ્રાપ્તિનાં લોભ લાલચથી અન્ય દેવોનો આશ્રય અને તેમની પૂજા, પ્રાર્થના કરવી, મનને ભ્રમિત કરાતી લૌકિક વેપાર વૃતિ તથા ગુરૂનો દ્રોહ ભગવદીયો કરતાં પોતાની જાતને વધુ મહાન સમજવી, પોતે વધુ જ્ઞાની અને ઉચ્ચવર્ગ અથવા ઉચ્ચકુલનો છે તેવું ગુમાન રાખવું, સર્વ શક્તિમાન હોવાનો ભાવ રાખવો, ઇન્દ્રિયોનું વધુ પડતું પોષણ કરવું, સ્ત્રી, પુત્ર….વગેરે સંસારનાં સંબંધો માટે મનમાં લગાવ ઊભો કરવો, જ્યાં પોતાનો સ્વધર્મ ન હોય તેવી જગ્યાઓમાં વધુ રહેવું, અને ત્યાં રહેતાં લોકોનાં હસ્તે ખાનપાન કરવું વગેરે દોષો ભગવદ્ પ્રાપ્તિ માટે બાધક અને અવરોધક બને છે.

નવમા, દસમા અને અગિયારમાં શ્લોકથી કહેવામાં આવ્યું છે કે

 

હર્ષશોકૌ લોકલા ભસ્તદ ભાવકૃતૌ તથા ।
સ્વાતંત્ર્યભાવનં સ્વસ્ય જીવસ્વાભાવિકો હઠઃ ।।૯।।

 

અધિકારઃ પાપરતિઃ પક્ષપાતો દુરાત્મનામ્ ।
હૃદયક્રૂરતા દીનજનોપેક્ષાડક્ષમા પુનઃ ।।૧૦।।

 

એતે ચાડન્યે ચ બોધ્વા દોષા વિસ્મારકા હરેઃ ।
સાવધાનીભૂય દાસેઃ કૃષ્ણસ્ય સ્થેય માહરાત્ ।।૧૧।।

 

અર્થાત્ લૌકિકમાં લાભહાનિથી આનંદ કે આઘાતની લાગણી અનુભવવી, હર્ષ કે શોક કરવો, પોતાનાંમાં રહેલી સ્વાતંત્ર્ય અને સ્વહકની ભાવનાને પોષણ આપવું, અધિકારપણું જમાવવું, બીજી વ્યક્તિઓને તુચ્છ માનવાં, પાપ કરવામાં અને દુષ્ટ લોકો સાથે જ પ્રીતિ રાખવી, હૃદયમાં ક્રૂરતાની ભાવનાને પોષવી, નબળા લોકો સાથે ઉપેક્ષાભર્યું વર્તન રાખવું, વેરઝેર રાખવા…….આમ આવા અનેક દોષોનો આશ્રય વૈષ્ણવોને શ્રી હરિથી દૂર લઈ જાય છે, માટે કૃષ્ણનાં દાસોએ અને સેવકોએ સદાયે સાવધાન રહેવું જોઈએ.

 

“સાવધાની ભૂય દાસૈઃ કૃષ્ણસ્ય સ્થેયમાદરાત્”।

 

પુષ્ટિમાર્ગમાં બાધક ઉપરોક્ત ચાલીસ દોષોને વિચારાયા છે. આમાંના ઘણા દોષોનું મૂળ કારણ ધન, લોભ, મોહ, મદ ઈર્ષા વગેરે પોતાની પાસે રહેલી શક્તિ છે. આપણે સૌ વૈષ્ણવો શ્રીજી અને શ્રીજીનાં અંશમાંથી ઉત્પન્ન થયેલા પુષ્ટિજીવો છીએ, તેથી આપણે પુષ્ટિજીવોએ આપણાં ગુરૂ શ્રી વલ્લભ અને શ્રી વલ્લભકુલ બાલકો અને શ્રીજી એ બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ અને કૃષ્ણ સેવામાં મગ્ન રહેવું જોઈએ.

 

પુષ્ટિમાર્ગમાં સાધક એવા ગુણનો હવે પછીનાં શ્લોકમાં ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણનાં અને મહાપ્રભુજી શ્રી વલ્લભનાં ચરણાર્વિંન્દને જ સર્વસ્વ માનીને પુષ્ટિજીવોએ તેમનાં ચરણાર્વિંન્દમાં જ અત્યંત આદર રાખવો જરૂરી છે.

 

ભગવન્નમાર્ગમાત્રસ્થૈસ્તન્માર્ગ ફલાંકાંક્ષિભિઃ ।
વિરક્તૈરન્યતઃ કૃષ્ણગુણાસકતાંતરાત્મભિઃ ।।૧૨।।

 

અર્થાત્ જે વૈષ્ણવો ભક્તિમાર્ગમાં જ સ્થિતિ કરી રહેલા છે. આ ભક્તિમાર્ગનાં ફળની ઈચ્છાવાળા છે, અન્યથી વિરક્તિ છે, અને તેમના અંતરાત્મા શ્રી કૃષ્ણનાં ગુણમાં જ આસક્ત છે. આમ આ શ્લોકોથી શ્રી હરિરાયચરણ ઉપરોક્ત જણાવેલ દોષોથી દૂર રહેવા ભગવદ્માર્ગમાં આસક્ત રહેવા જણાવે છે. તથા

 

સ્વાચાર્યશરણં યાતૈસ્તદ્ વિશ્વાસસમન્વિતૈઃ ।
પરિત્યકતાખિલૈઃ સ્થેયં સદા તદ્રુર્શનોત્સુકૈઃ ।।૧૩।।

 

અર્થાત્, શ્રી મહાપ્રભુજીને શરણાંગત, તેમનામાં વિશ્વાસયુક્ત સદા હોય સર્વનો પરિત્યાગ કરનારા અને સદા શ્રી કૃષ્ણનાં દર્શનમાં ઉત્સાહવાળા વૈષ્ણવને એવા ભગવદ્માર્ગમાં સ્થિતિ કરવી.

 

પુષ્ટિજીવે લૌકિકમાં રહેવા છતાં લૌકિકનો રંગ ન લાગે તે રીતે વિરક્તિ કેળવવી, અને લૌકિક સંબંધો, વિષયોની વચ્ચે પણ જલકમલવત્ રહેવું. વળી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો પાસે તો પ્રભુને પામવાનો ઇચ્છનીય ગુણ છે તે ગુણને જ પુષ્ટિ સેવકોએ વળગી રહેવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણમાં આસક્તિ દ્વારા સર્વાત્માભાવની મક્કમતા અને દ્રઢતા એ ચોથો ગુણ છે. પ્રભુ સિવાય બીજો કોઈ વિચાર, બીજું કોઈ કર્તવ્ય જ નથી. સેવા સ્મરણ દ્વારા હૃદયમાં સર્વાત્માભાવ પ્રકટાવવાની આવશ્યકતા છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે કે ફક્ત પ્રકટાવવાની જ નહીં પરંતુ તે સર્વાત્માભાવ દ્રઢ કરવો જોઈએ, અને દ્રઢ હોવો જોઈએ.

 

પાંચમો ગુણ તે સત્સંગ છે. ભગવદીયોનાં સંગમાં રહેવું અને ભગવદીયોનાં મુખેથી ભગવદ્કથાનું શ્રવણ પાન કરવું અને શ્રવણ કર્યા બાદ સતત સ્મરણ કરવું તેનું નામ જ સત્સંગ છે. છઠ્ઠો ગુણ તે ભગવાન શ્રી શ્રીજી અને શ્રી મહાપ્રભુજીનાં ચરણાર્વિન્દમાં દ્રઢ આશ્રય કરવો. સાતમો ગુણ તે પુષ્ટિમાર્ગીય જીવથી વિરુધ્ધ જે કંઇ લૌકિક વૈદિક, વિષય વિચાર હોય અને જે આપણને શ્રી પ્રભુથી વિમુખ કરતાં હોય તેવા તત્વોથી અલગ રહેવું. પ્રભુનો નવમો ગુણ તે શ્રીજી ચરણની અને ગુરૂ ચરણનાં દર્શનની સતત અભિલાષા અને એ અભિલાષાનો દીવો સતત પ્રજાળીને રાખવો તે પુષ્ટિજીવોનું કર્તવ્ય છે. પ્રભુ અને ગુરૂના દર્શન પહેલા વિરહ ભાવનાને કેળવવી અને દર્શન કરતી વખતે ઉત્સાહભાવ રાખવો. આમ હરિરાયજીચરણે કહ્યું છે કે પુષ્ટિજીવોએ નવ પ્રકારનાં ગુણ હૃદયમાં સ્થિત કર્યા હોય ત્યારે જ પુષ્ટિજીવ સર્વ દોષોથી મુક્ત રહી શકે છે. પરંતુ આ સર્વ દોષોથી જીવ ત્યારે જ મુક્ત થાય જ્યારે પ્રભુની કૃપા ઉતરે છે. જો પુષ્ટિસેવકોએ પ્રભુની કૃપા પોતાના પર ઇચ્છતા હોય તો તેમણે ભગવદીયનો સંગ કરવો જોઈએ.

 

હવે સેવામાં જે વિઘ્નરૂપ બને છે અને આપણને જે પ્રભુથી વિમુખ રાખે છે તેવા મુખ્ય ત્રણ પ્રતિબંધનું વર્ણન ત્રણ શ્લોકથી નિરૂપિત કરવામાં આવ્યું છે. જેમાં પહેલો પ્રતિબંધ ઉદ્વેગ બતાવે છે.

 

ઉદ્વૈગઃ પ્રતિબાંધો વા ભોગશ્વાડપિ પ્રજાયતે ।
પ્રતિબંધ સવનં તૈઃ પ્રત્યાશા કા ફલસ્ય હિ ।।૧૭।।

 

ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ ઉતપન્ન થાય છે તે સેવામાં બાધક બને છે. કારણ કે આ તત્વો મનમાં ચિંતા ઉત્પન્ન કરાવે છે જેનાં કારણે મન સેવામાંથી નીકળી ભટકવા લાગે છે, અને જ્યારે મન જ ભટકવામાં હોય ત્યારે સારી સેવા શી રીતે થવાની? આથી આપણને સેવાનું ફળ અર્થાત્ આપણાં શ્રી પ્રભુની સેવાનો આનંદ મળતો નથી.

 

તથાપિ શ્રીમદાચાર્ય ચરણાશ્રયમણાન્મ્મ ।
નિર્વતતે નિરાશં સન્ન મનઃ ફલલબ્ધિતઃ ।।૧૮।।

 

આમ છતાં પણ શ્રીમદાચાર્યનાં આશ્રયને લીધે મારી નિરાશા નિવૃત થાય છે અને મને પુષ્ટિમાર્ગીય ફળ પ્રાપ્ત થશે તેવા ભાવથી મનમાં વિશ્વાસ આવે છે.

 

આમ અત્રે શ્રી હરિરાયજીચરણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે આ શિક્ષાપત્રમાં વર્ણવાયેલા ચાલીસ દોષોથી અને ઉદ્વિગ, પ્રતિબંધ અને ભોગોથી પ્રયત્નપૂર્વક અને સમજણપૂર્વક નિવૃત થઈ, નવ ગુણોને ગ્રહણ કરી પ્રભુ અને ગુરૂસેવા અર્થે તત્પર થવું જોઈએ અને સદાયે તેમનાં ચરણનો અને શરણનો આશ્રય રાખવો જોઈએ. કારણ કે ગુરૂ અને પ્રભુની શરણાર્ગતિ અને તેમનાં શ્રધ્ધા, વિશ્વાસપૂર્વક આશ્રયને કારણે જ પુષ્ટિજીવોને સમસ્ત ફળની પ્રાપ્તિ થાય છે જેને કારણે તેમને પુષ્ટિમાર્ગીય ફલ અર્થાત શ્રી ઠાકુરજીની પ્રાપ્તિ સરળતાથી થાય છે. આમ અત્રે શિક્ષાપત્ર ૨૭ સમાપ્ત કરાય છે આ વિષયની સંપૂર્ણ જાણકારી માટે અવશ્ય શિક્ષાપત્ર ગ્રંથનું વાંચન શ્રધ્ધાપૂર્વક કરવું જરૂરી છે.

 

શેષ શ્રીજી કૃપા.

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.
 
[email protected]
[email protected]
 
સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]
 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.
 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૨૮) સૂરદાસ નૈન ન મેરે હાથ અર્હે … (પદ) …

 

kaano n surdas

 

નૈન ન મેરે હાથ અર્હે
દેખત દરસ સ્યામ સુન્દરકૌ, જલ કી ઢરનિ બહે.
વહ નીચે કૌં ધાવત આતુર, વૈસિહિ નૈન ભએ.
વહ તો જાઇ સમાત ઉદધિ મૈં, યે પ્રતિ અંગ રએ.
વહ અગાધ કહું વાર પાર નહિં, યેઉ સોભા નહિં પાર.
લોચન મિલે ત્રિવેના હ્યૈકૈ, સૂર સમુદ્ર અપાર.

 

ગોપીઓ કહે છે કે સુંદર શ્યામનાં દર્શન કરતાં જ અમારી આંખો અમારા વશમાં નથી રહેતી. સુંદર શ્યામનાં દર્શન થતાં જ પાણીની જેમ તે શ્યામસુંદર ઉપર ઢોળાઇ જાય છે. પાણી જેમ નીચેના ઢાળ તરફ વહે તેમ અમારી આંખો પણ કેવળ શ્યામસુંદરને જ જોવા લાગે છે. પાણી તો જઇને નદી સમુદ્રમાં સમાઇ જાય છે, પણ આ અમારી આંખો તો કૃષ્ણના પ્રત્યેક અંગની આરપાર મોહિત થઇ જાય છે. (અહીં આ વાક્યનો અર્થ લૌકિકમાં ન કરવો) સમુદ્ર અગાધ છે, એને આરો કે ઓવારો નથી, તેમ અમારા કૃષ્ણની પણ શોભાનો પાર નથી “સુરદાસજી” કહે છે કે ગોપીઓની આંખો ત્રિવેણીસંગમ થઇને અપાર સમુદ્રરૂપી કૃષ્ણમાં ભળી ગઇ છે.

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]
 
  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

હોળી પર્વની આપ સર્વેને ‘દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઑ.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …. શ્રી વલ્લભ સાખી … (૧-૫)

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …. 
શ્રી વલ્લભ સાખી   …   (૧-૫) …

-મહેશ શાહ, વડોદરા

ભાગ – [૧]

vallabh sakhi

 

 

આપણા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ દૈવી જીવોના ઉધ્ધારનું કાર્ય અને કર્તવ્ય વલ્લભ વંશને સોપ્યું છે અને તે માટે જ આપનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કરી ત્યાર બાદ જ ભૂતલ પરથી વિદાય લીધી છે. શ્રી ગુંસાઈજીના દ્વિતીય લાલ શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાયજીને પણ તેમની ભક્તિ, તેમની વિદ્વતા, તેમના જ્ઞાન અને તેમની પુષ્ટિ સાહિત્ય રચના જેવી અનેકવિધ ઉપલબ્ધીઓને કારણે મહાપ્રભુજી કહેવામાં આવે છે. આપશ્રીના શિક્ષાપત્રો અત્યંત જાણીતા છે અને દરેક વૈષ્ણવના ઘરની શોભા વધારે છે. આપશ્રી દ્વારા સર્જાયેલા વિપુલ સાહિત્યમાં ‘શ્રી વલ્લભ સાખી’નો પણ સમાવેશ થાય છે. તેમાં શ્રી વલ્લભાચાર્યજી, આપનો વંશ, વ્રજ, વૈષ્ણવ રત્નો અને અલબત, પ્રભુ સેવાની સાર રૂપ વાતો કાવ્યાત્મક શૈલીમાં કહેવાઈ છે. આ રસાત્મક ગ્રંથનું ‘સત્સંગ’ના માધ્યમે અવગાહન કરવાનો ઉપક્રમ છે. દર મહીને થોડું થોડું રસપાન કરીને આપણે ધન્ય બનીશું. આવો આપણે હરિ, ગુરુ, વૈષ્ણવના ચરણોમાં ભાવ પૂર્વક વંદી પ્રારંભ કરીએ.

 

श्री वल्लभ पद वंदो सदा, सरस होत सब ‍‌‌‌‌‌‍ज्ञान |
‍’रसिक’ रटत आनंद सों, करत सुधारस पान. |१|
કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે જેને પૂજ્ય અથવા શ્રદ્ધેય માનતા હોઈએ તેમના આશીર્વાદ યાચીને કરાય. આ જ ભારતીય સંસ્કૃતિ છે. મંગલાચરણમાં શ્રી હરિરાયજી શ્રી વલ્લભને જ પ્રાર્થે છે કારણ કે આપની કૃપાથી જ સાચું અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. શ્રી વલ્લભનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. દૈવી જીવોને આ કરાલ કલિ કાલમાં પણ શ્રીકૃષ્ણની સારસ્વત કલ્પની લીલાનો આસ્વાદ અને અનુભૂતિ આપવા આપે ભૂતલ પર પધારવાનો પરિશ્રમ કીધો છે. આથી જ સાચા અને સારા, કહો કે દિવ્ય આધ્યાત્મિક જ્ઞાનના દાતા તો શ્રી વલ્લભ જ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રારંભે જ આપનું ‘આનંદ’ એવું નામ બિરાજે છે અહીં શ્રીહરિરાયજી કદાચ એ જ નામ લેતાં કહે છે કે શ્રી વલ્લભનું નામ સ્મરણ કરવાથી અમૃતનું પાન કરવા મળે છે. સ્વર્ગનું અમૃત તો માત્ર મૃત્યુથી રક્ષણ આપે છે, શ્રી વલ્લભ સુધા તો પ્રભુથી વિખુટા પડેલા જીવને પ્રભુ સાથેનો સંબંધ જોડી આપે છે.

 

ओर कछु जान्यो नहीं, बिना श्री वल्लभ एक |
कर ग्रहि के छांड़े नहीं, जिनकी ऐसी टेक |२|
શ્રી હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ સિવાય હું કાંઈ જાણતો જ નથી. વાત એકનિષ્ઠ દ્રઢ આશ્રયની છે. ભક્તની આસ્થા, શ્રદ્ધા અને નિષ્ઠાનું ધ્રુવ કેન્દ્ર શ્રી વલ્લભના ચરણારવિંદ જ હોવાં ઘટે. આ દ્રઢતા અકારણ નથી, આ શ્રદ્ધા છે અંધશ્રદ્ધા નહીં તે દર્શાવતા શ્રી હરિરાયજી કહે છે કે મારા શ્રી વલ્લભનું બિરૂદ એવું છે કે એક વાર જીવનો હાથ પકડે પછી ક્યારે ય છોડતા નથી. શ્રી મહાપ્રભુજીના સેવક રામદાસજી ચરિત્ર પરથી પણ આ જ વાત સિદ્ધ થાય છે. અત્યંત ગુસ્સામાં પણ, વૈષ્ણવોનો અપરાધ કર્યો હતો છતાં મહાપ્રભુજીએ માત્ર વૈદિક વિધિથી ત્યાગ કર્યો હતો. આપે દિલથી ક્યારેય અળગા કર્યા ન હતા.

 

श्री वल्लभ वल्लभ रटत हों, जहाँ देखो तहां येह |
इन्हीं छांड और हीं भजे, तो जर जावो वा देह |३|

 

માત્ર અવિરત સ્મરણ જ નહીઁ શ્રીહરિરાયજીને તો અત્ર તત્ર સર્વત્ર શ્રી વલ્લભનાં જ દર્શન થાય છે. આપણને ગુજરાતીઓને કવિ કલાપીની પેલી પંક્તિઓ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે…’ યાદ આવી જ જાય. મર્યાદા માર્ગમાં પણ કહેવાયું છે કે દરેક જીવમાં પરમાત્માને જુઓ. આપણે વૈષ્ણવોએ તો ‘દ્વિવિધ આંધરો’ અને ‘એહી તેહી, તેહી એહી’ ની ગળથૂથી પીધી હોવાથી શ્રી વલ્લભ અને શ્રીજી બાવામાં કશો ભેદ દેખાતો જ નથી. જો બધે જ શ્રી વલ્લભના દર્શન થાય તેવી તન્મયતા પ્રાપ્ત થઇ હોય તો પછી બીજું કાઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. આવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી, સાકરનો સ્વાદ ચાખી લીધા પછી ભલા ખાખરાના સ્વાદમાં રસ આવે ખરો? ન જ આવે. આથી જ શ્રી હરિરાયજી કહે છે કે એમને છોડીને અન્યને ભજવા કરતાં તો આ દેહ ભસ્મીભૂત થઇ જાય તે જ યોગ્ય છે. દ્રઢ નિર્ણય ધરાવનારા હંમેશા ‘Do or Die’ ની ખુમારી ધરાવતા હોય છે. તેવી જ રીતે દ્રઢ આશ્રય ધરાવનારા પણ અન્યાશ્રય કરવા કરતાં દેહ પાડી દેવાને તૈયાર થઇ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એ જ વાત છે કે અન્ય ધર્મ ભયાવહ છે, તેના કરતાં પોતાના ધર્મમાં નિધન શ્રેયસ્કર છે.

 

देवी देव आराधिके, भूल्यो सब संसार |
श्री वल्लभ नाम नौका बिना, कहो को उतर्यों पार |४|

 

હિંદુ ધર્મમાં જ ૩૩ કરોડ દેવી-દેવતા માનવામાં આવે છે; અન્ય ધર્મોના તો જુદા! આપણાં આખા કવિ અખાએ ગયું છે કે ‘પથ્થર એટલા પૂજ્યા દેવ’. સમગ્ર સંસારના લોકો અનેક દેવી દેવતાઓને યાચીને સંસારમાં અટવાતા રહે છે. રણમાં ભૂલા પડેલા વટેમાર્ગુની જેમ ઝાંઝવાના જળ પાછળ ભટકતા રહે છે. પોતાનું સાચું શ્રેય શામાં છે તે ભૂલી જાય છે. સંસાર સાગરમાં અનેક અવરોધો રહેલા છે. ઊંચા મોજાઓ, ભરતી, ઓટ, ઝંઝાવાતી પવનો, વિકરાળ જળચરો સૌ મળી માણસની જીવન યાત્રાને વિકટ બનાવે છે. આ સમસ્યા વિકટ છે પણ પ્રભુ નિકટ ન હોય તો જ. આ અફાટ સમંદર પાર કરવા માટે એક આસાન ઉપાય છે શ્રી વલ્લભ નામ નૌકાનો આશ્રય. જેઓ કૃપાથી વંચિત રહી ગયા છે અને આ નૌકાનો સહારો નથી મળી શક્યો તેમના માટે પાર ઉતરવું અત્યંત દુષ્કર, કહો કે અસંભવ છે. તેમને તો અહીં જ ડુબકા ખાતા રહેવાનું છે.

 

ऐसे प्रभु क्यों विसारिये, जाकी कृपा अपार |
पल पल में रटते रहो, श्री वल्लभ नाम उच्चार |५|

 

આપણને ભવસાગર પાર ઉતારવાની પારાવાર કૃપા કરે તેવા પ્રભુને કેમ ભૂલીએ? આપણું નાનું પણ કામ કરી આપનારને પણ આપણે ક્યારે ય ભૂલતા નથી તો પછી આવી અસીમ કૃપા કરનારા પ્રભુને તો કેમ વિસરીએ? શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રત્યેક પળે શ્રી વલ્લભના નામનું રટણ કરતા રહેવું જોઈએ. આમ પણ આચાર્યશ્રીનો સિધ્ધાંત જ છે કે ગાયના શીંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું અનુસંધાન છૂટે તો આસુરાવેશ થઇ જાય. આચાર્યજીની કૃપાથી પ્રભુએ આ પરમ પાવક પુષ્ટિ માર્ગમાં આપણું વરણ કર્યું છે, તે કૃપા વ્યર્થ ન જાય, પુષ્ટિમાં થયેલો સ્વીકાર એળે ન જાય તે માટે પણ આપણે આસુરાવેશથી બચવાનું છે. દાન કરતા દાની મોટા એ મહત્વની વાત વીસર્યા વગર આપણે સતત શ્રી વલ્લભનું નામ લેતા રહેવાનું છે. જો એ વ્યસન થઇ જાય તો સમજો આપણો બેડો પાર!

 

 

ક્રમશ:

(C) Mahesh Shah 2012
સૌજન્ય – સાભાર : મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા  ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
eamil : [email protected]

 

 

શ્રી મહાપ્રભુજી હરિરાયજી કૃત ‘શ્રી વલ્લભ સાખી’ ની ઝાંખી, મહેશ ભાઈ શાહ, વડોદરા ની કલમ દ્વારા ‘દાદીમા ની પોટલી’ પર આપ સમયાંતરે નિયમિત માણી શકો તે અંગે અમો નમ્ર કોશિશ -પ્રયાસ કરેલ છે.  ‘દાદીમા ની પોટલી’ પર શ્રી વલ્લભ સાખીની પોસ્ટ મોકલવા બદલ અમો શ્રી મહેશભાઈ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  

 

આપના બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

 

નોંધ : નેટ સુવિધામાં હાલ બે -ત્રણ દિવસથી પૂરી દુનિયામાં અમારી જાણકારી મુજબ થોડો અવરોધ આવેલ છે અને જે તે સુવિધા આસાનીથી માણી શકાતી નથી, અને તે કારણ સર અમો બ્લોગ પોસ્ટ પર નવી પોસ્ટ પણ યોગ્ય સમય પર મૂકી શકતા નથી જો આ પ્રકારની તકલીફ સતત હજુ ચાલુ રહેશે તો કદાચ એવું પણ બને કે થોડા સમય માટે અમો બ્લોગ પર નવી પોસ્ટ નિયમિત મૂકી ન પણ શકીએ !જે બદલ અમો દિલગીર છીએ. ઉપરોક્ત અવરોધ દૂર થાય ત્યાં સુધી જે કાંઈ તકલીફ પડે તે અમારી સાથે સહન કરવા વિનંતી. આભાર !‘દાદીમા ની પોટલી’

હું મોટો તું છોટો એવો ખ્યાલ જગતનો ખોટો …(પ્રેરણાદાયી વાર્તાઓ …) …

પ્રેરણાદાયી વાર્તાઓ …

 

 

હું મોટો તું છોટો એવો ખ્યાલ જગતનો ખોટો …

 

અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામની એક વાત છે. જમીન દળના એક કેપ્ટન બાંધકામ નિહાળવા નીકળ્યા છે. બંધાતા નવા કિલ્લાની ટોચ પર એક મસમોટું તોતિંગ લાકડું ચડાવવાનું છે. સૈનિકોની એક ટુકડી આ કામે લાગી ગઈ છે. ઘણા પ્રયત્નો કર્યા પણ પેલું તોતિંગ લાકડું કેમેય કરીને ઉપર ચઢતું નથી. કેપ્ટનની ચિંતા વધી ગઈ પણ બંદો પોતે પોતાના સૈનિકોને સહાય કરવા પ્રયત્ન કરતો નથી. એવામાં એક સુસજ્જ પોશાકવાળા સદ્દગૃહસ્થ ઘોડા પર સવાર થઈને ત્યાંથી નીકળે છે. થોડી વાર સુધી તેઓ બધું જુએ છે, પછી કેપ્ટનને કહે છે : ‘અરે ભાઈ, તમે જો સહાયનો હાથ લંબાવશો તો આ લાકડું ઉપર ચડી જવાનું.’ આ સાંભળીને કેપ્ટનનું મન ઘવાયું. પેલા ઘોડેસ્વાર તરફ તિરસ્કારભરી નજરે જોયું અને પછી એને કહ્યું : ‘ભાઈ, હું આ ટુકડીનો સરદાર છું, એની તમને ભાન નથી લાગતી ?’ પેલા સદ્દગૃહસ્થ તો કેપ્ટન સાહેબની માફી માગે છે અને પછી પોતાના ઘોડા પરથી નીચે ઊતરે છે. પોતે પહેરેલ કોટ અને હેટ કાઢીને એક બાજુએ મૂકી દે છે. પહેરણની બાંયો ચડાવીને પેલા સૈનિકોને લાકડાનું મસમોટું તોતિંગ બિંબ ચડાવવા મદદ કરે છે. અને જુઓ તો ખરા ! એ સદ્દગૃહસ્થની સહાય અને સૈનિકોના પ્રયત્નોથી તોતિંગ બિંબ ચડાવવા મદદ કરે છે. અને જુઓ તો ખરા ! એ સદ્દગૃહસ્થ લાકડું ઉપર ચડાવીને પાચા આવે છે, પોતાનો કોટ પહેરીને હેટ હાથમાં લે છે. ઘોડેસવાર સવારી કરવા જાય છે ત્યાં કેપ્ટન આભારની લાગણી વ્યક્ત કરતાં કહે છે : ‘હે ભલાભાઈ ! અ સહાય માટે તમારો આભાર.’ માથે હેટ મૂકતાં મૂકતાં પેલા સજ્જન કેપ્ટન સાહેબને કહે છે : ‘કપ્તાન સાહેબ, એમાં આભાર માનવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને આવા કોઈ મોટા મહેનત મજૂરીના કામમાં મદદ લેવાની જરૂર પડે તો તમારા કમાન્ડર ઇન ચીફને સંદેશો મોક્લજો અને તેઓ તમને મદદ કરીને રાજી થશે. તમારા સર સેનાપતિની દ્રષ્ટિએ કોઈ કામ નાનુંયે નથી અને મોટુંયે નથી, પછી ભલેને એમાં ગમે તેટલી શારીરિક મહેનત કરવી પડે, તો પણ એ કામ કરવા તેઓ હંમેશાં તૈયાર રહે છે.’

 

પેલા લશ્કરની ટુકડીના કેપ્ટન આશ્ચર્ય ચકિત થી ગયા અને તેઓ સર સેનાપતિની માફી માગવા જતા હતા ત્યાં તો એમણે પોતાનો ઘોડો હાંકી મૂક્યો. આ હતા અમેરિકાના પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન.

 

આવી જ ઘટના ભારતના સુખ્યાત સમાજસુધારક અને કેળવણીકાર દેશભક્ત ઈશ્વરચંદ વિદ્યાસાગરના જીવનમાં પણ બની હતી. સૂર્ય હમણાં જ આથમ્યો છે. બંગાળના એક નાના સ્ટેશને ગાડી ઊભી છે. થોડા ઘણા યાત્રીઓ ગાડીમાંથી ઊતરીને બહાર નીકળવાના દરવાજે જાય છે. એક ભદ્રપુરુષ પોતાના ડબ્બાની બહાર ઊભા છે અને કૂલીની રાહ જુએ છે. પોતાની સાથે એક નાનો બિસ્તરો છે અને નાની સુટકેશ છે. આવા નાના સ્ટેશનોમાં કૂલી તો ક્યાંથી મળે ?

 

થોડીવાર એ ભદ્રપુરુષે અધીર બનીને આજુબાજુ નજર કરી એવામાં સાદો પોશાક પહેરીને એક ભાઈ એની નજરે ચડે છે. આ કોક ગામડાનો ગામડીઓ લાગે છે, ગામડીઓ ગણીને એને કહે છે : ‘ભાઈ, મારો આ સામાન ઊંચકી લેશો ? એને મારા નજીકના ગામડાના ઘર સુધી લઇ જવાનો છે.તમને એનું મહેનતાણું મળી રહેશે.’ સામાન સાથે પેલા સજ્જનને એમને ઠેકાણે પહોંચાડી દે છે. ત્યાં પહોંચતાં પહેલાં અંધારું છવાઈ જાય છે. ઘરે પહોંચીને પેલા ભદ્ર પુરુષ અંદર જાય છે. અને મજૂરને મજૂરી ચૂકવવા એના નાના ભાઈને બહાર મોકલે છે. હાથમાં દીવો લઈને એ બહાર આવીને જુએ છે તો ત્યાં કોઈ નથી ! અત્યાર સુધીમાં કોઈ મજૂર પોતાની મજૂરી લીધા વગર ચાલ્યો જાય એવું ક્યારેય જોયું સાંભળ્યું યે નથી. હવે, આ મજૂર બહુ દૂર તો નહિ નીકળી ગયો હોય એમ માનીને એ તો નીકળી પડ્યો એની પાછાળ પાછળ અને થોડે અંતરે મજૂરને પકડી પણ પાડ્યો, એને ખભે હાથ મૂક્યો. પણ એનો ચહેરો દીવાના પ્રકાશથી જોતાંવેંત અચંબામાં પડી ગયો. આંખો ચોળીને એ જુએ છે. અરે આ તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ! આપણા રાજ્યની ધારાસભાના સભ્ય અને મોટા સામાજિક પુરુષ ! એ તો આંખ ચોળતો ઊભો રહ્યો અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ત્યાંથી ચાલ્યા ગયા.

 

અમ વીતી તુજ વિતશે !

 

એક વૃદ્ધ સ્ત્રીના પતિનું અવસાન થયું છે અને એ વૃદ્ધ અને અશક્ત માતા એકલાં અટૂલાં થી ગયાં છે. પોતાનાં પુત્ર, પુત્રવધૂ સાથે એમને રહેવું પડે છે. એમને પૌત્રી પણ છે; વૃદ્ધ માતાની ઉંમર થઈ છે; આંખે ઝાંખપ આવતી જાય છે, કાનનું ય કાચું થવા માંડ્યું છે, માંડ માંડ સંભળાય છે. ભોજન કરતાં કરતાં હાથમાંથી કે ચમચીમાંથી દાળ ઢોળાય, શાક વેરાય અને ડાઈનિંગ ટેબલ પણ બગડે. પુત્રને વૃદ્ધ માતાની આ રીતભાત ગમતી નથી. પુત્રવધૂના અણગમાનો પાર નથી. બંને વૃદ્ધાને ટોકટોક કર્યા કરે, એમનો અણગમો વધતો જ રહે છે. એમાં એક દિવસ આંખની ઝાંખપને લીધે વૃદ્ધાને હાથે દૂધનો પ્યાલો ઢોળાઈ જાય છે. બસ, હવે તો હદ આવી ગઈ ! આ ડોસીએ તો થકવી દીધાં.

 

અણગમતા ડોસીમાને ઓરડાના એક ખૂણામાં નાનું એવું ટેબલ આપી દીધું, ત્યાં જ તેઓ એકલાં જમી લે. એકલાં બેસીને જમતાં જમતાં એમની આંખોમાંથી આંસુ વહેવા લાગતાં. બીજા બધાં એ જોતાં ખરાં પણ, એ તો ચાલ્યા કરે, એમ માનીને આ વ્યવસ્થામાં ગોઠવાઈ જતાં. અલબત્ત, ક્યારેક ક્યારેક ખાતાં ખાતાં એ વૃદ્ધ માતા સાથે થોડી ઘણી વાતચીત થતી રહેતી. બાકી તો સામાન્ય રીતે વાટકો નીચે પડી જાય કે ચમચી નીચે પડી જાય અને કંઈ ઢોળાય ઢફોળાય અને ઠપકા અને કડવાં વેણનું વાવાઝોડું ખાબકી પડે.

 

આમ વૃદ્ધ માતાનું ગાડું ધીમે ધીમે ચાલ્યું જાય છે. શું કરે બિચારી ? જેવી પ્રભુની ઈચ્છા. વૃદ્ધ માતાની પૌત્રી એક દિવસ જમીન પર બેસીને રમકડાંનાં મકાન ને રાચરચીલું બનાવતી હતી. પિતાએ પુત્રીને પૂછ્યું : ‘શું કરે છે, બેટા ?’ નાની બાળકીએ તરત હસતાં હસતાં જવાબ આપ્યો : ‘હું તમારા અને મારી મમ્મી માટે નાનું ટેબલ બનાવું છું. તમે બંનેય ક્યારેક વૃદ્ધ થવાનાંને ? અશક્તિયે આવે અને આંખે ઓછું ય દેખાય ! એટલે તમે બંને ઘરના એક ખૂણામાં રાખેલા આ ટેબલ પર બેસીને તમારું ભોજન નિરાંતે લઇ શકશો. આટલું તો મારે તમારા ભવિષ્યનું વિચારવું જોઈએ ?’

 

પોતાની નાની અને વ્હાલી બાળકીની આ વાત સાંભળીને માતાપિતા તો થી ગયાં મૂંગામંતર ! કાપો તો ય લોહી ન નીકળે એવું થયું એમને ! થોડીવાર તો બંને થંભી ગયા અને પછી બંનેની આંખો આંસુથી છલકાઈ ગઈ. એમની આંખો આ નાની બાળકીએ ઉઘાડી નાખી, એમને સાચી વાત સમજાણી. એમના પસ્તાવાનો પાર ન હતો. પણ થયું તે થયું. ચાલો, આજથી આપણે સુધારીએ, એમ માનીને એ જ રાત્રે તે બંને એ વૃદ્ધ માતા પાસે ગયાં, એમને પ્રેમથી પોતાના ભોજનખંડના મોટા ટેબલ પર દોરીને લઇ આવ્યાં, પ્રેમથી માને મોટી ખુરશી પર બેસાડ્યાં. ભોજન થાળી પીરસાઈ અને માએ પ્રેમથી કુટુંબ સાથે પોતાનું ભોજન લીધું. આજથી ક્યાંય રોકટોક થતી નથી, બધું શાંતિ-આનંદથી ચાલે છે. સૌ સાથે મળીને શાંતિ અને આનંદથી ભોજન લે છે.

 

(રા.જ.૧૧-૦૬(૧૪-૧૫)/૩૩૪-૩૫)

 

 

જો કામ પોતાને મનગમતું હોય તો તો મોટામાં મોટો મૂરખ પણ કાર્યને સિદ્ધ કરી શકે. પણ બુદ્ધિશાળી માણસ તો તે કહેવાય કે જે દરેક કામને પોતાને મનગમતું બનાવી શકે. કોઈ પણ કામ હલકું નથી. આ દુનિયામાં દરેક વસ્તુ વડના બી જેવી છે; એ બી શરૂઆતમાં રાઈના દાણા જેવું બહુ ઝીણું ભલે દેખાય, પણ તેની અંદર વિશાળ વટવૃક્ષ અદ્રશ્ય રીતે રહેલું છે. જે આ જોઈ શકે છે અને દરેક કામને મહાન બનાવવામાં સફળ છે, તે જ ખરો બુદ્ધિમાન છે.

 

– સ્વામી વિવેકાનંદ

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

વ્રજનો હોળીત્સવ …

વ્રનો હોળીત્સ

 

 

holi photo

 

રસિયા ખેલે રસિયા સંગ, રંગ ગુલાલ ના ઉડાઓ નંદલાલ, આજ બિરજ મેં હોરી રે રસિયા, હોરી રે રસિયા બરજોરી રે રસિયા…..વગેરે રસભર્યા રસિયાઓથી હોરી ધૂળેટીનો ઉત્તમોત્તમ રસ વ્રજભૂમિમાંથી વહે છે ત્યારે વ્રજમાં રહેલ પ્રત્યેક સ્ત્રી રાધિકા અને પ્રત્યેક પુરુષ કૃષ્ણ બનીને નાચી ઊઠે છે. વ્રજભૂમિ….કૃષ્ણની વ્રજભૂમિમાં હોળી ઉત્સવ દરમ્યાન વ્રજવાસીઓને રંગ, મેવા મીઠાઇ અને ભાંગની મસ્તી ન હોય તો તેમની હોળીત્સવ એ સાકર વગરની મીઠાઇ જેવો ફિક્કો પડી જાય છે. આથી હોળી દરમ્યાન પ્રભુ વ્રજનીશ સંગે સમસ્ત વ્રજ, અને વ્રજવાસીઑ હોળીની ગરમ ઉષ્મામાં સુષ્મા બનીને વાતાવરણમાં ચૌતરફ ફેલાય જાય છે.

 

ભગવાન શ્રી કૃષ્ણએ હોલિત્સવના અધિદેવતા હોવાથી વ્રજભૂમિમાં આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના આનંદ ઉમંગનાં ઉત્સવની ભાવના રૂપે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે વ્રજમાં વસંતપંચમીથી હોળીની તૈયારીઑ શરૂ થઈ જાય છે. કારણ કે ઋતુઓનું ગર્ભાધાન ચાલીસ દિવસ પહેલા મનાય છે જે પૂરેપૂરા ચાલીસ દિવસ સુધી ચાલે છે.  હોળીના આ ચાલીસ  દિવસમાંથી દસ દસ દિવસનાં ચાર યુથાધિપતિ સાત્ત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ ભાવવાળા ગોપીજનો હોય છે અને તેમની સેવાનો ક્રમ દસ દિવસનો હોય છે. આ વ્રજભકતોને માટે વસંતપંચમીથી હોળી આવે ત્યાં સુધી વ્રજમાં પલાશના રંગો દિવસે દિવસે ઘાટા થતાં થતાં પૂરેપૂરા કેસરિયા થઈ જાય છે ત્યારે તેમાં સમસ્ત વ્રજભકતો અને કૃષ્ણભક્તો રંગાઈ જાય છે.

 

વ્રજભૂમિ અને રાજસ્થાનનાં શ્રીનાથ દ્વારાની હોળીમાં સમાનતા એ છે કે આ બંને હોળીમાં વ્રજની જ ભાવના છુપાયેલી છે કારણ કે રાજસ્થાનની ધરતી પર બિરાજી રહેલા શ્રીજીબાવા વ્રજમાંથી પધારેલા છે. તેથી હોળીના દિવસોમાં વ્રજની જ પરંપરાને ચાલું રાખતા ફાગ, ફગુઆ ખેલે છે અને રસિયા, ધમાર, ડફરીનાં નાદ સાથે શ્રીનાથ દ્વારા ખોવાઈ જાય છે. આ ઉત્સવ દરમ્યાન કૃષ્ણમંદિરો અને હવેલીઓમાં દોલોત્સવ પણ ઉજવાય છે. દોલ એટ્લે કે દોરડું. પરંતુ સમયાંતારે દોલ શબ્દનું અપભ્રંશ થઈ ડોલ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. માતા યશોદાએ સૌ પ્રથમ દોલત્સવની શરૂઆત કરી હતી તેવો વ્રજઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. આ ઉત્સવ વર્ષમાં ગમે તે ઋતુમાં ઉજવાય છે. પરંતુ હોરી દરમ્યાન રંગ ઉડાડવામાં આવે છે અને બાકીનાં દિવસોમાં વિવિધ ફૂલોની પાંદડીઓ ઉડાડવામાં આવે છે. એક કથા અનુસાર ઘેરૈયા બનીને નંદલાલ કૃષ્ણએ રાધિકાજી અને તેમની સખીઓને ઘેરવાનું નક્કી કર્યું પરંતુ તેમની સખીઓ ભૂલથી શ્રીદામાને પકડીને લઈ ગઈ ત્યારે રાધિકાજીએ શ્રીદામાને નારીનો વેશ ધારણ કરવવાની આજ્ઞા આપી ત્યારે શ્રીદામાએ કહ્યું કે આપને તો કૃષ્ણ જોઈએ છે તો મને શા માટે નારીવસ્ત્ર ધારણ કરાવો છો ? આપને હું કૃષ્ણ લાવી આપું અને બદલામાં આપે મને છોડી મૂકવો. આથી રાધિકાજીએ હા કહી. શ્રીદામાએ જુઠ બોલીને નંદલાલાને રાધિકાજીને પકડાવી દીધાં. પરંતુ નંદલાલા તો નંદલાલા છે એમ સરળતાથી કેમ હાથ આવે ?  આથી નંદલાલાને ચારેબાજુથી ઘેરવા માટે ગોપીઓએ ચારેબાજુથી ઘેરો નાખ્યો ત્યારથી ઘેરૈયાની પ્રથા વ્રજમાં અસ્તિત્વમાં આવી. જ્યારે શ્રીજીબાવા રાજસ્થાન પધાર્યા ત્યારે આ ઘેરૈયાની પ્રથા પણ રાજસ્થાનમાં આવી વસી. આજે પણ રાજસ્થાનમાં અને વ્રજમાં હોળીનાં દિવસો દરમ્યાન ગલી ગલીમાં ઘેરૈયાની ટોળીઓ ગુલાલ, અબીર,(અબીલ) ચૂવા, ચંદન હળદર વગેરે લઈને ફરે છે અને માર્ગમાં આવનાર તમામને રંગતા જાય છે. એમાંયે સ્ત્રી ઘેરૈયાનાં હાથમાં જો પુરુષો પકડાઈ જાય તો તેમને નારીના પરિવેશ અને શૃંગાર ધારણ કરાવાય છે અને ત્યાર બાદ નૃત્ય કરવાની ફરજ પાડવામાં આવે છે.  વ્રજમાં આ ઉત્સવમાં ખાસ કરીને ઘેરૈયા તરીકે દેવર ભાભીનાં મજાક મસ્તીવાળા પવિત્ર સંબંધને વધુ મહત્વ અપાય છે.  ભાભી લાઠીનો માર મારે અને દેવર વાંસની ટોપલીથી અથવા ચામડાની ઢાલથી પોતાનો બચાવ કરે. વ્રજની આ પરંપરાને લઠ્ઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે.  હોળી પછીનો બીજો દિવસ તે વ્રજમાં અને રાજસ્થાનમાં વાસી હોળી અથવા પડવા તરીકે ઉજવાય છે. આ દિવસથી શ્રીજીબાવાની સેવામાં અત્તર, ગુલાબ જળ, મલ્લિકા જળ, કેવડા જળ વગેરે ઉપયોગમાં લાવીને પ્રભુ પાસે ઠંડક કરાય છે અથવા તેના ફુવારા ઉડાડાય છે. વસંતપંચમીથી વાસી હોળીનાં દિવસ સુધી ફાગ, દોહા, ધોળ, ગરબા, પદ ધૃપદ, રસિયા, ધમાર વગેરે ગવાય છે ત્યારે ઝાંઝ, પખવાજ, ડફરી, મૃદંગ જેવા વાજિંત્રો વાગે છે, સાથે સાથે લોકગીતો, કુસ્તીના દંગલ, નૃત્ય નાટિકા, રસીલી ઢાઢીલીલા વગેરે કાર્યક્રમો યોજાય છે જેમાં હોળીના પાવનપર્વને માનનાર પ્રત્યેક મન ઉત્સાહથી છલકાઈ જાય છે. હોળીના રંગોત્સવ દરમ્યાન વ્રજમાં ધૂળેટી પછી ૪ દિવસ તાનો નામના લોકગીતોનો ગાયન શૈલીનો કાર્યક્રમ વ્રજમાં થાય છે. આ દરમિયાન ઠેરઠેર ચરકુલા નૃત્ય, હળ નૃત્ય, હુક્કા નૃત્ય, વાંસ નૃત્ય, તખ્ત નૃત્ય, ચાંચર નૃત્ય અને ઝૂલા નૃત્ય વગેરે યોજાય છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિમાર્ગમાં આ તમામ લોકગીતો રૂપી ધમાર રસિયા ધોળ, પદ વગેરે લોકસંગીત અને લોકગીતો ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓના ભાવથી ગવાય છે જેને કારણે કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો તમામ ભાવ અલૌકિક બની જાય છે.

 

હોળી દરમ્યાન વ્રજમાં બીજું મહત્વ રાધાજી અને કૃષ્ણકનૈયાની જીતનું પણ રહેલું છે. એક માન્યતા એવી છે કે પ્રતિવર્ષ નંદગામ-ગોકુલથી કાન્હાની ટોળકી બરસાના આવે અને રાધારાણી તેમજ અન્ય સખીઓ પર પોતાનું આધિપત્ય જમાવવા કોશિષ કરે ત્યારે જો આ આધિપત્યની દોડમાં બરસાનાની સખીઑ જીતી જાય તો આખું વર્ષ કાન્હાજી અને તેમનાં સખાઓ રાધાજી અને તેમની સખીઓનાં દાસ બને અને એ વર્ષ લાડલીજીનું કહેવાય અને જો નંદગામ-ગોકુલથી આવેલ કાન્હાજી જીતી જાય તો રાધાજી અને તેમની સખીઑ આખું વર્ષ તેમનાં કહ્યામાં રહે અને એ વર્ષ કૃષ્ણ કનૈયાનું કહેવાય. બીજે વર્ષે હોળી દરમ્યાન ફરી નવો જંગ અને નવો દાવ ખેલાય છે. રાધા-કૃષ્ણની આ પરંપરા આજે પણ જીવિત છે તેથી આજે પણ વ્રજનાં નંદગામ-ગોકુલથી ગોપો રૂપી પુરુષોની ટોળી શ્રી રાધાજીનાં મંદિર પર આધિપત્ય જમાવવા માટે બરસાનામાં આવે છે ત્યારે બરસાનાની ગોપીઓ રૂપી સ્ત્રીઓ પુરુષો પર લાઠીમાર કરી તેમનું બરસાનામાં સામ્રાજ્ય થતું અટકાવે છે.

 

અર્વાચીન યુગમાં આ દિવસે ભગવાન કૃષ્ણને માનતા સમસ્ત મંદિરો અને હવેલીઓમાં પ્રભુ સમક્ષ વિવિધ ભોગ ધરવામાં આવે છે. પ્રભુને મંગલ સ્નાન બાદ પાઘ, મોરપીંછની ચંદ્રિકા, મલ્લિકા કુંડલ અને વિવિધ ફૂલોની વનમાલાઓ ધારણ કરાવવામાં આવે છે આ દિવસે સોના, ચાંદી અને મોતીનાં શૃંગાર ઓછા અથવા લગભગ નહિવત્  ધારણ કરાવવામાં આવે છે, તેનું એક કારણ એ છે કે પ્રભુ આ દિવસે ગોપબાલો સાથે ખેલવા જાય ત્યારે તેઓ સોના, ચાંદીનાં શૃંગાર ખોઈને આવે છે અને બીજું કારણ એ છે કે હોળીનાં દિવસે પ્રકૃતિ રંગબેરંગી થઈ ખીલી ઊઠે છે તેથી પ્રકૃતિનાં પુષ્પોને ધારણ કરી પ્રભુ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. વસંતપંચમીથી હોળીનાં દિવસ સુધી ભગવાન કૃષ્ણનાં ચરણાંર્વિન્દને ઢાંકી દઈ તેમનાં દાસ્યભાવને ગુપ્ત રાખી દેવાય છે જેથી ભક્તોને પોતાના પ્રભુ સાથે સખ્યભાવની અનુભૂતિ થઇ શકે અને ચારેબાજુથી અબીલ, ગુલાલ,ચૂવા, ચંદન, કેસર-પલાશ ભીની પિચકારી ઉડાડીને પ્રભુ સાથે ભક્તો ગોપીભાવે તેમની સાથે ખેલી શકે અને તેમનાં રંગમાં રંગાઈ શકે.

 

 

રસિયા ……
રસિયા ખેલે રસિયા સંગ મારે હો રંગો કી ફુહાર…….
ના ના ના ડારો રે મોપે રંગો કી ફુહાર………મોરે રસિયા

કાહે ના ડારે રંગો કી ફુહાર…… મોરી રસિયા
દેખો રી આઇ હે બસંતબહાર……. ઓ રી રસિયા

હોરી હોરી હોરી ખેલો રે રંગ રસિયા…..
ઉડાઓ રે આજ રંગો કી બૌછાર મોરી રસિયા…

 

 

સાભાર : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email : [email protected]

 

 

નોંધ- વ્રજની લઠ્ઠમાર હોળીનાં પીકચર એ અમારા મિત્ર શ્રી રૂપેશ ચતુર્વેદીજીએ મોકલ્યાં છે, અને આ જ ફોટાઑ મે http://pushti-marg.net/holi-guj.htm માં પણ મૂક્યાં છે.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 
સૌ મિત્રો – પરિવારજનો ને હોળી – ધૂળેટી પર્વ ની શુભકામના સાથે શુભેચ્છાઓ !  

બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.   દાદીમા ની પોટલી’ પરિવાર ….

હોલિત્સવ-ધૂળેટીત્સવનું પ્રાગટ્ય …

હોલિત્સવધૂળેટીત્સવનું પ્રાગટ્ય …
 

 

 

 vraj holi

 

 

આયો ફાગણીયો …

 

 

 

ફાગણસુદ પૂનમને દિવસે હોલિકોત્સવ મનાવવામાં આવે છે. હોળીનાં રંગોને લઈને આવતો ફાલ્ગુન ફાગણિયો સંસારને નવજીવનનો સંદેશો આપે છે ત્યારે ભક્ત પ્રહલાદની કથા યાદ આવ્યાં વગર રહેતી નથી. કથા છે કે હિરણ્યકશિપુ જ્યારે તપ કરવા માટે વનમાં ગયો પોતાની પત્ની ક્યાધૂને કહેતો ગયો કે તે હવે બ્રહ્મદેવને પ્રસન્ન કરીને જ ઘરે આવશે. જ્યારે તે તપ કરવા એક વટવૃક્ષ નીચે બેઠો ત્યારે સરસ્વતી દેવી શુકનું રૂપ લઈ તે વટવૃક્ષની ડાળી પર બેસી નારાયણ, નારાયણ બોલવા લાગ્યાં. શુક દ્વારા નારાયણ શબ્દ સાંભળતાં જ હિરણ્યકશિપુ ચોંકીને આસપાસમાં જોઇ વિચારવા લાગ્યો કે મારા વિરોધીનાં નામનો ઉચ્ચાર અહીં કોણ કરે છે? તેણે વટવૃક્ષ પર નજર કરી તો શુક પક્ષી દેખાયું. શુકને જોતાં જ હિરણ્યકશિપુ સ્વગત કહેવા લાગ્યો કે આ શુકે નારાયણનું નામ લઈ મારા તપ કરવાનાં ઉદેશ્યમાં વિઘ્ન નાખ્યું છે, તેથી આજનો દિવસ મારે માટે તપ કરવાનો શ્રેષ્ઠ દિવસ નથી એમ માનીને અસુરરાજ મહેલમાં પાછો આવ્યો. પતિને આટલો ઝડપથી પાછો આવેલો જોઈ ક્યાધૂ પૂછવા લાગી કે હે સ્વામીન આપ આટલા ઝડપથી ગૃહે કેમ પધાર્યા? શું બ્રહ્મદેવ પ્રસન્ન થઈ ગયાં? હિરણ્યકશિપુ કહે છે કે અરે વનમાં એક કૌતુક થયું હું જ્યારે વટવૃક્ષ નીચે બેસી તપ આરંભ કરવા જતો હતો ત્યાં જ એક શુક વટવૃક્ષ ઉપરથી નારાયણનું નામ બોલ્યો, અને પ્રિયે તે વારંવાર નારાયણનું નામ લેતો જ રહ્યો તેથી મે માન્યું કે આજનો દિવસ તપને પ્રારંભ કરવા માટે શ્રેષ્ઠ નથી માટે હું ગૃહમાં પાછો આવ્યો. શાસ્ત્રો કહે છે કે ક્યાધૂ એક પરમચતુર નારી હતી તેણે વિચાર્યું કે આમ તો મારા સ્વામી ક્યારેય નારાયણનું નામ નહી લે માટે આજનો દિવસ જ શ્રેષ્ઠ છે તેમની પાસેથી નારાયણનું નામ લેવડાવવાનો, માટે તે પોતાના સ્વામીને પૂછે છે કે શું…? આપે શું કહ્યું? નારાયણનું નામ શુક લેતો હતો? ત્યારે હિરણ્યકશિપુ કહે હા …..એ શુક નારાયણનું નામ લેતો હતો. આથી ક્યાધૂએ કહ્યું સ્વામી એ કેવી રીતે હોય? શુક શા માટે નારાયણનું નામ લે? હિરણ્યકશિપુ કહે પ્રિયે હું સાચું કહું છું તે શુક નારાયણનું જ નામ બોલ્યો હતો. ક્યાધૂ કહે સ્વામી મને માન્યામાં નથી આવતું માટે આપ બોલીને બતાવો કે એ શુક કેવી રીતે બોલતો હતો? હિરણ્યકશિપુ કહે પ્રિયે જો તે શુક આ રીતે નારાયણ નામનો ઉચ્ચાર કરતો હતો એમ કહી શુક જેવો જ સ્વર કાઢીને બતાવ્યો. આમ ક્યાધૂએ પોતાની ચતુરાઈથી ૧૦૦૮ વખત વિવિધ રીતે હિરણ્યકશિપુ પાસે નારાયણનું નામ બોલાડાવ્યું. શાસ્ત્રો કહે છે કે જે વખતે હિરણ્યકશિપુ અને ક્યાધૂ બંને પતિપત્ની ભગવાન નારાયણનું નામ લેતાં હતાં તે જ વખતે પ્રહલાદજી માતાનાં ગર્ભમાં આવ્યાં. આ રીતે અસૂરરાજ હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ જેવો સંત પુત્ર થયો. પરંતુ જ્યારે દેવરાજ ઇન્દ્રને ખબર પડી કે ક્યાધૂ ગર્ભવતી છે ત્યારે તે વિચારવા લાગ્યો કે એક હિરણ્યકશિપુથી આટલો ભય છે ત્યાં આ અસૂરને બીજો અસૂરનો જન્મ થઈ જશે તો દેવતાઓનું અસ્તિત્વ જોખમાઈ જશે માટે ક્યાધૂનાં ગર્ભનો જ નાશ કરી દઉં પરંતુ આ કાર્ય હિરણ્યકશિપુનાં રાજયમાં શક્ય ન થઈ શકે માટે જ્યારે એક સમયે હિરણ્યકશિપુ પોતાનાં રાજયમાં હાજર ન હતો તે સમયે દેવરાજ ઈન્દ્રે ક્યાધૂનું અપહરણ કર્યું. અપહરણ કરીને લઈ જતાં દેવરાજ ઇન્દ્ર પાસેથી નારદમુનિએ ક્યાધૂને છોડાવી અને દેવરાજ ઇન્દ્રને સમજાવ્યાં કે આ રીતે ગર્ભધારણ કરેલી સ્ત્રીનું અપહરણ કરવું, કે તે સ્ત્રીનો અને તેનાં ગર્ભનો નાશ કરવો તે દેવરાજ ઇન્દ્રને શોભતું નથી. વળી અસુરરાજ હિરણ્યકશિપુની પત્નીનાં ગર્ભમાં તો ભગવાન નારાયણનો ભક્ત આકાર લઈ રહ્યો છે જે હિરણ્યકશિપુનો નાશ કરશે માટે આપને ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપ જો આ ભક્તનો નાશ કરશો તો ભગવાન નારાયણનો આપ પર ક્રોધ ઉતરશે. આમ નારદમુનિએ દેવરાજ ઇન્દ્રને કુકાર્ય કરતાં રોકયાં પછી ક્યાધૂને પોતાનાં આશ્રમમાં લઈ આવ્યાં. ત્યાં તેમણે ક્યાધૂને પોતાની પુત્રીવત્ રાખી. આમ જ્યારે પ્રહલાદજી જ્યારે માતાનાં ગર્ભમાં હતાં ત્યારે તેમનું સંસ્કારપાલન નારદમુનિના આશ્રમમાં થયું હતું. આમ એક અસૂરને ત્યાં ભક્તનો જન્મ થયો હતો.

 

હિરણ્યકશિપુનો અર્થ કરતાં શાસ્ત્રોએ કહ્યું છે કે હિરણ્ય એટ્લે સોનું, ક એટ્લે કે નજર જેને જ્યાંત્યાં સર્વત્રે સોનુ જ દેખાયા કરે છે તે, અને શિપુ અર્થાત સ્વાર્થથી જે ભરેલ છે તે. આમ હિરણ્યકશિપુ એટ્લે જેની નજર ફક્ત સોનું જ શોધતી હોય તેવો સ્વાર્થથી ભરેલ વ્યક્તિ. ધર્મ કહે છે કે સોનુ અર્થાત અગણિત ધન. જ્યારે માનવજીવનમાં અગણિત ધન આવી જાય ત્યારે મનુષ્ય ફક્ત રાગ, ભોગમાં જ રાચતો થઈ જાય છે કારણ કે અતિશય ધન માનવીની બુધ્ધિ ભ્રષ્ટ કરી દે છે જેના કારણે મનુષ્ય સાચું શું…ખોટું શું તે સમસ્ત વાતોને ભૂલી જાય છે અને પોતાને ફક્ત રાગ, ભોગથી તૃપ્ત કરવા ઈચ્છે છે. જ્યારે પ્રહલાદનો અર્થ થાય ઈશ્વરવાદ……પરંતુ અહી આ કથામાં જોઈએ તો હિરણ્યકશિપુને લાગ્યું કે જો મારું અસ્તિત્વ એટ્લે કે સ્વાર્થથી ભરેલા ભોગનું મહત્વ સમાજમાં જાળવી રાખવું હોય તો પ્રહલાદ રૂપી ઈશ્વરવાદનું વર્ચસ્વ વધવા દેવું ન જોઈએ અને પ્રહલાદને તો ગર્ભમાં જ ઈશ્વરવાદના સંસ્કાર મળ્યાં છે આથી જ હિરણ્યકશિપુ પ્રહલાદને મારવા ઈચ્છે છે પરંતુ જ્યારે તેને વિવિધ પ્રકારે ઈશ્વરવાદ રૂપી પ્રહલાદનો નાશ કરવા ન મળ્યો ત્યારે તેણે આસુરી તત્વથી ભરેલ પોતાની બહેન હોલિકાનો સાથ લીધો.  હોલિકાને વરદાન હતું કે જ્યાં સુધી તે સદ્દવૃતિવાળી વ્યક્તિને કનડશે નહીં ત્યાં સુધી અગ્નિદેવ હોલિકાનું અગ્નિની જ્વાળાઓથી રક્ષણ કરશે. પરંતુ સ્વાર્થમાં અંધ થયેલ વ્યક્તિને હંમેશા પોતે જ સાચી લાગે છે તેથી તેણે હોલિકાનાં હાથમાં પ્રહલાદને સોંપ્યો અને કહ્યું કે નારાયણની આ ઈશ્વરીય વૃતિને બાળી નાખ જેથી મારી સામે બીજો કોઈ ઈશ્વરવાદ ઉભો ન થાય. કથા છે કે જે દિવસે પ્રહલાદને લઈ હોલિકાએ અગ્નિમાં બેસવાનું હતું તે દિવસે નગરજનોએ પોતાનાં ગૃહોમાં અગ્નિ જલાવીને અગ્નિદેવને વિનંતી કરી કે આપ પ્રહલાદને કંઈ જ થવા ન દેશો. ત્યારે અગ્નિ દેવે કહ્યું કે હું પણ મારા સ્વભાવથી વિવશ છુ કારણ કે મારી પાસે જે કંઇ આવે તે મારો આહાર હોવાથી હું સજીવ-નિર્જીવનો ભેદ નથી રાખતો અને બધુ જ સ્વાહા કરી જાઉં છુ ત્યારે નગરજનોએ કહ્યું કે આપને આહાર જ જોઈતો હોય તો આપ હોલિકાને સ્વાહા કરી જાવ અને અમારા પ્રહલાદની રક્ષા કરો અને જો પ્રહલાદજી આપની ગોદમાંથી હેમખેમ આવશે તો અમે સૌ વચન આપીએ છીએ કે જ્યાં સુધી સંસ્કૃતિ રહેશે ત્યાં સુધી પ્રતિવર્ષ અમે આપને શીતકાલનાં અનાજની ભેંટ આપીને આપને પ્રસન્ન કરીશું. આમ જ્યારથી પ્રહલાદજી અગ્નિપરીક્ષા પાર કરીને શ્રેષ્ઠનર તરીકે બહાર આવ્યાં છે તે જ દિવસથી ગૃહ ગૃહની અગ્નિપૂજાએ સામૂહિક અગ્નિપૂજાનું સ્વરૂપ ધારણ કરી લીધું, અને આપણે પણ પ્રતિવર્ષ હોળી પૂજન દરમ્યાન શીતઋતુમાં તૈયાર થયેલ નવાં અનાજનો ભોગ અગ્નિદેવને પધરાવીને અગ્નિદેવને પ્રસન્ન કરીએ છીએ. આ રીતે જોઈએ તો હોલિકાપૂજન એ અસૂરી અસદ્દ્વૃતીનાં નાશ માટે અને સદ્દવૃત્તિનાં રક્ષણ માટે લોકોનાં હૃદયમાં રહેલ શુભભાવનાનું પ્રતિક છે. પ્રહલાદજીનાં સહકુશળ બહાર આવ્યાં બાદ બીજે દિવસે નગરજનોએ આનંદિત બનીને ઉત્સવ ઉજવ્યો આનંદનાં વાતાવરણથી હર્ષિત બનેલા લોકોએ નાના-મોટાનો ભેદભાવ ભૂલી જઈ એકબીજા પર જળ, ધૂળ, રંગ વગેરે ઉડાડવાનું ચાલુ કર્યું જેમાંથી ધૂળેટીનો ઉત્સવ અસ્તિત્વમાં આવ્યો. ઇતિહાસ સાક્ષી છે કે ધૂળ, રંગ વગેરે ઉડાડવાનું ભલે પ્રહલાદજીથી અસ્તિત્વમાં આવ્યું હોય પરંતુ ભીની ધૂળેટીનો પ્રારંભ વ્રજમાં ભગવાન કૃષ્ણનાં સમયથી શરૂ થયો હતો. હોળીનાં સમય દરમ્યાન માતા યશોદાએ કરેલી હોળીમાતાની પૂજાનો અને રંગોની ભીની પિચકારીનો અને ભીના રંગોનો સૌ પ્રથમ ઉપયોગ બાલ કનૈયાનાં સમયથી જ અસ્તિત્વમાં આવ્યો છે. તેથી રાધા અને કૃષ્ણની રંગભીની પિચકારીઓ, પલાશનાં રંગોથી ભીંજાયેલી અનેક ગોપીઓની ચુનરીઑ, ધમાર-રસિયા જેવા લોકગીતોમાં આવતી પલાશનાં રંગો વડે થતી કૃષ્ણ, રાધા, ગોપો અને ગોપીઓ વચ્ચેની છેડછાડ અને આ છેડછાડથી અસ્તિત્વમાં આવેલી લઠ્ઠમાર હોળીનું અસ્તિત્વનું સાહિત્ય પ્રમાણ વ્રજ ઈતિહાસમાં જોવામાં આવ્યું છે.

 

પ્રહલાદજીની જેમ હોળી સાથે અમુક અન્ય કથાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે ભગવાન શિવનાં લગ્નની જાન હોળીનાં દિવસે કૈલાશમાંથી નીકળી હતી, જ્યારે અન્ય એક કથા અનુસાર મહારાજ કંસ દ્વારા મોકલાયેલી ઢુંઢી નામની રાક્ષસીને યમલોક પહુંચાડવા માટે બાલકૃષ્ણએ હાથ ઉપાડયો ત્યારે ઢુંઢીને ખ્યાલ આવ્યો કે બાલકૃષ્ણ દ્વારા તેને મૃત્યુ નહીં પરંતુ મોક્ષ મળી રહ્યો છે ત્યારે તેણે બાલકૃષ્ણનો પોતાનાં પર આવી કૃપા કરવા બદલ આભાર માન્યો અને વિનંતી કરી કે મારું નામ સદાયે આપની વિવિધ લીલાઓ સાથે અમર રહે અને વ્રજમાં મારો સદૈવ વાસ રહે. ઢુંઢીની વિનંતીથી ભગવાન કૃષ્ણએ તેને વરદાન આપ્યું કે તું મારી લીલામાં સદૈવ અમર રહીશ જ્યાં સુધી પૃથ્વી પર હું જીવંત રહીશ ત્યાં તું પણ મારી સાથે વ્રજમાં વાસ કરીશ. કહેવાય છે કે આ વરદાનથી વ્રજમાં ઢાઢી લીલા અસ્તિત્વમાં આવી જેમાં બાલકૃષ્ણની વિવિધ લીલાઓ દર્શાવાય છે. આમ તો આખું વર્ષ આ લીલા દર્શાવાય છે પરંતુ હોળી દરમ્યાન વ્રજની પ્રત્યેક ગલીમાં ઢુંઢી રાક્ષસી ઢાઢી કલા બનીને ભગવાન કૃષ્ણ સાથે જીવંત બની જાય છે.

 

હોળીત્સવનો ઉલ્લેખ નારદ પંચરાત્ર, ભવિષ્યપુરાણ, પૂર્વીય મીંમાસા સૂત્ર, બ્રહ્મ વૈવર્તક પુરાણ સહિત વ્રજ ઇતિહાસમાં કરવામાં આવ્યો છે. તદ્પરાંત દેવલિપિ સંસ્કૃતમાં પણ અનેક કવિઓએ આ ઉત્સવનું સુંદર વર્ણન કરેલું જોવા મળે છે. મુગલ બાદશાહો પણ હિન્દુ પ્રજા સાથે મળીને આ ઉત્સવની ધામધૂમથી આ ઉત્સવની ઉજવણી કરતાં તેવો ઇતિહાસ જાણવા મળે છે. ધર્મશાસ્ત્ર કહે છે કે વસંતોત્સવ એ સંયમની દીક્ષા આપતો ઉત્સવ છે, હોલિત્સવ એ આસુરી પ્રવૃતિઑ ઉપર સદ્વૃતિનો મહિમાને વર્ણવવાનો ઉત્સવ છે અને રંગોત્સવ ધૂળેટી એ જીવનને વિવિધ રંગોથી છલકાવવાનો ઉત્સવ છે.

 

 

સાભાર : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email : [email protected]

સાભાર સૌજન્ય : ફૂલછાબ દૈનિક –રાજકોટ 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

સૌ મિત્રો – પરિવારજનો ને હોળી ની શુભકામના સાથે શુભેચ્છાઓ !  બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.  – દાદીમા ની પોટલી’ પરિવાર ….

શું ક્રોધની કોઈ ઉજ્જવળ બાજુ છે ? … (ક્રોધ પર વિજય … (ભાગ-૨) …

ક્રોધ પર વિજય … (ભાગ-૨) …
– સ્વામી બુધાનંદ …

 

krodh

 

શું ક્રોધની કોઈ ઉજ્જવળ બાજુ છે ?

 

આ બધું હોવા છતાં કેટલાક એવા લોકો પણ છે કે જે સંભવત: ક્રોધને એટલો ઉપયોગી માને છે કે એના ઓર વિજય મેળવવા ઉપાય પણ શીખવા માગતા નથી. એક સત્ય ઘટના આ વાત સ્પષ્ટ કરી દે છે :

 
એક પતિએ પોતાની પત્નીને કહ્યું, ‘ચાલો આપણે આશ્રમમાં જઈને ક્રોધ પર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો એ વિશે પ્રવચન સાંભળી આવીએ. વિષય ઘણો રોચક છે.’ પરંતુ, એ સ્ત્રીએ કહ્યું કે તે પોતાના ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય શીખવા નથી માગતી. એનું કારણ એ છે કે એની પાસે આ ક્રોધ જ એકમાત્ર એવી ચીજ છે કે જેનાથી તેનાં બાળકો ડરે છે. પોતાનાં બાળકો પર નિયંત્રણ રાખવાના એ એક માત્ર ઉપાયને તે ગુમાવવા ઈચ્છતી નથી ! તેનો આ દ્રષ્ટિકોણ કે ક્રોધની પણ થોડી ઉપયોગિતા છે એ થોડો અસામાન્ય લાગે છે. અહીં આપેલી ઉક્તિમાં આ ભાવ જોવા મળે છે, ‘જ્યાં કોમળતા નિરર્થક સાબિત થાય છે ત્યાં કઠોરતા જ ઉચિત છે.’ સદાચારની દૃષ્ટિએ નહીં પણ ઉપયોગિતાવાદની દૃષ્ટિએ ક્રોધને સ્વીકૃતિ મળી શકે.

 
વાતચીત દરમિયાન પેલા પતિએ સંકેત કર્યો કે તેની પત્ની વાતવાતમાં નારાજ થઇ જાય છે. એની આ ટિપ્પણી એક રોચક પરિસ્થિતિને સમજવામાં સહાયક બની ગઈ. અહીં એક પ્રશ્ન પૂછી શકાય, ‘શંુ તમે ક્રોધનો ઉપયોગ કરો છો કે ક્રોધ તમારો ઉપયોગ કરે છે ? શું ક્રોધ આપના હાથોમાં એક કુશળયંત્ર છે કે પછી તમે પોતે તમારા ક્રોધના હાથનું રમકડું બની ગયા છો ? ’

 
જો આપણે ક્રોધ પર નિયંત્રણ કરવાનું શીખ્યા નથી તો ક્રોધને સુનિયોજિતરૂપે કોઈ રચનાત્મક ઉદ્દેશ માટે ઉપયોગ ન કરી શકીએ. ક્રોધનો અધિકારપૂર્વક તથા સુનિયોજિતરૂપે ઉપયોગ ન કરી શકીએ. ક્રોધનો અધિકારપૂર્વક તથા સુનિયોજિતરૂપે કરી શકવો ઘણું કઠિન કાર્ય છે. એરિસ્ટૉટલ કહે છે, ‘કોઈ પણ વ્યક્તિ ક્રોધિત બની શકે. આ ઘણું સહેલું છે, પણ ઉચિત વ્યક્તિ પર યોગ્ય માત્રામાં સુયોગ્ય સમયે ઉચિત ઉદ્દેશ માટે અને યોગ્ય પ્રકારે ક્રોધ કરવો એ સૌ કોઈ વ્યક્તિના વષની વાત નથી અને સરળ પણ નથી.’

 
જે રીતે પાણીને ગરમ કરવા માટે વીજળી કે ગરમીનો માપી માપીને ઉપયોગ કરવો જોઈએ તેવી રીતે જો મા પોતાના ક્રોધને સુનિયોજિતરૂપે સારી રીતે ઉપયોગ કરવાનું જાણે તો આપણે એમ કહી શકીએ કે તેનું આચરણ સ્વીકાર્ય છે. અલબત્ત, આમ કરતાં પહેલાં એ જોવું જોઈએ કે બીજા બધા ઉપાયો નિષ્ફળ ગયા છે કે કેમ ? આ સ્ત્રી જો પોતાનાં બાળકોને વિદ્યુતયંત્રથી ગરમ શેક દેતી વખતે પોતે જ દાઝી જાય તો પછી દીર્ઘકાલીન દૃષ્ટિએ તેની ક્રોધ ચિકત્સા પણ એનું ભલું ન કરી શકે. જે લોકો પોતાના બાળકો કે કોઈ બીજા પર આ ક્રોધ ચિકત્સાનો ઉપયોગ કરવા તત્પર બને છે તેને માટે ઉપર્યુક્ત ઉક્તિનો મનોવૈજ્ઞાનિક અર્થ સમજી લેવો અત્યંત આવશ્ય છે.

 
એ વાત સાચી છે કે દરેક માતાના હૃદયમાં પોતાનાં સંતાનો વિશે હિતકામના રહે છે. અસામાન્ય માતાઓની વાત જુદી છે. ઉપરના ઉદાહરણમાં એક માતા અનુશાસનના ઉપાયે ક્રોધ દ્વારા પોતાના પુત્ર પર ઉપકાર જ કરવા ઈચ્છે છે, પરંતુ મૂલત: ક્રોધ એક વિષાક્ત અને સંક્રામક ભાવ છે. જ્યારે કોઈ માતા ખરેખર નારાજ થઈને પોતાનાં બાળકો પર પ્રહાર કરે છે તો બાળકો પણ ક્રોધે ભરાઈ જાય છે. પરંતુ તેઓ પ્રભાવકરૂપે પોતાની પ્રતિક્રિયા કે વિરોધ પ્રદર્શિત કરી શકતાં નથી. આ ઉપરાંત ભયના માધ્યમથી અનુશાસન લાદવામાં આવે તો તેની એક સારી ટેવમાં પરણિત થવાની સંભાવના બહુ ઓછી છે. એનું કારણ એ છે કે ભયની સાથે બાળકોના હૃદયમાં વ્યક્ત ન થતી શત્રુતાનો ભાવ પણ વધી જાય છે. એનું પરિણામ એ આવે છે કે એનો ક્રોધ મનમાં ને મનમાં અવચેતન સ્તરે જઇને અવસરની પ્રતીક્ષા કરતો રહે છે. એક દિવસ જ્યારે આ શત્રુતાનો વિસ્ફોટ થાય છે ત્યારે ક્રોધ પર નિયંત્રણ ન શીખવા ઈચ્છતી એ માતા પોતાનાં વયસ્ક સંતાનો પર પોતાની આ ક્રોધચિકત્સાનો ઉપયોગ કરી શકતી નથી. અને અંતે પોતે અત્યંત દુઃખી થઇ જાય છે. આ પરિસ્થિતિ માટે ખરેખર એ પોતે જવાબદાર છે. આ વાત વિચારણીય છે કે શું કેટલાક સમયના ફાયદા માટે પોતાના સંતાનપ્રેમના કાયમી અને સ્થાયી લાભનો બલિ ચડાવી દેવો યોગ્ય ગણાય ? પરંતુ માએ પોતાના ક્રોધ પર નિયંત્રણ મેળવવાની વિદ્યા શીખ્યા પછી ક્રોધ ચિકિત્સાનો ઉપયોગ કર્યો હોત તો પરિસ્થિતિ પૂર્ણત: જુદી જ હોત. એ પરિસ્થિતિમાં એક બોધકથાના સાપની જેમ ફૂંફાડો મારતી રહેત પણ બાળકને દંશ ન દેત. (આ બોધકથા અહીં બ્લોગ પર શ્રી રામકૃષ્ણદેવની પ્રેરકકથાની પોસ્ટમાં અગાઉ આપેલ છે.)

 
જે વ્યક્તિ ક્રોધ પર નિયંત્રણ રાખવાનું શીખી નથી એના દ્વારા ક્રોધનો રચનાત્મક ઉપયોગ અસંભવ  છે.

 

  (રા.જ.૩-૧૩(૨૬-૨૭)/૫૭૨-૭૩)

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

ક્રોધ પર વિજય (ભાગ -૧) ની લીંક : (અહીં ક્લિક કરો) : ક્રોધ પર વિજય ….

૨૬ મુ શિક્ષાપત્ર … અને (૨૭) ચલો સખીયન બરસાને જઈશું …

૨૬ મુ શિક્ષાપત્ર …

 

 shyam sangini

આજે ૨૬મું શિક્ષાપત્રમાં આગળ વધીએ તે પહેલા, આપણે ગતાંકમાં જોઈ ગયેલ … ૨૫મું શિક્ષાપત્ર તરફ થોડુ ધ્યાન કરી લઈએ …

 
આજ સત્યને વધારે સાતત્ય પ્રદાન કરાવતાં શ્રી હરિરાયજી આચાર્યચરણ ૨૫ માં શિક્ષાપત્રનાં ૧૬ શ્લોકથી કહે છે કે શ્રી મહાપ્રભુજીનાં ચરણકમળનાં ભજન-ભક્તિમાં સદૈવ રહેવામાં આવે તો શ્રી હરિ ક્યારેય પોતાનાં ભક્તજીવને છોડતાં નથી. જે શ્રી હરિરાયજી આચાર્યચરણે પ્રથમ શ્લોકથી નિરૂપિત કરેલ છે.

 

।।મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણાર્વિન્દ ।।

 

આ પદ દર્શાવે છે કે શ્રી મહાપ્રભુજીનાં બે ચરણ કમળનો દ્રઢ આશ્રય એ જ પુષ્ટિભક્તોનું જીવન અને આચરણ છે જે વિષે ૨૫ માં શિક્ષાપત્રમાં વિચારાયું છે. શ્રી હરિરાયજી આચાર્યચરણ જણાવે છે કે પૃથ્વી ઉપર પુષ્ટિજીવો અને વૈષ્ણવો માટે શ્રી પ્રભુનું પ્રાકટ્ય, શ્રી મહાપ્રભુજી રચિત શ્રી ભાગવત અને ભાગવતજીનાં વિચાર અને વિવેચન રૂપી શ્રી સુબોધિનીજી, ભગવદીયો અને ભક્તિ માર્ગનાં ગ્રંથો ઉપલબ્ધ છે તે ઉપરાંત શ્રી વલ્લભકુલની કૃતિ અને આકૃતિ પણ વિદ્યમાન હોવાં છતાં જીવો અને મનુષ્યોનું એ દુર્ભાગ્ય છે કે તેઓ ભક્તિ માર્ગે નથી વળતાં. આથી જીવોને ભક્તિની પ્રાપ્તિ સરળતાથી થાય તે હેતુથી શ્રી હરિરાયજી આચાર્યચરણે ૨૫ માં શિક્ષાપત્રમાં શ્રી ઠાકોરજીનાં ચરણાર્વિન્દની સરળ અને શીતલ ભક્તિ તથા શ્રી ઠાકુરજીનાં મુખારવિન્દની ઉગ્ર ભક્તિનું વર્ણન અને નિરૂપણ સોળ શ્લોકોથી વર્ણવેલ છે જેમાં જ્ઞાનનો નિષેધ બતાવી માત્ર પ્રેમ જ મુખ્ય વસ્તુ છે તે દર્શાવેલ છે, સાથે કહ્યું છે કે શ્રી પ્રભુ હંમેશા માતાપિતાની જેમ પોતાના બાળકોની રક્ષા કરે છે માટે જીવોએ શ્રી પ્રભુ અને ગુરૂની ઉપર દ્રઢ વિશ્વાસ અને આશ્રય રાખી દુઃસંગથી સદા ડરતુ રહેવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતી હોય પરંતુ કોઈપણ સ્થિતિમાં પ્રભુ પ્રત્યે અવિશ્વાસને પોતાનાં મનમાં ન પ્રવેશવા દેવો.

 

પુષ્ટિમાર્ગીય બધી જ સામગ્રીઑ શ્રી કૃષ્ણસેવા માટે પ્રાપ્ય હોવા છતાં શ્રી કૃષ્ણની કૃપા વગર ભક્તિમાર્ગે પ્રવૃત થવાતું નથી. તેથી શ્રી હરિરાયજી આચાર્યચરણ પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરતાં કહે છે કે

 

સ્વકીયાનાંમૈહીકં યદયવા પારલૌકિકમ્ ।
અકસેત્ કુરુતે કર્તા પ્રભુરેવ ન સંશયઃ ।।૧।।

 

પરમકૃપાળુ પ્રભુ શ્રી કૃષ્ણ પોતાનાં અંતરંગ ભક્તનો આલોક અને પરલોક બેઉ સિધ્ધ કરે છે તેમાં સંશય ન રાખવો. જીવ પોતાની લૌકિક બુધ્ધિથી, અજ્ઞાનતાથી અનેક સાધનરૂપ પ્રયત્ન લૌકિક કાર્યોને વધુ મહત્તા આપે છે અને પોતાનાં મનમાં અનેક પ્રકારનાં સાધન-પ્રયત્ન તેમજ લૌકિક કાર્યો કરવામાં મગ્ન રહે છે, તેમ છતાં શ્રી પ્રભુ પરમકૃપાળુ અને કૃપાનિધિ છે તેથી તેઓ જીવોના તમામ અપરાધ ક્ષમા કરે છે અને પોતાના ભક્તોનાં તમામ લૌકિક અને અલૌકિક કાર્યો સિધ્ધ કરે છે.

 

“અંતઃકરણપ્રબોધ” ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતાં કહે છે કે બ્રહ્મસંબંધિત જે જીવને પ્રભુ અંગીકાર કરે છે તેમને તેઓ ક્યારેય છોડતાં નથી. શરણે આવેલો જીવ તેમનો જ છે તેવો તેમનો દ્રઢ ભાવ છે તેમ છતાં પણ જીવ અજ્ઞાનતાથી વશ હોવાને કારણે ભૂલી જાય છે. પરંતુ પ્રભુ પોતાનાં ભક્તોને એમ સરળતાથી શી રીતે ભૂલી શકે ? પોતાનાં ભક્તોને ભૂલી જવાની બાબતને તો પ્રભુ વિચાર પણ કરી શકતાં નથી. તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે…….

 

“સત્ય સંકલ્પતો વિષ્ણુનાર્ન્ય થા તુ કરિષ્યતિ” અર્થાત્ “શ્રી કૃષ્ણ સત્ય સંકલ્પ” છે.

 

ત્રીજા શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે

 

અવિરુધ્ધં પ્રકુરુતે વિરુધ્ધં વારયત્યપિ ।
દાસેષુ કૃષ્ણો બાલેષુ પિતેવ કુરુતે હિતમ્ ।।૩।।

 

અર્થાત્ શ્રી પ્રભુ પોતાનાં દાસોને માટે જે યોગ્ય હોય તે કરે છે અને દાસોને માટે જે અયોગ્ય હોય તેને દૂર રાખે છે. જેમ બાળકનું હિત પિતા વિચારે છે તેમ ભક્તોનું હિત પણ પ્રભુ શ્રી કૃષ્ણ કરે છે. આજ વિચારને વધુ સમર્થિત કરતાં શ્રી મહાપ્રભુજી “સન્યાસ નિર્ણયમાં” આજ્ઞા કરતાં કહે છે કે

 

હરિરત્ર ન શકનોતિ, કર્તુ બાધાં કુતો પરે ।
અન્યથા માતરો બાલાન્, ન સ્તન્યૈઃ પુપુષુઃ કવચિત્ ।।

 

“આ માર્ગમાં ભગવાન પોતે પણ પોતાનાં ભક્તોનો પરિત્યાગ કરિ શકતાં નથી કે પોતાના ભક્તો માટેના શુભ કાર્યોમાં વિઘ્ન નાખી શકતાં નથી, તો પછી ભક્તોને માટે કાલ તો સમર્થ બને જ ક્યાંથી? જો ભગવાન પોતાના ભક્તોનાં કાર્યોમાં વિઘ્ન કરી શકતાં હોત તો માતાઑનાં સ્તનપાન દ્વારા પોતાના બાલકોનું પોષણ થયું ન હોત.” ભક્તિ માર્ગમાં શ્રી હરિ પોતાનાં ભક્તોનાં જીવનમાં બાધા, વિઘ્ન નાખવા માટે સમર્થ નથી તો બીજા એવા કોઈ નથી કે જેઓ ભક્તોનું કાંઇ જ ખરાબ કરી શકે. વળી જે પ્રભુ ભક્તોની ભક્તિ વધે અને ભક્તોનું કલ્યાણ જ ઇચ્છતા હોય તેનું અને તેવા જીવોનું પ્રભુ ખરાબ શા માટે કરે? અને એમાંયે જે જીવ પ્રભુને શરણે ગયો છે તે જીવે તો પોતાનું સર્વસ્વ પ્રભુને શરણે ધરી દીધું છે તેવા જીવોને તો પ્રભુ નડતાં જ નથી તો પ્રભુ તેમનાં કાર્યોમાં વિઘ્ન નાખવા ક્યાંથી આવવાના? આમ જીવોએ વિચાર કરવો જોઈએ અને વિચાર કર્યા બાદ મનમાં રહેલો તમામ સંશય રૂપી અવિશ્વાસ કાઢીને પ્રભુ પ્રત્યે અને પ્રભુનાં કાર્યો પ્રત્યે દ્રઢ વિશ્વાસ અને પ્રભુનાં ચરણમાં દ્રઢ આશ્રય રાખવો જોઈએ.

 

જીવ કેવો છે તે સમજાવતાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે જીવ અજ્ઞાની હોવાથી પોતાનાંમાં રહેલા અસંખ્ય દોષોને તે જોતો નથી વળી પ્રભુએ પોતા પર કરેલાં ઉપકારોને અને પ્રભુ કૃપાને જાણતો નથી, તેથી તે કૃતઘ્ન બનીને ફર્યા કરે છે. ગુણસાગર પ્રભુ અત્યંત કૃપાળુ છે, ગુણનાં નિધિ છે તેની સામે જીવ અસંખ્ય દોષોથી ભરેલો અને દોષોનો નિધિ અર્થાત્ સ્વામી છે. આવો દોષો અને દૂષિત મનવાળો જીવ હોવાં છતાં શ્રી વલ્લભકુલ આચાર્યો દ્વારા જીવોને પ્રભુનું શરણ અને નિવેદન મળે છે તે જ જીવો માટે મોટી વાત છે. આ વાતનું તાત્પર્ય અને શ્રી વલ્લભચરણની કૃપાને સમજતાં જીવોએ શ્રી વલ્લભનાં અને શ્રી પ્રભુનાં ચરણકમળનું સદાયે ધ્યાન ધરવું.

 

સાતમા શ્લોકથી દુઃસંગથી ભગવદીયોએ કેવી રીતે સુરક્ષિત રહેવું તે વિષે શ્રી હરિરાયજી સમજાવે છે. જેમ માતા ડાકણથી દૂર રહે છે અને બાળકને પણ તેનાંથી દૂર રાખે છે તે જ પ્રમાણે પુષ્ટિમાર્ગીય ભગવદીયએ પોતાનાં ભગવદ્ભાવ રૂપ બાળકની રક્ષા કરવા માટે દુઃસંગરૂપ ડાકણથી દૂર રહેવું જોઈએ. શ્રી હરિરાયજીચરણ કહે છે કે વૈષ્ણવો માટે તો દુઃસંગ અતિ બાધક છે માટે પોતાનાં ભક્તિભાવનું રક્ષણ કરવા હેતુથી વૈષ્ણવોએ દુઃસંગથી દૂર રહેવું જોઈએ, અને જેમ પતિવ્રતા સ્ત્રી પોતાનાં પતિ પ્રત્યેનાં સ્નેહભાવ અને હૃદયભાવને બીજા કોઈના આગળ કહેતી નથી તેજ રીતે ભગવદીયોએ પણ પોતાનાં હૃદયમાં જે સ્નેહભાવ અને ભગવદ્ભાવ છે તે સર્વનાં આગળ ગુપ્ત રાખવો કોઈને કહેવો નહીં. નવમા શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્યચરણ દ્વારા જણાવાય છે કે વૈષ્ણવોને તાદ્રશી ભગવદીય મળે તો ભગવાનમાં ભાવ વધે છે આ ભાવ દર્શનીય છે. ભગવદીય ભગવાનની કથા એવી ભાવાત્મક ભાવથી કહેવાય છે કે, જેથી હૃદયમાં ભગવદ્ભાવ પ્રકટ થઈ જાય છે, માટે પુષ્ટિમાર્ગીય ભગવદીય હોય તેવા વૈષ્ણવ ભગવદીયનો સંગ અવશ્ય કરવો. સાથે સાથે શ્રી હરિરાયજીચરણ એ પણ સમજાવે છે કે જેણે આશ્રય કર્યો છે એવા ભગવદીયે પોતાનું મન, ગૃહ, દેહ સંબંધી લૌકિક વૈદિક કાર્યોમાં પોતાનું મન ન લગાડતાં ફક્ત શ્રી પ્રભુની વાર્તા અને પ્રભુની સેવામાં જ મનને પરોવવું.

 

આમ ૨૬માં શિક્ષાપત્રનું સંકલન કરતાં પુષ્ટિજીવોનાં ચાર મુખ્ય કર્તવ્યોનો વિચાર કરી લેવો. લૌકિક-વૈદિકમાં મન ન રાખતાં દુઃસંગથી ડરતા રહેવું, લૌકિક સંબંધીઓથી ભગવદ્ભાવને ગુપ્ત રાખી ભક્તોનાં વચન અને સંગથી આપણાં ભગવદ્ભાવની વૃધ્ધિ કરવી, અને શ્રી પ્રભુ પર અને પોતાનાં ગુરૂચરણો પર, તેમનાં વચનો પર દ્રઢ વિશ્વાસ રાખવો અને માત્ર અને માત્ર શ્રી પ્રભુનાં તેમજ ગુરૂચરણોનું જ નિશદિન ધ્યાન ધરવું. શ્રી આચાર્યચરણ એ પણ કહે છે કે પુષ્ટિજીવોની જેમ શ્રી પ્રભુનાં પણ બે કાર્યો છે પોતાનાં ભક્તોને ભક્તિથી વિરુધ્ધ એવા લૌકિક-વૈદિક સાધનોથી રોકવા અને પોતાના ભક્તોને ભક્તિમાં અને સેવા સ્મરણમાં જોડવા.

 

આમ ૨૬માં શિક્ષાપત્રનું સમાપન કરતાં સૌને વિશેષ જાણકારી માટે શિક્ષાપત્ર અને માર્ગનાં અન્ય ગ્રંથોનું વાંચન કરવું જરૂરી છે.

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.
 
[email protected]
[email protected]
 
સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]
 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.
 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

(૨૭)  ચલો  સખીયન બસાને જઈશું  … 

 

barsana holi1

 

 

બરસાના ખેલે હોળી, ખેલે વ્રજવાસી હોરી ………ચલો સખીયન બરસાને જઈશું
ક્યાંથી રે આવ્યાં કૃષ્ણ કનૈયા

ક્યાંથી આવ્યાંરે રાધા ગોરી, સખીઓ સંગે…..ચલો સખીયન બરસાને જઈશું
ગોકુલસો આવ્યાં કૃષ્ણ કનૈયા

બરસાનાથી રે આવ્યાં રાધિકા ગોરી ….. ચલો સખીયન બરસાને જઈશું
પાંચ વરસ કો હૈ કૃષ્ણ કનૈયા

ને સાત વરસ કી હૈ રાધિકા ગોરી…..ચલો સખીયન બરસાને જઈશું
કીનકે હાથ કનક પિચકારી

કીનકે હાથ ગુલાલ કી હૈ જોરી…….ચલો સખીયન બરસાને જઈશું
કૃષ્ણ કે હાથ હૈ કનક પિચકારી

ઔર રાધા કે હાથ હૈ ગુલાલ કી જોરી……ચલો સખીયન બરસાને જઈશું
કૃષ્ણ ને છેડી કનક પિચકારી

રાધિકા ને ઉડારી ગુલાલ કી જોરી……ચલો સખીયન બરસાને જઈશું
રાધા રંગ મેં રંગાયા હૈ નંદ કા છોરા

નંદ કે છોરે મેં રંગાઈ હૈ રાધિકા ગોરી……..ચલો સખીયન બરસાને જઈશું
જમુના કે આરે કીચડ મચ્યો

કૃષ્ણ રાધિકા ખેલે હૈ રંગભરી હોરી…….ચલો સખીયન બરસાને જઈશું
બરસાના ખેલે હોળી , ખેલે વ્રજવાસી હોરી ………ચલો સખીયન બરસાને જઈશું

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]
 
  

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

હોળી પર્વની આપ સર્વેને ‘દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઑ.

સ્વસ્થ અને સુંદર કાયા મેળવવા માટે શું તમે આ ખોરાક લો છો ? …

સ્વસ્થ અને સુંદર કાયા મેળવવા માટે શું તમે આ ખોરાક લો છો ? …

 

 

ઓલિવ ઓઈલ  :
 
olive oil
 

 ઓલિવ ઓઇલને સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે. તેનાથી શરીરમાં રહેલ ખરાબ કેલેસ્ટોરોલ ઘટે છે.

 

 

સફરજન  :
 
apple
 

સફરજનમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબરનું પ્રમાણ ઊંચું હોય છે. સફરજનથી પાચનશક્તિ પણ વધે છે. લાંબા સમયથી અસ્થમાથી પિડાઈ રહેલ માણસો માટે, સફરજન બહુ ફાયદારૂપ છે. જે ગર્ભવતી સ્ત્રી અઠવાડિયામાં ઓછામાં ઓછાં ચાર-પાંચ સફરજન ખાય, તેના આવનાર બાળકને અસ્થમા થવાનું જોખમ ઘટી જાય છે.

 

અળદ :
 
alad
 

અડદ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઊંચું રાખે છે. આ વિશે ડૉક્ટર્સ પણ એવી સલાહ આપે છે કે, 40થી ઓછી ઊંમરના લોકોએ અઠવાડિયામાં એક વાર તો અડદની દાળ તો ખાવી જ જોઇએ. જ્યારે તેનાથી વધુ ઊંમરના લોકોએ અઠવાડિયામાં ત્રણવાર અડદની દાળ ખાવી જોઇએ, જેનાથી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર જળવાઈ રહે છે.

 

કોળાનાં બીજ-પમ્પકિન સીડ્સ:
 

 
pumkin seeds

 
કોળાનાં બીજમાં ઝિંકનું પ્રમાણ સારૂ એવું હોવાથી, તે માણસના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન કરે છે. તેની સાથે-સાથે તેમાંથી વિટામિન બી, સી, ડી અને કે પણ મળે છે, જે માણસના શરીરમાં ઉત્તેજના વધારવામાં મદદ કરે છે.

 

કેસર :
 
saffron
 

દુનિયામાં સૌથી ઊંચી ગુણવત્તા વાળુ કેસર ઈરાનમાં મળે છે, ઈરાન બાદ અરેબિક દેશોમાં મળતું કેસર ઊંચી ગુણવત્તાવાળું હોય છે અને કેસર માટે ત્રીજો નંબર સ્પેનનો આવે છે. ખોરાકમાં કે દૂધમાં તેને ઉકાળતાં તેમાંથી તેજ સુગંધ અને સુગંધીદાર તેલ છૂટું પડે છે. ભરતમાં પણ અત્યારે કાશ્મિરી કેસર મળી રહે છે. શરદીમાં તેનું અનેરું મહત્વ છે. નાના બાળકોને અને ગર્ભવતી સ્ત્રીને દૂધમાં કેસર મિક્સ કરીને પીવડાવવામાં આવે છે.તેનાંથી બાળક તંદુરસ્ત જન્મે છે.

 

 

અંજીર:
 
anjir
 

અંજીરમાં રહેલ મેન્ગેનીઝ, મેગ્નેશિયમ, વિટામિન ઈ અને ઝિન્ક, તમારા જાતીય જીવનને ખુશહાલ અને ઉત્તેજનાપૂર્ણ બનાવવામાં મદદ કરે છે.

 

ટામેટા:
 
tomatto
 

 ટામેટાંમાં વિટામિન સી અને ઓક્સિડેન્ટનો જથ્થો વિપુલ પ્રમાણમાં હોય છે. તેમાં કેલરીનું પ્રમાણ પણ ઓછું હોય છે. ટામેટાંને સૂપ, સલાડ કે પછી શાક કે દાળ ગમે તેમાં ઉપયોગ કરી ખાઈ શકાય છે. ટામેટાંથી હ્રદય રોગમાં અને કેન્સરમાં પણ રાહત મળે છે અને ત્વચા ચમકીલી બને છે. ટામેટાંમાં 43 gm કેલરી છે. ટામેટાં પર થોડું મીઠું નાખી આરોગવાથી સ્વાદિષ્ટ લાગે છે.

 

 

લીલી ચા-ગ્રીન ટી:
 
green tea
 

 ગ્રીન ટીમાં ઑક્સિડેન્ટનું પ્રમાણ ઊંચું હોય છે. દિવસમાં બે કપ ગ્રીન ટી પિવાથી ખરાબ કેલેસ્ટોરોલનું લેવલ આપમેળે જ નીચું થઈ જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે ગ્રીન ટી વજનને વધારવાની પ્રક્રિયાને ધીમી પાડી દે છે .

 

અખરોટ:
 
akhrot
 

 મગજ માટે અખરોટને શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે. તેમાં ઓમેગા ફેટી એસિડ -૩નું પ્રમાણ ઊંચું હોય છે. તેનાથી પણ કેલેસ્ટોરોલ ઘટે છે. આ ઉપરાંત તેમાંથી ફાઈબર, પ્રોટિન અને આઇરન જેવાં પોષક તત્વો મળે છે.

 

ફણગાવેલ કઠોળ :
 
kathod
 

 ફણગાવેલા મગ નાસ્તામાં ખાવાથી વજન ઘટાડવામાં સારી એવી મદદ મળી રહે છે.

 

દહીં:
 
dahi
 

દહીં પ્રોટિન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત દહીંમાં રાઇબોફ્લેવિન, વિટામિન બી 6 અને વિટામિન બી 12, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ વગેરે પણ રહેલાં છે. જે વ્યક્તિને દૂધ ફાવતું ન હોય તે વ્યક્તિએ દૂધને બદલે દહીંનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ. દહીંથી પાચન ક્રિયા પણ સારી બને છે. પાચનતંત્રને સતત કાર્યરત રાખવામાં અને તેમાં રહેલ બેક્ટેરિયાને મારવામાં દહીંના મુકાબલે બીજો કોઇ ખોરાક કામ કરી શકતો નથી. ઘણાલોકો સવારના નાસ્તામાં પણ દહીંનો ઉપયોગ કરે છે. આમ તો દહીંના ઘણા ફાયદા હોય છે, પરંતુ તેમાં ખાંડનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઇએ. દહીંમાં રહેલું પ્રોટીન નાસ્તાને સ્વાદિષ્ટ અને પોષણક્ષમ બનાવે છે.

 

કાળી દ્રાક્ષ:
 
black draksh
 

ઓછી કેલરી અને ઊંચા ફાઇબરના પ્રમાણ માટે કાળી દ્રાક્ષ મહત્વની છે. તેનાથી લોહી સાફ થાય છે અને ડાયાબિટીસમાં પણ ખાઈ શકાય છે.

 

 

ગાજર :
 
gajar
 

ગાજરમાંથી ઊંચા પ્રમાણમાં કૉમ્પ્લેક્સ કાર્બન, વિટામિન એ અને બી મળી રહે છે. તેનાથી વારંવાર ભૂખ પણ નથી લાગતી.

 

 

કેળા :
 
bannana
 

કેળામાંથી પાણીના સ્વરૂપમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર મળે છે અને બ્લડ પ્રેશરને જાળવી રાખે છે કેળાથી મુડ પણ સારો થાય છે.

 

કિવી:
 
kiwi
 

ઊંચા ફાઇબર સાથે કિવી લો કેલરી આપતું ફળ છે.

 

 

ઓટ્સ:
 
otts
 

ઓટ્સનો ઉપયોગ બિસ્કીટમાં કે લોટમાં મિક્સ કરીને કરી શકાય છે. તેનાથી વારંવાર ભૂખ નથી લાગતી અને શરીર માટે પૌષ્ટિક પણ છે.

 

 

પાલક :
 
paalak
 

પાલક એક પૌષ્ટિક શાકભાજી છે. તેમાં ફાઇબર, આયર્ન અને ફોલેટનું પ્રમાણ ઊંચું હોય છે. પાલકની ભાજીમાંથી પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ મળે છે, જે અસ્થમા સામે લડવાની તાકાત પૂરી પાડે છે. કેટલાક સર્વેમાં આ જાણવા મળ્યું છે કે, અસ્થમાના દરદીઓમાં મોટાભાગે લોહીની ઉણપ અને મેગ્નેશિયમની કમી જોવા મળે છે. પાલક આ બંન્ને ઉણપ દૂર કરવામાં મહત્વનો ફાળો આપે છે. પાલકમાંથી મળતા વિટામીન બી દ્વારા, અસ્થમાના અટેક્સથી આવતા સ્ટ્રેસમાં પણ ઘટાડો થાય છે.

 

બીટ:
 
beet
 

બીટમાંથી ફાઈબરની સાથે શરીર માટે શુગર પણ મળે છે. તેનાથી વારંવાર ભૂખ લાગતી પણ અટકે છે. હ્રદય રોગમાં પણ બીટ બહુ ફાયદાકારક નીવડે છે.

 

અળસી-ફ્લેક્સ સીડ્સ:
 
flex seeds
 

માંસાહારીઓને તો ઓમેગા 3 માછલીમાંથી મળી શકે છે પણ શાકાહારીઓ માટે અળસીના બીજના ઉપયોગથી ઓમેગા ફેટી એસિડ-૩ મળી રહે છે, જે કેલેસ્ટોરોલનું લેવલ ઘટાડે છે. આ ઉપરાંત અળસીના બીજમાં વિટામિન ઇ પણ સારા પ્રમાણમાં હોય છે અળસીનાં બીજનો રોજિંદો ઉપયોગ હ્રદયની બિમારીમાં રાહત આપે છે.

 

લીંબુ:
 
lime
  લીંબુમાં રહેલ વિટામિન સી પેટ સાફ કરવામાં મદદરૂપ નીવડે છે. લીંબુના તાજા શરબતથી એસિડીટી જેવા ઘણા રોગોમાં રાહત મળે છે. ઘણા લોકો દુકાનો પર ઘરની બહાર લીંબુ-મરચા ટીંગાડે છે.એવુ માનવામાં આવે છે કે આપણા ઘર કે દુકાન પર લીંબુ-મરચા લગાવવાથી ખરાબ નજરથી બચી શકાય છે.

 

સંતરા-મોસંબી:
 
santra
 

મોસંબી, સંતરા અને લીંબુનો ગુણધર્મ લગભગ સરખો જ છે. આ ફળોમાં કોઈ પણ બીજા ફળ અને શાકભાજીની સરખામણીમાં સૌથી વધારે ફાઈબરનું પ્રમાણ રહેલું છે. ફાઈબર ઉપરાંત સંતરા અને મોસંબીમાં વિટામિન સીનો પણ સ્તોત્ર સારા પ્રમાણમાં રહેલ છે. આ વિટામિન સી થી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે રોગો સામે લડવાની તાકાત આપે છે. જે વ્યક્તિઓ વિટામિન સી યુક્ત ફળોનો (ટામેટાં, આંબળા, સંતરા, મોસંબી, લીંબુ, જામફળ, સ્ટારફ્રુટ વગેરે) ઉપયોગ નથી કરતાં, તેમનામાં વિટામિન સી ની કમીથી સ્કીન કેન્સર અને અસ્થમા જેવા રોગો વધુ જોવા મળે છે. સંતરા-મોસંબી પાચન કરવામાં વધારે ફાયદાકારક હોવાથી ખાસ કરીને બીમાર વ્યક્તિઓને વધુ પ્રમાણમાં આપવામાં આવે છે. મોસંબી, સંતરા શિયાળામાં શરદી સામે રક્ષણ મેળવવા પણ મદદરૂપ થાય છે.

 

જામફળ :
 
jamfal
 

લાઈફને વધારે હેલ્ધી બનાવનાર જામફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.

 

 

બ્રોક્લી :
 
Broccoli
 

વિટામિન એ, સી અને કેલ્સિયમ માટે બ્રોકોલી સારો સ્ત્રોત છે.

 

ઈંડા :
 
egg
 

ઈંડાં પ્રોટિનનો સારો સ્ત્રોત છે. તેનાથી સુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે. ઈંડું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેના સેવનથી મોટાપાથી બચી શકાય છે અને સંપૂર્ણ ખોરાક મેળવ્યાની અનુભૂતિ પણ મળે છે. ઑબેસિટી ઑફ ઇન્ટરનેશનલ જર્નલ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકો અઠવાડિયામાં પાંચ દિવસ દરરોજ સવારે નાસ્તામાં બે-બે ઈંડાં લે છે, તેમનું વજન સવારે પરોઠા ખાવાવાળા લોકો કરતાં 65 ટકા જલદી ઘટે છે.

 

બદામ :
 
badam
 

બદામમાં વિટામિન ઇ પુષ્કળ પ્રમાણમાં મળે છે. દરરોજ 2-4 બદામને કાચી, અથવા પલાળેલી ખાવાથી યાદશક્તિ વધે છે.

 

આદું :

 
aadu
 

દરરોજ આદુ ઉપયોગ કરવાથી એનર્જી લેવલ વધે છે. આદુંમાં બેક્ટેરિયા વિરોધી તત્વ છે જે સ્વાસથ્ય માટે ઉત્તમ સિધ્ધ થાય છે.
 

 

લસણ :
lasan
 

લસણની તેજ સુગંધના કારણે ઘણા લોકો તેનાથી દૂર રહે છે. પરંતુ શારીરિક ઉત્તેજના વધારવામાં, લસણનો ફાળો સૌથી મહત્વનો હોય છે. લસણમાં પણ આદુની જેમ બેક્ટેરિયા વિરોધી તત્વ રહેલ છે. લસણનો ગુણ તામસી હોવાને કારણે સન્યાસી, સંતો તેને વર્જ્ય ગણે છે પરંતુ ડૉક્ટર્સ પણ આ વાતને સ્વિકારે છે કે, લસણથી કામોદ્દિપક બનવા માટેના જરૂરી હોર્મોન્સમાં વધારો કરે છે અને એક કાંદા કરતાં એક લસણ સ્વાસ્થ્ય માટે વધુ સારું હોય છે.

 

મરચા :
 
marchu
 

લાલ અને લીલા મરચાં પણ વિટામિન સીનો બહુ મોટો સ્ત્રોત છે. જે તમને એલર્જી સામે રક્ષણ આપે છે. લાલ મરચાંમાં રહેલ એક્રોબિક એસિડ, અસ્થમામાં જોવા મળતા એન્જામિન સામે રક્ષણ આપે છે. લાલ મરચાંનાં પાવડર કરતાં તાજા મરચાં વધુ ગુણકારી હોય છે.
 

 

સાભાર સૌજન્ય : દિવ્યાભાસ્કર….

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન નાં અંતરપૂર્વકથી આભારી છીએ; સાથો સાથ દિવ્યભાસ્કર -‘દૈનિક’ નો આભાર !

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

ક્રોધ પર વિજય …. (ભાગ-૧) …

ક્રોધ પર વિજય …  (ભાગ-૧) …
– સ્વામી બુધાનંદ

 

krodh

 

ક્રોધનું માઠું પરિણામ

 

ભૂમિકા : કેટલાક વિરલ અપવાદોને છોડી દઈએ તો આપણામાંથી મોટા ભાગના લોકોએ ક્રોધ નામની ઉત્તેજના અને તેની તીવ્રતા અને તાપનો તેમજ તેને લીધે જન્મતાં ઉન્માદ અને ઉર્જાનો ક્યારેક ને ક્યારેક અનુભવ કર્યો જ હશે. આપણામાંથી કેટલાક તો આવા ક્રોધને કારણે થનારા ત્રાસનો સ્થાયી શિકાર પણ બન્યા છીએ.

 

ક્રોધનો અનુભવ કરનાર બધા લોકો આ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એટલું જ નહિ પરંતુ મોટા ભાગના લોકો પોતે બીજા લોકોમાં એની ઉપસ્થિતિને ન્યાય સંગત ઠરાવવા કેટલી હદ સુધી જઈ શકે છે – જાણે કે આખા જગતનું કલ્યાણ એના ક્રોધ પર જ આધારિત ન હોય. આજકાલ ‘ક્રોધિત પેઢી’ ના સમર્થનમાં એમનો અવાજ સંભળાય એ સાથે એને રજૂ કરવાની પણ જાણે કે એક ફેશન થઇ ગઈ છે. જે ક્રોધ વ્યક્તિગતરૂપે વિધ્વંસક ગણાય છે તે જ ક્રોધ જો સામુદાયિકારૂપ ધારણ કરી લે તો પ્રશંસનીય બની જાય છે. વસ્તુત: ક્રોધ એક આધુનિક સામજિક દૃષ્ટિકોણ, એક રાજનૈતિક હથિયાર અને વસ્તુસ્થિતિને બદલવાનું એક સામુહિક બહાનું કોઈ એક ગેરપરંપરાગત સ્વાર્થને સિદ્ધ કરવાનું ઉપયોગી સાધન બની ગયો છે. સમાજના વંચિત અને પીડિત અને વિશેષ કરીને એમના નેતાઓ, મજૂર સંગઠનો, છત્રસંઘો વગેરે જાણી, સમજીને ક્રોધના નારાને પોતાની રણનીતિ અને લાભ મેળવવા માટેની સોદાબાજીનો મૂળમંત્ર બનાવી લે છે. ‘આટલું આટલું કરો નહીં તો એનું ફળ ભોગવવું પડશે.’ અને એવા નારા લગાવવા મંડી જાય છે. લોકો માને છે કે જાણે એનાથી પોતાનું કામ થઇ જશે.

 

કેટલાક લોકો ક્રોધને એક પ્રકારનો પુરુષોચિત ગુણ પણ માને છે. અસામાજિક તત્વોની વચ્ચે ‘દાદાના રૂપે’ સ્વીકૃત થવા નેતાગીરીનો બિલ્લો પણ ધારણ કરી લે છે. અપરાધીઓના ગોપનીય જગતમાં ફ્રીજમાં સરંક્ષિત ક્રોધને સન્માનસૂચક માનવામાં આવે છે. વ્યક્તિ એ ક્રોધને પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યારે ફ્રિજના આઈસબોક્સમાંથી કાઢીને પોતાના ઉદ્દેશના સત્વ પર એને તપાવી લે છે.

 

એનાં નાકનાં ટેરવાં ફ્ડકવા માંડે છે,

એના હોઠ સંકોચાતા જાય છે,

એના ગાળો પર લાલીમા છવાઈ જાય છે,

એનાં ભવાં વાંકાચૂંકા વળી જાય છે,

એની છાતી ફૂલે છે અને સંકોચાય છે,

જાણે કે લુહારની ધમણ ન ચાલતી હોય !

એનું હૃદય ધધકવા લાગે છે અને,

એનો એક ધૂંબો કોઈને પણ પકડીને તેને,

એની મજા ચખાડવા સરવાળા તત્પર રહે છે.

 

 

આ શબ્દોમાં ક્રોધનું સુંદર રીતે વર્ણન કર્યું છે. સંક્ષેપમાં એનું જીવનદર્શન આ શબ્દોમાં નિરૂપિત કરી શકાય, ‘ક્રોધ બધાયને હથિયાર હાથમાં સોપી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ લોહીતરસ્યો બની જાય છે. ત્યારે કોઈ પણ ચીજવસ્તુ એને ભાલાનું કામ આપી દે છે.’

 

વિજ્ઞાપનો, વર્તમાનપત્રો, જાહેરપ્રચારપ્રસારના ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં આપણે ક્રોધ એવં હિંસાનું વિશદરૂપે ચિત્રણ જોઈએ છીએ. એનો પ્રભાવ જનતા માટે ખરેખર હાનિકારક છે. આમછતાં પણ ‘ક્રોધ’રૂપી વસ્તુના જાહેરમાં નિરૂપણ કે બજારીકરણનો ભાગ્યે જ કોઈ વિરોધ કરે છે એટલે જ,ક્રોધરૂપી તત્વ પર વિજય મેળવવા માટે રણનીતિ બનાવતાં પહેલાં એના સામાજિક તથા વ્યક્તિગત પક્ષ પર વિચાર કરી લેવો જરૂરી છે.

 

ક્રોધ અને તેનું પરિણામ

 

ચાલો હવે આપણે ક્રોધની કેટલીક વ્યાખ્યાઓ પર વિચાર કરીએ. ‘ક્રોધ એક એવું દર્પણ છે કે જેમાં તમે પોતે પોતાનો ચહેરો જોવાનું સાહસ ન કરી શકો.’ ઓક્સફર્ડના શબ્દકોશમાં ક્રોધને એક્સ્ટ્રિમ પ્લેજર-ચરમ નારાજગી એ રૂપે વર્ણવ્યો છે. રામકૃષ્ણ મિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી તુરીયાનંદ ઈચ્છાઓના ધનીભૂત રૂપને ક્રોધ કહે છે.

 

જો કે ક્રોધની સટીક વ્યાખ્યા કરવી કઠિન છે, છતાં પણ એ એટલો સર્વવ્યાપી છે કે લગભગ બધા લોકો જાણે છે કે ક્રોધ એટલે શું ? આપણને ઘરમાં, રસ્તા પર, કચેરીઓમાં, સામાજિક અનુષ્ઠાનોમાં, ચૂંટણીના બૂથ પર, વિધાનસભામાં, ખેલના મેદાનોમાં, આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં, વધારે માત્રામાં પોતાની ભીતર આ ક્રોધનો ભેટો થાય છે.

 

મોટા ભાગની બાબતોમાં ક્રોધ બીજાના કરતાં પોતાને જ વધારે નુકસાન પહોંચાડે છે. વ્યક્તિના પોતાના જ સ્વભાવમાંથી ઉત્પન્ન થવાના કારણે ક્રોધ એક સ્વભાવિક અને સરળ ભાવ છે અને એની અત્યંત વિધ્વંસાત્મક સંભાવનાઓ છે. પ્રત્યેક વ્યક્તિના સ્વભાવમાં રજોગુણનું મિશ્રણ હોવાના કારણે દરેક વ્યક્તિમાં આ ક્રોધ ગુપ્ત રહે છે, જેમ દરેક લાકડાના ટુકડામાં અગ્નિ હોય છે તેમ. બધા લોકો ક્યારેક ને ક્યારેક સામાન્ય કે પ્રબળરૂપે ક્રોધના આવેશમાં આવી જાય છે. ક્રોધ સંક્રામક પણ છે. ક્રોધના અગ્નિભર્યા શબ્દો બીજામાં પણ ક્રોધ ઉપજાવી શકે. આ પ્રબળ ઉત્તેજનાની આગ હોલવવા માટે કોમળ અને વિન્રમતાભર્યા શબ્દોના જળના ફૂવારાની આવશ્યકતા છે.

 

ક્રોધનાં માઠાં પરિણામ અનેક છે. પહેલી વાત તો એ છે કે ક્રોધી વ્યક્તિ પોતાના જીવનમાં શીખેલા વિવેકના બોધપાઠને ભૂલી જાય છે. ત્યાર પછી તે પોતાના વિચારો અને ભાવો પર નિયંત્રણ ગુમાવી બેસે છે. તેનો એ એકમાત્ર માર્ગદર્શક બની રહે છે. અને આક્રમક બની જાય છે. એ એના પોતાના હિતની વિરુદ્ધનું કાર્ય કરે છે. જ્યારે ક્રોધ વ્યક્તિનો સહજ સ્વભાવ બની જાય ત્યારે તેના શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્ન્તુલ્નમાં પણ ઉણપ સર્જાય છે.

 

એની આંતરિક શાંતિ ક્ષણભરમાં હવામાં ઊડી જાય છે. ક્રોધ મિત્રતા, પરિવાર, વ્યાવસાયિક ભાગીદારીઓ, રોજગારના અવસરોને બરબાદ કરી નાખે છે. સાંપ્રદાયિક તથા જાતિના દંગા, સળગાવી મારવું, યુદ્ધ, આત્મહત્યાઓ અને અપરાધ જેવાં અનેક રૂપ મૂળત: ક્રોધની જ ઉપજ છે.

 

ક્રોધને પરિણામે એક સુંદર વ્યક્તિ પણ કુરૂપ દેખાય છે. જે વ્યક્તિ પોતાના ક્રોધના આવેગો વિશે પસ્તાવો કરે છે તેણે પોતાની કચેરીના ટેબલની સામે એક અરીસો રાખવો જોઈએ. વારંવાર ક્રોધના આવેગમાં આવનારા કોઈ વ્યક્તિમાં જો હાસપરિહાસની પણ અભિરુચિ થાય તો આ દર્પણ ચિકિત્સા એને માટે ઉપયોગી નીવડશે.

 

 

(રા.જ.૨-૧૩(૩૦-૩૧)૫૨૮-૨૯)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.