પ્રમાદને કેમ ઓળખાવો ? … અને અન્ય …. (પ્રેરક પ્રસંગ) …. (૨)

(૧) પ્રમાદને કેમ ઓળખાવો ? (પ્રેરક પ્રસંગ ) …. (ભાગ-૨)
શરત્ ચંદ્ર પેંઢારકર …

 

 

buddha.1

 

 

ભગવાન બુદ્ધ કોંડિયાનગરમાં ભ્રમણ કરતા હતા. અનેક ભિક્ષુઓ અને લોકોને પોતાના જ્ઞાન નો લાભ આપતા હતા.  એક દિવસ ભિક્ષુ સંગામજીએ પ્રશ્ન પૂછ્યો :  ‘હે ભગવંત, સંસારના પ્રમાદમાં ફસાયેલા અને એમાં જ પડી રહીને જીવતા લોકોને કેવી રીતે ઓળખી શકાય ?’ એ સમયે તો ભગવાન બુદ્ધે એ  ભિક્ષુના પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. એને બદલે તેઓ તો બીજા વિષય ઉપર જ ચર્ચા કરતા રહ્યા.

 

આ ચર્ચાસભાના બીજા દિવસે એમને કોલીય પુત્રી સુપ્પવાસના ઘરે ભોજનનું નિમંત્રણ મળ્યું. સુપ્પવાસા સાત વર્ષ સુધી ગર્ભધારણ કરવાનું દુઃખકષ્ટ ભોગવી ચૂકી હતી.   ભગવાન બુદ્ધની કૃપાથી એને આ કષ્ટમાંથી છૂટકારો મળ્યો હતો.   ભગવાન બુદ્ધની કૃપાથી પોતાનું કષ્ટ દૂર થયું એટલે એમણે શ્રદ્ધાભાવથી ભિક્ષુસંઘને ભોજન માટે આમંત્રણ આપ્યું.   ભોજન કરતી વખતે ભગવાન તથાગતે જોયું કે સુપ્પવાસાને પતિ નવજાત શિશુને લઈને નજીક જ ઊભો છે.   બાળક સાત વર્ષ સુધી ગર્ભમાં રહ્યું હતું એટલે એ ખૂબ વિકસિત અને સુંદર પણ હતું. એમની ક્રિડા કરવાની એ રીતભાત અત્યંત મનમોહક  હતી.   તે પોતાની માતા પાસે જવા માટે વારંવાર તલસતું હતું.  એમની ક્રીડા કરવાની રીતભાત અત્યંત મનમોહક  હતી.  ભગવાન બુદ્ધે હસતાં હસતાં સુપ્પવાસાને  પ્રશ્ન પૂછ્યો :  ‘બેટી, જો તને આવા પુત્ર મળે તો તું કેટલા પુત્રોની કામના કરી શકે છે ?’  સુપ્પવાસાએ ભગવાન બુદ્ધના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું : ‘હે ભગવાન, મારી કુખે આવા સાત પુત્રો જન્મે તો પણ હું દુઃખી ન થાઉં.’

 

ભિક્ષુ સંગામજી નજીકમાં જ બેઠા હતા. આ સ્ત્રીના ઉત્તરથી એમને એ આશ્ચર્ય થયું કે ગઈ કાલ સુધી તો પ્રસવની પીડાથી ઘણી આકુળવ્યાકુળ હતી અને આજે એક નહિ પણ આવા સાત-સાત પુત્રોની કામના કરી રહી છે !  ભગવાન બુદ્ધે સંગામજીના મનને વાંચી લીધું અને પછી એ કહ્યું : ‘ભાઈ, તમારા ગઈકાલના પ્રશ્નનો આ જ ઉત્તર છે.’

 

 

(૨) આત્મશ્રદ્ધા જ સાચું બળ …

 

કપિલવસ્તુના રાજકુમાર સિદ્ધાર્થ કઠિન તપશ્ચર્યા કરીને ગૌતમ બુદ્ધ બન્યા. એમણે બૌદ્ધધર્મની સ્થાપના કરી. જન્મ-જરા-વ્યાધી-મૃત્યુના દુઃખથી પીડાતી આ દુનિયાને સુખશાંતિ અપાવે એવું અમૃત શોધવા ગૃહત્યાગ કરીને નીકળી પડ્યા વનની વાટે.  કેટકેટલીય તપશ્ચર્યા પછી પણ એમને સત્યનાં દર્શન ન થયાં. અહીંતહીં ભમતા-ફરતા રહ્યા પણ ક્યાંય આ દુનિયાના દુઃખની દવા ન મળી.   અંતે એમના મનને હતાશાએ ઘેરી લીધું.   વારંવાર એમના મનમાં આવા વિચારો આવવા લાગ્યા : ‘ચાલો, રાજમહેલમાં જ પાછા  ચાલ્યા જઈએ. અહીં કંઈ વળવાનું નથી.’

 

એક દિવસ તો તેઓ કપિલવસ્તુ તરફ પાછા  ફરી રહ્યા હતા. ચાલતાં ચાલતાં રસ્તામાં એમને તરસ લાગી. સામે જ એક સુંદરમજાનું સરોવર હતું. તેઓ એ સરોવરના કિનારે આવીને ઊભા રહ્યા. પાણી પીવા જતા હતા ત્યાં જ તેમની નજર એક ખિસકોલી પર પડી.  એમને માટે ખિસકોલી કોઈ દુર્લભ પ્રાણી ન હતું પણ ખિસકોલી જે રીતે પ્રયાસ કરતી હતી એના તરફ કુમાર સિદ્ધાર્થનું ધ્યાન આકર્ષાયું.  વાત આવી હતી – એ ખિસકોલી વારંવાર પાણી પાસે જતી, પોતાની પૂંછડી એમાં ડૂબાડતી અને કિનારાની રેતી પર આવીને પોતાની પૂંછડીમાંથી પાણી ખંખેરતી.   સિદ્ધાર્થની ચૂપ ન રહેવાયું.   એમણે પૂછી નાખ્યું : ‘અરે ! નાની એવી ખિસકોલી, તું આ શું કરે છે ?’   ખિસકોલીએ મક્કમતાથી જવાબ આપ્યો : ‘હું તો આ સરોવરને સૂકવી રહી છું.’

 

ખિસકોલીનો ઉત્તર સાંભળીને સિદ્ધાર્થના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે કહ્યું : ‘તું આ કામ ક્યારેય પૂરું નહિ કરી શકે.   તું ભલે હજાર વર્ષ જીવ કે પછી કરોડો અને અબજો વર્ષ જીવ અને આ જ રીતે પૂંછડીને પાણીમાં ડૂબાડીને રેતીમાં ખંખેરતી રહે પણ આ સરોવર સૂકાઈ જાય એ વાતમાં માલ નથી.’

 

એ સાંભળીને ખિસકોલીએ કહ્યું : ‘તમે ભેલે એમ માનો, પણ હું એમાં માનતી નથી.  હું તો એટલું જ જાણું છું કે મનમાં જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો એના પર અટલ રહેવાથી જ એ કાર્ય થઇ જાય.  ભાઈ, હું તો મારું કામ કરતી રહીશ.’  અને ખિસકોલી તો વળી પાછી પોતાની પૂંછડી સરોવરમાં પલાળવા ચાલી નીકળી.

 

નાની મજાની આ ખિસકોલીની વાતે સિદ્ધાર્થના હૃદય પર જબરી અસર કરી. એમને પોતાના મનની નિર્બળતાનો ખ્યાલ આવ્યો. તેઓ વળી પાછ  જંગલમાં ગયા અને પોતાના તપમાં લીન થઇ ગયા.

 

એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘જગતનો ઈતિહાસ એટલે એવા અલ્પસંખ્યક માનવીઓનો ઈતિહાસ કે જેમને પોતાનામાં શ્રદ્ધા હતી.’

 

 

(રા.જ. ૫-૧૦(૩૫)૭૯)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.