ક્યા દેવતાનું વાહન શું છે અને શા માટે ?

ક્યા દેવતાનું વાહન શું છે અને શા માટે ?

 

હિન્દુ ધર્મમાં વિભિન્ન દેવતાઓના સ્વરૂપ અલગ-અલગ જણાવવામાં આવ્યા છે દરેક દેવતાના સ્વરૂપ તેના આચરણ તથા વ્યવહાર અનુરૂપ જ આપણા ધર્મગ્રંથોમાં વર્ણન આવે છે. દેવતાઓનાં સ્વરૂપની જેમ જ દેવતાઓના વાહનોમાં પણ વિભિન્નતા જોવા મળે છે. ધર્મગ્રંથો અનુસાર મોટાભાગના દેવતાઓના વાહન પશુ જ હોય છે.

 

god godeses .1

 

દેવતાઓના વાહનના રૂપમાં આ પશુ કોઈને કોઈ સમજ આપે છે. આજે આપણે જાણીએ કે કયા દેવતાનું વાહન શું છે અને શા માટે છે….

 

mushak

ભગવાન શ્રી ગણેશનું વાહન મૂષક

 

ભગવાન શ્રીગણેશનું વાહન છે મૂષક અર્થાત ઊંદર. ઊંદરની વિશેષતા એ છે કે તે દરેક વસ્તુને કાપી નાખે છે. તે એ નથી જોતો કે આ વસ્તુ કેટલી જરૂરી છે, કિમતી છે. આ રીતે કુતર્કી પણ એવા વિચાર નથી કરતા કે આ કાર્ય શુભ છે કે અશુભ, સારો છે કે ખરાબ. તે દરેક કામમાં કુતર્ક દ્વારા વિઘ્નો નાખે છે. ગણેશજી બુદ્ધિ તથા જ્ઞાન છે અને મૂષક કુતર્ક છે. જેને ગણેશજીએ પોતાની નીચે દબાવીને પોતાની સવારી બનાવીને રાખે છે. કારણ કે કુતર્ક અર્થાત અવિચારી વિચાર શક્તિ, અવિચાર કાર્ય શક્તિને દબાવીને ન રાખીએ તોતે આપણું જ મસ્તક ખરાબ કરી નાખે છે જેને કારણે મનુષ્ય ન કરવાનું કાર્ય કરી નાખે છે. તેને કારણે જ કદાચ કહેવત પડી હશે કે બુધ્ધિના ગણેશ થઈને ફરીએ પણ ઉંદર થઈને ન ફરીએ. મૂષક મહાશય આપણને સમજ આપે છે કે કુતર્કને નહીં પણ જ્ઞાનને અને સમજને અપનાવો. ઉંદરનું એક અન્ય ગુણ પણ છે કે તે જ્યારે કાતરે છે ત્યારે તે ફૂંક મારતું જાય છે અને કોતરતું જાય છે અર્થાત બહુ જ શાંતિથી કાર્ય કરે છે. તે જ રીતે મનુષ્યએ પણ શાંતિથી કાર્ય કરવું જોઈએ પરંતુ ઉંદરની જેમ અવિચારી કાર્ય ન કરવું જોઈએ.

 

 

garud

ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ

 

ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ છે. તેને પક્ષીઓના રાજા પણ કહે છે. ભગવાન વિષ્ણુ બધાનું પાલન કરનાર ભલે હોય પરંતુ નાના મોટા પ્રત્યેક જીવ ઉપર ધ્યાન રાખવાનું કાર્ય તેમણે ગરુડને સોંપ્યું છે. ગરૂડની એ વિશેષતા છે કે આકાશની ઊંચાઈએ પણ તે પૃથ્વીના નાના-નાના જીવો પર પણ નજર રાખી શકે છે. કારણ કે તેની તેની તીક્ષ્ણ નજરમાં અપાર શક્તિ હોય છે. આ ઉપરાંત ગરુડની એક અન્ય ખાસિયત છે કે તે પૃથ્વીને સ્વચ્છ કરે છે. તેજ રીતે મનુષ્યે પણ પ્રકૃતિ રૂપી નિસર્ગને સ્વચ્છ રાખવી જોઈએ. ગરૂડ પાસે એ પણ સમજવાનું છે કે કોઈપણ નાની મોટી વાત પર પૂર્ણ ધ્યાન અને નજર રાખો જેથી નાનીમોટી વાતથી પણ તમારો સ્વવિકાસ થતો રહે.

 

 

 

balad

ભગવાન શંકરનું વાહન બળદ

 

ધર્મગ્રંથોમાં ભગવાન શંકરનું વાહન નંદી બળદ જણાવાયું છે. બળદ મહેનતું, શાંત અને શક્તિશાળી જીવ છે. ભગવાન શિવ પણ પોતાનાં સ્વતપના બળ પર શક્તિશાળી, શાંત છે ભગવાન શિવ નાની અમથી પૂજાથી પણ તરત જ પ્રસન્ન થઈ વરદાન આપી દે છે તેથી તેમનું નામ જ ભોળેનાથ છે. ભગવાન શંકરે કામને ભસ્મ કર્યો, તેના પર વિજય પ્રાપ્ત કર્યો હતો, તે રીતે તેનું વાહન પણ કામી નથી હોતું. તેનું કામ પર પૂરું નિયંત્રણ હોય છે. અહીં કામનાં બે અર્થ શાસ્ત્રોમાં બતાવ્યાં છે. પ્રથમ કામ એ સંસારચક્રને આગળ વધારે છે અને અને બીજો કામ તે કાર્ય તરફ સૂચિત કરે છે. વિદ્વાનો કહે છે કે શારીરિક, માનસિક કામને જો જીવનમાં જીતી લો તો તમે શિવ બની શકો છો. અને શિવ બનતાં જ જેમ દેવોમાં શિવ મહાદેવ છે તેમ તમે પણ તમારા ક્ષેત્રના વડા બની શકો છો. પરંતુ આમાં બીજી વાત એ પણ છે કે વડા બનવા માટે ભગવાન શિવની જેમ સરળ સ્વભાવ રાખવો જોઈએ અને તેનાં સાથી બળદ અર્થાત નંદીની જેમ મહેનતી સ્વભાવ રાખવો જોઈએ. જ્યારે આ બંને ગુણ તમારી પાસે આવી જાય છે ત્યારે તમે લોકપાલ થઈ જાઓ છો કારણ કે જે લોકપાલ હોય તે નાના મોટા સર્વેની સાથે સરળતાથી મિક્સ થઈ સર્વેનાં લોકપ્રિય થઈ જાય છે. ભગવાન શિવનું એક નામ લોકપાલ પણ છે.

 

 

lion

દેવીનું વાહન સિંહ

 

શાસ્ત્રોમાં દેવીનું વાહન સિંહ જણાવાયું છે. સિંહ એક સંયુક્ત પરિવારમાં રહેનાર પ્રાણી છે. તે પોતાના પરિવારની રક્ષા કરવાની સાથે જ સામાજિક રૂપે તે વનમાં રહે છે. તે વનનું સૌથી શક્તિશાળી પ્રાણી હોય છે, પરંતુ પોતાની શક્તિને વ્યર્થ ખર્ચ નથી કરતો, જરૂરીયાત પ્રમાણે તેનો ઉપયોગ કરે છે. સિંહ જે પરિવારમાં રહે છે તે પરિવારના પેટની ચિંતા સિંહણને કરવાની હોય છે અર્થાત સિંહણ શિકાર કરે છે અને સિંહ તેને મદદ કરે છે ત્યાર બાદ સિંહ તે શિકાર આરોગે છે દેવીના આ વાહનમાંથી એવો સંદેશ મળે છે કે ઘરની મુખ્ય સ્ત્રીને પરિવારની જવાબદારી સોંપાવી જોઈએ અને આ કાર્યમાં તેનાં પર પૂર્ણ વિશ્વાસ કરવો જોઈએ. પરંતુ પરિવારનો મુખ્ય પુરુષ તે સિંહ છે જેથી પરિવાર પર અન્ય દુશ્મનો સરળતાથી હાવી થતાં નથી તે જ રીતે પુરૂષોએ પરિવારની જવાબદારી ઉપાડવી જોઈએ.

 

 

hansh-swan

સરસ્વતીનું વાહન હંસ

 

માતા સરસ્વતીનું વાહન હંસ છે. માતા સરસ્વતી એ શિક્ષાનું અને હંસ એ જ્ઞાનનું પ્રતિક છે. શાસ્ત્રોમાં એક માન્યતા છે કે હંસમાં એવો ગુણ હોય છે કે તેની સામે દૂધ તથા પાણી મેળવીને રાખી દો તો તે કેવળ દૂધ પી લે છે તથા પાણી છોડી દે છે. આ માન્યતાનો અર્થ એ લઈ શકાય કે સમાજમાં આપણી સામે જ્યારે બે માર્ગ આવે જેમાં એક સારો હોય પરંતુ લાંબો હોય અને બીજો નાનો હોય પણ આપણાં ધ્યેયથી ભટકાવી દે તેવો હોય તો લાંબો પણ સત્યનો માર્ગ પસંદ કરવો, અને રસ્તે ચાલતાં માત્ર સારા ગુણ ગ્રહણ કરવા અને અવગુણ કે દુર્ગણ કે દુર્જનનો સાથ છોડી દેવો. ગુણ તથા અવગુણને ઓળખવા ત્યારે શક્ય છે જ્યારે હૃદય, મન અને મગજમાં જ્ઞાનનો ઉદય થાય. પરંતુ જ્ઞાનનો ઉદય થવા માટે સુશિક્ષિત થવું જરૂરી છે અને આપણી સાથે આસપાસનાં સમાજને પણ સુશિક્ષિત કરવો જરૂરી છે.

 

 

 

elephant - ghuvad

લક્ષ્મીજીનું વાહન હાથી તથા ઘૂવડ

 

માતા લક્ષ્મીનું વાહન સફેદ રંગનો હાથી હોય છે. સફેદ રંગ એ પવિત્રતાનું પ્રતિક છે. શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે પોતાની મહેનતથી જે ધન મનુષ્ય અર્જિત કરે છે તે ધન પવિત્ર હોય છે. હાથીનો બીજો ગુણ એ છે કે તે પોતાનાં પરિવારની સાથે હળીમળીને રહે છે તેથી હાથીને સામાજિક તથા બુદ્ધિમાન પ્રાણી ગણવામાં આવ્યું છે. હસ્તિ પરિવારમાં માદાઓની પ્રાથમિકતા જોવા મળે છે તથા તેનું સન્માન કરવામાં આવે છે. તે રીતે મનુષ્યે પણ પોતાના પરિવાર સાથે હળીમળીને રહેવું જોઈએ અને પોતાના પરિવારની બધી જ સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. તેથી જ સમાજમાં કહેવામા આવ્યું છે કે પ્રત્યેક વ્યક્તિની પ્રથમ સ્કૂલ અને શિક્ષા તે તેમનો પરિવાર છે. જે વ્યક્તિ પોતાનાં ઘરની સ્ત્રીઓને માન આપે છે તે સ્ત્રીઓ બીજી સ્ત્રીઓને પણ માન ચોક્કસ આપશે. સંતો કહે છે કે પોતાના પરિવારને એક રાખનાર અને ઘરની સ્ત્રીઓને આદર આપનાર માણસના ઘરે લક્ષ્મી નિવાસ કરે છે. અહીં લક્ષ્મીનો અર્થ આપણે ગૃહલક્ષ્મી, માતૃ લક્ષ્મી, પુત્રી અર્થાત કન્યાલક્ષ્મી અને પુત્રવધૂલક્ષ્મી તરીકે કરી શકીએ છીએ. લક્ષ્મીનું વાહન ઘૂવડ પણ છે, ઘૂવડ હંમેશા ક્રિયાશીલ હોય છે. તે પોતાનું પેટ ભરવા માટે સતત કર્મશીલ હોય છે. પોતાના કાર્યોને પૂરી તન્મયતાથી પૂરું કરે છે. તેનો અર્થ છે કે જે વ્યક્તિ રાત-દિવસ જોયા વગર મહેનત કરે છે તેના પર લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે. પરંતુ ઘુવડ એ નિશાચર પક્ષી છે જે દર્શાવે છે કે ગમે તેટલું આસપાસ અંધારું હોય, તમારા કાર્યને કોઈ જોનાર પણ ન હોય, કોઈ ઉત્સાહ આપનાર પણ ન હોય તો પણ તમારા કાર્યમાં મગ્ન રહો. જ્યારે અંધકાર દૂર થશે ત્યારે તમારા કાર્યની આપોઆપ પ્રસંશા થશે પણ ત્યાં સુધી નિરાશ બનીને કાર્ય પ્રત્યે ઉદાસીનતા ન રાખવી.

 

 

 

hanumanji.1

 

હનુમાનજીનું આસન ભૂત અને પિશાચ

 

હનુમાનજી પ્રેત કે પિશાચને પોતાનું આસન બનાવીને બેસે છે. તેને તે પોતાના વાહનના રૂપમાં ઉપયોગ કરે છે. પિશાચ કે પ્રેત ખરાબ અને ભય આપનારા હોય છે. સામાન્ય રીતે ભૂત પિશાચને નકારાત્મક રૂપમાં પ્રગટ કરવામાં આવ્યાં છે. આપણે ત્યાં કહેવાય છે કે જે મૃત વ્યક્તિની ઈચ્છા અને વાસના અધૂરી રહી જાય છે તે વ્યક્તિઓ ભૂત કે પિશાચનાં રૂપમાં જીવિત રહે છે. પરંતુ હનુમાનજી કહે છે કે ભૂત-પિશાચ રૂપી તમારી વાસના અને ઈચ્છાઓનું દમન કરી તેની પર તમે બેસી જાઓ. તે વાસનાને તમારી ઉપર ન બેસવા દો. તેનો અર્થ છે કે આપણે ક્યારે આપણાં પર ખરાબ અર્થાત નકારાત્મક વિચારો અને ભયને હાવી ન થવા દઈએ તો આપણે વિકાસની ઊંચાઈએ ઊડી શકીએ છીએ.

 

 

surya narayan

સૂર્યનું વાહન રથ

ભગવાન સૂર્યનું વાહન રથ છે. આ રથમાં સાત ઘોડા હોય છે. જે સાતવારનું પ્રતિક છે. રથનું એક પૈડું એક વર્ષનું પ્રતિક છે, જેમાં બાર આરા હોય છે અને બીજું પૈડું તે ઋતુઓનાં પ્રતિક રૂપે હોય છે. ભગવાન સૂર્યનું વાહન રથ આ વાતનું પ્રતિક છે કે આપણે હંમેશા ક્રિયાશીલ રહેવું જોઈએ. જ્યારે સતત ક્રિયાશીલ રહીએ ત્યારે જીવનમાં પ્રકાશ આવે જ છે, અને એ પ્રકાશ જ આપણાં જીવન રૂપી રથને ગતિ આપતું જાય છે. ભગવાન સૂર્યનાં રથનો સારથિનું નામ અરુણ છે. જે ભગવાન સૂર્યનાં સાતે ઘોડાઓની ધૂરા પોતાનાં હાથમાં રાખે છે તેજ રીતે આપણાં જીવનની ધૂરા પણ આપણાં હાથમાં હોવી જોઈએ. અહીં શાસ્ત્રોએ ઘોડાનો અર્થ ઇન્દ્રિયો તરીકે કર્યો છે. તેથી એમ કહી શકાય કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓની ધૂરા આપણાં હાથમાં હોય ત્યારે આપણે અરુણ બનીને આપણાં જીવનનાં રથને સારી રીતે ચલાવી શકીએ છીએ, અને જ્યારે આપણો જીવનરથ સારી રીતે ચાલતો હોય ત્યારે જ આપણે સારા કર્મો કરી શકીએ છીએ જેને કારણે આપણને આપણાં જીવનને સૂર્ય બનવાની તક મળે છે.

 

yum-pado

યમરાજનું વાહન પાડો

 

મૃત્યુ દેવ યમરાજ ભયાનક દેખાતા પાડાને પોતાના વાહનના રૂપમાં ઉપયોગ કરે છે. જીવો માટે મૃત્યુ પણ એક ભય છે. યમરાજા દર્શાવે છે કે ભય પર જો તમે સવાર થઈ જાઓ તો તમને કોઈપણ પ્રકારનો ભય કે ડર તમારા પર હાવી થતો નથી અને તમે મુક્ત રીતે જીવન જીવી શકો. બીજો અર્થ એ પણ કહી શકાય કે જો મૃત્યુનો ડર હશે તો જીવનને પૂર્ણ સંયમ રીતે જીવવી જોઈએ જેથી જ્યારે મૃત્યુ આવી જાય ત્યારે જીવનમાં કશું સારું કર્યું નથી તેવો ભય ન રહે. પાડાઑ હંમેશા જુથમાં રહીને ફરનાર સામાજિક પ્રાણી છે. કહેવાય છે કે જ્યારે પણ કોઈ દુશ્મન આવે છે ત્યારે તે બધા મળીને એકતા દ્વારા એકબીજાની અને પોતાનાં પરિવારની રક્ષા કરે છે. પાડાનો બીજો ગુણ એ છે કે જ્યારે તે પોતાની તરફ મુશ્કેલી જુએ છે ત્યારે પોતાનાં શિંગડા ઉપાડી તેને મારવા દોડે છે. તે જ રીતે મનુષ્યે પણ પોતાનાં પર આવતી તમામ તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે પોતાનાં પૂરા જુસ્સાથી દોડવું જોઈએ. મુશ્કેલીઓથી ભાગી ન જવું તે ગુણ આપણને પાડો શીખવે છે.

 

 

peacock

ભગવાન કાર્તિકેયનું વાહન મોર

 

સંયમ, કામ, અને ચતુરાઇપૂર્વકની ચતુરાઇથી કેવી રીતે કામ કરવું તે આપણને કાર્તિકેયજી અને તેમનું વાહન મોર શીખવે છે. ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દેવતાઓના સેનાપતિ કહેવામાં આવે છે. તેનું વાહન મોર છે. ધર્મગ્રંથો અનુસાર કાર્તિકેયે અસુરો સાથે યુદ્ધ કરી દેવતાઓને વિજય અપાવ્યો હતો. અર્થાત તેનું યુદ્ધ કૌશલ્ય સૌથી શ્રેષ્ઠ છે. હવે જો તેનું વાહન મોરને જુઓ તો ખ્યાલ આવશે કે તેનું ભોજન સાપ છે. સાપ પણ ખતરનાક પ્રાણી છે છતાં તેનો શિકાર મોર ચપળતાથી કરે છે. આથી કોઈ પણ કામ ચપળતાથી કરવામાં આવે તો તમે જ વિજયી છો. આ ઉપરાંત મોર એ મુક્તિનું પ્રતિક પણ છે અને કામનું પણ પ્રતિક છે જે દર્શાવે છે કે સંસારમાં કામ હંમેશા રહેવાનો પણ કાર્તિકેય રૂપી આપણે અર્થાત આપણે સંયમપૂર્વક કામની પૂર્તિ કરીએ તો આપણને મુક્તિ મળે છે.

 

 

magar

ગંગાનું વાહન મગર

 

ધર્મગ્રંથોમાં માતા ગંગા અને માતા ખોડિયારનું વાહન મગરમચ્છ જણાવાયું છે. તે દર્શાવે છે કે ગંગા અને ખોડિયાર જગત જનની હોવા છતાં કુરૂપ દેખાતાં પોતાના સંતાનોનો ત્યાગ નથી કરતી પણ પોતાનાં વ્હાલ ભર્યા પાલવ નીચે રાખે છે તે રીતે આપણે પણ દરેક પ્રાણીની રક્ષા કરવી જોઈએ. પોતાના નિજી સ્વાર્થ માટે તો તેમને હણવા યોગ્ય નથી. કારણ કે દરેક પ્રાણીની ઉપસ્થિતિએ સૃષ્ટિની સાંકળ છે જેનાથી આ સંસાર ચાલી રહ્યો છે માટે સંસારની કોઈપણ કડીનો છેદ કરવો યોગ્ય નથી સાથે મગર પાસેથી બીજી એક વાત પણ શીખવા જેવી છે. મગર પાસે જેવો શિકાર નજીક આવે છે તરત જ તે ઝપટ મારીને પોતાનાં શિકારને પકડી લે છે અને શિકારને પૂર્ણ રીતે ખાઈ જ કાઢે છે તે જ રીતે આપણી પાસે કોઈપણ ધ્યેય આવે ત્યારે તેને ઝડપી લઇ તે ધ્યેયનું કાર્ય પૂર્ણ રીતે કર્યા પછી જ સંતોષ લેવો.

 

 

sani dev -kagdo
શનિદેવનું વાહન કાગડો

 

કાગડાની આદત હોય છે જુદી જુદી જગ્યાઓમાં ફૂડને છુપાવવું. કારણ કે ઘણા બધાં પક્ષીઓ કે પ્રાણીઓ એવા હોય છે કે જેઓ ખાવાનું શોધતાં હોય છે ત્યારે તેઓનાં હાથમાં છુપાવેલ ખાદ્ય આવી જાય તો તેઓ સફાચટ કરી નાખે છે. કાગડો આપણને સૂચવે છે કે આપને કામનાં એવા પદાર્થને ક્યારેય એક જ જગ્યાએ ન સંતાડવું પરંતુ અલગ અલગ જગ્યાએ સંતાડવું જેથી કરીને મુશ્કેલીનાં સમયે ઉપયોગી થઈ શકે. આ ઉપરાંત ક્યારેય એ જોયું છે કે એક કાગડાનું મૃત્યુ થાય ત્યારે બીજા કાગડાઑ કાગારોળ કરી નાખે છે, કોઈ એક કાગડાને ખાવાનું આપશો તો પણ એ કા….કા….કા કરીને બીજા કાગડાને પણ ભેગા કરશે ક્યારેય તે એકલો નહીં ખાય આમ કોઈપણ વસ્તુ એક સાથે રહીને કરવાથી અંતે ફાયદો જ થાય છે તે વાત કાગમંડળી માણસજાતને શીખવે છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે કાગડાની ફક્ત એક આંખ ખૂબ શાર્પ હોય છે તેથી તે એકાક્ષી કહેવાય છે. આ જ વાતને બીજા અર્થમાં જોઈએ તો જે કાર્ય હાથમાં લીધું છે તે કાર્ય માટે એક જ ધ્યેય રાખો. એક કથા અનુસાર દેવરાજ ઇન્દ્રનાં પુત્ર જયંતને શ્રાપ મળેલો કે તે કાગડો થાય કારણ કે તેણે સ્ત્રીઑ તરફ પોતાની દૃષ્ટિ બગાડી હતી. ત્યારથી કહેવાય છે કે પોતાની પત્ની, સિવાય બીજી કોઈપણ સ્ત્રી માટે મન, હૃદય, મગજ અને આંખ બગાડનાર વ્યક્તિ બીજા જન્મે કાગડો થાય છે.

 

 

bahuchraji
બહુચરમાંનું વાહન કૂકડો

કૂકડાં કૂકડાં કૂક રે કૂક
નકામી વાતોને તું મૂક

 

આ ગીત અમે નાના હતાં ત્યારે બહુ ગાતા. એનું કારણ એ કહેવાય છે કે કૂકડાંમાં એક અવગુણ છે કે તે પારકી પંચાતમાં ઉતરી આવીને પોતાનો સૂર મેળવવા લાગે છે. મારા દાદી હંમેશા કહેતા કે આપણે બીજાની વાતોમાં કૂકડાં થઈને નો ફરીએ. આપણે બસ આપણી જ વાતોનુ અને વસ્તુઓનું ધ્યાન રાખવું નહીંતો ક્યારેક પારકી પંચાત કરવા જતાં આપણેય ફસાઈ જઈએ. કૂકડાંનો એક ગુણ પણ છે કે તે રોજ સવારે વહેલો ઊઠીને કાર્ય કરવામાં મગ્ન બની જાય છે. તેમ માણસે પણ વહેલા ઉઠી જવું જોઈએ અને પોતાના કાર્યમાં મગ્ન બની જવું જોઈએ. તેથી જ કદાચ કહેવત પડી હશે કે વહેલા સૂઈને જે વહેલા ઊઠે વીર, બળ બુધ્ધિ ને વિદ્યા વધે તે જ છે સાચો બલવીર.

 

 

 

 

dutt bhagwan
ભગવાન દત્તાત્રેયનો સાથી કૂતરો

 

કૂતરો…માણસ જાતનો સૌથી નજીકનો મિત્ર હોય તો તે કૂતરો છે. કૂતરાનો પ્રથમ ગુણ તે મિત્રતા. જેની સાથે મિત્ર બની જાય છે તેમની સાથેની મિત્રતા જીવનનાં અંત સુધી નિભાવે છે. કૂતરાનો બીજો ગુણ જે મળે તે ખાઈ લેવું તે રીતે માણસે પણ પોતાને મળતા તમામ આહારને માન આપવું, કૂતરાનો ત્રીજો ગુણ વફાદારી. વફાદારી પોતાના માલિક સાથે હોય કે મિત્ર સાથે તે હંમેશા વફાદાર રહે છે તેણે કોઈ લોભ કે લાલચ નથી. કૂતરાનો ચોથો ગુણ તે ઓછી નીંદર. કૂતરાની નીંદર હંમેશા ઓછી હોય છે તેથી બાજુમાંથી થતાં પગરવોને કારણે તે ઉઠી જાય છે તેમ માણસે પણ નીંદર ઓછી કરવી અહીં શાસ્ત્રોએ નીંદરનો અર્થ આરામ તરીકે કર્યો છે અર્થાત માણસે હંમેશા કાર્યશીલ રહેવું. કૂતરાનો ચોથો ગુણ તે સચેત રહેવું. માણસે પણ પોતાની પર આવનારી પ્રત્યેક પળથી જાણીતા રહેવું જેથી મુશ્કેલીનો સામનો કરી શકાય. તેથી જ કહેવત પડી છે કે ચેતતા નર સદા સુખી.

 
પૂર્વી મોદી મલકાણ -(યુ એસ એ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ..

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું  બ્લોગ પર સ્વાગત છે.