સત્ય – અસત્ય માટે વિવેક – અને અન્ય … (પ્રેરક –પ્રસંગ )…(ભાગ -૧)

(૧)  સત્ય – અસત્ય માટે વિવેક  – (પ્રેરક –પ્રસંગ) …
– શરત્ ચંદ્ર પેંઢારકર

 

Buddha

 

એકવાર ભગવાન બુદ્ધ કૌશલ જનપદમાં આવેલ કેસપુત્ત નિગમમાં આવ્યા. એક રાત્રીએ એમનું પ્રવચન યોજાયું. પ્રવચન પૂરું થયા પછી એક શિષ્યે ભગવાન બુદ્ધને પ્રાશ પૂછ્યો : ‘મહાશય, આ કેસપુત્તમાં જ્યારે કોઈ શ્રમણ આવે છે ત્યારે એ પોતાના મતનો પ્રચાર કરે છે અને બીજાનાં મતનું ખંડન કરે છે. એ વખતે અમે કોનું કથન સાચું અને કોનું ખોટું’ એવા ભ્રમમાં પડી જઈએ છીએ.’

 

ભગવાન તથાગતે કહ્યું : ‘મિત્રો, આવી રીતે તમારું ચિત્ત વિચલિત બની જાય એ સ્વભાવિક છે. વાસ્તવિક રીતે સંશય કે ભ્રમમાંથી જ જ્ઞાન ઉદ્દભવે છે. એટલે તમારી સામે ઉચ્ચારાયેલા વચન તમારી શ્રુતિ છે એમ માનીને સત્ય ન માની લો. પણ તમે પોતે જેને સદૈવ સત્ય જ માણો છો કે માણતા રહ્યા છો, એને જ તમારે સાચું માનવું. આવું તો છે જ, એવું કહીને પણ કોઈ વાતને સાચી ન માનવી. ‘પિટક’ (ધર્મશાસ્ત્ર) માં અમુક બાબતોનું અનુમોદન કરવામાં આવ્યું છે અથવા એ તર્કસંગત કે ન્યાયપૂર્ણ છે, એટલે પણ સાચું ન માનવું. મત વ્યક્ત કરનાર વ્યક્તિનું રૂપ તેમજ તેના આકર્ષક વ્યક્તિત્વથી આકર્ષાઈને કે તે શ્રદ્ધાવાન છે કે આચાર્ય છે એટલે એનું કથન સત્ય હશે એવી ભ્રાંતિમાં પડવું શ્રેયષ્કર નથી. પરંતુ તમારો વિવેક કહે કે આ સત્ય છે અને તે અસત્ય છે ત્યારે જ તમે સત્ય કે અસત્ય માનજો.’

 

 

(૨)  જ્યાં સુમતિ ત્યાં વિવિધ સંપત્તિ …

 

ભગવાન બુદ્ધ પાટલીપુત્રમાં આવ્યા છે. પાટલીપુત્રની દરેક વ્યક્તિ પોતપોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે એમને ભેટસોગાદ આપવા યોજના કરવા લાગ્યા. રાજા બિબિંસાર એમની પાસે ગયા. તેઓ પોતાના રાજકોશમાંથી કીંમતી હીરા-મોતી, રત્ન લાવ્યા અને ભગવાન બુદ્ધનાં ચરણે ધર્યા. ભગવાન બુદ્ધે બધાંને એક હાથે સહર્ષ સ્વીકાર પણ કર્યો. ત્યાર પછી રાજાના મંત્રીએ આવ્યા. નગરના શેઠ શાહુકારો આવ્યા અને ધનિક લોકો પણ આવ્યા. એમણે પોતપોતાની રીતે ઉપહાર અપર્ણ કર્યા અને ભગવાન બુદ્ધે એક હાથે એ બધાને સ્વીકાર કર્યો.

 

આ સમય દરમ્યાન ૭૦-૮૦ વર્ષની એક વૃદ્ધ સ્ત્રી લાકડીને ટેકે ટેકે ત્યાં આવી. એનાથી બરાબર ચાલી શકાતું ન હતું. ભગવાન બુદ્ધને પ્રણામ કરીને એમણે કહ્યું : ‘પ્રભુ, આપના આગમનના સમાચાર મને હમણાં હમણાં જ મળ્યા. એ વખતે હું દાડમ ખાતી હતી. મારી પાસે કોઈ બીજી ચીજવસ્તુ તો હતી નહિ એટલે મેં અડધું ખાધેલું દાડમ આપણે માટે લાવવાનું નક્કી કર્યું. એ ફળ લાવી છું. હે પ્રભુ, જો મારી આ તુચ્છ ભેટનો સ્વીકાર કરશો તો હું મારી જાતને સદ્દભાગી માનીશ.’ ભગવાન બુદ્ધે પોતાના બંને હાથ લંબાવીને એ વૃદ્ધ સ્ત્રીનું અડધું ખાધેલું દાડમ પ્રેમથી સ્વીકારી લીધું. આ જોઇને રાજા બિબિંસારને ઘણું આશ્ચર્ય થયું. એમણે ભગવાન બુદ્ધને કહ્યું : ‘ભગવાન, માફ કરજો. પણ મારે એક પ્રશ્ન પૂછવો છે. મારા મનની શંકાનું સમાધાન કરશો એવી અપેક્ષા છે. જુઓ, અમે બધાએ આપણે અત્યંત મૂલ્યવાન અને મોટી મોટી ભેટસોગાત આપી. એ બધી આપે એક હાથે જ સ્વીકારી. પણ આ વૃદ્ધ નારીએ આપેલું એઠું દાડમ આપે બંને હાથે સ્વીકાર્યું, એવું કેમ ? આ સાંભળીને ભગવાન બુદ્ધ હસ્યા અને કહું : ‘રાજન્, આપ બધાએ ખરેખર બહુમૂલ્ય ભેટ આપી છે. પણ એ બધી ભેટો આપની સંપત્તિના દસમાં ભાગ જેટલી પણ નથી. વળી તમે બધાએ મૂલ્યવાન વસ્તુઓનું દાન કરીને પોતાની મોટાઈ બતાવવાનો પ્રયત્ન કર્યો. આપે આ દાન દીનહીનનાં કલ્યાણ માટે નથી કર્યું. એટલે આપનું દાન સાત્વિક દાન ન કહેવાય. એનાથી ઊલટું આ વૃદ્ધ નારીએ પોતાની પાસે દેવાનું કંઈ ન હતું છતાં પણ મોઢાનો એક કોળિયો મને આપી દીધો. પછી ભલે એમણે સાવ ક્ષુદ્ર ભેટ કેમ ન આપી હોય ! એમણે જે કંઈ આપ્યું છે એ સાચા અંત:કરણથી આપ્યું છે. આ વૃદ્ધ નારી નિર્ધન છે, પણ એને સંપત્તિની લાલસા નથી. એટલે જ આ સાવ તુચ્છ વસ્તુને જ એ પોતાની સંપત્તિ ગણે છે અને એનાથી એને સંતોષ પણ છે. એટલે જ મેં એમના દાનને ખુલ્લા હૃદયે, બંને હાથે સ્વીકાર્યું છે.

 

 

(રા.જ.૫-૧૦(૩૪)૭૮)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે.