વિધાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય …

વિધાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય …
– સ્વામી પુરષોત્તમનંદ

 

 

 

 

એકાગ્રતામાં જ સફળતાનું બધું રહસ્ય રહેલું છે, આ વાતને સમજી જનાર ખરેખર બુદ્ધિમાન માણસ છે. એકાગ્રતા કેવળ યોગીઓ માટે જ આવશ્યક છે, એમ સમજવું એક મોટી ભૂલ છે. એકાગ્રતા તો પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે, પછી ભલે એ ગમે તે કાર્યમાં રત હોય, એવું જોવા મળે છે કે લુહારો, વાળંદ, સોની, વણકરમાં સહજ રૂપે જ એકાગ્રતા વિકસિત થાય છે. હથોડો ઝીંકતી વખતે લુહાર જો જરાક ભૂલ કરે તો પોતાના જ હાથને કચડી નાખે, એવો સંભવ છે; વાળંદનો અસ્ત્રો જો જરાક લસરી જાય તો ચામડીમાં ઘારું પડી જાય; સુથારની પકડ રંધાથી ઢીલી પડે તો પોતાના જ અંગૂઠાનું આવી બને. એવી જ રીતે સોનું કામ પણ ખરેખર અત્યંત જટિલ છે. વણકર પણ પોતાની શાળા પર દ્રષ્ટિ સ્થિર રાખે ત્યારે જ તે સારી ગુણવત્તાવાળું કાપડ વણી શકે. પણ આ બધામાંથી કોઈ પણ વ્યક્તિ વ્યાખ્યાનો સાંભળીને કે પુસ્તકો વાંચીને એકાગ્રતાનો અભ્યાસ કરતો નથી.

 

એમનાં કાર્યોમાં આવશ્યકતા પ્રમાણે ઉત્પન્ન પરિસ્થિતિઓએ જ એમનામાં એકાગ્રતાને વિકસાવી છે. આ પરિસ્થિતિઓ કેવી કેવી છે ? એ પરિસ્થિતિઓ એવી છે કે એમનાં કાર્યમાં નાની એવી ભૂલ પણ એમને માટે ભયાનક દુર્ઘટનાનું કારણ બની શકે. ઉપર્યુક્ત બધાં કાર્યોમાં જોખમ તો રહે જ છે. એટલે જ એમણે પોતાના મનને સંયમમાં રાખીને ઘણી સાવધાનીપૂર્વક કામ કરવું પડે છે. એ જ રીતે પોતાના વ્યવસાયિક કાર્યમાં એ લોકો એકાગ્રતા કેળવી લે છે. એટલું જ નહિ, પણ એવા અસંખ્ય ઉદાહરણ જોવા મળે છે કે જેમાં પેઢી દર પેઢી આવી જ એકાગ્રતા કેળવી લે છે. ઉદાહરણ તરીકે આઈ.ટી.આઇમાં શિલ્પ વિદ્યા શીખતા તાલીમાર્થીમાં કોઈ લુહારનો છોકરો હોય તો તે બીજા છોકરા કરતાં ઝડપથી એ કળામાં નિપુણ બની જાય. બીજા કામ-ધંધાઓમાં પણ આવું જ બને છે. કોઈ વ્યક્તિ કોઈ નવા કાર્યમાં શીધ્રતાથી દક્ષતાપ્રાપ્ત કરી લે એવું બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ બધા નિરીક્ષણોના આધારે આપણે એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ કે એકાગ્રતા નિરંતર પ્રયાસ દ્વારા જ કેળવી શકાય છે. અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં શ્રીકૃષ્ણે કહ્યું : ‘અભ્યાસથી જ પૂર્ણતાથી પ્રાપ્તિ થાય છે.’ તો પછી અર્જુનનો એ પ્રશ્ન કયો હતો ? એ પ્રશ્ન હતો : ‘હે કૃષ્ણ ! આ મન તો અત્યંત ચંચળ અને પ્રબળ છે. એને નિયંત્રણમાં રાખવું એ વાયુને વશમાં કરવા જેવું છે. તો આવા મનને નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય ?’ ભગવાન શ્રીકૃષ્ણે એનો ઉત્તર આપતા કહ્યું : ‘હે અર્જુન! તું કહે છે એ સાચું છે. એ મનને નિયંત્રણમાં રાખવું સરળ નથી. આમ છતાં પણ આવા ચંચળ મનને પણ નિયમિત ‘અભ્યાસ’ તથા ‘વૈરાગ્ય’ દ્વારા વશમાં લાવી શકાય છે, એ વાત પણ સાચી છે.’

 

અર્જુનનો પ્રશ્ન સાવ એવો જ સરળ-સ્વભાવિક છે. મનને સંયમમાં લાવવાની સમસ્યા કોઈ નવી વાત નથી. જેટલો માણસ પોતે પ્રાચીન છે એટલી જ આ સમસ્યા પ્રાચીન છે. ભલે માનવની જીવનચર્યા અસંયમિત અને અનૈતિક હોય પણ એના પરિણામે માણસની પોતાની થોડી ઘણી વૃદ્ધિ થઇ છે ખરી. વસ્તુત: અર્જુન એ ઘણો સાહસિક અને નીતિવાન પુરુષ હતો. એટલે જ અર્જુન જેવા વ્યક્તિનું મન પણ ચંચળ તથા નિરંકુશ હોઈ શકે તો પછી આજના સુખની શોધમાં ભટકતા અને ભોગમાં આસક્તિ રાખનારા લોકોના મનની તો વાત જ શી કરવી !

 

જે લોકોએ પોતાના મનને નિયંત્રણ કરવાનો સંકલ્પ કરી લીધો છે એમણે સૌ પહેલાં તો મનની પ્રકૃતિને સ્પષ્ટ રૂપે સમજી લેવી પડે; એની સાથે જ એને પનારો પાડવાનો છે કે એનો સામનો કરવાનો છે. મન તો વાનરના જેવું ચંચળ અને મતવાલા હાથી જેવું પ્રબળ છે. એને નિયંત્રણમાં લાવવું એ અર્જુનના કહેવા પ્રમાણે હવાને પકડવા જેવું છે. જેમ વાંદરાને પકડવા અને હાથીને પ્રશિક્ષિત કરવામાં જે નિપુણતાની જરૂર પડે એવી જ નિપુણતા મનને સંયમમાં લાવવા માટે કેળવવી પડે છે.

 

જ્યારે અર્જુનને ફરિયાદ કરી કે મનને નિયંત્રણમાં લાવવું અત્યંત કઠિન છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે આવું કહીને એને હસવામાં કાઢી ન નાખ્યું. ભગવાન કૃષ્ણે કહ્યું : ‘હે અર્જુન, મહાન યોદ્ધાઓને હરાવી શકનારા તારા જેવા પરાક્રમી માટે પોતાના મનને વશમાં કરવું એ વળી કેવું કઠિન કાર્ય ગણાય છે ? તારે તો મારી ઈચ્છા મુજબ એનો ઉપયોગ કરવા સમર્થ બનવું જોઈએ.’ પરંતુ એ જ વખતે સમસ્યાની ગંભીરતાને સમજીને તેઓ સહાનુભૂતિપૂર્વક બોલ્યા : ‘હે અર્જુન ! તું જે કહે છે તે સાચું છે. મન અત્યંત ચંચળ છે અને એને વશમાં લાવવું ઘણું કઠિન કાર્ય છે એ વાત સાચી છે.’ ભગવાન શ્રીકૃષ્ણના આમ કહેવાનું કારણ એ છે કે તેઓ પોતે મનના સ્વભાવને જાણતા હતા. આ પૃથ્વી પરનાં પ્રત્યેક પ્રાણી તથા વસ્તુનો પોતાનો એક વિશિષ્ઠ સ્વભાવ છે. જેવી રીતે હવાનો ગુણ છે વહેવું, આગનો ગુણ છે સળગવું અને પાણીનો ધર્મ છે વહેતા રહેવું. બરાબર એવી જ રીતે મનનો પણ એક સ્વભાવ છે. હરપળ ચારેતરફ દોડવું, પાગલની જેમ ઉટપટાંગ છલાંગો મારવી, સ્વપન જોવાં, ચિંતા કરવી, હવાઈ કિલ્લા બાંધવા, પોતાનાં કર્તવ્યકર્મ સિવાય બીજી વાતનો જ વિચાર તેમજ ચિંતા કર્યે રાખવી, વગેરે.

 

આમ એક તો મન સ્વભાવથી જ ચંચળ છે અને એમાં વળી વધારામાં ચંચળતાભરેલું વાતાવરણ એને ઉત્તેજિત કર્યા કરે છે; એટલે આવી પરિસ્થિતિમાં મનુષ્ય એના તાલે નાચવા સિવાય બીજું કરી પણ શું શકે?  એટલે જ લોકો પોતાના મનને નિયંત્રણ કરવા ઈચ્છે છે, એમણે પોતાની જાતને આવા ઇચ્છૃંખલ વાતાવરણથી અલગ રાખવી જોઈએ. એનો અર્થ એવો નથી થતો કે આપણે શહેર છોડી દેવું જોઈએ, પરંતુ આપણે પોતાના મનને ઉપર્યુક્ત પ્રકારના પરિવેશોમાં હળવાભળવા ન દેવું જોઈએ એટલું જ કરવું પડે. હવે આ કેવી રીતે થાય ?

 

અહીં પાંચ જ્ઞાનેન્દ્રિયોની ભૂમિકા નજરે આવે છે. આંખ, કાં, નાક, જીબ અને તવ્ચા. આ પાંચ મનના યંત્ર છે. જેવી આંખની જ્યોતિ કોઈ આકર્ષક વસ્તુ પર પડે તેવું જ આ મન એના પર કૂદી પડે છે. આ ઇન્દ્રિયો જ મનને ભિન્ન ભિન્ન દિશાઓમાં ખેંચતી રહે છે. એટલે બુદ્ધિની સહાયતાથી ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી આવશ્યક છે. એનો અર્થ એ થાય છે કે જે જોવું ઉચિત ન હોય એ આપણે ન જોઈએ, જે સામ્બહ્ડવું યોગ્ય ન હોય, તે ન ખાવું. એટલે કે જે કરવું યોગ્ય ન ગણાય તે ન કરવું. આને સંસ્કૃતમાં ‘દમ’ કહે છે. મન જ્ઞાનેન્દ્રિયોની સહાય વિના પણ જ્યાં ખુશ થઇ જાય ત્યાં જવા ઈચ્છે છે, એવી પરિસ્થિતિમાં બુદ્ધિથી સહાયતાથી મનને વળી પાછું લેવું જોઈએ. મનને સંયમિત રાખવાની આ પ્રત્યક્ષ વિધિને ‘શમ’ કહે છે.

 

મન તેના એના નિગ્રહ વિશે આટલી જાણકારી મેળવ્યા પછી પણ કોઈ એવો પ્રશ્ન પૂછી શકે કે આખરે આ મનને કાબૂ લાવવાની આવશ્યકતા છે ખરી ? એનો સાચો ઉત્તર જાણવો આપણા માંગતે અત્યંત આવશ્યક છે. એનો ઉત્તર આ છે : જો કોઈ વ્યક્તિનું મન એના પોતાના નિયંત્રણમાં નથી તો સાધારણમાં સાધારણ કાર્ય કરવું પણ એને કઠિન અને અસંભવ લાગે છે. વસ્તુત: ‘મન વિરાટ શક્તિઓનો ભંડાર છે. આમ છતાં પણ વચ્ચે વચ્ચે કે ક્યારેક જીવનભર કેટલાક લોકો દુર્બળ માનસિકતાનો ભોગ બને છે.’ એનું કારણ એ છે કે આવા માનવીઓની માનસિક ઊર્જાનો અવિવેકપૂર્વક વિનાશ થયો છે. બડા આ વાતને જાણતા નથી કે સૂર્યનાં કિરણોમાં અગ્નિ ઉત્પન કરવાની ક્ષમતા રહેલી છે.

 

આ વાત શા માટે જાણતા નથી ? એટલા માટે જાણતા નથી કે અત્યાર સુધી એમણે સૂર્યનાં કિરણોમાંથી અગ્નિ ઉત્પન થતા અને વસ્તુઓને બાળી નાખતા જોયા નથી. પરંતુ જ્યારે એ જ કિરણો એક આંતર્ગોળ કાચમાંથી પસાર થઈને એક કાગળના ટુકડા પર ફેંકવામાં આવે તો એ કિરણો એને સળગાવી દે છે. સૂર્યનાં કિરણોને આ શક્તિ ક્યાંથી મળે છે આ એમના એક બિન્દુ પર કેન્દ્રિત કરીને એકાગ્ર બનાવવાનું પરિણામ હતું. આ પહેલાં આ કિરણો વિભિન્ન દિશાઓમાં વિખરાયેલા હતા. એને કારણે ગરમી તો ઉત્પન્ન થતી હતી છતાં પણ તે અગ્નિ પેદા કરવા અસમર્થ રહ્યાં. અને એક બિંદુ પર એમને કેન્દ્રિત કરવાથી તેમાંથી આગ ભડકી ઊઠે. આ એક યાદ રાખવા જેવું રહસ્ય છે.

 

આપણા મનમાં અદ્દભુત શક્તિ રહેલી છે. આમ છતાં પણ આ શક્તિ બધાં આવશ્યક અને અનાવશ્યક નાશ થી જાય છે. એટલે આપણે કેવળ અત્યંત સામાન્ય કાર્ય કરવામાં સક્ષમ બનીએ છીએ. જો આપણે જીવનમાં મહાન ઉપલબ્ધિઓ મેળવી હોય તો મનની વિખરાયેલી શક્તિઓને એકસૂત્રમાં પરોવવી પડે અને આ વાત ત્યારે જ સંભવ બને કે જ્યારે આપણા પોતાના જ નિયંત્રણમાં મન હોય. પણ કંઈ સાંભળ્યા, સમજ્યા વિના ગાંડાની માફક દોડનારા આ મનને આપણે આપણું પોતાનું કેવી રીતે કહી શકીએ. જે મન ઇન્દ્રિયોના આમંત્રણ કે આકર્ષણથી વિષયોમાં ડૂબી જાય છે. તે મન નિશ્ચિતરૂપે આપણુ પોતાનું નથી. હવે જે મન આપણુ પોતાનું નથી એ મનને આપણે કઈ રીતે પોતાનાં ઈચ્છિત કાર્યોમાં લગાડી શકીએ ?

 

આપણા પ્રાચીન ઋષિઓએ નિરંતર પ્રયાસ દ્વારા મનને નિયંત્રણમાં લાવીને ‘માનસિકસંતુલન’ સ્થાપિત કરવાની પહેલી સિદ્ધિ મેળવી હતી. અને જ્યારે આવા સંયમિત મનને એકાગ્ર કરવામાં આવ્યું ત્યારે એમને યોગનાં મહાન રહસ્યો પ્રકાશિત કરવાની ક્ષમતા મળી જતી હતી. એના દ્વારા એમને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઇ.

 

સ્વામી વિવેકાનંદ કહે છે કે એકાગ્ર મન વસ્તુત: એક સર્ચલાઈટ જેવું છે. આ સર્ચલાઈટ આપણને દૂર અને અંધારા ખૂણામાં પડેલી વસ્તુઓ જોવામાં સમર્થ બનાવે છે. એ સત્ય છે કે મનને એકાગ્રહ કરવાનું છે. પરંતુ એનું વિષયવસ્તુ તથા લક્ષ્ય કયું હોવું જોઈએ ? આનો એક એવો સુનિશ્ચિત ઉત્તર દેવો સંભવ નથી કે જે બધી વ્યક્તિઓ માટે અનુકૂળ હોય. એનું કારણ એ છે કે જો આપણે એમ કહીએ કે આત્મજ્યોતિ પર મનને એકાગ્ર કરવું. એનું કારણ એ છે કે દરેક વ્યક્તિ ઈશ્વર ભક્ત બનવા ઈચ્છતી નથી. અને વળી જો આપણે એમ કહીએ કે આપણા મનને અભ્યાસ પાઠો પર એકાગ્ર કરવું જોઈએ. તો કેવું લાગશે ? બધા લોકો શાળાના વિધાર્થીઓ હોતા નથી. એટલે પ્રત્યેક વ્યક્તિ પોતે જ પોતાના મનના સંયોગ માટે પોતાનો ખાસ વિષય પસંદ કરે એમ કહેવું વધારે ઉચિત ગણાશે.

 

બધા માણસોની અંદર શક્તિ રહેલી છે, બધા માણસોની અંદર એ રીતે જ્ઞાન રહેલું છે; જુદાં જુદાં કાર્યો એ આ શક્તિ અને જ્ઞાનને બહાર લાવવા માટેના થતા પ્રહારો જેવાં છે, આ શક્તિ અને જ્ઞાનને જાગ્રત કરવાના પ્રયાસો જેવાં છે. (૧.૨૫)

 

 

(રા.જ.૮-૧૨/(૨૩-૨૫)૨૯૯-૦૧)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના દરેક પ્રતિભાવ આવકાર્ય છે.