સાબિતીની પેલે પાર પ્રતીતિનો પ્રદેશ …

સાબિતીની પેલે પાર પ્રતીતિનો પ્રદેશ …
– ડૉ.ગુણવંત શાહ

 

  ‘દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી આજના શુભ પર્વદિન  – વસંતપંચમી ની આપ સર્વેને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ… !

 

vision

 

 

આપણા મનમાં કો’ક વિરલ પળે આવા વિચિત્ર પ્રશ્નો ઊઠે છે :

 

• ઉપરઉપરથી દેખાય તે ખરેખર વાસ્તવિક (real) હોય છે ખરું ?

• શું આ ઘનીભૂત ખડક એ વાસ્તવિકતા (reality) છે ?

• ભૂરા આકાશ નીચે લીલું ઘાસ ચરતી પેલી ગાય વાસ્તવિક છે ?

• રસ્તા પર અટવાતાં વાહનો, સ્ત્રીપુરુષો અને દુકાનોમાં જામેલી ભીડ આખરે શું છે ?

• શું વાસ્તવિક્તા દ્રવ્યતા, પદાર્થતા અને વસ્તુતા પૂરતી જ સીમિત છે ?

• મૃત્યુ થાય ત્યારે આખરે શું મરે છે ?

• આપણું અસ્તિત્વ એટલે શું કેવળ શરીરનું અને મનનું જ અસ્તિત્વ ?

• શું આપણું ‘હોવું’ દેહ અને મન ઉપરાંત પણ કોઈ અન્ય બાબત પર આધારિત ખરું ? એ અન્ય બાબત કઈ?

 

 

અધ્યાત્મ (metaphysics)નો સંબંધ અંતિમ વાસ્તવિક્તા(ultimate reality) અંગેના ઉપરોક્ત પ્રશ્નો સાથે રહેલો છે. આવા પ્રશ્નો જ જ્યાં ન ઉઠે એવી દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ છે. ઉપરથી દેખાય તે સૃષ્ટિની સપાટીની નીચે ખરેખર શું છે તે જાણવા માટેની જિજ્ઞાસાવાળી થોડીક વ્યક્તિઓ પણ ન હોય એવી દુનિયામાં જીવવા કરતાં તો ખડક બની જવું સારું. આ સૃષ્ટિની અંતિમ વાસ્તવિકતા અંગેની શોધ અધ્યાત્મના ક્ષેત્રમાં સદીઓથી ચાલતી રહી છે. સત્ય શું, વાસ્તવિક શું, ન્યાયી શું, મુલ્યવાન શું અને અર્થપૂર્ણ શું – એવા પ્રશ્નોની હારમાળા જાગૃત વ્યક્તિને કનડે છે. અંતિમ વાસ્તવિકતા અંગે કો’ક પ્રબુદ્ધ ચિત્તમાં જન્મેલી ઊર્ધ્વમૂલ જિજ્ઞાસાને આપણા ૠષિઓએ બ્રહ્મજિજ્ઞાસા કહી. ઉપનિષદના મંત્રો એટલે ૠષિની બ્રહ્મજિજ્ઞાસાનાં અલૌકિક ચેતના–સ્ફુલિંગો. ૠષિની બ્રહ્મજિજ્ઞાસાથી શરુ થતી આ યાત્રા એક પછી એક ઊંચે લઈ જતાં સોપાનો દ્વારા આગળ વધે છે. પ્રથમ તો બ્રહ્મજિજ્ઞાસા પ્રગટ થાય. પછી એ ક્રમશ: બ્રહ્મવિદ્યા, બ્રહ્મજ્ઞાન અને બ્રહ્મનિષ્ઠાના શિખરો વટાવીને અંતે બ્રહ્મલીનતાની ટોચ પર લઈ જાય એમ બનતું હશે. ગીતા કહે છે તેમ : ‘બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ.’ આ અવસ્થા અશોચ્ય અને નિરીચ્છ પદ સુધી સાધકને લઈ જાય છે.

 

ગણિત, વિજ્ઞાન અને ટૅકનોલોજીના વિકાસ સાથે એક અત્યંત રૂપાળો રોગ માણસને વળગે છે જેનું નામ છે : ‘સાબિતીજ્વર’ આ ત્રણે વિદ્યાક્ષેત્રો સાબિતીની સીમ વટાવીને કશું જ તારણ ન કાઢવામાં માને છે. આવો આગ્રહ સર્વથા યોગ્ય છે. માનવસંસ્કૃતિના વિકાસમાં આવા આગ્રહનો ફાળો ઓછો નથી. જો આવો આગ્રહ ન હોત તો પૃથ્વી હજી સપાટ ગણાતી હોત, સુર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે એવું જ કહેવાતું હોત અને શીતળાની રસીને બદલે શીતળામાતાની કૃપા પર જ લોકો આધાર રાખતા હોત. જો સાબિતીનો આગ્રહ ન હોત તો હજી આપણે પાષાણયુગમાં જ જીવતા હોત.

 

સાબિતીનો આગ્રહ રોગ ત્યારે જ બને જ્યારે કશુંક સાબિત ન થઈ શકે તે હોઈ જ ન શકે એવી હઠ પકડવામાં આવે. આ સૃષ્ટિમાં એવી તો કેટલીય બાબતો છે જે સાબિત નથી થઈ શકતી અને છતાંય ‘છે.’

 

સાબિતીનો આગ્રહ રોગની કક્ષાએ પહોંચે ત્યારે બે પ્રકારની જડતાનો ઉદય થાય છે :

 

(૧) જે સાબિત થઈ શકે તે જ સત્ય હોઈ શકે; અને

 

(૨) જે સાબિત ન થઈ શકે તે સર્વથા વાહિયાત ગણાય.

 

 

વર્ષો પહેલાં રાજકોટમાં છેલભાઈ નામે એક ફોજદાર થઈ ગયા, એમણે પકડેલો એક ખૂની કોર્ટમાં નિર્દોષ છૂટી ગયો. પાછળથી છેલભાઈ એ માણસને મળ્યા અને પૂછ્યું : ‘‘સાચું કહેજે, તેં ખૂન કરલું કે નહીં ?’’ પેલાએ નિખાલસપણે જણાવ્યું : ‘‘સાહેબ ! મેં ખૂન કરેલું એમાં કોઈ જ શંકા નથી પરંતુ કોર્ટના ચુકાદા પછી હવે મનેય વહેમ પડે છે કે કદાચ મેં ખૂન ન પણ કર્યું હોય !’’

 

વાસ્તવિકતા એ કે માણસે ખૂન કર્યું. કોર્ટમાં એ સાબિત ન થઈ શક્યું તેથી ખૂનીને નિર્દોષ છોડવામાં આવ્યો. પ્રશ્ન થાય કે : જે સાબિત ન થઈ શકે તે હકિકત, હકિકત મટી જાય ખરી ? સાબિતી સત્યની ઓશિયાળી છે; સત્ય સાબિતીનું ઓશિયાળું નથી. આમ કહેવું એમાં સાબિતીનો અનાદર નથી. સત્યના વ્યાપને બાથમાં લેવામાં સાબિતીનું કદ ક્યારેક નાનું પડે છે. બાળક માટે સીવડાવેલું પહેરણ એ મોટો થાય ત્યારે નાનું પડે છે. એવું બને ત્યારે એ પહેરણનો ઉપયોગ ન કરવો એમાં પહેરણનો અનાદર નથી.

 

આ સૃષ્ટિનું સમગ્ર સત્ય સાબિતીમાં સમાઈ શકે તેમ નથી. એ તો પવનને ફુગ્ગામાં પૂરવાની ચેષ્ટા ગણાય. અત્યાર સુધીમાં વિજ્ઞાન દ્વારા જે કાંઈ સાબિત થયું છે તે તો, હજી જે બધું સાબિત થવાનું બાકી છે, તેની સરખામણીમાં સાવ અલ્પ છે. સાબિતી માટેનો આગ્રહ એ ગણિતજ્ઞ, વિજ્ઞાની અને ટૅકનોલોજિસ્ટનો સ્વધર્મ છે. સાબિતી અંગેની અક્ષમ્ય લાપરવાહીને કારણે આપણે ત્યાં અંધશ્રધ્ધા અને વહેમનાં ગંધાતા ખાબોચિયાં સર્જાયાં. ધર્મગુરૂઓએ તો આવા ખાબોચિયાંને ગંગાનો દરજ્જો આપ્યો. અભણ, અબુધ અને ભોટ પ્રજાને છેતરવામાં તથા એનું શોષણ કરવામાં ધર્મગુરૂઓ શાહુકારોને પણ આંબી ગયા.

 

સાબિતીનું કાળજું તર્ક છે. આપણે જોયું કે તર્કને વેદમાં ૠષિ કહ્યો. સાબિતી તર્ક ઉપરાંત જ્ઞાનેન્દ્રિયોએ એકઠી કરેલી દ્રશ્ય–શ્રાવ્ય (audio-visual) સામગ્રી પર આધાર રાખે છે. આમ જે કશુંક તર્કાતીત કે ઈન્દ્રિયાતીત હોય તે સાબિતીની પકડમાંથી છૂટી જાય છે. કર્ણ કુંતીનો પુત્ર હતો. જો આ બાબત સાબિત ન થઈ શકે એવું બને તોય વાસ્તવિકતા બદલાતી નથી. દુનિયાની અદાલતોમાં સાબિતીનો આગ્રહ રખાય એ સર્વથા યોગ્ય છે પરંતુ ઘણીવાર ન્યાયાધિશને લાગે છે કે ગુનાનું સમગ્ર સત્ય એની પહોંચ બહાર છે. એવે વખતે ન્યાયાધિશ ખુલ્લું મન રાખે અને ગુનેગાર જણાતી વ્યક્તિને સજા ન કરે એમાં જ સત્યશોધકની નમ્રતા રહેલી છે. આમ સાબિતી માટેનો આગ્રહ ખોટો નથી પરંતુ જે વ્યાપ સાબિતીની સીમમાં પુરાઈ ન શકે તેમાં તો સાવ ખુલ્લું મન લઈને જ પગરણ માંડી શકાય.

 

ૠષિ બનવાનું આપણે માટે શક્ય ન પણ હોય, તોય ખુલ્લું મન રાખવું એ તો આપણા હાથની વાત છે. અંતિમ સત્ય અંગે અશ્રધ્ધા કે અંધશ્રદ્ધા રાખવાને બદલે આપણે શ્રદ્ધાની મદદ લેવાની છે. અંધશ્રદ્ધા કેવળ ઈશ્વર પર જ હોય એવું નથી. અંધશ્રદ્ધા તો કમ્પ્યુટર પર પણ હોઈ શકે. અધ્યાત્મનો સંબંધ સાબિતીની પેલે પાર આવેલા આત્મપ્રદેશ સાથે છે. આકાશમાં ઊગેલા શરદપૂર્ણિમાના ચંદ્ર તરફ હાથ લંબાવીને આંગળી ચીંધીને ચંદ્ર બતાવવામાં આવે ત્યારે આંગળીને ટેરવે ચંદ્ર નથી હોતો. ચંદ્ર તો ખૂબ દૂર હોય છે. અંતિમ વાસ્તવિકતા સાબિતીની સરહદથી ઘણી દૂર હોય છે. જગતના મહાન વિજ્ઞાનીઓને જે મૂળે અમર્યાદ છે, તેને સમજવામાં સાબિતીની સીમા નડે તેનો ખ્યાલ વહેલો આવે છે. મહાન વિજ્ઞાનીઓની નમ્રતાનું આ જ ખરું રહસ્ય છે. તેઓ ખરેખર જાણે છે કે પોતે કશું નથી જાણતા.

 

અધ્યાત્મના માર્ગે જનારાઓએ ખુલ્લા મનના સત્યશોધક તરીકે જૈન દર્શનમાં પ્રબોધેલા સ્યાદવાદ અને અનેકાંત દ્વારા પ્રજ્ઞાવાન નમ્રતા કેળવવાની છે. સત્યની ચોટલી પકડીને બહાર નથી આણવાનું; સત્યનો પગરવ સાંભળી શકાય તે માટે કાન સરવા કરવાના છે. રુડોલ્ફ કાર્નેપ કહે છે : “Metaphysicians are musicians without musical talent.” અધ્યાત્મવાદીઓ તો સંગીતની નિપુણતા વગરના સંગીતકારો છે. આપણે આગળ વારંવાર ચર્ચી ગયા તેમ આ સૃષ્ટિનો કૉસ્મિક લય પામવો એ જ અધ્યાત્મ. અધ્યાત્મ માર્ગના યાત્રીઓ કૉસ્મિક સંગીતના સૂર સાંભળવા ઝંખે છે.

 

ઉપનિષદોમાં અંતિમ વાસ્તવિકતાનો સંકેત એટલે આત્મા. સ્થૂળતા ખરી પડે. સૂક્ષ્મતા વધતી રહે અને જ્યારે શૂન્યતાની લગોલગ પહોંચી જાય ત્યારે જે વાસ્તવિકતા બચે તે ચેતનાબિંદુને આપણા ૠષિઓએ ‘આત્મા’ તરીકે ઓળખાવ્યું. આ બે મંત્રોમાં ૠષિ આપણને સાબિતીની પેલે પાર આત્મપ્રદેશની મનોયાત્રાએ લઈ જાય છે, કહે છે :

 

જે સર્વ જીવોને
આત્મામાં જ નિહાળે
અને
સર્વ જીવોમાં આત્મા જ ભાળે
તે કોઈને ધીક્કારતો નથી

 

***********************

 

જ્યાં સર્વ જીવો આત્મરૂપ બની ગયા
ત્યાં વળી શોક કેવો અને મોહ કેવો ?
બધું જ એકરૂપ બની ગયું !

 

************************

 

આત્માની સંકલ્પનાની વિસ્તૃત સમીક્ષા ઉપનિષદોમાં બહુ વિસ્તારથી થઈ છે. આ બે મંત્રોમાં આવી તત્વચર્ચા નથી. અહીં તો આત્મભાવ કેળવાય ત્યારે જે જાદુ થાય તેની જ વાત થઈ છે.

 

• જે સીમાયુક્ત છે તેને સાબિત કરી શકાય પરંતુ જે નિ:સીમ છે તેને સાબિત શી રીતે કરવું ?

• વિજ્ઞાન માપની પ્રતીતિ કરાવી શકે; અમાપની નહીં.

• સ્થૂળ હોય તેને પ્રત્યક્ષ બતાવી શકાય પરંતુ જે સૂક્ષ્મ હોય તેનો દાર્શનિક પુરાવો ક્યાંથી લાવવો ? પરમની સૂક્ષ્મતા તો ઈલેક્ટ્રોન–માઈક્રોસ્કોપને પણ નથી ગાંઠતી.

• જે શબ્દોમાં વર્ણવી શકાય તેવું હોય તેને શબ્દ દ્વારા પામી શકાય પરંતુ જે શબ્દાતીત હોય તેનું શું ?

 

 

થોડાંક વર્ષો પર ઐક અનોખો એનસાઈક્લોપીડીયા બહાર પડ્યો જેનું મથાળું છે : “એનસાઈક્લોપીડીયા ઓફ ઈગ્નરન્સ.” આ ગ્રંથમાં જે જે બાબતો હજી વિજ્ઞાનની પકડમાં નથી આવી તે બાબતો પરનાં લખાણો છે. જેમ જેમ સમજ પડતી જશે એમ આ ગ્રંથના પ્રકરણો ઘટતાં જશે અને છેવટે ગ્રંથનું અસ્તિત્વ મટી જશે. પરિચયનો ટાપુ અપરિચયના સાગર વડે ઘેરાયેલો છે. બધું સાબિત નથી થઈ શકતું. જે સાબિત નથી થઈ શકતું તેનો આંધળો સ્વીકાર ન હોય તે જ રીતે આંધળો અસ્વીકાર પણ ન હોય. પરમ સત્યનો પગરવ સાંભળવા માટે કાન સરવા રાખીને પ્રાર્થનામય ચિત્તે પ્રતીક્ષા કરવી એ જ ખરી વાસ્તવીકતા છે. આ પ્રતીક્ષા અપ્રમાદ વગર ફળતી નથી. એ તપશ્ચર્યા અને તિતિક્ષા માંગે છે.

 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેન કહેતા તેમ, ‘જેઓ ગરમી સહન ન કરી શકે તેમણે રસોડામાં જવાનું ટાળવું જોઈએ.’

 

લેખકના પુસ્તક ‘અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ’માંથી સાભાર

 

સૌજન્ય : વિજયભાઈ ધારીઆ (શિકાગો)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે.