ભીમ અને હનુમાનનું મિલન … અને એક જાહેર અપીલ …

ભીમ અને હનુમાનનું મિલન …

– સ્વામી રાઘવેશાનંદ

 

hanumanji

 

પાંડવો વનવાસમાં હતા. એક દિવસ દ્રૌપદી વનમાં બેસીને પ્રકૃતિનું સૌંદર્ય માણી રહ્યાં હતાં. મજાની સુગંધ સાથે એક સુંદર પુષ્પ હવામાં ઊડીને આવ્યું. તેમણે એ પુષ્પ હાથમાં લીધું અને તેના સૌંદર્ય તથા સુગંધનો આનંદ માણ્યો. પછી એમણે ભીમને બોલાવીને કહ્યું : ‘આ ફૂલ તો જુઓ, અને એની સુગંધેય કેવી મજાની ! મારા માટે આવાં થોડાં સુંદર સુગંધી ફૂલો લાવી આપશો ?’ દ્રૌપદીની ઈચ્છા જાણીને ભીમે જ્યાંથી સુગંધ આવતી હતી એ દિશા તરફ જવાનું શરૂ કર્યું. થોડા સમય પછી થોડા અંતરે આવા સુંદર મજાના એક પુષ્પોદ્યાનમાં પ્રવેશ્યા. ત્યાં હનુમાનજી કેળાના એક વૃક્ષ નીચે બેઠા હતા. ભીમે આ પહેલાં આવો વિશાળકાય વાનર જોયો ન હતો. હનુમાનજી તો બરાબર શાંતિથી ભીમના રસ્તામાં જ બેઠા હતા. તેમણે આંગુતકને પૂછ્યું : ‘તમે કોણ છો ? આ સ્થળ માત્યે તમે અજાણ્યા દેખાવ છો. તમે ક્યાંથી આવો છો ? હવે પછીનું જંગલ ઘણું ગાઢ છે. અહીં થોડા ફળ છે. એ ફળ ખાઈને તમે તમારા ઘરે પાચા ફરો એ સારું.’

 

ભીમ તો આ વાનરની વાણી સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો ! તેમણે વાનરને પૂછ્યું : ‘આપ કોણ છો, એ જણાવવા હું આપને વિનંતી કરું છું. મને તમે કોઈ સાવ સીધાસાદા વાનર લાગતા નથી. કદાચ આપ વાનરના રૂપે કોઈ દેવ કે ઈશ્વર પણ હોઈ શકો. હું પાંચ પાંડવોમાંનો ભીમ છું. મારે હવે આગળ જવું છે. એટલે તમે મને માર્ગ આપો.

 

પછી પેલો વાનર તો હસ્યો અને કહ્યું : ‘ભાઈ, હું તમારા રસ્તામાં છું, એમ ! તમે આ રસ્તામાં મારી પૂંછડી છે એના પરથી ચાલ્યા જાઓ.’ ભીમે કહ્યું : ‘ તમે મારા કરતાં ઉંમરમાં મોટાં છો. હું કંઈ તમારી પૂંછડી પર ચાલીને જવા ઈચ્છતો નથી. પણ જો તમે કહો તો તમારા પરથી હનુમાનજીએ જેમ સાગર ઓળંગ્યો હતો તેમ ઠેકડો મારીને ચાલ્યો જાઉં.’

 

વાનરે તો પોતાની આંખ પટપટાવી અને પછી કહ્યું : ‘ભાઈ, આ હનુમાનજી કોણ ? તમને એમના પ્રત્યે ઘણું માં છે.’ એ સાંભળીને ભીમને થોડી શરમ આવી અને કહ્યું : ‘તમે તો વાનર છો અને હનુમાન વિશે જાણતા નથી ? હનુમાનજી તો વાનરશ્રેષ્ઠ છે, મારા ભ્રાતા સમા છે, મહાન વિદ્વાન છે અને શ્રીરામના ભક્ત છે. જ્યારે સીતાને રાવણ હરી ગયો ત્યારે તેમણે મહાસાગર ઓળંગીને સીતાને શ્રીરામનો સંદેશો પાઠવ્યો. એની સામે તો મારી કોઈ વિસાત નથી. મહેરબાની કરીને મને ખસીને માર્ગ આપો. નહિતર પછી હું મારી તાકાતનો પરચો બતાવીશ.

 

આમ થોડા ક્રોધના આવેશમાં આવેલ ભીમને જોઇને હનુમાનજી થોડું હસ્યા અને કહ્યું : ‘ભાઈ, તું ગુસ્સે ન થા. હું તો સાવ ઘરડો થયો છું અને એમ ઝડપથી બેઠો થઇ શકું એમ નથી. તને તો આગળ જવા માટે આ મારી પૂંછડી જ નડે છે; એમ કર, એ પૂંછડીને એક બાજુ ખસેડીને મૂકી દે અને પછી ચાલ્યો જા.’ ભીમને તો આ સાંભળીને હસવું આવ્યું. ડાબે હાથે પૂંછડી ઊંચકવાનો પ્રયત્ન કર્યો; પણ એમ કંઈ પૂંછડી હાલે ખરી ! એણે તો પોતાની ગદાથી પૂંછડી ખસેડવાનો પ્રયત્ન કર્યો. પણ એમાં એને સફળતા ન મળી. ભીમભાઈ તો હેરાન થઇ ગયા અને આ વાનર તો હસતો હસતો રસ્તા વચ્ચે બેઠો છે !

 

પછી ભીમ વનર સામે ગયો. એમને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું : ‘હે મહાપુરુષ મને માફ કરો. તમે ખરેખર મહાન છો. તમે કોણ છો, એટલું મને કહો.’

 

હનુમાને થોડું હસીને કહ્યું : ‘હું વાયુપુત્ર હનુમાન છું.’ અને તેઓ ભીમને ભેટી પડ્યા. બંને ખુશખુશાલ હતા. આનંદના આંસુ બંનેની આંખમાંથી વહી રહ્યાં હતા. પછી હનુમાનજીએ કહ્યું : ‘ભીમ, હું તારી શક્તિથી પ્રસન્ન થયો છું. હું તને વરદાન આપું છું. તારી ઈચ્છા હોય તે વર માગ.’ ભીમે કહ્યું : ‘જો આપ અમારી સાથે છો તો કૌરવો તો મૂઆ જ પડ્યા છે.’ હનુમાનજીએ કહ્યું : ‘વત્સ, તું ચિંતા ન કર. હું અર્જુનના ધ્વજમાં બિરાજીશ અને તમારા સૈનિકોને પ્રેરતો રહીશ. હવે તું આગળ વધી શકીશ. પણ તારો રસ્તો કઠિન છે. સાવધાન રહેજે. તને પુષ્પો તો મળી રહેશે.’ ભીમ આગળ વધ્યો અને દ્રૌપદીની ઈચ્છા મુજબનાં પુષ્પો લઈને પોતાની કુટિરમાં પાછો ફર્યો.

 

 

(રા.જ. ૯-૧૧(૩૭-૩૮)/૨૬૭-૬૮)

 

 

હનુમાન ચરિત્રને આદર્શ   :

 

અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે, જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી ! તેઓ પૂરેપૂરા ઇન્દ્રિયનિગ્રહી અને અદ્દભૂત બુદ્ધિ ધરાવતા હતા. અંગત એવાના આ મહાન આદર્શ અનુસાર તમારે તમારું જીવન ઘડવું જોઇશે. તે દ્વારા બીજા બધા આદર્શો ધીરે ધીરે જીવનમાં ઊતારી આવશે. સામો પ્રશ્ન કર્યા સિવાય ગુરુની આજ્ઞાનું પાલન અને સંપૂર્ણ બ્રહ્મચર્યસેવન, એ સફળતાનું રહસ્ય છે. હનુમાન એક બાજુએ જેમ સેવાના આદર્શના પ્રતિનિધિ છે, તેમ બીજી બાજુએ આખી દુનિયા પર ધાક બેસાડી દે તેવી સિંહ સમાન હિંમતના પ્રતિનિધિ છે. રામચંદ્રના હિત અર્થે પોતાની જિંદગીનો ભોગ આપી દેતાં તેમના મનમાં જરાય આંચકો લાગ્યો ન હતો. એવા સિવાય બીજી બધી બાબતો તરફ –વિશ્વના મહાન દેવો બ્રહ્મા અને શિવના પદની પ્રાપ્તિ પ્રત્યે પણ – તેઓ અત્યંત બેપરવા રહ્યા છે ! તેમના જીવનનું એકમાત્ર વ્રત છે રામની આજ્ઞાનું પાલન ! આવી ખરા હૃદયની ભક્તિ જોઈએ. કેવળ મૃદંગ અને કરતાલ બજાવીને અને કીર્તનોની ધૂનમાં નાચી નાચીને સમસ્ત પ્રજા અધોગતિએ પહોંચી ગઈ છે.

 

– સ્વામી વિવેકાનંદ

 

 

બ્લોગ લીંક : http: das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના દરેક પ્રતિભાવ આવકાર્ય છે, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

 

 

જાહેર અપીલ

APEAL

મદદ માટે એક બહેનની અપીલ !

 

પ્રિય મિત્રો,

 

અમો નથી જાણતા કે આપણા બ્લોગ દ્વારા કરવામાં આવેલ અમારી આ અપીલ નો પ્રતિભાવ આપ સર્વે તરફથી મળશે કે નહિ મળે ?  અથવા કેટલો અને કેવો મળશે ?  એટલું જ નહિ જે કાંઈ અમોએ  નમ્ર કોશિશ સૌ પ્રથમવાર ‘દાદીમા ની પોટલી’ બ્લોગ દ્વારા કરેલ છે, તે કેટલા અંશે આપ સર્વેને યોગ્ય લાગશે કે નહિ ? જે આપના સહકાર અને પ્રતિભાવ દ્વારા જ અમો જાણી શકીશું. અમારા તરફથી આ પ્રકારની જાહેર અપીલ કરવાની જે સમજ કે મદદ માટે અપીલ  કરવાના પ્રયાસમાંજો  કોઈ ક્ષતિ કે કમી રહી જણાય તો તે અમારી છે., અને તે માટે અમો દિલગીર છીએ અને આપ સર્વેની તે બદલ માફી ઈચ્છીએ છીએ.

 

આ સાથે અમારા બ્લોગ મિત્ર શ્રી વિનોદભાઈ માછી કે જેમના ધાર્મિક લેખો પેપરોમાં અવારનવાર આપે માણ્યા હશે એટલું જ નહિ અહીં આપણા બ્લોગોમાં પણ આપણે માણીએ છીએ. તેમના દ્વારા આજે એક વિનંતી કરેલી હોવાથી આપની સમક્ષ એમનો પત્ર રજુ કરું છું. જે કોઈ ભાઈ/બહેનને તે યોગ્ય લાગે અને મદદ કરવા ઈચ્છાતા હોય તો તેઓ શ્રી વિનોદભાઈ માછીનો સીધો સંપર્ક કરવા વિનંતી છે. અહીં અપીલ ના પત્ર સાથે વિનોદભાઈ ના મોબાઈલ કોન્ટેક્ટ નંબર તેમજ પડિત દીકરીના કુટુબના સંપર્કની વિગત પણ આપ સર્વેની જાણ માટે અપીલના પત્ર સાથે આપેલ છે.

 

આશા રાખીએ છીએ કે આપનો ઉદાર હાથ આગળ આવી અને લંબાવશો.

 

જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા શૂર
નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર!

 

મારા જ એક ગુરૂ ભાઇ મારા ગામથી ૧૬ કિ.મી. દૂર રહેતા સ્વ.દાદુભાઇ કે જેમનું દોઢ વર્ષ ૫હેલાં હ્દય રોગના હુમલામાં અવસાન થયેલ છે.નિરંકારી મિશનના લાખો સંતો ભક્તો પૈકીના એક જેમને હું છેલ્લા ૨૮ વર્ષથી ઓળખતો હતો તેમની એક લાડકી દિકરી નામે સુમિત્રાબેન (ઉંમરઃ૩૫ વર્ષ) ને તેમના પિતાએ હોમિયોપેથીક Doctor (D.H.M.S.) સાથે ૫રણાવી ૫ણ ર્ડાકટર સાહેબ સંતના સંસ્કારી .. ગુણીયલ.. ભણેલ.. ગણેલ સંતાનની કદરના કરી શક્યા અને બે વર્ષના દામ્પત્ય જીવન બાદ એક સંતાન (બેબી)ને જન્મ આપી કોઇપણ જાતનું વળતર આપ્‍યા વિના આ દિકરી સુમિત્રાને તેમની બેબી સાથે છુટાછેડા આપી દીધા. દિકરી ૦૫ વર્ષની થાય ત્યાર ૫હેલાં પિતાએ વિચાર્યું કે મારા મૃત્યુ બાદ મારી દિકરી સુમિત્રાનું શું ? આવા વિચારે અન્ય એક પાત્ર કે જે પણ છુટાછેડા વાળો હતો તેના હાથમાં હાથ આપી દીધો અને લગ્નના પહેલા દિવસે જ તેનું પોત પ્રકાશ્યું કે તે તો દારૂડીયો છે જેથી સુમિત્રાબેન પુનઃલગ્નના બીજા દિવસે જ પિતાના ઘેર આવી ગઇ.સુમિત્રાએ વિચાર્યુ કે બે પતિ કરવા છતાં સંસારનું સુખ ના મળ્યું હવે બાકીનું જીવન એકમાત્ર સંતાન દિકરીના ઉછેર માટે બલીદાન કરી દીધું.હાલમાં આ દિકરી ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે.

 
વિધિની વક્રતા તો જુઓ સુમિત્રાના સ્વ.દાદુભાઇ ૬૦ વર્ષની ઉંમરે રેલ્વે (અમદાવાદ)માં વર્ગ-૪ના કર્મચારીમાંથી નિવૃત થઇ પોતાના વતનમાં એક મકાન બનાવે છે.ત્યાર બાદ ૬૨ વર્ષની ઉમરે એક ગંભીર પ્રકારની માંદગીમાં ૫ટકાયા અને તેમની સારવાર માટે સવા બે લાખ ખર્ચ થયો અને દોઢ વર્ષ ૫હેલાં અવસાન પામ્યા.પાછળ મુકી ગયા એક પૂત્ર (જે ખેત મજૂરી તથા લોટ દળવાની ઘંટીનો વ્યવસાય કરે છે) અને પૂત્રી સુમિત્રા.

 
ભલું થજો એક ભક્તનું કે જે અમદાવાદના વતની અને હાલમાં અમેરીકામાં સ્થાઇ થયેલ છે કે તેમને સ્વ.દાદુભાઇ સાથે ગાઢ સં૫ર્ક અને વર્ષો સાથે બેસી સત્સંગ ભજનની મઝા માણી હતી તેમને દાદુભાઇની સારવાર માટે એક લાખ રૂપિયાની મદદ કરી આમ હોવા છતાં ચિ.સુમિત્રાના માથે એક લાખ રૂપિયાનું દેવું મુકીને અવસાન પામ્યા.હવે બહેન સુમિત્રા ત્રીજું લગ્ન કરવા તૈયાર ન હતી તેમની ચિન્તા લઇ પિતા દેવલોક પામ્યા.

 
હાલ સુમિત્રા ગામમાં જ આગણવાળીના કાર્યકર તરીકે ફરજ બજાવે છે તેમને દર મહીને રૂ.૪૨૦૦/- ૫ગાર મળે છે.જે માતા દિકરીના ભરણપોષણ/અભ્યાસ માટે પુરતું નથી.તેમના રહેવા માટે પોતાનું ઘર પણ નથી.મારા ઘર જેવા સબંધો અને અમારા બંન્નેના સદગુરૂ એક જ હોવાથી અવારનવાર સત્સંગ કાર્યક્રમોમાં મુલાકાત થાય છે.બાળકીના અભ્યાસ માટે ધોરણ-૯ની ફી તથા સ્કૂલમાંથી જતા પ્રવાસનો ખર્ચ ગયા વર્ષે મે ઉપાડ્યો હતો અને ચાલુ વર્ષે પણ મદદ કરવાની વારંવાર વિનંતી કરવા છતાં ફક્ત મા-દિકરીના કપડાં માટેની જ સેવા સ્વીકારેલ છે.પોતાના ભાઇના સહારે છે પણ..જે પોતાનો ૫તિ જ પોતાનો ના થયો કે સેવા કરી ન શક્યો તે અભાગી કેટલો સમય ભાભીના સહારે જીવે.સુમિત્રાના ખભે પૂત્રીના ભણવાનો તથા પૂત્રીના ભાવિ લગ્નનો બોઝો છે.

 
આપણે આ સુમિત્રાની કહાની વાંચી કોઇ સેવાભાવી સંસ્થા/વ્યક્તિના માધ્યમથી સેવા કરી શકીએ તો એક કન્યાદાન જેટલા પુણ્યના ભાગીદાર બની શકીએ તેમ છીએ.

 
આપ/કોઇ અન્ય આપના મિત્ર કે પાડોશી / કે સંસ્થા કોઇ પણ સેવા કરવા ઇચ્છતા હો અને આપને જરૂરી લાગે તો સુમિત્રાબેન સાથે નીચે દર્શાવેલ  ફોન પર સંપર્ક કરી શકો છો.  આ માટે જરૂર  જણાય  તો અમારો સંદર્ભ આપવો.

 
સુમિત્રાબેનએ દુઃખ વેઠીને તેમની ભત્રીજી કે જે ભણવામાં હોશિયાર હોઇ તેને B.C.A. Bachelor of Computor Applicationમાં પ્રવેશ મેળવેલ છે.જેના અભ્યાસ માટે વાર્ષિક ૫૪૦૦૦ ફી ભરવાની થાય છે.તેના વાલી તમામ ખર્ચ ઉપાડી શકે તેવી પરીસ્થિતિમાં ન હોઇ કદાચ અધવચ્ચે અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ છે.

 

 

મારી વિનંતીને માન આપીને અમેરિકાના રહેવાસી અને “સુરતી ઉંધિયુ” બ્લોગ ચલાવતા માનનીય શ્રી વિપુલભાઇ દેસાઇ સાહેબે (+૧૭૩૨૬૪૦૦૩૪૨) પોતાનાથી બનતી રૂ.૬૦૦૦ની મદદ મોકલી આપેલ છે તથા પોતાના બ્લોગના માધ્યમથી આ દિકરી તથા ત્યક્તાને મદદ કરવા જાહેર અપીલ કરેલ છે. જેનો કોઇ હજુ પ્રતિસાદ મળેલ નથી.આપ સાથે કોઇ ઘનિષ્‍ટ સબંધ/મિત્રતા ન હોવા છતાં આપના બ્લોગ દાદી મા ની પોટલી ૫ર મારા કેટલાક સંકલિત લેખો આપ મુકો છે તે સબંધે એક દુઃખીયારીની આપવિતી રજૂ કરૂ છું જે યોગ્ય લાગે તો…સેવાભાવી વ્યક્તિઓ, દાનવીરો, સેવાભાવી સંસ્થા મદદ માટે આગળ આવશો અથવા મદદ માટે આપના બ્લોગના માધ્યમથી અપીલ જો યોગ્ય લાગે તો કરશો તેવી આપના શ્રીચરણોમાં વિનંતી કરૂં છું.

 

નામઃ સુમિત્રાબેન દાદુભાઇ ૫રમાર
ગામઃછક્કડીયા, તા.ગોધરા,જી.પંચમહાલ ફોનઃ ૯૭૧૪૫૦૦૦૮૨ (મોબાઇલ)

 
અન્ય મારા લાયક સેવા હોય તો જણાવશો…

સંતચરણ રજ,
વિનોદભાઇ માછી (નિરંકારી)ના સપ્રેમ જયશ્રી કૃષ્‍ણ…!
૯૭૨૬૧૬૬૦૭૫ (મોબાઇલ)
[email protected]

|| શિક્ષાપત્ર ૨૦મું || … અને (૨૧) પ્રથમ કરી માખનચોરી (પદ) …

|| શિક્ષાપત્ર ૨૦મું || …

 

 

pushti prasad 21

 

 

આજે ૨૦મું શિક્ષાપત્રમાં આગળ વધીએ તે પહેલા, આપણે ગતાંકમાં જોઈ ગયેલ … ૧૯મું શિક્ષાપત્ર  તરફ થોડુ ધ્યાન કરી લઈએ …

 

 શિક્ષાપત્ર ઓગણીસમું  દશ  જ શ્લોકથી નિરૂપિત છે. આમાં સત્સંગ વિશે વિચારાય છે. સત્સંગ તો શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ રાખનારનો કરવો. સત્સંગ તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરનારનો કરવો. જેનું વચન અને કર્મ-આચરણ એક જ હોય એવા ભગવદીયનો સત્સંગ કરવાનો. જ્યારે જ્યારે સત્સંગ ન મળે ત્યારે, ક્યારે સત્સંગ મળશે એનો વિચાર ને વિરહ કરવો.

 

છેલ્લા પાંચ –છ વર્ષથી ‘પુષ્ટિપ્રસાદ’ વૈષ્ણવ માસિકના નિ:શુલ્ક પ્રકાશનના માધ્યમથી શ્રીહરિરાયજી કૃત શિક્ષાપત્રનું મન, ચિંતન થઈ રહ્યું છે. ફરી યાદ કરતાં, આચાર્યચરણ શ્રીહરિરાયજી, જેના પિતૃચરણ શ્રી કલ્યાણરાયજી, જેના પિતૃચરણ શ્રી ગોવિંદરાયજી, જેના પિતૃચરણ શ્રીગુંસાઈજી-શ્રીવિઠ્ઠલનાથજી અને જેના પિતૃચરણ જગદ્દગુરુ શ્રીમદ્ શ્રીઆચાર્ય મહાપ્રભુજી – શ્રીવલ્લભાચાર્યજી આ સમજને જાણકારી સાથે….

 

૨૦મું શિક્ષાપત્રને જોઈએ, વિચારીએ અને સમજીએ તો શ્રી હરિરાયજીકૃત વીસમું શિક્ષાપત્ર ઓગણીસ શ્લોક થી અલંકૃત છે.

 

તેનો પ્રથમ શ્લોક દુષિત જીવ પર શ્રી પ્રભુ પોતે જ – સ્વઈચ્છાથી જ કૃપા કરે છે. પ્રભુ જીવના દોષોને જાનત હોવ છતાં પણ પોતાના પ્રમેય બળથી જીવ પર અનુગ્રહ કરે છે. માટે શ્રીકૃષ્ણનું જ કિર્તન, ભજન, સ્મરણ અને આશ્રય હંમેશા કરવો જોઈએ.

 

બીજા શ્લોકમાં કહે છે કે, પુષ્ટિ માર્ગમાં પ્રમેય બળથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. જીવ કોઈ પણ કાર્ય સાધનથી સિદ્ધ કરી શકતો નથી. તેથી શ્રીમહાપ્રભુજી કહે છે કે, “જીવા:સ્વભાતો દુષ્ટા:” જીવ સ્વભાનથી દુષ્ટ છે. તો છતાં [ન પોતાને બહુ મોટો જ્ઞાની, જાણકાર, સર્વપરી બધું જ કરવામાં નિષ્ણાંત માને છે. પણ વાસ્તવમાં પ્રભુના પ્રમેય બળથી જ સર્વ કાર્ય સિદ્ધ થતા હોય છે. એ અજ્ઞાની જીવ જાણતો નથી અને ચિંતા કર્યા કરે છે. શું થશે ? શું થશે ?? ક્યારે થશે ??? વિગેરે .. લૌકિક ચિંતાથી ભગવદ્દ ભાવનો નાશ થાય છે. પરંતુ આપણે આગળથી જ સાવધાન રહેવું. કારણ, દુ:સંગાદિ મહાદોષ છે. દુ:સંગ મોટો મહાદોષ છે. તે ભગવદ્દ ભાવનો ક્ષણમાં નાશ કરે છે.

 

‘દુ:સંગાદિમહાદોષા નાશયંત્યેવ તત્ક્ષણાત’ પાંચમાં શ્લોકમાં શ્રીહરિરાયચરણ આજ્ઞા કરે છે કે,

 

અસજ્જ્નકૃતા નિંદા તુષ્ટયૈ સત્વ વિનિશ્વયાત |

યત સ્તેષાં ન સેયંતે સંત એવ હિ સર્વથા ||૫||

 

જો અસજ્જનો નિંદા કરે, તો તેનાથી દૈર્યની વિદ્ધિ થાય છે. માટે તેનાથી સંતોષ પામવું. અસત્ય પુરુષોને સત્યરૂપો સર્વથા ગમતા નથી. અને,

 

માર્ગવિશ્વાસરહિતા: પૂર્વદોષૈક દૃષ્ટય: |

યતો નામૈવ હિ હરૈ: સર્વ દોષ નિવર્તકમ ||૬||

 

દોષથી જોનારા પુરુષોને માર્ગમાં વિશ્વાસ હોતો નથી. ખરેખર તો એક હરિનું નામ જ એવું છે જે સર્વ દોષોની નિવૃત્તિ કરે છે. ‘સેવદોષ નિવર્તકમ.’

 

પુષ્ટિ માર્ગનો પ્રકાર સારા જગતમાં પ્રસિદ્ધ છે. તે દુષ્ટ જીવ જાણતો નથી. જેથી પુષ્ટિમાર્ગમાં આવવા છતાં પણ પૂર્વ જન્મના દોષને કારણે દોષ જ જૂએ છે. પોતાની, સ્વની કુટિલતા, જડપણું, અજ્ઞાનતા છોડતો નથી. કારણ કે તે આસુરી જીવ છે. માટે પુષ્ટિમાર્ગમાં વિશ્વાસ નથી.

 

પરંતુ શ્રી પ્રભુનું નામ લેવાથી, કે જાણતા –અજાણતાથી પણ લેવાથી, કે ભૂલમાં કે મશ્કરીમાં કે ખાલી અમથા પણ લેવાથી નામ લેવા માત્રથી સર્વ દોષો દૂર થાય છે.

 

આ બાબતમાં –વિષયમાં શ્રીમદ્દભાગવતજીના ષષ્ઠ સ્કંધ (છઠ્ઠા સંક્ધમાં) માં કહે છે કે,

 

સાંકેત્ય પારિહાસ્યં વા સ્તોભી રેલનમેવ વા |

વૈકુંઠનામ ગ્રહણમશેષધ હરં વિદુ: ||

 

સંકેતમાં બોલવું, મશ્કરીમાં અથવા ગીતાલાપમાં તેમજ હેલ્નમાં જ પેલું પ્રભુનું નામ પણ સમગ્ર પાપનો નાશ કરે છે. એવું સંત પુરુષો જાણે છે તથા અજામિલ જેવો દુષ્ટાત્મા પણ ‘નારાયણ’ મૃત્યુ સમયે બોલતા મૃત્યુના પાસથી મુક્ત થઈ ગયો.

 

તેથી જ તે ભગવન્નામ શ્રીમદ્દઆચાર્યજી શ્રીમહાપ્રભુજી, શ્રી વલ્લભાધિશનાં મુખકમળમાંથી પ્રગટેલો-નીકળેલો અષ્ટાક્ષર મંત્ર || શ્રીકૃષ્ણ: શરણંમમ || શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરેલા આ ભક્તિ માર્ગમાં સર્વ સિદ્ધ કરવાને સર્મથ છે, તે જ સિદ્ધને સંપાદન કરાવનારો છે.

 

તદપિ શ્રીમદાચાર્યવદનાં બુજનિ: સૃતમ |

તત્પ્રકાશિત માર્ગસ્થ સર્વ સમ્પાદનક્ષમમ ||૭||

 

અને તેનાથી પણ આગળ,

 

તહોડપિ બ્રહ્મસંબંધ: સર્વદોષનિવર્તક: |

નિર્દોષાડનન્દ સેવાડપિ દોષાડભાવ પ્રસાધિકા ||૮||

 

બ્રહ્મસંબંધ સર્વ દોષ નિવર્તક છે. શ્રી ભગવાન નિર્દોષ છે. જે નિર્દોષ હોય તેજ આનંદરૂપ હોય શકે. તેથી આનંદસ્વરૂપ ભગવાનની સેવા કરવાથી જીવને તેજ દોષ રહિત બનાવે છે તથા નવમાં શ્લોકથી કહેવાય છે કે, પ્રભુના ગુણગાન સર્વ દોષોને નિવારે છે.

 

ગુણગાનં તુ સર્વેષાં દોષાણાં વિનિવાસ્કમ |

ગુણગાને જ્ઞાનમાર્ગત ઉત્કર્ષ: પ્રભુણો દિત: ||૯||

 

જ્ઞાનમાર્ગથી ગુણગાન શ્રેષ્ઠ છે, એવું શ્રીઆચાર્યચરણ શ્રી મહાપ્રભુજીએ પ્રતિપાદન કરેલું છે.

 

દસમાં અને અગિયારમાં શ્લોકથી જણાવાય છે કે, જ્ઞાન છે તે સર્વ દોષોને ભસ્મ કરે છે.

 

‘જ્ઞાનં સકલદોષાણાં દાહકં પરિકીર્તિતમ’

 

જ્ઞાનમાર્ગનું ગુણગાન ઉત્તમ છે. તેનાથી સંસારના સર્વ દોષો ભસ્મ થઇ જાય છે. તથા જ્ઞાનમાર્ગમાં વધારે ને વધારે ઓતપ્રોત રહેવાથી મોક્ષની પ્રાપ્તિ થાય પરંતુ શ્રીપ્રભુ પ્રકટ થઈને દર્શન ન આપે. જ્ઞાન માર્ગ ભક્તિમાર્ગમાં પ્રતિબંધરૂપ છે. એનું મુખ્ય કારણ જ્ઞાનમાર્ગમાં પ્રભુ દર્શન નથી. લીલાનો અનુભવ નથી, સ્વરૂપાનંદનો અનુભવ નથી. તેથી પુષ્ટિમાર્ગમાં જ્ઞાન કરતાં સેવા જ મુખ્ય છે. જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગથી ન્યુન છે. ઓછો છે. માટે શ્રીમદ્દ આચાર્ય શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે, પુષ્ટિમાર્ગની રીતિમાં જીવોએ તત્પર રહેવું જોઈએ. એક ક્ષણ પણ શ્રી મહાપ્રભુજીનું સાંનિધ્ય હોય તો ભગવદ્દ ભાવનું દાન કરે છે. સ્વરૂપાનંદનો અનુભવ થાય છે. માટે જ સર્વોપરિ ફળરૂપ સેવા પુષ્ટિમાર્ગમાં છે. જેમાં ભગવદ્દ રસનો અનુભવ થાય. આ ભાવ વિચારીને શ્રીઆચાર્યજી શ્રીમહાપ્રભુજીએ સેવાની રીત પ્રકટ કરી છે. તે રીતે સેવા કરવી.

 

‘પ્રગટ વહૈ મારગ રિત દિખાયી’

 

પુષ્ટિમાર્ગમાં જ્યાં જ્યાં મન રાખીને ભગવત સેવા કરવાથી, શ્રીકૃષ્ણ દર્શનની મનમાં ઈચ્છા વધવાથી, તાપ-ઉત્કંઠ –આર્તિ જાગૃત થાય છે. આ તાપ-આર્તિ જ્યારે એકદમ પરાકાષ્ઠા એ પહોંચે ત્યારે સઘળા દોષો દૂર થતા, જીવમાં દિનતા પ્રગટ થાય છે. દાષ્યભાવ આવે છે. ત્યારે ઉત્ત્રરભાવ હૃદયમાં સ્થિર થાય છે. ત્યારે વ્રજભક્તના ભાવની ભાવના કરે, જેને માનસી સેવા કહે છે. જે પુષ્ટિમાર્ગમાં સેવાનો શ્રેષ્ઠત્તમ ભાગ છે. સર્વોપરિ છે. વ્રજ ભક્તને ભાવ અગ્નિરૂપ છે. તે ભાવ હૃદયમાં સ્થિર થતા જાણવું કે શ્રીમહાપ્રભુજી હૃદયમાં પધાર્યા. ભાવાગ્નિરૂપ શ્રીઆચાર્યજી મહાપ્રભુજી છે.

 

“તત ઉત્તરભાવસ્ય ભાવનં વહ્યિરૂપત:”

 

તથા ૧૩, ૧૪ અને ૧૫માં શ્લોકથી કહે છે કે, જો વિયોગા ગ્નિના ભાવનો ઉદય થાય તો એક ક્ષણમાં દોષનો સમૂહ નાશ પામે છે.

 

‘ક્ષણેન દોષ સંઘસ્ય નાશકં સર્વથા મતમ’

 

આવો આ પુષ્ટિમાર્ગ છે. સાચે જ આવા માર્ગમાં જેનું અભાગ્ય-ભાગ્યહિન – હોય તેને જ અવિશ્વાસ આવે અને અવિશ્વાસુની કોઈ ગતિ જ નથી. અવિશ્વાસ હોવાથી જ પુષ્ટિમાર્ગીય ફળ પ્રાપ્ત થતું નથી. ફળ સિદ્ધ થતું નથી.

 

‘અવિશ્વાસ સ્તત સ્તેષાં ન ગતિ:’

 

તેથી જ આપણે આવા ભાવ વિશે સાંભળ્યું હોય કે, આવો ભાવ આપો આપ હૃદયમાં ઉદય પામ્યો હોય, જાગૃત થયો હોય તો જીવન-પર્યન્ત હૃદયમાં દ્રઢ પણે સ્થાપન કરી રાખવો. ભલે પછી કોઈ અલ્પજ્ઞાનીના વચનો ઉપર ઉપરથી સુંદર જણાતા હોય તો પણ એ વચનો પર વિશ્વાસ ન રાખવો. અલ્પ બુદ્ધિવાળો, બુદ્ધિહિન જીવ અજ્ઞાનતાથી નિંદા, દુર્વચન (મર્યાદાછોડીને) બોલે, તો પણ એવા અજ્ઞાનીની સાથે વાદવિવાદ કોઈ પણ પ્રકારે ન કરવો.

 

‘નાલ્પરો વચનાચ્યાલ્યા બુદ્ધિરા પાત સુંદરાત’

 

વિવેક અને ધૈર્ય મનમાં રાખી, નિશ્ચયમનમાં રાખવો કે આજીવને સત્સંગ જ ભાવવશ્વેક ભગવદ્દ ધર્મનો સાધક છે. માટે પુષ્ટિમાર્ગીય વિરોધી-વિપરિત કૃતિવાળાનો સંગ તદ્દન છોડી દેવો.

 

 

લેખક સંકલન-વ્રજનિશ શાહ  BOYDS-MD-U S A

[email protected]

[email protected]

 

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ …… પૂર્વી મોદી મલકાણ – (યુ એસ એ..)

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

(૨૧) પ્રથમ કરી માખનચોરી .. (પદ)

કવિ- સૂરદાસજી

 

makhan chori

 

 

પ્રથમ કરી માખન—ચોરી

ગ્વાલિનિ મન ઇચ્છા કરી પુરન, આપુ ભજે બ્રજ ખોરી.

દેખિ તુહીં સીંકે પર ભાજન, ઊંચે ધરી લટકાયૌ.

હૌં જુ કહાત નન્હૈ કર અપનૈં મૈં કૈસેં કરિ પાયૌ.

મુખ દધિ પોંછિ, બુદ્ધિ ઇક કીન્હી, દોનો પીઠિ દુરાયૌ.

ડારિ સાંટિ મુસુકાઇ જસોદા, સ્યામહં કંઠ લગાયૌ.

બાલ-બિનોદ મોદ મન મોહ્યો, ભક્તિ પ્રતાપ દિખાયૌ.

“સૂરદાસ” જસુમતી કૌ યહ સુખ, સિવ વિરંચે નહિં પાયૌ.

 

બાલ કનૈયા માખણ ચોરી કરીને ખાઈ રહેલા છે ત્યારે તેમણે જોયું કે માતા અચાનક આવીને પોતાને જોઈ રહી છે. માતાને આવેલી જોઈને બાલ કૃષ્ણને પોતાની માખણ ચોરી પકડાઈ ગઈ છે તે વાતની ખબર પડી ગઈ. પરંતુ માતાની સામે પોતે ચોર છે તે વાત ખૂલે તે સારી નહીં આથી કૃષ્ણએ બુદ્ધિ લડાવી, મોઢા પરથી દહીં માખણ લૂછ્યું અને હાથમાં રહેલું માખનનું પાત્ર પાછળ સંતાડીને કહ્યું કે મા, મેં માખણ નથી ખાધું. આ બધી ગ્વાલીનોએ ભેગી થૈ મારી પાછળ પડી જઈ મારે મોંએ માખણ ચોપડી દીધું છે. તું જ જો, છીંકા પર વાસણ કેટલું ઊંચે લટકાવેલું છે, તું જ મને કહે કે હું મારા આ નાનકડા હાથોથી કેવી રીતે ત્યાં સુધી પહોંચું? કૃષ્ણની આ નટખટ લીલા રૂપી ભોળપણ જોઇ કૃષ્ણને ડરાવી ધમકાવી રહેલી જશોદાએ પોતાના હાથમાંની સોટી ફેંકી દીધી અને હસીને શ્યામને ગળે લગાડ્યો છે. પરંતુ કૃષ્ણની મધુરતાથી ભરેલી કાલીઘેલી વાણી સાંભળીને અને કૃષ્ણની આ લીલા જોઈને બધી ગ્વાલિનીઑ અત્યંત પ્રસન્ન થઈ ગઈ, અને અમી ભરેલી આંખોથી કનૈયાને નિહાળવા લાગી આ રીતે ભગવાને ભક્તિનો પ્રતાપ બતાવ્યો અને બાળક્રીડાના આનંદથી ગ્વાલિનીઓનાં મનને મોહિત કરી લીધું છે. “સુરદાસજી” કહે છે કે જે સુખ, તે શિવ કે બ્રહ્માને પણ મળ્યું નથી તે સુખ જશોદાને મળી રહ્યું છે. સૂરદાસજી કહે છે કે જે ત્રિભુવનનાં નાથ ને પોતાની ગોદમાં ખેલાવી રહી છે તેવી જશોદાનાં ભાગ્યની શી વડાઈ કરું?

 

આ પદમાં રહેલ અમુક વ્રજભાષાનાં શબ્દોનો અર્થ જાણી લઈએ.

 

દુરાયૌ-સંતાડવું

પીઠિ-હાથ વડે

ડારિ-સાંટિ-ડરાવી ધમકાવી રહેલી

ભાજન-વાસણ (મટુકીનાં અર્થમાં)

કંઠ-ગળે

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

પુષ્ટિદર્શન રસ સાગરને આધારિત….

 

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …