જીવનનું લક્ષ્ય …

જીવનનું લક્ષ્ય …
– સ્વામી સત્યરૂપાનંદ

 

life goal

 

 

ઉન્નતિ અને વિશ્વશાંતિનો રાજમાર્ગ

 

મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ માટે થયો છે. આ લક્ષ્ય કયું છે ? સ્વામી વિવેકાનંદજીએ એ વિશે આપણને કહ્યું છે કે માનવ જીવનનું લક્ષ્ય છે પોતાના મહાન દિવ્ય સ્વરૂપની અનુભૂતિ કે એનું પ્રગટીકરણ. તેઓ કહે છે : ‘પ્રત્યેક આત્મા અવ્યક્ત બ્રહ્મ છે. બાહ્ય એવં આંતરિક પ્રકૃતિને નિયંત્રણમાં રાખીને આત્માના આ બ્રહ્મભાવને વ્યક્ત કરવો એ જ જીવનનું પરમ લક્ષ્ય છે.’

 

મનુષ્ય આજે લક્ષ્યહીન જીવન જીવી રહ્યો છે કે તેણે અનિત્ય એવા ભૌતિક સુખોને જ જીવનમાં પરમ લક્ષ્ય માની લીધું છે એ માનવજીવનની અશાંતિ અને દુઃખોનું સૌથી મોટું કારણ છે. વ્યક્તિ અને સમાજ બંનેનાં દુઃખ અને અશાંતિનું કારણ આ જ છે. એટલે આજની સર્વપ્રથમ તાતી જરૂર એ છે કે આપણે માનવ-જીવનના મહાન ઉદ્દેશ્ય પર વિચાર કરીએ, ચિંતન કરીએ. ક્યાંક આપણું જીવન એક લક્ષ્યહીન આંધળી દોટ તો નથી બની ગઈ ને, એના પર ચિંતન કરીએ, મનન કરીએ તથા પોતે જાતે જ એનું પરીક્ષણ પણ કરી લઈએ.

 

જો આવું બને તો આપણે તત્કાળ એનો ઉપાય યોજવો જોઈએ. એ ઉપાય કયો છે ? એ ઉપાય છે સ્વામી વિવેકાનંદે દર્શાવેલ જીવનલક્ષ્ય પર વિચાર કરવો, એના પર ગંભીરતાથી મનન કરવું અને એને હૃદયંગમ બનાવવું. પોતાના બ્રહ્મભાવ, દિવ્યતા અને મહાનતાનું ચિંતન કરવું જોઈએ. આ રીતે દિવ્ય ભાવોનું ચિંતન કરવાથી અનિત્ય ભૌતિક સુખોની અસારતાનું જ્ઞાન આપણને ધીમે ધીમે થવા માંડશે.

 

આ જ્ઞાન આપણને જીવનની લક્ષ્યહીનતામાંથી મુક્ત કરી દેશે અને આપણને મહાન દિવ્યજીવન તરફ આગળ વધવાની પ્રેરણા દેશે. એને પરિણામે આપણી ભીતર સુપ્તશક્તિઓ ધીમે ધીમે જાગવા માંડશે અને ત્યારે આપણે આજીવન પોતાના બ્રહ્મભાવનો અનુભવ કરવા સમર્થ બની શકીશું.

 

આ પ્રક્રિયાને પ્રારંભ ક્યાંથી કરવો ? વિચારથી. વિચારોમાં મહાન શક્તિ છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જો પદાર્થમાં શક્તિ છે તો વિચાર સર્વશક્તિમાન છે. વિચારની આ મહાન શક્તિનો પોતાના જીવન પર પ્રભાવ પાડવા દો. પોતાના મનને પોતાની સર્વશક્તિમત્તા પોતાની ગરિમા, પોતાની મહિમાના મહાન વિચારોથી ભરપૂર ભરી દો.’

 

આ જ રહસ્ય છે જીવનની સફળતાનું. આ જ ઉપાય છે જીવનલક્ષ્યની પ્રાપ્તિનો. માનવજીવનનું આ એક સત્ય છે કે પોતાના વિચારોમાં પરિવર્તન દ્વારા મનુષ્ય પોતાના ચારિત્ર્યમાં, જીવનમાં આમૂલ પરિવર્તન કરી શકે છે. એટલે જીવનની સફળતાનું પ્રથમ સોપાન છે, દિવ્ય તથા પવિત્ર વિચારોને મનમાં વારંવાર લાવવા તેમજ નિમ્નકક્ષાના અને અશુભ વિચારોને મનની બહાર ફેંકી દેવા. જો મનમાં અશુભ વિચાર ઉદભવે તો એનાથી વિપરીત તેમજ શુભ વિચારોને અધ્યવસાય પૂર્વક વારંવાર મનમાં લાવવાનો પ્રયત્ન કરવો.

 

પહેલાં તો નિમ્ન વિચારોની વિરુદ્ધ પૂરતા પ્રમાણમાં સંધર્ષ કરવો પડે છે. પરંતુ જ્યારે મન દ્રઢ સંકલ્પ બનીને અધ્યવસાયપૂર્વક નિમ્ન વિચારોને ત્યાગીને ઉચ્ચ વિચારોનું ચિંતન કરવાનો નિરંતર પ્રયાસ કરે છે તેમજ મનમાં ઉચ્ચ અને પવિત્ર વિચારોનું પોષણ કરે છે, ત્યારે ધીરે ધીરે અશુભ વિચારોની શક્તિ ક્ષીણ થવા લાગે છે અને પછી જીવનમાં એવો સમય પણ આવે છે કે મનુષ્યના મનમાં નિમ્ન તથા અશુભ વિચારો આવતા પણ નથી. તેનું મન સદૈવ ઉચ્ચ અને પવિત્ર વિચારોથી પરિપૂર્ણ રહે છે.

 

આ પ્રકારે ઉચ્ચ અને પવિત્ર વિચારોના સતત ચિંતનથી મનુષ્યની ભીતર સુષુપ્ત મહાન શક્તિ જાગી ઊઠે છે. આ શક્તિના જાગરણના પરિણામે મનુષ્યની દુર્બળતાઓ દૂર થઇ જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ જેવા શત્રુઓ એવા વ્યક્તિના મનને જરાય વિશુદ્ધ કરી શકતા નથી. ઊલટાનું એવી વ્યક્તિ સ્વયં પોતાના એ શત્રુઓને પરાજીત કરીને એમને પોતાને અધીન કરી લેવા સમર્થ બની જાય છે. આ રીતે તે પોતાની આંતરિક પ્રકૃતિને વશમાં કરી લે છે.

 

સાથે ને સાથે જે વ્યક્તિએ પોતાની આંતરિક પ્રકૃતિને વશમાં કરી લીધી હોય એને માટે બાહ્ય પ્રકૃતિને પણ વશમાં કરવાનું કાર્ય સહજ બની જાય છે. જે વ્યક્તિએ પોતાની આંતરિક અને બાહ્ય પ્રકૃતિને વશીભૂત કરી લીધી છે, તેને માટે પોતાના બ્રહ્મભાવને પૂર્ણત: જાગૃત કરીને તેની અનુભૂતિ અને અભિવ્યક્તિ કરવી સંભવ બની જાય છે.

 

આવી વય્ક્તિ જ સંસારની સાચી સહાયક અને હિતૈષી હોય છે. આવા જ માનવીઓ લોકસમાજના સંસ્કારક અને માર્ગદર્શક બને છે. એમના માર્ગદર્શનમાં જ સમાજની સર્વાગીણ ઉન્નતિ તથા તેનું કલ્યાણ સંભવ બને છે. જે સમાજમાં આવા આત્મવિજયી વ્યક્તિઓની સંખ્યા જેટલી વધારે હોય તે સમાજ એટલો જ ઉન્નત અને સમૃદ્ધ બને. આ જ સમાજ વિશ્વબંધુત્વ અને વિશ્વશાંતિ સ્થાપિત કરવામાં સમર્થ બની શકે. એ જ વ્યક્તિ અને સમાજની ઉન્નતિનો રાજમાર્ગ છે.

 

 

(રા.જ.૮-૧૧(૨૪-૨૫)/૨૦૮-૦૯)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું સ્વાગત છે., જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.