પુરુષાર્થ અને પ્રારબ્ધ …

પુરુષાર્થ અને પ્રારબ્ધ …

– સ્વામી આત્માનંદ

 

bhagya

 

હું બે વ્યક્તિને ઓળખું છું. તેઓ પરમ મિત્ર છે. પણ બંનેની વિચારધારાઓ બિલકુલ વિપરિત છે. એક એવો છે કે જે પુરુષાર્થમાં શ્રદ્ધા ધરાવે છે અને કહે છે કે મનુષ્ય પોતાના પ્રયત્નથી સર્વ કંઈ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે બીજો પ્રારબ્ધ કે ભાગ્યનો પક્ષઘર છે. તે કહે છે કે જીવનમાં ખરેખર ભાગ્યની જ બોલબાલા છે. તેઓ પોતાના પક્ષમાં મોટે ભાગે મહાભારતનો આ શ્લોક કહેતા રહે છે : ‘ભાગ્યં ફલતિ સર્વત્ર ન દૈવં ન ચ પૌરુષમ |’ એટલે કે ઈશ્વરની ઈચ્છા અને પુરુષાર્થ ફળદાયી નીવડતા નથી પણ ખરેખર ભાગ્ય જ ફળદાયી બને છે. જ્યારે એ બંને વચ્ચે ચર્ચા જામતી ત્યારે એ ચર્ચા સાંભળવા જેવી રહેતી. બંને પોતપોતાના પક્ષમાં ઘણો તર્ક લડાવતા રહેતા.

 

જે પુરુષાર્થી મિત્ર છે તે પણ મહાભારતનો એક શ્લોક લઈને પોતાના પક્ષની રજૂઆત કરતા. જ્યારે ભીષ્મ યુધિષ્ઠિરને પુરુષાર્થની પ્રભાવકતા વિશે સમજાવતાં કહે છે : ‘સાધારણં દ્વયં હ્યેતદ્દ દૈવમુત્થાનમેવ ચ | પૌરુષં હિ પરંમન્યે દૈવં નિશ્ચિતમુચ્યતે ||’ હે યુધિષ્ઠિર કાર્યની સિદ્ધિ કે સફળતા માટે પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેને તેના સાધારણ કારણ ગણવામાં આવ્યા છે. છતાં પણ હું પુરુષાર્થને મુખ્ય ગણું છું. પ્રારબ્ધ તો પહેલેથી જ નિશ્ચિત ગણવામાં આવ્યું છે.’

 

પણ પેલો ભાગ્યવાદી મિત્ર સહેજે હારે તેમ ન હતો. તે પોતાના પુરુષાર્થવાદી મિત્રને કહે છે : ‘તમે અત્યાર સુધી કોઈ નિષ્ફળતાનો સામનો કર્યો નથી. એટલે તમે પુરુષાર્થની પાછળ લાગી પડ્યા છો. પણ અનેક પ્રયત્નો કરવા છતાં પણ તમને ક્યારેક જણાશે કે તમારું કામ સફળ થતું નથી એ વખતે તમને ખ્યાલ આવશે કે જીવનનું નિયંત્રણ પુરુષાર્થમાં નથી પણ ભાગ્યમાં રહેલ છે.’

 

પેલો પ્રારબ્ધવાદી મિત્ર પણ હતો પુરુષાર્થી. એના જીવનમાં એક ઘટના ઘટી ત્યારથી એની દ્રષ્ટીએ ભાગ્ય જ સર્વોપરી બની ગયું. બન્યું એવું કે એનો એકનો એક દીકરો બીમાર પડ્યો. ધનની તો કંઈ ખોટ નહોતી. એકથી એક મોટાં ડોક્ટર પાસે પોતાના દીકરાને લઈ ગયા. પાણીની જેમ પૈસા વહાવ્યા. પણ અંતે તે પ્રારબ્ધ સામે ઝૂકી ગયો. એના પુત્રનું મૃત્યુ થયું. ત્યારથી એનો વિશ્વાસ પુરુષાર્થ પરથી હટી ગયો અને તે પ્રારબ્ધવાદી બની ગયો. ભાગ્ય એટલે ભાગ્ય.

 

આવું ઘણા લોકો સાથે થતું રહે છે. જ્યારે આપણા મન પ્રમાણે બધાં કામ થતાં રહે ત્યારે આપણે પુરુષાર્થી કે પુરુષાર્થવાદી બનીએ છીએ. પણ કામ બગાડવા માંડે, વિપરીત પરિસ્થિતિ ઊભી થાય., પ્રયત્ન કરવા છતાં જઈએ છીએ અને નસીબનો આશરો લઈએ છીએ.

 

ભાગ્ય વિશે આપણી ધારણા એવી છે કે એ એક એવી શક્તિ છે કે જે નજરે દેખાતી નથી. પણ મનુષ્યના જીવનની ઘટનાઓનું એ રીતે એ સંચાલન કરે છે કે જેમ એક સૂત્રધાર પડદા પાછળ રહીને કઠપૂતળીઓને નચાવે છે તેમ. આનો અર્થ એ થયો કે આપણે અતિવાદમાં રહેવાનું પસંદ કરીએ છીએ. કોઈ વ્યક્તિ પુરુષાર્થનો એક અતિ પસંદ કરે છે તો વળી કોઈ ભાગ્યનો અતિ ચાહે છે.

 

જીવનની ઘટનાઓની પાછળ વાસ્તવિક રીતે પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને રહેલ છે. એકને છોડીને બીજાનો સ્વીકાર કરવો એ સંતુલિત દ્રષ્ટિ ન ગણાય. આપણા જીવનમાં આ બંને દ્વારા નિયંત્રણ થતું રહે છે. જો આપણે અસફળતાઓને લીધે ભાંગી પડીએ અને એવું માનવા માંડીએ કે જીવનમાં પુરુષાર્થ નામની કોઈ ચીજ છે જ નહિ; ત્યારે આપણા મનમાં એક જડતા આવે છે અને અકર્મણ્યતા ઉદ્દભવે છે. આપણી મનોવૃત્તિ ભાગ્યને ભરોસે બેઠા રહેવાની બની જાય છે અને આપણે એ અતિવાદનો શિકાર બનીએ છીએ.

 

ડૉ. સર્વ પલ્લી રાધાકૃષ્ણન એક ઉદાહરણના માધ્યમથી આ બંને વાતનો સુંદર રીતે સમન્વય કરીને કહે છે:

 

ધારો કે આપણે ગંજીપે રમીએ છીએ. ગંજીપાના જે પાનાં આપણા હાથમાં છે તે પ્રારબ્ધનો પક્ષ. પણ આ પાના પર આપણે આપણો ખેલ જે રીતે ખેલીએ છીએ, તે પુરુષાર્થનો પક્ષ.

 

આપણે જેટલો પુરુષાર્થ કરીશું એટલી આપણી જીતવાની સંભાવના વધારે રહેશે. એવી જ રીતે જીવનમાં આ બંને પરિસ્થિતિઓ આપણી સામે આવે છે, પ્રારબ્ધની અને પુરુષાર્થની. આ બંને પરિસ્થિતિઓનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એ આપણા પુરુષાર્થ પર આધારિત રહે છે. જો આપણે એકવાર નિષ્ફળ જઈએ તો બીજી વાર પ્રયત્ન કરવાના. આ છે જીવનની સંતુલિત દ્રષ્ટિ.

 

 

(રા.જ.૮-૧૧(૨૩-૨૪)/૨૦૭-૦૮)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું સ્વાગત છે, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.