ગોગા બાપા …

ગોગા બાપા …

– રામેશ્વર તાંતિયા

 

રાજસ્થાનનાં શૌર્ય અને બલિદાનનો ઈતિહાસ વિશ્વમાં અજોડ છે. સન્માન અને સતીત્વની રક્ષા માટે બાળકોને ખોળામાં લઇ ધધકતી આગમાં કૂદી પડી પ્રાણ ત્યાગ કરવો એ અત્યંત અદ્વિતીય દ્રષ્ટાંત છે. ભારત સિવાય બીજે ક્યાંય આવાં ઉદાહરણો જવલ્લે જ જોવા મળે. રણથંભોર અને ચિત્તોળમાં આવાં ઘાણાં ‘જોહર’ થયાં છે. આવું એક જોહર ૧૦૨૪માં બિકાનેર પાસે ભાદ્રા ગામની પાસે ગોગામઢીમાં થયું હતું. આમાં ૭૦૦ ફૂલવધૂઓ પોતાનાં બાળકોને ખોળામાં લઈને બળીને ભસ્મ થઇ ગઈ. જ્યારે ગજનવીની ફોઝ મઢી પાસે પહોંચી ત્યારે તેને રાખનો ઢગલો અને અડધા બળેલા માંસના લોચા પર મંડરાતા હજારો ગીધો જોવા મળ્યાં.

 

ગોગામઢીના ચૌહાણ સરદાર ગોગાજીનો એક અદ્દભૂત ઈતિહાસ છે. યુરોપના ૧૨મી સદીના ક્ર્સેડ અભિયાનના કેટલાક નેતાઓ, ભારતમાં જયમલ, પત્તા અને વીરચૂડાવતના સરદારનાં બલિદાનો કરતાં પણ ગોગાજીનું બલિદાન અત્યંત ઉજ્જવલ અને અનોખું છે.

 

મહમદ ગઝનવીની ૫૦ હજારની સુસજ્જ ફોજથી ડરીને લોકહોટ (લાહોર) અને મુલતાનના હિન્દુ રાજાઓ પોતાની ફોજ સહિત તેમની સાથે ભળી ગયા. પછી તો રસ્તામાં આવતા સામંતો વગેરે તો અનાયસે તેમનામાં ભળી જતા. મરુભૂમિની સીમાએ પહોંચતાં પહોંચતાં તેમની પાસે ૩૦ હજાર સવાર અને ૫૦ હજાર પાયદ્લ ફોજ થઇ ગઈ હતી.

 

જ્યાં સુધી સમભાવ થઈ શકે ત્યાં સુધી મહમદ ગજનવી સાંમતો વગેરેની સાથે સંધી કરીને સોમનાથની પ્રસિદ્ધ મૂર્તિનો ધ્વંશ કરવા આગળ વધી રહ્યો હતો. તેણે ગુર્જરદેશની સમૃદ્ધિ વિશે સાંભળ્યું હતું. ત્યાં જઈને સિપાઈઓને લૂંટ કરવાની અને ગજનવીને મહાદેવની મૂર્તિ તોડીને ગાઝી બનવાની લાલચ હતી.

 

તેમની ફોજને ભાટી પ્રદેશ (બિકાનેર) થઈને ઝાલોર મારવાડના માર્ગથી ગુજરાત (સૌરાષ્ટ્ર) જવાનું હતું. રસ્તામાં ગોગામઢી આવતી હતી. ત્યાંના વૃદ્ધ સરદાર ગોગાજીની યશોગાથા તેણે સાંભળી હતી. ગજનવીએ એક દેશ – ધર્મદ્રોહી તિલક નામના ભારતીય સાથે પોતાના સેનાપતિ સાલાર મહમદને ગોગાબાપા પાસે હિરાજવેરાતના થાળ સાથે મોકલ્યા. તેણે કહ્યું કે અમીર ગજનવી પોતાની ફોજ સાથે તમારા વિસ્તારમાંથી થઈને પ્રભાસપાટણ જઈ રહ્યા છે, તેમને તમારી સહાયતાની જરૂર છે.

 

૯૦ વર્ષના ગોગાબાપાના શરીરમાં ક્રોધની આગ વ્યાપી ગઈ. ગંભીર ગર્જના સાથે તેમણે કહ્યું : ‘તારો મીર ભગવાન સોમનાથના વિગ્રહને તોડવા જઈ રહ્યો છે અને તે માટે મારી સહાયતા માગે છે ! તું હિંદુ થઈને તેની શેખાવત કરવા આવ્યા છો ! જા, તારા માલિકને કહે કે ગોગાબાપા રસ્તો નહિ આપે.’ એમ કહીને હીરામોતીનો થાળ ઠોકર મારીને ફેંકી દીધો.

 

gogabapa31012013_0000

 

આ ગોગાબાપાને ૨૧ પુત્રો, ૭૪ પૌત્ર અને સવાસો પ્રપૌત્ર હતા. આ સિવાય તેમની પાસે ૯૦૦ શૂરવીરોની નાનકડી સેના હતી. ૧૫ દિવસ સુધી તૈયારી થતી રહી. કિલ્લાનું સમારકામ કરવામાં આવ્યા. ચંડી અને મહારુદ્રના પાઠ થવા લાગ્યા.

 

એક દિવસ જોવામાં આવ્યું કે ગજનવીની વિશાળ સેના ગોગામઢી પાસેથી અજગરની જેમ સરકતી પસાર થઇ રહી હતી. કદાચ તે ગોગાબાપાની સાથે અથડામણ નહોતા ઇચ્છતા. પ્રધાન પુજારી નંદી દત્તે કહ્યું : ‘બાપા, સંકટ ટળી ગયું છે. યુવાનોની ફોજ આગળ ચાલી ગઈ છે.’ બાપાની સફેદ મૂંછ અને દાઢી ફરકવા લાગી. તેમણે કહ્યું : ‘મહારાજ, આપણા શરીરમાં લોહીનું ટીપું રહે ત્યાં સુધી તે યવનો ભગવાન શંકરના વિગ્રહનો ધ્વંશ કરવા કેવી રીતે જઈ શકે ? આપણે તે લોકોની પાછળ જઈશું. તમે કિલ્લામાં રહીને સ્ત્રીઓ અને બાળકોની સદ્દગતિ કરી દો. એવું ન થાય કે તેના હાથમાં મારા વંશની કોઈ જીવિત વ્યક્તિ આવી જાય.

 

યુદ્ધની તૈયારીના રણશિંગા ફૂંકાયા. ઘોડા-ઊંટ સજાવાયાં. કેસરિયા વાઘાં પહેરીને ૧૨૦૦ વીરો હાથમાં તલવાર, તીર અને ફરસાં વગેરે લઇને ગજનવીની સવાલાખ ફોજનો વિધ્વંશ કરવા ચાલી નીકળી.

 

દસ વર્ષથી નાના બાળકો અને સ્ત્રીઓ માટે મોટી ચિતા તૈયાર કરીને પુરોહિત નંદી દત્તે તેમાં આગ પ્રજ્જવલિત કરી. તેમનો યુવાન પુત્ર તો બાપા સાથે યુદ્ધ માટે નીકળી પડ્યો હતો. પત્ની, પુત્ર અને ફૂલવધૂ જોહરની આગમાં કૂદી પડ્યાં હતાં.

 

કિલ્લાની નીચે ઊભેલ યવન સેનાએ જોયું કે કેસરિયા વાઘાં પહેરેલ થોડાં વીરો ત્વરાથી તેના તરફ આવી રહ્યા છે. ‘અલ્લા –હુ-અકબર’ ની ગર્જના થઇ. લીલી પાઘડી અને લાલ દાઢીવાળો મીર હાથી પર બેસીને પોતાની સેનામાં પોરસ ચઢાવી રહ્યો હતો.

 

૯૦ વર્ષના વયોવૃદ્ધ ગોગાબાપા યવન સેના પર વિજળીની જેમ ત્રાટકી પડ્યા. એકવાર તો ગજનવીની સેનામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. પરંતુ વીરોની સંખ્યાને સાજ સામગ્રીમાં એટલું બધું અંતર હતું કે થોડીવારમાં ચૌહાણ વીરો વીરગતિ પ્રાપ્ત થઈ ગયા. દુશ્મનના દસ ગણા માણસો માર્યા ગયા. ગોગાબાપાના વંશમાં તેમનો પૌત્ર સજ્જન અને પુત્ર સામંત બચી ગયા. કારણ કે તેઓ બંને પ્રભાસપાટણ મહમદ ગજનવીના આક્રમણની અગાઉથી સૂચના આપવા ચાલ્યા ગયા હતા. પાછા  વળતી વખતે ભાગી રહેલ લોકો પાસેથી બધી વિગત સાંભળી. થોડીવાર તો દુઃખથી તેઓ રડવા લાગ્યા. પરંતુ પોતાની જાતને સાંભળીને પોતાનું કર્તવ્ય નિશ્ચિત કરી લીધું. સામંત ગતિશીલ ઊંટણી પર ચઢીને ગુર્જર નરેશ ભીમદેવ પાસે ચાલ્યા ગયા.

 

સજ્જન ચૌહાણ ઝાલોરના રાવલને મળવા ગયા. ઘણું સમજાવ્યા છતાં રાવલ માન્યા નહિ. તેમણે થોડા દિવસ પહેલાં જ ગજનવીના દૂતને રસ્તો આપવાની સ્વીકૃતિ આપી હતી. તેમનું માનવું હતું કે ભીમદેવનું અભિમાન એટલું બધું વધી ગયું છે કે તેઓ તેમને તુચ્છ માને છે. હવે એમના પર સંકટ આવ્યું છે તો હું શા માટે તેને સહયાતા કરું ? સજ્જને ઘણું સમજાવ્યું કે મહારાજ, આ તો ભીમદેવ અને તમારા વચ્ચેના સંબંધોનો પ્રશ્ન નથી, આ તો દેશ-ધર્મ પર સંકટ આવ્યું છે. આ સમયે પરસ્પરનો ભેદભાવ ભૂલીને યવનોનો નાશ કરવો જોઈએ. છતાં પણ રાવલ માન્યો નહિ ત્યારે વ્યર્થમાં સમય ન બગાડતાં પોતાની ઊંટણીને ગજનવીની ફોજ તરફ દોડાવી. ત્રણ-ચાર દિવસ ત્વરાથી પથ કાપ્યા પછી તેમને સામે ગજનવીનો દૂત અને સૈનિકોની ટૂકડી મળી. સાત સૈનિક સહિત દૂતને મારીને રાવલનો સ્વીકૃત પત્ર દૂતની કટાર અને ગુપ્ત નિશાન લઈને સજ્જન ગજનવીની ફોજ તરફ ચાલી નીકળ્યો. આ સમયે ગજનવીની ફોજમાં ૩૦ હજાર ઘોડેસ્વાર, ૫૦ હજાર તીરંદાજો અને ૩૦૦ હાથી હતા. ૪૦૦૦ ઊંટો પર ખાવા પીવાનો સામાન અને પાણી હતાં. આ પહેલાં આવડી મોટી ફોજ કોઈ સમ્રાટ પાસે છે એવું સાંભળ્યું ન હતું.

 

સજ્જને સેના નાયકને ગુપ્ત નિશાનો બતાવ્યા. તેથી સેનાપતિ સજ્જનને ગજનવી પાસે લઇ ગયો. એક મોટા તખ્ત પર અમીર બેઠો હતો. ચારે બાજુ ખુલ્લી તલવાર લઈને તાતારી સિપાઈઓ ઊભા હતા. સજ્જને દુભાષિયાના માધ્યમ દ્વારા અમીરને કહ્યું કે તેમના દૂતને રક્ષકો સહિત ઝાલોરના રાવલને મારી નાખ્યા છે. રાવલ અને મારવાડના રાજા રણમલની સેનાઓ સાથે મળીને લડાઈ માટે તૈયાર છે. નિશાની માટે લાવેલ દૂતની કટાર ગજનવીના પગ પાસે રાખી દીધી. ત્રણ ચાર દિવસના થાક્યા અને ભૂખ્યા ચૌહાણની વાતો પર મહમદ ને વિશ્વાસ આવી ગયો. તેમણે પોતાનો પરિચય જેસલમેરના એક જાગીરદાર તરીકે આપ્યો અને તેમણે અમીરને કહ્યું, જો તેઓ ઈચ્છે તો સીધા રસ્તા દ્વારા માત્ર ૨૦-૨૨ દિવસોમાં જ સોમનાથ પહોંચાડી શકશે. એ રસ્તા પર કોઈ પણ પ્રકારની અથડામણની શંકા નથી. એના બદલામાં તે પોતાની જાગીરની પાસેના ૧૦૦ ગામ ઈચ્છે છે અને અત્યંત સુંદર રીતે રસ્તાઓ અને ગામડાઓનો પરિચય આપ્યો કે સેનાપતિ અને બીજા બધા તેમની વાતને સાચી માનવા લાગ્યા.

 

gogabapa.131012013_0000

 

બીજે દિવસે ગજનવીએ પોતાની ફોજને રસ્તો બદલવાનો હુકમ આપ્યો. હવે તેઓ સીધા કોલાયત, બાફ અને જેસલમેરના રણમાં થઈને જવા લાગ્યા. સજ્જન પોતાની પ્રિય ઊંટણી પર બધાની આગળ ચાલ્યો. ચાર દિવસની યાત્રા પછી સેનાના જાણકારોએ મચાવ્યો કે હવે પછીનો રસ્તો ભીષણ રણનો છે, ત્યાં માણસ તો શું પક્ષી પણ નથી જઈ શકતું. સેનાપતિ સાલાર મહમદે સજ્જનને ધમકાવ્યો, પણ સજ્જન પોતાની વાતમાં અડગ રહ્યો. અહીંથી પાછા વળવાથી પાંચ દિવસનો સમય લાગે એટલે તેઓ હિંમત કરીને આગળ વધ્યા. પાંચમે દિવસે બપોર થયો ત્યારે ભયાનક આંધી આવતી દેખાઈ. બળી રહેલી ગરમ-ગરમ રેતી રાક્ષસની સમાન વેગથી આવી રહી હતી. ચૌહાણ સજ્જનની ઊંટણી જાનના જોખમે પણ ગતિથી આગળ વધવા લાગી; અને પાછળ પાછળ મહમદની સેના. થોડા સમયમાં જ પ્રલયનું દ્રશ્ય ઊભું થયું. રેતીના ઊડતા ઢગલાઓ પશુઓ અને મનુષ્યોને આંધળા બનાવવા લાગ્યા. ફોજ હતાશ થઈને પાછી ફરવા માગતી હતી પરંતુ પ્રલયકારી તૂફાનના તેજથી તથા થાકી ગયેલ અને માંદા પશુઓને લઈને તેઓ,પાછાં કેવી રીતે ફરે ! ૧૦ હજાર ઊંટ, હાથી અને સિપાઈઓ ગરમ રેતીની નીચે દટાઈને મરી ગયાં. જે બચ્યા તેમાંથી ઘણાંને રાત્રે ભોંયરામાંથી નીકળેલા સાપોએ કરડી લીધા. એવું લાગતું હતું કે જાણે શિવે પોતાના ગણને યવનોની સેનાનો નાશ કરવા માટે મોકલી ન હોય !

 

વીર ચૌહાણે પણ પોતાની ઊંટણી સહિત આ મરુ ભૂમિમાં સમાધિ લીધી. આ રીતે દુશ્મન સેનાનો નાશ થવાથી તેના ચહેરા પર ઉલ્લાસ અને આનંદ હતો.

 

ગોગાબાપા અને તેમના વંશજોની પુણ્યકથા અહીં સમાપ્ત થઈ. તેમના યશોગાન ઉત્તર ભારતમાં મોઢે-મોઢે થાય છે. ભાદ્રપદ મહિનામાં ગોગામઢીમાં આ ઘટનાની પુણ્યસ્મૃતિમાં મોટો મેળો ભરાય છે. મહમદે પોતાની વધેલી સેનાને માંડ માંડ બચાવીને ઝાલોર મારવાડના રસ્તે થઈને સોમનાથ પર હુમલો કર્યો. આ કથાનો દેશના ઇતિહાસમાં પ્રમાણિત રૂપથી ઉલ્લેખ થયો છે.

 

 

(રા.જ.૧-૧૦(૪૦-૪૨)/૪૯૦-૯૨)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : dadimanipotli @gmail.com

 

 

પોસ્ટ પરના આપના પ્રતિભાવનું સ્વાગત છે, જે અમોને પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શક બની રહે છે.

અજ્ઞાન અને દુ:ખની સમસ્યા …

અજ્ઞાન અને દુ:ખની સમસ્યા …

 

પ્રસ્તાવ:

 

અજ્ઞાન જીવનની મૂળભૂત સમસ્યા છે. સર્વ સમસ્યાઓનું મૂળ કારણ છે. દુ:ખ જીવનની મુખ્ય વિટંબણા છે. જીવમાત્ર આંતરિક રીતે અજ્ઞાનથી અને બાહ્ય રીતે દુ:ખથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. અજ્ઞાન અને તેની દુ:ખસેનાથી મુક્ત થવા જીવ માત્ર આતુર છે.

 

વિચારશીલ માનવના મનમાં એવો સવાલ જરૂર ઉભો થાય છે કે આ અજ્ઞાન અને દુ:ખ જીવનમાં શા માટે? સર્વત્ર જાણે અજ્ઞાન અને દુ:ખનું આધિપત્ય છે. આમ શા માટે ? આ જીવનનું સ્વરૂપ આવું શા માટે કે જેમાં અજ્ઞાન અને દુ:ખ છે ? શું સમગ્ર અસ્તિત્વ, સમગ્ર જીવન અજ્ઞાન અને દુ:ખ વિના હોઈ ન શકે ? અજ્ઞાન અને દુ:ખની એવી કઈ આવશ્યક્તા છે કે તેઓ જીવનનો ભાગ બની ગયા ?

 

આ અસ્તિત્વ, આ જીવન ભગવાનનું સર્જન છે; કોઈ શેતાનનું નહિ. ભગવાન આનંદપૂર્ણ છે અને જ્ઞાનસ્વરૂપ છે એટલું જ નહિ પરંતુ કૃપાળુ પણ છે. સમગ્ર અસ્તિત્વ ભગવાનમાંથી આવ્યું છે, તેમણે પોતાનામાંથી આ સધળાનું સર્જન કર્યું છે. છતાં અહિં અજ્ઞાન અને દુ:ખ શા માટે ? આ સર્જનહારના સર્જનમાં આટલી વિસંવાદિતા કેમ નજરે પડે છે ? આ અજ્ઞાનનો અંધાર–પછેડો શા માટે ? કહેવાય છે કે ભગવાને આ સમગ્ર અસ્તિત્વનું સર્જન આનંદલીલા માટે કર્યું છે. પરંતુ આ આનંદલીલામાં આટલું અજ્ઞાન અને આટલાં દુ:ખ કેમ ? શા માટે ? શા હેતુથી ?

 

સર્જનમાં કશુંયે અહૈતુક નથી. જીવનમાં કશુંયે અનાવશ્યક નથી અને વ્યર્થ પણ નથી. આ અજ્ઞાનનું, આ દુ:ખનું પણ જીવનમાં સ્થાન છે.

 

અજ્ઞાનનું સ્થાન:

 

સર્જનનો પ્રારંભ લીલાના આનંદ માટે થયો છે. લીલા માટે દ્વૈતની આવશ્યક્તા છે. દ્વૈત માટે કોઈક સ્વરૂપનું અજ્ઞાન હોવું આવશ્યક છે. માયાના તરંગથી સર્જનનો પ્રારંભ થાય છે. જે પૂર્ણ છે તે માયાનો આશ્રય કરી, સ્વસંકોચની પ્રક્રિયા દ્વારા આ જીવ–જગત રૂપે પરિણમે છે. માયા અજ્ઞાનરૂપિણી છે તેથી સર્જનના પ્રારંભ માટે અજ્ઞાન તત્વ આવશ્યક થયું. પૂર્ણ અજ્ઞાન ઓઢીને અપૂર્ણનો સ્વાંગ ધારણ કરે છે. આનંદ, અજ્ઞાનના મિશ્રણથી સુખ–દુ:ખનું રૂપ ધારણ કરે છે, આમ સર્જનની પ્રક્રિયા માટે અજ્ઞાન પણ એક આવશ્યક તત્વ તરીકે સ્થાન ધરાવે છે. સર્જન ઉપરાંત લીલા માટે પણ દ્વેતની સંતાકૂકડીની રમત ચાલે છે. કોઈક સ્વરૂપના અજ્ઞાન વિના સંતાકૂકડી રમાય કેવી રીતે ? જો બધાની આંખો ખુલ્લી હોય, બધાં પ્રગટ જ હોય તો સંતાકૂકડીની રમત અશક્ય બની જાય તેથી અજ્ઞાનનું મૂલ્ય છે.

 

હવે એવો પ્રશ્ન પૂછી શકાય કે શું અજ્ઞાન વિના સર્જન શક્ય જ નથી ? અજ્ઞાન સિવાય સર્જન માટે અન્ય કોઈ ઉપાય જ નથી ? અજ્ઞાન વિના લીલા થઈ શકે એવો કોઈ વિકલ્પ જ નથી ? શું અજ્ઞાન અનિવાર્ય છે ? અજ્ઞાનનો આધાર સર્વથા અનિવાર્ય છે, એમ તો ન કહી શકાય. અજ્ઞાન વિના લીલા હોય એવા પણ લોક છે. ગોલોક આદિ ભાવજગતના લોકમાં લીલા છે, આંશિક સ્વરૂપનું એક દિવ્ય દ્વૈત પણ છે અને આવા લોકમાં અજ્ઞાન વિના આ બધું શક્ય બને છે.

 

પરંતુ આપણા આ ભૂર્લોકનું સ્વરૂપ જ એવું છે કે અહીં સર્જન અને લીલા માટે અજ્ઞાન આવશ્યક તત્વ છે. આમ હોવું એ આપણા લોકની લાક્ષણીકતા છે. પરંતુ ભૂર્લોકનું સ્વરૂપ આવું કેમ ? આવો પ્રશ્ન અતિપ્રશ્ન ગણાય છે. જે છે તે આ છે અને તે એવું છે કે આ ભૂર્લોકમા સર્જન અને લીલા માટે અજ્ઞાન આવશ્યક તત્વ છે.

 

દુ:ખનું સ્થાન:

 

અજ્ઞાનનું આવરણ ઓઢીને શિવ જીવ બને છે. પરંતુ જીવને પાછું શિવત્વ સુધી પહોંચવાનું છે અને એ યાત્રા માટે દુ:ખ એક આવશ્યક તત્વ છે. જો દુ:ખ ન હોય તો આપણી વિકાસયાત્રા થાય જ નહિ. દુ:ખ જીવને ઊર્ધ્વગતિ માટે ધક્કો મારે છે. દુ:ખ એટલે વિકાસ માટેની મથામણ. દુ:ખ એમ સૂચવે છે કે તમે જ્યાં છો ત્યાં બરાબર નથી. આગળ વધો. જ્યાં સુધી જીવ પોતાની મૂળ કેન્દ્રસ્થ ચેતના પ્રાપ્ત ન કરે ત્યાં સુધી દુ:ખ તેને ઝંપીને બેસવા દેતું નથી.ત્યાં સુધી દુ:ખ આવશ્યક છે જ અને ત્યાં સુધી દુ:ખનું સંપૂર્ણ નિવારણ શક્ય પણ નથી.

 

તત્વત: જોઈએ તો સુખ અને દુ:ખ આનંદના જ છદ્મ સ્વરૂપો છે. દુ:ખ અને સુખ એ બંને મહાચૈતન્યની આનંદલીલા છે. એની લીલાનું આ વૈચિત્ર્ય છે, એની લીલાનું આ વૈવિધ્ય છે. જેને આપણે સુખદુ:ખ કહીએ છીએ તે તો આપણું અર્થધટન છે એની આનંદલીલાનો એ પણ એક ભાગ છે.

 

કોઈ જીવ એવો સવાલ પૂછે કે ભગવાન પોતાની આનંદલીલા માટે જીવો અજ્ઞાની અને દુ:ખી બને તેવું શા માટે કરે છે ? તેમના આનંદ માટે જીવોને દુ:ખ શા માટે વેઠવું પડે ? આ સવાલ સમજના અભાવમાંથી આવે છે. તત્વત: તો જે છે તે તે જ છે. તે પોતે જ જીવ અને જગત રૂપે આવ્યો છે. તે પોતે જ આ બધું બનીને સુખદુ:ખની લીલા માણે છે. તેથી ભગવાન જીવના ભોગે આનંદલીલા માણે છે એ કહેવાનો અર્થ નથી. જીવ અને જગત, દુ:ખ અને સુખ, જ્ઞાન અને અજ્ઞાન બધાં એનાં જ રૂપો છે.

 

અજ્ઞાન અને દુ:ખ અનિવાર્ય છે ?

 

તૈત્તિરીયોપનિષદના ઋષિનું દર્શન છે:

 

आनन्दाद्दयैव खल्विमानि भूतानि जायन्ते |
आनन्दे जातानि जीवन्ति | आनन्दं प्यन्त्यभिसंवशन्तीति |
–तै. उ. ३-६

 

‘આનંદમાંથી આ સમસ્ત ભૂતો ઉત્પન્ થાય છે. ઉત્પન્ન થયેલાં આનંદથી જ જીવે છે અને આ લોકમાંથી પ્રયાણ કરીને આનંદમાં પ્રવેશ પામે છે.’

 

આત્મા મૂલત: જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે. તેથી અજ્ઞાન અને દુ:ખ આત્માના શાશ્વત સંગાથી હોઈ શકે નહિ. અજ્ઞાન અને દુ:ખ જીવનના એક તબ્બકે આવશ્યક છે પરંતુ તેઓ સદાસર્વદા અનિવાર્ય નથી. અજ્ઞાન અને દુ:ખમાંથી મુક્તિનો માર્ગ છે જ. અજ્ઞાન અને દુ:ખને જીવનના શાશ્વત સંગાથી તરીકે સ્વીકારી લેવા એ સમજનો અભાવ અને અસ્વસ્થ મનોવલણ છે. જે કોઈ તબક્કે ત્યાજ્ય હોઈ શકે છે. નાના બાળક માટે એક તબક્કે રમકડાં આવશ્યક હોઈ શકે છે. પરંતુ તે બાળક પુખ્તવયનો થતાં તેને માટે રમકડાં ત્યાજ્ય બને છે.

 
સુર્યના પ્રકાશમાં અંધકારનું વિસર્જન થાય છે. અંધકારના વિસર્જનનો આ માર્ગ છે. દુ:ખ અને અજ્ઞાનના વિસર્જનનો પણ માર્ગ છે. એ માર્ગ છે ભાગવત ચેતનામા પાછા ફરવું, અસત્યમાંથી સત્યમાં પાછા ફરવું, અંધકારમાંથી પ્રકાશમાં પાછા ફરવું અને ત્યાં સુધી દોરી જતા પથનું નામ છે–અધ્યાત્મપથ.
અધ્યાત્મપથના અનેક સ્વરૂપોમાંનુ એક સ્વરૂપ છે ભક્તિપથ.

 

 

– ભાણદેવ 

 

 

સંકલન : વિજયભાઈ ધારીઆ (શિકાગો)
સૌજન્ય : પૂર્વીબેન મલકાણ (યુ.એસ.એ)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ (શિકાગો) ના અંતરપૂર્વકથી આભારી છીએ …

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતેભાવનું સ્વાગત છે, જે અમોને પ્રેરણાદાયી બની રહે છે… !

તને આ ઘટતું નથી …

તને આ ઘટતું નથી …

– દુષ્યંતભાઈ પંડ્યા

krishna arjun sanwad.2

 

 

વિરાટ રાજાના દરબારમાંથી ગુપ્તવેશ છોડીને પ્રગટ થતાંની સાથે અર્જુને કૌરવો સાથેના યુદ્ધની તૈયારીઓ માંડી દીધી હતી. કૌરવો સાથે સમાધાનના સઘળા પ્રયત્નો વિફલ ગયા હતા. ‘અર્ધું રાજ્ય નહીં આપું, પાંચ ગામ નહીં આપું, એક ગામ તો શું, સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહીં આપું’, કહી દુર્યોધનને સમાધાન આડે બંધ વાળી દીધો હતો અને યુદ્ધ સિવાય બીજો કોઈ માર્ગ પાંડવો પાસે રહ્યો ન હતો. કુરુક્ષેત્રની રણભૂમિમાં બંને સેનાઓ સજ્જ થઈને ગોઠવાઈ ગઈ હતી અને, બેઉ પક્ષોના સૈનિકો તીરકામઠાંઓ અને ગદાઓને રમાડી રહ્યા હતા.

 

શસ્ત્ર સજ્જ થઈ રથારૂઢ થયેલા અર્જુને પોતાના સારથીને આદેશ આપ્યો : ‘બેઉ સેનાઓની બરાબર વચ્ચે મારો રથ ખાડો કરો.’ સારથી શ્રીકૃષ્ણે તેમ કર્યું. અને ત્યાં ગયા પછી, કોણ જાણે શા કારણ, અર્જુનનું પાણી ઊતરી ગયું. ‘આ બધા વડીલોને, ગુરુઓને અને કુટુંબીઓને મારીને રાજ્ય ભોગવવું તેના કરતાં ભીખ માગી પેટ ભરવું બહેતર છે’, એમ કહી, હાથમાંના ધનુષ્યનો ત્યાગ કરી, ઢીલોઢફ થઈ, નીચું મોઢું કરી એ બેસી ગયો. અર્જુનના રથનાં સારથી શ્રીકૃષ્ણ હતા અને એમના હાથમાં ચાબુક હતો જ. પણ, ઘોડાઓ માટેના એ ચાબુકને બદલે શ્રીકૃષ્ણે જોરદાર શબ્દરૂપી ચાબુક મારી અર્જુનને કહ્યું : ‘તને આ ઘટતું નથી.’ અર્જુનને શું ઘટતું નથી.’

 

આગળ કે બાજુમાં બેઠેલા પરીક્ષાર્થીની ઉત્તરવાહીમાંથી એક – માત્ર એક જ – શબ્દ જોઈ પોતાની ઉત્તરવાહીમાંથી લખનાર પાંચમા ધોરણનો કે એમ.સેસ.સી. નો પરીક્ષાર્થી હોય, શાક વેચનાર પાસે ભીંડા જોખાવ્યા પછી બે-ત્રણ ભીંડા પોતાની થેલીમાં નાખનાર કોઈ પુરુષ કે સ્ત્રી હોય, બોક્સાઈટની, કોલસાની કે બીજી કોઈ ધાતુની ખાણ બેકાયદે  ખોદનાર હોય, ટી.એ.ડી.એ. ના ખોટા બિલ રજૂ કરનાર કોઈ સરકારી કર્મચારી હોય, આયાત-નિકાસમાં ગરબડ કરી સરકારને કરોડોનો ચૂનો ચોપડનાર આગેવાન ઉધોગપતિ હોય, ચૂંટણી જીત્યા પછીના પાંચ વર્ષોના ગાળામાં કરોડપતિ બની જનાર વિધાનસભ્ય હોય : આ કે આવા કોઈને ‘તને આ ઘટતું નથી’ કહેનાર કોઈ મળતું નથી અને આપણા અંતરના અવાજને આપણે સાંભળતા નથી, સાંભળવા માંગતા નથી. એ અવાજને આપણે પૂરો ગુંગળાવી નાખીએ છીએ, આપણી પાસે અર્જુનની ધ્રુત્તિ નથી, અર્જુનનું વીર્ય નથી, એનું શૌર્ય નથી. પરિણામે આપણને કર્મયોગ બંધાતો નથી.

 

વિખ્યાત ગણિતશાસ્ત્રી પ્ર. યુ. વૈધે કવિ ન્હાનાલાલની નીતિ –પ્રિયાતાનો એક સુંદર દ્રષ્ટાંત વર્ણવ્યો છે. કવિ પોતાનું આવેક્વેરાનું ફોર્મ ભરતા હતા ત્યાં કોઈ વ્યવહારદક્ષ સંબંધી આવી પડ્યા. કવિના આવકવેરાના ફોર્મ પર નજર નજર જતાં એ દક્ષપુરુષ બોલ્યા : ‘તમે આ કોલમમાં જે ૫૦૦ રૂપિયા બતાવ્યા છે તે નાબતાવો તો ચાલે. એથી તમને ટેક્સમાં ૫૦૦ રૂપિયાનો ફર્ક પડી જશે અને સરકારનું કશું નહીં જાય.’ ઉત્તર આપતાં કવિ બોલ્યા : ‘પણ આ ન્હાનાલાલનું જશે તેનું શું ?’ અને એમણે કશો જ ફેરફાર કર્યા વિના એ ફોર્મ ભર્યા અને સરકારને વધારે આવકવેરો ભર્યો. કવિના અંતરાત્માએ કવિને કહું હતું : ‘તને એ ઘટતું નથી.’

 

‘હું અઘટિત કરી રહ્યો છું.’ એવું ભૂત અર્જુનના મનમાં ક્યાંથી ભરાઈ ગયું હશે ? અને શ્રીકૃષ્ણને મુખેથી એને પહેલો બોલ સાંભળવા મળે છે : ‘બાયલો’ .’ શ્રીકૃષ્ણના આ ચાબુક ભાઈ  અર્જુનને એવો ફટકો માર્યો કે ગીતામાં પહેલા અધ્યાયમાં વકીલની અદાથી કરેલી પોતાની બધી દલીલોને એ ભૂલી ગયો અને, શિષ્યભાવે એ શ્રીકૃષ્ણને શરણે ગયો. અને શ્રીકૃષ્ણના બોધને પરિણામે ‘અઘટિત’ કાયરતાનું પ્રદર્શન કરવામાંથી બચી એ પોતાને માટે ‘ઘટિત’ એવું ક્ષાત્રકર્મ કરવા તૈયાર થઇ ગયો.

 

અર્જુન માટે શ્રીકૃષ્ણ રથના સારથી હતા. કઠ ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે આપણી બુદ્ધિ (વિવેકબુદ્ધિ) ને આપણા જીવનરથના સારથીને સ્થાને બેસાડી દઈએ પછી, આપણાથી કશું અઘટિત થવાનો સંભવ નથી. વિષમ પરિસ્થિતિમાં – આ શબ્દો પણ ગીતાના બીજા અધ્યાયની શ્રીકૃષની પહેલી જ ઉક્તિમાં આવે છે – પણ આપણે આપનો ‘ધર્મ’ છાંડીશું નહીં, જેનો શોક કરવા જેવું નથી તેનો શોક કરીશું નહીં, વકીલની  માફક ખોટો બચાવ કરીશું નહીં કારણ, આપણા મનમાં દ્રઢ ખાતરી છે કે, ફરજ બજાવવાની આ પળે કશી નિર્બળતાને સ્થાન નથી.

 

અર્જુન માટે પોતાના પિતરાઈઓ, વડીલો, ગુરુઓ, સ્વજનો સાથે લડવા માટે હથિયાર ધારણ ન કરવાં એ ‘અઘટિત’ હતું તો, અંગ્રજો સામે લડવા માટે હથિયાર લેવાં એ કૃત્યને ગાંધીજી ‘અઘટિત’ ગણાતા હતા. અર્જુને હથિયાર હેઠાં મૂક્યાં એમાં ‘ક્લૈબ્ય’ લાગતું હતું. અર્જુન મારીને વિજયી થયો હતો. ગાંધીજી મટીને વિજયી થયા હતા. ‘અઘટિત’ કૃત્ય નથી, કૃત્ય પ્રત્યે જોવાની દ્રષ્ટિ છે.

 

 

(રા.જ. ૧-૧૦(૧૭-૧૯)/૪૬૭-૬૯)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું સ્વાગત છે, જે સદા અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.

હિન્દુધર્મમાં સૂર્યદેવ …

હિન્દુધર્મમાં સૂર્યદેવનું સ્થાન અને તેમના નામનો મહિમા …

 

sun

 

હિન્દુ ધર્મના પંચદેવોમાં સૂર્યદેવ પણ શામિલ છે. સૂર્યને પ્રત્યક્ષ દેવતા પણ માનવામાં આવે છે. સંપૂર્ણ જગતની પ્રાણશક્તિ હોવાથી તેઓને જગતપિતા પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર સૂર્યને મહર્ષિ કશ્યપ અને અદિતિના પુત્ર માનવામાં આવ્યા છે. તેઓ પોતાની માતાના નામ પરથી આદિત્ય તરીકે ઓળખાયા.

 

શાસ્ત્રો પ્રમાણે સૂર્યદેવને બે પત્ની છે સંજ્ઞાદેવી અને છાયાદેવી. તેમાંથી શનિ અને તાપી તે છાયાદેવીના સંતાનો અને યમ અને પુત્રી યમુના તે સંજ્ઞાદેવીના સંતાનો છે. શ્રી સૂર્યદેવના આ ચારે સંતાનો પૂજનીય દેવી-દેવતા છે. સંકટમોચન શ્રી હનુમાનજીના ગુરુ પણ સૂર્યદેવ માનવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ પ્રમાણે આ દિવસથી જ સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી દિવસો મોટા થવા લાગે છે આથી મકરસંક્રાંતિને શુભ ઘડી માનવામાં આવે છે.

 

શાસ્ત્રોમાં સૂર્ય નામોનું સ્મરણનું ઘણુ મહત્વ બતાવવામાં આવ્યું છે. ઉપનિષદ અને વેદોએ સૂર્યદેવના ત્રેવીસ નામોને જગતકલ્યાણ માટે ઉજાગર કર્યા છે. ધાર્મિક દ્રષ્ટિએ સૂર્યની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આ ત્રેવીસ નામોનું સ્મરણ કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. શ્રી સૂર્યદેવના આ ત્રેવીસ નામ આ મુજબ છે.

 

-ભાસ્કર

-ત્રિલોકેશ- ત્રણેય લોકને ઉજાગર કરનાર

-સ્નેહરશ્મિ

-તાપન

-લોકસાક્ષી

-લોક ચક્ષુ

-તપન

-રવિ

-શુચિ પાવન

-લોક પ્રકાશન

-શ્રીમાન

-આદિત્ય

-કર્તા

-ગૃહેશ્વર

-હર્તા

 

 

-બ્રહ્મા-બ્રહ્માજીના ૧૨ પ્રકાર શાસ્ત્રોએ બતાવ્યાં છે. જેમાં મૂળ પિતા બ્રહ્માજી એ વેદોને ધારણ કર્યા છે તેઓ ત્રિમુખી છે.

 

-ગભસ્થિહસ્ત-જેના કિરણરૂપી હાથ છે તે

-તમિસ્ત્રહા- જે અંધારાનો નાશ કરનાર છે તે

-સપ્તાશ્વવાહન- જે સાત ઘોડાના વાહન ઉપર બેસે છે તે

-વિવસ્વાન- જે સ્વયં તેજરૂપ થઈ અન્યને પણ તેજોવાન બનાવે છે તે

-માર્તંડ

-સર્વદેવનમસ્કૃત

 

 

શ્રી સૂર્યદેવની ઉપાસનાથી શક્તિ, સિદ્ધિ, સ્વાસ્થ્ય, સન્માન, યશ, ઐશ્વર્ય અને આત્મીય સૌંદર્યની પ્રાપ્તિ થાય છે. આપણાં શાસ્ત્રોએ પણ કહ્યું છે કે સવારે ઊગતો અને સાંજે આથમતાં સૂર્યનું જે ભક્તિભાવ રીતે પૂજન કરે છે તે વ્યક્તિના બળ, બુધ્ધિ અને તેજમાં વધારો થાય છે.

 

 

પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન મલકાણ નાં અંતરપૂર્વકથી આભારી છીએ …

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે., જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.

માપદંડ …

માપદંડ …

પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા  …

 

 

તુલસી, મીરાં, સુરદાસ, કબીર- આ ચાર સાધકનાં નામ ભારતમાં ચારે ય પ્રદેશમાં માણસો એક અવાજે ઓળખે છે. તેમની વાતો શું આજકાલની છે ? તેમના વિષે માણસોએ મુખે-મુખેથી કેટલી બધી વાર્તાઓ વહેતી મૂકી છે ! તેમના સાધક  જીવનનું અનુપમ વૃત્તાંત અવશ્ય આંખની આડશે પડી રહ્યું છે.  મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે તેમનો મહિમા જાણવા – સમજવા ઈચ્છે છે.  આ પુણ્યલોક નામમાં ધર્મની સમન્વયવાણી – ભારતની ઉદાર ધર્મભાવના રહેલી છે.

 

શ્રી રામચંદ્રના ઉપાસક તુલસીદાસ – જેમની રામાયણ આજે પણ ઉત્તર ભારતમાં ઘરે ઘરે મનુષ્યનાં હૃદય-મનને મુગ્ધ કરે છે. મીરાંબાઈ રાજસ્થાનનાં રાજકૂળવધૂ – તેમનાં ભજનોમાં ભગવાનને પામવાનો પરમ પ્રેમ અને ભક્ત-હૃદયની સંપત્તિ જોવા મળે છે. અંધ કવિ સુરદાસ બાલકૃષ્ણના સેવક હતા. તેમના કૃષ્ણભક્તિનાં વાત્સલ્યપૂર્ણ પદો નાયકોનાં કંઠે આજે પણ ગવાય છે. કબીર નિરાકાર સાધક હતા. તેમનાં ભજનમાં ‘ચૈતન્ય જાગી ઉઠે’ – ચૈતન્યસ્વરૂપ – જ્યોતિસ્વરૂપ પરબ્રહ્મની ઝાંખી મળે છે.

 

આધ્યાત્મ ભાવ જગતમાં એમના પ્રદાનની કોઈ તુલના ન થઈ શકે.  તુલસી, મીરાં અને સુરદાસ. આ ત્રણ શક્તિઓ માટે કેટકેટલી વાર્તાઓ છે. એ બધી વાતોની ઐતિહાસિક ખરાઈ વિશે ન વિચારીએ તો પણ માનસમાં અધ્યાત્મ ભાવનું સિંચન થાય છે. આ વાર્તામાં એવો જ એક પ્રસંગ વર્ણવું છું. જેમાં એક સુવિખ્યાત ઐતિહાસિક ચરિત્ર પણ સંકળાયેલું છે.

 

એક દિવસ મંત્રી બૈરામખાં અને સમ્રાટ અકબર એકાંતમાં બેસીને વાતચીત કરે છે. અકબરના  મનમાં હિન્દુ સાધકો માટે કેટલીય જિજ્ઞાસા અને કુતૂહુલ રહેતું. ધર્મની સાંકળી સીમાને તેમણે ઓળંગી હતી. અકબરે બૈરામખાંને પૂછ્યું: અચ્છા, તુલસીદાસ અને સુરદાસ બંને મહાન સાધક. પરંતુ તમને કોણ વધારે ઉચ્ચ કોટિના લાગે ?

 

બૈરામખાં ચૂપ રહ્યા. તેમની બુદ્ધિ ઊંડી અને અગાધ હતી. તેથી એટલી સહેલાઈથી મત આપે નહિ. બૈરામખાં આસ્તેથી બોલ્યા : મહારાજ, એ લોકો તો અધ્યાત્મ જગતના મહાનુભાવો, તેમને સમજવાની આપણા જેવા માણસની શક્તિ નથી. તેથી તેમના વિષે કોઈ પણ જાતનો સ્પષ્ટ મત બાંધવો મુશ્કેલ. તો પછી મહારાજ તેઓને આમંત્રણ આપીને આંખ-કાનનો વિવાદ દૂર કરોને.

 

– તેઓ શું આમંત્રણ સ્વીકારશે ?

 

– સાચો પરિચય આપ્યા વિના બંનેને લઇ આવો.

 

ગુપ્ત રીતે વ્યવસ્થા કરવામાં આવી. બંને સાધકોને તેડવા એક એક પાલખી મોકલી. પાલખી માર્ગ પર ચાલે છે. ત્યાં અચાનક એક આકરી ઘટના ઘટી – એક ગાંડો હાથી તે માર્ગ પર દોડયો આવે છે. થોડીવારમાં તો તે માર્ગ પર સૂનકાર છવાઈ ગયો. પાલખી ઉપાડનારા શ્રમિકો પાલખી મૂકી નાસી છૂટ્યા.

 

હાથી દોડયો આવે છે, ત્યારે પાલખીમાંથી અંધ સાધક સુરદાસ પોતાના બંને હાથ છાતી સરસા ચાંપીને દોડવા લાગ્યા. આંખની દ્રષ્ટિ નથી. તેથી થોડેક દૂર ગયા ત્યાં ઠેસ આવતા પડી ગયા.  હાથી તેમની ઉપેક્ષા કરી આગળ ચાલ્યો ગયો.  વળી બીજી એક પાલખી સામે હતી, પાગલ હાથીએ સૂંઢ ઊંચી કરીને અવાજ કર્યો – જાણે સાવધાન કરે છે !  મૂહર્તમાં પરંતુ દ્રશ્ય બદલાયું. પાલખીની અંદરથી સાધક તુલસીદાસ બહાર આવ્યા. સુંદર સુડોળ દેહ !  હાથીની સામે કોઈ અસ્ત્ર વિના સલામ કરી અને પાછા પગલે પગલે ચાલ્યો ગયો.  હાથી શાંત થઈને પોતાના માર્ગે ચાલ્યો ગયો. હવે તેનામાં કોઈ જોશ કે ઉન્મત્તતા ન હતી.

 

દૂરથી ભયભીત પ્રજા આ બધું જુએ છે. પ્રત્યક્ષદર્શી સેવકોએ અકબરને આ સમાચાર આપ્યા. ત્યારબાદ બંને સાધકોને પરમ આદર સત્કારથી બોલાવ્યા. બંને પોતપોતાની કુટિરમાં પાછા ફર્યા. અહીં જ વાર્તા સમાપ્ત થતી નથી. પરંતુ બૈરામખાંના મનમાં કેટલાય પ્રશ્નો હતા. આ બનેલ ઘટના શું દર્શાવે છે ? નવાબ બોલ્યા :  વિચાર તો માર્ગમાં જ સમાપ્ત થયો છે.  હવે તર્કવિતર્કની શી જરૂર છે ?

 

– ના, જહાંપના, મહાપુરુષોનો વિચાર તો મહાપુરુષ જ સમજી શકે. સામાન્ય માણસ ન સમજી શકે.

 

– પરંતુ ,મહાપુરુષ આપણને મળશે ક્યાં, બૈરામખાં ? મહાપુરુષ મારી જાણમાં છે પરંતુ તેઓ એક મહિલા છે. રાજરાણી મીરાંબાઈ.

 

– વ્યવસ્થા કરો. સંદેહનું સમાધાન કરવું સારું.

 

– કઠણ સમસ્યા છે. આપણે બંનેએ વૈષ્ણવભક્તનો વેષ ધારણ કરવો પડશે.

 

– ચિંતા શા માટે કરો છો ?  આપણે છૂપા વેષે મીરાંબાઈ પાસે જઈશું.

 

કઈ રીતે તેમનાં દર્શન થશે ખબર નથી. તેઓએ અસાધ્ય સાધન અપનાવ્યું અને મીરાંબાઈનાં દર્શન પામ્યા. મીરાંબાઈને નિહાળીને બંને સ્તબ્ધ થઇ ગયા. આ તો જાણે મર્ત્યલોકની દેવી !

 

વિનતી કરીને તેઓએ કહ્યું : આમે એક વિશેષ સમસ્યા લઈને આવ્યા છીએ.

 

કહો.

 

પહેલા ઘટના સાંભળો. તુલસીદાસ અને સુરદાસમાં કોણ શ્રેષ્ઠ ?

 

બંનેને મીરાંબાઈએ પ્રણામ કર્યા અને બોલ્યા : બંને મારા પ્રણામ અને પૂજાને પાત્ર છે. નાનાં મોટાં એવો કોઈ ભેદ મને દેખાતો નથી. તે વિશે વિચારવાનો મારો કોઈ અધિકાર પણ નથી.

 

ત્યારે તેઓએ તે દિવસની ઘટના કહી સંભળાવી. મીરાંએ ધ્યાનપૂર્વક વાત સાંભળી. ત્યારબાદ બોલ્યા :

 

– તેઓ બંને પોતપોતાના ભાવમાં શ્રેષ્ઠ છે.

 

– કઈ રીતે ?

 

– આપે તો બાહ્ય ઘટના જોઇને જ મત આપ્યો છે. પરંતુ આપે તો આંતરિક ભાવને નિહાળ્યા નથી. સુરદાસ હતા બાળકૃષ્ણના સાધક. તેમનો વાત્સલ્યભાવ તેઓએ હાથી આવે છે એમ સાંભળીને, કોમળ બાળકૃષ્ણ ભયભીત થશે તેથી તેને લઈને જલદીથી સ્થળ છોડવું હિતાવહ માન્યું. તેથી તેઓ બાલકૃષ્ણને બંને હાથમાં પકડીને દિકશૂન્ય થઈને દોડવા લાગ્યા. બીજી બાજુ વીર કિશોર રઘુવીરના ઉપાસક તુલસીદાસ તેથી વિપત્તિના સમયમાં તેની અંદર તે નિર્ભય કિશોર ઊભો થઈ હાથી સામે નિર્ભયતાથી ઊભો રહ્યો. વાસ્તવમાં સાધક તો ઇષ્ટમય. ભાવના રાજ્યમાં નાનો મોટો એવો કોઈ ભેદ ક્યાં છે ? માથું નમાવી અકબર અને બૈરામખાં પાછા ફર્યા. પરંતુ બંને અંતરથી ખૂબ રાજી થયા કે તેમને સાચો જવાબ મળ્યો છે.

 

 

(અનુ. કુસુમબેન પરમાર)
(રા.જ.૧-૧૦/(૩૮-૩૯)/૪૮૮-૮૯)

 

 

બ્લોગ લીંક : http//das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું સ્વાગત છે, જે સદા અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.

|| શિક્ષાપત્ર ૧૮મું || અને (૧૯) જસોદા હરિ પાલનૈ ઝુલાનૈ (પદ) …

|| શિક્ષાપત્ર ૧૮મું ||

 

 

આજના અઢારમું શિક્ષાપત્ર વિશે વિચારતા પહેલા, આપણે ગતાંકમાં જોઈ ગયેલ … ૧૭મું શિક્ષાપત્ર  તરફ થોડુ ધ્યાન  કરી લઈએ …

 

 

pushti prasad 19

 

 

શ્રી હરિરાયજી આચાર્ય ચરણ, સત્તરમાં શિક્ષાપત્રને નિરૂપિત કરતાં આજ્ઞા કરે છે.“જીવનથી ભાગશો નહિ, અને લાંબુ જીવન ભોગવવામાં પડશો નહિ.” ભોગ વિલાસમાં એકાગ્ર રહીને, જીવતા જીવે, નરકનો અનુભવ કરવાની જરૂર નથી. આપણે સૌ પુષ્ટિ જીવ છીએ. શ્રી પ્રભુના કૃપાપાત્ર જીવ છીએ. આપણે તો, કેવળ-ફક્ત સર્વ ઇન્દ્રિયો અને વૃત્તિઓને, પ્રભુગામી બનાવી, પ્રભુને સમર્પિત કરી, પ્રભુદ્વારા પ્રાપ્ત થતો, ને થનાર, સ્વરૂપાનંદનો આસ્વાદ માણવાનો છે.

 

 

શિક્ષાપત્ર સત્તરમાં, સારા અને સાચા વૈષ્ણવ, વૈષ્ણવી જીવ અને જીવન માટે શ્રીમદ્દ આચાર્યચરણ શ્રી મહાપ્રભુનો દ્રઢ આશ્રય અતિ આવશ્યક છે. શ્રી મહાપ્રભુજી રચિત ગ્રંથો-વચનામૃત –વાણીનું સતત મનન ચિંતન એજ શ્રી પરભુ પ્રાપ્તિ માટેનું સાધન બાદ છે. વૈષ્ણવી જીવન જીવવા માટે અવ્યાવૃત્તિ પૂર્વક સેવા-સ્મરણ જરૂરી તથા વ્યાવૃત્તિ સાથે સેવા-સ્મરણ તથા શ્રી હરિ, ગૂરૂ અને વૈષ્ણવ પ્રત્યેનો વિવેક જાણી – સમજી – વિચારી વર્તન અતિ આવશ્યક છે. હંમેશાં સ્વસુખ માટે નહિ વિચારતા શ્રી હરિ, ગુરૂ અને વૈષ્ણવના સુખનો જ વિચાર કરતાં સર્વ લૌકિક કાર્ય કરવા. સૌ સાથે દીનતા, પ્રેમ સહિત જીવન જીવો. મુખત્વે કળયુગનાં બાધક અંગદોષ, અન્નદોષ અને કળિકાળ દોષથી દૂર રહીને દીનતા પૂર્વક હરિ, વૈષ્ણવની સેવા માટે તત્પરતા દર્શાવવી.

 

 

અઢારમું શિક્ષાપત્ર સત્તર શ્લોકથી અલંકૃત છે. પ્રથમ શ્લોકમાં જ કહેવાય છે કે, ‘કાલ:સ્વકાર્ય કુરુતે ન જાનાતિ જનોયત:’ હાલ પોતાનું સ્વકાર્ય-કામ કરે છે તે જીવને ખબર પડતી નથી. તેથી નિત્ય, હંમેશા શ્રી પ્રભુની સેવામાં, અભિગમ એ, તમામ વુત્તી રાખી, જીવન જીવવાનો અભિગમ રાખવો અતિ જરૂરી છે.

 

 

ભગવદીયોએ કેવળ-ફક્ત ઉદરભરણાર્થ કાર્ય કરવામાં બધો સમય વ્યતિત કરવો એ યોગ્ય નથી. ભગવદીયોએ ભગવદ્દ વિરહ ભાવના અનુભવવી જોઈએ. પોતાના શ્રીપ્રભુના તત્સુખ માટે. એનકેન પ્રકારે પ્રપંચને –જગતને-સંસારને ભૂલી જઈ શ્રીકૃષ્ણ –શ્રીપ્રભુને હૃદયસ્થ કરવા પ્રયત્નશીલ રહેવું. શ્રીમદાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુંસાઈજી અને શ્રી સ્વામિનીજીમાં જ ભગવદ્દ બુદ્ધિ રાખવી. શરણના અને સેવાના પ્રકારમાં કાળ અતિ બાધક હોય એ જીવ જાણતો નથી. અજ્ઞાત છે. તેથી અનેક પ્રકારના પ્રમાદી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. આત્મા સંબંધી, ભગવદ્દધર્મ, સેવા સ્મરણ કીર્તન, વાર્તા, કથામાં મન-ચિત્તને પરોવતો નથી.

 

પુષ્ટિમાર્ગીય ભગવદીયે વિશ્વાસ રાખવો અતિ આવશ્યક છે. અતિ જરૂરી છે કે, કૃપાનિધિ શ્રીપ્રભુ પોતાના સેવકનાં પોષણ જરૂ કરશે જ અને આજ વિષયવાતનો વિચાર શ્રીમદ્દ આચાર્યચરણે નવરત્ન ગ્રંથમાં વર્ણવેલ છે. તેજ અત્રેના ત્રીજા શ્લોકથી નિરૂપિત કરાય છે.

 

“ચિંતા કાપિન કાર્યેતિ પ્રભુ વાક્યં વિચિંત્યતામ | એક આશ્રય શ્રીપ્રભુનો મનમાં રાખવો. જીવ, બુદ્ધિથી ચિંતા ન કરવી.

 

અજ્ઞાનથી અથવા જ્ઞાનથી, અજાણતાથી કે જાણીને પણ વૈષ્ણવ જીવ શ્રીપ્રભુનું સ્મરણ કરે. પ્રભુ નામ દેવામાં સફળ થાય તો જીવનના સકળ દોષ ભસ્મ થઇ જાય છે. નાશ થઇ જાય છે.

 

કૃષ્ણં ગૂઢં સદાનંદં તથા લીલાયુતં સદા !
રસં સ્વસમનામાનં ભક્તભાવત્મકં પુન: ||૬||

 

 

કૃષ્ણ ગુઢ છે. સદાનંદ, લીલાયુક્ત છે. સ્વરૂપને સ્વમાનવાળા તથા ભક્તના ભાવાત્મક છે તથા તે યશોદાના લાડીલા – યશોદોત્સંગ લાલિતં – મુગ્ધ ભાવોથી ભરેલા મુગ્ધભાવસમાવૃતમ છે. પ્રપંચતા વૈરી છે. સંસારના લૌકિક એવા બાધક કારણોના નાશ કરનારા છે. જીવમાં કૃષ્ણ – શ્રીપ્રભુ ભક્તનાં હૃદયમાં પ્રવેશ કરી કામ, ક્રોધ, મદ, લોભ સેવ દોષને દૂર કરે છે અને જ્યારે આ દોષો દૂર થયેલા અનુભવાય ત્યારે જીવે જાણવું કે શ્રીહરિ, શ્રીપ્રભુ હૃદયમાં અવશ્ય પધાર્યા. શ્રીકૃષ્ણ શ્રીમદાચાર્યજીના હૃદયરૂપી શેષ શૈયામાં પોઢી રહ્યા છે અને વ્રજભક્તોની સાથે રમણ કરવામાં તત્પર હોવાથી ભાવરૂપી અનંત રૂપોને સ્વરૂપોને ધારણ કરે છે. આમ નવમ શ્લોકથી કહેવાય છે તથા દસમાં શ્લોકમાં કહે છે કે, ભ્રમર પંક્તિના વેગવાળી રોમપંક્તિથી તે –શ્રીપ્રભુ અત્યંત શોભિત છે. અત્યંત શોભે છે.  શ્રીપ્રભુનું વદનકમળ સદા પ્રસન્ન રહે છે.  શ્રી પ્રભુની આંખો – નેત્રો દયારસથી-કરુણારસથી સભર હોય છે અને

 

 

બર્હિપિચ્છશિરોભૂષં શ્રુંગારરસ રૂપિણામ |
એવં વિદ્યાનંતગુણં વિદ્યાય હૃદયે સદા ||૧૧||

 

 

શિર ઉપર બર્હિએટલે મયૂરી, મયૂર પિચ્છ્નો મુકુટ ધારણ કર્યો છે. શ્રુંગારરસનું રૂપ પ્રકટ કર્યું છે. એવા અનંત ગુણોથી પૂર્ણ શ્રીકૃષ્ણને હૃદયમાં વારંવાર ધારણ કરવા, ચિત્તમાં સ્મરિત કરવા.

 

 

જીવ એ પોતાનો ધર્મ -પોતાના કર્મ સમજી, શ્રી સેવા કરવી જોઈએ અને તેમાં ભોગ, ફળ, સુખ કે પ્રતિષ્ઠાની ભાવના ન રાખવી. ‘નફ્લાર્થ’, નભોગાર્થ’, ‘ન પ્રતિષ્ઠાપ્રસિધ્ધયે’ શ્રીજી સેવા હંમેશ હંમેશ હૃદયના શુદ્ધ, સાત્વિક, સ્નેહ ભાવથી નિ:સ્વાર્થથી કરવી એજ પુષ્ટિ જીવનું આત્મ કલ્યાણ કર્તવ્ય છે. આજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો ધર્મ છે.

 

 

વૈષ્ણવ જે સેવા કરે તે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના પુષ્ટિમાર્ગની રીત છે, તે પ્રમાણે જ કરે. મન કલ્પી સેવા ન કરે. કોઈ પણ કાળે, કોઈ પણ સંજોગોમાં ભૂલથી પણ અન્ય માર્ગની રીતથી સેવા ન કરે. દુર્ભાવથી સેવા ન કરે, લૌકિક કાર્ય જાણી સેવા ન કરે. સેવા કરવા ખાતર સેવા ન કરે. સેવા ફરજ છે એ સમજી સેવા ન કરે તેમજ અશ્રધ્ધાથી સેવા ન કરે.

 

 

પરંતુ પ્રિતીપૂર્વક, સ્નેહપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, દીનતા પૂર્વક, ભાવપૂર્વક સર્વોપરિ પરમફળ જાણી ને શ્રીજી સેવા કરવી. પુષ્ટિવૈષ્ણવ આજ પ્રમાણે ભગવત્સેવા કરે.

 

 

પરમ ને પ્રથમ તત્વ શ્રીયશોદોત્સંગ લલિત છે. શ્રી આચાર્યનું મહાપ્રભુજી બિજુતત્વ, શ્રીગુંસાઈજી (શ્રીવિઠ્ઠલનાથજી) ત્રીજા તત્વ અને અસ્મત્સ્વામિનીજી (વ્રજભકત) ચતુર્થ તત્વ. આ ચાર પરમ તત્વો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવી જીવો જોવા, જાણવા અને માનવા.

 

 

સોળમાં શ્લોકમાં નિરૂપિત છે કે, જો અન્ય અધિકારી-લાયક-જીવ-પુષ્ટિવૈષ્ણવ મળે અને શ્રદ્ધાથી પોતાની ઈચ્છાથી પૂછે, ચિત્ત રાખીને સાંભળે તો તેને જ ઉપદેશ કરવો. પોતાની ઈચ્છાથી સામે ચાલીને વૈષ્ણવી વાત ન કહેવી કે કરવી. આ સર્વોપરિ સિદ્ધાંત છે. અધિકારી પાત્ર વિના ભગવદ્દરસ ઠરે નહિ એમ જાણી બીજાની આગળ ભગવદ્દવાત કહેવી નહિ.

 

 

અન્યેઙ્પિ ચોપદેષ્ટવ્યા યદિ સ્પુરધિકારિણ: |
મિલતિ સ્વેચ્છયા શ્રધ્ધાયુતા: પૃચ્છંતિ ચેત્તાદા ||૧૬||

 

 

અને સત્તરમાં શ્લોકમાં

 

 

જીવનત્પરતાસિધ્ધૌ કૃપાલુસ્તેષુ તુષ્યતિ |
યથા વિષયિણાં તોષો દુતિકાસુ તથા હરે: ||૧૭||

 

 

જો જીવની ભગવત્પતા સિદ્ધિ હોય તો દયાળુ પ્રભુ આવા ભગવદ્દઆર્તિ કરનારા ઉપર પ્રસન્ન થાય છે. જેમ કામી પુરુષોનો સંતોષ દુતી દર્શન ઉપર પ્રસન્ન થાય છે તેમ ભગવદ્દવાર્તા કરનાર ભક્ત ઉપર શ્રીહરિ પ્રસન્ન થાય છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પુષ્ટિમાર્ગમાં તત્પર હોય તો ફળ સિદ્ધ થાય. પ્રભુ કૃપાળુ છે. જેથી ભક્તો ઉપર સંતોષ પામે છે. પ્રસન્નતા દર્શાવે છે. શ્રી ભગવાન પોતાની અનન્યાતા જોઇને અતિ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થી પોતાનાં સેવકનાં સઘળા કાર્ય પૂર્ણ કરે છે. સદા કૃપા કરે છે. પ્રતિબંધો દૂર કરી ફળ આપે છે.

 

 

આજ પુષ્ટિ સિદ્ધાંત છે. જીવે પેટ ભરવાની ચિંતા છોડી સેવાસ્મરણ કરવા. પેટ ખાતર ધર્માચરણ ન કરવું. આપણી સર્વ પ્રવુત્તિ ભગવત સેવા અને ભગવત સુખના વિચારોથી કરવી. સેવા આજીવન સ્વધર્મ સમજી સદા કરવી. સેવાફ્ળ માટે, ભોગ માટે, સુખ, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે ન કરવી. સેવા મન કલ્પિત પ્રકારે કે ખરાબ મનથી, ખરાબ ભાવથી ન કરવી.

 

 

આમ આ ૧૮મા શિક્ષાપત્રમાં શ્રી મહાપ્રભુની આજ્ઞા પ્રમાણેનું વૈષ્ણવની જીવન જીવવાની રીત પ્રિતથી શ્રી હરિરાયચરણે નિરૂપિત કરેલ છે.

 

 

સાચી જાણકારી માટે અવશ્ય શિક્ષાપત્ર ગ્રંથનું વાંચન, મનન, ચિંતન શ્રદ્ધાથી કરવું અતિ આવશ્યક છે. જેથી શ્રીજી પ્રત્યે ભાવ સેવા દ્રઢ થાય.

 

 

લેખક સંકલન-વ્રજનિશ શાહ  BOYDS-MD-U S A

[email protected]
[email protected]

 

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ …… પૂર્વી મોદી મલકાણ – (યુ એસ એ..)

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૧૯) જસોદા  હરિ પાલનૈ ઝુલાનૈ (પદ) …

કવિ- સૂરદાસજી

 

bal krishna

 

 

જસોદા  હરિ પાલનૈ ઝુલાનૈ

હલરાવૈ, દુલરાઇ મલ્હાવૈ, જોઇ સોઇ  કછુ ગાવૈ.

મેરે લાલકૌં આઉ નીંદરિયા, કાહૈં ન આનિ સુવાવૈ.

તૂ કાહૈં નહિં બેગહિં આવૈ, તોકો કાન્હ  બુલાંવૈ.

કબહક પલક મુંદિ લેત હૈં, કબહુ અધર ફરકાવૈ.

સોવત જાનિ મૌન હ્ વૈ રહિ, કરિ કરિ સૈન બતાવૈ..

ઇહિં અંતર અકુલાઇ ઉઠે હરિ, જસુમતી મધુરૈં ગાવૈં.

જો સુખ “સુર” અમર–મુનિ દુરલભ, સૌ નંદ ભામિની પાવૈ.  

 

 

જશોદા બાલકૃષ્ણને પારણામાં ઝુલાવી રહી છે. એને હિંચોળે છે, વહાલથી પસવારે છે એને સૂતેલો જોઇ કંઇક કંઇક ગાય છે અને કહે છે કે હે નીંદરડી મારા લાલની પાસે તું આવ. તું આવીને કેમ એને સૂવડાવતી નથી. તું કેમ જલદી જલદી નથી આવતી ?  હે નીંદર તને મારો કાન્હો બોલાવે છે. ક્યારેક હરિ આંખો બંધ કરી લે છે. ક્યારેક હોઠ ફફડાવે છે. તેમને સૂતા સમજીને મૌન રહીને ઇશારાથી બતાવે છે. એટલામાં તો હરિ વ્યાકુળ થઇ ઊઠે છે અને જશોદા ફરી મધુર ગીત ગાવા લાગે છે. “સુરદાસજી” કહે છે કે જે સુખ દેવતાઓ અને મુનિઓને પણ દુર્લભ છે, તે સુખ નંદ—ભામિની પામી રહી છે.  

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

પુષ્ટિદર્શન રસ સાગરને આધારિત….

 

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

શ્રીમદ્ ભગવદ્દ ગીતા ….

‘શ્રીમદ ભગવદ્દ ગીતા’ …

– સ્વામી રંગનાથાનંદ

 

republic day.back ground

પ્રજાસતાક દિનના શુભપર્વ પર, સર્વે દેશ – વિદેશના  પાઠક મિત્રો તેમજ તેમના પરિવારને   ‘દાદીમા ની પોટલી’  પરિવાર તરફથી શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ …

 

 

 

 

ભારત આજે મહાસત્તા તરફ પ્રગતિના રસ્તે અગ્રેસર થઈ રહ્યું છે. અનેક આંતરિક અને બાહ્ય પડકારો વચ્ચે, અનેક ક્ષેત્રોમાં આ કોટિ કોટિ બાહુઓ તજજ્ઞતાથી પોતાનું યોગદાન આપી રહ્યા છે. પ્રજાસત્તાક દિનના ગૌરવને વધાવતાં ….  મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્દ ભગવદ્દ ગીતા દ્વારા  આપવામાં આવેલ શીખને  જાણીએ …..

 

 

જગતમાં અહિંસાનો મોટામાં મોટો પ્રયોગ કરનાર મહાત્મા ગાંધી હતા. એમના જીવનમાંનો એક અદ્દભૂત પ્રસંગ છે. યુ.પી. ના એક ગામડા પર પોલીસોએ હલ્લો કર્યો. સત્યાગ્રહના કાળમાં ત્યાં પોલીસે આંતક મચાવ્યો. ત્યાંની સ્ત્રીઓ પ્રત્યે પોલીસે ગેરવર્તાવ કર્યો. કોઈએ કશો જ વિરોધ ન કર્યો. ત્યાં તપાસ સમિતિ ગઈ તો એને જવાબ મળ્યો : ‘ગાંધીજીએ અમને અહિંસા પાડવાનું કહ્યું છે એટલે, અમે શાંત રહ્યા. અમે પ્રતિકાર ન કર્યો.’ ગાંધીજીએ કહ્યું. ‘ આ શબ્દો સાંભળી મારું માથું શરમથી નીચું નમી ગયું. તમારી સ્ત્રીઓની આબરૂનું રક્ષણ પણ તમે ન કરી શક્યા ? અહિંસાને નામે તમે કાયરની જેમ વર્ત્યા ! એ અહિંસા છે ? હું બહાદુરોની અહિંસાનો બોધ દઉં છું, કાયરની નહીં.’ એટલે, તમારું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, અનિષ્ટનો સામનો કરવો પડે એવા સંજોગો જીવનમાં આવે છે. એટલે, આજના સમયમાં જેને શાંતિવાદ (પેસિફિઝમ) કહેવામાં આવે છે તેને, હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં સ્થાન નથી; કોઇપણ સંજોગમાં ‘હું સામનો નહીં કરું;’ આપણી વિચારણામાં આ શાંતિવાદને સ્થાન નથી. જે મુઠ્ઠીભર માણસો ખડા રહી શકે તેમને માટે એ છે. બીજા સૌ માટે, એવા પ્રસંગ આવે ત્યારે, તમારે શાંતિપૂર્વક કે, બળ વાપરીને પણ, સામનો કરવો પડે છે – એમાં આક્રમણ નથી, મનુષ્ય જીવનની એ તાતી જરૂરિયાત છે.

 

મારી પ્રવચનયાત્રા અંગે હું (સ્વામી રંગનાથાનંદજી) અમેરિકા હતો ત્યારે, ત્યાં યુવાન અમેરિકાનો વિયેતનામ યુદ્ધ સામે જોરથી વિરોધ કરતાં હતાં; ‘એ યુદ્ધ દુષ્ટ છે; અમેરિકાએ એમાં પડવાની કશી જરૂર નથી.’ આમ એ લોકોએ વિરોધ કરીને, વિયેતનામમાંથી નીકળી જવા અમેરિકાને ફરજ પાડી. એ અદ્દભૂત હતું ! પરંતુ, હિટલરની નાઝી વિચારધારા સામેના યુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારે, એક પણ અમેરિકને વિરોધ ન કર્યો હતો. એ વિચારસરણી ભયંકર હતી; માનવ આત્માનો ધ્વંસ કરનારી. ગયા વિશ્વયુદ્ધમાં એનો વિજય થયો હોત તો, માનવજાત ઘણી વામણી બની હોત. એટલે, બળવાન બનતી જતી એ દુષ્ટ ફિલસૂફીના નાશ સામે કોઈને વાંધો ન હતો.

 

તો પાછા મહાભારત યુગમાં જાઓ. જાહેરમાં દ્રૌપદીનાં વસ્ત્રોનું હરણ કરવા સહિતનાં, કેટલાં દુષ્કૃત્યો કૌરવોએ કર્યા હતાં ! જે નૈતિક મૂલ્યોને એ ધારણ કરતા હતા તેમની મર્યાદાને લઈને તેમણે (પાંડવોએ) અનેક અપમાનો સહન કર્યા હતાં; હવે એમની સહનશક્તિની હદ આવી ગઈ હતી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધ્યેય શાંતિ છે એમ મહાભારતમાં વારંવાર ઠોકી ઠોકીને કહેવામાં આવ્યું છે. પ્રત્યેક રાજ્યે યુદ્ધ નહીં પણ શાંતિ અપનાવવી જોઈએ. તમારે માથે આવી ન પડે ત્યાં સુધી, કોઇપણ ભોગે યુદ્ધથી આઘા રહો – આ મહાભારતમાં અને ગીતામાં ઓતપ્રોત બોધ છે. એટલે, વનવાસ પૂરો કર્યા પછી, ઠરાવ્યા પ્રમાણે, પાંડવોએ પોતાના ભાગનું અર્ધું રાજ્ય માગ્યું અને, જવાબમાં એમને નનૈયો મળ્યો ત્યારે, યુદ્ધ કરવા સિવાય એમની પાસે બીજો માર્ગ ન હતો. શ્રીકૃષ્ણે ત્યારે પણ કહ્યું : ‘જરા થોભો – મને ફરી એકવાર યત્ન કરવા દો. તમારા વતી હું કૌરવ સભામાં જઈશ અને સમાધાનની દરખાસ્ત મૂકીશ : સૌએ હા પાડી અને, કૌરવસભામાં એમણે કરેલું પ્રવચન અદ્દભૂત છે.

 

મહાભારતમાંનાં કેટલાંક પ્રવચનોનો પડઘો આજે આપણને યુનાઈટેડ નેશન્સનાં પ્રવચનોમાં સાંભળવા મળે છે. આજનાં એ પ્રવચનોમાં તમને અક્ષરક્ષ: એ જ વિચારો જણાશે; માનવ મૂલ્યો, શાંતિ અને સંવાદિતાની મહત્તા, શાંતિભર્યા માર્ગો વડે વિવાદોને ઉકેલ, આ સઘળું મળશે. તો, શ્રી કૃષ્ણે ત્યાં શું કર્યું ? એમણે કહ્યું, ‘આ રાજ્ય પાંડવોનું છે ને એ તમે છળકપટથી પડાવી લીધું છે; ચાલો, ભૂલી જાઓ. એમને અર્ધું રાજ્ય આપો અને બાકીનું અર્ધું તમે રાખો. એ લોકો નવી રાજ્ધાની બાંધશે.’ કૌરવોએ ‘ના’ કહી. પછી શ્રીકૃષ્ણ પોતાની માગની ઓછી ને ઓછી કરતા ગયા. ‘એમને પાંચ ગામ આપો.’ ‘ના’ . ‘એમને માત્ર એક ગામ આપો એટલે ત્યાં એ સુખે રહી શકે.’ ‘બિલકુલ નહી’ ઓ સૂચિમૂખ, સોઈની અણી જેટલી જમીન પણ અમે પાંડવોને નહીં આપીએ.’ આ તબક્કે વાત માનવ –અંકુશની હદ વટાવી ગઈ. આ પછી પણ, એમ ને એમ ચલાવીએ લઈએ તો, હિટલરના યુદ્ધ બાબત બન્યું હતું તેમ પરિણામ ભયંકર આવે, જાણે એ જીત્યો ગણાય. એટલે એ અનિષ્ટનો સામનો કરવો જ રહ્યો અને, વાત ઘણી ગંભીર બની ગઈ. પુષ્કળ વિનાશ થયો. ભારતના પ્રાચીન ઇતિહાસમાં આ મહાભારતનું યુદ્ધ મહાન આંતરયુદ્ધ હતું. પછી બધું બદલાઈ ગયું હતું. પણ એ રોકી શકાય તેમ હતું જ નહીં. પશ્ચિમ ભારતની દ્વારકા નગરી પાસે આવેશમાં આવી જઈ શ્રીકૃષ્ણના યાદવોએ એવું જ કર્યું હતું.

 

માનવજાતની આ નબળાઈ છે. કોઈક વાર માણસો ઉત્તમ, ખૂબ શાંત બની શકે છે તો, કોઈક વાર આક્રમક, દુષ્ટ, હિંસક. એનું જ નામ માણસ. મનુષ્યના આક્રમક સ્વભાવને વશ રાખવો, એમને શાંતિમય બનાવવા અને, અરસપરસ શાંતિથી રહેતા કરવા એ જ ગીતાનો બોધ છે. માટે તો, આ ગ્રંથમાં સળંગ રીતે, અર્જુનની પરિસ્થિતિ આધારિત જીવનદર્શનનો બોધ શ્રીકૃષ્ણને આપતા આપણે સાંભળીએ છીએ. એક ઘટના લઈ તેને વૈશ્વિક રૂપ આપીએ એટલે ફિલસૂફી જન્મે. કોઈ ચોક્કસ ઘટના ફિલસૂફી નથી. એ એક વિશિષ્ટમાંથી આપણે સામાન્ય ખ્યાલ ઊભો કરીએ છીએ. એને જીવનદર્શન કહેવામાં આવે છે. એટલે, શ્રીકૃષ્ણ સૌને કહે છે, અર્જુનને સાચું યુદ્ધ લડવાનું હતું. તમારે યુદ્ધ નહીં પણ પોતાનો જીવનસંગ્રામ લડવાનો છે. અનેક આફતો, પડકારો આવશે. તમે અર્જુનની જેમ નાસી જવા માગો છો ? નહીં, એમનો સામનો કરો. એ સંદેશ છે. ભારતમાં તેમજ સર્વત્ર, સમસ્ત મનુષ્યજાતિને એ સંદેશ આપે છે. એમ કરતી વેળા, જે અનિષ્ટ છે તેમાં વધારો ના કરો. એ રીતે કરો કે જગત થોડુક સુધરે.

 

એક સુંદર દ્રષ્ટાંતકથામાં શ્રીરામકૃષ્ણ પરમહંસ આ વિષય ઉલ્લેખે છે …

 

એક જંગલમાં એક ઝેરી સાપ રહેતો. બાળકો ત્યાં રમતા પણ, સાપથી એ ખૂબ ડરતાં. એક દહાડો એક સાધુ ત્યાંથી નીસર્યો. સાપ હતો એ તરફ જવા લાગ્યો. એક છોકરાએ કહ્યું, ‘બાબા, એ બાજુ ન જતા. ત્યાં એક ઝેરી સાપ રહે છે.’ સાધુએ કહ્યું, ‘હું એનાથી બીતો નથી.’ એ તો સીધો ચાલ્યો. આક્રમક રૂપ ધારણ કરતો સાપ એની સામે આવ્યો. પણ સાધુએ કંઈ મંત્ર ભણ્યો અને, સાપ સાવ શાંત થઈ ગયો. પછી એ બંને વચ્ચે વાર્તાલાપ થયો; ‘તું શા માટે સૌને ઈજા પહોંચાડે છે ? એ કંઈ સારું નથી. તું અહિંસક બનીને જીવ. તું પોતે જીવતો રહે અને બીજા સૌને જીવતા રહેવા દે. હવે પછીથી કોઈને કરડીશ નહીં. હું તને એક મંત્ર દુઉં છું. એનું મનન કરજે. આ જીવનમાં જ તને સિદ્ધિ પ્રાપ્ત થશે. હું ફરી આવીશ.’ આટલું બોલી એ જતો રહ્યો. એ દહાડાથી સાપે પોતાની જીવનરીતિ બદલી નાખી. એ શાંત, અનાક્રમક અને અહિંસક બની ગયો અને, દૂરથી બાળકોએ જોયું કે સાપ હવે આક્રમક નથી રહ્યો. એટલે પછી, એ છોકરાઓ સાપની નજીક આવવા લાગ્યા, સાપ કશું કરતો ન હતો. બાળકોને ખાતરી થઈ કે હવે સાપ ખતરનાક નથી અને તેની સાથે રમી શકાય છે. પછી તો નજીક આવીને બાળકો સાપને પૂછડીએથી પકડી, ગોળ ફેરવી એને પછાડવા લાગ્યા. એ અધમૂવો થઈ ગયો. રાત પડતાં એને જરા ઠીક લાગતાં એ પોતાના રાફડામાં ગયો. સમય વીતતાં એ માત્ર હાડચામનો માળો બની ગયો. થોડા દિવસ પછી સાધુ પાછો આવ્યો. છોકરાઓએ એને કહ્યું, ‘સાપ મરી ગયો છે. એ તરફ જવાની જરૂર નથી.’ સાધુ કહે, ‘એમ બની શકે નહીં. મેં એને બોધ આપ્યો છે. જીવનનો હેતુ સિદ્ધ કર્યા વિના એ મરી શકે નહીં.’ પછી એ શાંતિથી રાફડા પાસે ગયો અને, પોતે સાપને આપેલા નામથી તેને બોલાવ્યો. થોડીકવાર પછી, માંડ માંડ ઘસડાતો એ બહાર આવ્યો અને એણે સાધુને પ્રણામ કર્યા. ગુરુએ પૂછ્યું, ‘તને તે શું થયું છે ? સાવ હાડચામ જ થઈ ગયો છો ?’

 

સાપ બોલ્યો, ‘તમે મને કોઈને ઈજા ન કરવાનું કહ્યું હતું તેને લઈને, કદાચ, એમ હોય. જીવજંતુ ખાવાનું મેં બંધ કર્યું છે, કોઈ જીવની હિંસા નહીં કરવાની. હું સૂકાં પાન ખાઉં છું તે કારણે કદાચ તેમ હોય.’ સાત્વિક ચિત્તને કારણે, છોકરાઓ એને ત્રાસ આપતા હતા તે એ ભૂલી ગયો હતો. એ કશું જ એને યાદ ન હતું. એટલો બધો ભલો એ થઇ ગયો હતો. આ સાંભળી ગુરુ બોલ્યા, ‘તું કેવો મૂરખ છે ! યાદ કર, બીજું કંઈ બન્યું હશે જ. માત્ર સૂકાં પાંદડાં ખાધે આ હાલત ન થાય.’ એટલે સાપે કહ્યું, ‘હા, યાદ આવ્યું, અહીં રમતા છોકરાઓ મને શાંત જોઇને પાસે આવ્યા. એમનામાં હિંમ્મત આવી ગઈ. એટલે મને પૂંછડીથી પકડ્યો, મને ઘૂમાવ્યો ને જમીન પર પટક્યો. મને લોહીની ઊલટી થઈ અને હું જેમતેમ કરતો દર ભેગો થઇ ગયો. આ દશા માટે એ કારણ હોઈ શકે. કોઈને ઈજા ન કરવી તમે મને કહ્યું છે તેથી, મેં કોઈને ઈજા ન કરી. મારી આ દશા એ કારણે થઇ છે ને મને એનો વાંધો નથી.

 

એટલે ગુરુ બોલ્યા, ‘ તું તે કેવો મૂરખ છો ! કોઈને ઈજા કરવાની, કરડવાની મેં તને ચોક્કસ ના પાડી હતી. પણ એમની સામે તું ફૂંફાડો મારી શક્યો હોત તો છોકરાઓ જતા રહેત.ફૂંફાડો મારવાનું શીખ; નહીં તો એ લોકો તને ખત્મ કરી નાખશે. આવું વલણ રાખી સંસારમાં જીવી શકાય નહીં. ’ ઝેરનો ડંખ કોઈને મારીશ મા પણ, બીજાની દયાનું પાત્ર બનીને તારા જીવનનો નાશ કરતો નહીં.’ આટલું બોલી પોતાના શ્રોતાઓને શ્રીરામકૃષ્ણ પરમહંસજી એ કહ્યું, ‘ફૂંફાડો મારો પણ, કરડો નહીં.’

 

તમારી પાસે પોતાના પગ પર ખડા રહેવાનીએ શક્તિ છે પણ, જગતમાંના અનિષ્ટ સામે તમારા અપ્રતિકારથી એ અનિષ્ટમાં વૃદ્ધિ નહીં કરો. એ પદ્ધતિ આપણે વિકસાવવાની છે. ગીતામાં આપણને એ જ બોધ પ્રાપ્ત થાય છે. અનિષ્ટમાં વધારો નહીં કરો, એને ઓછું કરો. પરંતુ પહેલા વિશ્વયુદ્ધને અંતે યુરોપમાં પ્રસર્યો હતો તેવો અમર્યાદ શાંતિવાદ નહીં, શાંતિ જોઈએ છે, માનવતા જોઈએ છે, પ્રેમ અને લાગણી જોઈએ છે; આ અપૂર્ણ સંસારમાં રહીને, તમારાં હિતની રક્ષા કરવાનું તમારે જાણવું જોઈએ. બધા કંઈ બાવા થવાના નથી. તમારાં હિતનું રક્ષણ કરો. કોઈ આવીને તમારાં દીકરા દીકરીનું હરણ કરી જાય તો, તમે મૂંગા બેસવાના નથી કે એ હારન કરનારને તમે તમારું બીજું બાળક પણ સોંપી દેવાના નથી. તમે એમ નહીં જ કરો અને એમ કરો તો, તમે માણસ નથી. તમારામાં કંઈ વંકાઈ ગયું છે. ગીતા એ કહેવાની છે. સમસ્ત મનુષ્યજાતિના કલ્યાણને આંચ આપ્યા વગર, તમારાં પોતાનાં હિતનું રક્ષણ કરવા તમે સમર્થ હોવા જોઈએ. એ ઘણું કપરું છે પણ, પોતાનાથી બની શકે તેટલું સૌએ એમ કરવું જ જોઈએ. શ્રીકૃષ્ણ હંમેશાં કહે છે (ગીતા,૨.૪૦માં) ‘આ ઉચ્ચ આદર્શ છે પણ, તમારાથી શક્ય તેટલું તમે કરો’; स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्, આ અધ્યાયમાં જ આ વાત આવશે; ‘આ ધર્મનો થોડો અંશ પણ આપણને મોટાં ભયમાંથી બચાવશે.’

 

એટલે તો ભગવાન શ્રીકૃષ્ણે રણક્ષેત્રની વચ્ચે આ વાત કરવી પડી અને વળી લાંબી પરિચર્ચા પછી પણ સદ્દ્વિચારો દ્વારા અનિષ્ટને અંકુશમાં લાવી ન શકાય અને બીજું કંઈ ન થઈ શકે એવી કટોકટીભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ‘હું લડવા નથી માગતો,’ એમ અર્જુને કહ્યું ત્યારે, શ્રીકૃષ્ણને કહેવું પડ્યું હતું, ‘ના, એ નામર્દાઈ છે. તારે યુદ્ધ કરવું જ પડશે. તારાં હાડેહાડ તને એમ કરાવશે. જંગલીનો સામનો કર. તને કાંઈક થય છે; તું દુર્બળ થઇ ગયો છો. તું ખૂબ ખિન્ન થયો છો, જાણે કે તું ભાંગી પડ્યો છો.’ એટલે તો, (અહીં ગીતાનો શ્લોક છે ; અમે મૂક્યો નથી) આપણા કાળમાં ગાંધીજીએ એ જ કહ્યું હતું : ‘પોલીસને હાથે તમારી સ્ત્રીઓને તમે અપમાનિત અને ભ્રષ્ટ થવા દીધી; તમારા સ્વમાનના રક્ષણ માટે તમારે તમારા દાંતનો ઉપયોગ કરવો જોઈતો હતો.’ પ્રત્યેક દ્રષ્ટિબિંદુએથી અહિંસાના ઉપાસક એવા ગાંધીજીના આ શબ્દો છે; પરંતુ એ જાણતા હતા કે, કાયરતા અને અહિંસા સાથે વસી શકે નહીં. એટલા માટે, આ મહાન ગ્રંથમાં, ગીતાનો પહેલો ભાગ જાતને કેમ વિકસાવવી, આત્મશ્રદ્ધા કેમ પ્રાપ્ત કરવી, મુસીબતો અને આફતોનો સામનો કેવી રીતે કરવો, લિંગભેદના વળગણ વિના, પૌરુષ કેમ પ્રાપ્ત કરવું તે બોધ આપે છે; અંત ભાગમાં શ્રીકૃષ્ણ ઊર્ધ્વતર પરિણામ આપવાના છે, ‘ઈશ્વરને બધું સમર્પિત કરી દે.’ બધું છે તે તેનું છે. તું તો કેવળ નિમિત્ત સાધન છો. સંપૂર્ણ શરણાગતિ તે આ.

 

અંત ભાગમાં આવતો આ ચરમ શ્લોક છે : तमेव शरणं गच्छ, ‘ઈશ્વરને બધું સમર્પિત કરી દે.’ સૌ કોઈ સમર્પણ કરી શકે નહીં. તમે સમર્થ ન હો તો, સમર્પણ કરી શકતા નથી. જેના ખિસ્સામાં કાવડિયું પણ નથી, બેંકમાં ખાતું નથી તે કહે, ‘મારે ત્યાગ કરવો છે.’ તું શાનો ત્યાગ કરીશ ? તારી પાસે કશું છે તો નહીં, નથી મિલકત કે વિદ્યા ! ત્યાગ કરવા માટે કશુંક તો હોવું જોઈએ ને ! પરિશ્રમ કર, પૈસા રળ, બીજાઓનો વિશ્વાસ પેદા કર. માનવ શિક્ષણનો એ પહેલો તબક્કો છે. તે અંતિમ તબક્કો ગીતામાં પછીથી આવે છે. તમારો અહંકાર સમગ્રપણે ઈશ્વરને સમર્પિત કરવા વધારે સમર્થ બનો. આ માટે અનેકગણું બળ જોઈએ. હું વારંવાર કહું છું તે પ્રમાણે પૈસો કમાવા માટે શક્તિ અને સખત પરિશ્રમની જરૂર છે. એમ નથી શું ? તમે જે કમાયા છો તેનું દાન કેટલું કઠિન છે?

 

 

(રા.જ.૧૦-૧૧/(૯-૧૨)/૪૦૯-૧૨)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવ આવ્કાય્ર છે, જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.

ભાગ્ય ચડે કે કર્મ ? …

ભાગ્ય ચડે કે કર્મ ? …

 

worker

 

 

વિધાતા હશે કે નહિ તેની ખબર નથી. કદાચ હશે તો દરેકના હાથમાં કલમ પકડાવી કહેતી હશે કે, ઊઠાવો કલમ અને તમે ખુદ લાખો તમારું ભાગ્ય. તમારા જીવનની રંગોળી તમે દોરો, અને તમને જેવા ગમે તેવા મનપસંદ રંગો તમે પૂરો. તમે જ તમારા ભાગ્યવિધાતા બનો.

 

માનવી જ્યારે આ ધરતી પર આવે છે, ત્યારે એ માત્ર હાડમાંસનું પૂતળું જ હોય છે.  મોટો થતાં આગળ જઈ તે ગમે તે બની શકે છે. અમીર કે ગરીબ ? સફળ કે નિષ્ફળ ? સુખી કે દુઃખી ?   શું બનવું એ કઈ વાત પર નિર્ભર છે ? મોટાં ભાગના નિર્માલ્ય લોકો તેને ભાગ્ય માને છે, જ્યારે થોડા ઈતિહાસ બદલનારા કર્મવીરો તેને કર્મ કહે છે.

 

મનુષ્ય પરમાત્માનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. પરમાત્માએ તેની પ્રતિકૃતિ રૂપ બધું જ મનુષ્યને આપેલ છે. આપણે બધા જ પરમાત્માનો અંશ છીએ. મનુષ્યે પોતાને મળેલ ઈશ્વરીય વરદાનરૂપ શક્તિઓના ઉપયોગ દ્વારા તેની બરોબરી કરી ચમત્કારો સર્જી દીધા છે.

 

પરમાત્માએ મનુષ્યને પેદા કરી વરદાન આપેલ છે કે ‘તું જે ધારીશ તે બની શકીશ, કરી શકીશ. તું જેવું વિચારીશ તેવું તારા જીવનમાં બનશે. તારા અંત:કરણમાં જે આત્મસંવાદ, કલ્પના, ભાવ કે વિચાર કરીશ તેવી તારી બહારની દુનિયા બનશે. મારા તને તથાસ્તુ છે. તારી અંદરથી જ્યારે અવાજ આવશે કે હા, હું કરી શકું છું, ત્યારે તું ધારે તે કરી શકીશ. પરંતુ સાથોસાથ તારી અંદરથી ના, નો અવાજ આવશે કે ના, ના આ મારાથી ના થાય. ત્યારે તું ખરેખર કરી શકવાની શક્તિ ધરાવતો હોવા છતાં ક્યારેય નહિ કરી શકે.

 

બસ મારા તો હર વખતે તથાસ્તુ જ હશે. શું વિચારવું તે તું નક્કી કરજે. મારી પાસે કશું માગવા આવતો નહીં કારણ કે તેમાં હું કશું જ નહિ કરી શકું, બધો જ અધિકાર તારા હાથમાં છે. તેનો કેવો ઉપયોગ કરવો તે તારે નક્કી કરવાનું છે.

 

‘મેં તો તને બુદ્ધિમાન, બળવાન અને બહાદૂર બનાવ્યો છે. મેં તારામાં અપાર સંભાવનાઓ મૂકી તમે મારા સમક્ષ બનાવ્યો છે.’

 

… દરેકની અંદર સિંહ અને ઘેટું બંને મૂક્યાં છે. સિંહ એ સકારાત્મકતા છે, જે કેમ થાય તે માટે વિચારે છે અને તે કરીને રહે છે. કારણ કે જ્યારે સિંહ જાગે ત્યારે સાથોસાથ તારામાં બુદ્ધિમત્તા, બહાદુરી અને આત્મબળ પણ જાગી ઊઠે છે.

 

ત્યારે તું ગમે તેવાં અસંભવ લાગતાં કાર્યોને કરીને ચમત્કાર કરી શકે છે. પરંતુ જ્યારે ઘેટું તારો માલીક બનીને બેઠું હશે ત્યારે તું તારી શક્તિઓને ભૂલી જઈશ …

 

…. સિંહ બની તેની સામેના પડકારો, જોખમો, અવરોધો સામે લડીને તે જે ધારે તે કરી શકે તેવો જ બની જાય. પછી ભલેને તે અનાથ હોય, અપંગ હોય, ગરીબ હોય, કે અનપઢ હોય, આવા થોડા સિંહનાં તને હું ઉદાહરણ આપું.

 

હેલન કેલર. મેં તેને બહેરી, મૂંગી અને આંધળી બનાવી. છતાં તેની અંદરનો સિંહ જાગતો હતો અને તેણે અંધો અને અપંગો માટે જે કામ કર્યું છે તેનો જગમાં જોટો મળવો મુશ્કેલ છે. આવો જ બીજો સિંહ છે ટેરી ફોકસ જેને કેન્સર થયેલ, અને એક પગ કાપવો પડેલો.

 

ડોક્ટરોએ કહેલું કે તું હવે થોડા સમયનો મહેમાન છે. ત્યારે તેણે કપાયેલા એક પગે કેન્સરગ્રસ્ત શરીર સાથે કેન્સર માટેનું ભંડોળ એકઠું કરવા માટે કેનેડાના પૂર્વ કિનારાથી પશ્ચિમ કિનારા સુધીની દોટ લગાવી.

 

તે રોજ મેરેથોન દોડ (૨૬ માઈલ) જેટલું અંતર દોડતો. ૧૯૮૦માં ૧૭ કરોડનું ભંડોળ એકઠું કર્યું. થોડા દિવસ બાદ તે મૃત્યુ પામ્યો. આજે તેની યાદમાં દર વર્ષે સમગ્ર વિશ્વમાં દોડ દોડાય છે. અત્યાર સુધીમાં ૫૦૦ મીલીયન (૨૫૦૦ કરોડ રૂપિયા) નું ભંડોળ એકઠું થઇ ચૂક્યું છે.

 

કેનેડામાં આજે શહેરે શહેરે તેના સ્ટેચ્યુ છે. કેનેડાનો તે નેશનલ હીરો છે. આવું ત્રીજું ઉદાહરણ છે મેરી ક્યુરીનું જેણે બચપણથી જીવનના છેલ્લા શ્વાસ સુધી તેની સામેના પડકારોનો સામનો કરતાં રહીને બબ્બે નોબેલ પ્રાઈઝ મેળવ્યાં છે.

 

તે યુવાનીમાં જ વિધવા બની હતી. છતાં તેની બંને બાળકીઓને જિંદગીના જંગમાં વિજેતા બનવા તૈયાર કરી હતી. તેની બંને પુત્રીઓને નોબેલ પ્રાઈઝ મળ્યાં હતાં.

 

પરિવારના તમામ સભ્યોને નોબેલ પ્રાઈઝ ! દારુણ ગરીબી અને અપાર યાતનાઓ સામે પણ તે પોતાનાં સ્વપનાં સાકાર કરવા સિંહણ બની લડી હતી.

 

આવું ચોથું ઉદાહરણ છે જેસિકા કોકસનું જેને મેં જન્મથી જ હાથ આપેલા ન હતા છતાં તેનું સ્વપ્ન હતું કાર ડ્રાઈવ કરવાનું અને વિમાન ઉડાડવાનું !

 

આજે તે વગર હાથે કાર ચલાવે છે અને વિમાનને આસમાનમાં સેર કરાવે છે. હાથ વગરની જગતની એકમાત્ર પાયલોટ તે આ કરી શકી કારણ કે તેનો સિંહ જાગતો હતો.

 

આવું પાંચમું ઉદાહરણ છે રાઈટ ભાઈઓનું. સાયકલના ધંધામાંથી મળતા થોડા ઘણા પૈસા ભેગા કરીને વિમાનની શોધ માટે ખર્ચ કરતા હતા. તેમના પ્રયાસોની વૈજ્ઞાનિકો, છાપાંવાળા અને આખી દુનિયા હાંસી ઉડાડતી હતી.

 

વૈજ્ઞાનિકો તેમને ઉતારી પાડતાં કહેતા કે આ મૂર્ખાઓ ખોટા કૂચે મરે છે. હવાથી ભારે વસ્તુ કદી ઊડી  જ ન શકે. છાપાવાળાઓ તેમના પ્રયોગોની નિષ્ફળતાની વાતો છાપીને લોકોને હસાવતા અને કહેતા કે મનુષ્ય કદી ઊડી જ ન શકે, જો એમ હોત તો ભગવાને જ આપણને પાંખો આપી હોત.

 

વિચારો, જ્યારે જગત આખું તેની વિરુદ્ધમાં હતું. એટલે કે બધાં ઘેટાં બેં – બેં કરતાં હતાં ત્યારે તેની અંદરનો સિંહ ત્રાડો પાડતો હતો. તે ઊડવાની સંભાવના માટે વિચારતા હતા, જો તે પેલાં ઘેટાંઓની વાત માનીને બેસી રહ્યા હોત તો ? વિમાન વગરની દુનિયાની જરા કલ્પના કરી જુઓ.

 

આવું છઠ્ઠું ઉદાહરણ છે રોલ્સ રોઈસનું જેણે માત્ર આઠ વર્ષની ઉંમરે પિતા ગુમાવેલા. પિતાની બિમારી પાછળ ઘર દેવાદાર બની ગયું હતું.

 

આઠ વર્ષનો રોઇસ તેના પિતાની લોટ દળવાની ચક્કી ચલાવવા માંડેલો. તેને ભણીને એન્જીનિયર બનવું હતું.

 

પરંતુ ગરીબીની કારણે ભણી જ ન શક્યો. છતાં તેનાં સ્વપ્ન મોટાં હતાં. તેનો સિંહ જાગતો હતો.

 

તેણે રસ્તાની મહારાણી જેવી કરોડોની કિંમતની રોલ્સ રોઇસ કારોનું સર્જન કરી ઈતિહાસ સર્જી દીધો. એ પેહલાં વજનને ફેરવવા માટેની ક્રેઈનોમાં સુધારાવધારા કરીને તેને અગિયાર ગણી ક્ષમતાવાળી બનાવી તેણે જગતમાં ખળભળાટ મચાવી દીધેલો.

 

પ્લેનનાં એન્જિનો ત્યારે ત્રણેક કલાક ઉડ્ડયનની  ક્ષમતા ધરાવતાં હતાં, તેને ૧૬ કલાકની ક્ષમતાવાળાં બનાવી વિશ્વમાં એક અનોખી ક્રાંતિ સર્જી દીધી. તેણે યુવાનીમાં જ અનાથ, ગરીબ અને અનપઢ બાળકો માટે અબજોની ચેરેટી કરેલી. તેના માનમાં તેના જીવતે જીવત પૂતળાં ઊભાં કરવામાં આવેલાં ! એક ગરીબ અનાથ રોલ્સ રોઇસ આ કરી શક્યો  કારણ કે તેનો સિંહ જાગતો હતો.

 

આવાં થોકબંધ ઉદાહરણોથી ઈતિહાસ ભરેલો પડ્યો છે. મનુષ્ય જે વિચારે છે તે બને છે. જો કે આવા બધા સિંહની સામે મેં તમામ પ્રકારની મુસીબતોના પહાડ ખડકી દીધા હતા. મેં તેમને હરાવવાના તમામ પ્રયાસો કરેલા, છતાં તેઓએ મને – પરમાત્માને પરાજય આપ્યો છે. તે જીત્યા અને હું હાર્યો છું. કારણ કે તેની અંદરનો સિંહ જાગતો હતો.

 

જો એ બધા ઈતિહાસ સર્જી શકતા હોય તો તમને બધાને તો મેં તેનાથી ઘણું વિશેષ આપ્યું છે. બસ, તમારી અંદરના ‘ઘેટાને’ મારી નાખો અને સિંહને જગાડી દેજો. તમારું નામ પણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે, તમે બધા બુદ્ધિમાન બનશો, બહાદૂર બનશો અને બળવાન બનશો. તમે પણ સફળ થઇ શકો છો અને ચમત્કાર સર્જી શકો છો.

 

 

(ભાલોડિયા પરિવાર દર્પણમાંથી)

 

(રા.જ. ૬-૧૦/૩૩-૩૫)-૧૨૫-૨૭)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

પોસ્ટ પરના આપના પ્રતિભાવનું સ્વાગત છે; જે સદા અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.

સ્તનની સાદી ગાંઠ … (fibroadenoma breast) અને હોમિયોપેથી ……

સ્તનની સાદી ગાંઠ … (fibroadenoma breast) અને હોમિયોપેથી …

ડૉ. ગ્રીવા માંકડ … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

મિત્રો … ‘સ્વાસ્થય નો મીઠો સ્વાદ અને હોમીઓપેથી’ શ્રેણીને વધુ આગળ વધારવા માટે આપણને ડૉ.ગ્રીવા માંકડ નો સાથ અને સહકાર મળી રહ્યો; તેમના દ્વારા સ્ત્રી રોગો વિશે જાણકારી આપતા લેખ – ‘દાદીમા ની પોટલી’ પર નિયમિત આપણે માણતા આવીએ છીએ. આપના દ્વારા તેમની મૂકેલી પોસ્ટ પર ખૂબજ સુંદર પ્રતિભાવ અમોને સતત મળ્યાં છે., જે બદલ અમો આપના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

સ્ત્રી રોગ વિશેની શ્રેણી ને આજે વધુ આગળ વધારીએ, સ્ત્રી રોગ વિશેનો આ નવમો લેખ છે;  જે … સ્તનની સાદી ગાંઠ (fibroadenoma breast-)  કે જે સ્ત્રીના સ્તનમાં જોવા મળતી કેન્સર રહિત એટલે કે સાદી ગાંઠ  ફાઈબ્રો એડીનોમા વિશેનો છે. –

 ‘દાદીમા ની પોટલી’ પર આજનો લેખ મોકલવા બદલ અમો ડૉ.ગ્રીવા માંકડ ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

વાચક મિત્રો, આજનો આર્ટીકલ આપની સમક્ષ મુકવા જઈ રહી છું,  જે  સ્તનની સાદી ગાંઠ …  fibroadenoma breast- સ્ત્રી રોગ ની સમજુતી અંગેના છે.  રોગ વિશે  કે પછી તે વિષયવસ્તુ અંગેની આપની કોઈ અગત્યની સલાહ કે સૂચનો  આપના તરફથી જો હોય તો જરૂરથી પ્રતિભાવ દ્વારા અહીં અમને જણાવશો, જે માટે હું આપને વિનંતી કરું છું. આપને મારા દ્વારા તે વિષય વસ્તુ પર વધુ ને વધુ જાણકારી મળતી રહે એ દિશામાં હું હંમેશ પ્રયત્નશીલ રહીશ.

 

વાચક મિત્રો, મારા દરેક આર્ટીકલસ્ ને ખુબ સારો પ્રતિસાદ આપવા બદલ આપ સહુની હું આભારી છું.  આપ, આપના સ્વાસ્થ્ય અંગે મૂંઝવતા કોઈ પણ પ્રશ્નને મને નિઃસંકોચ પૂછશો તો અમોને વધુ ગમશે. આપના બ્લોગ પોસ્ટ પર ના પ્રતિભાવ – કોમેન્ટ્સ આવકાર્ય છે…. જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહે છે.

 

આપણે અગાઉના લેખમાં યુટેરાઈન ફાઈબ્રોઈડ (લીઓમાયોમા) … વિશે જાણ્યું.  આજના લેખમાં સ્તનની સાદી ગાંઠ … fibroadenoma breast-…જે સ્ત્રીના સ્તનમાં જોવા મળતી કેન્સર રહિત એટલે કે સાદી ગાંઠ ને ફાઈબ્રો એડીનોમા … વિશે જાણીશું. …

 

 

સ્તનમાં જોવા મળતી કેન્સર રહિત એટલે કે સાદી ગાંઠ ને ફાઈબ્રો એડીનોમા કહેવામાં આવે છે. આ ગાંઠ એ સ્તનની ગ્રંથીના કોશ પેશીઓ ની જ બનેલી એકદમ સામાન્ય કહી શકાય એવી ગાંઠ છે.

 

એક છોકરીમાં તેની પુખ્તવાસ્થામાં કે પછી મોટા થયા બાદ ક્યારેય પણ સ્તનમાં ગાંઠ જેવું કશું છે એવી ખબર પડે એ સ્વાભાવિક રીતે જ ચિંતા ઉપજાવનારી બાબત છે. પરંતુ એ ગાંઠ ને “કેન્સરની હશે તો ?” એવું માનીને ડરી જવાની જરૂર નથી હોતી.

 

દરેક ગાંઠ એ કેન્સર નથી સામાન્ય રીતે ૧૫ થી ૩૫ વર્ષની ઉમરની સ્ત્રીઓમાં આ પ્રકારની ગાંઠ જોવા મળે છે.   ૩૦ વર્ષથી નાની ઉમરની સ્ત્રીઓમાં જોવા મળતી અલગ અલગ પ્રકારની તમામ ગાંઠો પૈકી ફાઈબ્રોએડીનોમા એ સૌથી સામાન્ય રીતે જોવા મળતી ગાંઠ છે.

 

સ્તનની સાદી ગાંઠ ના લક્ષણો:

 

આ પ્રકારની ગાંઠ એ કોઈ વાર એક જ ગઠ્ઠા તરીકે જોવા મળે તો કોઈ સ્ત્રીમાં એક કરતા વધુ ગઠ્ઠા ના જાળા સ્વરૂપે;અને એવુ એક્સાથે બંને સ્તનમાં પણ જોવા મળી શકે.

 

આ પ્રકારની ગાંઠ પર સ્ત્રીમાં કાર્યરત અંતઃસ્ત્રાવ ઈસ્ટ્રોજન નો પ્રભાવ ખુબ જોવા મળે છે.   અમુક અવસ્થાઓમાં એ ગાંઠની સાઈઝ માં વધ ઘટ જોવા મળતી રહે છે.

 

છોકરીમાં માસિકધર્મ શરુ થાય એ સમય – ગાળા થી માંડીને એની પ્રજ્નનક્ષમ ઉમર દરમિયાન આ પ્રકારની ગાંઠ જોવા મળતી હોય છે.

 

ઉપરાંત, જે સ્ત્રીને આ પ્રકારની ગાંઠ પહેલેથી હોય હોય તો એ સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન એ ગાંઠના માપ માં વધારો થતો જોવા મળે છે.

 

 

એ ગાંઠ નો માપ ૧ – સેમી. થી લઈને કેટલાક કેસમાં ૫ (પાંચ) સેમી. કે તેથી વધુ પણ હોય છે.

 

 

એ  ગાંઠ નીચે મુજબની લાક્ષણીક્તાઓ ધરાવે છે…

 

• સ્તનની ત્વચા નીચે સહેલાઈથી ફરી શકે,

 

• સામાન્ય રીતે દુખાવા રહિત, પરંતુ અમુક કિસ્સામાં એ ગાંઠને લીધે દુખાવો થતો હોય છે.

 

• રબ્બર જેવી…

 

 

breast.1

 

 

સ્તનની સાદી ગાંઠ ના કારણો:

 

આપણે અગાઉ જોઈ ગયા એમ ફાઈબ્રોએડીનોમા પ્રકારની ગાંઠનું કોઈ ચોક્કસ દેખીતું કારણ જણાયું નથી.

 

હા અલગ અલગ અવસ્થાઓમાં એના માપમાં થતી વધ ઘટ એ ઈસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ને આભારી છે.

 

૧૦% કિસ્સામાં આ પ્રકારની ગાંઠ જાતે જ નાની થઇ મટી જતી જણાઈ છે અને ૨૦% કિસ્સામાં એ મટી ને ફરીથી નવી થતી પણ જોવા મળે છે.

 

એટલું જ નહિ, ઘણી વાર તો ઓપરેશન કરાવ્યા બાદ પણ ગાંઠ ફરીથી થઇ જતી હોય છે.

 

સ્ત્રીની મેનોપોઝ (માસિકધર્મ સદંતર પૂરું થયું હોય એવો સમયગાળો)અવસ્થામાં ભાગ્યેજ ફાઈબ્રો એડી નોમા જોવા મળે છે.

 

breast

 

સ્તનની સાદી ગાંઠ ના ઉપાયો:

 

આમતો ફાઈબ્રો એડીનોમા પ્રકારની ગાંઠમાં અન્તઃસ્ત્રવી વધઘટ ને પરિણામે ફેરફારો થતા રહેતા હોય છે.

 

સૌ પ્રથમ તો ગાંઠની જાણ થાય કે તુરંત જ જાગૃત થઇ તેના માપ વગેરેનું અવલોકન કરાવી લેવું જોઈએ.

 

ઉપરાંત સમયાંતરે તેના માપમાં કોઈ ફેરફાર થાય છે કે નહિ એ પણ ચોક્કસપણે જાણતા રહેવું જરૂરી બની રહે છે.

 

બાકી ગાંઠને લીધે થતો નાનો મોટો દુખાવો,અન્તઃસ્ત્રાવી ગ્રંથિનું નિયમન અને તેને પરિણામે ગાંઠના માપમાં થતા વધારા માટે તો સરળતા થી હોમિયોપેથીક દવા ખુબ અસરકારક કામ આપે છે.

 

એ ગાંઠ નો માપ, તેમજ તેની જગ્યાને લીધે થતા દુખાવાને આધારે ઘણા ડોક્ટર્સ ઓપરેશન કરાવવાની સલાહ આપતા હોય છે પરંતુ એ ગાંઠ ફરી થઇ જવાની શક્યતાઓ પણ પછી ઉભી જ રહે છે.

 

હોમિયોપેથીમાં આ પ્રકારની ગાંઠનો ચોક્કસપણે એકદમ અકસીર ઈલાજ શક્ય છે, જે ગાંઠને સદંતર, મટાડી શકે છે. એટલું જ નહિ, મટ્યા પછી ફરી ગાંઠ થઇ જવાની તાસીરમાં પણ હોમિયોપેથીક દવા જડ્મુળથી જ ફેરફાર લાવી શકે છે.

 

શરીરમાં આ પ્રકારે થતી ગાંઠ એ વ્યક્તિનું અગત્યનું પ્રકૃતિગત લક્ષણ છે. અહી વ્યક્તિને થતા પ્રકૃતિગત રોગોમાં જડમુળથી ઠીક થાય એ રીતે અપાતી સારવાર હોમિયોપેથી દ્વારા જ શક્ય બનતી હોય છે.

 

ઉપરાંત સ્ત્રીના જીવનમાં અલગ અવસ્થાઓમાં અન્તઃસ્ત્રવોના પ્રમાણ તેમજ કાર્યમાં ખુબ ફેરફારો થતા રહેતા હોય છે, એમાં જો કોઈ ખલેલ પહોચે તો એને પહોચી વળવા માટે પણ એવી ઘણી દવાઓ હોમિયોપેથી માંજ છે.

 

વળી, સ્ત્રીની લાગણીઓમાં આવતા ઉતાર્-ચડાવ એ ક્યાંક ને ક્યાંક તેની અન્તઃસ્ત્રાવી ગ્રંથિઓના નિયમનમાં ખલેલ પડી શકે છે.

 

માટે જ, વ્યક્તિને સંપૂર્ણ સમજીને અપાયેલી યોગ્ય હોમિયોપેથીક દવા નીચે મુજબ બેલેન્સ સાધી આપે છે.

 

સ્ત્રીના લાગણી તન્ત્રમાં બેલેન્સ – પરિણામે, અન્તઃસ્ત્રાવી નિયમનમાં બેલેન્સ – પરિણામે, ફાઈબ્રો એડી નોમા પ્રકારની ગાંઠના માપ માં થતો ઘટાડો અને ધીરે ધીરે મટી જવી.

 

નીચે મુજબની દવાઓ ખુબ ઉપયોગી નીવડતી હોય છે,  

 

Calcarea carb

Calcarea flour

Conium mac

Hydrastis

Carbo animalis

Thuja

Silicea

Medorrhinum

Nitric acid

 

Phytolacca

Asteria rubens

Pulsatilla

Sulphur

Lapis alb

Bellis per

Iodum

 

 

પ્લેસીબો:

 

“Complementary therapies, like homeopathy, get to the cause – rather than just treating the symptoms, I know from my own experience that they work…I’d like to see doctors prescribing homoeopathic treatment….”

-Peter Hain, Secretary of State for Wales,UK.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’ email: [email protected]

 

આજના  લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને સદા બળ પૂરે છે, તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં મૂકવા માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

ડૉ.ગ્રીવા માંકડ સફળ હોમીઓપેથીક પ્રેક્ટીસ કરી રહ્યા છે, તેઓ દર્દી ને સમજવા માં ખુબ નિપુણ અને દવાઓના પ્રિસ્ક્રીપ્શન માટે પણ ખુબ નિપુણ છે. અન્ય કલીનીકો જોવા ની સાથે સાથે તેઓ સ્વાસ્થ્ય હોમીઓપેથીક કલીનીક માં ખાસ સ્ત્રી રોગ અને બાળ રોગો નો વિભાગ સંભાળે છે, ને જેમાં તેમનો બહોળો અનુભવ પણ છે. હોમીઓપેથી સાથે તેઓ રેકીમાં પણ નિષ્ણાંત છે, અને દર્દી ને રેકી આપીને પણ ફાયદો આપી શકે છે. તેમણે રેકી વિષય સાથે એમ.ડી. પણ કરેલું છે. ઉપરાંત તેઓ ફૂડ અને ન્યુટ્રીશન વિષે પણ સલાહ આપતા રહે છે.

 

આ અગાઉ અમોએ આપને ડૉ. પાર્થ માંકડ દ્વારા લિખિત ‘સ્વાસ્થ્યનો મીઠો સ્વાદ અને હોમીઓપેથી’ પુસ્તક કે જે તાજેતરમાં જ પ્રકાશિત થયેલ છે તે અંગે માહિતગાર કરેલ; જે આજે માર્કેટમાં આસાનીથી ઉપલબ્ધ છે. આજે તેઓ દ્વારા વધુ એક સુંદર વ્યવસ્થા ‘સ્વાસ્થ્ય અને  હોમીઓપેથી’ પર સરળ અને વિસ્તૃત માહિતી આપને  મળી રહે  તે  અંગે માહિતગાર કરીએ છીએ.   વિડ્યો ચેનલ, યુ ટ્યુબ દ્વારા –  ‘હોમીઓવિડ્યો’ – સ્વાસ્થ્ય અને હોમીઓપેથી પરના તેમના લેકચર હવે તમે માણી શકશો., જેનો લાભ જરૂર લેશો.

આ સાથે નીચે જણાવેલ માહિતી અને વિગતની નોંધ લઇ અને વિડીયો લીંક પર ક્લિક કરી આસાનીથી સ્વાસ્થ્ય અંગેના લેખ આપ માણી શકો છો. આશા છે કે આપને આ નવી વ્યવસ્થા  વિડ્યો લીંક/કલીપ પસંદ આવશે. આપના પ્રતિભાવ વિડ્યો કલીપ માણ્યા બાદ યુ ટ્યુબ પર અથવા અહીં બ્લોગ પોસ્ટ પર આવી મૂકશો, અને આભારી કરશો.

 

‘દાદીમા ની પોટલી’

 

 

 ડૉ. પાર્થ દ્વારા કરેલ નિવેદન :

 

Hii …
Feeling great to announce this Video channel on youtube – ‘homeovideo’ ; There video articles in form of lectures about Health & Homoeopathy will be regularly Uploaded.
Watching these Videos you will know…

 

1. About Different diseases & Ideas for Health
2. About Homoeopathy
3. It will be Helpful for Homoeopathic Students who want to learn Homoeopathy – because all videos will be full of case illustrations.
4. Videos explaining Materia medica & organon will also be uploaded.

If Any body wants to learn or want to know about a specific topic your suggestions are always welcome.

Here is a video of my speech on the ocassion of my book launch. & yes one more news to all dear readers that 1st edition of the book has already finished. Moving forward to see for the next edition. any ways enjoy the video…& subscribe to channel as well.

So, Dear friends & Students of Homoeopathy , Just Click & Subscribe at the link

 

http://www.youtube.com/homeovideo
Regards,
DrParth Mankad

 

 (વિડ્યો લીંક : અહીં ફોટોગ્રાફ સાથે આપેલ ડૉ. ના નામ પર ક્લિક કરશો)

 

સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ગ્રીવા માંકડ… આપને શક્ય એટલો ઝડપી જવાબ બ્લોગ પર આપવા પ્રયત્ન કરશે. જો કોઈ પણ ને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતા – જાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેકટ [email protected] ઉપર અથવા [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા પૂરી વિગત – જેવી કે, વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત -રીપોર્ટ ની જાણકારી મોકલવી. તમોને તમારા email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપીશું. ” ….આભાર ! ‘દાદીમા ની પોટલી’

સંવાદ સાધવાની નવી પદ્ધતિ …

સંવાદ સાધવાની નવી પદ્ધતિ …
– ડૉ. હિમ ગેનેટ

 

 

 

child talk

 

 

બાળકો સાથે સંવાદ સાધવા નવી પદ્ધતિના પાયામાં પરસ્પર વિશ્વાસ, સન્માન અને થોડીક કુશળતા જરૂરી છે. મા-બાપ અને બાળકનું આત્મસન્માન જળવાઈ રહે, અને સલાહસૂચનના સ્થાને સમજણ દર્શાવતાં વાક્યો હોય, એ આ નવી પદ્ધતિનું મુખ્ય લક્ષણ છે. નવ વર્ષનો ઇશાન ગુસ્સા સાથે ઘરમાં આવ્યો. તેણે અને તેના મિત્રોએ પીકનીકમાં જવાનો પ્લાન બનાવ્યો હતો. પણ બહાર સખત વરસાદ પાડવા લાગ્યો. મમ્મીએ સંવાદની નવી પદ્ધતિ અજમાવવાનું નક્કી કર્યું. ભૂતકાળમાં જેનાથી પરિસ્થિતિ વધુ વણસતી એવાં વાક્યો, જેવાં કે, ‘પિકનિકનો પ્લાન ફ્લોપ ગયો એના પર રડવાનો કોઈ અર્થ નથી. ફરી કોઈ વાર પિકનિક જવાશે’, અથવા ‘વરસાદ હું નથી લાવી કે તું મારી ઉપર ગુસ્સો કરે છે’, વગેરે મમ્મીએ ના વાપર્યા.

 

આથી વિરુદ્ધ તેમણે પોતાની જાતને કહ્યું: ‘મારા દીકરાને પિકનિક ફ્લોપ જવાથી ખૂબ દુઃખ થઇ રહ્યું છે. એ નિરાશ છે અને એ ગુસ્સા દ્વારા તેની નિરાશા મારી આગળ વ્યક્ત કરી રહ્યો છે. મારા દીકરાને આ રીતે પોતાની લાગણીને વ્યક્ત કરવાનો અધિકાર છે. તેની લાગણીઓને માન આપી, તેને પરિસ્થિતિ વિશે સમજણ બતાવીને જ હું તેની સૌથી સારી મદદ કરી સહકુ એમ છું.’ તેણે ઈશાનને કહ્યું, ‘તું ખૂબ નિરાશ દેખાય છે.’

 

ઇશાન : ‘હા.’ મમ્મી: તને પિકનિકમાં જવાનું ખૂબ મન હતું, નહિ ?’

 

ઇશાન : ‘હા, મેં કેટલા મનથી બધું પ્લાનિંગ કર્યું હતું.’

 

મમ્મી : ‘તેં બધી જ તૈયારી કરી લીધી પણ ત્યાં આ કમબખ્ત વરસાદ આવ્યો.’

 

ઇશાન : ‘હા, આ વરસાદ બિલકુલ ખરાબ છે.’

 

 

બે-પાંચ મિનીટ પછી ઈશાને શાંત થતાં કહ્યું, ‘હશે, ફરી ક્યારેક પિકનિક જવાશે.’ તેનો ગુસ્સો ઓગળી ગયો હતો અને પછી આખો બપોર એ ડાહ્યોડમરો થઈને પોતાના કામમાં ગૂંથાયેલો રહ્યો. સામન્ય રીતે જ્યારે પણ ઇશાનને ગુસ્સો આવતો ત્યારે આખું ઘર ઉપરનીચે થતું. તે ઘરના દરેક જન સાથે કોઈ ને કોઈ બહાને બાખડી પડતો. રાત્રે જ્યારે સૂવા જતો ત્યારે જ ઘરમાં શાંતિ થતી.

 

 

ઈશાનની મમ્મીએ અપનાવેલા આ અભિગમમાં શું વિશેષતા છે અને તે કઈ રીતે વધુ મદદરૂપ બને છે ?

 

 

જ્યારે બાળક ઉત્તેજનાસભર લાગણીઓ અનુભવતું હોય ત્યારે તે કોઈની વાત સાંભળવા તૈયાર નથી હોતું. તેને કોઈ પણ પ્રકારની સલાહ, સાંત્વના કે ટીકાટિપ્પણ નથી ખપતાં. તેની ઈચ્છા હોય છે કે આપણે તેને સમજીએ. તે અપેક્ષા રાખે છે કે એ કોઈ જ સ્પસ્ટતા કે સફાઈ ન આપે. આમ છતાં, તેની અંદર શું ચાલી રહ્યું છે તેની આપણને ખબર પડે અને આપણે તે સ્વીકારીએ. આ એક એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં એ કશું પણ ન કહે, છતાં આપણે બધું જ જાણતા હોવાનું બતાવવું પડે.

 

 

જ્યારે બાળક કહે છે કે, ‘આજે ટીચરે મને માર્યું’ ત્યારે સ્વભાવિક રીતે આપણે બિનજરૂરી પ્રશ્નો પૂછવા લાગીએ છીએ.

 

‘માર પડે એવું તેં શું કર્યું હતું ?’

 

‘તેં ચોક્કસ કંઈ અળવીતરું કામ કર્યું હશે કે તને માર પડ્યો.’ આપણે એવું પણ કહેવાની જરૂર નથી, ‘ઓહ … આઈ એમ સોરી.’ તેને એ ક્ષણે એવું મહેસૂસ કરાવવાની જરૂર હોય છે કે આપણે તેના ક્ષોભને, તેના દુઃખને અને તેના દિલમાં પેદા થતી બદલો લેવાની ભાવનાને સમજીએ.

 

પણ આપણને કેમ કરીને ખબર પડે કે તેના દિલમાં શું ચાલી રહ્યું છે? આપણે બાળકને શાંતિથી સાંભળીએ અને ભૂતકાળમાં આપણને થયેલા અનુભવનો યાદ કરીએ – વત્તા બે બરાબર ચાર કરવામાં આવે – તો બહુ વાંધો આવતો નથી.આપણે જાણીએ છીએ કે જાહેરમાં પોતાના મિત્રોની સામે તેનું અપમાન થાય ત્યારે બાળકને કેવી લાગણી થતી હશે !આવા સમયે આપણે આપણા શબ્દો એવી રીતે ગોઠવવા જોઈએ કે જેથી બાળકને જાન થાય કે આપણે તેની લાગણી સમજ્યા છીએ. નીચેમાંનું કોઈ પણ વાક્ય આ ઉદ્દેશ સિદ્ધ કરી શકે –

 

‘તને ખૂબ ક્ષોભ થયો હશે.’

 

‘તને ખૂબ ગુસ્સો આવ્યો હશે.’

 

‘તને એ ક્ષણે ટીચર પ્રત્યે નફરત થી હશે, નહિ ?’

 

‘તારી લાગણીઓને ખૂબ ઠેસ પહોંચી હશે.’

 

‘તારો આજનો દિવસ ખરાબ ગયો.’ વગેરે..

 

 

આ પ્રકારનું કોઈ પણ વાક્ય કે ‘ગુસ્સો કરવો તે કંઈ સારી વાત નથી’, એ બાળકને અંદરથી શાંત કરી શકતું નથી. કે પછી ‘આ રીતે ગુસ્સો ન કરવો જોઈએ’ તેવી કોઈ સજાવટ પણ કામ આવતી નથી. આપણે સમજી લેવું જોઈએ કે તીવ્ર લાગણીઓ તેને દબાવી દેવાના કોઈ સૂચન માત્રથી શાંત થતી નથી. સાંભળનાર એ લાગણીઓને સ્વીકારે અને સમજે તો જ તેની તીવ્રતા ઓછી થાય છે કે તે શમી જાય છે.

 

આ વાત માત્ર બાળક માટે જ નહિ પણ મોટેરાઓને પણ એટલી જ લાગુ પડે છે. માતાપિતાના એક જૂથની સમૂહ્ચર્ચાનું ઉદાહરણ અહીં સૂચક છે.

 

લીડર : માની લો કે આજનો દિવસ ખરાબ ઊગ્યો છે. જ્યાં બધું જ અવળું થયા કરે છે. એક બાજુ ટેલિફોનની ઘંટડી વાગે છે, બીજી બાજુ બાળક રળવાનું ચાલુ કરે છે. અને તમે કંઈ નક્કી કરો તે પહેલાં ત્રીજી તરફ ટોસ્ટરમાં મૂકેલાં ટોસ્ટ બળવા લાગે છે. તમારા પતિ ટોસ્ટર તરફ જોઇને કહે છે, ‘હે ભગવાન, તમે ટોસ્ટ બનાવતાં ક્યારે આવડશે ?’ તો તમારી શું પ્રતિક્રિયા હશે ?’

 

 

શ્રીમતી અ : હું ટોસ્ટ તેના મોઢા પર મારીશ.

 

શ્રીમતી બ : હું કહીશ કે ટોસ્ટ તમારી જાતે બનાવી લો.

 

શ્રીમતી ક : મારી આંખમાંથી તો દડ દડ આંસુ જ નીકળી જાય.

 

લીડર : તમારા પતિના આવા સહ્બ્દો તેના તરફ તમને કેવી લાગણી ઉપજાવે ?

 

દરેક જણ એક સાથે : ‘ગુસ્સો, નફરત અને અભાવ.

 

લીડર : શું તમે ફરીથી નવો નાસ્તો બનાવીએ શકશો ?

 

શ્રીમતી અ : હા, એમાં થોકબંધ મરચું નાખીને.

 

લીડર : અને જ્યારે તમારો પતિ ઓફિસે જાય પછી બધું સાફસૂફ કરવું કેવું લાગે ?

 

શ્રીમતી અ : મારો તો આખો દિવસ જ બગડી જાય.

 

લીડર : માની લો કે પરિસ્થિતિ એની એ જ રહે છે, પણ બળેલા ટોસ્ટ જોઇને તમારો પતિ કહે છે ‘ડાર્લિંગ, આજની સવાર જ તારા માટે ખરાબ છે. બાળક, ફોન અને હવે ટોસ્ટ.’

 

શ્રીમતી અ : મારો પતિ એવું બોલે તો તો મને ચક્કર જ આવી જાય.

 

શ્રીમતી બ : મને ઘણું સારું લાગે.

 

શ્રીમતી ક : મને તો એટલું સારું લાગે કે હું તો તેને ભેટી જ પડું.

 

લીડર : કેમ ? બાળકો તો હજી પણ રડે છે અને ટોસ્ટ પણ બળેલાં છે.

 

દરેક જન (એક સાથે) : પણ એનો વાંધો નથી.

 

લીડર : પતિના આ બીજા વાક્યમાં ફર્ક શું છે ?

 

શ્રીમતી બ : તમે અંદરથી આભારવશ બનો કે તે તમારી ખોળ નથી કાઢતો, તે તમારી સાથે છે, વિરુદ્ધ નથી.

 

લીડર : અને જ્યારે પતિ ઓફિસે જાય પછી ઘર સાફસૂફ કરવું અઘરું લાગશે ?

 

શ્રીમતી ક : ‘ના રે ના. હું તો ગીતો ગાતાં ગાતાં ઘર સાફ કરીશ.

 

લીડર : ચાલો, હવે હું એક ત્રીજા પ્રકારના પતિદેવોની વાત કરું. તે બળેલા ટોસ્ટની સામે જોઇને શાંતિથી કહેશે, ચાલ તને હું ટોસ્ટ બનાવતાં શીખવાડું.

 

શ્રીમતી અ : ઓહ નો. એ તો પહેલાં કરતાંય ખરાબ કહેવાય. એ તમને બુદ્ધુ હોવાનો અહેસાસ કરાવશે.

 

લીડર : આ ત્રણેય અભિગમ બાળકો સાથેના આપણા વ્યવહારને કઈ રીતે લાગુ પડે છે તે જોઈએ.

 

શ્રીમતી અ : હવે મને સમજાય છે કે તમે શું કહેવા માગો છો. હું હંમેશાં મારા બાળકને કહું છું, ‘આટલો મોટો થયો તો પણ તને આટલી ખબર નથી પડતી ?’ અને એને હંમેશાં ખૂબ ગુસ્સો ચઢે છે.

 

શ્રીમતી બ : હું હંમેશાં મારા દીકરાને કહું છું, ચાલ, હું તને શીખવું કે આ કેમ કરાય.

 

શ્રીમતી ક : મને તો રોકટોકની એટલી આદત પડી ગઈ છે કે મને કોઈ ફર્ક નથી પડતો. નાનપણમાં મારી મા મારા માટે જે શબ્દો વાપરતી તે જ શબ્દો હું વાપરું છું, મને મારી મા પ્રત્યે ખૂબ ગુસ્સો આવતો. હું ક્યારેય કશું સરખું કામ નહોતી કરતી અને તે હંમેશાં મારી પાસે સરખું કામ કરાવવાનો પ્રયત્ન કરતી.

 

લીડર : અને હવે તમે તમારી દીકરી સાથે જ એ હ શબ્દો વાપરો છો ?

 

શ્રીમતી ક : ‘હા, મને એ જરાય નથી ગમતું. હું જ્યારે એવું કરું છું ત્યારે મને મારી જાત પ્રત્યે પણ અણગમો ઊપજે છે.’

 

લીડર : તમારા બાળક સાથે વાત કરવાના સારા રસ્તાઓની તમને તલાશ છે ?

 

શ્રીમતી ક : હા. જરૂર

 

લીડર : ચાલો, આપણે જોઈએ કે બળેલા ટોસ્ટની કહાની આપણને શું શીખવે છે. એવું શું છે જે ખરાબ લાગણીઓને પ્રેમાળ લાગણીઓમાં ફેરવી દે છે ?

 

શ્રીમતી બ : એ જ કે કોઈ તમને સમજે છે.

 

શ્રીમતી ક : તમારો દોષ કાઢ્યા વગર.

 

શ્રીમતી અ : અને તમને શીખવવાનો ઉપદેશ આપ્યા વગર.

 

શબ્દોમાં એવો જાદુ છે જે ઊકળતી પરિસ્થિતિને આનંદના અવસરમાં પલટી શકે છે.

 

આ વાર્તાલાપ ઉપરથી શીખ મળે છે કે આપણા તમામ પ્રતિભાવો (પછી તે શબ્દો હોય કે લાગણીઓ) આપણા ઘરના વાતાવરણને ડહોળવામાં કે આનંદમય બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

 

 

(ડૉ. હેમ ગિનોટના બિટ્વીન ‘પેરેન્ટ એન્ડ ચાઈલ્ડ’ ના તૃપ્તિ સોનીએ કરેલ ગુજરાતી રૂપાંતર ‘માબાપ અને બાળક’ ના સૌજન્યથી – )

 

 

(રા.જ.૮-૧૦/(૧૬-૧૮)/૧૯૪-૯૬)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

પોસ્ટ પરના આપના પ્રતિભાવનું સ્વાગત છે, જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શકરૂપ બની રહે છે.

 

 

(નોંધ : બ્લોગ થીમ – ટેકનીકલ કારણસર ચેન્જ કરવાની ફરજ પડેલ હોય, જૂની પોસ્ટ વાંચવામાં જો કોઈ આપને તકલીફ પડેલ હોય તો અમો દિલગીર છીએ., થોડા સમયમાં બધીજ પોસ્ટ પૂર્વવત વાંચી શકાય તમે યોગ્ય ફોન્ટ સાઈઝમાં થઇ જશે. સહકાર બદલ આભાર !)