દાન આપવું,દાનનો મર્મ …

દાન આપવું, દાનનો મર્મ  …

 

image001-1[1]                                    Merry Chritsmas”

dan no murm

 

 

 

 

 

 

 

 

નદી ખુદ પોતાનું પાણી નથી પીતી, વૃક્ષો ખુદ પોતાના ફળો નથી ખાતા, ફૂલો સ્વયં પોતાની સુવાસ નથી લેતા, વર્ષા ઋતુ પોતે પોતાની વર્ષાથી ઉગાવેલ અનાજ નથી કારણ કે સદગૃહસ્થ અને સજ્જનોનો સ્વભાવ છે કે પોતાની પાસે પોતાનું જે કાંઇ સર્વોત્તમ છે તે પ્રકૃતિના અન્ય પરિબળોને આપી દેવાનું. પ્રકૃતિની જેમ માણસે પણ દેવાનું શીખવું જોઈએ. પરંતુ દેવું એ સારું છે તેમ છતાં પણ દેવા માટે મનુષ્ય નકાર કરતો રહે છે. દાન શબ્દ યુગો યુગોથી ભારતીય સંસ્કૃતિમાં વણાયેલો છે. ઋષિમુનિઓના શિક્ષાદાન, મહારાજા શિબિના દેહદાનથી લઈ આજ દિવસ સુધી અનેક પ્રકારના દાનનું પ્રતિબિંબ સમાજદર્પણમાં પડતું રહે છે તેમ છતાંયે દાન એટ્લે શું? શું કંઇ દાન દેવાની પણ કલા હોય શકે કે તેવા અનેક પ્રશ્નો સદાયે આપણાં મનમાં ઉઠતાં હોય છે. આપણાં સમાજમાં, આપણાં ધર્મમાં, આપણાં શાસ્ત્રોમાં દાન દેવાનાં અને દેવાનાં અનેક પ્રકારો બતાવ્યાંમાં આવ્યાં છે.        જેમ કે કન્યાદાન, અન્નદાન, લક્ષ્મીદાન, શિક્ષા દાન, ગૌદાન…….ગુપ્ત દાન એમ ગણ્યા ગણાય નહીં તેટલા દાન આપણાં વેદો અને ઉપનિષદમાં વર્ણવેલા છે. આપણે પણ અનેક પ્રકારના દાન એક યા બીજી રીતે કરીએ પણ છીએ તેમ છતાં જો દાન શબ્દનો અર્થ શું છે તે સામાન્ય રીતે આપણને ખબર હોતી નથી. ઉપનિષદમાં દાનનો શાબ્દિક અર્થ બતાવતાં કહેલું છે કે દા એટ્લે કે દેવું અને ન એટ્લે કે નકારવું. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું દઈને નકારવાનું છે? સંતો અને વિદ્વાનો કહે છે કે મનુષ્યમાં સુસુપ્ત એવી એક અહંકારની વૃતિ રહેલી છે જ્યારે દેનાર કંઇ દેવા માટે નીચે નમે છે ત્યારે તેનામાં રહેલી અહંકારની વૃતિ જાગૃત થઈ ઊઠે છે જેને કારણે તે મનુષ્ય ગર્વિત થઈ ઊઠે છે આથી આપણાં ધર્મ પુસ્તકો કહે છે કે દાન દઈને પોતાનામાં રહેલા ગર્વ અને અહંકારને નકારવાનો છે. હિન્દુ ધર્મ સહિત અન્ય ધર્મોમાં પણ સુપાત્રને દાન કરવાનું મહત્વ રહેલું છે, પરંતુ અહીં એક પ્રશ્ન એ પણ થાય કે કોને દેવું જોઈએ અને કોને ન દેવું જોઈએ, તેમજ દેવું હોય તો ક્યારે દેવું જોઈએ?

 

 

દાન દેવાની બાબતમાં મહાભારતમાં એક પ્રસંગ બતાવેલો છે. જેમાં મહારાજ યુધિષ્ઠિર પાસે મોડી બપોરે એક યાચક દાન લેવા માટે આવ્યો ત્યારે મહારાજ યુધિષ્ઠિરે બીજે દિવસે આવવાનું કહ્યું જ્યારે ભીમે આ વાત જાણી ત્યારે તે અત્યંત હર્ષિત થઈ કહેવા લાગ્યો કે આજે મોટાભાઈએ કાલ પર વિજય મેળવી લીધો છે કારણ કે આવતી કાલે તેઓ દાન દેવા માટે તેઓ હાજર રહેશે તે વાતની તેમને જાણ થઈ ગઈ છે. ભીમની આ વાત મહારાજ યુધિષ્ઠિરની સમજમાં આવી ગઈ કે દેવા માટે આવતી કાલે તે વ્યક્તિ અને પોતે પણ જીવિત હશે કે નહીં તે વાત તેઓ જાણતાં નથી, માટે આજનો જ દિવસ દેવા માટે, અને આપવા માટે સૌથી સરસ છે.

 

 

કોને દેવું જોઈએ …

 

 

શાસ્ત્રો કહે છે કે વ્યક્તિને પોતાના જીવનમાં કોને શું દેવું અને કેટલું દેવું તે વ્યક્તિના પોતાના પર નિર્ભર રહેલું છે જ્યારે મનુષ્ય પોતાની આસપાસ રહેલા કોઈ વ્યક્તિને આપે છે ત્યારે તેમાં સૂક્ષ્મ અંશ રૂપે સ્વાર્થ રહેલો હોય છે પરંતુ શાસ્ત્રો નિઃસ્વાર્થી બનીને દીધેલાં દાનને અનમોલ અને અમૂલ્ય માને છે. આપણાં સમાજમાં એક નિયમ છે પિતા પોતાનો વારસો પોતાના સંતાન ને સોંપે છે પરંતુ શાસ્ત્રો પૂછે છે કે આપણે આપણાં સંતાનોને કેટલું દેવું જોઈએ? વિદ્વાનો કહે છે કે તમે એટલું તમારા સંતાનોને આપી જાઓ કે તેઑ કંઇ કરી શકે, પરંતુ એટલો વારસો આપીને ન જાઓ કે તેઓ કંઇ જ ન કરે. આજે આપણાં સમાજમાં દાન દેનારા તો ઘણાં જ મળી આવે છે પરંતુ શું આપણે ક્યારેય આપણી આસપાસ નજર ફેરવીને જોયું છે? કારણ કે હજારો કે લાખોનું દાન કરનારા કે દેવાવાળાની આજુબાજુ પણ એવા ઘણા લોકો રહેલા છે જેને તેઓ મદદ કરી તેમના ખરાબ સમયમાંથી તેમને બહાર લાવી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં કરેલી માખણચોરી અને દાણલીલાનો આજ સંદર્ભ છે કે વ્રજના માખણ, દૂધ, દહીં વગેરે પર સૌ પ્રથમ વ્રજના બાળકો, અને વાછરડાઓનો અધિકાર છે. જ્યારે સૌ પ્રથમ વાછરડાઑ અને ત્યાર બાદ બાળકો અને ગામના અન્ય લોકો સંતુષ્ટ હોય ત્યાર પછી જ વધેલું દહીં, દૂધ, માખણ મથુરા વેચાવા જશે. ભગવાન શ્રી કૃષ્ણનો અહીં કહેવાનો અર્થ એ છે કે કોઈને કંઇ દાન કરો તે પૂર્વે તમારી આસપાસ જ નજર ફેરવીને જુઓ કે આપના સગા સંબંધીઓમાં જ કોઈ એવું વ્યક્તિ તો નથી ને જેને મદદની જરૂર હોય પરંતુ તે શરમના માર્યા કહી શકતાં ન હોય? એક કહેવત છે કે ગરીબોને મદદ કરવા માટે સૌ આગળ આવશે અને સાથે ગરીબને મદદ જોઈશે તો તે હાથ આગળ કરતાં શરમાશે નહીં, ધનિકોને મદદની જરૂર નથી પરંતુ જે મધ્યમ વર્ગ છે તેઓને મદદની જરૂર હોવા છતાંયે તેઓ સંકોચને કારણે હાથ લાંબો કરી શકતાં નથી જેને કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી જ વિદ્વાનો કહે છે કે દેવાની શરૂઆત કરતાં પહેલા તમારા કુટુંબની સમસ્યાઓને દૂર કરો જેથી કરીને એક સ્વસ્થ પરિવાર એક સ્વસ્થ સમાજનો ભાગ બની શકે. એ જ રીતે કોને દેવું જોઈએનાં સંદર્ભમાં બીજી એક અન્ય વાત પણ રહેલી છે કે ઘણીવાર એવું બને છે કે જ્યારે આપણે દેવાનો સમય આવે છે ત્યારે આપણે સામી વ્યક્તિને અને તેના વ્યવહારને ખરાબ માનીને તેને દેવાની ના કહી દઈએ છીએ અથવા તેને દેવાની પ્રક્રિયાથી બચવા માગે છીએ. કારણ કે આપણે સ્વયં માની લઈએ છીએ અથવા સ્વયંને મનાવી લઈએ છીએ કે સામી વ્યક્તિ લેવા માટે પાત્રતા ધરાવતી નથી. પરંતુ શાસ્ત્રો કહે છે કે કારણ કે પોતાની માન્યતા પર જ નિર્ણય લેનાર વ્યક્તિ જીવનમાં થનાર પ્રત્યેક બદલાવની પ્રક્રિયાનો નકાર કરી દે છે જે દેવાવાળા માટે બરાબર નથી માટે પોતાના પૂર્વાનુમાન ઉપર સ્વયં નિર્ણય લેવો યોગ્ય નથી કે પોતાના નિર્ણય પર જ તે વ્યક્તિનો અસ્વીકાર કરી દેવો તે પણ યોગ્ય નથી.

 

 

કેટલું દેવું જોઈએ? …

 

 

જેમ દાન દેવા માટે વર્તમાન જ શ્રેષ્ઠ છે તેમ માનતાં હોવા છતાં કોને દાન દેવું જોઈએ તે પ્રશ્ન ઊભો થાય છે તેમ કેટલું દેવું તે પ્રશ્ન પણ ઊભો થાય છે. ઇતિહાસમાં પ્રસંગ છે કે મોગલોની સામે લડતા લડતા પોતાની સંપતિ અને શક્તિ હારી ગયેલા મહારાણા પ્રતાપનાં ચરણોમાં સંકટના સમયે શેઠ ભામા શાહે પોતાની તમામ સંપતિને મૂકી દીધી જેના કારણે મહારાણા પ્રતાપમાં ખોવાયેલું બળ પાછું આવ્યું. અહીં મુખ્ય વાત એ છે કે મહારાણા પ્રતાપને તેમની મુશ્કેલીના સમયમાં ફક્ત ભામા શાહ તરફથી ફક્ત સંપતિ જ નહીં પરંતુ માનસિક સાથ પણ મળ્યો છે જેના કારણે તેમને ફરી ઊભા થવાની તાકાત મળી. બીજા શબ્દોમાં કહીએ તો આપ કેટલું દઈ શકો છો તે જરૂરી નથી, પણ ક્યા સમયમાં કેટલું અધિક, કેટલા પ્રેમથી અને કેવા મનથી દઈ શકો છો તે જોવું જરૂરી છે.

 

 

શું દેવું જોઈએ? …

 

 

જગતમાં જરૂરી નથી કે આપ શું દઈ રહ્યાં છો આપ કેવળ ધૂળ પણ દઈ શકો છો પરંતુ એ ધૂળ પણ ક્યા ભાવથી દઈ રહ્યાં છો. ચપટી એવી એ ધૂળ પણ આપ સાચા મનથી અને હસીને દો છો ત્યારે એ ધૂળનું મહત્વ પણ વધી જાય છે, અને બની શકે કે મનથી આપેલી એ ચપટી ધૂળ પણ ચરણરજ બની જાય જેનું મૂલ્ય અનમોલ હોય.

 

 

વ્યક્તિનો આપ્યા બાદનો અનુભવ અને પીડા …

 

 

મહાભારતનાં એક પ્રસંગમાં ભીલપુત્ર એકલવ્ય પાસેથી ગુરુ દ્રોણે ગુરુદક્ષિણામાં તેનો અંગુઠો માંગી લીધો અને એકલવ્યએ અંગુઠો આપી પણ દીધો. ઇતિહાસની જેમ આપણે પણ એમ જ જાણીએ છીએ કે અંગુઠો દાન દીધા બાદ પણ એકલવ્ય સદાયે એજ સંતોષમાં રહ્યો કે ગુરુ આજ્ઞાનું તેણે માન રાખ્યું છે. પરંતુ ઇતિહાસકારો કહે છે કે ઉત્તમ ગુરુભક્તિના પ્રમાણરૂપ આ પ્રસંગની આગળની આખી વાત અજ્ઞાત બનીને ઇતિહાસમાં ખોવાઈ ગઈ. જે પ્રસંગને આપણે એકલવ્યના જીવનમાં સંતોષરૂપ પ્રસંગ માનીએ છીએ તે જ પ્રસંગ એકલવ્યના મનમાં પીડા બનીને સદાને માટે ઘર કરી ગયો. એકલવ્યને હંમેશા દુઃખ રહ્યું કે ગુરુ દ્રોણની અર્જુન ને શ્રેષ્ઠ બાણાંવળી બનાવવાની ઘેલછાને કારણે તેણે પોતાનો અંગુઠો સદાને માટે ગુમાવવો પડ્યો એટલું જ નહીં જે ધનુષ વિદ્યા શીખવા માટે તેણે આટલો પ્રયત્ન કર્યો તે જ ધનુષ વિદ્યાથી તે સદાને માટે દૂર થઈ ગયો. જેને કારણે અર્જુનનો દોષ ન હોવા છતાં તેને હંમેશા અર્જુન સાથે વૈમનસ્ય રહ્યું. આ જ પ્રસંગને અનુરૂપ એક અન્ય વાત પણ છે કે કુરુક્ષેત્રનાં યુધ્ધમાં ધૃષ્ટદ્યુમ્નનાં હસ્તે નિઃશસ્ત્ર એવા ગુરુવર દ્રોણનું મૃત્યુ થયું ત્યારે દુર્યોધને એકલવ્યને પૂછ્યું કે તારી હાજરી હોવા છતાં ગુરુ દ્રોણની હત્યા શી રીતે થઈ? ત્યારે એકલવ્ય કહે કે મિત્ર આજે આટલા વર્ષ પછી પણ મને એ પીડા છે કે મે ગુરુવરની ઈચ્છા પૂર્ણ ન કરી હોત તો આજે હું દૂરથી જ મારા બાણ દ્વારા ધૃષ્ટદ્યુમ્નનો અંત કરીને ગુરુદ્રોણની રક્ષા પણ કરી શક્યો હોત પરંતુ સચ્ચાઈ એ છે કે મારી પાસે મારા ધનુષને ટેકો આપવા માટે અંગુઠો નથી. આ કથાનો અર્થ એ છે કે એકલવ્યને દાન દીધા બાદની પીડા હંમેશા રહી છે, આથી જ કહેવામાં આવે છે કે દેનાર વ્યક્તિએ એકવાર દઈ દીધું ત્યારબાદ કોઈપણ પ્રકારની પીડા, દુઃખ કે અફસોસ ન કરવો જોઈએ.

 

 

કેવી રીતે દેવું? …

 

 

કોઈને કશું દેવું હોય તો કેવી રીતે દેવું જોઈએ? બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપ કોઈને જમણા હાથે કંઇ આપો ત્યારે આપના ડાબા હાથને પણ જાણ ન થવી જોઈએ કે આપે કોઈને કંઈ આપ્યું છે અર્થાત કોઈપણ પ્રકારના પ્રચાર કે જાહેરાત વગર મૂક બનીને ગુપ્ત રીતે દેવું જોઈએ કારણ કે પ્રસાર, પ્રચાર કે જાહેરાત કરીને દેવાથી વ્યક્તિનો ખોટો અહંકાર વધે છે અને જે કાંઇ દઈ રહ્યાં છે તેનું મૂલ્ય પણ ઓછું થઈ જાય છે. સજ્જનો કહે છે કે કોઈને કંઈક દેવા માટે જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે, અથવા કોઈને ય કશુંયે દેતા પૂર્વે એ રીતે દેવું જોઈએ કે લેનાર વ્યક્તિને પોતે કંઈક લઈ રહ્યાં છે અને પોતે દેનાર વ્યક્તિથી ઊતરતી કક્ષાનાં છે તેમ તેઓને ન લાગવું જોઈએ. વળી લેનાર વ્યક્તિઓના માન સન્માન સચવાય તે રીતે અને દેનાર વ્યક્તિનો પોતાનો ગર્વ કે અહંકાર ન વધે તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. આથી જ સમાજના વિદ્વાનો કહે છે કે જ્યારે વ્યક્તિ ગુપ્ત દાન કરે છે ત્યારે વ્યક્તિઓમાં શાલિનતાં અને કૃતજ્ઞતાનો વધારો થતાં વ્યક્તિ વધુ વિનમ્ર બને છે.

 

 

દાન અને દેવાની બાબતે આપણાં શાસ્ત્રોનો અભિપ્રાય …

 

 

સંત કબીર કહે છે કે નાવમાં વધી ગયેલું પાણી નાવને ડૂબાડી દે છે તેમ ઘરમાં પણ આવી ગયેલા વધુ પડતાં ધનને કારણે વ્યક્તિ પણ પતનને માર્ગે ચડી જાય છે આથી જ્યારે જ્યારે નાવમાં પાણી અને ઘરમાં ધનનો વધારો થઈ જાય ત્યારે બંને હાથે ઉલેચી નાખવું તેજ ચતુર વ્યક્તિઓનું કામ છે. કવિ કાલિદાસ કહે છે કે જ્યારે કોઈ સજ્જન વ્યક્તિ પાસેથી માંગે છે ત્યારે સજજનો મુખથી કશુંયે કહેતા નથી બલ્કે બોલ્યા વગર જ કામ પૂરું કરી આપે છે. અથર્વ વેદમાં કહ્યું છે કે હજાર હાથે સંચય કરવું અને લાખો હાથોથી વહેંચવું કારણ કે વહેંચવાથી ઘટાડો નથી થતો બલ્કે આપના પુણ્યમાં વધારો થાય છે. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે દેવા માટે અને દાન દેવા માટે આજનો જ સમય અમૂલ્ય છે.

 

 

પૂર્વી મોદી મલકાણ  – (યુ એસ એ.)

 

 

બ્લોગ લીંક :http://das.desais.net
email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાનનો મહિમા’ ..  ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન મલકાણ (યુ.એસ.એ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., જે લેખિકાની કલમને સદા બાદ પૂરે છે અને અમોને પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શક બની રહે છે. …. આભાર !