અષ્ટસખા ચરિત્ર- … (સૂરદાસજી) …

અષ્ટસખા ચરિત્ર- …(સૂરદાસજી) …

 

 

 

 

૧) સૂરદાસજી …

 

 

સંત સૂરદાસજીના નામથી તો ભાગ્યે જ કોઈ અજાણ હશે. નિકુંજલીલામાં તેઓ કૃષ્ણસખા હતાં અને સખીમંડળમાં તેઓ ચંપકલતા સખી હતાં. તેમની સ્વરૂપાશક્તિ શ્રીમથુરેશજીમાં હતી. જન્મથી અંધ હોવા છતાં તેમને પ્રભુના પ્રમેય બલથી લીલાના દર્શન થતાં અને તે લીલાને અનુરૂપ તેઓ ગાન કરતા હતાં. શ્રી સૂરદાસજીનો જન્મ ઈ.સ.૧૪૭૯ માં દિલ્હી નજીક એક સિંહી ગામમાં એક ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ હતાં. તેમનું કુટુંબ પોતાનું ભરણપોષણ માંડ માંડ કરતુ, તેમાં તેમને ત્યાં આવેલા આ અંધ બાળકે તેમની વ્યથામાં વધારો કરી દીધેલો હોઈ તેમનાં પિતા અને તેમનાં અનુજો તેમની ઉપેક્ષા કરતાં હતાં. તે બાળકને પિતાનો પ્રેમ તો આ બાળકને ક્યારેય ન મળ્યો, પણ મા તેમને ખૂબ વ્હાલ કરતી. તેને પોતાના ખોળામાં બેસાડી, હળવે સાદે ભજનો ગાતી. માતાની ગોદમાં સુરક્ષિત એ બાળક પાંચ-છ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેમને માતા પાસેથી સાંભળેલાં અને શીખેલા અનેક ભજનો મોઢે થઇ ગયા હતાં. સૂરદાસજીનાં ગૃહ પાસેથી જે સાધુ સન્યાસી અને ભક્તોની ભજન મંડળી પસાર થાય તેના પણ ભજન, કીર્તન અને પદ તે યાદ રાખીને ગાવા લાગ્યાં. તે હમેંશા મા ને કહેતો,”મા મારે આ લોકો સાથે જવું છે.”

 

 

એક સમયે કોઈ શ્રીમંતે સૂરના પિતાને બે સોનામહોરો આપી. તેમનાં પિતાએ ક્યારેય સુવર્ણ મહોરો જોઈ ન હતી. તેથી તેમને ચિંતા થઇ ગઈ કે, આ મહોરો આવા ઘરમાં રાખવી શી રીતે?! આથી તેમણે એ મ્હોરોને એક ચીંથરામાં બાંધીને, એક સુરક્ષિત જગ્યામાં મૂકીને સૂઈ ગયાં. તે રાત્રે ઉંદરો આ ચીંથરાને તેમના દરમાં ખેંચીને લઇ ગયા. સવારે મહોરોની શોધાશોધ થઇ ત્યારે પિતાએ કહ્યું કે જ્યારથી આ અભાગિયો મારા ગૃહમાં આવ્યો છે ત્યારથી મારા ગૃહમાં રહી સહી જે લક્ષ્મી હતી તેણે પણ મોં ફેરવી લીધું છે ત્યારે સૂરદાસજીએ પિતાને કહ્યું કે, હું આપને તે સુવર્ણ મહોરો શોધી આપું પણ શરત એ કે આપે મને આ ઘરમાંથી જવા દેવો. પિતાને ક્યા વાંધો હતો? સૂરદાસજીએ આ મહોરોનું ચીંથરું શોધી આપ્યું અને તેણે ઘર છોડ્યું, ત્યારે તેમની મા વિલાપ કરતી કહેવા લાગી કે, પુત્ર તું ન જા તારી કોણ સંભાળ લેશે? ત્યારે સૂરદાસજી કહેવા લાગ્યાં કે,”મા જે સહુની સંભાળ લે છે તે કૃષ્ણ મારી પણ સંભાળ લેશે.”

 

 

 

સૂરદાસજી ચાલતા ચાલતા એક ગામમાં આવ્યાં. તે ગામમાં એક તળાવની પાળે તેઓ બેઠા હતાં ત્યારે કોઈ ખેડૂત પોતાની ભેંસ શોધતો શોધતો ત્યાં આવ્યો. તે ખેડૂતનો અવાજ સાંભળીને સૂરદાસજીએ તે ખેડૂતને બોલાવીને કહ્યું કે અમુક દિશામાં જા ત્યાં તારી ભેંસ તને મળી જશે. ખેડૂત વિચારવા લાગ્યો કે આ બાળક તો સૂર છે તેણે કેવી રીતે ખબર પડી. પરંતુ ન જાણે કેમ તેને સૂરની વાતમાં વિશ્વાસ આવ્યો અને સૂરની બતાવેલી દિશામાં તે ગયો ત્યારે તેને તેની ખોવાયેલી ભેંસ મળી આવી આથી ખેડૂત ખૂબ ખુશ થયો તે સૂરદાસજીની વાત આખા ગામમાં કરવા લાગ્યો. જ્યારે ગામવાળાને ખબર પડી ત્યારે તેઓ સૂરદાસજીની પાસે આવ્યાં તેમણે જોયું કે સૂરદાસજી તો કીર્તન ગાવામાં અને પ્રભુને યાદ કરવામાં મગ્ન થયેલા છે ત્યારે ગામલોકોને આ બાળ સન્યાસી માટે ખૂબ માન ઉપજ્યું. તેમણે આ બાળકને માટે ગામમાં જ ઝુંપડી બાંધી આપી. હવે સૂરદાસજી ત્યાં રહીને પોતાના પદો રચીને ગાવા માંડ્યા. એમના પદોમાં તેમની ઊંડી આંતર દ્રષ્ટિ પ્રગટ થતી હતી.

 

 

 

સમય વીતવા લાગ્યો હતો. આમ કરતાં કરતાં ‘સૂરદાસજી’ ૧૮ વર્ષના થઇ ગયા. હવે તેઓ “સૂરસ્વામી” તરીકે ઓળખાવા લાગ્યા હતાં. પરંતુ જે મોહમાયાને તેઓ ત્યાગી ને આવ્યાં હતાં તે મોહમાયા તેમને અહીં ફરી વળગતી દેખાઈ. આથી તેમણે વિચાર્યું કે જે બલાને છોડીને આવ્યો હતો તે બલા પાછી વળગી રહી છે અને હવે મારે કોઈ જગ્યાએ પ્રસિદ્ધિમાં બંધાવું નથી. આથી તેમણે પોતાના પિતાને ગામમાંથી બોલાવ્યાં અને બધું જ સોંપી દીધું. ત્યારબાદ તેમણે ફરી પોતાનો નવો પ્રવાસ વ્રજભૂમિ તરફ આદર્યો. તેઓ વ્રજભૂમિમાં યમુના કિનારે આવ્યાં અને અહીં તેઓ “ગૌઘાટ”માં તેઓએ મુકામ કર્યો. આ ઘાટ પર રોજ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી આવતા. તેઓ વારંવાર સૂરદાસના પદો અને ભજનો સાંભળી ખુશ થતાં. એક દિવસ તેમણે સૂરદાસનું, ‘મો સમ કૌન કુટિલ ખલ કામી’ આ ભજન સાંભળ્યું અને તેમણે સૂરદાસજીને કહ્યું આપી કે, ”સૂર આપ પદો અને ભજનોમાં વિલાપ કે ક્રંદનનો ભાવ ન દર્શાવતાં પ્રભુની લીલારૂપનું વર્ણન કરો.”ત્યારે સૂરદાસજીએ કહ્યું કે પ્રભુ મને કૃષ્ણ લીલાનો અનુભવ નથી” ત્યારે મહાપ્રભુજીએ તેમને બ્રહ્મસંબંધની દીક્ષા આપી શરણે લીધાં અને “શ્રી કૃષ્ણઃ શરણં મમ” નો મંત્ર આપ્યો.

 

 

 

શ્રી સૂરદાસજીએ ગુરુચરણની કૃપાથી જે કૃષ્ણલીલાનો અનુભવ કર્યો તેમાં તેમણે અનેક પદોની રચના કરી. જેમાં બાલ્યલીલા અને આશ્રયના પદો મુખ્ય છે. “મૈયા મોરી મૈ નહિ માખણ ખાયો”, “અબ મૈ નાચ્યો બહોત ગોપાલ,” “દ્રઢ ઇન ચરનન કેરો ભરોસોં” જેવા અનેક પદોની રચના કરનાર શ્રી સૂરદાસજીનું સ્થાન અષ્ટસખામાં પ્રથમ માનવામાં આવે છે. શ્રી સૂરદાસજીને શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરન પુષ્ટિમાર્ગનાં જહાજ તરીકે ઓળખાતાં હતાં.

 

 

 

એક દિવસ સૂરદાસજી જમવા બેઠાં. તેમની સેવામાં કાયમ એક ગોપાલ નામનો સેવક રહેતો. એક દિવસ જયારે તેઓ ભોજન લેવા બેઠાં ત્યારે ત્યાં પાણી ન હતું. આથી તેમણે જલ લાવવા માટે ગોપાલને બૂમ પાડી, પરંતુ ગોપાલ આવ્યો નહિ. ફરીથી તેમણે બુમ પાડી ત્યારે ક્યાંકથી કોઈ આવીને જલ આપી ગયું. થોડીવારે તે સેવક આવ્યો અને કહે કે, “ હું પાણી આપવાનું ભૂલી ગયો હતો.” તો સૂરદાસજીએ કહ્યું કે, હમણાં તો તું જલ આપી ગયો. તો સેવકે કહ્યું કે હું અહિયાં હતો જ નહિ આપને માટે જલનો પ્રબંધ કરવા ગયો ત્યારે કોઈ વૈષ્ણવ રસ્તામાં મળી જતાં તેમની સાથે બે ઘડી સત્સંગ કરવા રોકાયો એમાં આપને ભૂલી જ ગયો..” સેવકની વાત સાંભળી સૂરદાસજી વિચારવા લાગ્યાં કે “તો પછી કોણ મને જલ પીવડાવી ગયું? આમ સૂરદાસજી અને સેવક વિચારી રહ્યાં હતાં ત્યારે સેવકે જોયું કે ત્યાં સોનાની ઝારી પડી હતી, તે ઝારી જોતાં જ સેવક કહે કે સોનાની ઝારી તો ફક્ત મંદિરમાં જ હોય છે માટે કદાચ આ ઝારી પણ મંદિરની જ હોય તેવું લાગી રહ્યું છે માટે ચાલ આ ઝારી મંદિરમાં ધરી આવું. આમ વિચારી સેવક મંદિરમાં આવ્યો ત્યારે અન્ય વૈષ્ણવો પાસેથી મંદિરની ઝારી ખોવાયાનાં સમાચાર મળ્યાં ત્યારે તે તરત જ શ્રી ગુરૂચરણ વિઠ્ઠલેશજી પાસે ગયો અને બધી વાત કહી સંભળાવી, અને પોતાની સાથે લાવેલી સોનાની ઝારીને તેમનાં ચરણમાં મૂકી દીધી. શ્રી વિઠ્ઠલેશજીએ સેવકની વાત સાંભળી ત્યારે તેમને ખબર પડી ગઈ કે ગોપાલ સેવકને નામે સ્વયં દેવદમન મંદિરમાંથી સૂરદાસજીની કુટિયા પર પધારેલાં હતાં. આથી તેમણે સેવક ગોપાલને બીજીવાર સૂરદાસજીને શ્રમ ન પડે તે હેતુથી સાવધ રહેવાનું કહ્યું.

 

 

 

શ્રી સૂરદાસજીએ અનેક પદોની રચના કરી હતી પરંતુ તેમની મનોકામના સવાલાખ પદો રચવાની હતી. તેમણે ૧ લાખ પદો પૂર્ણ કર્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે હવે ટૂંક સમયમાં જ તેમણે ભૂતલનો ત્યાગ કરવો પડશે. ત્યારે તેઓ વિચારી રહયા હતાં કે મારી મનોકામના સવાલાખ પદોની હતી હવે તે મનોચ્છા કેવી રીતે પૂર્ણ થશે? એકવાર એક રાત્રિએ જેમ પ્રભુની ઈચ્છા હશે તેમ જ થશે તેમ કહી પોતાની સમસ્ત મૂંઝવણ પ્રભુચરણોમાં મૂકી સૂઈ ગયા. બીજે દિવસે જ્યારે તેઓ પદોની રચના કરવા બેઠા ત્યારે તેમણે જોયું કે “સૂરશ્યામ”ની છાપ નીચે ૨૫૦૦૦ પદો તેમાં ભળી ગયાં છે તે જોઈને શ્રી સૂરદાસજીને ખ્યાલ આવી ગયો કે પોતાનાં સવાલાખ પદોની ભાવનાનો સંકલ્પ પ્રભુએ પૂર્ણ કર્યો છે. શ્રી સૂરદાસજીએ સૂર, સૂરદાસ, સૂરસાગર, સૂરરસસાગર એવા નામથી અનેક પદોની રચના કરી છે જેમાં “સૂરશ્યામ”ની છાપવાળા પદો સ્વયં શ્રી દેવદમન શ્રીનાથજી બાવાનાં શ્રી હસ્તે રચાયેલ છે.

 

 

 

તેઓ ૮૦ વર્ષની વૃધ્ધાવસ્થા સુધી મથુરા પાસેનાં “પારાસોલી” ગામમાં રહ્યા. ઈ.સ. ૧૫૬૩માં શ્રી વિઠ્ઠલેશ ચરણમાં “દ્રઢ ઇન ચરનન કેરો ભરોસોં” એ આશ્રય પદ ગાઇ પોતાનો દેહ છોડીને ભૂતલનો ત્યાગ કર્યો. શ્રી સૂરદાસજીની જીવનભરની સાધનાનો અર્ક તેમના તમામ પદ અને કિર્તનોમાં દેખાય છે. તેથી એમ કહી શકાય કે શ્રી સૂરદાસજીનાં રચેલા અષ્ટછાપ કિર્તનો અને પદો દ્વારા તેઓ આજે પણ આપણી સાથે જ છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ તો ત્યાં સુધી કહે છે કે જ્યારે જ્યારે સેવામાં રત વૈષ્ણવ અષ્ટસખા રચિત પદોનું ગાન કરે છે ત્યારે તે વૈષ્ણવોમાં અષ્ટસખાનો અંશ આવીને બિરાજી જાય છે અને વૈષ્ણવ સ્વયં પોતાના પ્રભુ પાસે અષ્ટસખાનું રૂપ ધારણ કરી લે છે.

 

 

 

 સંકલન : પૂર્વી મોદી મલકાણ  – યુ એસ એ.

 

 

બ્લોગ લીંક  : http:/das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ સદા આવકાર્ય છે…. આભાર ! ‘દાદીમા ની પોટલી’.