દુઃખ અને તેનું નિવારણ …

દુઃખ અને તેનું નિવારણ …

– સ્વામી આત્માનંદ

 

 

 

 

માનવ જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. કોઈ એવો માણસ નહિ  હોય કે જેને કેવળ સુખ અને સુખ જ મળ્યું હોય કે દુ:ખ સિવાય બીજું કંઈ ન મળ્યું હોય. થોડું સુખ મેળવવા આપણે કેટલાંય દુઃખ ભોગવીએ છીએ. મોટેભોગે આપણું ધ્યાન એના તરફ જતું નથી.

 

 

જીવનનાં દુઃખોને ત્રણ શ્રેણીમાં વિભાજીત કરી શકાય. એક શ્રેણી એ છે કે જ્યાં દુઃખ સુખની આગળ આગળ ચાલતું રહે છે. આપણે એમ પણ કહી શકીએ કે દુઃખની પ્રક્રિયામાંથી પસાર થઈને માનવી સુખ મેળવે છે. એક કલાક ફૂટબોલની મેચ જોઇને સુખની સંવેદના મેળવવા કોલકત્તામાં લોકો ટિકિટ મેળવવા ખુલ્લા આકાશમાં કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહે છે અને તડકો અને વરસાદ અનુભવતા રહે છે. ધનની પ્રાપ્તિ આપણા મનમાં સુખની સંવેદના ઊભી કરે છે, પણ એને માટે આપણે કેટલો પરિશ્રમ કરવો પડે છે, કેટલાં દુઃખ કષ્ટ ભોગવવાં પડે છે ! વળી જ્યારે સુખની સંવેદના દૂર થઇ જાય છે ત્યારે આપણને દુઃખ થાય છે. આને અનિવાર્ય દુઃખ કહેવાય. જરા ઊંડાણથી વિચારીએ તો આપણને જોવા મળશે કે આ અનિવાર્ય દુઃખના મૂળમાં આપણી તૃષ્ણા જ રહેલી છે. તૃષ્ણાને મહાભારતમાં ‘પ્રાણાંતક રોગ’ કહ્યો છે. – યોઙસૌ પ્રાણાંતિકો રોગ: તાં તૃષ્ણાં ત્યજત: સુખમઆ દુઃખમાંથી બચવાનો ઉપાય તૃષ્ણાનો ત્યાગ છે.

 

 

દુઃખનો બીજો પ્રકાર એ છે કે જે આપણા પર બળપૂર્વક લાદી દેવામાં આવે. આપણે એને નથી લાવતા પણ એ પોતે જ આવીને આપણા પર સવાર થઇ જાય છે. દા.ત. આપણે રસ્તામાં જઈ  રહ્યા છીએ અને કોઈ વાહન આપણી સાથે ભટકાઈ જાય છે. આપણું હાડકું તૂટી જાય છે અને મહિનાઓ સુધી પ્લાસ્ટરમાં રહેવું પડે છે કે વળી કોઈ રોગ ઘર કરી જાય છે. દુઃખનાં આ રૂપ એવાં છે કે વગર બોલાવ્યે પોતે આવીને આપણને દુઃખી કરે છે. એમનાથી બચવાનો કોઈ ઉપાય નથી. તો પછી આ દુઃખોથી બચવા કરવું શું ? ગીતામાં આનો જવાબ મળે છે, ‘તાંસ્તિતિક્ષસ્વ ભારત’ હે અર્જુન એને સહન કરો. આવાં અનિવાર્ય દુઃખો સહેવાં પડે છે.

 

 

ત્રીજા પ્રકારનું દુઃખ એવું છે કે જે નિવાર્ય પણ છે અને અનિવાર્ય પણ છે. પણ આપણે પોતે જ એને માથે લઈએ છીએ. આ વાત જરા અટપટી છે પણ જે સત્ય છે તે એ છે. ઈર્ષ્યાથી ઉપજ્નારાં દુઃખ આવાં દુઃખ છે. એને આપણે ‘આત્મકૃત’ એટલે કે પોતે જ ઊભાં કરેલ દુઃખ કહીએ છીએ. એને લીધે આપણે બીજાનાં સુખ જોઇને દુઃખ અનુભવીએ છીએ. મનની આ જલનવૃત્તિ ઘણી વિચિત્ર છે. એ આપણને વિના કારણે દઝાડ્યા કરે છે. આપણે આપણા પાડોશીની ઘરે રેફ્રીજરેટર જોયું નથી ને આપણા મનમાં ઈર્ષ્યાનો અગ્નિ ભડકી ઊઠે છે. જો મારો કોઈ પરિચિત પોતાના કોઈ પ્રશંસનીય કાર્યને લીધે સમાજમાં પ્રિય બની જાય અને એને યશ કીર્તિ મળે તો મને એ ગમતું નથી. અને મારા મનમાં દુઃખપીડા ઉપાડે છે. વળી કોઈને લોટરી લાગી જાય તો મારા મનમાં કચવાટ થાય છે. અમારા એક પરિચિત સજ્જન એક ઘટના વારંવાર કહેતા :

 

 

‘એક વર્ષે એના કોઈ પરિચિત કોન્ટ્રાક્ટરને સારો એવો નફો મળ્યો. એમની સાથે મુલાકાત થઇ  એટલે એમને કહ્યું, ‘આ વર્ષે તો આપને ઘણો સારો લાભ મળ્યો છે.’ એ સાંભળીને એમણે કહ્યું, ‘ભાઈ લાભ ક્યાં મળ્યો છે. ગયે વર્ષે તો ખોટ ગઈ હતી.’ મેં કહ્યું, ‘ગયા વર્ષની વાત જવા દો. પણ આ વર્ષના નફાનો આપને આનંદ થવો જોઈએ.’ એ સાંભળીને એ કોન્ટ્રાક્ટરરે કહ્યું, ‘આનંદ શું હું ધૂળ મનાવું !’ મારા પાડોશી કોન્ટ્રાક્ટરને તો આ વર્ષે બમણો ફાયદો થયો છે.’’

 

 

આ પોતે ઊભું કરેલું દુઃખ છે. આવા દુઃખને આપણે મનને પ્રબળ બનાવીને બળપૂર્વક ખંખેરી નાંખવું જોઈએ. તો આ અનિવાર્ય દુઃખને દૂર કરવાનો ઉપાય એ છે કે તૃષ્ણા પર અંકૂશ લાવવો, અનિવાર્ય દુઃખને સહન કરી લેવું અને પોતાની મેળે ઊભા કરેલા દુઃખને મનની તાકાત લગાડીને પુરુષાર્થ દ્વારા ખંખેરી નાખવું.

 

 

 

( રા.જ.૪-૧૨ (૩૭-૩૮) )

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો, આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.