(૧) બધી શક્તિ તમારી ભીતર છે … અને (૨) શક્તિ ક્યાં રાખવી ? … (પ્રેરક વાતો) …

(૧) બધી શક્તિ તમારી ભીતર છે …

 

 

 

વિદ્યાર્થી મિત્રો …

 

 

તમે બધા સફળતાની ઝંખના રાખતા હશો. તમારાં માતાપિતા પણ તમે પરીક્ષામાં ઉચ્ચતમ સિદ્ધિ મેળવો તેવી અપેક્ષા રાખતાં હશે. તમે પોતે પણ પ્રથમ દસમાં સ્થાન મેળવવા ઇચ્છતા હશો જેથી તમારા આગળના અભ્યાસનો પથ સરળ – સહજ બની જાય. તમારાં મનહૃદય તમે ડોક્ટર, ઈજનેર, વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે બનવા મથતાં હશે.

 

હવે, તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો એટલી આત્મશ્રદ્ધા તમારામાં છે ? તમારી ભીતરની શક્તિઓ પર તમને શ્રદ્ધા છે ? આવો વિચાર કરતી વખતે ઘણી વાર તમે શંકા, ભય, હતાશા, બેચેની અનુભવો છો. ‘મને આ વિષે કોણ જાણે કેમ પણ આત્મવિશ્વાસ આવતો નથી.’ આમ બોલી ઊઠો છો. પરંતુ સીધીસાદી અને સાચી વાત એ છે કે તમે તમારું ધ્યેય સિદ્ધ કરી શકો. એ માટે જરૂરી છે આત્મશ્રદ્ધાની. જો તમે મનની શક્તિનો વિવેકપૂર્ણ વિચાર કરો અને તેને  સમજો તો તમે પર્વતોને પણ હચમચાવી શકો. તમારા મનમાં આવી વણવપરાયેલી મહાન શક્તિઓ છુપાવેલી છે. એ શક્તિઓને પારખીને તમે તમારી સફળતાને મેળવી શકો છો.

 

 

ન્યૂટન પોતાના બગીચામાં બેઠા હતા અને એક સફરજન પડ્યું. તેમણે વિચાર્યું કે આ સફરજન નીચે કેમ પડ્યું અને ઉપર કેમ ન ગયું? આ અકસ્માતને એમણે ગંભીરતાથી લીધો અને મંડ્યા વિચારવા, પોતાના મનમાં અગાઉ કરેલા વિચારોની એક સાંકળ એમણે બાંધી. પછી ચિંતન – મનન, નિરીક્ષણ – પરીક્ષણ, પૃથક્કરણ વગેરેમાં પોતાનું મન લગાડી દીધું. પરિણામે એમણે આપણને ‘ગુરુત્વાકર્ષણ’ નો નિયમ આપ્યો અને મહાન વૈજ્ઞાનિક બન્યા.

 

– (સ્વામી રાઘવેશાનંદકૃત ‘વેલ્યૂ ઓરીએન્ટેડ મોરલ લેસન્સ – ૪માંથી )

 

(રા.જ.૧૦-૧૨(૨૮)/૩૦૪)

 

 

(૨) શક્તિ ક્યાં રાખવી ? …

 

એક વખત સ્વર્ગમાં દેવો વચ્ચે ચમત્કારી અને રહસ્મય શક્તિ ક્યા રાખવી એની ચર્ચા ચાલતી હતી. એકે કહ્યું, ‘ઈચ્છા પ્રમાણે સિદ્ધિ મેળવી શકાય એવી શક્તિને સાગરના ઊંડાણમાં છુપાવી દેવી જોઈએ’. એ સાંભળીને બીજાએ કહ્યું, ‘આવી શક્તિને તો જ્યાં માનવ પહોંચી ન શકે તેવા ઊંચા પહાડોમાં ક્યાંક દાટી દેવી જોઈએ.’ ત્રીજા કહ્યું, ‘’કોઈ એકાંત, ગાઢ જંગલની ગુફામાં એને સંતાડી દેવી જોઈએ.’ બધાની વાત સાંભળીને એક મેઘાવી દેવતાએ કહ્યું, ‘એવી શક્તિને તો માનવ મનના ગહનતામાં રાખી દેવી જોઈએ.’ તેની ભીતર આ શક્તિ છુપાયેલી છે એનો અણસાર પણ એને નહીં આવે. એનું કારણ એ છે કે ‘માનવમન બાળપણથી જ અહીંતહીં ચંચળ બનીને ભટકતું રહે છે અને તે અંદર નજર પણ નાખવાનો નથી. માત્ર મેઘાવી લોકો જ એને ઓળખાશે, જાણશે અને તેનો ઉપયોગ કરીને તે મહાન બનશે.’ બડા દેવો આ વિચાર સાથે સંમત થયા. મિત્રો,બે પ્રકારના મનવાળા માણસો છે. એક મનની શક્તિ જાણે છે, ઓળખે છે અને મહાન બને છે. જ્યારે બીજો એમને એમ ભટક્યા કરે છે. તમારે પોતે તમારી ભીતર રહેલી શક્તિઓને જાણી ઓળખીને મહાન બનવાનું છે.

 

 

– (સ્વામી રાઘવેશાનંદકૃત ‘વેલ્યૂ ઓરીએન્ટેડ મોરલ લેસન્સ – ૪માંથી )

 

(રા.જ.૧૦-૧૨(૩૩)/૩૦૯)

 

બ્લોગ લીંક:http://das.desais.net
email : [email protected]

 

આજની બન્ને પ્રેરક વાતો જો આપણે પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો...

 

સર આઈઝેક ન્યુટન વિશે થોડું વિશેષ …

 

વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનનો જન્મ ઇ.સ.1642 માં ઇંગ્લેન્ડના એક નાના ગામમાં થયો હતો. જે વર્ષે ગેલિલિયોનું અવસાન થયું તે જ વર્ષે જાણે કે તેમની ખોટ પૂરવા એવા જ મહાન વૈજ્ઞાનિક ન્યૂટનનો જ્ન્મ થયો અને ખુશનસીબ ઘટના ગણાવી શકાય. નાનપણથી જ તેને હાથકારીગરીની નાની નાની વસ્તુઓ બનાવવાઓ ખૂબ રસ હતો. ગ્રેજ્યુએટ થયા પછી તેમણે સૌ પ્રથમ ગણિત ક્ષેત્રે ‘બાઇનોમિયલ થિયરમ’ ની શોધ કરી. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એ ન્યૂટનની ક્રાંતિકારી શોધ છે. કેલ્ક્યુલસ અંગેનો સિદ્ધાંત,ટેલિસ્કોપની રચના, પ્રકાશના વક્રીભવનની શોધ વગેરે શોધોએ ન્યૂટનને અમર ખ્યાતિ બક્ષી છે. પરંતુ ન્યૂટને કરેલ શોધો અવૈજ્ઞાનિક માન્યતાઓ સામેનો મોટામાં મોટો પડકાર હતો.

આટલી પાયાની શોધો કર્યા છતાં ન્યૂટન પ્રામાણિકપણે એમ માનતા હતા કે પોતે માત્ર જ્ઞાનના સાગરના કિનારે છીપો વીણતા એક બાળક જેવો છે, જ્યારે સત્યનો દરિયો તો મારી સમક્ષ વણઉકેલાયેલો પડ્યો છે. દરમિયાન તેમને રૉયલ સોસાયટીના પ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા અને રાણીએ તેમને ‘સર’ નો ખિતાબ આપી સન્માન્યા.  20/3/1727ના રોજ આ મહાન વૈજ્ઞાનિક ચિરનિદ્રામાં પોઢી ગયા. ન્યૂટને પોતાના પૂર્વાચાર્યોનું ઋણ સ્વીકારતા કહ્યું હતું : ‘જો હું કંઇ પણ આગળ જોઇ શક્યો છું, તો ફક્ત એ દિગ્ગ્જોના ખભે ઊભીને જ !

 

સાભાર : સૌજન્ય : એલ વી જોશી …

આજની સૌથી મોટી સમસ્યા: અપસેટ રહેવું …

આજની સૌથી મોટી સમસ્યા: અપસેટ રહેવું  …

 

 

 
દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાત ડિસ્ટર્બ કરે છે. અપસેટ રહેવું એ આજની સૌથી મોટી સમસ્યા છે. બધાના ચહેરા પર ન કળી શકાય એવો ભાર જોવા મળે છે. આપણે બધા જ કોઈ ને કોઈ બોજ સાથે લઈને ફરીએ છીએ. કોઈને સફળતાની ચિંતા છે તો કોઈને સંબંધોની સાર્થકતાની. શું થશે? એ પ્રશ્નના દબાણ હેઠળ બધા એવા દબાઈ ગયા છે કે કોઈ જ અને કંઈ જ ‘નેચરલ’ લાગતું નથી. દુનિયાની દરેક ફિલોસોફી જિંદગી વિશે એક જ વાત કરે છે કે જિંદગીને માણવી હોય તો વર્તમાનમાં જીવો. અત્યારે જે ક્ષણ છે તેને એન્જોય કરો. આ વાત બધા જાણે છે, પણ કેટલા લોકો ખરેખર વર્તમાનમાં જીવતા હોય છે? આપણાં ટેન્શન્સ આપણા ઉપર એટલા બધા હાવી થઈ જાય છે કે વર્તમાન આપણા હાથમાંથી સરકી જાય છે. આપણે કાં તો ભૂતકાળમાં ધકેલાઈ જઇએ છીએ અથવા ભવિષ્યમાં સરી પડીએ છીએ. એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે મને એક અજાણ્યો ભય લાગે છે. કંઈક બૂરું થવાનું છે એવો ડર મને લાગ્યા રાખે છે. આનાથી બચવા માટે મારે શું કરવું?સંતે કહ્યું કે તારા પડછાયા સાથે રમત રમવાનું છોડી દે. સંતે ઉમેર્યું કે દરેક માણસ પડછાયામાં જીવે છે. પડછાયો નાનો થાય તો ગભરાઈ જાય છે અને પડછાયો મોટો થાય તો હરખાઈ જાય છે. તમે તમારું મૂલ્ય પડછાયાને જોઇને ન આંકો, કારણ કે પડછાયો તો સમય મુજબ બદલાઈ જાય છે. જે બદલે છે એ સમય છે. તમે તો એના એ જ છો. માણસો દુઃખી એટલે છે કે જે નથી એમાં એ જીવતાં હોય છે. કલ્પના અને સપનાં સારી વાત છે પણ તેમાં તમે એટલા ન ખોવાઈ જાવ કે હકીકતને ન જીવી શકો.

 

 

માણસ કઈ વાતે સૌથી વધુ ડિસ્ટર્બ થાય છે? એકજ્યોતિષી અને મનોચિકિત્સક સાથે આ વિષય પર વાત થઈ. જ્યોતિષીએ પૂછયું કે કયા પ્રશ્નો અને કઈ મૂંઝવણ લઈને લોકો તમારી પાસે આવે છે? જ્યોતિષીએ કહ્યું કે સૌથી વધુ સવાલો રિલેશનશિપના છે. સંબંધો ગુમાવવાનો ભય લોકોને સૌથી વધુ છે.બધાને સંબંધો એટલી જડતાથી પકડી રાખવા છે કે સાથેની વ્યક્તિ ગૂંગળાઈ જાય. કોઈ એ સમજવા જ તૈયાર નથી કે કોઈને વશમાં રાખી તમે પ્રેમ મેળવી ન શકો. જે સંબંધો માણસને જીવવા જોઈએ એ જ તેને ડિસ્ટર્બ કરે છે. કોઈને પત્ની સાથે ફાવતું નથી, કોઈને પતિ હેરાન કરે છે, બધા ક્યાંકથી પ્રેમ મેળવવા ફાંફાં મારે છે, કોઈનેદીકરીના સંબંધ મંજૂર નથી, કોઈનાથી દીકરાનું વર્તન સહન નથી થતું, આડા, ઊભા, વાંકા અને ત્રાંસા સંબંધોમાં બધા જીવે છે અને હતાશ છે. મોટાભાગના લોકો અસમંજસમાં જ જીવે છે. ડિપ્રેશનમાં હોય તો ખબર પડે કે માણસ ડિસ્ટર્બ અને હતાશ છે પણ અત્યારના માણસની તકલીફ એ છે કે અત્યારનો માણસ નથી સો ટકા ડિપ્રેશનમાં કે નથી સો ટકા મજામાં. એ દુઃખ અને સુખમાં, આનંદ અને હતાશામાં એવો ઝૂલતો રહે છે કે એ થાકીને લોથપોથ થઈ જાય છે. બધા એવું બોલે છે કે જે થવું હોય એ થાય પણ જે થાય છે એ સહન કરી શકતા નથી. માણસ પોતે જ મુક્ત થઈ શકતો નથી. એવો ઘેરાયેલો રહે છે કે પોતાની હાલતમાં જ ગૂંગળાતો રહે છે. ક્યાંય મજા નથી આવતી, મૂડ બરાબર નથી, કોઈ વાતમાં આનંદ આવતો નથી. વિચારો પીછો છોડતાં નથી. ડર વધુ ને વધુ ભયાનકથતો જાય છે. દિવસે ચેન નથી પડતું અને રાતે ઊંઘ નથી આવતી, દરેક વ્યક્તિ આવી કોઈ ને કોઈ મૂંઝવણ અનુભવે છે. આજે જો કોઈ વાતનો દુકાળ હોય તો એ હળવાશનો છે. ભૂતકાળને પકડી ન રાખો. અને ભવિષ્યને પકડવા બાચકાં ન ભરો. તો જ અત્યારના સમય સાથે જીવી શકશો.

 

 

તમારા સંબંધોમાં વિશ્વાસ રાખો. સંબંધોમાં ન ફાવે ત્યારે માણસ સંબંધ બહુ આસાનીથી છોડી દે છે. જોકે છોડી દીધા પછી પણ એ છૂટી શકતો નથી. બ્રેકઅપ થયા પછી પણ પોતાનો પ્રેમી કે પ્રેમિકા શું કરે છે? કોની સાથે ફરે છે? મજા કરે છે કે દુઃખી છે? એનું ધ્યાન રાખતા ફરીએ છીએ. ડિવોર્સ થયા પછી પણ જુદી થયેલી વ્યક્તિ દુઃખી થાય એવા પેંતરા રચીએ છીએ. સાથે રહીને દુઃખ આપવા કરતાં ઘણાં લોકો છૂટા પડીને વધુ દુઃખ આપે છે. જે છૂટી ગયું છે એને છોડી દો. છૂટા પડીને કોઈ સુખી થાય એ પણ આપણાથી જોવાતું નથી. આવા દુઃખ માટે આપણે જ કારણભૂતહોઈએ છીએ. કોઈનું સારું ઇચ્છવાને બદલે એને શાપ દેવાનું આપણને વધુ ફાવે છે. માણસ સૌથી વધુ દુઃખી એટલે છે કે એને કોઈને દુઃખી કરવા હોય છે. બતાવી દેવું હોય છે. પરચો આપવો હોય છે અને આ બધાના કારણે જ પોતે દુઃખી રહે છે. આપણેજિંદગીનાં દુઃખોને ડિલીટ કર્યા પછી પણ એને રિસાયકલ બિનમાં સાચવી રાખીએ છીએ. ડિલીટ ફોર એવર કરતાં જ નથી. દુઃખનું સૌથી મોટું કારણ એ છે કે શું પકડી રાખવું અને શું છોડી દેવું તેનો સાચો નિર્ણય આપણે લઈ શકતાં નથી.

 

 

હવે મનોચિકિત્સક સાથે થયેલી વાત. તેમણે કહ્યું કે માણસ પોતાના વિશે લોકો અને ખાસ કરીને તેના નજીકના માણસો શું બોલે છે તે જાણી સૌથી વધુ ડિસ્ટર્બ થાય છે. માણસ સતત એ વાત ઉપર જ નજર રાખતો ફરે છે કે કોણ તેના વિશે શું વાત કરે છે. જે માણસની વાતને કોઈ ગંભીરતાથી ન લેતું હોય તેવી વાતને માણસ એટલી બધી ગંભીરતાથી લઈ લે છે કે એમાંથી બહાર જ નીકળી નથી શકતાં. ઓફિસના પાંચ માણસ સારું બોલતાં હોય પણ જો એક માણસ ખરાબ બોલે તો આપણને એ એકની જ વાત ખટક્યા રાખે છે. જે માણસ માત્ર વાત, અફવા કે ગોસિપથી ડિસ્ટર્બ થતો હોય તેને હેરાન કરવો સૌથી વધુ સરળ છે. તમારી દુઃખતી રગ જો બધાને ખબર હોય તો પછી લોકો એ જ રગ વારેવારે દબાવ્યા રાખશે. તમે ઉંહકારામાંથી બહાર જ નહીં આવો. સ્પોર્ટ્સમાં એક વણલખ્યો નિયમ એ છે કે તમારે જો જીતવું હોય તો તમારા હરીફને કોઈ ને કોઈ વાતે ડિસ્ટર્બ કરી દો, એમાં પણ જો એ કોઈ ખોટી વાતથી ડિસ્ટર્બ થઈ જતો હોય તો તમારે વધુ કંઇ કરવાની જરૂર જ નથી. એનામાં તો સમજ જેવું કંઈ છે જ નહીં, તેને તો બેઝિક રૂલ્સની જ ખબર પડતી નથી, એ તો માત્ર દેખાડો કરે છે. બાકી તેનામાં એટલી ડેપ્થ નથી, બીજા પાસે કામ કરાવીને એ જશ ખાટી જાય છે, આવી વાતથી માંડીને અંગત વાતો વિશે લોકો વાતો કરતાં રહે છે. એનો ભૂતકાળ તમને ખબર છે? એણે તો આવું કર્યું હતું, એના ઘરમાં એને કોઈ સાથે બનતું નથી. બોસની ચમચાગીરી કરીને એ માણસ અહીં સુધી પહોંચ્યો છે. સફળ માણસ વિશે આવી વાતો કરનારાની એક મોટી ફોજ હોય છે. આવી વાતો તરફ ધ્યાન આપીએ એટલે આપણે જ્યાં ધ્યાન આપવું જોઈએ ત્યાંથી ધ્યાન ચૂકી જવાય છે. તમારા વિશે કોણ કેવી વાતો કરે છે તેની પરવા ન કરો. તમારે જે કરવાનું છે એ કરતાં રહો. જો કે બહુ ઓછા લોકો આવું કરી શકે છે. આપણે ઓફિસમાં જ જાસૂસ રાખીએ છીએ કે શું ચાલે છે તેની જાણ મને કરતો રહેજે. બધે નજર તો રાખવી જ પડે. આવી વાતોમાં આપણે આપણો કેટલો સમય અને શક્તિ વેડફતાં હોઈએ છીએ? કોણ શું કરે છે એ નહીં પણ તમારે શું કરવાનું છે એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

 

 

જો તમે ડિસ્ટર્બ થશો તો બધા જ તમને ડિસ્ટર્બ કરશે. ઘણા લોકો પોતાના વિશે જ વાતો જાણી ખુલાસાઓ કરવામાંથીનવરાં પડતા નથી. તમે રસ્તો ચૂકી જાવ એવા સતત પ્રયત્ન થવાના જ છે. તમે માત્ર તમારા માર્ગને જ પકડી રાખો. તો કંઈ વાંધો આવતો નથી. તમે એ વિચાર કરો કે કઈ વાત તમને સૌથી વધુ ડિસ્ટર્બ કરે છે? એ વાત ખરેખર ડિસ્ટર્બ થવા જેવી છે ખરી?તમે જે વાતથી ડિસ્ટર્બ થાવ છો તેમાં જ પડયા રહેવાથી સરવાળે કોઈ ફાયદો થવાનો છે કે કંઈ પરિણામ આવવાનું છે? જો ના તો એને છોડી દો. નકામી વાતો અને ખોટી ચિંતા અને ઉપાધિઓમાંથી જ આપણે બહાર નીકળવાનું હોય છે. એવા વિચારોને જ ટાળો જેતમને ડિસ્ટર્બ કરે છે. કંઈ જ ખરાબ નથી થવાનું પણ પહેલાં તમે કંઈક ખરાબ થશે એવા ડરમાંથી બહાર તો નીકળો. તમારી જાતને હળવી કરી દો તો જ જિંદગી જીવવા જેવી લાગશે.

 

 

સાભાર : –કૃષ્ણકાંત ઉનડકટ

 

 

જીવનમાં હળવાશ કયારે અનુભવાય? …

 

જીવનમાં જે કંઈ બની રહ્યુ છે અને બનશે તે આપણા હિતમાં જ હશે, આવો દઢ નિશ્ચય. * સરળતા અને શુધ્ધિનો નિત્ય સથવારો. * ઈચ્છાઓનો મહેલ ન રચવાની આદત. * જરૂરિયાતવાળી વસ્તુ ખપપુરતી રાખવાની આદત. * નિયમિતતા અને સુધડતાવાળુ દેનિક જીવન. * ચોખ્ખો વ્યવહાર.

 

સૌજન્ય : પૂર્વી મલકાણ (યુ એસ એ) 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો) નાં અંતરપૂર્વકથી આભારી છીએ. આ ઉપરાંત શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં પણ અંતરપૂર્વકથી આભારી છીએ. જેમના દરેક લેખ ખૂબજ મનનીય અને સૂચક – જીવનમાં કશુક જાણવા લાયક રજૂઆત સાથેના હોય છે.

 

આજની પોસ્ટ આપણે પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.