છત્રપતિ શિવાજી અને ગુરુની આજ્ઞા … (વાર્તા) …

છત્રપતિ શિવાજી અને ગુરુની આજ્ઞા … (વાર્તા) …

 

 

 

 

સતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે. રાજા મનમાં થાય છે : અહો ! આ તે શું ધતિંગ! ગુરુજીના હાથમાં ભિક્ષાની ઝોળી ! જેને ઘેર કોઈ વાતની કમી નથી, રાજરાજેશ્વર શિવાજી જેને ચરણે પડ્યો છે, લોકો જેના ખોળામાં બધી સંપત્તિ ધરી દે છે, તેવા એક સાધુની વાસનાનો એ અંત નહીં ! વ્યર્થ છે ફૂટેલા વાસણમાં પાણી લાવીને તરસ છિપાવવાનું જેમ વ્યર્થ  છે, તેમ આ લોભી સાધુની તૃષ્ણા મટાડવા માટે એના હાથમાં રાજલક્ષ્મી ઠાલવવી પણ વ્યર્થ છે. પણ ના, એક વખત એની પરીક્ષા તો કરવી જોઈએ. ખબર પડશે કે આ સંન્યાસીની તૃષ્ણાને તળિયું છે કે નહીં.

 

 

એમ વિચારીને મહારાજે કાગળ-કલમ લીધાં, કાગળ પર કાંઈક લખ્યું; બાલાજીને બોલાવ્યો ને આજ્ઞા કરી કે, ગુરુજી જ્યારે આપણે દ્વારે ભિક્ષા માગવા પધારે ત્યારે એમની ઝોળીમાં આ કાગળ ધરી દેજો. ભિક્ષા માગતા માગતા ગુરુજી ચાલ્યા જાય છે. અંગ ઉપર કોપીન, હાથમાં ઝૂલી રહી છે એક ઝોળી, અને ગંભીર મોંમાથી ગાન ઝરે છે : હે જગત્પતિ ! હે શંકર ! સહુને તમે રહેવાનાં ઘર દીધાં, મને જ માત્ર રસ્તે ભટકવાનું સોંપ્યું. માડી અન્નપૂર્ણા સચરાચર સર્વને પોતાને હાથે ખવરાવી રહી છે. તમે જ, હે પરમ ભિખારી ! મને એ મૈયાના ખોળામાંથી ઝૂંટવી લઇને તમારો દાસ બનાવી દીધો, આ ઝોળી લેવરાવી. શી…

 

તમારી માયા , પ્રભુ !

 

 

ગાન પૂરું થયું. ગુરુજી સ્નાન કરી કિલ્લાને દરવાજે આવ્યા. બાલાજીએ નમન કરીને એનાં ચરણમાં છત્રપતિની ચિઠ્ઠી મેલી. ગુરુજીએ પત્ર વાંચ્યો. પત્રમાં લખ્યું હતું કે, ગુરુદેવ ! આજથી આખું રાજ્ય હું આપને ચરણે ધરી દઉં છું. હું આપને  આધીન થાઉં છું. ગુરુજી હસ્યા. બીજે દિવસે પોતે શિવાજી મહારાજની પાસે ગયા અને બોલ્યા, બોલ, હે બેટા ! રાજ મારે કબજે સોંપી દીધું તેથી તું મારા રાજ્યમાં શું કામ કરીશ ! તારામાં શી શી શક્તિ છે, વત્સ ?

 

 

 

શિવાજી મહારાજે નમન કરીને જવાબ વાળ્યો કે, તમે કહો તે ચાકરી કરવામાં હું મારા પ્રાણ સમર્પિશ.

 

 

 

ગુરુજી કહે કે : ના રે ના, તારા પ્રાણની મને જરૂર નથી. ઉપાડી લે આ ઝોળી, અને ચાલ મારી સાથે ભિક્ષા માગવા. હાથમાં ઝોળી લઈને શિવાજી ગુરુદેવની સાથે દ્વારે દ્વારે ભટકે છે. મહારાજને દેખી નાનાં બચ્ચાં ઘરની અંદર દોડી જાય છે અને આ તમાશો જોવા પોતાનાં માબાપને બોલાવી લાવે છે. અખૂટ વૈભવનો ધણી, બાદશાહોને પણ ધ્રુજાવનારો બહાદુર, અપરંપાર અનાથોનો સ્વામી શિવાજી આજ ઝોળી લઈને નીકળ્યો છે. એ જોઇને શીલા સમાન હૈયાં પણ પીગળી જાય છે. લોકો લજ્જાથી નીચે મોંએ ભિક્ષા આપે છે. ઝોળીમાં અનાજ નાખતાં હાથ થરથરે છે. નગર આખું વિચારે છે કે વાહ રે મહાપુરુષોની લીલા !

 

 

 

દુર્ગ ની અંદર બપોરના ડંકા વાગ્યા, ને કામકાજ છોડીને નગરજનો વિસામો લેવા લાગ્યા. ગુરુ રામદાસ તો એકતારા ઉપર આંગળી ફેરવતા ગાન ગાતા જાય છે. શું હતું એ ગાન ! હે ત્રિલોકના સ્વામી ! તારી કલા નથી સમજાતી.

 

 

 

તારે ઘેર તો કશી યે કમી નથી. તો યે માનવીના હૃદયને હૃદયે આમ ભિક્ષા માગતો કાં ભટકે છે, ભગવાન ? તારે ત્યાં શાનો તોટો રહ્યો, સ્વામી ? કંગાળ માનવીના અંતરમાં તેં એવી શી શી દોલત દીઠી, કે એ મેળવવા માટે પ્રત્યેકની પાસે તું કાલાવાલા કરી રહ્યો છે, રામ ? ગુરુ ગાતા ગાતા રખડે છે. શિવાજી પાછળ પાછળ ચાલ્યા જાય છે. આખરે સાંજ પડી. નગરની એક બાજુ નદીને કિનારે સ્નાન કરીને ગુરુએ ભિક્ષામાં આણેલું અનાજ રાંધ્યું. પોતે લગાર ખાધું, બાકીનું શિષ્યો જમી ગયા.

 

 

 

શિવાજીએ હસીને કહ્યું : ‘રાજ્પદનો ગર્વ ઉતારીને તમે આજે મને ભિખારી બનાવ્યો છે, હે ગુરુદેવ ! તો હવે બોલો, ફરમાવો, બીજી શી શી ઈચ્છા છે ?’

 

 

 

ગુરુદેવ બોલ્યા : સાંભળ ત્યારે. મારે માટે પ્રાણ અર્પવાની તેં પ્રતિજ્ઞા કરી છે. તો હવે ઉપાડે લે મારો ભાર. આજ આ નાની ઝોળીનો ભાર નથી ઉપાડવાનો, આ નાનકડી નગરીમાં નથી ભટકવાનું. આજે તો મારે નામે, મારો પ્રતિનિધિ બની ફરી વાર આ રાજગાદી સંભાળી લે, બેટા ! મારું સમજીને રાજ્ય રક્ષજે. રાજા બન્યા છતાં યે હૃદય ભિક્ષુકનું રાખજે. લે, આ મારા આશિર્વાદ, અને સાથે સાથે મારું ભગવું વસ્ત્ર. વૈરાગીના એ વસ્ત્રનો રાજધવ્જ બનાવીને તારા કિલ્લા પર ચડાવી દેજે. આજથી આ રાજ્ય નથી; એને ઈશ્વરનું દેવાલય સમજજે. જા, બેટા ! કલ્યાણ કર જગતનું. એ મનોહર સંધ્યાકાળે, ગીતો ગાતી એ નદીને કિનારે નીચું માથું નમાવી શિવાજી શાંત બેસી રહ્યા. લલાટ ઉપર જાણે ફિકરનાં વાદળાં જામી પડ્યાં. ગોવાળની વાંસળી થંભી ગઈ . ગાયો ગામમાં પહોંચી ગઈ . સૂર્ય પણ સંસારને સામે કાંઠે ઊતરી ગયો. શિવાજી મહારાજ સ્તબ્ધ બનીને બેસી જ રહ્યા. લૂંટારો બનીને રાજ્ય ચલાવવું સહેલું હતું, પણ આજ સાધુ બનીને સિંહાસને શી રીતે બેશાશે ?

 

 

 

નદીને કિનારે પર્ણકુટીમાં તો તંબૂરાના તાનમાં ગુરુદેવનાં પૂરબી રાગિણીનાં ગાન ગુંજી ઊઠ્યાં હતાં : મને રાજાના શણગાર સજાવીને સંસારમાં બેસાડ્યો, ને તમે તો છુપાઈને છેડે જઈ બેઠા ! તમે કોણ છો, હે રાજાધિરાજ ? મેં તો તમારી પાદુકા આણીને તખ્ત પર પધરાવી છે, પ્રભુ ! હું તો તમારા પગના બાજઠ પાસે જ બેઠો છું. સિંહાસન પર મારું આસન હોય નહીં, હરિ ! હવે તો આ જિંદગીની સંધ્યા આવી પહોંચી. હવે ક્યા સુધી બેસાડી રાકશો, રાજા ? હવે તો આવીને આપનું રાજ્ય સંભાળી લો, સ્વામી !  શિવાજી મહારાજે એ ગાન સાંભળ્યું અને ભગવા ઝંડાને જગત પર અમર બનાવ્યો.

 

 

(રા.જ.૧૦-૧૨(૩૨-૩૩)/૩૦૮-૦૯)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

 આજની પોસ્ટ જો આપને પસંદ આવી હોય તો, આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.